Opinion Magazine
Number of visits: 9741861
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશપ્રેમીઓ એકબીજાના ખમીસની સફેદી વિશે પ્રશ્ન નથી ઊઠાવતા

રમેશ ઓઝા|Opinion - Opinion|29 February 2024

રમેશ ઓઝા

બધા જ દેશપ્રેમીઓ છે. તેમની રગરગમાં દેશપ્રેમ છલકે છે. દેશની પ્રજા (બીજી નહીં હોં, માત્ર હિંદુ), દેશની સંસ્કૃતિ, દેશનો ભવ્ય વારસો, સોનેરી શબ્દોમાં લખાયેલો હિંદુઓનાં પરાક્રમોનો, શહીદીનો તેમ જ ત્યાગનો ઇતિહાસ વગેરે જોઇને તેઓ પોરસાય છે. ગદગદિત થઈ જાય છે અને આપણને ગદગદિત કરે છે. આપણે એટલા બધા રાષ્ટ્રવાદ અને દેશપ્રેમનાં કેફમાં, નહીં  ટ્રાન્સમાં જતા રહીએ છીએ કે આપણને તેમનાં ગોરખધંધા નજરે નથી પડતા. હકીકતમાં આ બધું ગોરખધંધા કરવા માટે જ કરવામાં આવે છે. પ્રજા કેફમાં રહેવી જોઈએ અને આપણે સીટી વગાડીએ ત્યારે પોતાનું અને દેશનું હિત ભૂલીને ગેલમાં આવીને સાથે સાથે સીટી વગાડે. દેશપ્રેમનો એવો કેફ ચડાવો કે પોતાનું નુકસાન કરીને આપણી સાથે સીટી વગાડે! આવું સર્વહારાને પ્રેમ તેમ જ ન્યાયને નામે સામ્યવાદી દેશોમાં બન્યું હતું અને આવું જ ઇસ્લામના દુ:શ્મનોથી ઘેરાયેલા રાંક બિચારા મુસલમાનને બચાવવા મુસ્લિમ દેશોમાં બની રહ્યું છે. આપણે મહાન છીએ, પણ દુ:શ્મન આપણને સુખે જીવવા દેતા નથી! માટે અમારે સંન્યાસ છોડીને સંસારી પ્રપંચમાં પડવું પડે છે. બાકી અમે તો વૈરાગી છીએ.

લોકોને મૂરખ બનાવવામાં સૌથી પ્રબળ અને હાથવગો દેશપ્રેમ છે એમ ૧૮મી સદીમાં થયેલા બ્રિટિશ રાજકારણી અને વિચારક સેમ્યુઅલ જોહ્નસને કહ્યું છે. તેમણે ૧૭૭૫માં એક ભાષણમાં કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. તેમણે કહ્યું હતું કે દેશપ્રેમ કોઈ ખરાબ ચીજ નથી, પરંતુ જો કોઈ છાપરે ચડીને દેશપ્રેમના બરાડા પાડતો હોય તો સાવધાન થઈ જવું જોઈએ. એ જરૂર ગોરખધંધા કરવા માટે અને ગોરખધંધા છૂપાવવા માટે દેશપ્રેમનો ઉપયોગ કરી રહ્યો છે. પ્રેમ એ કરવાની ચીજ છે, બતાવવાની નથી.

બાબા રામદેવ આવો એક દેશપ્રેમી માણસ છે. આર્ય સંસ્કૃતિ, ભારતની પ્રાચીન પરંપરા, ભારતની ભૂમિમાં અને પરંપરામાં વિકસેલાં અને નજરે નહીં પડતાં અમૂલ્ય રત્નો તે શોધી શોધીને દેશપ્રેમી જનતા સમક્ષ મૂકે છે. દેશપ્રેમી જનતા ગદગદ છે. તે લીમડાનું દાતણ કરવાની જગ્યાએ પતંજલિનાં ટૂથબ્રશ વાપરે છે, કારણ કે દેશપ્રેમી ઋષિએ તે બનાવ્યાં છે અને વેચે છે. ઋષિ ભગવાં કપડાં પહેરે છે, કારણ કે ભગવો રંગ પૂજાય છે, બાકી ઋષિ માત્ર દસ વરસમાં અબજો રૂપિયા કમાયા છે. દેશમાં જેટલી દૂઝણી ગાયો છે અને કૂલ મળીને જેટલું દૂધ આપે છે એના કરતાં વધુ તે ગાયનું સ્વાસ્થ્યવર્ધક ઘી વેચે છે. માત્ર ભારત નહીં, ભારતીય ઉપખંડમાં જેટલી ગાયો છે અને જેટલું દૂધ આપે છે એનાં કરતાં પણ વધુ માત્રામાં બાબા ગાયનું ઘી વેચે છે. આર્યાવર્ત ગાયો ખરી ને!

હદ તો ત્યારે જેવા મળી જ્યારે ૨૦૨૧માં કોવીડના બીજા અને ખતરનાક જુવાળ વખતે જ્યારે ઉત્તર ભારતમાં શબો નદીઓમાં વહેતાં હતાં અને સ્મશાનોમાં દહનક્રિયા માટે જગ્યા અને લાકડાં નહોતાં, ત્યારે બાબાએ દાવો કર્યો હતો કે તેમણે કોરોનાનો ઈલાજ શોધી કાઢ્યો છે. પત્રકાર પરિષદ બોલાવીને કેમેરાની સામે તેમણે દવા બતાવી હતી અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં. પાછા એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાન પોતે એક એલોપથીની પ્રેક્ટીસ કરી ચૂકેલા તબીબ છે. બાબાએ તેમની હાજરીમાં પોતે પ્રાચીન આયુર્વિજ્ઞાનના આધારે દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો અને ઉપરથી પાશ્ચાત્ય ઉપચાર પદ્ધતિ (એલોપથી) પર અને ડોકટરો પર આકરા પ્રહાર કર્યા હતા. આરોગ્ય પ્રધાને ઈલાજ શોધી કાઢ્યો હોવાના બાબાના દાવા વિષે અને તેઓ જે ભણ્યા (એલોપથી) એની ઉપયોગિતા વિષે બાબાએ કરેલા પ્રહારો વિષે એક શબ્દ પણ બોલ્યા નહોતા.

કેમ કેન્દ્રના આરોગ્ય પ્રધાન બુદ્ધુ હતા? ના બુદ્ધુ નહોતા. બન્ને દેશપ્રેમી છે એટલા માટે. દેશપ્રેમીઓ એકબીજાના દેશપ્રેમના ખમીસની સફેદી વિષે પ્રશ્ન નથી ઊઠાવતા. જાહેરમાં જો એમ કરે તો દેશપ્રેમી પ્રજાના ઘેનમાં ખલેલ પડે. પાછળથી કદાચ એ સમયના કેન્દ્રના આરોગ્ય પ્રધાને કહ્યું પણ હશે કે બાબા થોડા કમ ફેંકો તો અચ્છા હૈ! અને બાબાએ ફેંકવા વિષે વળતો જવાબ શું આપ્યો હશે? કલ્પના કરી જુઓ! દેશમાં લોકો મરી રહ્યા છે ત્યારે આરોગ્ય જેવી ગંભીર અને સંવેદનશીલ બાબતે દેશ સાથે અને પ્રજા સાથે છેતરપિંડી? પ્રાચીન વિદ્યા સાથે છેતરપિંડી? પતંજલિ, સુશ્રુત અને ચરકને બજારમાં વેચવા માટે ઊભા રાખી દીધા? અને એ પણ કેન્દ્રના આરોગ્ય પ્રધાનની હાજરીમાં જે પોતે એક તબીબ છે? પૈસાની આવી ભૂખ? માટે સેમ્યુઅલ જોહન્સને કહ્યું હતું કે patriotism is the last refuge of the scoundrel. ધૂતારાઓ માટે દેશપ્રેમ ભાવતી વસ્તુ છે.

સર્વોચ્ચ અદાલત ત્રણ વરસથી બાબાની પાછળ છે અને બાબા હમસફર દેશપ્રેમઓની સહાયથી ક્યાં ય આગળ છે. છેવટે કંટાળીને મંગળવારે અદાલતે કહેવું પડ્યું કે હો ક્યા રહા રહા હૈ? સરકારને પૂછ્યું કે આ માણસ કોઇને ગાંઠતો કેમ નથી? એની આટલી બધી ગુસ્તાખી?

વાત એમ છે કે બાબા રામદેવ જેનો એલોપથી પાસે ઈલાજ નથી એવી બીમારીઓની દવાઓ ખોટા દાવાઓ કરીને વેચે છે. અખબારોમાં અને ટી.વી. પર જાહેરાત કરે છે. આની સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને અદાલતમાં કેસ કર્યૉં છે. માગણી એવી છે કે છે કે કાં દાવાને સિદ્ધ કરવામાં આવે અથવા પ્રજાને ગેરમાર્ગે દોરતી જાહેર ખબર આપવાનું બંધ કરવામાં આવે. સર્વોચ્ચ અદાલતે વારંવાર બાબાને કહ્યું છે કે કાં દાવાને સિદ્ધ કરો કાં જાહેર ખબર બંધ કરો. બાબા બેમાંથી કાંઈ કરતા નથી. શું બગાડી લેવાની છે સર્વોચ્ચ અદાલત જ્યારે આપણું રાજ છે! અને હવે તો સર્વોચ્ચ અદાલતમાં પણ દેશપ્રેમીઓને પ્રવેશ આપવાનું શરૂ થયું છે. ન રહે બાંસ ન રહે બાંસુરી.

દરમિયાન દેશપ્રેમી મૂરખરાજ, થોડો સમય ખમી જા. જો કોઈ નવાજૂની નહીં થઈ તો તને દેશપ્રેમની મીઠી નિંદરમાં ખલેલ પાડનાર કોઈ નહીં બચ્યું હોય!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ફેબ્રુઆરી 2024

Loading

લીલી યાદ

બીજલ જગડ|Opinion - Opinion|29 February 2024

તારું હોવાનું છે કમળનું ફૂલ,

જુઓ અમૃતનું સુર્જન પાણીમાં.

મૈત્રી પણ એક પ્રેમની સગાઈ છે,

પ્રેમનાં મારા ભીનાં કવન પાણીમાં.

વિયોગમાં બુઝાયા તારા પાંપણે,

ઉગમતી ચાંદની રડતી પાણીમાં.

એક પળ જો સેરવી લઉં કાળથી,

મિલનનાં મોતી દરિયાઈ પાણીમાં.

ખુશ્બો મ્હેકે છે અંગે અંગે હવે,

લીલી યાદ વહેતી કરી પાણીમાં.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

મોરારજી દેસાઈ : વહીવટી પુરુષ, રાજપુરુષ, લોકપુરુષ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 February 2024

ચંદુ મહેરિયા

મોરારજી દેસાઈ(૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ – ૧૦ એપ્રિલ, ૧૯૯૫)ની એક સરળ ઓળખ તો દેશના પૂર્વ વડા પ્રધાનની છે. પરંતુ આઝાદી આંદોલનના આ લડવૈયા ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછીની, બીજી આઝાદી પછી રચાયેલી દેશની પહેલી બિનકાઁગ્રેસી સરકારના વડા પ્રધાન હતા. ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન (નિશાને પાકિસ્તાન ૧૯૯૦માં, – ભારતરત્ન, ૧૯૯૧માં) મેળવનારા પણ તેઓ એક માત્ર ભારતીય રાજપુરુષ છે.

કોલેજ કાળથી જ મોરારજી દેસાઈને કાઁગ્રેસ, ગાંધીજી અને આઝાદી આંદોલન પ્રત્યે ખેંચાણ હતું. તેઓ કાઁગ્રેસના અધિવેશનોમાં જતા હતા અને દેશનેતાઓનાં ભાષણો સાંભળતા હતા. પરંતુ શિક્ષક પિતાના અપમૃત્યુ અને પારિવારિક જવાબદારીના કારણે સ્નાતક થયા પછી સરકારી નોકરી સ્વીકારવી પડી હતી. બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસમાં તે જોડાયા અને ડેપ્યુટી કલેકટર, પ્રાંત ઓફિસર તથા કલેકટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ, ભરુચ, ગોધરા, થાણા વગેરે જગ્યાઓએ ફરજ બજાવી. આ કામ દરમિયાન તેમણે ઉત્તમ વહીવટ કરી જાણ્યો હતો. નિયમો અને કાયદાઓનો લોકોની તરફેણમાં ભય, લોભ, લાલચ, લાંચ વિના અમલ કર્યો હતો. અંગ્રેજ કે ભારતીય અધિકારીઓની સાડાબારી રાખ્યા વિના તેમણે કામ કરી, એક નોકરશાહની નહીં પણ આદર્શ વહીવટી પુરુષ તરીકેની છાપ ઊભી કરી હતી. પરંતુ મનથી તેઓ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હતા. ૧૯૧૮થી ૧૯૩૦ની બાર વરસની બ્રિટિશ રાજની નોકરી પછી તેમણે રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે જ નક્કી કર્યું હતું કે બાકીની જિંદગી પૈસા કમાવાના કામમાં ના ખરચવી પણ સેવા કાર્યોમાં ગાળવી.

સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કાઁગ્રેસના સભ્ય બન્યા હતા. કાઁગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડાં વરસમાં તેઓ કાઁગ્રેસના મંત્રી બન્યા. સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુદ્ધ તેઓ સત્તાના રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્ય પ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડા પ્રધાન બન્યા હતા.

રાજ્યના અને દેશના રાજકારણમાં સત્તાના સર્વોચ્ચ પદો પર રહીને મોરારજી દેસાઈએ લોકહિતમાં સત્તાને પ્રયોજી હતી. મુંબઈ રાજ્યના મંત્રી કે મુખ્ય મંત્રી તરીકે તેમણે એવા કાયદા ઘડ્યા, જેના પર તેમની અમીટ છાપ જણાય છે. તેઓ રાજકારણી નહોતા પણ રાજપુરુષ હતા. મૂલ્યો માટેનો આગ્રહ, સ્પષ્ટ અને નિખાલસ વકતૃત્વ, કડક નિયમપાલન  અને શુદ્ધ વહીવટ તેમની વિશેષતા હતી. લોકોની નજરમાં સરેરાશ રાજકારણીની જે ઢોંગી અને જુઠ્ઠા માણસ તરીકેની છાપ છે, તેના કરતાં તેઓ સાવ નોખા હતા. તેમનાં વાણી અને વર્તનમાં તફાવત નહોતો. અભી બોલા અભી ફોકના રાજકારણના જમાનામાં તે પોતાની સાચી વાતને મારો જ કક્કો ખરો એવી જિદની કક્ષાએ વળગી રહેતા હતા. શાયદ એટલે વાસ્તવ  અને વ્યંગની રીતે તેમની સર્વોચ્ચ તરીકેની ઓળખ સાર્થક જણાય છે.

કાઁગ્રેસના તે વરિષ્ઠ નેતા હતા. વડા પ્રધાનના પદે પહોંચવાની  યોગ્યતા અને તક છતાં એકથી વધુ વખત તેમની ઉપેક્ષા થઈ હતી. એટલે કામરાજ યોજના, ઇંદિરા ગાંધી સાથે મતભેદો અને કાઁગ્રેસના ભાગલા પછી તેમણે જુદો રાહ લીધો હતો. પાંચ દસક પહેલાના ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના બિહાર આંદોલન, ઇંદિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને આંતરિક કટોકટી પછી તેઓ વિપક્ષી રાજકારણનું કેન્દ્ર બન્યા હતા. નવનિર્માણ આંદોલન પછી એક વરસ સુધી વિસર્જિત ગુજરાત વિધાનસભાની  ચૂંટણી  ન થતાં, જૈફ વયે , સાચા ગાંધીજનને સોહે તેમ તેમણે આમરણ અનશન કર્યા હતા. એ રીતે ગુજરાતમાં જનતા મોરચાની જીત અને સત્તા પરિવર્તન માટે તેમની મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા હતી.

કટોકટી દરમિયાન જિંદગીના આઠમા દાયકે તેમણે લાંબો જેલવાસ વેઠ્યો હતો. આત્મકથા ‘મારું જીવનવૃતાંત’માં વાજબી કારણોસરનો ગાંધી-નહેરુ કુટુંબ પ્રત્યેનો તેમનો અણગમો ચોખ્ખો જણાય આવે છે. કટોકટી પછીની લોકસભા ચૂંટણીમાં વિપક્ષોને બહુમતી મળતાં મોરારજીભાઈને વડા પ્રધાન પદ મળ્યું હતું. ગાંધી સમાધિ રાજઘાટ પર જે.પી.-કૃપાલાણીના નેતૃત્વમાં જનતા સાંસદોએ શપથ લીધા ત્યારે તેમને જયપ્રકાશે રાજશક્તિ અને લોકશક્તિના સમન્વય માટે મથવા જણાવ્યું હતું. વડા પ્રધાન મોરારજીએ લોકનો બોલ શિરોમાન્યનો પ્રતિસાદ આપ્યો હતો. ખાસડે ખાંડ વેચાય તેવી સોંઘવારી અને લોકશાહીને ગળે ટૂંપો દેતા કાળા કાયદાઓની નાબૂદી મોરારજી સરકારનું કીર્તિદા કાર્ય હતું. ૧૯૭૭થી ૧૯૭૯ સુધીનો તેમનો પ્રધાનમંત્રીકાળ જનતાપક્ષના નેતાઓ અને મંત્રીઓની ટાંટિયા ખેંચ અને વિવાદોમાં એવો તો વહ્યો કે સરકારની એકંદર છાપ સત્તા માટે વલખાં મારનારાની બની ગઈ હતી. વડીલ મોરારજી તે બદલવામાં નાકામિયાબ રહ્યા એટલે લોકોની  આકાંક્ષાઓ ચૂરચૂર થઈ ગઈ હતી.

અનાસકતની છબિ ધરાવતા મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા પછી ઇતિહાસે મને વડા પ્રધાનપદે સ્થાપીને પોતાની ભૂલ સુધારી છે એમ પણ કહ્યું હતું. વડા પ્રધાન તરીકે પક્ષના નેતાઓનો અસંતોષ ઠારવાને બદલે જે.પી.-કૃપાલાણી કંઈ સરકાર નથી એમ પણ તે  બોલ્યા હતા.

લોકલાગણીથી વિપરિત વિચારો વ્યક્ત કરવામાં મોરારજીભાઈનો જોટો જડવો અઘરો છે. ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હોય ત્યારે પણ જે મંદિરમાં દલિતોને પ્રવેશ નથી મળતો તે મંદિરમાં હું જઈશ નહીં, તેવું અડગ વલણ તે ધરાવતા હતા. તેમનું આ કૃત્ય પક્ષને વોટ મેળવવામાં મુશ્કેલી કરાવશે તેવી સાથીઓની દલીલ પણ તે સ્વીકારતા નહોતા. દલિતો–આદિવાસીઓને અનામતનો લાભ ક્યાં સુધી એવા સવાલનો તેમનો રોકડો જવાબ હતો : આભડછેટ રહે ત્યાં સુધી. ૧૯૮૬માં અનામત અંગેના એક લેખ સંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમણે જે ગામડાઓમાં અસ્પૃશ્યતા આચરાતી હોય ત્યાં દલિતો ગાંધી માર્ગે સત્યાગ્રહ કરવા માંગતા હોય તો હું તેમની સાથે જોડાવા તૈયાર છું તેમ પણ કહ્યું હતું.

મોરારજી દેસાઈ કોઈ લોકનાયક કે લોકનેતા નહોતા તે સ્વીકારીને પણ કહેવું જોઈશે કે તે લોકથી જુદા પણ નહોતા. સિદ્ધાંતનિષ્ઠ અને લોકનિષ્ઠ રાજપુરુષોની વિલુપ્ત થઈ ગયેલી પેઢીના તે ધૃવતારક હતા.

e.mail : maheriyachandu@gmail.comm

Loading

...102030...811812813814...820830840...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved