Opinion Magazine
Number of visits: 9665838
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુભાષબાબુના જીવનની પહેલી પચીસી કેવી હતી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 February 2024

ચંદુ મહેરિયા

એક ઓર સુભાષ જયંતી(૨૩મી જાન્યુઆરી)એ દેશભરની સુભાષ પ્રતિમાઓ ફૂલોથી લદાઈ ગઈ હતી. માંડ ૪૮ વરસની આવરદા અને ૧૯૨૧થી ૧૯૪૧માં અગિયાર જેલવાસ ભોગવનાર અજોડ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ(૧૮૯૭-૧૯૪૫)ના ચાહકો જરા ય ઘટ્યા નથી. બલકે જમણેરી બળોના ઉભાર પછી તો પ્રતિદિન વધતા રહ્યા છે. વર્તમાન રાજકારણીઓના કારણે ‘નેતાજી’ શબ્દ ઠીક ઠીક બદનામ થયેલો છે, પરંતુ સુભાષબાબુને તે બરાબર જચે છે. દેશવાસીઓનું આ પ્રેમાદરભર્યું સંબોધન તેમના સાથે જોડાઈને સાર્થક થયું લાગે છે.

રાજકારણીઓને લોકો જુઠ્ઠા માને છે અને તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી. એ સંજોગોમાં પણ આજના ભારતના રીઢા રાજકારણીઓ શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવે આત્મકથા લખી છે. તો આઝાદી આંદોલનના તેજસ્વી અને વીરલા રાજનીતિજ્ઞોની આત્મકથાઓ અમૂલ્ય દસ્તાવેજ છે. એ કાળના ગાંધી, નહેરુ સહિતના ઘણા નેતાઓએ આત્મકથાઓ કે સ્મરણો લખ્યાં છે. કેટલાકની જેલડાયરી અને પત્રો પ્રગટ થયાં છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે, ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ  છે.

બાંગ્લા, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુલે બારખંડોમાં પ્રગટ થયેલાં સુભાષચંદ્ર બોઝના સમગ્ર સાહિત્યના પ્રથમ જ  ખંડમાં તેમની અપૂર્ણ આત્મકથા ‘એન ઇન્ડિયન પિલગ્રિમ’ (એક ભારતીય યાત્રી) છે. જન્મથી આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કર્યા પછી રાજીનામુ આપ્યું ત્યાં સુધીના એટલે કે ૧૮૯૭થી ૧૯૨૧ના સમયનું તેમાં આલેખન છે. નેતાજી ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે પૂર્વે  એટલે  કે ૧૯૩૭ના અંતિમ મહિનામાં અને બેસતા ૧૯૩૮ના વરસમાં, ચાળીસ વરસની ઉંમરે,  તેમણે આત્મકથાના દસ પ્રકરણો લખ્યા હતા. યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયાના એક હેલ્થ રિસોર્ટમાં આત્મકથા તેમણે લખી હતી. આત્મકથા લેખનમાં જે એમીલિ શેંક્લ તેમનાં  સહાયક હતાં, તે પછી તેમનાં જીવનસંગિની બન્યાં હતાં.

આઝાદ હિંદ ફોજના સ્થાપક તરીકે ફૌજી ગણવેશ પરિધાન કરેલા નેતાજીની છબી આપણા મનમસ્તિક પર અંકાયેલી છે, પરંતુ સુભાષબાબુ જીવનની પહેલી પચીસીમાં કંઈ જૂદા જ હતા, તે આ આત્મકથા દર્શાવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીય કાયસ્થ પરિવારમાં જન્મેલા સુભાષ, કુટુંબનું નવમું સંતાન હતા અને તેમનાં માતાપિતાને કુલ ચૌદ બાળકો હતાં. જન્મભૂમિ કટક્માં આરંભિક અને કોલકાત્તામાં કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. બાળપણ અને કિશોરાવસ્થામાં તેઓ ભાવનાશાળી, અતિસંવેદનશીલ, પરિશ્રમી, અંતર્મુખી અને અભ્યાસમાં તેજસ્વી હતા. અંગ્રેજી માધ્યમની મિશનરી શાળામાં અભ્યાસને કારણે અને તેમાં કોઈ પણ ભારતીય ભાષા શિખવવામાં આવતી ન હોવાથી તેઓ લાંબો સમય માતૃભાષા બંગાળીના શિક્ષણથી વંચિત રહ્યા હતા. સાહસી તરીકે નામના પામેલા સુભાષબાબુ શાળા શિક્ષણ દરમિયાન કાયમ  રમતગમતથી દૂર રહ્યા હતા. રમત પ્રત્યે ઓછા લગાવને કારણે તેઓ વયમાં નાના છતાં મોટા લાગતા હોવાનું તેમણે નોંધ્યું છે.

કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમનાં પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી. ગામડાંની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું. મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.

ઈ.સ. ૧૯૧૧ સુધી નેતાજીમાં કોઈ રાજકીય ચેતના નહોતી તેનું ઉદાહરણ તેમને સમ્રાટ જોર્જ પંચમના રાજ્યાભિષેક જેવા વિષય પરની નિબંધ સ્પર્ધામાં લીધેલ ભાગ લાગે છે. જો કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના વરસોમાં તેમનામાં રાજકીય ચેતના પણ જાગી હતી અને તેને પાંખો પણ મળી હતી. મારું જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને માનવતાની સેવામાં લગાવીશ અને ચીલાચાલુ જીવનમાં ખર્ચીશ નહીં તેવી ધૂન પણ ત્યાં જ તેમને લાગી હતી. આ ગાળામાં એક તરફ તેઓ શક્ય એટલા વધુ ધાર્મિક ગુરુઓને મળતા હતા તો શ્રી અરવિંદનું પણ ખેંચાણ થયું હતું. અંગ્રેજોની ગુલામી, નિર્દયતા અને અસમાન વ્યવહાર તેમને ખૂંચતો હતો. કોલેજમાં એક ભારતીય વિધ્યાર્થીને અંગ્રેજ અધ્યાપકે માર્યો ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ સુભાષે તેના વિરોધમાં હડતાળ પાડી, કોલેજમાંથી બરતરફી વહોરી હતી. તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો અને વિદ્રોહ માટે બલિદાનની તૈયારી અહીં જોવા મળી હતી.

૧૯૧૯માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે કેમ્બ્રિજ ગયા તે જીવનમાં આવેલો એક મોટો બદલાવ હતો. આઈ.સી.એસ.ની પરીક્ષા માટેની વય મર્યાદા વટાવી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે પરીક્ષા આપી અને મેરિટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજોની ગુલામી કરતી આ નોકરી કરવા માંગતા નહોતા. એ દિવસોનો તેમનો પત્રવ્યવહાર તેઓ કેવા માનસિક ઝંઝાવાતોમાંથી પસાર થતા હતા તેની ગવાહીરૂપ છે. “મારા સિદ્ધાંતો મને જેની ઉપયોગિતા ખતમ થઈ ગઈ છે તેવી વ્યવસ્થાનો ભાગ બનવાની અનુમતિ આપતા નથી”, તેમ મોટાભાઈ જોગ પત્રમાં તેમણે લખ્યું હતું. આ જ પત્રમાં તેમણે સિવિલ સર્વિસ માટે વાપરેલા શબ્દો કુંઠિત વિચાર, નિર્લજ્જ અને સ્વાર્થી શાસન, હ્ર્દયહીનતા તેમ જ લાલિયાવાડીનું પ્રતીક પણ આજે ખરા લાગે છે.

ધર્મનિરપેક્ષતા અને દીનદુખિયા પ્રત્યે સહાનુભૂતિના જે ગુણો સુભાષબાબુમાં હતા તેનાં મૂળિયાં તેમની આ પહેલી પચીસીમાં રહેલાં છે. હિંદુઓ પ્રાર્થના કરવા મંદિરે જાય છે અને મુસ્લિમો મસ્જિદમાં જાય છે, તે સિવાય મેં તેમને ક્યારેય મારાથી તે જુદા છે તેવું મહેસૂસ કર્યું નથી તેમ તેમણે લખ્યું છે. કોઢની જેમ વિસ્તરતી અસ્પૃશ્યતાને પણ તેમણે નિકટથી જોઈ હતી અને તેનો મુકાબલો પણ કર્યો હતો. ઘર નજીક બેસતી ભિખારણને જોઈને પોતાના ઘરની સમૃદ્ધિ એમને અકળાવે છે તો કથિત નિમ્ન વર્ણના વિદ્યાર્થી સાથીની માંદગીમાં સેવા પણ કરે છે.

સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાચકને તેમના માનસિક વિકાસ, ઘડતર, જીવન લક્ષ્ય, રાજનીતિક સમજ અને કિશોરાવસ્થાના મનોશારીરિક તણાવની રૂબરૂ કરાવે છે.

e.mail: maheriyachandu@gmail.com

Loading

ગઝલ લખ

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|1 February 2024

તું કાફિયા બરાબર મેળવ પછી ગઝલ લખ,

બે-ચાર શબ્દને તું ફેરવ પછી ગઝલ લખ.

કેવળ કલમ ચલાવી ગઝલો નથી લખાતી,

ચિંતન કરી અગનને જેગવ પછી ગઝલ લખ.

મન રાગ-દ્વેષથી પર કર ફળ જરૂર મળશે, 

સંગીતની તરજને ભેળવ પછી ગઝલ લખ.

કવિતા લખી હરખમાં તું મૂર્ખમાં ખપ્યો છું,

કવિ શબ્દને બરોબર ઠેરવ પછી ગઝલ લખ.

કવિરાજ સાંભળીને ગૌરવ અનુભવે છે,

આનંદની ઘડીને ચેતવ પછી ગઝલ લખ.

e.mail : addave68@gmail.com

Loading

નીતિ સાથે તેનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|1 February 2024

રમેશ ઓઝા

જે માણસે આખી જિંદગી મુસલમાનોને ગાળો દીધી અને તેમની દેશ પ્રત્યેની વફાદારી વિષે શંકાઓ કરી એને ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં ન આવ્યો અને એવા માણસને ઈલ્કાબ આપ્યો જેણે દલિત અને આદિવાસી સિવાયની અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપી, એમાં પછાત મુસ્લિમ જ્ઞાતિઓનો પણ સમાવેશ કર્યો, એટલું જ નહીં, ઉર્દૂ ભાષાને બિહારની સતાવાર રાજભાષા બનાવી. હજુ થોભો, એ માણસની ત્રણ ત્રણ (અન્ય પછાત કોમને અનામત બેઠકો આપવાનો, તેમાં મુસલમાનોનો સમાવેશ કરવાનો અને ઉર્દૂને રાજભાષા બનાવવાનો) જઘન્ય અપરાધ કરવા માટે દંડવામાં આવ્યો હતો. ભારતીય જનસંઘે ૧૯૭૧ની સાલમાં ટેકો પાછો ખેંચી લઈને તેમની સરકારને તોડી હતી.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે હું કોની વાત કરું છું. પહેલા છે વિનાયક દામોદર સાવરકર જેમને ધરાર ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં નથી આવતો. આનું કારણ એ છે કે સાવરકરે અંગ્રેજોની વખતો વખત માફીઓ માગી હતી, અંગ્રેજોને મદદ કરવાની લેખિત ગેરંટી આપી હતી અને પ્રત્યક્ષ મદદ કરી પણ હતી અને મહાત્મા ગાંધીની હત્યામાં જો તેમને આરોપી તરીકે મુક્ત કરવામાં આવે તો હંમેશ માટે જાહેરજીવન ત્યજવાની અને ક્યારે ય મરણ પર્યંત ઘરની બહાર નહીં નીકળવાની એ સમયના ગૃહ પ્રધાન સરદાર પટેલને તેમ જ અદાલતને જે લેખિત ગેરંટી આપી હતી એ બધું ફરી ચર્ચામાં આવે. આ બધું અત્યાર સુધી ઢંકાયેલું હતું અને આ લખનાર જેવા લોકો જાણતા હતા એ લોકો સાવરકરે આંદામાન જેલમાં જે સહન કર્યું હતું એ ધ્યાનમાં રાખીને બોલતા નહોતા. કેટલાક લોકો માણસાઈને મૂલ્યવાન માનતા હોય છે. દરેક માણસ ગાંધી અને ભગતસિંહ જેવા ભડવીર ન હોય! પણ જો તેમને ભારતરત્ન આપવામાં આવે તો કાયરતા ચર્ચામાં આવે અને જેઓ જાણતા નથી એ જાણતા થાય. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ આઝાદીની લડતમાંની નાદારી સામે આવે.

સાવરકરને ભારતરત્નનો ઈલ્કાબ નહીં આપવાનું એક બીજું કારણ પણ છે. જ્યારે નરેન્દ્ર મોદીને ભારતના ઇતિહાસના સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ હિંદુ તરીકે સ્થાપવાના હોય ત્યારે સાવરકરને ભારતરત્ન આપીને સામે ચાલીને શું કામ ઊંચે ચડાવવા. એની વિચારધારા અપનાવી છે અને એટલું પૂરતું છે. વળી એ માણસે સંઘને ક્યાં ઓછી ગાળી આપી હતી. સંઘનો સ્વયંસેવક શું કરે છે એવો સવાલ સાવરકર પોતે જ કરતા હતા અને પોતે જ જવાબ આપતા હતા કે સંઘી જન્મે છે, સંઘની શાખામાં જાય છે અને મૃત્યુ પામે છે.

કર્પૂરી ઠાકુર

આમ સાવરકરને ધરાર ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં આવતો નથી, પણ એવા માણસને ભારતરત્નનો ઈલ્કાબ આપવામાં આવ્યો છે જેમની સરકારને ગરીબ પછાત કોમને અને મુસલમાનોને મદદ કરવાના ત્રણ ત્રણ જઘન્ય અપરાધ કરવા માટે તોડી હતી. એ છે બિહારના જન નાયક કર્પૂરી ઠાકુર. આગળ કહ્યું એમ ૧૯૭૧ની સાલમાં અને ફરી ૧૯૭૯ની સાલમાં જનતા પક્ષના ઘટક જનસંઘે ટેકો પાછો ખેંચી લઈને સરકાર તોડી હતી.

કર્પૂરી ઠાકુર માટે આમ અચાનક પ્રેમ ફૂટી નીકળવાનું શું કારણ? જવાબ છે સત્તાનું રાજકારણ. રામમંદિર બાંધ્યા પછી પણ બી.જે.પી.નો દક્ષિણ ભારતમાં ગજ વાગવાનો નથી. ઉત્તર ભારતમાં કાશ્મીર, લડાખ અને પંજાબમાં ગજ વાગવાનો નથી. હરિયાણા, દિલ્હી અને ઓડીશામાં એટલી બેઠક મળે એમ નથી જેટલી ૨૦૧૯માં મળી હતી. મહારાષ્ટ્રમાં શિવસેના તેમ જ શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષમાં ફૂટ પડાવ્યા પછી પણ સ્થિતિ અનુકૂળ નથી. હારવાના ડરથી તો મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ એક વરસથી યોજવામાં આવતી નથી. પશ્ચિમ બંગાળમાં પણ ૨૦૧૯માં મળી હતી એટલી બેઠકો મળે એમ નથી. એટલે નજર બિહાર પર છે. બિહાર લોકસભાની ૪૦ બેઠકો ધરાવે છે. ૨૦૧૯માં બી.જે.પી.ના ગઠબંધનને ૪૦માંથી ૩૯ બેઠકો મળી હતી અને ત્યારે નીતીશકુમાર બી.જે.પી.ની સાથે હતા. આ વખતે જો કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવામાં આવે અને નીતીશકુમારને ફરી પાછા લાવવામાં આવે તો ૪૦માંથી ૩૯ નહીં તો પણ ૩૦ બેઠકો તો મેળવી શકાય. બાકી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લગભગ ૯૫ ટકા બેઠકો મેળવ્યા પછી હવે વધુ બેઠકો મેળવવા માટે કોઈ જગ્યા જ નથી. આ રાજ્યોમાં પાંચ-દસ બેઠકો ઘટી શકે, વધી શકે એમ નથી.

નીતીશ કુમાર

નીતીશકુમાર તો ભારતીય રાજકારણમાં પહેલેથી જ પલટુરામ તરીકેની ખ્યાતિ ધરાવે છે. ૧૯૯૦થી અત્યાર સુધીમાં તેમણે આઠેક વખત પલટી મારી છે અને નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યા પછી પાંચ વાર પલટી મારી છે. તેમણે તેમના રાજકીય ગુરુ જ્યોર્જ ફર્નાન્ડીસ અને શરદ યાદવ સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો. પલટુરામે ગયા વરસે પલટી મારીને બી.જે.પી.નો સાથ છોડ્યો હતો અને હવે વરસ દિવસમાં પાછી પલટી મારી છે. જે બી.જે.પી.નો હાથ પકડ્યો છે એ બી.જે.પી.એ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારના પક્ષને એન.ડી.એ. ગઠબંધનમાં અંદરથી ભાંગફોડ કરીને ત્રીજા ક્રમાંકે ધકેલી દીધો હતો. ઈરાદો નીતીશકુમારને બિહારમાં ખતમ કરી નાખવાનો હતો અને એ માટે ચિરાગ પાસવાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બી.જે.પી.ના વિશ્વાસઘાતને પરિણામે ૨૦૧૫ની ચૂંટણીમાં ૭૧ બેઠક મેળવનાર નીતીશકુમારનો પક્ષ બિહારમાં ત્રીજા ક્રમે નીચે ઊતરી ગયો અને જનતા દળ(યુનાઈટેડ)ને માત્ર ૪૩ બેઠકો મળી હતી, જ્યારે કે પક્ષે ૧૧૫ બેઠકો લડી હતી. ૨૦૧૫માં નીતીશકુમારની સાથે અને ૨૦૨૦માં નીતીશકુમારની સામે લડીને, બન્ને વખતે અને બન્ને સ્થિતિમાં તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળને બિહારમાં સૌથી વધુ બેઠકો મળી હતી. અનુક્રમે બિહારની ૨૪૩ બેઠકોમાંથી ૮૦ અને ૭૫ બેઠકો. આમ છતાં ય લાલુપ્રસાદ યાદવે નીતીશકુમારને મુખ્ય પ્રધાનપદ આપ્યું હતું. ૨૦૨૨માં બી.જે.પી સાથે વિશ્વાસઘાત કરીને પલટુરામે પલટી મારી એ પછી માત્ર ૪૩ બેઠકો ધરાવતા હોવા છતાં તેજસ્વી યાદવે પલટુકાકાને મુખ્ય પ્રધાનપદ આપ્યું હતું.

આ વખતે શા માટે પલટી મારી? હજુ છ મહિના પહેલા સુધી તેઓ ઇન્ડિયા ગઠબંધન રચવામાં સૌથી અગ્રેસર હતા. ત્રણ કારણ છે. એક તો એ કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કાઁગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેનું નામ ઇન્ડિયા ગઠબંધનના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સૂચવ્યું હતું અને તેનો કોઈએ વિરોધ નહોતો કર્યો અને કોઈએ નીતિશકુમારનું નામ નહોતું સૂચવ્યું. લાલુપ્રસાદ યાદવે પણ નહીં. બીજું કારણ છે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કાઁગ્રેસનો થયેલો પરાજય અને બી.જે.પી.નો થયેલો વિજય. પલટુરામને લાગ્યું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી. ફરીવાર સત્તામાં આવી શકે છે. એમાં પાછું થયું રામમંદિરનું ઉદ્ઘાટન અને તેને કારણે પેદા થયો હિંદુ જુવાળ. જો ઇન્ડિયા ગઠબંધન જીતે એમ ન હોય, જીતે તો તેના વડા પ્રધાન બનવાની કોઈ શક્યતા ન હોય અને ઉપરથી બી.જે.પી. વેર વાળે એનો ડર લટકતો હોય એના કરતાં શરમ ગઈ તેલ પીવા, મારો એકવાર પલટી. આમ પણ સાત વાર મારી છે તો હજુ એક વાર. આરોપીની ભાષામાં એક ખૂનની સજા પણ મોત અને આઠ ખૂનની સજા પણ મોત!

નામ એમનું નીતિશકુમાર છે, પણ નીતિ સાથે તેનો સ્નાનસૂતકનો પણ સંબંધ નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ફેબ્રુઆરી 2024

Loading

...102030...810811812813...820830840...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved