Opinion Magazine
Number of visits: 9666073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઘાયલ મણિપુરમાં વિશ્વગ્રામનું રાહતકાર્ય : આપણે મદદ કરી શકીએ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 November 2023

મણિપુર વહેરાયેલું છે, મણિપુર લોહીલુહાણ છે, મણિપુર એકલું છે.

ભારતના રાજ્ય મણિપુરમાં ગુજરાતની ‘વિશ્વગ્રામ’ સંસ્થાના 18 કાર્યકરો ગયા પંદર દિવસથી કાર્યરત છે. તેઓ હિંસાનો ભોગ બનેલા નાગરિકો માટેની રાહત શિબિરો –  relief campsમાં આશ્રિતોનાં આરોગ્ય અને બાળકો માટે સેવા આપી રહ્યાં છે. ‘વિશ્વગ્રામે’ ગયા પચીસેક વર્ષમાં ભારતભરમાં અનેક કુદરતી અને રાજકીય આપત્તિગ્રસ્તો માટે ગાંધીવિચારને હૈયે રાખીને, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિથી અળગા રહીને નોંધપાત્ર કામ કર્યું છે. વિશ્વગ્રામે આદરેલી મણિપુરની સંવેદન-પહેલ વિશેનો આ લેખ સંજય-તુલા સાથે ટેલિફોન પર વાત કરીને લખ્યો છે.

વિશ્વગ્રામના કુલ 18 ગુજરાત-નિવાસી કાર્યકર્તાઓની બે ટુકડીઓ (જેમાં સાત બહેનો છે) અત્યારે 16 રાહત છાવણીઓમાં કાર્યરત છે. રાહત છાવણીઓ ચાળીસેક કિલોમીટરના વિસ્તારમાં આવેલા ચાર જિલ્લાઓમાં છે : ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિશ્નુપુર અને થૌબલ. આ બધી છાવણીઓમાં કુલ 6,400 જેટલા આશ્રિતો છે જેમાં ત્રીજા ભાગનાં બાળકો છે. મણિપુરની અંદાજિત પાંચ લાખની વસ્તીમાંથી 60 હજાર લોકો મે મહિનાની શરૂઆતથી રાહત શિબિરોમાં છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે શિબિરના આશ્રિતોનાં ઘર લૂંટાયાં છે, સળગાવાયાં છે, કુટુંબો વિખરાયાં છે, મહિલાઓ અપમાનિત થઈ છે, બાળકો નોંધારા થયાં છે. આ બધાં પીડિતો માટેની શિબિરો શાળાઓ, કૉલેજો, ટ્રેડ સેન્ટર, કમ્યુનિટી હૉલ, ખુલ્લાં મેદાનોમાં પ્રિફૅબ્રિકેટેડ મટિરિયલથી ઊભા કરવામાં આવેલાં ઓરડા જેવી જગ્યાએ છે. દરેક કૅમ્પના રહીશોની સંખ્યા અલગ અલગ છે, જે સોથી સવા સાતસોની વચ્ચે છે. સંતોષકારક ન જ કહી શકાય તેવી આ શિબિરો હિંસાને રોકવામાં લગભગ નિષ્ફ્ળ નિવડેલી સરકારે ઊભી કરેલી છે.

વિશ્વગ્રામની મેડિકલ ટીમમાં 5 ડૉક્ટર્સ અને બે પેરામેડિકલ સહાયકો છે. સંપૂર્ણ તબીબી ટુકડી વિસનગરની  સાકળચંદ પટેલ યુનિવર્સિટીની મેડિકલ કૉલેજના સેવાભાવીઓની છે. દવાઓ અને સાધનોનો સંપૂર્ણ સહયોગ પણ આ વિશ્વવિદ્યાલયનો છે. બાળકો માટેની ટીમમાં શાળા-કૉલેજનાં શિક્ષક-શિક્ષિકાઓ, મહિલાઓ અને યુવાનો છે.

સુઆયોજિત સમય પત્રક મુજબ કામગીરી ચાલે છે. બંને ટુકડીઓ મોટી કારમાં બેસીને દરરોજ એક જિલ્લાના ચાર કૅમ્પસની મુલાકાત લે છે. સવારે સાડા દસથી બપોરે એકના સમયમાં બે કૅમ્પ્સ અને દોઢથી સાંજે સાડા ચાર સુધીમાં બીજા બે. ઇમ્ફાલમાં આવેલા બેઝ કૅમ્પથી સવારે આઠના સુમારે જમીને વાહનમાં નીકળવાનું અને સાંજે પાંચના સુમારે ત્યાં અંધારું થાય એ ટાણે પાછાં આવવાનું.

મેડિકલનું કામ એટલે ફૅમિલી ડૉક્ટરનું. તમામ પ્રકારના દરદીઓની સારવાર, દરદીને માટે જરૂર જણાય તો કૅમ્પના સરકારી સંચાલકને હૉસ્પિટલની ભલામણ કરવાની. અઘરા કેસ પણ આવે. એક દરદીને ચાર દિવસથી નહીંવત પેશાબ થાય. તેનો કેઇસ હિસ્ટરી તેના ઘર સાથે બળી ગયો હતો. હાઇપર ટેન્શન, ભૂખ ન લાગે, ઊંઘ ન આવે અને ચિંતા (anxiety) થાય એવા માનસિક વ્યાધિઓ ધરાવતા શિબિરવાસીઓની સંખ્યા ઘણી મોટી છે. આરોગ્યલક્ષી સ્વચ્છતા (hygiene)ના અભાવે ચામડીના રોગ વધ્યા છે.

સરકારી તબીબ અઠવાડિયામાં બે વાર વત્તા-ઓછા સમય માટે સરકારી રાહે આવે અને જાય. એટલે વિશ્વગ્રામની મેડિકલ ટીમની જવાબદારી વધી જાય. ભાષાની ખૂબ મુશ્કેલી ખરી, પણ તે સારવારના મામલે ચલાવી ન લેવાય.

સંજય – તુલા

ભાષાનો અવરોધ આખા ય કામમાં કેટલેક અંશે ઓછો  થયો છે તેનું કારણ એકતા પરિષદ નામે જળ-જંગલ-જમીન માટે દેશભરમાં કામ કરતા મંચની મદદ છે. પી.વી. રાજગોપાલની રાહબરી નીચેના આ મંચના મણિપુરના છ સ્થાનિકો કાર્યકરો સતત મદદ કરે છે. તે બધાં સેવાભાવી ડૉ. રિશીભાઈ અને વિદ્યાબહેનની દોરવણી હેઠળ કામ કરે છે.

બાળકો માટે કૅમ્પમાં જઈને ખંજરી વગાડતાં બધે ફરવાનું, આગગાડી બનીને ચક્કર મારવાનું અને બાળકોને ભેગાં કરવાનાં. વિશ્વગ્રામને અનેક આપત્તિઓ પછીની રાહત શિબિરોનો બહોળો અનુભવ છે. તેમણે બાળ-કિશોરો માટે સોળ પ્રકારની પ્રવૃત્તિઓ ઘડી છે. તેમાં ઓરિગામી ઉપરાંત ગ્રીટીંગ કાર્ડસ, ચિત્રો તેમ જ જાતે ઓછા ખરચે રમકડાં બનાવવા, કાગળની સાત પ્રકારની ટોપીઓ તૈયાર કરવા જેવી અનેક સર્જનાત્મક બાબતોનો સમાવેશ થાય છે. ક્રિકેટ, ફૂટબૉલ, વૉલિબૉલ, બૅડમિન્ટન જેવાં રમતોનાં સાધનોની કિટ પણ બનાવીને આપવામાં આવી રહી છે. બાળકોએ દોરેલાં ચિત્રોમાં કાળો સૂરજ, બળી જતાં ઘર, બંદૂકની ગોળી છોડતો માણસ જેવાં ચિત્રો હોય છે. નવમા ધોરણની એક  કિશોરીને તેના ઘર-ગામ-શાળા વિશે પૂછતાં તે ખૂબ રડી.

રાહત છાવણીઓમાં રહેતાં લોકો નીચલા મધ્યમવર્ગના નાના વેપારીઓ અથવા સીમાંત ખેડૂતો છે. આખા પરિવારો રહે છે. છાવણીઓનાં પૂરવઠા અને વહીવટમાં ઘણી શિથિલતા છે. ટૉઇલેટ્સ અપૂરતાં છે. ખોરાકમાં ભાત-દાળ-શાક. કેટલીક જગ્યાએ તો ખોરાક જોઈને આંખમાં પાણી આવી જાય. વિશ્વગ્રામના કાર્યકરો પોતાના માટે બેઝ કૅમ્પ પર બધાં જોડાઈને રસોઈ બનાવે છે, પણ સીધું ત્યાંના બજારમાંથી ખરીદવું પડે છે. બજાર આમ નૉર્મલ લાગે પણ શહેરની સરહદો અને ધોરીમાર્ગો જડબેસલાક બંધ હોય છે. છડેચોક સેંકડોની સંખ્યામાં બંકરો હોય, જ્યાં યુવાનો બંદૂક લઈને બેઠા હોય. મઈતિ સમુદાયોના વિસ્તારો/ગામોમાંથી કૂકી સમુદાયોના વિસ્તારો/ગામોમાં ન જઈ શકાય, અને સામે પણ એવું જ. કાર્યકરો કલકત્તા સુધી રેલવેમાં ગયાં અને ઇમ્ફાલ સુધી વિમાનમાં. ખરચો ગમે તેટલો બચતો હોય તો પણ રોડ માર્ગે જવાનું જોખમ ન લઈ શકાય. વિશ્વગ્રામના શિરસ્તા મુજબ મોટા ભાગના પોતાના ખરચે જ આવવા-જવાનું રાખે છે. ઇમ્ફાલમાં વિશ્વગ્રામના બેઝ કૅમ્પની ઉત્તમ વ્યવસ્થા કૉટેજવાળા ફાર્મહાઉસમાં મણિપુરના ભાવનાશાળી રાજ્યપાલ અનસૂયાબહેન થકી થઈ છે. તદુપરાંત, આ સળગતા રાજયમાં ખાસ જરૂરી એવી  તમામ પ્રકારની સરકારી મંજૂરીઓ પણ રાજ્યપાલને કારણે કંઈક સરળતાથી મળી શકી છે.

મે મહિનાથી મણિપુરની પરિસ્થિતિને માધ્યમોમં જોતાં જોતાં સંજય હલી ઊઠ્યા હતા. તેમણે 3-7 ઑક્ટોબર દરમિયાન મણિપુરની રાહત શિબિરોની મુલાકાત લીધી. તેને લગતો તેમનો અત્યંત હૃદયાસ્પર્શી લેખ ‘અકાલ પુરુષ’, ‘કોડિયું’, ‘ભૂમિપુત્ર’ અને ‘વિશ્વવિહાર’ના આ મહિનાના અંકોમાં પ્રસિદ્ધ થયો છે, જે ખાસ વાંચવા જેવો છે. તેમાં નોઆખલી અને બી. પ્રસાદના એક કાર્ટૂનનો સંદર્ભ આપીને સંજય લખે છે : Shall we go, Bapu ?’ 

 લેખની લિન્ક આ છે  https://drive.google.com/file/d/1a5jbdhvqvL9w7I8EK5Zw1-   TrePiN3m2Z/view?usp=sharing

વિશ્વગ્રામના કામનું પ્રબળ ભાવનાત્મક પાસું છે. સંજયની વાત સાંભળતા અનેક વખત આંખ ભરાઈ આવે. એક જગ્યાએ બહુ બધાં બાળકોને કિલ્લોલતાં, મોટેરાઓને ખુશ થતાં જોઈને કોઈએ કહ્યું : ‘આટલા બધા લોકોને એક સાથે હસ્યા હોય એવી આ પહેલી ઘટના છે.’

સંજયભાઈને ભારે રંજ છે કે મણિપુરની પડખે દેશમાંથી અત્યારે કોઈ નથી, ગાંધીના ગુજરાતમાંથી પણ કોઈ નથી.

વિશ્વગ્રામ તેના સેવાકાર્યોમાં બૅનરનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. સંજય કહે છે : ‘મને એ બહુ અપમાજનક લાગે છે. આપણી દીકરી કે દીકરીના ઘરે જઈએ, કામ કરીએ એમાં બૅનર લગાવીએ છીએ ?’ સંસ્થાના સંસાધનો ટાંચાં છે. કૅમ્પ્સમાં જવા માટેનું એક મોટરનું રોજનું ખર્ચ પાંચ હજાર રૂપિયા છે, બીજો કોઈ વિકલ્પ નથી. બધાના નહીં પણ કેટલાકનું તો વિમાન ભાડું સંસ્થાએ આપવું પડે છે. અત્યારે પ્રકાશ ભગવતી અને રાજેશ ભટ્ટ સંચાલિત સંસ્થા ‘સ્વપથ’નો મુખ્ય આર્થિક ટેકો છે. વિશ્વગ્રામની અત્યારની પહેલી ટુકડી 30 નવેમ્બરે પાછી આવશે અને બીજી ટુકડી પહેલી ડિસેમ્બરથી વીસ દિવસ માટે કામ કરશે. તે બધાને મદદની જરૂર પડશે. વિશ્વગ્રામને સહાય કરીએ.

વિશ્વગ્રામના સહુ નિષ્ઠાવાન કાર્યકરોને ધન્યવાદ. અત્યારના કૅમ્પના કાર્યકરો આ મુજબ છે. મેડિકલ ટીમ : સર્વશ્રી ડૉક્ટર નમ્રતાબહેન, ખ્યાતિબહેન, હેમાબહેન, જિજ્ઞાસાબહેન, સાહિલભાઈ ; મેડિકલ ઇન્ટર્ન્સ દાનિશભાઈ અને જિગરભાઈ; શિક્ષકો : દિપ્તિબહેન, ભારતીબહેન, હિમાંશુભાઈ, ગૌરાંગભાઈ, મેહુલભાઈ, ઇલિયાસ મન્સૂરી; વિદ્યાર્થી : અજયભાઈ; વિશ્વગ્રામના પૂરા સમયના કાર્યકર્તા : દર્શનભાઈ; ટીમ લીડર્સ : તુલાબહેન, ઇલિયાસ ડાભલાવાલા અને સંજય.

બાળકો માટે પુસ્તકો કે  સ્પોર્ટસ કિટ માટે ,કે અન્ય કોઈ રીતે સહયોગ આપી શકીએ.

સંપર્ક : તુલા-સંજય 94262388234 vishwagrambasna@gmail.com  

[તસવીરો : વિશ્વગ્રામ, કોલાજ સૌજન્ય : નીતિન કાપુરે, લિંક સૌજન્ય : પાર્થ ત્રિવેદી]
24 નવેમ્બર 2023 
[1,000 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

બંધારણ દિવસ ભૂલીએ નહીં, બંધારણ નવા સમાજનો ખરિતો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 November 2023

 સવાલ શાસનનાં શીલ અને શૈલીનો

આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુજ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.

પ્રકાશ ન. શાહ

હમણાં જ ધ્યાનમાં આવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને શિક્ષણ સંસ્થાઓને સૂચના આપી છે કે, ભારત સરકારે 2015ના વરસમાં 125મી આંબેડકર જયંતીથી વિધિવત્‌ નક્કી કર્યું છે તે પ્રમાણે 26મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ ઉજવાય છે. એને અનુલક્ષીને કોઈ ને કોઈ કાર્યક્રમ, ખાસ તો બંધારણના અમુખનો સંદેશ સૌને પહોંચે એ રીતે યોજાય તે જોશો. યુ.જી.સી.ના આ પરિપત્ર વિશે જાણ્યું ત્યારે સ્વાભાવિક જ થઈ આવેલું સ્મરણ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની એક માર્મિક ટિપ્પણીનું હતું. થોડાં વરસ પર 26મી જૂનના કટોકટી દિવસે બોલતાં એમણે કહ્યું હતું કે, 1975ના જૂનમાં લદાયેલી કટોકટી ફરી વાર ન લાદી શકાય તે માટે આપણે 1977-1979ના જનતા કાળમાં જરૂરી બંધારણીય ને કાનૂની જોગવાઈ કરી છે એ સાચું, પણ તેમ છતાં એવા કાળા દિવસો વળી કોઈ રીતે પાછા નહીં જ આવે એમ હું કહી શકતો નથી.

અડવાણી ત્યારે જે દોરમાંથી ગુજરી રહ્યા હતા (અને આજે ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવા થઈ ગયા છે) તે અનુભવધક્કાનાં એમના આ ઉદ્દગારો પાછળ ફાળો હોય તો પણ તટસ્થપણે જોતાં આપણે અઘોષિત કટોકટી જેવો અનુભવ કરીએ છીએ એ વાત નકારી શકાય એમ નથી. હજુ થોડા દિવસ પર જ દેશના વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કાયદાના અર્થઘટનમાં મતભેદોને અવકાશ હોય, કાળાન્તરે અમુક બાબતોમાં વિશેષ મહત્ત્વ આપવાપણું લાગે છે કે ઓછું મહત્ત્વ અપાય, એ બની શકે છે. પણ, છેવટે તો, બંધારણીય નૈતિકતા એ કાયમી મદ્દો છે તે ભૂલવા જેવું નથી.

બંધારણ વિશે નાગરિક માત્રમાં સભાનતા રહે અને એક પા આણ ને ધોરણે સરકારની જવાબદેહી નક્કી થતી રહે એ જરૂરી છે. હવે બેત્રણ દિવસ પછી બંધારણ દિવસ ઉજવાતો હશે ત્યારે એના ઘડતરમાં અગ્રભૂમિકા અદા કરનાર આંબેડકરના બંધારણ સભામાંના એ શબ્દો બેલાશક યાદ અપાવા જોઈશે કે બંધારણ ગમે એટલું સારું હોય તો પણ એના સારાપણાનો વાસ્તવિક આધાર એનો અમલ કરનારાઓ પર રહે છે.

આંબેડકરે, 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ પસાર થયું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસથી તે અમલમાં આવવાનું હતું એ ગાળામાં આપણી સામેના વાસ્તવિક એજન્ડામાં એકદમ ઉજાસમાં મૂકી આવ્યો હતો : કાયદાથી, નાગરિકને નાતે આપણે સૌ રાજકીય સમાનતાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. પણ આ દેશનું જે દુર્દૈવ વાસ્તવ છે તે તો એ છે કે આર્થિક-સામાજિક વિષમતા જોતાં રાજકીય સમાનતા ઓછી અને પાછી પડે છે. જે-તે પક્ષની રાજ્ય સરકારો, ગૃહમાં વિધિવત કોઈ ખરડો પસાર કરે તે પછી રાજ્યપાલની સહી સાથે એ કાયદાનું રૂપ લે. પણ કેન્દ્ર સરકારના કાચા રાજ્યપાલો વિપક્ષી સરકાર હસ્તક વિધાનગૃહમાં પસાર થયેલ ખરડા પર સહી ન કરતાં બબ્બે – ત્રણ ત્રણ વરસ ચપ્પટ બેસી રહે છે, અને હવે સર્વોચ્ચ અદાલતે તે વિશે તાકીદ કરવાની નોબત આવી છે.

ખરું જોતાં આ તો લોકશાહી ધારાધોરણમાં અપેક્ષિત સામાન્ય વાત છે, અને ધારાગૃહ – કારોબારી – ન્યાયતંત્ર અંગે સત્તાવિશ્લેષનો અનુભવાડાવ્યો સાદો સિદ્ધાંત સૌ જાણે છે. આ સહજ સંવૈધાનિક શીલ વાસ્તે આપણે ઊહાપોહ કરવો પડે, એ ક્યાંનો ન્યાય? ખરેખર તો બંધારણ દિવસે આવી કાયદાકાનૂની જોગવાઈની ખટપટમાં ખોવાયા વગર, વધુ પાયાની વાત કરવી જોઈએ પણ રાજ્યસંસ્થાને પક્ષે જવાબદેહી ન હોય ત્યારે આવી વાતો ઉઠાવવી પડે છે. બાકી, એક ગુલામ દેશમાંથી આપણે સ્વાધીન મુલક તરીકે બહાર આવ્યા ત્યારે બંધારણનો ખરિતો આપણે સારુ નવો ને ન્યાયી સમાજ શક્ય બને તો માટેની રાજ્યરચના વાસ્તે હતો અને છે.

આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુ જ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.

—————

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 નવેમ્બર 2023

Loading

 સ્વ. મધુસૂદન કાપડિયાને અપાયેલી સ્મરણાંજલિ 

રજની પી. શાહ|Diaspora - Literature|24 November 2023

મિત્રો,

રજની પી. શાહ

આ મારી કેફિયત છે. હું અને મધુસૂદન કાપડિયા. એમને હું કહું છું, મારા ‘સાહેબ’. હું સન ૧૯૬૭માં ન્યૂ યોર્ક આવ્યો. ઇન્ડિયામાં મેડિકલ ડોક્ટર થઈને ત્યાંથી એમ.ડી. કરીને આવેલો માત્ર બ્રોડવેના નાટકો જોવા જ. પંચાવન વર્ષ પહેલાં અહીં ન્યુ યોર્કમાં ભાગ્યે જ કોઈ એકાદુ ઇન્ડિયન જોવા મળે. તેવી સ્થિતિ હતી. કહેવાય ન્યૂયોર્ક પણ કશું કોઈ મનોરંજન નહીં. તેથી કૅસેટો સાંભળું. એકાદ બે દુહા અને અવિનાશ વ્યાસના ગરબા. ઘર બહુ યાદ આવે તો પાઠ્ય પુસ્તકની કોઈ કવિતા ગાઉં, જેમ કે ‘મીઠા મધુ ને મીઠા મેહુલા … જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ’.

આ ‘રે લોલ, રે લોલ’ ગણગણું કે મા યાદ આવે.

પછી સંસાર માંડ્યો. બાળકો થયા. પણ  એ બેમાંથી એકેય ગુજરાતી બોલ્યાં જ નહીં. ખરેખર તો મારી પોતાની ભાષા પણ મરવા પડી હતી.

એક દિવસ વાવડ મળ્યા કે અહીં કોઈ ગુજરાતી સાહિત્યનું મંડળ રચાયું છે. અરે કોઈ કિશોર દેસાઈ કરીને માણસે ‘ગુર્જરી’ મૅગેઝીન પણ શરૂ કરી દીધું છે. તેમાં મેં એન.આર.આઈ. તરીકે બારાખડી જેવા આ ભૂમિના લેખો લખવા માંડ્યા. તો વળી એવા સમાચાર પણ મળ્યા કે કોઈ મુંબઈનો મધુસૂદન કાપડિયા તો પોતાના ઘરે પુરુષોત્તમ ઉપાધ્યાયને ગાવા બોલાવે છે. સાથે હંસાબહેન પણ હોય છે. હવે પ્રશ્ન એ હતો કે ત્યાં મારાથી જવાય કેવી રીતે? એક અફવા તો એવી હતી કે એમાં મધુસૂદનની એન્ટ્રી પરમિટ જોઈએ. એકેએકને એ ચકાસી ચકાસીને વિસા આપે છે! માસ્તર પોતે જ દરવાન હોય છે અને પોતે જ બૉડીગાર્ડ.

મધુસૂદન કાપડિયા

ચલો. છેલ્લે લાગવગથી મને એ વિસા મળ્યો. પણ મારા તો પહેલા જ ઇન્વિટેશનમાં મોકાણ મંડાઈ. ન્યુ જર્સીના એમના ઘરે સાંજે ૭:00 વાગ્યા પહેલાં પહોંચી ના શક્યો. કારણ મને એમનું ઘર જ ના મળ્યું અને પ્રોગ્રામ શરૂ થઇ ગયેલો. છેવટે મેં ડરતાં ડરતાં એમને ફોન કર્યો. કોઈએ મધુસૂદનને મેસેજ આપ્યો, કે ‘આર.પી. ઇઝ લોસ્ટ’. તો સાહેબે દુર્વાસાની જબાનમાં મોટેથી મને એ સભામાં શાપ આપ્યો, ‘ટેલ હિમ ટુ ગો બેક’. એ પ્રસંગ પછી આર.પી. નામનો શખ્સ વગોવાઈ ગયો.

પણ દુ:ખનું ઓસડ દા’ડા. એકાદ બે વર્ષમાં મને પૂર્ણ એન્ટ્રી વિસા મળી ગયો. જયજયકાર થઈ ગયો મારી લાઇફમાં ! અમે બીઝી બીઝી થઇ ગયા. પુરુષોત્તમ ને હંસા. આસિત અને હેમા. અરે! સવારના ૪:00 વાગ્યા સુધી મનહર ઉધાસ પણ ગાતા રહે. બસ. જલસા – જલસી. જલસા – જલસી.

સાહેબના મહેલમાં તો પછી મહા સાહિત્યકારો અને મહા કવિઓને પાંચ પાંચ ફૂટના અંતરે સાંભળ્યા અને માણ્યા. હરીન્દ્ર દવે, પ્રદ્યુમ્ન તન્ના, નિરંજન ભગત, સિતાંશુ, વિનોદ જોશી. કંઈ કેટકેટલાંને?

મધુસૂદન સાહેબ તો અમને કિંડરગાર્ટનના બટુકોને, પોતાના આશ્રમમાં સાંદિપની ઋષિની જેમ ટ્રેઇનિંગ આપે. અમે પૂછતા ‘આ છંદ વળી શું બલા છે? નકામા લલગા લગાના જીભના લોચા!’ તો  આ ગઝ્ઝલ બઝ્ઝલ શું છે?’ તો સાહેબ અમને મત્લા ફતલા ને શેર વિગેરે બધું એક જ બેઠકમાં સમજાવી દે.

એક વાર સાહેબ જમીનથી અધ્ધર ચાલ્યા. કારણ? કારણ ‘ઝેર તો પીધાં જાણી જાણી’ના લેખક દર્શક એમને ઘરે મહેમાન થયા હતા. વર્ષો વીત્યાં અને દર્શક હજૂ એ નવલકથાનો ભાગ-૨ લખતા નહોતા. તો સાહેબે  એમના પર દબાણ મૂકીને એ લખાવડાવ્યો. બ્રાવો.

પછી તો સાહેબ એકેડેમીના પ્રેસિડન્ટ થયા. એક વાર એમણે ઘોષણા કરી. કે  ધી ગ્રેટ … ‘ધી ગ્રેટ ઉમાશંકર હેઝ એક્સેપ્ટેડ અવર ઇન્વિટેશન ટૂ વિઝિટ યુ.એસ.એ. અહોહો..! આ ઉમાશંકર, ભોમિયા વિના ભમનારો કવિ. મારા પાઠ્ય પુસ્તકના આ કવિની પંક્તિઓ તો મેં કંઠસ્થ કરેલી. અજીત શેઠે એની તો કેસેટ પણ કરેલી. ઓ માય ગૉડ આ મહાકવિ સાથે તો પછી તો હું જમવા પણ બેઠેલો.

 મધુસૂદને કેટલા ય સાહિત્યકારોને અમારે આંગણે લાવી દીધા.

મધુસૂદન કાપડિયા

ન્યૂયોર્કમાં તે સમયે અમે પાંચ છ કપલ્સે એક ગૃપ બનાવેલું. એમાં સાહેબે બહુ રસ લીધેલો. એમાં ખાણી પીણી સાથે અમે ૨૦ કલાકની બેઠક કરતા. એમાં મધુસૂદન ઉત્કૃષ્ટ રચનાઓ લાવે. અને અમે બધાં સમૂહમાં એ ઉકેલીએ. એક વાર સાહેબ એમાં રાવજી પટેલનું ગીત લઈને આવ્યા. એ ગીત હતું, ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. એમાં એક પંક્તિ આવે છે. ‘લીલા ઘોડા ડૂબ્યા’. અહાહા … ટી.બી.થી મૃત્યુશય્યા પર પડેલા કવિના .. ડીલ્યૂઝન્સમાં એ પોતાના પ્રણયનું દૃશ્ય જુએ છે. એના પર ઓ માય ગોડ, સાહેબે એવું સરસ રસદર્શન અમને કરાવ્યું કે હું અતિ આનંદથી બોલી ઊઠ્યો, ‘સાહેબ, તમે મને આજે દિવ્યચક્ષુ આપ્યા!. એક પૉઝ પડી ગયો. મધુસૂદન આ સાંભળીને અવાક થઈ ગયા. કોઈ મહા અકાદમીનો બડો ઈનામ એમને મળ્યો હોય તેમ એ રાજીના રેડ થઇ ગયા. સાઇબરમાં તારામંડળ ફૂટ્યા.

બીજી એક વાર એ જ બેઠકમાં સાહેબ એક કરુણ રચના લઇ ને આવ્યા. તે પ્રસંગને સહજ ટૂંકમાં લઈ લઉં. એ હતી બાલમુકુન્દ દવેની કવિતા, ‘જૂનું ઘર ખાલી કરતાં’. કાવ્યમાં નાયક પોતાનું ઘર ખાલી કરે છે. દંપતીના લગ્નજીવનના પહેલા દસકામાં જ પોતાનો એકનો એક દીકરો ખોઈ બેઠેલા. નાયકે પોતે જ પોતાના પુત્રને અગ્નિદાહ દીધેલો. બેરે બેરે હૃદય કઠણ કરી રાખ્યું છે. બસ હવે આ ઘર છોડવાની છેલ્લી ઘડી છે, ને અંદરથી મૃત પુત્ર બોલે છે, ‘બા! બાપુ! ના કશું ય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ..’ બસ. અહીં મધુસૂદન ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે. એમનાથી આગળ કાવ્ય વાંચન થતું નથી. બધું અટકી ગયું. મારા જ ઘરમાં આ સીન ભજવાયો ને હું રહ્યો નાટકનો માણસ. જુઓ આ દૃશ્ય મારી રીતે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન ઓપેરા હાઉસનું આ દૃશ્ય હતું. મધુસૂદન સ્ટેજ પર આડા પડ્યા છે. ત્યાં મસમોટા સ્ટેજના રોમન સામ્રાજ્યના સેટના થાંભલાની જાંઘો ક્રશ થવા માંડી છે .. મારી આ ફિનાલી.

જેમના કોષે કોષમાં કવિતા સિંચાઈ છે અને જેમને ટીચિંગનું વરદાન મળ્યું છે, તે મધુસૂદન માટે મારે આટલું જ કહેવાનું છે, કે સાહેબ, મોર્નિંગ-વોકમાં નીકળો ત્યારે તમે સામે બાંકડા પર બેઠેલા ચેહરાઓ જોજો. એ આપણા સૌના પુરોગામીઓ છે. એમને ઓળખી પાડજો. તમારો ફેવરિટ અખો, નરસિંહ મહેતા, બ.ક. ઠાકોર, સુંદરમ્‌, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન ભગત. નામાવલી બહુ લાંબી છે. પાછા કામે લાગી જાવ. તમે મને વચન આપ્યું છે કે તમારે સાહિત્યનાં ઇરોટિક ગીતોનો બૃહદ્દ સંચય બહાર પાડવો છે. થેંક યૂ.

*****

‘ગુજરાતી લિટરરી ઍકૅડેમી ઑફ નોર્થ અમેરિકા’ તરફથી સ્વ. મધુસૂદન કાપડિયાને અપાયેલી સ્મરણાંજલિ. ઝૂમ મીટિંગ. તારીખ  ૧૮/૧૧/૨૦૨૩ 
Email: rpshah37@hotmail.com

Loading

...102030...889890891892...900910920...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved