Opinion Magazine
Number of visits: 9666048
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિશે પુનર્વિચાર કરવો જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 January 2024

રમેશ ઓઝા

આપણે વાત કરતા હતા પૂના નજીક આવેલા ભીમા કોરેગાંવના વિજય સ્મારકની જ્યાં દર વર્ષે પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં વિજયોત્સવ માટે દલિતો એકઠા થાય છે. પણ સવાલ એ છે કે વિજય કોનો થયો હતો અને કોની સામે થયો હતો. ઉત્તર બહુ સ્પષ્ટ છે ૧૮૧૭ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પૂનાના પેશ્વાઓ સામે વિજય થયો હતો. પણ અંગ્રેજોને ચતુરાઈમાં કોઈ ન પુગે. આપણે ત્યાં બીજાઓનો શ્રેય આંચકી લેવાની લાલચ કેટલાક લોકો રોકી શકતા નથી ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમોએ કંપનીના વિજયનો શ્રેય મહારાષ્ટ્રના દલિત મહારોને આપ્યો હતો અને એવો પ્રચાર શરૂ કર્યો હતો કે દલિતોએ બ્રાહ્મણોને (અને એ પણ મહારાષ્ટ્રના ચિત્પાવન બ્રામણો) પરાજિત કર્યા હતા અથવા દલિતોનો બ્રાહ્મણો પર વિજય થયો હતો. ઈરાદો પોતાને સર્વશ્રેષ્ઠ માનતા બ્રાહ્મણોને નીચા દેખાડવાનો હતો અને દલિતોને બ્રાહ્મણોની સામે ઊભા કરવાનો હતો. આમ લાંબો સમય રાજ કરી શકાય એ માટે ચતુર અંગ્રેજોએ વિજયનો શ્રેય દલિતોને આપ્યો હતો.

આ દેશમાં મહત્તા કોને નથી ગમતી! ધીરેધીરે દલિતો પણ એમ માનવા લાગ્યા કે બ્રાહ્મણ પેશ્વાઓને તેમણે પરાજીત કર્યા હતા. વાસ્તવમાં અંગ્રેજોના સૈન્યમાં મરાઠા, મહાર, યહૂદી અને મુસલમાન પણ હતા. અંગ્રેજોનાં ૪૯ સૈનિકો લડાઈમાં મૃત્યુ પામ્યાં હતા જેમાં ૨૨ મહાર સૈનિકો હતા. વિજયસ્તંભ પર એ તમામ ૪૯ સૈનિકોનાં નામ આપવામાં આવ્યાં છે. દલિતોએ બ્રાહ્મણોને પરાજીત કર્યા એવો પ્રચાર દલિતો અપનાવતા ગયા અને એમાં પણ ૧૯૨૭ની સાલમાં પહેલી જાન્યુઆરીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભીમા કોરેગાંવના સ્મારકની મુલાકાત લીધી એ પછી પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ ખાતે વિજય ઉજવવા એકઠા મળવું એ દલિતો માટે એક વાર્ષિક કાર્યક્રમ બની ગયો.

બ્રાહ્મણો સામે દલિતોને ઊભા રાખવા અને એવા બીજા નુસખા વાપરીને બને એટલો લાંબો સમય ભારતમાં રાજ કરવું એ એ સમયની અંગ્રેજોની જરૂરિયાત હતી. બહુ ચતુરાઈપૂર્વક વિજયનો શ્રેય તેમણે દલિતોને આપ્યો હતો. સવર્ણોના વર્ચસવાળા ભારતીય સમાજમાં દલિત પ્રજાની અંદર ચેતના જાગૃત કરવી એ એ સમયે દલિતોની જરૂરિયાત હતી. ડૉ. આંબેડકરે દલિતોની અંદર ચેતના જાગૃત કરવા અને સામાજિક અસમાનતા તેમ જ અન્યાય સામે દલિતો અવાજ ઉઠાવતા થાય એ સારુ ભીમા કોરેગાંવની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. જરૂરિયાત સમજવી અને જરૂરિયાત મુજબ સાધનોનો તેમ જ ઘટનાઓનો ઉપયોગ કરવો એમાં દુરન્દેશી છે.

પણ પછી જરૂરિયાત બદલાતી રહે છે અને જેમ જરૂરિયાત બદલાય એમ વલણમાં પણ ફેરફાર કરતા રહેવું જોઈએ. આજે જ્યારે ભારતમાં ફાસીવાદી રાજકારણે માથું ઊંચક્યું છે અને ભારતની પ્રજા તેના પ્રભાવમાં આવી રહી છે, ત્યારે બ્રાહ્મણ-દલિતોના જય-પરાજયના ઉત્સવો ઉજવવા એ કેટલું ઉપયોગી છે? તમને નથી લાગતું કે આવી આઝાદી પહેલાંની ચોક્કસ સ્થિતિમાં જેની જરૂરિયાત હતી એ અત્યારે કાલબાહ્ય થઈ રહી છે? સાવ સીધાસાદા અને એકંદરે માનવતાવાદી બ્રાહ્મણોને આજે પણ ગાળો દેતા રહીને, દરેક બ્રાહ્મણને મનુવાદના રક્ષક ગણાવીને, તેમનાં કુકર્મોને ઘૂંટતા રહીને આપણે એ બ્રાહ્મણને ફાસીવાદ તરફ ધકેલી રહ્યા છીએ. દેશમાં જ્યારે સર્વસમાવેશક રાષ્ટ્રવાદ કે સહિયારી રાષ્ટ્રીયતા સ્વીકૃત હતી, ત્યારે મોટાભાગના બ્રાહ્મણોએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સવર્ણોએ તેનો સ્વીકાર કર્યો હતો. અંગ્રેજીમાં જેને આપણે આઈડિયા ઓફ ઇન્ડિયા કહીએ છીએ એમાં એ લોકો પણ ભાગીદાર હતા જે એક સમયે સામાજિક સરસાઈ ધરાવતા હતા.

બન્યું છે એવું કે પ્રગતિશીલોના અતિરેકને કારણે, આક્રમકતા અને અસહિષ્ણુતાને કારણે તેમણે પરસ્પર એકબીજા વચ્ચે ઊંડી ખાઈ પેદા કરી છે. તેમણે પરસ્પર એકબીજાનો છેદ ઉડાડીને પોતાને જ નિર્બળ કર્યા છે અને ઉપરથી જે સવર્ણો સાથ આપતા હતા અથવા સહાનુભૂતિ ધરાવતા હતા તેમને પોતાનાથી દૂર કર્યા. આજે તેઓ સામેના છેડે જઈ રહ્યા છે અને તેના માટે પ્રગતિશીલોનું વલણ પણ જવાબદાર છે. કોઈ ધાર્મિક હોય, કોઈ જનોઈ પહેરતું હોય, કોઈ કર્મકાંડ કરાવતું હોય તો એ કોઈ અમાનવીય કૃત્ય તો નથી. પણ આજે એ લોકો જેઓ અમાનવીય પ્રવૃત્તિ કરે છે તેને સમર્થન આપે છે, કારણ કે પ્રગતિશીલોએ તેમની આક્રમકતા અને અસહિષ્ણુતા દ્વારા તેમને તેમનાથી દૂર કર્યા છે.

ભીમા કોરેગાંવમાં જે વિજય થયો હતો એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો થયો હતો. તેમનો વિજય દલિતોને કારણે નહોતો થયો, પણ યુદ્ધ લડવાની તેમની આવડતને કારણે થયો હતો. પેશ્વાઓનો જે પરાજય થયો હતો એ દલિતોને કારણે નહોતો થયો, પરંતુ તેમના ફૂહડ રાજકાજને કારણે થયો હતો. તેમને રાજ કરતાં જ નહોતું આવડતું અને હાથ લાગેલી તક વેડફી નાખી હતી. આ વાસ્તવિકતા છે.

તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આજે જ્યારે ફાસીવાદે દેશ પર ભરડો લીધો છે ત્યારે સંસ્થાનવાદી ઘટનાઓ, ઇતિહાસ અને સંદર્ભો વિષે પુનર્વિચાર કરવો જોઈએ.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જાન્યુઆરી 2024

Loading

રામની અયોધ્યા : 

વિવેક કુમાર [ગુજરાતી અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક]|Opinion - Opinion|27 January 2024

વિવેક કુમારના મૂળ હિન્દી લેખ અને નિવેદિતા મેનને કરેલા તેના અંગ્રેજી અનુવાદને આધારે આ ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે અને આ બંને લેખ ‘કાફિલા’ પર ઉપલબ્ધ છે. 

— મૈત્રેયી યાજ્ઞિક

 °°°

એક મુસ્લિમ જમીનદારે દાનમાં આપેલી જમીન પર બાંધવામાં આવેલું અયોધ્યાનું 300 વર્ષ પુરાણું આ રામ જન્મસ્થળ મંદિર, નવા વિસ્તૃત રામ મંદિર માટે જગ્યા કરી આપવા માટે, ઓગસ્ટ 2020માં તોડી પાડવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય : ‘ધ વાયર’)

એ લોકો કહે છે કે રામ અયોધ્યામાં જન્મ્યા; અયોધ્યામાં રમ્યા અને ભમ્યા, અયોધ્યામાં જ ઉછરીને મોટા થયા, ત્યાંથી જ તેમને વનવાસ અપાયો, અને પછી ત્યાં જ પાછા ફરીને તેમણે શાસન પણ કર્યું. રામના જીવનની ક્ષણેક્ષણની યાદમાં અયોધ્યામાં મંદિરો છે. જ્યાં રમ્યા ત્યાં ગુલેલા મંદિર. જ્યાં અભ્યાસ કર્યો ત્યાં વસિષ્ઠ મંદિર. જ્યાં બેસીને રાજ કર્યું ત્યાં મંદિર છે, તો જ્યાં ભોજન લીધું ત્યાં સીતા રસોઇ છે. જ્યાં ભરત રોકાયા હતા ત્યાં મંદિર છે. હનુમાન મંદિર છે, કોપ ભવન છે. સુમિત્રા મંદિર છે, દશરથ ભવન છે. આવા તો કંઈ કેટલાં ય મંદિરો છે અને એ બધાં લગભગ 400થી 500 વર્ષ જૂનાં છે. કહેવાનું તાત્પર્ય એ કે હિન્દુસ્તાનમાં મુગલોના શાસનકાળ દરમિયાન, મુસ્લિમોના શાસનકાળ દરમિયાન આ મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.

ગજબ કહેવાય નહીં! મુસ્લિમોએ આ મંદિરો બનાવવાની મંજૂરી કેમની આપી હશે? એમને તો મંદિરો તોડી પાડવા માટે યાદ કરવામાં આવે છે. તેમના નાકની નીચે એક આખું ને આખું શહેર ધીમે ધીમે મંદિરોની નગરીમાં ફેરવાઈ ગયું અને તેઓએ કંઈ જ ન કર્યું! આ તે કેવા આતયાયીઓ હતા જે મંદિરો માટે જમીન આપતા જ રહ્યા હતા? ગુલેલા મંદિર જ્યાં છે તે જમીન મુસ્લિમ શાસકોએ જ આપી હતી એવું કહેનારા નક્કી જુઠ્ઠા હોવા જોઈએ. અને દિગંબર અખાડામાં રાખેલા એ દસ્તાવેજો, જેમાં લખેલું છે કે મંદિર બનાવવાના ચોક્કસ હેતુ માટે મુસ્લિમ શાસકોએ 500 વીઘા જમીન દાનમાં આપી હતી, એ ચોક્કસપણે નકલી હોવા જોઈએ. અને આજે નિર્મોહી અખાડો જ્યાં ઊભો છે એ જમીન નવાબ સિરાજ ઉદ-દૌલાએ આપી હતી એ વાત સાચી હોઈ જ ન શકે. ના, સત્ય તો માત્ર એક જ છે, અને એ છે બાબર અને એણે બનાવેલી બાબરી મસ્જિદ!

હવે તો એવું લાગે છે કે તુલસીદાસ પણ ખોટા હતા, તેઓ 1528ની આસપાસના અરસામાં જ થઈ ગયા, કારણ કે તેમનો જન્મ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1511માં થયો હતો. લોકોનું કહેવું છે કે 1528માં જ બાબરે, જ્યાં રામનો જન્મ થયો હતો તે સ્થળે આવેલ રામમંદિર તોડીને ત્યાં જ, બાબરી મસ્જિદ ચણી હતી. તેમના સમયમાં આ વાત તુલસીદાસના જોવા-જાણવામાં નક્કી આવી જ હોવી જોઈએ. રામના જન્મસ્થળે આવેલ મંદિર બાબર તોડી રહ્યો હતો ત્યારે પણ તુલસીદાસ લખી રહ્યા હતા, “માંગ કે ખાઈબો, મસીત મેં સોઈબો”–   ભીખ માંગીને ખાઉં છું ને મસ્જિદમાં સૂઈ રહું છું. અને પછી તેમણે લખ્યું રામચરિતમાનસ. રામમંદિર તૂટ્યાનો અને તેના જ ખંડિયેર પર બાબરી મસ્જિદ ચણાયાનો તુલસીદાસને જરા સરખો ય રંજ નહીં થયો હોય? તેમણે ક્યાંક તો એના વિશે કંઈક તો લખ્યું હશે ને?

અયોધ્યામાં સત્ય અને અસત્ય પોતાનો અર્થ ખોઈ ચૂક્યા છે.

પાંચ પેઢીઓથી મુસ્લિમોએ ત્યાં ફૂલો ઉગાડ્યાં છે. અને એ તમામ ફૂલો મંદિરોમાં, દેવતાઓને, રામને ચડતાં રહ્યાં છે.

કંઈ કેટલાં ય વર્ષોથી મુસ્લિમો ત્યાં લાકડાની ચાખડીઓ બનાવતા આવ્યા છે. મુસ્લિમોએ બનાવેલી આ ચાખડીઓ સાધુ- સન્યાસીઓ, ઋષિમુનિઓ, રામ ભક્તો, સૌ કોઈ પહેરતા આવ્યા છે.

સુંદર ભવન મંદિરનું સમગ્ર સંચાલન ચાર દાયકા સુધી એક મુસ્લિમના હાથમાં રહ્યું હતું. 1949માં તેના સંચાલનની જવાબદારી સાંભળનાર મુન્નુ મિયાં 23મી ડિસેમ્બર, 1992 સુધી તેના મેનેજર રહ્યા હતા. કેટલીકવાર એવું ય બન્યું હતું કે ભક્તો ઓછા હતા અને આરતી દરમિયાન મુન્નુ મિયાંએ પોતે તાલબદ્ધ રીતે કરતાલ બજાવી હતી, ત્યારે શું એમને વિચાર સરખો ય આવ્યો હતો કે શું છે અયોધ્યાનું સત્ય અને શું છે એનું જુઠ્ઠાણું?

અગ્રવાલ દ્વારા બંધાવવામાં આવેલા મંદિરની એકએક ઈંટ 786નો આંકડો કોતરેલો છે. આ મંદિર બનાવવા માટેની તમામ ઈંટો રાજા હુસૈન અલી ખાને આપી હતી. અહીં શું સાચું માનવું? મંદિર બનાવનાર અગ્રવાલનું મગજ ઠેકાણે નહોતું? કે પછી હુસૈન અલી ખાન પાગલ હતા કે મંદિર બનાવવા માટે ઈંટો દાનમાં આપી રહ્યા હતા? અહીં પ્રાર્થના કરવા ઊઠેલા હાથ હિંદુના કે મુસ્લિમના હાથ તરીકે ઓળખી શકાતા નથી, એ તમામ હાથ અહીં પૂજા કરવા ઊઠે છે, ઈબાદત કરવા ઊઠે છે. આ એક 786ના આંકડાએ આ મંદિરને બધાનું બનાવી દીધું હતું. શું માત્ર 6ઠ્ઠી ડિસેમ્બર, 1992 એ જ એક સત્ય છે?

6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 પછી અયોધ્યાના મોટાભાગનાં મંદિરોનો કબજો સરકારે લઈ લીધો. તમામ મંદિરોને તાળાં લગાવી દેવાયાં. આરતી બંધ થઈ ગઈ. લોકોએ ત્યાં જવાનું છોડી દીધું. શું બંધ દરવાજા પાછળ બેઠેલા દેવી-દેવતાઓએ એક ગુંબજ પર ચઢી જઈને રામને મુઠ્ઠીમાં કરી લેવાની મહત્ત્વાકાંક્ષા રાખતા લોકોને શાપ આપ્યો હશે?

શું અયોધ્યાનાં એ પ્રાચીન મંદિરોમાંથી રામના નામે અયોધ્યામાં અને ભારતભરમાં વહેલા એ લોહીની બૂ આવતી હશે?

અયોધ્યા એ કહાણી છે એક નગરની એક “સમસ્યા”માં ફેરવાઈ જવાની.

અયોધ્યા કહાણી છે એક આખી સંસ્કૃતિના મોતની.

e.mail : maitreyi.yajnik@gmail.com

મૂળ હિન્દી લેખ કાફિલા પર અહીં વાંચી શકાશે.

તેનો અંગ્રેજી અનુવાદ કાફિલા પર અહીં વાંચી શકાશે.

Loading

વિદેશોમાં ભારતના શ્રમિકોની માંગ : ગિરમીટ પ્રથાનું પુનરાગમન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 January 2024

ચંદુ મહેરિયા

લગભગ એક જ સમયગાળાના આ ત્રણ સમાચારોમાં રહેલું સામ્ય અને વિરોધ નોંધપાત્ર છે. દુનિયાના વિકસિત દેશોમાં શ્રમિકોની મોટી તંગી હોઈ તે દેશોમાં ભારતના શ્રમિકોને મોકલવા ભારત સરકાર દ્વિપક્ષીય સમજૂતી કરવાની છે. ભારતીય જનતા પક્ષના લોકસભા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ વિદેશ મંત્રીને પત્ર લખી સાઉદી અરબમાં ફસાયેલા ૪૫ ઝારખંડી મજૂરોની મુક્તિ માટે વિનંતી કરી છે. આ કામદારો કામની તલાશમાં એજન્ટો મારફત ગયા હતા અને હવે ફસાઈ ગયા છે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને પાંચ માસનું વેતન મળ્યું નથી અને તેઓ દિવસમાં એક વાર માંડ ખાવાનું પામે  છે. ૩૦૩ ભારતીયોને લઈને નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ માટે ફ્રાન્સમાં રોકાયું ત્યારે ફ્રાન્સને માનવ તસ્કરીની શંકા લાગતા તપાસ કરતાં દલાલો આ ભારતીય પ્રવાસીઓને નિકારાગુઆના માર્ગે ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હતા .. આ વિમાનમાં ઘણાં ગુજરાતીઓ હતા, ઓછું ભણેલા અને અર્ધ કુશળ હતા. તે સૌ મોટા વેતનના કામની ખોજમાં ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા.

દુનિયાના અમીર અને વિકસિત દેશોમાં કામદારોની તીવ્ર તંગી છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધને કારણે જે એકાદ લાખ પેલેસ્ટિની કામદારો ઈઝરાયલમાં હતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. યુદ્ધ પહેલાં ૨૦,૦૦૦ ભારતીય શ્રમિકો ઈઝરાયલમાં હતા. હવે તેને બીજા ૪૦,૦૦૦ કામદારોની જરૂર છે. ગ્રીસને ૧૦,૦૦૦, તાઈવાનને ૧,૦૦,૦૦૦, જર્મનીને ૨૪,૦૦,૦૦૦  કામદારોની જરૂર છે. ઈટલીને પણ ભારતીય કુશળ, અકુશળ મજૂરોની આવશ્યકતા છે. વિકસિત દેશોમાં કામદારોની અછતનું કારણ આ દેશોમાં કામને લાયક ન રહી હોય તેવી વૃદ્ધ વસ્તીનું મોટું પ્રમાણ છે.

ટ્રક, કેબ ડ્રાઈવર, હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્ટોરમાં કામદારો, ફુડ સર્વિસ, કૃષિ કામદારો, રસોઈયા, સુથાર, પ્લમ્બર, નર્સિંગ સર્વિસ, આરોગ્ય કર્મી, બાંધકામ અને  મેન્યુફેકચરિંગ , વૃદ્ધો, વિકલાંગો અને દર્દીઓની દેખભાળ તથા તે પ્રકારનાં બીજાં કામો માટે ભારતના કામદારોની વિદેશોમાં આવશ્યકતા છે. ભારતે દુનિયાના આશરે ચાળીસ દેશો સાથે કામદારોની સેવા માટે સમજૂતીઓ કરી છે.  ૨૦૧૫ થી ૨૦૨૩માં ભારતીય શ્રમજીવીઓની સેવા માટે વિકસિત અને જરૂરિયાતમંદ દેશો સાથે ૧૭ સમજૂતી કરી હતી. એમ્પલોયમેન્ટ મોબિલિટી એગ્રીમેન્ટ અને Flurry of mobility and migrantion agreement ને કારણે ભારતીય કામદારોને રક્ષણ મળે છે. ભારત સરકાર તેના વ્યાપાર ભાગીદાર દેશો સાથેની અન્ય સમજૂતીઓ વખતે કામદારોની આવજા અંગે પણ સ્પષ્ટતા કરે છે. હાલમાં ગ્રીસ, ડેન્માર્ક, સાઉથ કોરિયા, તાઈવાન અને નેધરલેન્ડ સાથે કામદારોની આવજા અંગેના એગ્રીમેન્ટ ચર્ચામાં છે.

છેલ્લા સરકારી શ્રમબળ (વર્કફોર્સ) સર્વેક્ષણ પ્રમાણે દેશમાં કોઈ અન્ય કામના વિકલ્પના અભાવે ટોટલ વર્કફોર્સના ૫૭ ટકા સ્વરોજગારમાં છે. ૨૧ ટકા હંગામી મજૂરો છે અને ૧૮ ટકા નાના ગૃહ ઉદ્યોગોના સહયોગી છે. દેશમાં ૧૮થી ૨૫ વરસની યુવા વસ્તી ૪૪ ટકા છે. આ વિશ્વનું સૌથી મોટું યુથ વર્ક ફોર્સ છે. વરસે સવા કરોડ યુવાનો રોજગારીને લાયક હોય છે. પરંતુ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનું જોબ પોર્ટલ સરકારી અને ખાનગી ક્ષેત્રની ખાલી નોકરીઓની સંખ્યા ૨.૨૦ લાખ દર્શાવે છે. જે રાજ્યોના સૌથી વધુ લોકો વિદેશોમાં કામની તલાશ કરે છે તે પૈકીના પંજાબમાં ૨૦થી ૩૦ વરસના ૨૮ ટકા યુવાનો બેરોજગાર છે. તેમાં ૬૧ ટકા શિક્ષિત બેકાર છે. આ સૌની નજર દેશમાં નહીં તો વિદેશમાં કામની ખોજ પર છે. એટલે જ્યારે વિકસિત દેશો સરકાર પાસે બાકાયદા શ્રમિકોની માંગ કરે તો તે રૂડો અવસર છે. કેમ કે ભારતમાં મોટાપાયે શિક્ષિતો બેરોજગાર છે તો અર્ધશિક્ષિત અને અકુશળ કે અર્ધકુશળ માટે રોજી મેળવવી ઓર કઠિન છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ૯૦ લાખ ભારતીય કામદારો ખાડી દેશોમાં કામ કરે છે. કામની શોધમાં લેભાગુ દલાલો મારફત વિદેશોમાં જનારાની સંખ્યા ઘણી મોટી છે અને તેમને ઘણા ખરાબ અનુભવો થાય છે. ડોલરિયો દેશ અમેરિકા ઘણાંને આકર્ષે છે પરંતુ પ્રવેશ સરળ નથી એટલે ઘૂસણખોરીનો માર્ગ અપનાવે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે નવેમ્બર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ના અગિયાર મહિનામાં  અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ બદલ ૯૬,૯૧૭ ભારતીયો પકડાયા હતા. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં રોજગારની શોધ બીજા દેશોમાં કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં અનેક ગણી વૃદ્ધિ થઈ છે.

વિદેશોમાં કામની તલાશમાં જતાં લોકોને ઘી કેળાં છે એવું નથી. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૧થી ડિસેમ્બ ૨૩ સુધીમાં વેતન ન મળવું, વેતનની ચુકવણીમાં વિલંબ, પાસપોર્ટ રાખી લેવો, કામની અને રહેઠાણની ખરાબ સ્થિતિ, માલિકનો દુર્વ્યવહાર અને અત્યાચાર, કામના અમર્યાદિત કલાકો જેવી ૩૩,૨૫૨ ફરિયાદો સરકારને મળી હતી. હાલમાં જેની ચર્ચા છે તે સમજૂતી હેઠળ જે કામદારો વિદેશમાં જાય તેમની મુશ્કેલીઓનો હલ સરકાર માટે સરળ છે પરંતુ પોતાની મેળે કે દલાલો મારફત જતા કામદારોને મદદ કરવી અઘરી છે. દેશમાં મજૂરી નથી કે જે છે તે મજૂરીના દર ઓછા છે એટલે શ્રમિકોને વિદેશ જવું પડે છે. વિશ્વગુરુ બનવા મથતા કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાના બણાગાં ફૂંકતા શાસકો માટે ભારતીય શ્રમિકોની નિકાસ કલંક રૂપ છે.

ઘરઆંગણે રોજીના અભાવે લાચારીવશ બીજા દેશોમાં કામ માટે જતાં લોકોને ગિરમીટિયા કહેવાતા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, “ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલા મજૂરો.” (પૃષ્ઠ ૩૯૦) આ ગિરમીટ પ્રથાને ગાંધીજી ‘અર્ધ ગુલામગીરી’ ગણાવતા હતા. દેશની આઝાદી પછી ગિરમીટિયાઓને દેશમાં પરત ફરવા સરકારે યોજના ઘડી ત્યારે પણ મોટાભાગના પરત આવ્યા ન હોય એ બાબત ચિંતાજનક છે. આજે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારત તેના નાગરિકોને રોજી અને પૂરતું વેતન આપતું નથી તેને કારણે વિદેશ વસવાટનો ક્રેઝ અને લાચારી છે તે સમજવાની જરૂર છે.

વિદેશોમાં આઈ.ટી. પ્રોફેશનલ્સની બોલબાલા છે. બીજા પણ કેટલાક  વ્યવસાયીઓને વિદેશોમાં ઊંચા પગારની સારી નોકરીઓ મળે છે. તેમને સહેલાઈથી વર્કિંગ  વિસા અને થોડા વરસે વિદેશી નાગરિકતા મળી જાય છે. ભારતીય ધનપતિઓ નાણાં ખર્ચીને ગોલ્ડન વિસા મેળવી લે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં વસી જવું મુનાસિબ માન્યું હતું. આઝાદીના અમૃતકાળના વરસોમાં (૨૦૨૨માં) ૭,૫૦૦ અમીરોએ ભારતની નાગરિકતા ત્યાગી હતી. એટલે ગિરમીટ પ્રથાથી ગોલ્ડન વિસા સુધીની આપણી વિદેશ વસવાટની કહાણી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...814815816817...820830840...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved