Opinion Magazine
Number of visits: 9741951
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘની નીતિ : સમવિચારી પક્ષોને રસ્તામાંથી દૂર કરવા સંઘર્ષ નહીં કરવાનો, ગળી જવાના

રમેશ ઓઝા|Opinion - Opinion|11 February 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને ૧૦.૫૯ ટકા મત અને લોકસભાની ૧૨ બેઠક મળી હતી. એ સમયે દેશમાં કૂલ ૧૭,૩૨,૧૨,૩૪૩ નોંધાયેલા મતદાતા હતા, જેમાંથી ૪૪.૮૭ ટકા એટલે કે ૧૦,૫૯,૫૦,૦૮૩ મતદાતાઓએ મતદાન કર્યું હતું. એમાંથી કાઁગ્રેસને ૪,૭૬,૬૫,૯૫૧ મત મળ્યા હતા અને સમાજવાદી પક્ષને ૧,૧૨,૧૬,૭૧૯ મત મળ્યા હતા. કૂલ મતદાનમાં ૧૦.૫૯ ટકા પણ કાઁગ્રેસને જેટલા મત મળ્યા હતા એના લગભગ ચોથા ભાગના. સો મત કાઁગ્રેસને મળ્યા તો ૨૫ મત સમાજવાદી પક્ષને મળ્યા. આ સિવાય આચાર્ય કૃપાલાનીએ પણ કાઁગ્રેસમાંથી અલગ થઈ કિસાન મજદૂર પ્રજા પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો હતો અને તેને ૫.૭૯ ટકા મત, લોકસભાની નવ બેઠકો અને કૂલ ૬૧,૩૫,૯૭૮ મત મળ્યા હતા. આચાર્ય કૃપાલાની ચુસ્ત ગાંધીવાદી હતા, ભારતની આઝાદી વખતે કાઁગ્રેસના પ્રમુખ હતા એટલે વિચારોમાં તેમને પણ ભારતમાં વિકસેલી ભારતની કલ્પના સ્વીકાર્ય હતી. સમાજવાદી પક્ષની માફક કૃપાલાનીનો પક્ષ પણ પ્રગતિશીલ ડાબેરી (લેફ્ટ ઓફ ધ સેન્ટર) વિચાર ધરાવતો હતો. આ બન્ને પક્ષોના મતોનો સરવાળો કરવામાં આવે તો બન્નેને મળીને ૧૬ ટકા મત, લોકસભાની ૨૧ બેઠકો અને કાઁગ્રેસની તુલનામાં લગભગ ૪૦ ટકા મત મળ્યા હતા. મત અને બેઠકના અનુક્રમમાં સમાજવાદી પક્ષ બીજા ક્રમે અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી ત્રીજા ક્રમે હતા.

ભારતીય જનસંઘને પહેલી સામાન્ય ચૂંટણીમાં ૩.૦૬ ટકા મત અને ૩ બેઠકો મળી હતી. કુલ મળીને માત્ર ૩૨,૪૬,૩૬૧ મત મળ્યા હતા અને જો કાઁગ્રેસને મળેલા મતો સાથે તુલના કરવામાં આવે તો આઠ ટકા મત મળ્યા હત્યા. કાઁગ્રેસને સો મત મળ્યા હતા તો જનસંઘને આઠ મત મળ્યા હતા. આ સિવાય હિંદુ કોમવાદી રાજકારણ કરનારા બીજા બે પક્ષ પણ મેદાનમાં હતા. એક હતો કરપાત્રીજી મહારાજનો રામરાજ્ય પરિષદ અને બીજો હિંદુ મહાસભા. રામરાજ્ય પરિષદને ૧.૯૭ ટકા મત અને લોકસભાની ત્રણ બેઠકો મળી હતી. કુલ ૨૦,૯૧,૮૯૮ મત તેને મળ્યા હતા. હિંદુ મહાસભાને ૦.૯૫ ટકા મત અને લોકસભાની ચાર બેઠકો મળી હતી. કુલ મતોમાં હિંદુ મહાસભાનો હિસ્સો ૧૦,૦૩,૦૩૪નો હતો. આનો અર્થ એ થયો કે હિંદુ કોમવાદી રાજકારણ કરનારા ત્રણ પક્ષોને લોકસભાની કુલ ૧૦ બેઠકો અને ૬ ટકા મત મળ્યા હતા. ત્રણેય પક્ષોના કુલ મત ૬૨ લાખ થતા હતા, જે કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ અને સમાજવાદી પક્ષ તેમ જ  કિસાન મજદૂર પ્રજા પાર્ટીને મળેલા પોણા બે કરોડ મતથી ક્યાં ય પાછળ હતા. ત્રણ હિન્દુત્વવાદી પક્ષોને જેટલા મત મળ્યા હતા એટલા તો આચાર્ય કૃપાલાનીના કિસાન મજદૂર પ્રજા પાર્ટીને એકલીને મળ્યા હતા.

હવે આ પરિણામોનું થોડું પૃથક્કરણ કરી જોઈએ. પહેલી સામાન્ય ચૂંટણીમાં દેશને આઝાદી અપાવનારી કાઁગ્રેસ પાર્ટીનો પરાજય થાય એ તો શક્ય જ નહોતું. કાઁગ્રેસને લોકસભાની કુલ ૪૯૯ બેઠકોમાંથી ૩૬૪ બેઠક અને ૪૪.૯૯ ટકા મત મળ્યા હતા. આટલા મત અને બેઠકો ન મળે તો જ નવાઈ! બીજું હજુ બે વરસ પહેલા કાઁગ્રેસમાંથી બહાર પડેલા સમાજવાદીઓને અને આચાર્ય કૃપાલાનીને કુલ ૧૬ ટકા મત મળ્યા હતા, એ કોઈ હતાશ થવા જેવી વાત નહોતી. કાઁગ્રેસને મળેલા પોણા પાંચ કરોડ સામે સમાજવાદીઓ અને આચાર્ય કૃપાલાની બન્નેને મળીને જે પોણા બે કરોડ મત મળ્યા હતા, એ કોઈ ઓછા તો ન જ કહેવાય. આમ છતાં ય સમાજવાદીઓ હતાશ થઈ ગયા. તેમને એમ હતું કે લોકસભામાં કાઁગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ઘણું ઓછું અંતર હશે. અને એ પછી કાઁગ્રેસના વિકલ્પ તરીકે સમાજવાદી પક્ષની બાંધણી કરવાની ડૉ. રામ મનોહર લોહિયાની થિયરીનું બાષ્પીભવન થઈ ગયું.

આ બાજુ ત્રણ હિંદુ કોમવાદી પક્ષોને ઘણાં ઓછા મત મળ્યા હતા અને કાઁગ્રેસની તુલનામાં તો ક્યાં ય પાછળ હતા. કાઁગ્રેસને પોણા પાંચ કરોડ અને હિંદુ કોમવાદી પક્ષોને ૬૨ લાખ. આ ત્રણ પક્ષોમાં મહત્ત્વનો પક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘ હતો અને એ હકીકત બધા જાણતા હતા. એમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ હિંદુ મહાસભા છોડીને જનસંઘની સ્થાપના કરી એ પછી હિંદુ મહાસભા હજુ વધુ દુર્બળ બની હતી. કરપાત્રીજી મહારાજ રૂઢિચુસ્ત સનાતની હતા એટલે તેમની પહોંચ મર્યાદિત હતી. જનસંઘ લાંબી રેસનો ઘોડો હતો અને લાંબી રેસનો ઘોડો બનવા માટે જે ધીરજ હોવી જોઈએ એ સંઘમાં હતી. કાઁગ્રેસ અને સમાજવાદીઓ કરતાં ઘણાં પાછળ હોવા છતાં તેઓ હતાશ નહોતા થયા. સૌ પહેલા હિંદુ મહાસભા અને રામરાજ્ય પરિષદને સંઘના નેતાઓએ રસ્તામાંથી દૂર કર્યા હતા. અત્યંત સિફતથી સીધા ઘર્ષણ વિના. સંઘની નીતિ છે; સમવિચારી પક્ષોને રસ્તામાંથી દૂર કરવા સંઘર્ષ નહીં કરવાનો, ગળી જવાના. એ પછી નિસ્તેજ સ્વરૂપમાં અવશેષ રહે તો ભલે રહે. હિંદુ મહાસભા અવશેષરૂપે હજુ પણ છે.

પણ સમાજવાદીઓને પરિણામોનું આકલન કરવામાં નિરાશા દેખાઈ, આશા ન દેખાઈ. તેઓ કાઁગ્રેસના દેખીતા વિકલ્પ હતા અને મતદાતાઓએ તેમને વિકલ્પનું સ્થાન પણ આપ્યું હતું. સાવ ધરમૂળથી રીજેક્ટ નહોતા કર્યા. ઊલટું તેમના ધ્યાનમાં એ પણ આવવું જોઈતું હતું કે દેશના ૬૨ મતદાતાઓ ગાંધીજીની હત્યા પછી પણ કોમવાદી વલણ ધરાવે છે. આ સિવાય જેમણે મતદાન નહીં કર્યું હોય તેવા હિંદુ વધારાના. એ સમયે દેશમાં હિંદુઓની વસ્તી ૩૦ કરોડની હતી અને એમાંથી એક કરોડ હિંદુઓ કોમવાદી હોય તો એમાં સાવધાન થવા જેવું હતું. ટૂંકમાં સમાજવાદીઓ પાસે જતે દિવસે કાઁગ્રેસનો વિકલ્પ બનવાનો અવસર હતો અને દેશને હિંદુ કોમવાદથી બચાવવાનું દાયિત્વ હતું, પણ તેઓ તો નિરાશ થઈ ગયા હતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—234

દીપક મહેતા|Opinion - Opinion|10 February 2024

મુંબઈના કોઈ રસ્તાની ધારે 

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે                    

ઉમાશંકર જોશીએ ક્યાંક એક કિસ્સો નોંધ્યો છે. એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટી. સારે નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો. તેમની પાસે જઈને ચંપલ રિપેર કરવા આપી. રિપેર થઈ ગઈ એટલે મોચી કહે : ‘લો સાહેબ! તમારી ચંપલ.’ ઉમાશંકર ઉવાચ : ‘ભાઈ! મને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી. તમે તો ઉંમરમાં મારાથી મોટા છો.’ મોચીએ તરત જવાબ આપ્યો: ‘તમને કોણ કહે છે? હું તો તમારી અંદર જે ‘સાહેબ’ બેઠો છે તેને કહું છું.’ આ સાંભળીને ઉમાશંકર અવાચક. પણ આજે આ વાત યાદ આવવાનું કારણ? કારણ આજે મિસિસ પોસ્ટાન્સ સાથે બજારમાં ફરતાં સૌથી પહેલી વાત કરવી છે બૂટ-ચંપલની દુકાનની. 

૧૯મી સદીમાં બનેલો હાથી દાંતના નકશીકામવાળો પટારો 

એ જમાનાના મુંબઈમાં બૂટ-ચંપલ વેચતી દુકાનો બહુ ઓછી. અને તૂટેલાં પગરખાં સમાં કરી આપનાર મોચી તો એનાથી ય ઓછા. કારણ? મિસિસ પોસ્ટાન્સના કહેવા પ્રમાણે ચમાર, મોચી, વગેરે ‘અસ્પૃશ્ય’ વર્ગના ગણાય અને એટલે ‘ઉજળિયાત’ વર્ગના લોકો ન તેમની પાસેથી કશું ખરીદે કે ન કશું સમુંનમું કરાવે. બલકે ઘણા લોકો તો કાં પગમાં લાકડાની કે શણ જેવા જાડા કપડાની સપાટ પહેરે, કે પછી ઉઘાડે પગે જ બહાર પણ ચાલે. મંદિરોમાં તો ઉઘાડે પગે જ દાખલ થવું પડે. હા, વિદેશીઓ માટે બજારમાં બે-ચાર દુકાનો ખરી. મોટે ભાગે બંગાળી કારીગરોની. બારેક શિલિંગમાં ત્યાંથી એક જોડ મળી જાય ખરી, પણ કામ ઘણું કાચું. એ લોકો પરદેશી પગરખાંનું અનુકરણ કરવાની મહેનત કરે, પણ તેમાં ખાસ સફળ થાય નહિ. અને એમાં ય પરદેશી સ્ત્રીઓ માટે તો પગરખાંની મુશ્કેલી સૌથી વધુ. ‘જેક્સન’ જેવું અંગ્રેજી નામ ધરાવતી એક દુકાન બજારમાં છે ખરી. એ તમને એકાદ પરદેશી જૂનું કેટલોગ બતાવીને તેમાંથી ડિઝાઈન પસંદ કરવા કહે. તમે પસંદ કરો. બે ચાર દિવસ પછી લેવા જાવ અને જુઓ તો પેલા કેટલોગમાંની ડિઝાઈન અને તમારી સામે જે જોડી મૂકાય તેની વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય! અને અહીંના ચમારો ચામડાને પૂરતું કમાવતા જ નથી. એટલે બે-પાંચ મહિનામાં તો તમારાં પગરખાં ચીંથરા જેવાં થઈ જાય. 

તો બીજી બાજુ પરદેશીઓને અચરજ થાય એવી વસ્તુઓ પણ મુંબઈની બજારમાં વેચાય છે. આવી એક તે હાથી દાંતની કોતરણી કામ કરેલી વસ્તુઓ. સફેદ બાસ્તા જેવા હાથી દાંતની પટ્ટીઓ પર જે રીતે રંગબેરંગી કપચી કામ કરવામાં આવે છે તે ખરેખર ખૂબ સુંદર હોય છે. ગ્રેટ બ્રિટનથી અહીં આવતા ઘણાખરા લોકો આ જાતની એક-બે વસ્તુ તો પોતાની સાથે લઈ જ જાય છે. એટલે હવે યરપમાં પણ આ સુંદર નકશીકામ ઘણું જાણીતું થયું છે. આવું કામ કરેલા નાના ડબ્બાથી માંડીને ટેબલ-ખુરસી સુધીની વસ્તુઓ અહીં મળે છે. કેટલીક વસ્તુઓની તો આખેઆખી સપાટી જ આ રીતે બનાવેલી હોય છે. તો કેટલીકમાં માત્ર બોર્ડર તરીકે જ તે જોવા મળે છે. વળી કેટલીક વાર તેમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. આ કળા મૂળ તો સિંધ પ્રદેશની છે, પણ હવે મુંબઈમાં તેના કારીગરો ઘણા જોવા મળે છે. અને કારીગરો દુકાનમાં બેસીને જ કામ કરતાં હોય છે. એટલે તમારી જરૂરિયાત કે રુચિ પ્રમાણેની વસ્તુ પણ બનાવી આપે છે. અને મહેનત મજૂરીની સરખામણીમાં આ વસ્તુઓ પ્રમાણમાં સસ્તામાં મળી રહે છે. હા, ભાવ-તાલ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. અને જો તમારે આવી ઘણી બધી વસ્તુ ખરીદવી હોય તો કારીગર તમારે ઘરે આવીને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી આપે એવી સગવડ પણ થઈ શકે છે. 

પણ મુંબઈની બજારમાં સૌથી વધુ નફાકારક ધંધો કયો? તાડી વેચવાનો. બજારમાં દરેક છઠ્ઠી દુકાન તાડીની જોવા મળે છે. આવી દુકાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે કે તે અંગે હવે સરકારે કાયદો કરવો પડ્યો છે. તે પ્રમાણે તાડીની બે દુકાનો વચ્ચે અમુક અંતર રાખવાનું ફરજિયાત છે. જેમની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેમનું કહેવું છે કે તાડીના વધતા જતા વેચાણને કારણે નાના ગુનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. 

તાડ પર ચડતો ભંડારી

અલબત્ત, સૂર્યોદય પહેલાં આ રસ – જેને અહીંના લોકો ‘નીરો’ કહે છે – ઠંડો અને સ્ફૂર્તિદાયક હોય છે. પણ સૂર્યોદય પછી તેમાં આથો આવતો જાય છે અને બને છે તાડી. અને આ તાડી પીધા પછી માણસ છકી જાય છે. અને અહીંના લોકો સોજ્જો મજાનો નીરો પીવાને બદલે નુકશાનકારક તાડી જ પીવાનું પસંદ કરે છે! તાડી બનાવવાનું કામ મુંબઈમાં જોરશોરથી ચાલે છે કારણ અહીં ઠેર ઠેર તાડનાં ઝુંડનાં ઝુંડ જોવા મળે છે. અરે! અહીં તો એક ગલ્લીનું નામ જ છે તાડવાડી! મુંબઈની સમથળ જમીન પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે જરા ઉબડખાબડ જમીન પર તાડ અને નાળિયેરીની વાડીઓ જોવા મળે છે. આવી વાડીવાળાઓએ ઝાડ દીઠ સરકારને વરસે એક રૂપિયાનો વેરો ભરવો પડે છે. પણ આ ઝાડની પછીથી ઝાઝી સારસંભાળ રાખવી પડતી નથી, અને ઝાડ લાંબા વખત સુધી આવકનું સાધન બની રહે છે. એટલે અહીંના લોકો આવી વાડીઓ પસંદ કરે છે. આમ તો તાડના હર કોઈ ઝાડમાંથી તાડી મળી રહે, પણ પંખા આકારનાં ઝાડની તાડી સૌથી વધુ સારી – એટલે કે સૌથી વધુ માદક – હોવાનું મનાય છે. 

તાડીની દુકાન 

તાડીના ધંધામાં મોટે ભાગે ભંડારીઓની બોલબાલા છે. માછીમારોની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના મૂળ વતનીઓ હોવાનું મનાય છે. તો કેટલાક કહે છે કે ના. તેઓ મુંબઈ નજીકના દરિયા કિનારેથી અહીં આવીને વસ્યા. વંશપરંપરાગત રીતે તેમનામાં તાડનાં ઊંચાં ઊંચાં ઝાડ પર ઝડપભેર ચડી જવાની કૂનેહ હોય છે. આ ઝાડના થડ પર કુદરતી રીતે જ જે ખાંચા ખાંચા હોય છે તેનો ઉપયોગ કરીને અને સલામતી માટે કમ્મરે દોરડું બાંધીને તે ઝાડની ટોચ સુધી પહોંચે છે. મોટા ભાગના ભંડારીઓ માથે કિરમજી રંગની ટોપી પહેરે છે કે એ જ રંગનું કપડું વીંટાળે છે. ગળામાં કપડાનો કટકો બાંધેલો હોય છે, જે સૂરજનાં આકરાં કિરણોથી તેને બચાવે છે. શરીરનો નીચેનો ભાગ ચામડાના હાફ પેન્ટ જેવા કપડાથી ઢંકાયેલો હોય છે. તેના પર વીંટાળેલા દોરડામાં જરૂરી સાધનો ખોસેલાં હોય છે. ચામડાના પટ્ટા સાથે જોડેલા દોરડાને બીજે છેડે હુક હોય છે જેને તે કુશળતાથી ઝાડના થડમાં ભરાવી દે છે, જેથી તેને નીચે પડવાની બીક ન રહે. તાડનાં ઝાડની ટોચ પરથી જે તાડી મળે તે સૌથી સારી મનાય છે. એટલે તે છેક ટોચ સુધી જઈને થડમાં કાપા પાડે છે અને તાડી નીકળવા લાગે કે તરત માટીની માટલી બાંધી દે છે. રોજ સવાર-સાંજ બે વખત તે આ રીતે ઝાડ પર ચડે છે. તાડીથી ભરાઈ ગયેલી માટલી ઉતારી લે છે અને બીજી ખાલી માટલી તેની જગ્યાએ બાંધી દે છે.  

ચારસો- પાંચસો ઝાડવાળી તાડની વાડીનું દૃષ્ય મનોરમ હોય છે. દરેક ઝાડને મથાળે લાલ માટીની માટલી બાંધી હોય છે જે સૂરજના તડકામાં ચમકતી દેખાય છે. ભંડારીઓ આંખના પલકારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરાની જેમ કૂદી કૂદીને પહોંચી જાય છે. તો બીજા કેટલાક ઝાડ નીચે બેસીને પોતાના છરા વગેરેને ધાર કાઢતા હોય છે કે દોરડાની મજબૂતી તપાસતા હોય છે. નહિ નહિ તો ય પચાસ ફૂટ ઊંચા ઝાડ પર સડસડાટ ચડી જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. એમાં જીવનું જોખમ પણ ખરું. પણ અનુભવી ભંડારીઓ તો કશી પરવા કર્યા વગર સડસડાટ ઉપર ચડી જાય છે. અને આ કાંઈ એક ઝાડ પર ચડવાની વાત નથી. એક પછી એક કેટલાંયે ઝાડ પર રોજ સવાર-સાંજ ચડે છે ને ઊતરે છે. ઝાડની ટોચ પર પહોંચ્યા પછી આસપાસનું જે દૃષ્ય દેખાય તે તો ઘણું મનોરમ હોય જ. પણ ઝાડ પર ચડેલા ભંડારીની તેજ નજર નીચે ભોંય પર જે બનતું હોય છે તે પણ નોંધતી રહે છે. એમની તીક્ષ્ણ નજર કશુંક પણ અસાધારણ દેખાય તો આપોઆપ તેની નોંધ લઈ લે છે. અંધારાના ઓળા ઊતરે પછી તાડની વાડીમાંથી પસાર થતા રાહદારીઓને ચોર-લૂંટારાનો ભો રહે છે. સોના-ચાંદીનાં ઘરેણાં કે રોકડ રકમ, જે હાથ આવે તે પડાવી લેવા માટે વટેમારગુને ઢોર માર મારતાં આ લૂંટારા અચકાતા નથી. પણ એમને ખબર હોતી નથી કે તેમનો આ કાળો કામો કોઈક ઝાડની ટોચ પરથી એકાદ ભંડારી જોઈ ગયો છે. આવા કિસ્સામાં ઘણી વાર માત્ર એકાદ ભંડારીની જુબાનીને પ્રતાપે ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય છે. 

સંધ્યા સમયે તાડની વાડી 

તાડ, નાળિયેરી, ખજૂરી, વગેરેને આપણે તો ‘પામ ટ્રી’ જેવા એક જ નામે ઓળખીએ છીએ. પણ એ દરેકને પોતાનો આગવો દેખાવ, આગવો પ્રભાવ હોય છે. આવી કેટલીક વાડીઓમાં સ્થાનિક ધનિકોના નાના બંગલા પણ આવેલા હોય છે. જો કે અહીં તેઓ કાયમ માટે રહેતા નથી. પણ શનિ-રવિમાં કે વાર તહેવારે આરામ ફરમાવવા અહીં આવે છે. તો વળી કેટલાક લોકો લગ્નેતર સંબંધો માટે આવા બંગલાનો ઉપયોગ કરતા હોય છે. જો કે તેમણે ભંડારીની બાજ નજરથી સતત બચતા રહેવું પડે છે. 

સાંજ ઢળવા લાગે ત્યારે લોકો ઝડપભેર પોતપોતાના ઘર તરફ જવા નીકળી પડે છે અને શહેરના રસ્તા પર ભીડ થઈ જાય છે. બજારમાંના લોકો હવે રસ્તા પર ઠલવાતા જાય છે, અને બજાર ખાલી થતી જાય છે. માલ-સામાન લઈને જતાં બળદ ગાડાંનાં કિચુડ કિચુડ કરતાં પૈડાં ધૂળની નાની નાની ડમરી ઉડાડતા જાય છે. એ ડમરી પર પડતાં આથમતા સૂરજનાં કિરણો કોઈક જૂદું જ મનોરમ દૃષ્ય ખડું કરી દે છે. અને એ જ વખતે રસ્તાની ધારે આવેલી કોઈ દરગાહ પાસેથી લોબાનના ધૂપની સુવાસ વાતાવરણમાં ફેલાતી રહે છે. 

અંગ્રેજ બાનુની આ વાત વાંચતાં આપણને તો કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે :

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.

વહાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચૂપ જલે છે.

આવતે અઠવાડિયે આ અંગ્રેજ બાનુની સાથે જશું માટુંગા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ફેબ્રુઆરી 2024)

Loading

રિઝાવા, ખિજાવા, ભસવા અને કરડવાની અથશ્રી શ્વાન કથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 February 2024

ચંદુ મહેરિયા

પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચાર મૂલ્ય વગરની ઘટના  હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ્‌ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં. 

કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતાં શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલાં કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે, પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે. 

શ્વાનની સોબત તે રીઝે તો ય અને ખીજે તો ય માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલામેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.

અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડા પ્રધાન ઋષિ સુનકે આ નસ્સલનાં કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું. ૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.  

પાળેલાંની જેમ રખડતાં કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું. એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઊભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃદ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.

ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા  પ્રશ્નના જવાબમાં ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે. 

અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના  આક્રમક  બનવાના, લોકો પર હુમલા કરવાના અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી, ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા-નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે. 

 ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય, મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલાં કે શું રખડતાં – તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે  ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે  કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. 

હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાંકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?

e.mail : maheriyachandu@gmail.com   

Loading

...102030...831832833834...840850860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved