Opinion Magazine
Number of visits: 9562424
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકાર કોઈનું સાંભળતી નથી અને કોઈ સરકારનું સાંભળતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|20 November 2023

રવીન્દ્ર પારેખ

સૌ દિવાળીના મૂડમાં છે. તો આજે હળવાશનાં મૂડમાં જ રહીએ.

એક હતું સંયુક્ત કુટુંબ. ઘરનાં વડીલ 75ની આસપાસ. એમની પાસે નાનાંમોટાં ફરિયાદ લઈને આવતાં. દાદા, પપ્પાને કહોને દિવાળી વેકેશન છે તો અમને ફરવા લઈ જાય. દાદા ! કાકા મન્ચૂરિયન ઝાપટે છે, પણ અમને પિઝા-બર્ગર નથી ખવડાવતા. દાદા, મમ્મી નવવારી સાડી પહેરી મરાઠણ થઈ છે, પણ અમને રીબોકનાં શૂઝ નથી અપાવતી. આવી આવી એટલી ફરિયાદો આવતી કે દાદા થાકી જતા. કોઈ વાર દીકરા-વહુને સમજાવતાં ય ખરા, પણ સંતાનોની ફરિયાદનો નિકાલ આવતો નહીં, એટલે સંતાનોએ પણ દાદાજીના ઉપદેશો, સલાહો અને હુકમોની અવગણના કરવા માંડી. આજે એ સ્થિતિ છે કે દાદા કોઈની ફરિયાદ સાંભળતા નથી કે નથી તો કોઈ દાદાજીનું માનતા !

આજ ઘાટ ગુજરાતના સેવકોનો, અમલદારોનો ને પ્રજાનો છે. બાકી હતું તે હવે બેન્કો 4થી 11 ડિસેમ્બર હડતાળ પર જવાની છે. બેન્કો ફરિયાદો કરી કરીને થાકી હશે, પણ એમની વાતો કાને ધરવાને બદલે, વાતો તરફ આંખ આડા કાન કરાયા હશે, એટલે નેશનલાઇઝ્ડ બેન્કોએ હડતાળનું એલાન આપ્યું છે. એમાં એક મુદ્દો નવી ભરતી નથી થતી તેનો છે. આમ તો ઠંડી હજી શરૂ થઈ નથી, પણ નવી ભરતી કરવાની તમામ ક્ષેત્રોને કેમ ટાઢ ચડે છે તે નથી સમજાતું. ગુજરાત સરકાર શિક્ષકોની કાયમી ભરતી 2017થી નથી જ કરતી ને જ્ઞાન સહાયકોથી કામ કાઢે છે, એમાં અજ્ઞાન તો વિદ્યાર્થીઓનું વધે છે. સરકાર પણ કરી કરીને કેટલુંક કરે, એ તે ભ્રષ્ટાચાર પર ધ્યાન આપે કે લોકોની માંગણીઓ સ્વીકારે ને એમ બધું સરકાર આપ આપ જ કરશે તો પોતાનું ક્યારે કરશે? પ્રજા પણ ધીરજ રાખતી નથી. એણે સમજવું જોઈએ કે કરવામાં જ કરી નંખાતું હોય છે.

આમ જ વડોદરા જિલ્લાના લોકપાલે ધીરજ ન રાખી ને રાજીનામું આપવાની ઉતાવળ કરી. આજકાલ તો સ્વમાન બહુ રહ્યું નથી, પણ લોકપાલને એમ લાગ્યું કે સરકાર એમનું સાંભળતી નથી તો પદ પર બની રહેવાનો અર્થ નથી. એમને કેમ સમજાવવું કે ઘણા તો પદ પર બની રહેવા જ પેદા થાય છે, બાકી, આપણા કેટલા મંત્રીઓ, વિધાયકો ને સાંસદો ચાલે એમ છે તે સૌ જાણે છે. પણ, લોકપાલ સાહેબને પદ પર બની રહેવાને બદલે પડ ઉખેડવાનું વધારે માફક આવ્યું ને એમણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા)માં ચાલતા રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર સંદર્ભે એક વર્ષમાં કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ(સી.આર.ડી.)ને બાર બાર ઈમેઈલ કરી બાર વગાડવાની કોશિશ કરી, પણ ત્યાંની ઘડિયાળ જ બંધ તે ટકોરા પડ્યા જ નહીં ! એકાદ ઇમેલનો પણ જવાબ ન આવ્યો, કરોડોની ગેરરીતિ, તાલુકામાં મનરેગાનાં કામો માટે, મકાનોની સામગ્રીની ખરીદીમાં આચરાઈ હોવાનો સાહેબે આક્ષેપ કર્યો, પણ કૈં થયું જ ન હોય તેમ સરકારે મૌન પાળ્યું. એ બે મિનિટનું હોય તો ધૂળ નાખી, પણ મહિનાઓનું મૌન પળાયું. એ તો ઠીક, સાહેબે આ મુદ્દો ઉઠાવ્યો તે પછી ‘એ લોકોએ’ ફરિયાદ સોંપવાનું જ બંધ કર્યું. એ વાતને વર્ષ થયું, તો સાહેબને સવાલ થયો કે મનરેગા સંબંધી વડોદરા જિલ્લામાં એક પણ ફરિયાદ થઈ જ નહીં હોય? મતલબ કે ભ્રષ્ટાચાર થયો જ નહીં, એમ? શું છે કે ‘કૌભાંડ’માં જ બીજો શબ્દ પણ છુપાયેલો છે, એટલે ગમે એટલી વફાદારી બતાવો, પણ નફાદારી જ મુદ્રાલેખ હોય તો કોઈ જવાબ ન મળે. સરકાર એવી રીતે પણ વર્તતી હોય છે કે કોઈ પ્રતિક્રિયા જ ન આપે, જેથી સામાવાળો જ કંટાળીને રાજીનામું આપી દે. વડોદરા જિલ્લાના લોકપાલ સાહેબનું એમ જ થયું. એમણે સ્વમાન જાળવીને રાજીનામું ધરી દીધું. આવાં લોકો ઓછાં થતાં જાય છે ને જે છે તે રાજીનામું આપીને સરકારને માર્ગ મોકળો કરી આપે છે.

લગભગ બધી સરકારોનું એવું જ છે. સાંભળવું જ નહીં કે બોલવું પડે. ગુજરાતની વાત કરીએ તો સરકારે અનેક ક્ષેત્રોમાં બેફામ પ્રગતિ કરી હશે, પણ શાલેય શિક્ષણની ઘોર ખોદવામાં તે પૂરેપૂરી સ્વાવલંબી છે. તેમાં ય ગુજરાતી ભાષાનો ગુજરાતનિકાલ તેનો એક માત્ર ગોલ છે. ગુજરાતી ભાષાને મામલે આટલું ઉદાસીન શિક્ષણ તંત્ર જગતમાં બીજું નથી. એ રીતે તેની પાત્રતા વૈશ્વિક સુવર્ણચંદ્રક મેળવવા જેટલી હોય તો નવાઈ નહીં ! સરકારને એની જાણ હશે કે કેમ તે એ જાણે, પણ ગુજરાતી ભાષા હજારેક વર્ષ જૂની છે ને દુનિયાની શ્રેષ્ઠ 30 ભાષાઓમાં તેનું સ્થાન છે. ગુજરાતી ભાષા ટ્રેડને કારણે વૈશ્વિક ભાષા બની. બીજા કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાત વધુ નકલખોર અને સ્વમાન વિહોણું રાજ્ય છે. તેનું મૌલિક કહી શકાય એવું ઓછું જ છે. હવે તેનો ખોરાક ગુજરાતી નથી, પણ ચાઇનીઝ, પંજાબી, ઇટાલિયન, મદ્રાસી … છે. ચીનાઓ ઢોકળા, ઢોકળી નહીં ખાતાં હોય, પણ આપણે નુડલ્સ, મન્ચૂરિયનથી હોંશે હોંશે હોજરી ભરીએ છીએ.

અંગ્રેજો ચારસો વર્ષ પહેલાં ભારતમાં આવ્યા ને અંગ્રેજી ભાષાનો પ્રભાવ બીજા રાજ્યો કરતાં ગુજરાત પર એટલો પડ્યો કે આજે તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવામાં ગુજરાત સરકારે આડો આંક વાળ્યો છે. એ સાચું છે કે અંગ્રેજી ભાષા વૈશ્વિક સંપર્ક ને શિક્ષણ માટે અનિવાર્ય છે ને અંગ્રેજી એક ભાષા તરીકે શીખવામાં કશું ખોટું નથી, પણ ગુજરાતી તો અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાંથી લખાતી, બોલાતી ને વંચાતી હતી.  ગુજરાતી શાળાઓ અંગ્રેજોએ શરૂ કરાવી હોય એવા દાખલાઓ તો સૂરતમાં પણ છે. એક તરફ અંગ્રેજ સરકાર હતી જેણે ગુજરાતી શાળાઓ શરૂ કરાવી ને બીજી તરફ ગુજરાત સરકાર છે જેણે ગુજરાતી સ્કૂલો બંધ કરાવી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા લાઇસન્સ આપ્યાં. એક ફાલતુ દલીલ એવી થાય છે કે વિદેશ જઈ ભણતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એટલે અંગ્રેજી માધ્યમની સ્કૂલોને ઉત્તેજન અપાય છે. એ અપાય તેનો ય વાંધો નથી, પણ ગુજરાત જ ગુજરાતી ભાષા ન ભણાવે તો શું તે મહારાષ્ટ્ર, બાંગ્લાદેશ કે નેપાળ ભણાવવાનું છે? કરાચીમાં ગુજરાતી સ્કૂલો ચાલી હોય ને ગુજરાતમાં ગુજરાતીનો દાટ વળી રહ્યો હોય તે વાજબી છે? વારુ, વિદેશ જઈને ભણનારા કેટલા? ગાંધીજી ને બીજા ઘણા ગુજરાતીઓ ગુજરાતી માધ્યમમાં ભણ્યા તો તેમની વિદેશમાં વકીલાત નિષ્ફળ ગઈ હતી? વિદેશ જનારાઓને તકલીફ ન પડે એટલે, જે અહીં જ જિંદગી કાઢવાના છે એવા કરોડો ગુજરાતીઓને માથે અંગ્રેજી મારવામાં ડહાપણ છે? એક ભાષા તરીકે અંગ્રેજીનો કોઈ વાંધો નથી, પણ સો વાતની એક વાત કે માધ્યમ કોઈ પણ હોય, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અપાવું જોઈએ.

જો કે, ગુજરાત સરકારને માતૃભાષામાં શિક્ષણ આપવામાં કોઈ જ રસ નથી અથવા તો તે અંગ્રેજીને જ ગુજરાતની માતૃભાષા ગણે છે એમ માનવું પડે. 2018ના એક અહેવાલ મુજબ સરકારી સ્કૂલોનાં ધોરણ 6થી 8નાં સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં કે ગણતાં આવડતું ન હતું. તો, નવેમ્બર 2021નાં એક અહેવાલ મુજબ ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં 6થી 8નાં પોણા ચાર લાખ વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં કે ગણતાં મુશ્કેલી પડે છે. એમાં પણ અઢી લાખ તો એવા છે જેમને વાંચતાં, લખતાં જ નથી આવડતું અને 3.80 લાખ બાળકો એવાં છે જેમને ગણિતના દાખલા આવડતા નથી. હાલની સ્થિતિ મુજબ 6થી 8નાં 2,38,233 વાંચનમાં, 2,58,386 લેખનમાં ને 3,81,176 ગણનમાં નબળા છે. માત્ર ગુજરાતીની જ વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં, ગુજરાતીમાં નાપાસ થનારનો, અઢી લાખથી વધુનો આંકડો છાપે ચડી ચૂકેલો છે. આવા આંકડા અંગ્રેજીના બહાર પડતા નથી, એ પરથી  લાગે છે કે ગુજરાતીમાં છે એવી દુર્દશા કદાચ અંગ્રેજીમાં નથી. એનો અર્થ એવો પણ થાય કે અંગ્રેજીની લેવાય છે એટલી કાળજી ગુજરાતીની સરકાર, સ્કૂલ, વાલી કે વિદ્યાર્થીએ લીધી નથી. આવું હોય તો ગુજરાત સરકારને હાલની અંગ્રેજ સરકાર અંગ્રેજી બચાવવા બદલ અને ગુજરાતી અવગણવા બદલ એવોર્ડ આપે એમ બને ને સરકાર તે લેવા ઉમંગથી ઈંગ્લેન્ડ જાય એમ પણ બને. શિક્ષણમાં કોઈનું ન સાંભળવા બદલ કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારને પુરસ્કૃત કરે એમ બને. કેન્દ્રનું તો ગુજરાત સરકાર સાંભળે જ, કારણ ન સાંભળે તો રાતોરાત બદલાઈ જવાનો અનુભવ આગલી ને હાલની સરકારને ક્યાં નથી !

ગઈ કાલના જ સમાચાર છે કે માર્ચ 2023ની ધોરણ 10ની પરીક્ષાની મૂલ્યાંકનની કામગીરીમાં 3,800 શિક્ષકોએ ગાબડી મારેલી. વિદ્યાર્થીઓ જ ગુલ્લી મારે એવું નથી, એ હક તો શિક્ષકોનો પણ ખરો જ ! જો કે, ઓર્ડર ઇશ્યૂ કરવામાં આવ્યા છતાં શિક્ષકો ઉપસ્થિત ન રહ્યા તે બદલ બોર્ડે નોટિસ ફટકારી હતી ને તાકીદ કરી હતી કે 2024ની પરીક્ષામાં હાજર નથી રહ્યા તો દંડનીય કામગીરી કરવામાં આવશે. આ કામગીરી ન કરવાની આવે એટલે શિક્ષકોએ અત્યારથી જ ઓળખાણ કામે લગાડવા માંડી છે. આ ખરું ! શિક્ષકો ટ્યૂશનમાં સક્રિય છે એટલા શિક્ષણમાં નથી જ ! તેમાં હવે મૂલ્યાંકનની પણ આનાકાની ચાલતી હોય તો માસ પ્રમોશનવાળો આઇડિયા જ ચાલે એમ છે.

આમેય બધું બદલ બદલ કરવાનું તો ચાલે જ છે. પાઠ બદલાય છે ને ફરી દાખલ પણ કરાય છે. ખરેખર તો પીએચ.ડી. સુધી કોઈ ટેક્સટબુક જ ન હોય એવું કરવાની જરૂર છે. પહેલાં ધોરણથી જ ખાનગીકરણ. ફી બધે જ કમ્પલસરી. ફી ભરો, માસ પ્રમોશન લો ને એમ પીએચ.ડી. સુધી પહોંચો. વિદ્યાર્થી પાસ થતો રહે ને શિક્ષકનો પગાર થતો રહે એ જ કામગીરી. વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય કે નોકરી હાજર. સ્કૂલમાં જાવ. હાજરી પૂરો. ક્લાસમાં કરવું હોય તે કરો, પણ ભણવાનું નહીં, ભણાવવાનું નહીં. કેમ લાગે છે? ફરિયાદો બે જ રહે. ફીની અને પગારની. એના ઉકેલ પૂરતી જ શિક્ષણ મંત્રીની જરૂર ને એ અભણ હોય તો આવકાર્ય. અત્યારે જે ભાર વગરનું ભણતર ચાલે છે તે ભણતર વગરનાં ભારમાં ફેરવાય છે કે કેમ એટલું જ જોવાનું. એટલું થાય તો સરકારનું કોઈ ન સાંભળે કે કોઈનું સરકાર ન સાંભળે એ ઝંઝટ જ ન રહે, શું કહો છો? 

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 નવેમ્બર 2023

Loading

એકત્ર ફાઉન્ડેશન : ગુજરાતી ભાષાના પ્રોજેક્ટ ગુટનબર્ગની દિશામાં  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|19 November 2023

પુસ્તક પરિચય

અમેરિકાસ્થિત ‘એકત્ર ફાઉન્ડેશન’ સંસ્થાએ ગુજરાતી સાહિત્યના ચારસો જેટલાં નિવડેલાં પુસ્તકોમાંની ચાર હજાર જેટલી કૃતિઓ ચિત્તાકર્ષક રૂપમાં અને સહજતાથી શોધી-વાંચી શકાય તે રીતે વાચકોને ઇન્ટરનેટ દ્વારા નિ:શુલ્ક પહોંચાડી છે.

‘એકત્ર’ના ઇ-ગ્રંથરાશિમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. ‘એકત્ર’ની વેબસાઈટ જોવી આનંદદાયક છે. https://www.ekatrafoundation.org/  અથવા ekatra.org 

‘એકત્ર’ના અમેરિકા સ્થિત પ્રકાશક અને સંચાલક અતુલ રાવલ જણાવે છે : ‘એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વિજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર કરવા ઝંખતી સંસ્થા છે, અને અમારો ભાવનામંત્ર છે – ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી.’

ગુજરાતી ભાષા માટે ઊંડા પ્રેમ ઉપરાંત ‘એકત્ર’નો પ્રેરણાસ્રોત ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ નામની ઇ-પુસ્તકોની વિશ્વવિખ્યાત મુક્ત લાઇબ્રેરી છે કે જેમાં દુનિયાના એક લાખ જેટલાં પુસ્તકો વાંચી શકાય છે.

આ ડિજિટલ લાઇબ્રેરીનાં પગલે 2012માં વિજાણુ-ગ્રંથશ્રેણી રૂપે ગુજરાતી સાહિત્યના ‘ગયાં બસો વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને વિજાણુ-ગ્રંથરૂપે’ મૂકવાનો પ્રારંભ થયો. પહેલો ગ્રંથસંપુટ યથાયોગ્ય રીતે જ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રસિદ્ધ થયો, અને ત્યાર બાદ પાછા જોવાપણું ન રહ્યું.

ઉત્તમ સાહિત્યકૃતિઓનાં સંપાદનોની ‘એકત્ર’ની ‘સંપદા’ શ્રેણીમાં મધ્યકાલીન, અર્વાચીન અને અનુઆધુનિક ગુજરાતી કવિતા ઉપરાંત નવલિકા, નિબંધ, એકાંકી, ગઝલ, પ્રવાસ અને બાળસાહિત્યના સંપાદનો આવ્યાં.

‘સમગ્ર સાહિત્ય શ્રેણી’ હેઠળ સાત અગ્રણી સાહિત્યકારો ઑનલાઇન થયા છે, અને બીજા પણ થતા રહેવાના છે. આ શ્રેણીમાં ભાવનગરની દક્ષિણામૂર્તિના કાર્યકર ગોપાળરાવ વિદ્વાંસે મરાઠી સાહિત્યના 61 પુસ્તકોના અનુવાદનો આદરણીય ઉદ્યમ કોઈ એક જગ્યાએ ભાગ્યે જ સુલભ હશે.

‘અલભ્ય પુસ્તકશ્રેણી’નો ખજાનો ‘એકત્ર’નું અત્યંત મહત્ત્વનું પ્રદાન છે. તેમાંથી કેટલાંક નામ છે : જૂનું નર્મગદ્ય, નર્મકથાકોશ, કમળાશંકર ત્રિવેદી સંપાદિત ગુજરાતી ભાષાનું બૃહદ્દ વ્યાકરણ, ઈચ્છારામ સૂર્યરામ અને ડાહ્યાભાઈ દેરાસરીનાં પુસ્તકો. સંદર્ભ વિભાગમાં સૂચિ અને કોશ મળીને આઠ ગ્રંથો મળે છે.

‘એકત્ર ગ્રંથાલય’ વિભાગમાં અઢીસો જેટલાં ‘ઉત્તમ અને રસપ્રદ’ પુસ્તકોમાં પદ્ય-નાટ્ય-ગદ્ય સાહિત્યના તમામ સ્વરૂપો ઉપરાંત લોકસાહિત્ય, બાળસાહિત્ય અને બંગાળી સાહિત્ય છે. અહીં ‘વિજ્ઞાન-વિચાર’ તેમ જ ‘વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ’ અને ‘ગુજરાતમાં કલાનાં પગરણ’ તેમ જ ‘રંગરેખાના કલાધર કનુ દેસાઈ’ નામ ખાસ નોંધપાત્ર છે.

વિજ્ઞાન, કલા તેમ જ ઇતિહાસનાં પુસ્તકો ઉમેરાતાં રહેશે એમ અતુલ રાવલ જણાવે છે. અત્યારના અનેક સાહિત્યકારોની ચૂંટેલી કૃતિઓના સંચયો ઉપરાંત પચીસેક કવિઓની ‘કાવ્યઆચમન’ શ્રેણી પણ ઉલ્લેખનીય છે.

સુરેશ જોષી સંપાદિત સામાયિક-સપ્તકના અને અન્ય ચાર અત્યારના સાહિત્યિક સામયિકોના તમામ અંકો સૂચિ સહિત ઑનલાઇન મૂકવાં તે એકત્રનું મૂલ્યવાન પ્રદાન છે. વંચિત વર્ગો અને પ્રગતિશીલ સાહિત્યને પ્રતિબદ્ધ સામયિક ‘નયા માર્ગ’ પણ એકત્ર સુલભ થાય તે પ્રશંસનીય છે (https://wiki.ekatrafoundation.org/wiki/નયામાર્ગ).‘દલિત અને મહિલા લેખકો દ્વારા રચાયેલા સાહિત્યના સંચયો પર કામ ચાલુ છે’, એમ પણ અતુલભાઈ જણાવે છે.

એકત્રે અત્યારે હાથ ધર્યા હોય તેવા પાંચ મહત્ત્વના પ્રકલ્પોની અતુલભાઈ માહિતી આપે છે : એક, 250 ચૂંટેલી ગુજરાતી નવલકથાઓનો પરિચય આપતો કોશ; બે, આપણી ટૂંકી વાર્તાનો ઇતિહાસ; ત્રણ, સૂચિઓ સહિત સાહિત્યિક સામયિકો; ચાર, ગુજરાતી વાર્તાઓની ઑડિયો બુક્સ; અને પાંચ, વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો ‘ગ્રંથસાર’નામે કેલીડોસ્કોપ.

એકત્રે તેના અત્યાર સુધીનાં ઈ-પ્રકાશનોની એક વર્ગીકૃત સૂચિ તૈયાર કરી છે. એમાં સર્વ પુસ્તકોની સળંગ યાદી ઉપરાંત પુસ્તક, લેખક / સંપાદક, પ્રકારની વિગતો અકારાદિ ક્રમે પણ જોઈ શકાશે. નીચેની લિંક પરથી એ સુલભ છે : https://wiki.ekatrafoundation.org/wiki/એકત્ર_ગ્રંથાલય
એકત્રે રુચિસંપન્ન ઇ-સામયિક ‘સંચયન’ દસ વર્ષ સુધી જાણીતા વિવેચક રમણ સોનીના સંપાદનમાં ચલાવ્યું. તેમાંથી પસંદ કરેલાં લખાણોનું સૌંદર્યપૂર્ણ પુસ્તક ‘સંચયનસંપદા’ સંગ્રાહ્ય છે.‘સંચયન’નો બીજો તબક્કો ઑગસ્ટમાં આવેલાં અઠ્ઠાવનમા અંકથી કિશોર વ્યાસ અને મણિલાલ હ. પટેલના સંપાદનમાં શરૂ થયો છે.

એકત્રના કામમાં સ્વેચ્છાએ જોડાવા માટેના ઇ-મેઇલ મળતાં રહે છે. ‘હમણાં જ વડોદરાના પંદર સ્વયંસેવકોએ ગુજરાતી વાર્તાઓનું રેકૉર્ડિંગ શરૂ કર્યું છે’, એમ જણાવીને અતુલભાઈ ઉમેરે છે : ‘સૌ સાહિત્યકારોનો સહકાર મળે છે.’ સાઠ જેટલા સાહિત્યકારોએ ‘એકત્ર’ના સંપાદકો તરીકે કામ કર્યું છે.

જો કે ‘એકત્ર’ના આધારસ્તંભ પ્રિન્ટિંગ ટેક્નોલોજિના નિષ્ણાત અતુલ રાવલ હોવાનું ધારી શકાય છે. તેઓ કહે છે : ‘મને કળા અને ટેક્નોલૉજિનો ભેટો થાય છે એ ક્રૉસરોડની જમીન ગમે છે.’

‘એકત્ર ફાઉન્ડેશન’ના અધ્યક્ષ સિતાંશુ યશશ્ચન્દ્ર છે. તેના તંત્રસંચાલકો રાજેશ મશરૂવાળા, અતુલ રાવલ અને અનંત રાઠોડ છે. કેલિફૉર્નિયામાં વસતા રાજેશભાઈ મશરૂવાળા અને તેમની ટીમના આર્થિક ટેકાથી ‘એકત્ર’ ચાલે છે. દેશાવરમાં પણ હૈયે ધબકતા ગુજરાતી ભાષાના પ્રેમ ખાતર કરેલો આ ટેકો કેવો માતબર હશે તે એકત્રના કામનો વ્યાપ અને તેની ગુણવત્તા જોતાં ધારી શકાય.

એકત્ર જે પ્રમાણમાં અને જે ઝડપથી સાહિત્યને દુનિયાભરના વાચકો માટે મૂકી રહ્યું છે તે જોતાં એમ લાગે છે કે એકાદ દાયકા બાદ વાચકો ‘અમને ગુજરાતી સાહિત્ય વાંચવા મળતું નથી’ એવું કહેવાનો અધિકાર ગુમાવી બેસશે.

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 નવેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવા પ્રદૂષણઃ વાર્ષિક મોસમમાંથી કાયમી સમસ્યા બને એ પહેલાં સર્વાંગી ઉકેલ, રાજકીય ઇચ્છાશક્તિ અને અમલીકરણ જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 November 2023

સરકાર હવા બદલી નથી શકવાની, નાગરિકોના સહકાર વિના કંઇ થવાનું નથી અને જો પ્રદૂષણ વધશે તો નુકસાન તો સત્તાધીશોથી માંડીને સામાન્ય નાગરિકોને – બધાંયને વેઠવું પડશે 

ચિરંતના ભટ્ટ

એ.ક્યુ.આઇ. – એર ક્વૉલિટી ઇન્ડેક્સ – મેટ્રો સિટીઝ માટે આ શબ્દ હવે નવો નથી રહ્યો. ટૂંકમાં જે-તે શહેરમાં હવાની ગુણવત્તાનો આંકડો ક્યાં પહોંચ્યો એ ચર્ચા સામાન્ય બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે દિલ્હીનાં પ્રદૂષણની ચર્ચા કરતાં રહ્યા છીએ અને આ વર્ષે મુંબઈમાં પણ ‘સ્મોગ’ પહેલાં કરતાં વધુ ચર્ચાયેલો વિષય રહ્યો. આ ચર્ચા અટકવાની નથી કારણ કે ખાંસતા, છીંકતા, ગળાના ઇન્ફેક્શન અને પ્રદૂષણને કારણે આંખેથી વહેતાં પાણી સાથે આપણે પ્રદૂષણનો વાંક કાઢવાના જ છીએ. પરંતુ એ અંગે શું થઇ શકે, શું કરવું જોઈએના મુદ્દા કે સલાહ આપ્યા પછી એને અનુસરવાનું આપણે જ ભૂલી જઇએ છીએ. આ પ્રશ્ન મેટ્રો સિટીઝ પૂરતો સીમિત પણ નથી રહ્યો. સીવોટરે કરેલા એક ખાસ સરવેના તારણ અનુસાર હવા પ્રદૂષણ આપણા દેશ માટે એક બહુ ગંભીર મુદ્દો બની ચૂક્યો છે. માત્ર શહેરોમાં જ નહીં, પણ ગામડાંમાં વસનારાંઓએ પણ હવાની કથળી રહેલી ગુણવત્તા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, આ જાગૃતિ હવે ગામડાંઓમાં પણ પહોંચી છે અને એ વાત આ સરવેમાં આંકડાઓ સાથે રજૂ કરાઇ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી હવા પ્રદૂષણના પ્રશ્નનો ફુગ્ગો મોટોને મોટો થતો ગયો છે, લોકોનાં સ્વાસ્થ્ય પર તેની અસરને લઇને પણ ચિંતાનો ભાર વધ્યો છે, ખાસ કરીને ઉત્તર ભારતનું હવા પ્રદૂષણ તો સતત સમાચારમાં ઝળકતું જ રહે છે. આઇ.ક્યુ.એર જે આખા વિશ્વમાં હવા પ્રદૂષણના પ્રમાણની તપાસ કરતું રહે છે તેના મતે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 50 શહેરોમાંથી 39 શહેરો ભારતમાં છે અને સુપ્રીમ કોર્ટે પણ હવા પ્રદૂષણને નાથવા માટે નક્કર પગલાં લેવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આપણે નાગરિકો તરીકે હવા પ્રદૂષણ વધ્યુ હોવાનો દેકારો કરી દઇએ છીએ પણ સુપ્રીમ કોર્ટ જ્યારે ફટાકડા ફોડવા અંગે નિયમો લાદે છે ત્યારે એ નિયમોની ઐસી-તૈસી પણ કરી દઈએ છીએ.

કમનસીબે દિવાળીનો તહેવાર પ્રકાશનો તહેવાર હોવા છતાં ય દર વર્ષે હવે આ ઉત્સવ ધુમ્મસ, પ્રદૂષણ અને ધુંધળા આકાશનો  તહેવાર બની ગયો છે. ખાસ કરીને દિલ્હી, ગંગા કિનારાના પ્રદેશના મેદાનો અને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારો હોય કે પૂર્વીય ભારતના વિસ્તારો હોય – અવકાશમાંથી લીધેલી તસવીરોમાં આ પ્રદેશો પ્રદૂષકોમાં વિંટળાયેલા ભૂખરા ધાબાં જેવા લાગે છે. દિવાળી નજીક આવે ત્યારે તેની સાથે આ પ્રદૂષણોમાં લપેટાઇ જવાની મોસમ પણ બેસે છે અને આ એક વાર્ષિક ઘટના બની ચૂકી છે. હવાનું પ્રદૂષણ હવે હળવાશથી લેવાય એવી બાબત નથી રહી, સરકારે નીતિના ધોરણે આ અંગે કડક પગલાં લેવા પડશે. વિકસીત દેશોમાં આ બાબતે નક્કર કામગીરી થતી હોય છે અને આપણે હજી એ રાહે પહોંચ્યા નથી, ત્યારે એ જરૂરી છે કે સફળતાની ચમકારાને પ્રદૂષણ ઢાંકી દે એ પહેલાં એને રોકવાની દિશામાં વિચાર કરીને જરૂરી બાબતો અમલમાં મુકાય.

દિલ્હીની હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી છે કારણ કે કેન્દ્ર સરકાર અને શહેરની સ્થાનિક સરકાર વચ્ચે જે અહમ્‌ના ટકરાવ ચાલે છે એમાં વહીવટનું સુરસુરિયું થઇ જાય છે. વળી ‘આપ’ હવે પંજાબમાં પણ શાસન કરે છે એટલે ત્યાંથી થતા હવા પ્રદૂષણની જાણે વાત જ નથી થતી. દિલ્હીમાં એક લાદે અને બીજા ઉલ્લંઘન કરે વાળો ઘાટ છે.

તકલીફ એ છે કે હવાના પ્રદૂષણનાં કારણોમાં હવામાન, આબોહવા, પવનની દિશાઓ, પ્રદૂષણના અન્ય સ્રોતમાં વધારો વગેરેની ચર્ચા થાય છે પણ છતાં ય પ્રદૂષણના મુખ્ય સ્રોતોને સ્પષ્ટપણે નથી પારખી શકાયા. ઉત્તર-પશ્ચિમ રાજ્યોના ખેતરોનાં આગ, શિયાળામાં ઠારને કારણે નીચે આવતા પ્રદૂષકો પર એટલો ભાર મૂકાય છે કે  પ્રદૂષણનો પ્રશ્ન માત્ર ઉત્તર ભારતમાં જ છે એવું લાગે. પરંતુ મુંબઈ, ચેન્નાઈ અને અમુક હદે કોલકાતા જેવા દરિયાકાંઠે આવેલા શહેરોમાં દરિયાઇ પવનો આ શહેરો પરના હવાના પ્રદૂષકોને ધકેલી દે છે એટલે અહીંની હવા ઉત્તર ભારત કરતાં ચોખ્ખી હોવાનો ભ્રમ ખડો થાય છે. બાકી આ વર્ષે મુંબઈમાં સ્મોગે જે કેર વર્તાવ્યો છે તેને વિષે તો પહેલાં પણ ચર્ચા થઇ ચૂકી છે. દરિયાઇ પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોની હવા ચોખ્ખી થતી રહે છે અને માટે આ શહેરોમાં પ્રદૂષણ ઓછું હોવાનો ખ્યાલ મજબૂત બને છે. પરંતુ આ શહેરોમાં પણ વાહનો, પાવર પ્લાન્ટ, ઈંટના ભઠ્ઠા, બાંધકામની ધૂળ, કચરાના મોટામસ ઢગલાનું બળવું, ઉદ્યોગોને કારણે થતું પ્રદૂષણ પણ એટલું જ હોય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં બાંધકામની ધૂળ અને વાહનો હવાની ગુણવત્તા બગાડવામાં સૌથી મોટો ફાળો આપે છે.

દિવાળીના અઠવાડિયે હવાની ગુણવત્તાનો આંકડો 400-500 નોંધાયો હતો જે જોખમી સ્તર છે અને વૈશ્વિક સલામતીના માપદંડથી દસ ગણો વધારે છે. લોકોએ દિવાળીમાં ફટાકડા ફોડવામાં ય પાછું વાળીને ન જોયું એટલે એને કારણે પણ પ્રદૂષણામાં જે ઉમેરો થવાનો હતો એ થયો જ. સરકાર હવા બદલી નથી શકવાની, નાગરિકોના સહકાર વિના કંઇ થવાનું નથી અને જો પ્રદૂષણ વધશે તો નુકસાન તો સત્તાધીશોથી માંડીને નાગરિકોને – બધાંયને વેઠવું પડશે. એર ક્વૉલિટી ઇન્ડેક્સ ચેક કરીને નિસાસા નાખવાથી પ્રશ્નો નહીં ઉકલે, એર પ્યુરીફાયર્સના માર્કેટમાં તેજી આવે એના કરતાં તો ગ્રીન એનર્જી, ગ્રીન ટ્રાન્સપોર્ટ અને ગ્રીન-સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ વધે તેનો ફાયદો વધારે થશે.

બાય ધી વેઃ

હવા પ્રદૂષણને કાબૂમાં કરવું હોય તો તેના મૂળમાં જઈને પ્રદૂષણ ઉત્સર્જિત કરતા તત્ત્વોને કાબૂમાં લેવા માટે લાંબા ગાળાના ઉકેલ માટે વહીવટી તંત્રએ કામ કરવું પડે. મોટાભાગના શહેરોમાં AQIની ઉપલી બેઝલાઈન 200-250ની આસપાસ હોય તે જરૂરી છે. આ સ્તર જાળવવા માટે જડબેસલાક યોજનાઓ જોઇએ, આડેધડ મૂકાતા ‘બ્લેન્કેટ બાન’થી કોઈ ફેર નથી પડવાનો. નેશનલ ક્લિન એર પ્રોગ્રામ પર કામ ચાલે છે પણ મોટા ભાગનું ભંડોળ સેન્સર્સ પર ખર્ચી નખાય છે હજી કોઈ સર્વાંગી ઉકેલો પર કામ નથી થયું અને અધૂરામાં પૂરું આપણે ત્યાં સંકલનનો અભાવ ન હોય એવું તો બને જ નહીં. ઉત્તર ભારતમાં ખેતરોની આગ, એક-બેકી તારીખે વાહનો વાળી વ્યવસ્થાની પાછળ કોઈ મજબૂત તર્ક નથી પરંતુ આંતરરાટ્રીય સ્તરે બેઇજિંગ અને યુરોપમાં જ્યારે રસ્તા પર વાહનો ઘટાડાયા ત્યારે ત્યાંની હવાની ગુણવત્તા સુધરી હતી. આપણે ત્યાં એક જ ઘરમાં બે કાર અને ત્રણ ટુ વ્હિલર હોય છે, વસ્તી વિસ્ફોટ પણ હવાના પ્રદૂષણમાં પોતાનું યોગદાન આપે જ એ ગણતરી કરવાનું ચૂકાય એમ નથી. ભારત અન્ય દેશો – જે હવાના પ્રદૂષણને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે તેમની પાસેથી શીખવું પડશે અને માત્ર શીખીને કામ નહીં ચાલે પણ તેના આયોજન તથા અમલ માટેની રાજકીય ઇચ્છાશક્તિનો દીવો પણ પ્રગટે એની પણ ખાતરી કરવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 નવેમ્બર 2023

Loading

...102030...854855856857...860870880...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved