Opinion Magazine
Number of visits: 9666152
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તો હિંદુ રાષ્ટૃની કલ્પના સામાજિક ન્યાય તરફ કેન્દ્રિત થાય

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2023

રમેશ ઓઝા

બિહારની જ્ઞાતિકીય વસ્તી ગણતરીએ બી.જે.પી. સામે મુશ્કેલી ઊભી કરી છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં સવર્ણોનું સર્વત્ર પ્રભુત્વ છે, પછાત જાતિઓને હજુ પણ અન્યાય થઈ રહ્યો છે અથવા ન્યાય નથી મળી રહ્યો એ જો સ્વીકારવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એનું સ્વરૂપ કેવું હશે અને તેમાં પરંપરાગત પછાત જાતિઓનું શું સ્થાન હશે? અનુભવ તો એવો છે કે હિંદુ સામાજિક પરંપરાએ વંચિતોને, સ્ત્રીઓને અને કેટલીક જ્ઞાતિઓને બહાર રાખ્યા હતા. તેમને સમાન દરજ્જા સાથે અંદર લેવાની સુવર્ણ તક ભારતનાં બંધારણે આપી છે.

પણ તક આપી એનો અર્થ એવો નથી કે તેઓ તક ઝડપવા જેટલા સક્ષમ છે. ઉપલબ્ધતા અને સક્ષમતા એ બે જુદી વસ્તુ છે. બજારમાં ઘણી વસ્તુ ઉપલબ્ધ છે, પણ તે ખરીદવા જેટલી ક્ષમતા ન હોય તો એ વસ્તુ હોવા છતાં ય તેને માટે તે નથી. બંધારણે ઉપલબ્ધ કરાવી આપેલી જોગવાઈ હજુ આજે પણ લોકો સુધી પહોંચી નથી એ એક હકીકત છે. પણ સવાલ એ છે કે એની જાણકારી કેવી રીતે મેળવવી? એનો સૌથી સચોટ ઉપાય છે; જ્ઞાતિકીય સર્વેક્ષણ. માત્ર માથાંની ગણતરી નહીં; આર્થિક, સામાજિક, શૈક્ષણિક સર્વેક્ષણ પણ કરવામાં આવે. પછાતપણાને અને વંચિતપણાને સંબંધ છે. બિહારમાં કરવામાં આવેલી જ્ઞાતિકીય ગણતરીએ એ સિદ્ધ કરી આપ્યું છે. બિહારમાં અતિ પછાત જ્ઞાતિઓ અતિ વંચિત છે એ સાબિત થઈ ગયું છે.

બી.જે.પી.ની સમસ્યા એ છે કે જો હિંદુઓ વચ્ચે તક અને તકથી વંચિતપણા વચ્ચેના અંતરનો સ્વીકાર કરવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામાજિક ન્યાય તરફ કેન્દ્રિત થાય. હિંદુ હિંદુ ભાઈભાઈની વાત પોકળ સાબિત થાય. હિંદુઓને માંડ મુસલમાનોનાં પાપ યાદ કરાવી કરાવીને રડતા અને ડરતા કર્યા છે એ ભૂલીને હિંદુ સમાજમાંના પછાત વંચિતો બ્રાહ્મણોનાં પાપ યાદ કરીને રડતા અને ડરતા થાય. સામાજિક અન્યાયના અને વંચિતપણાના ડામ સહન કરી લો પણ મુસલમાનોનાં પાપ નહીં ભૂલતા એમ તો જાહેરમાં કહેવાય નહીં. પણ એમ તો જરૂર કહી શકાય કે હિંદુ રાષ્ટ્રમાં કોઈને ય અન્યાય નહીં થાય, તે સાચા અર્થમાં રામરાજ્ય હશે વગેરે વગેરે. આવું કહેવામાં પણ આવે છે.

આવું તો ગાંધીજીએ પણ કહ્યું હતું અને કાઁગ્રેસે આઝાદીની લડત વખતે ઠરાવો (ઠરાવ નહીં ઠરાવો) કરીને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રમાં કોઈને ય અન્યાય નહીં થાય. સામાજિક એકત્વ અને સામાજિક ન્યાય માટે ગાંધીજીએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા (ડૉ આંબેડકરને એ અધૂરાં કે અપ્રામાણિક લાગ્યાં હતાં એ જુદી વાત છે) એ એક હકીકત છે. તેમને અને કાઁગ્રેસના નેતાઓને જાણ હતી કે હિંદુ સમાજ આદર્શ સમાજ નથી. જે સમાજ કોઈ ખાસ કોમને કે સ્ત્રીઓને સમાજિક વ્યવસ્થામાંથી બહાર રાખતો હોય એ આદર્શ ન હોઈ શકે. ગાંધીજીએ અને કાઁગ્રેસે આનો સ્વીકાર કર્યો હતો, શરમ અનુભવી હતી, પ્રાયશ્ચિત કર્યું હતું, સંવાદ સાધ્યો હતો, સેતુ રચવાનો પ્રયાસ કર્યો હતો અને સૌથી શિરમોર બંધારણમાં કોઈની પણ સાથે અન્યાય ન થાય એની પાકી જોગવાઈ કરી હતી. આ બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચોક્કસ કોમ અને સ્ત્રીઓ સાથેના અન્યાયનો નથી ખુલ્લો સ્વીકાર કર્યો, નથી શરમ અનુભવી, નથી પ્રાયશ્ચિત કર્યું. માત્ર આદર્શ હિંદુ રાષ્ટ્રની વાત કરવામાં આવે છે. જો આની ખાતરી કરવી હોય તો ભંવર મેઘવંશીનું ‘મેં એક કારસેવક થા’ નામનું પુસ્તક વાંચી જાવ. એ બિચારાને સંઘમાં દલિત હોવાનો કડવો અનુભવ થયો હતો.

વાત એમ છે કે આઝાદી પછી શિક્ષણનો વિસ્તાર થયો. ગામેગામ શાળાઓ અને ગામની નજીક કસ્બાઓમાં કોલેજો ઉઘડવા લાગી. જે પ્રજાને શિક્ષણ ઉપલબ્ધ નહોતું એ ભણતી થઇ. ધીરે ધીરે તેમની અંદર રાજકીય અને સામાજિક જાગૃતું આવી. તેમને ન્યાય-અન્યાયનો, હિંદુ સામાજિક વ્યવસ્થાના અસલી ચહેરાનો, સવર્ણોના ઢોંગનો અને તેમની સંખ્યાની તાકાતનો બોધ થવા લાગ્યો. ભારતમાં સામાજિક ન્યાયના નામે જ્ઞાતિકીય રાજકારણ વિકસ્યું અને સંસદીય રાજકારણમાં જ્ઞાતિઓની વોટ બેંક બનવા લાગી. સંઘને સમજાતું નહોતું કે આ પ્રબળ બનતી જતી જ્ઞાતિચેતનાનું શું કરવું? આ તો હિંદુ ચેતનાને મારક છે. પહેલાં જનસંઘ અને હવે ભારતીય જનતા પક્ષ સંઘના રાજકીય પક્ષો છે અને તેને સંસદીય રાજકારણમાં પછાત હિંદુઓના મત મેળવવા જરૂરી હતી. સંઘે પછાત જાતિઓમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું અથવા પ્રવેશ આપવાનું શરૂ કર્યું. પણ પેલો પ્રશ્ન તો તેની જગ્યાએ કાયમ હતો કે કહેવાતા હિંદુ રાષ્ટ્રમાં સામાજિક ન્યાયનું સ્વરૂપ શું હશે.

સંઘ અને બી.જે.પી.ના સદ્દનસીબે આ જાગૃત થયેલી જ્ઞાતિઓમાં મધ્યમવર્ગ અસ્તિત્વમાં આવ્યો અને તેનું કલ્યાણ થઈ ગયું હોવાથી તેમની જ જ્ઞાતિમાં જેમનું કલ્યાણ હજુ નહોતું થયું તેમના કલ્યાણમાં તેમને કોઈ રસ નહોતો. મધ્યમવર્ગનો આ સ્વભાવ છે. કાર્લ માર્કસે કહ્યું હતું કે મધ્યમવર્ગ વિશ્વાસઘાતી હોય છે. સંઘ પરિવારે મુસ્લિમ વિરોધી પ્રચાર કરીને તેમનાં કાન ભરવાનું શરૂ કર્યું અને તેઓ હિન્દુત્વવાદી રંગે રંગાવા લાગ્યા. બી.જે.પી. એકલે હાથે સત્તા સુધી પહોંચી શકી છે એ આ બહુજન સમાજના તેમ જ દલિત અને આદિવાસીઓમાંના મધ્યમ વર્ગના સહારે.

પણ હવે બી.જે.પી.નું દાયકાનું શાસન જોઇને પછાત જાતિઓના મધ્યમવર્ગને સમજમાં આવે કે ન આવે જેમને કોઈ લાભ મળ્યો નથી એવા પછાત જ્ઞાતિના લોકોને સમજમાં આવવા માંડ્યું છે કે હિંદુરાષ્ટ્રમાં તેનું સ્થાન ક્યાં હશે? એમાં વળી બિહાર સરકારે જ્ઞાતિકીય પણ સર્વાંગીણ સર્વેક્ષણ કરાવ્યું જેણે પછાત તેમ જ વંચિતોને હજુ વધુ ચોંકાવી દિશા. જ્યાં બી.જે.પી.નું શાસન નથી એવાં રાજ્યોએ પણ જ્ઞાતિકીય વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે અને કાઁગ્રેસે વચન આપ્યું છે કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરી કરવામાં આવશે.

ભારતમાં જ્ઞાતિ કોમવાદનું મારણ અને વારણ છે એ વાત સંઘપરિવાર સારી રીતે જાણે છે. કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચતા ૬૭ વરસ લાગ્યાં એ જ્ઞાતિઓના કારણે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 નવેમ્બર 2023

Loading

રહેં ના રહેં હમ, મહેકા કરેંગે : સુચિત્રા સેનના પ્રેમના બગીચાની ‘મમતા’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 November 2023

રાજ ગોસ્વામી

હિન્દી સિનેમા જગતમાં એક ફિલ્મ સર્જકની જોઈએ એટલી કદર નથી થઇ. તેમનું નામ આસિત સેન છે (એક બીજા બંગાળી બાબુ આસીત સેન હિન્દી સિનેમામાં કોમેડિયન તરીકે લોકપ્રિય થયા હતા). કદાચ એનું કારણ એ હશે કે હિન્દીમાં આવીને છવાઈ ગયેલા અન્ય નિર્દેશકોની જેમ આસિત સેને બહુ ફિલ્મો બનાવી નથી. 79 વર્ષ જીવેલા આસિત સેને કુલ મળીને માત્ર 17 જ ફિલ્મો બનાવી હતી. તેમાં 5 બંગાળીમાં અને 12 હિન્દીમાં. હિન્દીમાં તેમની 4 ફિલ્મો જ યાદગાર સાબિત થઇ હતી; મમતા (1966), ખામોશી (1969), અનોખી રાત (1968) અને સફર (1970).

સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તેની ઝળહળતી કારકિર્દીમાં, અમુક લો-બજેટની, પણ સંવેદનશીલ ફિલ્મો આપી હતી તેમાં ખામોશી અને સફર મોખરે છે. એમ તો આસિત સેને બે મોટી ફિલ્મો બનાવવાનું પણ સાહસ કર્યું હતું, પણ બંનેનો ધબડકો થયો હતો; 1976માં, તેમણે દિલીપ કુમારની ત્રેવડી ભૂમિકામાં ‘બૈરાગ’ બનાવી હતી અને 1982માં રાજ કપૂર અને તેમના ભાઈ શશી કપૂરને લઈને ‘વકીલ બાબુ’ બનાવી હતી. હીરો તરીકે દિલીપ કુમાર અને રાજ કપૂરનો સૂરજ ત્યારે આથમી ગયો હતો એટલે બંને ફિલ્મોને ચાહકોનો પ્રેમ ન મળ્યો.

ઢાકામાં જન્મેલા આસિત સેનને, તેમના સિનેમેટોગ્રાફર કાકા રામાનંદ સેનગુપ્તાની દેખાદેખી ફોટોગ્રાફીમાં રસ પડ્યો હતો. બંગાળી ફિલ્મોમાં સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર આસિત સેને સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકે પહેલીવાર મહાત્મા ગાંધીની નોઆખલી અને પટનાની યાત્રાની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

આપણે અગાઉ, લોહીના કેન્સરથી પીડાતા દર્દી (રાજેશ ખન્ના) અને તેની સારવાર કરતી ડોકટર(વહીદા રહેમાન)ની અધૂરી પ્રેમ કહાની પરની ફિલ્મ ‘સફર’ની વાત કરી ગયા હતા. આજે આપણે આસિત સેનની પહેલી હિન્દી ફિલ્મ ‘મમતા’ની વાત કરીએ. એ પછી ‘ખામોશી’ અને ‘અનોખી રાત’ની વાત પણ માંડીશું.

‘મમતા’ આસિત સેનની સફળ બંગાળી ફિલ્મ ‘ઉત્તર ફાલ્ગુની’ (ઉત્તર એટલે ‘પછી’ અને ફાલ્ગુની એટલે ‘વસંત ઋતુ’)ની હિન્દી રીમેક હતી. 1963માં બનેલી સ્ત્રી-કેન્દ્રિત આ ફિલ્મમાં બંગાળી સુપરસ્ટાર સુચિત્રા સેનનો ડબલ રોલ હતો. બંગાળીમાં આ ફિલ્મને લોકોએ સારો આવકાર આપ્યો હતો અને તેને શ્રેષ્ઠ બંગાળી ફિલ્મનો રાષ્ટ્રીય પુરષ્કાર પણ મળ્યો હતો. ત્રણ વર્ષ પછી આસિત સિને તેની હિન્દી રીમેક બનાવી હતી. તેમાં પણ સુચિત્રા સેન હતી અને હીરો તરીકે ધર્મેન્દ્ર અને અશોક કુમાર હતા.

‘મમતા’ માતૃત્વની કહાની હતી અને સુચિત્રા સેને તે ભૂમિકા બખૂબી નિભાવી હતી. ફિલ્મમાં, અમીર પરિવારનો મોનીષ (અશોક કુમાર) વકીલાતનું ભણવા પરદેશ જાય છે એટલે તેની ગરીબ પ્રેમિકા દેવયાની(સુચિત્રા)ને તેના પિતાની સારવાર માટે થઈને ગામના ઉતાર સમા રાખાલ સાથે પરણાવી દેવામાં આવે છે. તેનાથી તેને એક દીકરી સુપર્ણા (સુચિત્રા) થાય છે.

શરાબી અને ઐયાશ પતિથી બચવા માટે દેવયાની ઘર છોડીને જતી રહે છે અને ગુજરાન ચલાવવા માટે પન્નાબાઈ નામની તવાયફ બની જાય છે. રાખાલ ત્યાં પણ આવીને તેને પરેશાન કરે છે એટલે તે દીકરીને એક ઈસાઈ મિશનમાં મૂકી દે છે જેથી તેની પર દેવીયાનીના જીવનની છાયા ન પડે.

એ પછી મોનીષ ભણીને પાછો આવે છે અને દેવીયાનીને શોધે છે પણ પન્નાબાઈ બની ગયેલી દેવીયાની તેને તેની સાથે શું બન્યું હતું તે જણાવીને તેના જીવનથી દૂર રહેવા વિનંતી કરે છે. જો કે તે મોનીષને સુપર્ણાનું ધ્યાન રાખવા કહે છે. પન્નાબાઈ તેના નાચ-ગાનમાં વ્યસ્ત થઇ જાય છે અને મોનીષ સુપર્ણાનો કાકો બની જાય છે. સુપર્ણા પણ મોટી થઈને વકીલનું ભણે છે.

સમય વીતે છે અને એક ઇન્દ્રનીલ (ધર્મેન્દ્ર) નામનો એક યુવાન વકીલ નોકરી માટે સુપર્ણાના ભલામણ પત્ર સાથે મોનીષની ઓફીસમાં આવે છે. પન્નાબાઈની હવે ઉંમર થઇ ગઈ છે. મોનીષ સુપર્ણાનો પત્ર તેને બતાવે છે. બંનેને લાગે છે કે સુપર્ણા અને ઇન્દ્રનીલ પ્રેમમાં છે. બંને ખુશ થાય છે. મોનીષ હવે દેવીયાનીને આગ્રહ કરે છે કે તે સુપર્ણાને તેની અસલી ઓળખાણ આપી દે, પણ દેવીયાની ના પાડે છે કારણ કે રાખાલ હજુ પણ તેને ત્રાસ આપે છે અને તેને ય ખબર પડે છે કે સુપર્ણા તેની જ દીકરી છે એટલે તે દેવીયાનીને બ્લેકમેલ કરે છે.

વર્ષોથી ત્રાસેલી દેવીયાની તેની દીકરીને આ ગંદકીથી બચાવવા માટે જોશમાં આવીને એક દિવસ રાખાલનું ખૂન કરી નાખે છે. દેવીયાની પર હત્યાનો ગુનો નોંધાય છે અને તેની પર કેસ ચાલે છે. કોર્ટમાં સરકાર તરફથી સુવર્ણા વકીલ છે અને દેવીયાનીના બચાવમાં મોનીષ વકીલ છે. સરકારી વકીલ સુપર્ણા દેવીયાની પર ખૂનનો આરોપ સિદ્ધ કરવા મહેનત કરે છે અને મોનીષ તેને બચાવવા પ્રયાસ કરે છે અને એમ જ એક દિવસ તે સુપર્ણાએ અસલી હકીકતની જાણ કરે છે.

વર્ષો પછી, ‘દીવાર’ ફિલ્મના વિજયે (અમિતાભ બચ્ચને) જેમ ભગવાન શિવના મંદિરમાં જઈને મરણ પથારીએ પડેલી તેની માતાનું જીવન માગ્યું હતું, તેવી રીતે ‘મમતા’ ફિલ્મમાં સુપર્ણાએ અદાલત સમક્ષ મા-દીકરીની અસલ ઓળખાણ આપીને કાલાવાલા કરે છે કે ‘મુજે મેરી મા દે દો.’ કોર્ટરૂમનું એ દૃશ્ય યાદગાર છે. સુપર્ણા જજ સમક્ષ તેની માતાનું જીવન માંગે છે અને દીકરીને તેની અસલિયત ખબર પડી ગઈ છે તેના આઘાતમાં દેવીયાની કઠેડામાં ફસડાઈ પડે છે અને અંતે દીકરીના જ ખોળામાં દમ તોડી દે છે.

દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતી માતા દેવીયાની / પન્નાબાઈ અને એક આદર્શવાદી વકીલ સુપર્ણાની ભુમિકામાં સુચિત્રા સેને ‘મમતા’ને એકલા હાથે ખભા પર ઊંચકી લીધી હતી. સેનની આ એકમાત્ર બંગાળીમાંથી રીમેક હતી એટલે ભૂમિકા અને વાર્તામાં તેનો આત્મવિશ્વાસ પડદા પર દેખાય છે.

ફિલ્મનું બીજું જમા પાસું તેનું સંગીત છે. રાકેશ રોશન – રાજેશ રોશનના સંગીતકાર પિતા રોશન લાલ નાગરાથે ગીતકાર મજરૂહ સુલતાનપૂરીનાં ગીતો પર યાદગાર સંગીત આપ્યું હતું. તેનું એક ગીત આજે પણ યાદગાર છે. રોશને 1954માં બી.આર. ચોપરાની ફિલ્મ ‘ચાંદની ચોક’માં ‘તેરા દિલ કહાં હૈ’ ગીત માટે એક મધુર ધૂન બનાવી હતી. એ જ ધૂનમાં થોડા ફેરફાર કરીને તેમણે ‘મમતા’માં એક કર્ણપ્રિય ગીત રચ્યું હતું; રહેં ના રહેં હમ, મહેકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગ-એ-વફા મેં.’

ફિલ્મમાં આ ગીત બે વાર આવે છે. પહેલીવાર તે લતા મંગેશકરના અવાજમાં છે અને સુચિત્રા સેન અશોક કુમાર માટે ગાય છે અને બીજી વાર મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના અવાજમાં સુચિત્રા અને ધર્મેન્દ્ર પર શૂટ થયું હતું. મોનીષ અને દેવીયાનીના અધૂરા પ્રેમની યાદ અપાવવા માટે આ જ ગીતની ધૂન બેકગ્રાઉન્ડમાં પણ વાગતી રહે છે. અત્યંત સંવેદન વાર્તા, તમામ કલાકારોના ઉત્કૃષ્ઠ અભિનય, રોશનનું મધુર સંગીત અને આસિત સેનનું સક્ષમ નિર્દેશન ‘મમતા’ને એક સીમાચિન્હ રૂપ ફિલ્મ બનાવી ગયું હતું.

આસિત સેનની જેમ, સુચિત્રા સેને પણ બહુ હિન્દી ફિલ્મો કરી નહોતી (કદાચ હિન્દી ભાષા તેમને અનુકૂળ નહોતી). તેમની ડેબ્યુ ફિલ્મ બિમલ રોયની ‘દેવદાસ’ હતી (જેમાં તેમણે પારોની ભુમિકા કરી હતી), પણ તે દિલીપ કુમારની ફિલ્મ હતી. એ સિવાય ગુલઝારની ‘આંધી’ ફિલ્મમાં સેનને ઇન્દિરા ગાંધીની સશક્ત ભૂમિકા મળી હતી. એ બે વચ્ચે ‘મમતા’ જ એવી ફિલ્મ હતી, જેમાં એક અદાકારા તરીકેની તેમની પૂરી આવડતનો ભરપૂર ઉપયોગ થયો હતો.

1981માં આવેલી, રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘દર્દ’ની પ્રેરણા ‘મમતા’ હતી. એમાં રાજેશ ખન્ના પર એક તવાયફની હત્યાનો આરોપ છે અને તેની વકીલ હેમા માલિની (જે તેની ભૂતપૂર્વ પ્રેમીકા છે) તેને આજીવન સજા અપાવે છે. આ ફિલ્મમાં ખય્યામનું સંગીત બહુ લોકપ્રિય થયું હતું. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 29 નવેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ઝેરી સાપોને પાતાળમાંથી ગોતીને ઝબ્બે કરો !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 November 2023

[ભાગ-7]

રમેશ સવાણી

‘ખેડે તેની જમીન’ની નીતિ લોકશાહી ઢબે અમલમાં લાવવાનું મુશ્કેલ કામ સૌરાષ્ટ્ર સરકારે કર્યું હતું. કેટલાંક રજવાડાઓને સૌરાષ્ટ્ર સરકારની આ પ્રગતિશીલ નીતિ ગમી નહીં, એટલે સરકારની સામે છૂપું બંડ પોકારવા ષડયંત્ર રચ્યું. ‘વાઘણિયા સ્ટેટ’ના રાજવી અમરા વાળાના ઓડર્લી / ડ્રાઈવર ભૂપતસિંહ મેરુજી રાજપૂતને હથિયાર-કાર્ટિઝ-આશરો પૂરો પાડી નિર્દોષ લોકોની હત્યાઓ કરાવી ખેડૂતોને ભયભીત કરવાનું રાજવીઓએ ષડયંત્ર રચ્યું હતું. ભૂપતનું મૂળ ગામ બરવાળા (બાવીશી) હતું. તેની અટક બૂબ હતી. રજવાડાના કેટલાંક ટેકેદારો ટીકા કરતા કે સૌરાષ્ટ્ર સરકાર કરતાં તો રજવાડાનું શાસન સારું હતું ! તેમની દલીલ હતી કે ‘ખેડે તેનું ખેતર તો કામ કરે તેનું કારખાનું અને રહે તેનું રહેઠાણ એવો કાયદો સૌરાષ્ટ્ર કેમ કરતી નથી?’ પરંતુ સામંતવાદીઓની આ દલીલ લોકશાહી સરકારની ઠેકડી ઉડાડવા માટે જ હતી ! તેઓ પોતાના રજવાડી શાસન વેળાએ આ કામ કરી શક્યા ન હતા. ભૂપતે હત્યા કરવાની પરંપરા 24 જુલાઈ 1949થી શરૂ કરી 87 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી, અનેકના નાક કાપ્યા, અનેકને રિબાવી રિબાવીને માર્યા અને સૌરાષ્ટ્ર રાજ્યના પોલીસ વડા કાનેટકર તથા ગૃહ મંત્રી રસિકલાલ પરીખની ભીંસ વધતા ભૂપત પકડાશે તો વટાણા વેરાઈ જશે એવો ડર આશરો આપનાર રાજવીઓને લાગ્યો ત્યારે તેમણે ભૂપતને કહ્યું કે ‘ફાંસીથી બચવા પાકિસ્તાન નાસી જા !’ ભૂપત પકડાય તો ફાંસી નક્કી હતી, તેથી 3 મે 1952ના રોજ ભૂપત તેના ત્રણ સાથીઓ સાથે પાકિસ્તાન નાસી છૂટ્યો.

છગનભાઈ પટેલ

ધારાસભ્ય છગનભાઈ પટેલ ચાર ચોપડી ભણેલા હતા, પરંતુ તેમણે વિધાનસભામાં જે પ્રવચનો / રજૂઆતો કરેલ તે ચોટદાર અને તાર્કિક હતાં. ઓછું ભણેલ માણસ જ્યારે દિલની વાત કરવા બેસે ત્યારે ભાષા પણ એમને મદદમાં આવતી હોય છે ! 21 માર્ચ 1951ના રોજ તેમણે ધારાસભામાં કહ્યું હતું : “આજે બે વર્ષથી બહારવટિયા ભૂપતની પ્રવૃત્તિ ચાલે છે. ખેડૂતોના ખૂન દિલ કંપાવી દે તેવા છે. તાલુકદારીનો પ્રશ્ન શુદ્ધ હ્રદયથી કોઈ પણ જાતનો રાજકીય રંગ આપ્યા વિના પોતાની તમામ શક્તિ સૌરાષ્ટ્રના 1,100 ગામડાંના કલ્યાણની દૃષ્ટિએ ખર્ચીને આ વાતનો અંત લાવવાના પ્રયત્નો કરવા તમામ પક્ષોને વિનંતિ કરું છું. આ પ્રશ્નને નકરો ખેડૂતોના હિતની દૃષ્ટિએ કે નકરો તાલુકદારોના હિતની દૃષ્ટિએ નહીં પણ આખા સૌરાષ્ટ્રની હિતદૃષ્ટિએ વિચારીને તેનો ઉકેલ લાવવો જોઈએ. એવી વાત કરવામાં આવે છે કે કાઁગ્રેસ તાલુકદારોની દુ:શ્મન છે. આ માત્ર ગપગોળો છે. સરકાર તાલુકદારોનો નહીં, તાલુકદારી પ્રથાનો નાશ કરવા ઈચ્છે છે. તાલુકદારી પ્રશ્ન જો ન પતે તો હું સૌરાષ્ટ્રની પ્રજા તેમ જ તાલુકદારોનું હિત બે રીતે નથી જોતો. એક તો એ કે આ પ્રથા ચાલુ રાખવી એ સૌરાષ્ટ્ર માથે એક મોટું જોખમ તેમ જ કલંક છે. તેમ અત્યારની દુનિયાનો પવન અને સામાજિક બળના વાતાવરણ ઉપરથી કોઈ પણ સમજદાર નાગરિકને દેખાશે. એટલું જ તાલુકદારો માટે પણ જોખમ છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય તો આ જ સૌરાષ્ટ્રની પ્રજા પણ શાંત બેસી શકે તેમ નથી. બીજી રીતે જોઈએ તો આપણને થશે કે જ્યારે રાજવી સંસ્થાઓ હતી અને નાનાં નાનાં રાજ્યો હતા ત્યારે તે અનુકૂળતા માટે સમાજે જ ગોઠવેલું, સમાજહિતની દૃષ્ટિએ તે બંધારણ હતું. સૌ તેને માન આપતા. તે દિવસે એ જરૂરી હતું. આજે સમય બદલાઈ ગયો છે. તે દિવસે રાજાઓ પ્રજાનું રક્ષણ કરતા હતા. આજે રાજાઓનું રક્ષણ પ્રજાના હાથમાં છે. આજે દિશા તદ્દન પલટાઈ ગઈ છે તે કેમ ભૂલી જવાય છે? એવું કહેવાય છે કે આ બધું કાઁગ્રેસે કર્યું છે, ગામડાંમાં છોરું માવતર જેવો ખેડૂત અને ગરાસદારોનો સંબંધ કાઁગ્રેસે બગાડ્યો છે. આ હોલમાં મહારાણી વિક્ટોરિયાનું બાવલું હતું તેને કાઁગ્રેસે દૂર કર્યું. આજે એની જરૂર ન હતી એટલે એને દૂર કર્યું છે, તેમ સૌનું દિલ કહે છે, જેથી સંજોગોએ તેને દૂર કર્યું. છોરું માવતરના સંબંધ અંગે દાખલો આપું. એક દિવસ ભાવનગર રાજ્યે એક કરજ કમિટી નીમી હતી. જ્યારે તે કમિટી કામે લાગી ત્યારે વેપારીઓ વાતો કરતા હતા કે હવે ખેડૂતોનો વ્યવહાર તૂટી જવાનો છે ! એક માણસ પાસેથી એક ખેડૂતે 40 રૂપિયા લીધા. ત્યાર પછી લગભગ 340 રૂપિયા બાકી રહ્યા. એક માણસે 16 મણ જુવાર લીધી તે પેટે ઘણું આપેલ છતાં તેને ખાતે બાકી 1,800 રૂપિયાનું કરજ કમિટીની તપાસ વખતે નીકળ્યું. છતાં ખેડૂત વેપારીનો ઉપકાર માનતો. શું આ પ્રથા બરોબર છે? 16 મણ જુવાર ખાતે આપે તે પેટે ઘણું વળતર લીધું છતાં 1,800 રૂપિયાનું કરજ બાકી ! છતાં પણ કહેવાય કે સારા પ્રતાપ શેઠના ! છોરું માવતરના સંબંધ માટે મારે કહેવું જોઈએ કે આજે પ્રજાનો શું ખ્યાલ છે? દુનિયાનો પવન ક્યાં જઈ રહ્યો છે? તેને વિચાર કરો. આજ દિવસ સુધી બન્યું ત્યાં સુધી ખેડૂતોએ સહન કર્યું અને સ્વીકાર્યું. તમે પ્રજાનું રક્ષણ કરતા હતા આજે તમારા ગરાસનું રક્ષણ પ્રજાકીય સરકાર કરી રહી છે. માટે આજે માવતર અને છોરું કોણ તેનો ખ્યાલ કરો …”

18 માર્ચ 1952ના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું : “પોલીસ ખાતાની નબળાઈનાં કારણે સૌરાષ્ટ્રમાં અનિષ્ટ તત્ત્વો ઊભાં થયા છે. કેટલાં ય સમાજ વિરોધી તત્ત્વો અને માથાભારે માણસો ગામડાંની શાંત અને ધંધાર્થી પ્રજાને પજવી રહ્યા છે. તેની પોલીસ ખાતા તરફથી અટકાયત થતી નથી, એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયાનો ત્રાસ ખૂબ ખૂબ છે. એક જ બારવટિયો ત્રણ ત્રણ વરસથી પ્રજાની માલમિલકત લૂંટી રહ્યો છે અને ખૂન કરી રહ્યો છે. તેને કબજે નહીં કરવામાં પોલીસ ખાતાએ નબળાઈ દેખાડી છે. તે બહારવટિયો બીકણ અને નમાલો માણસ છે અને તે ભાગતો ફરે છે, તેને પકડતાં મુશ્કેલી પડે પણ એને સંઘરનારા મળે છે. ગામડાંની અંદર બહારવટિયો રખડે છે તેને સંતાવાનું કારણ એ છે કે તેને આશરો દેનારા મળે છે. પણ એ આશરો દેનારાને પકડીને બહાર કેમ લાવવામાં નથી આવતા? સૌરાષ્ટ્રના 1,700 ગામડાઓ તાલુકાદારી પ્રથા નીચે કચડાયેલાં હતા અને 600 ગામડાં ભાગબટાઈ નીચે રહેંસાતા હતાં. 600 ગામડાની પ્રજાને વહેલી મુક્તિ આવી શકે તેમ હતી, પણ 1,700 ગામડાંની પ્રજાને બેઠી કરવી એ કામ જેવું તેવું ન હતું. એ કામ ઘણું મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રની અંદર મોટી ઉંમરના વડવાઓ આપણી વચ્ચે છે, તેમને પૂછો તો ખ્યાલ આવશે કે આ 1,700 ગામડાંના ગરાસદારો, તાલુકદારો, કે જીવાઈદારો હતા તેમાંથી કોઈની એક વીઘો પણ જમીન કોઈ દબાવે તો તેના પરિણામે કેટલી ખૂનરેજી થઈ છે? સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે જે પાળિયા મૂકેલ છે તે શું હોંસના મૂકેલ છે? આ બધા ગામડાંના પાળિયાઓ ગામને બચાવવા માટે, મરદાનગીથી ખપી ગયેલા માણસોના છે. લોકશાહી આવી રહી હોય તેને દૂર ઠેલવામાં, તેની સામે કંઈ કરવામાં બાકી નહીં રાખનારા લોકશાહી સામે ઝઝૂમનારા માણસો આપણે ત્યાં હતા. આપણે ભૂલવું ન જોઈએ કે એ માણસો લોકશાહીની પાછળ પડ્યા હતા, ત્યારે આ 1,700 ગામડાંની પ્રજા ગરાસધારી, તાલુદારી પદ્ધતિમાંથી મુક્ત થાય અને જે પલટાથી ગરાસદારો અને તાલુકદારોને મોટી અસર થતી હોય, ત્યારે સમય પ્રમાણે આ પલટો જરૂરનો છે એટલી બુદ્ધિ કે ડહાપણની આશા એમાંના બધા પાસે આપણે રાખી નહોતી. આપણને જરા શક ઉપરથી કંઈ કહેવામાં આવે તો આપણે ઉકળી ઊઠતા હોઈએ ત્યારે આ માણસોનું લેવાઈ જતું હતું તેને શું શું થયું હશે? પણ જે લોકશાહીમાં અનફિટ હતું અને લેવાઈ જવાને યોગ્ય હતું તેથી જ લેવાયું હતું. ગરાસદારી સમાજમાંથી ઘણા માણસો ભાન ભૂલેલા નીકળે, ધમંડી નીકળે, ઘણા માણસો દુનિયા શક્તિહીન છે એમ માની તેને બળ બતાવવા, તેની પાસે પોતાનું બળ અજમાવવા પણ નીકળે. જે કોઈ આ રાજ્યમાં અરાજકતા ઊભી કરે તેને દૂર કરવાની જવાબદારી ગૃહખાતા ઉપર આવે. 1,700 ગામોની તાલુકદારીની પ્રથા નાબૂદ કરવા માટે 50-100 માણસોના ખૂનો થયા તેમના જીવ કિંમતી હતા. તેથી મને દુઃખ થાય છે. મને તેમના પ્રત્યે લાગણી છે. આજે આપણે મોટા ફેરફાર કર્યા છે. આપણે તાલુકદારી, બારખલી પ્રથા નાબૂદ કરી છે. શોષણખોરી નાબૂદ કરી છે. આપણે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું છે. તે રાજ્યના પાયામાં તેમણે પોતાના જાન આપ્યાં છે. સૌરાષ્ટ્ર તેમને કોઈ દિવસ નહીં ભૂલે. આવો મોટો પ્રયોગ થઈ રહ્યો હોય, આવા ક્રાંતિકારી પગલાં લેવાઈ રહ્યાં હોય તેવે વખતે એ સ્વાભાવિક છે કે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાય. ચીનનો દાખલો આપનારને હું કહું છું કે ચીનની રીતે આપણે તંત્ર ચલાવવું છે? ત્યાં કોરડો અને પિસ્તોલ છે. ત્યાં વિનંતિ નથી. વાતો કરવી ઘણી સહેલી છે, પણ કામ કરવું ઘણું કઠણ છે.”

“અરાજક તત્ત્વો માંહેના માણસો પકડવાના બાકી છે, શા માટે? આ બાબતે વિચાર કરું છું ત્યારે બીજી તરફ મારી નજર જાય છે. ચૂંટણીની અંદર, જાહેર સભાઓની અંદર, ચોખ્ખે ચોખ્ખો ભૂપતનો પ્રચાર કરવામાં આવતો હતો. જે લોકોના ખૂન થયા છે, ત્યાં ખૂન પાછળ ભાવના કેવી હતી? ખારચિયામાં 11 લોકોના હત્યાકાંડે તો ભલભલાનાં દિલ ધ્રુજાવી નાખ્યાં. ખારચિયાનો બનાવ બન્યો ત્યારે આનંદ માનનારા માણસોને તે સાથે સંબંધ ન હતો એમ કોણ કહી શકે તેમ છે? જે માણસોએ દિલની ક્રૂરતા ભરેલા આવા પક્ષો સાથે હાથ મિલાવ્યા છે, તે તો ઉઘાડું પ્રૂફ છે. એ પક્ષોના ઉતારા પણ ક્યાં ક્યાં હતા, તે ઉઘાડી વાત છે. એ લોકો એક બાજુથી આવા તત્ત્વો સાથે ભળીને, બીજી કોરથી ગૃહખાતાને વગોવતા હતા. તેઓની સામે સખત હાથે કામ લ્યો. ઝેરી સાપો હજી બહાર છે. જો એ ઝેરી સાપોને એમને એમ મૂકી દેવામાં આવશે તો બે ત્રણ વર્ષે ઝેર કાઢવા માટે બહાર પડશે. લોકશાહીના આવા દુ:શ્મનો જ્યાં જ્યાં હોય ત્યાં તેમની સામે સખત હાથે કામ લઇ, સતત જાગૃતિ રાખીને, કોઈ વ્યક્તિના મોભાની પણ દરકાર કર્યા સિવાય, જે માણસોનો આમાં હાથ હોય તેને વહેલી તકે ઝબ્બે કરો. તેવા માણસોને – ઝેરી સાપોને ગૃહખાતાએ કુશળતાપૂર્વક, હિંમતપૂર્વક ગોતીને, જ્યાં હોય ત્યાંથી, પાતાળમાંથી હોય તો પાતાળમાંથી પણ ગોતીને ઝબ્બે કરવા જોઈએ !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...882883884885...890900910...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved