Opinion Magazine
Number of visits: 9457508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તર્પણ  

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|18 October 2023

પ્રીતમ લખલાણી

કામ પરથી રોજ રાતે બે અઢી વાગે ઘરે પાછા ફરું ત્યારે અમારી ડેલીમાં સાવ સોપો પડી ગયો હોય. આડોશીપાડોશી ખાટલે પડ્યા નસકોરાંની જુગલબંઘી બોલાવતા સુખિયા જીવ ઘોર નિદ્રામાં હોય. સાયકલને ઘીમેથી ડેલીમાં લઈ એક ભીંતને ટેકે મૂકું, જેથી કોઈને નીંદરમાં ખલેલ ન પડે!

મારી બાજુમાં ખોરડે ઓસરીમાં પડેલ બાપદાદાના જમાનાનાં ટેબલ ખુરશી પર દીવાને અજવાળે કાગળ વાંચવામાં ડૂબી ગયેલ હોય બસ, એક દિનુકાકા. ડેલીમાં મને સાયકલ મુકતો જુવે એટલે રોજની આદત મુજબ દિનુકાકા પૂછે, ‘અરે બચુ, કેટલા વાગ્યા? દિનુકાકાને આમ તો ખબર, રોજ હું મારા સમયે જ ઘરે આવું છું. પણ તેમની આ એક આદત થઈ ગઈ હતી. મને ડેલીમાં જુવે એટલે તરતજ પૂછે, ‘કેટલા વાગ્યા?’

દિનુકાકા પૂછે એટલે મને આનંદ થાય કે હું ઘરે પહોંચી ગયો! ક્યારેક જો, બા જાગતાં હોય તો સમી સાંજે જે કંઈ રાઘ્યું હોય તે મને ગરમ કરી, એક થાળીમાં પીરસી જમવા બેસાડે. પરંતુ મારી રાહ જોતાં થાકીને ઓસરીમાં ખાટલે, જો બાને ઝોકું આવી ગયું હોય તો તેમને ઉઠાડવાને બદલે ક્યારેક પ્રાઈમસ પેટાવી એકાદ ગ્લાસ દૂઘ ગરમ કરી પી લઉં. વહેલી સાંજથી બાએ તૈયાર કરી રાખેલ ખાટલે લંબાવું, ત્યારે અચૂક દિનુકાકા વિષે મનમાં એક સાથે અઢળક સવાલ પેદા થાય! વરસોથી દિનુકાકા આટલી મોડી રાત્રે, ભલા, કોના પત્રોમાં ખોવાઈ જતા હશે?

રોજ કરતાં એક રવિવારે જરા વહેલો ઊઠી ગયો હતો. બા વાસીદાંપાણી કરી, ગાય દોહી ઓસરીના એક ખૂણે બેસીને દાતણ કરતી હતી. રોજ રાતે દિનુકાકાને કાગળ વાંચતા જોઈ મનમાં ઊઠતો સવાલ મેં બાને તે સવારે પૂછી નાખ્યો!, ‘બા, દિનુકાકા રોજ આમ મોડી રાત લગી દીવાને અજવાળે કોના કાગળ વાંચતા હશે?’

બાએ કહ્યું, ‘અરે બચુ, સવાર સવારમાં ભગવાનનું નામ લેવાને બદલે તને આજ ગામને ચોરે બેઠેલા ચૌદશિયાની જેમ આડોશીપાડોશીની પંચાત કરવાનું મન ક્યાંથી થયું? દીકરા, બઘાં પોતપોતાનાં કરમ ભરે! કારણ વગર આપણે કોઈની નિંદામાં, સવાર બગાડવી એના કરતાં ભગવાનનું નામ લે!’

બાના જવાબથી મને ખાતરી થઈ ગઈ કે બાને વાતની ખબર છે. બા, મને કહેવાને બદલે આંખ આડા કાન કરે છે! મેં બાને કહ્યું, ‘બા, જો તમે મને એકવાર નિરાંતે બઘી વાત કરી દેશો તો આજ પછી ક્યારે ય તમને આટલી વહેલી સવારમાં નિંદામાં નહિ સંડોવું!’

મારી વાત પર બા હસી! મને કહ્યું, ‘બચુ, ખાટલેથી ઊભો થઈ અહીં ઓસરીમાં, હિંડોળે આવીને બેસ તો તને એકડે એકથી બઘી વાત કહું.’ આમ કહી, બાએ આજુબાજુમાં એક નજર કરીને જોઈ લીઘું કે  ડેલીમાં ક્યાં ય કોઈ બેઠું તો નથી ને! બાને કોઈ નજરે ચડ્યું નહીં, ગોખલે પડેલ બજરનો ડબ્બો લઈ દાંતે બજર દેતી મારી બાજુમાં હિંડોળે આવીને બેઠી અને પછી હળવેકથી વાત શરૂ કરી.

‘બચુ, તને તો ખબર છે, કે તારા બાપુ અને દિનુકાકા બાળપણના લંગોટિયા દોસ્ત! એક જ ફળિયે રમતા, ઝઘડતા અને ગામની નિશાળમાં ભણતા. મેટ્રિક થઈ અમદાવાદ આગળ ભણવા કોલેજમાં દાખલ થયા! બંને દોસ્તો એક જ હોસ્ટેલમાં એક જ રૂમમાં સાથે રહેતા હતા!

‘તારા બાપુને આપણી પરિસ્થિતિનો પૂરે પૂરો ખ્યાલ. તેમને ખબર હતી કે કોલેજમાં આવતા ઘનવાન નબીરાની વાદે ચડીને જો મોજ મજા કરીશ તો મારા બાપાને પરવડશે નહીં! આ વિચારે તારા બાપુ તો દિનરાત ઘ્યાન રાખીને ભણતા. પોતાનો ભણવાનો ખર્ચ કાઢવા અમદાવાદની એકાદ હોટેલમાં સાંજે કામ કરવા પણ જતા. દિનુકાકાને આગળ પાછળની કોઈ જવાબદારી હતી નહીં! ભોગી બાપાને પાંચ દીકરીઓ પછી દિનુકાકા આવેલ. ભોગી બાપાએ દિનુકાકાને લાડકોડથી ઉછેરેલા!

ઘરમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો! ભાઈ, પાણી માંગે તો દૂઘ આપતા! ભોગી બાપાનું ઘર ખાઘે પીઘે ગામમાં જરા વઘારે સુખી! ગામમાં ઘમઘોકાર બે હાટડી ચાલે! વળી ભોગી બાપાને વ્યાજ વટાવનો ઘંઘો! મોસમ ટાણે બાપા કાલા માંડવીનો ઘંઘો કરે તે નફામાં!

‘દિનુકાકા અમદાવાદથી જેટલા પૈસા મંગાવે તેના કરતાં થોડાક વઘારે ભોગી બાપા મોકલે. ગામમાં ચોરે બેઠા બડાશ મારતા કહે રાખે કે, દિનુએ આમ તો સો રૂપિયા જ મંગાવ્યા હતા. મેં સમજી વિચારી બસો મોકલ્યા, છોકરાને શહેરમાં કયાં ય ખાવા પીવામાં અગવડ ન પડે!

‘બચુ, પછી તો પૂછવું જ શું? દિનુકાકને છૂટથી પૈસા વાપરવા મળતા. ભણવા કરતાં શહેરના જલસામાં વઘારે રસ લીઘો! હોસ્ટેલમાં દાખલ થતાં જ દિનુકાકાએ ગામના પહેરવેશ, રિતરિવાજ તેમ જ વાળને રજા આપી. એ વખતના સિનેમાના નાયકોની આબેહૂબ નકલ કરવા માંડી! ટૂંક સમયમાં તો ગામડાના દિનુભાઈ, કોલેજમાં દિનકર શેઠના નામે વિખ્યાત થઈ ગયા! દિનકરભાઈની આગળ પાછળ બે પાંચ હજુરિયા ભમતા હોય. કોલેજમાં ભણવા જવાનું માંડી વાળી મિત્રો જોડે કૉલેજની કેન્ટીનમાં કે પછી શહેરના ખૂણે ખાંચરે રેસ્ટોરન્ટમાં દિનકર શેઠ બેઠા હોય. રોજ નતનવી ફેશનનાં કપડાં પહેરે. મોડી રાત્રે અને બપોરે શહેરનાં છબી ઘરોમાં સિનેમા જોઈ આનંદ પ્રમોદ કરે! 

‘થોડા જ વખતમાં દિનકર શેઠ નામના આ કોલેજના યુવાન રોમિયોના પરિચયમાં લીના દલાલ નામની એક રૂપવંતી કન્યા આવી. લીના બહુ જ રુપાળી અને દેખાવડી. બચુ તારા બાપુ મને ઘણીવાર કહેતા, કે લીના દલાલ તો એ વખતની ફિલ્મી અભિનેત્રીઓ કરતાં પણ વઘારે મોહક ને કામણગારી! લીનાના પ્રેમમાં પાગલ થઈ ગયેલ દિનુકાકાને સૂતાં ને જાગતાં લીના સિવાય કોઈ દેખાતું નહીં.

‘દિવાળી કે નાતાલની રજામાં ભોગીબાપાએ દિનુકાકાને જો ગામમાં બોલાવ્યા હોય તો દિનુભાઈને લીના વિના કયાં ય ચેન ન પડે! સવારથી ટપાલની રાહ જોતા ડેલીએ ઊભા હોય! બસ મનમાને મનમાં વિચારે કે ક્યારે જલદી રજા પૂરી થાય અને જલદીથી અમદાવાદ ભેગો થઈ જાઉં! મારા વિના મારી લીના કરમાઈ જતી હશે!

‘બચુ, તું નહીં માને જેટલા દિવસો દિનુભાઈ ગામમાં હોય ત્યારે ન તો કોઈ જોડે બોલે કે ચાલે, બસ સવારથી મોડી રાત લગી સૂનમૂન મેડીએ પોતાના ઓરડામાં બેઠાબેઠા લીનાનાં દિવાસ્વપ્નાં જોતાં લીનાને કવિતા અને કાગળો લખે રાખે!

‘દિનુભાઈ કોલેજમાં બે વર્ષ રહ્યા પણ ખાસ કંઈ પ્રગતિ કરી નહીં. ગામ આવતા ત્યારે તેમના હાલ હવાલ જોઈ ભોગીબાપા અને સવિતા મા’ને દીકરાના લફરાની ગંઘ આવી ગઈ હતી.

‘ભોગીબાપાને રાતદિવસ મનમાં ને મનમાં દિનુભાઈની ચિંતા થવા લાગી. દિનુ કંઈ આડું અવળું પગલું ભરી બેસશે તો, ગામમાં અને સમાજમાં જે બે પાંચ માણસમાં પૂછાઉં છું ત્યાં મોઢું બતાવવા જેવો નહીં રહું!

‘પણ સવિતામાની ચિંતા ભોગીબાપા કરતાં સાવ જુદી જ હતી. દિનુ, જો શહેરમાં કઈ નવા જૂની કરી બેસશે તો મારે પેટે ચાર દીકરીઓ પડી છે હું તેને કયાં પરણાવવા જઈશ!

‘આ વિચારે જ ભોગીબાપાએ અને સવિતામાએ, દિનુકાકાને કંઈ પૂછ્યા વિના જ પોતાના સમાજમાં એક સારું ખાનદાની ખોરડું જોઈ મુક્તાકાકી સાથે કંકુના કરી નાખ્યા!

‘દિનુકાકાના મનમાં તો લીના જ હતી! બચુ,એ જમાનો આજના જેવો બાપ સાથે યુદ્ધે ચડવાનો ન હતો! દિનુભાઈએ માબાપની ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપી દીઘું, તે સાનમાં સમજી ગયા કે, જો લીના જોડે લગ્ન કરીશ તો ગામમાં અને સમાજમાં બાપદાદાનું નાક કપાશે! અને જો માબાપ, ખોરડાની ઈજ્જત રાખવા કદાચ મારી સાથે સંબંઘ તોડી નાખશે તો મારામાં કોઈ એવી તાકાત કે આવડત નથી કે અમદાવાદમાં લીના જોડે મારો સુખી સંસાર ચલાવી શકીશ!

‘દીકરા, દીનુકાકાએ હસતાં હસતાં માબાપની ખુશી સારુ મુકતાકાકી સાથે સાત ફેરા ફર્યા. તે દિવસથી દિનુકાકાએ જગતને દેખાડવા લીનાને ભૂલી ગયા!

‘લીનાને ભૂલી જવા અને મુક્તાકાકી વફાદાર બનવા પ્રયત્ન કરતા રહ્યા પણ મનમાં એક ખૂણે લીનાની યાદોનો દીવો બળતો હતો.

‘બચુ, આજે સાઠ વરસે મુક્તાકાકી કેવાં જાજરમાન લાગે છે! તું કલ્પના કર કે પરણીને આવ્યાં હશે ત્યારે કેવાં દેખાવડાં લાગતાં હશે! મુક્તાકાકીને જો આપણે ભૂલથી પણ ક્યાં ય અડકી જઈએ તો તેમની રૂપાળી કાયામાં ડાઘ લાગી જાય, એવી તેમની સુંદર રૂપવતી કાયા! ગામ આખું તો સવિતા માને કહેતું હતું કે, ‘માડી, તમે તો દિનુભાઈ માટે સ્વર્ગમાંથી અપ્સરા લઈ આવ્યાં! મુક્તાકાકી જેવાં દેખાવડાં હતાં તેવાં જ ઘરકામમાં પણ પાવરઘાં અને હોંશિયાર! સવિતામા તો દિ’ આખો દાંતે બજર દેતા ઓસરીની કોરે બેસીને ગામની બાઈઓ જોડે વાતોના તડાકા જ મારતાં રહે!

‘સીમ ખેતર અને ઘણી જવાબદારી તો ઠીક પણ બે ચાર વરસમાં તો ચારે જુવાન નણંદોને સારું ઠેકાણું ગોતીને પરણાવી મુક્તાકાકીએ સાસુ સસરાને ચિંતામાંથી મુકત કરી દીઘા!’

આટલી વાત કરી બા, જરા અટકી ગયાં, પછી એક નિસાસો નાખતાં બોલ્યાં, ‘બચુ, હવે વઘારે તને હું શું કહું! તું બઘું સમજી ગયો હોઈશ! ભલે! દિનુકાકાને મુક્તાકાકી જેવું સુંદર અને સુશીલ પાત્ર મળ્યું, પરતું દિનુકાકાનું મન તો કોલેજકાળમાં ખોઈ દીઘેલ લીનામાં જ ચોંટેલું હતું.

‘મને અને તારા બાપુને દિનુકાકાની એક વાત પર સદા માન રહ્યું. દિનુભાઈએ મુક્તાકાકીને જિંદગીમાં કયાં ય કોઈ પ્રકારનું દુઃખ પડવા નથી દીઘું. મુક્તાકાકીને કોઈ દિવસ સ્વપ્ને ય ખ્યાલ નહીં આવ્યો હોય કે દિનુભાઈના મનમાં કોઈ બીજી સ્ત્રી રહી હશે!

‘ઈશ્વર ઈચ્છાથી તારી ઉંમરના મનહર અને શોભિતને લાડકોડથી ઉછેરી, ભણાવી ગણાવીને સારે ઘરે પરણાવી બંને દીકરાનાં ઘર વસાવી દીઘાં છતાં, આજે પાંસઠ વર્ષે પણ રોજ રાતે દિનુકાકા, ઘર આખું સૂઈ ગયું હોય ત્યારે દીવાને અજવાળે ઓસરીમાં બેસીને પ્રેમિકા લીનાને કોઈ કાળે લખેલા કાગળો વાંચતા આંખેથી તેની યાદમાં બે ચાર આસું વહાવી દે છે.’

**************

એક રાત્રે મેં ડેલી બંઘ કરી, સાયકલ ભીંતને અડાડીને મૂકી. દિનુકાકાએ આદત મુજબ મને પૂછ્યું પણ ખરું, ‘બચુ, કેટલા વાગ્યા!’

આજે સાંજે શાંતિલાલની રેકડીએ લંચમાં બે ચાર દોસ્તો જોડે પેટ ભરીને ઉસળ પાઉં ખાઘેલ એટલે ખાવાની તો કોઈ ફિકર હતી નહીં, બાએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈ મેં લંબાવી દીઘું.

દિવસ આખો ખેડૂત જોડે કપાસ-માંડવીની લેવડદેવડની માથાકૂટ કરીને થાકી ગયેલ દિનુકાકાએ મને ખાટલે સૂતેલો જોયો. આજે તેમણે રોજ કરતાં પહેલાં ટેબલ પર પાથરેલ લીનાના કાગળો ભેગા કરી, એ જ વરસો જૂની લાલ રેશ્મી થેલીમાં ઘડી કરીને મૂકી, પછી હાથમાં દીવો લઈ મુક્તાકાકી સૂતાં હતાં તે ઓરડાના પટારામાં મૂકવા ગયા!

મુક્તાકાકી, કાલા કપાસની ગુણો વચ્ચે પાથરેલા ખાટલે ઘસઘસાટ ઊંઘતા હતાં. કાલાં કપાસની મોસમ વખતે મુક્તાકાકીનો ઓરડો એક ગોદામમાં ફેરવાઈ જતો. શરૂઆતમાં દિનુકાકા અને કાકી આ ઓરડાને પોતાના શયનગૃહ તરીકે વાપરતાં પણ વરસો જતાં કાકાએ પોતાનો ખાટલો ઓસરીમાં ફેરવી નાખ્યો હતો. બસ પછી આ ઓરડાને કાકી પોતાના શયનગૃહ તરીકે વાપરતાં.

બા, મને ઘણીવાર કહેતાં, ‘મુક્તાકાકી જેવો સુખી જીવ ગામમાં કોઈ નહીં હોય. બસ એકવાર ખાટલે પડ્યા પછી, જો કાકી સવાર પહેલાં ઊઠી જાય તો મુક્તાકાકી નહીં! ભલે, પછી દિનુકાકા રાત આખી ઘરમાં ઢોલ નગારાં વગાડે રાખે! કાકી તો બસ ઘસઘસાટ ઊંઘતાં જ રહે.’

મુક્તાકાકી ખાટલે પડયાં નસકોરાં બોલાવતાં હતાં. દિનુકાકાએ પટારો ઉઘાડીને કાગળની થેલી મૂકી. થાકી ગયેલ દિનુકાકા દીવો રામ કરીને ઓસરીમાં પોતાની સાથે લાવવાને બદલે, બાજુમાં પડેલ એક બીજા નાના પટારા પર બળતો મૂકી ઓરડાની બહાર આવી, ઓસરીમાં મુક્તાકાકીએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈને ઝંપલાવી દીઘું.

ઓસરીમાં અંઘારું જોઈ, પડોશના મંછા માની બિલાડી આદત મુજબ અમારી મેડી કૂદી. દિનુકાકાના ઘરમાં આવી ચઢી. મુક્તાકાકી ખાટલે સૂતાં હતાં. બાજુમાં પટારા પર દીવો બળતો હતો. બિલ્લીબાઈ, ઉંદરની રાહ જોતી દીવાની બાજુમાં જઈને બેસી ગઈ. અચાનક તેની નજરમાં, એકાદ બે ઉંદરડી કયાંક માંડવીની ગુણો વચ્ચે દીવાના પ્રકાશમાં રમતી દેખાઈ! ક્યારની શિકારની રાહ જોતી બિલાડીએ ઉંદરડીને પકડવા પટારા પરથી છલાંગ મારી. બાજુમાંનો દીવો પટારા પરથી ગબડી કાલાની ગુણ પર પડ્યો! બે ચાર મિનિટમાં તો ઓરડામાં ચારેકોર આગ ફેલાઈ ગઈ. ઘસઘસાટ ઊંઘતાં મુક્તાકાકી આગમાં સપડાઈ ગયાં.

રાતના લગભગ ત્રણ સાડા ત્રણ થયા હશે! અમારી ડેલી અને આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, એવામાં મારા કાને મુક્તાકાકીની ચીસો પડી! આંખો ચોળતો ખાટલેથી ઊભો થયો તો મારી આંખ સામે દિનુકાકાનું ઘર ચારેકોરથી ભડભડ બળતું હતું. મુક્તાકાકી આગમાંથી બહાર નીકળવા વલખાં મારતાં ચીસો પાડી રહ્યાં હતાં. દિનુકાકા મુક્તાકાકીને બચાવવા ગામને મદદ કરવા બૂમો પાડતા ફળિયે ઊભા હતા.

દિનુકાકાની બૂમો સાંભળી ગામ આખું હાથમાં જે કઈ વાસણ આવ્યું. તેમાં પાણી લઈ દિનુકાકાના ઘરની આગને હોલવવા દોડી આવ્યું. બાજુના શહેરમાંથી થોડીવારમાં બંબા પણ આવ્યા, તે પહેલાં તો આગે જોત જોતામાં કાકીના દેહને પોતાના વિકરાળ પંજામાં લઈ લીઘો!

**************

સોણ ગંગાના કાંઠે મુક્તાકાકીનું બારમું સરાવી, દીકરા, સગાંસંબંઘી અને ગામની હાજરીમાં દિનુકાકાએ મુક્તાકાકીનાં અસ્થિફૂલને સોણગંગાના વહેતા પ્રવાહમાં તરતાં મૂકી, ખિસ્સામાંથી અર્ઘ બળી ગયેલ લાલ રેશમી થેલી કાઢી લીનાની યાદોના કાગળોને પણ સોણગંગાના વહેતા જળમાં પઘરાવી દીઘા!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

‘આવારા મસીહા’ શરદબાબુ અને ‘શ્રીકાન્ત’

સોનલ પરીખ|Opinion - Opinion|18 October 2023

શ્રીકાન્ત રાજલક્ષ્મીને પતિતા ગણતો નથી, છતાં કોઈ ઊંડા સંસ્કારને કારણે તેને સ્વીકારી શકતો નથી; રાજલક્ષ્મીએ પોતાની શોક્યના પુત્ર બંકુનું ‘માતૃપદ’ સ્વીકાર્યું છે, તેથી તે પણ સંકોચ અનુભવે છે. ‘પ્રબળ પ્રેમ પાસે જ ખેંચતો નથી, એ દૂર પણ ધકેલે છે’, અનુભવતો શ્રીકાન્ત ત્યાંથી નીકળી જાય છે. ભ્રમણકથામાં અન્નદા, અભયા અને કમલલતાની વાતો ગૂંથાતી જાય છે, પણ તેનું કેન્દ્ર રહે છે શ્રીકાન્ત-રાજલક્ષ્મીનો પ્રણય …

‘ભારતેશ્વર’ સામયિકની ઑફિસમાં એક જટાજૂટવાળો ભગવાધારી આવીને ઊભો રહ્યો, ‘મને પેન, શાહી અને કાગળ આપો.’ માણસો નવાઈ પામ્યા, પણ સામયિકના માલિક પ્રમથનાથ ઓળખી ગયા, ‘અરે, તમે? આવી હાલતમાં?’ ‘હું લખ લખ કરતો એટલે પિતાજી ખીજવાયા. મેં ઘર છોડી દીધું. નોટબુક પૂરી થઈ ગઈ એટલે આવ્યો.’ આ ભગવાધારી એ જ આપણા પ્રિય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે શરદબાબુ. એમનો જન્મદિન 15 સપ્ટેમ્બરે ગયો એ નિમિત્તે વાત કરીએ એમની અને એમની જ પ્રતિચ્છવિરૂપ ‘શ્રીકાન્ત’ની.

આ શરદબાબુનો જન્મ 15 સપ્ટેમ્બર 1876માં હુગલી જિલ્લાના એક ગામમાં થયો. માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવેલાં. પિતા મતિલાલે થોડુંઘણું લખ્યું હતું, પણ દીકરો લખવાના ચાળે ન ચડે ને કોઈ ઢંગનું કામ કરી કમાતો થાય એવી એમની ઈચ્છા. શરત એમ કરતો નહીં, તેથી ચકમક ઝર્યા કરતી. અંતે એ ઘર છોડી ચાલ્યો ગયો. 

પિતાના અવસાનના ખબર મળતા શરત ઘેર પાછા ફર્યા. 1903માં નોકરી કરવા રંગૂન ગયા. ત્યાં શાંતિદેવી સાથે લગ્ન થયાં. એક બાળક થયું, પણ પ્લેગમાં બંને મૃત્યુ પામ્યાં. પછી હિરણ્યમયી સાથે લગ્ન થયાં. 

બ્રહ્મદેશ જતાં પહેલાં મામાના નામે લખેલી ‘મંદિર’ વાર્તાને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. પહેલી નવલકથા ‘બડીદીદી’ ‘ભારતી’ સાપ્તાહિકમાં હપ્તાવાર પ્રગટ થઈ. ‘અનિલાદેવી’ના તખલ્લુસથી ‘રામેર સુમતિ’, ‘પંથનિર્દેશ’ અને ‘બિન્દુર છેલે’ નામની વાર્તાઓ પ્રગટ થતાં તેઓ ખ્યાતિ પામ્યા અને નિયમિત આવક થવા માંડી, તેથી 1916માં બ્રહ્મદેશની નોકરી છોડી શરદબાબુ કૉલકાતા આવ્યા.

શિશિરકુમાર ભાદુડીએ એમની એક વાર્તા પરથી નાટક કર્યું. તે પછી ત્રણ મૂક ફિલ્મો શરદબાબુની વાર્તાઓ પરથી બની. એમાંની એક ‘દેવદાસ’ (1928) હતી. એના પરથી 1935માં બરુઆએ એમની પહેલી ટૉકી બનાવી. 1936માં સાયગલવાળી હિંદી ‘દેવદાસ’ બની. 1955માં દિલિપકુમારવાળી દેવદાસ આવી એ દરમ્યાન બીજી ત્રણ દેવદાસ બની ગઈ હતી. આ અસ્થિર અને સ્વનાશ-કટિબદ્ધ અભાગી પ્રેમી લોકોને એટલો ગમી ગયો કે ‘દેવદાસ’ કુલ 18 વાર રૂપેરી પડદે આવી. જો કે શરદબાબુને એ પાત્ર બહુ ગમતું નહીં. ગુલઝારે ધર્મેન્દ્ર, હેમા માલિની અને શર્મિલા ટાગોરને લઈને ‘દેવદાસ’ બનાવવા વિચાર્યું હતું, પછી એને બદલે ‘પંડિત મશાય’ પરથી ‘ખુશ્બૂ’ બનાવી. બાસુ ચેટર્જી, બિમલ રૉય, હૃષિકેશ મુખર્જી, સંજય લીલા ભણસાલી અને અનુરાગ કશ્યપે શરદબાબુની વાર્તાઓ પરથી ફિલ્મો બનાવી છે. વિષ્ણુ પ્રભાકરે લખેલી શરદબાબુની જીવનકથાનું નામ ‘આવારા મસીહા’ છે. ‘દેવદાસ’ અને ‘પરિણીતા’ને ઘણા હિંદી નવલકથા જ માને છે. ગુજરાતી વાચકોને શરદબાબુ મુનશી કે ર.વ.દે. જેટલા જ પોતાના લાગ્યા છે. કેરળમાં શરદબાબુ મલયાલમ લેખકો જેટલા જ લોકપ્રિય છે. શરદબાબુની વાર્તાઓ પરથી 77 ફિલ્મો બની છે. દૂરદર્શને 1987માં ‘શ્રીકાન્ત’ ધારાવાહિક બનાવેલી જે કોરોનાકાળમાં ફરી બતાવાઈ હતી.

ટાગોર અને બંકિમચંદ્ર એમની પ્રેરણામૂર્તિઓ. બર્માના એક સહકર્મી પરથી એમણે ‘ચરિત્રહીન’ લખી હતી. તત્કાલીન સામાજિક આચાર સામે વિદ્રોહનો સૂર હોવાથી એ મુશ્કેલીથી છપાઈ હતી. જો કે આવો સૂર એમની નવલકથાઓમાં પહેલેથી હતો. રંગૂનના મજૂરો એમને ફરિશ્તા માનતા, પણ સગાંસંબંધીઓ અને બ્રહ્મોસમાજીઓ એમને રખડુ અને કુલમર્યાદાને ડુબાડનાર ગણતા. ‘પથેર દાબી’એ તો બ્રિટિશ સરકારને પણ નારાજ કરી. ‘આવારા મસીહા’ વાંચી તો આ જ લોકો કહેવા લાગ્યા, ‘બંગાળમાં ટાગોર પછી કોઈ મહાન નવલકથાકાર થયો હોય તો તે છે શરતચંદ્ર.’

શરદબાબુએ 25 નવલકથાઓ તથા 7 વાર્તાસંગ્રહો આપ્યા છે. ‘બડીદીદી’, ‘વિરાજવહુ’, ‘પરિણીતા’, ‘પલ્લીસમાજ, ‘વૈકુંઠેર વિલ’, ‘શ્રીકાન્ત’, ‘દેવદાસ’, ‘ચરિત્રહીન’, ‘દત્તા’, ‘ગૃહદાહ’, ‘પથેર દાબિ’, ‘શેષ પ્રશ્ન’, ‘વિપ્રદાસ’ અને ‘શુભદા’ તેમની અત્યંત લોકપ્રિય નવલકથાઓ છે; જ્યારે ‘બિન્દુર છેલે’, ‘નિષ્કૃતિ’, ‘મેજદીદી’, ‘કાશીનાથ’, ‘રામેર સુમતિ’, ‘આંધારે આલો’ અને ‘મહેશ’ તેમની ઉત્કૃષ્ટ વાર્તાઓ છે. એમાંની ‘ષોડશી’, ‘રમા’ તથા ‘વિજ્યા’નું તેમણે નાટ્યરૂપાંતર કર્યું છે. દેશબંધુ ચિત્તરંજન દાસ અને સુભાષચંદ્ર બોઝના સંપર્કને લીધે તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. 

‘શ્રીકાન્ત’ના ચાર ભાગ લખતાં તેમને 17 વર્ષ થયાં. ઘર છોડ્યું ને વર્ષો સુધી ખૂબ ભ્રમણ કર્યું, એથી મળેલા જીવનના પ્રત્યક્ષ અનુભવની છાયા એમની આ અને અન્ય નવલકથાઓમાં છે. શ્રીકાન્તના જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓ અને એમાંની ઘણી વ્યક્તિઓ શરદચંદ્રના જીવન સાથે જોડાઈ હોવાની પૂરી શક્યતા છે. લેખકે પણ એ કબૂલ્યું છે. 

નવલકથા પહેલા પુરુષમાં કહેવાઈ છે. એ આરંભમાં જ કહે છે : ‘મારા આ “ભવ-ભટક્યા” જીવનને પાછલે પહોરે ઊભા રહીને તેનો જ એક અધ્યાય કહેવા બેસતાં આજે કેટકેટલી વાતો યાદ આવે છે?’ શ્રીકાન્તની ભ્રમણવૃત્તિને પોષણ મળ્યું છે નીડર મિત્ર ઈન્દ્રનાથ પાસેથી. તેની જ પાસેથી તે શીખ્યો છે સંકુચિત હિંદુત્વની આભડછેટને વશ ન થવાનું. ઈન્દ્રનાથ શ્રીકાન્તને અન્નદાનો પરિચય કરાવે છે. પતિને ખાતર ધર્મ ત્યજી જીવનભરનું કલંક વહોરી લેતી અન્નદાના સતીધર્મને જોઈ શ્રીકાન્તને એક સત્ય લાધે છે – ‘ત્યાર પછી હું સ્ત્રીના કલંકની વાત સહેજમાં માની લઈ શકતો નથી.’

રાજકુમારના નિમંત્રણથી ફરવા ગયેલા શ્રીકાન્તને મળે છે પિયારીબાઈ – એક બજારુ ગાનારી. પિયારી શ્રીકાન્તની એ જ બાલસખી છે, જે શ્રીકાન્તને બંચીફળની માળા પહેરાવતી. બાળક શ્રીકાન્ત અધિકારપૂર્વક તેને મારતો અને તે સહી લેતી. શ્રીકાન્ત સખત બીમારીમાં પટકાતાં પિયારી તેને પોતાને ત્યાં પટણા લાવી સાજો કરે છે. શ્રીકાન્ત રાજલક્ષ્મીને પતિતા ગણતો નથી, છતાં કોઈ ઊંડા સંસ્કારને કારણે તેને સ્વીકારી શકતો નથી; રાજલક્ષ્મીએ પોતાની શોક્યના પુત્ર બંકુનું ‘માતૃપદ’ સ્વીકાર્યું છે, તેથી તે પણ સંકોચ અનુભવે છે. ‘પ્રબળ પ્રેમ પાસે જ ખેંચતો નથી, એ દૂર પણ ધકેલે છે’, અનુભવતો શ્રીકાન્ત ત્યાંથી નીકળી જાય છે.

નવલકથાના બીજા ભાગમાં શ્રીકાન્તની બર્માયાત્રા મુખ્ય છે. પ્રવાસ-નિવાસ દરમિયાન તેને અભયાનો દીર્ઘ પરિચય થાય છે. અભયા પતિને શોધવા બર્મા આવી છે. પતિ મળે છે. એ દુષ્ટ છે ને એક બર્મી સ્ત્રી સાથે રહે છે, છતાં અભયા તેને સ્વીકારે છે. પણ પતિ તેને માર મારી કાઢી મૂકે છે ત્યારે અભયા ગામથી જેની સાથે બર્મા આવી હતી તે રોહિણીબાબુ સાથે રહેવા લાગે છે. શ્રીકાન્તને એમાં હિંદુ સ્ત્રીનું પતન લાગે છે. અભયા કહે છે, ‘પુરુષની ક્રૂરતા તમને માન્ય છે અને હું વિવાહના મંત્રોને બંધનકર્તા ન માનું તો પતિતા બનું છું. આવું કેમ, શ્રીકાન્તબાબુ, હું સ્ત્રી છું એટલે?’ રાજલક્ષ્મીને આની જાણ થતાં તે અભયાને ‘સહસ્રકોટિ વંદન’ કહેવડાવે છે. અભયા દ્વારા શ્રીકાન્ત-રાજલક્ષ્મીને તેમના માન્ય સંસ્કારપ્રભાવમાંથી મુક્ત બનવાની દિશા મળે છે. 

ત્રીજા ભાગમાં રાજલક્ષ્મી શ્રીકાન્તને લઈ ગંગામાટિ નામના ગામમાં જાય છે અને ત્યાં પોતાના કલંકિત જીવનને શુદ્ધ કરવા વ્રતતપમાં મગ્ન બને છે. બર્મા જતાં પહેલાં શ્રીકાન્ત રાજલક્ષ્મીને મળવા કાશી જાય છે ત્યારે રાજલક્ષ્મીને કપાવેલા કેશવાળી અને ઉપવાસથી રુક્ષ બનેલી જુએ છે. પુંટુ નામની કન્યા સાથે શ્રીકાન્તના લગ્નની વાત ચાલે છે તે જાણી રાજલક્ષ્મી અનુમતિ તો નથી જ આપતી, પણ કાશીવાસ છોડવા તૈયાર થાય છે. 

નવલકથા અહીં પૂરી થઈ શકત, પણ ચોથા ભાગમાં કવિમિત્ર ગહર શ્રીકાન્તને મુરારિપુરના વૈષ્ણવ અખાડામાં લઈ જાય છે. ત્યાં વૈષ્ણવી કમલલતા મળે છે. કમલલતામાં પ્રેમભક્તિ સાથે નારીસહજ પ્રેમાસક્તિ પણ છે. રાજલક્ષ્મી નવા રૂપે મુરારિપુર આવે છે અને મહંતનાં આશીર્વાદ મેળવે છે. બીમાર ગહરની સેવા કરવા બદલ અખાડાએ કમલલતાને ‘ધર્મચ્યુત’ ઠરાવી કાઢી મૂકી છે. કમલલતા કાશી જવા નીકળે છે, એ જ ટ્રેનમાં શ્રીકાન્ત ગંગામાટિ જઈ રહ્યો છે એ ઘટના સાથે કથા પૂરી થાય છે. 

શ્રીકાન્તની ભ્રમણકથામાં આમ અન્નદા, અભયા અને કમલલતાની વાતો ગૂંથાતી જાય છે, પણ તેનું કેન્દ્ર રહે છે શ્રીકાન્ત-રાજલક્ષ્મીનો પ્રણય. શરદબાબુ આ નવલકથામાં ગજબના ખીલ્યા છે. લેખક જેમાં ખીલે, એ કૃતિ ઝીલવાનો મોકો વાચકે જવા દેવો જોઈએ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 સપ્ટેમ્બર  2023

Loading

ગૂજરાત વિદ્યાપીઠ એકસો ચારમે મોચવાતી પ્રવેશે છે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion, Samantar Gujarat - Samantar|18 October 2023

‘એક વણિકપુત્ર જો કરી શકતો હોય તો મેં (ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરીને) ઋષિનું કામ કર્યું છે.’ — ગાંધીજી

લખું લખું તો છું ગૂજરાત વિદ્યાપીઠના આજના (18મી ઓક્ટોબરના) એકસો ચારમા વર્ષપ્રવેશને વિશે અને મિશે, પણ આ ક્ષણે વાગેલો ધક્કો તો ‘ગાંધી વિ. ગુરુદેવ’ એ શૈલેશ પારેખ લિખિત વાચિકમ્ (દિગ્દર્શક : અદિતિ દેસાઇ) જોયા-સાંભળ્યાનો છે. સ્વદેશવત્સલ રવીન્દ્રનાથ રાષ્ટ્રવાદની ચળવળનાં ભયસ્થાનો પરત્વે સચિંત હતા, અને એમના ગાંધીજી સાથેના પત્રવ્યવહારમાં એમણે એને બેબાક વાચા પણ આપી છે. આ જોતો-સાંભળતો હતો ત્યારે સાંભરતું હતું કે કાકા કાલેલકરે સ્વદેશી પરના એમના પ્રબંધમાં વ્યક્ત કરેલા વિચારો ગાંધીને અન્યાયકારી છે એવી પ્રતિક્રિયા તે સમયના વિશ્વખ્યાત સર્જક ને માનવ્યના ઉપાસક રોમાં રોલાંની હતી. કાકાએ વિગતવિશદ ઉત્તર આપી એમનું સમાધાન કર્યું ને રોલાંએ ક્ષમાપ્રાર્થનાપૂર્વક એમનો આભાર માન્યો. જો કે, કાકાએ અપૂર્વ નમ્રતાપૂર્વક એ પત્ર અપ્રગટ રાખ્યો. અલબત્ત, સ્વદેશી ચળવળ અને તજ્જન્ય રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સજાગ રોલાંએ વળતું સૂચવ્યું કે રાષ્ટ્રવાદ વિશેનાં રવીન્દ્રનાથનાં વ્યાખ્યાનો આપણા લક્ષમાં રહેવાં જોઇએ. કાકાએ જે ઉત્તર આપ્યો એમાં વન્સ અપોન અ ટાઇમ વિદ્યાપીઠનું પોત અને ગાંધીઘરાણાનું ખુલ્લાપણું બેઉ એક સાથે પ્રગટ થવાં કરે છે : એ વ્યાખ્યાનો અમારા વિદ્યાપીઠના પાઠ્યક્રમનો ભાગ છે! (હવે કહો, કેવી રીતે ઘટાવશું ‘ગાંધી વિ.ગુરુદેવ’ એ બીનાને?)

વિદ્યાપીઠના નવ વર્ષ પ્રવેશે રૂડા સમાચાર આવે છે તે એક અંતરાલ પછી અહિંસા શોધ ભવનના વિશેષ ને વિશિષ્ટ અભ્યાસક્રમમાં આઠ દેશના મળીને તેર જેટલા વિદ્યાર્થીઓએ ઓણ પ્રવેશ લીધો છે. ખાસ તો, યુક્રેન સામે યુદ્ધે ચડેલ રશિયાથી પણ બે છાત્રાઓ શાંતિખોજના આ અભ્યાસમાં હૈયાઉલટે સામેલ થઇ છે …

અને છતાં, વિદ્યાપીઠની સ્વાતંત્ર્યપૂર્વ ને સ્વાતંત્ર્યોત્તર કમાઇના અચ્છા ખયાલ સામે એના જન્મપર્વે કાંક કશુંક ખૂટે બલકે કઠે છે એવું કેમ. 1920માં એ સ્થપાઇ, વણિકપુત્રે ઋષિનું કામ કરી ભેદની ભીંત્યું ભાંગવાની પહેલ કીધી, ત્યારથી એણે રાજ્યાશ્રયથી કિનારો કરવામાં ગૌરવ સમજ્યું. માલવિયાજીની બનારસ હિંદુ યુનિવર્સિટીએ સરકારી ચાર્ટરનો ધોરી રાહ લીધો. ગાંધી જેનું નામ, એને જનપથ મુબારક હતો. જ્યાં સુધી વિત્ત ને કૌવતનો સવાલ છે, એણે સૌની, રિપીટ, સૌની સંસ્થા તરીકે ઊભી કરી. દલિતને પ્રવેશ નહીં-ની શરતે આવતાં મોટાં દાન ધરાર પાછાં કાઢ્યાં. માલવિયાજીની નિયતિ એ રહી કે દલિત છાત્રને સંસ્કૃત અભ્યાસની તક મળી શકે એ શરતે સયાજીરાવ ગાયકવાડનું દાન પોતાના શ્રીમંત સમર્થકોની અનિચ્છાને કારણે સ્વીકારી શકે તેમ નહોતા.

કેવું વાતાવરણ સર્જાયું હશે વિદ્યાપીઠનાં એ વાસંતી વર્ષોમાં જ્યારે ગિદવાણી, ક્રિપાલાણી ને કાલેલકર સરખા આચાર્યો ત્યાં વિરાજતા ને વિલસતા હતા … એકેક આચાર્ય જાણે જંગમ યુનિવર્સિટી! આ ક્ષણે એની ગાથામાં જવાનો મોહ છોડી ત્યારે ઉભરેલી જે અનેરી આબોહવા એનું એક ચિત્ર ઉમાશંકર જોશીનાં સંભારણાંમાંથી આપું :

‘પહેલે માળે પાળી પાસે ઊભા ઊભા અમેરિકન પ્રો. ટક્કર ચોકમાં સેવાદળની બહેનોની પ્રવૃત્તિ ટગર ટગર જોઇ રહ્યા છે. થોડી વારે, પડખે હું ઊભો છું એવો ખયાલ આવતાં મારી સામે જોયું. મેં પૂછ્યું, આપ શું જોઇ રહ્યા છો. કહે, આ  બહેનોની પ્રવૃત્તિમાં રહેલી મુક્તતા. મેં પૂછ્યું : આપ તો શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્ય કરો છો ને? આપ અમેરિકાના છો એવો મારો ખ્યાલ બરોબર છે? અમેરિકામાં તો બહેનોને સારી પેઠે મુક્તતા છે. ધીરેથી એમણે એટલું જ કહ્યું : હું ઇચ્છું કે આવી મુક્તતા હોય.’

ગમે તેમ પણ એક જુદી જ તરેહનો અભ્યાસક્રમ અહીં વિકસ્યો જેમાં શ્રમનું ગૌરવ ને વિદ્યાની પ્રતિષ્ઠા એકરૂપ હતાં. અભ્યાસક્રમની ચર્ચામાં કે વિદ્યાપીઠની તવારીખી કામગીરીમાં ઊંડે નહીં ઊતરતાં એટલું જ કહીશું કે આગળ ચાલતાં સ્વરાજ સરકારના વારામાં જ્યારે સરકાર સાથે સહજ સંબંધની સંભાવના સર્જાઇ ત્યારે વિદ્યાપીઠે પોતાના અભ્યાસક્રમની વિશિષ્ટતા અને એકંદરે સ્વાયત્તતા જાળવીને યુ.જી.સી. સાથે સંકળાવું પસંદ કર્યું. અલબત્ત, સરકાર, કેમ કે તે સરકાર છે, પોત ન પ્રકાશે એવું તો બને નહીં. પણ મોરારજી દેસાઇનું નેતૃત્વ ને રામલાલ પરીખની સક્રિયતા મુકાબલે સ્વાયત્તતા જાળવી વિદ્યાપીઠની વિશેષતાપૂર્વક આગળ ચાલ્યાં. ગાંધીમાર્ગી અધ્યયનના એક થાણા રૂપે તેમ ગુજરાતના આદિવાસી તબક્કાને હૂંફતા એક શિક્ષણ ઠેકાણા રૂપે વિદ્યાપીઠની ભૂમિકા વિકસતી રહી. મહાશ્વેતાદેવી દીક્ષાન્ત પ્રવચન માટે આવ્યાં ત્યારે આદિવાસીબહુલ ચિત્ર પર આફરીન પોકારી ગયાં હતાં એ અહીં સાંભરે છે.

હમણેનાં વરસોમાં નારાયણ દેસાઇ ને ઇલાબહેન ભટ્ટની ચાન્સેલરી – ત્યારે એમનાં કદ અને કાઠીનાં બીજાં ગુજરાતમાં હતાં પણ કોણ – વિદ્યાપીઠને સારુ એક નવોન્મેષી શક્યતા લઇને આવી હતી. નારાયણ દેસાઇ કુલપતિ હતા અને ચુનીભાઇ વૈદ્ય દીક્ષાન્ત પ્રવચન સારુ આવ્યા ત્યારે વિદ્યાપીઠ અને એના સ્નાતક વરસે એક આંદોલનમાં તો જોડાય જ જોડાય એવો જે સ્પિરિટ પ્રગટ થયો હતો એ દેવદુર્લભ જોણું હતું. સ્વરાજની લડત વખતે અહીં જો બ્રિટનના સામ્યવાદી સાંસદ, પારસી ગુજરાતી મૂળના સકલાતવાલા આવી શકતા હોય તો, છત્તીસગઢની રમણસિંહ સરકારે કથિત નક્સલવાદી ઘોષિત કરેલ પણ સર્વોચ્ચ અદાલતે બાઇજ્જત જામીનલાયક ગણેલ વિનાયક સેન પણ આ જ વર્ષોમાં તો આવ્યા હતા, જેમનું આદિવાસી ભૂખમરા સામેનું કામ વિશ્વવિશ્રુત છે.

ગમે તેમ પણ, જે.એન.યુ.માં ને બીજે જોઇ રહ્યા છીએ તેમ – ગાંધીદર્શનને સાવરકર વિશેષાંક કાઢવાની ફરજ પડે એવી અનવસ્થાના આ દિવસોમાં – કેમ કે અન્યથા ઊંચાં પ્રતિમાન છતાં વિદ્યાપીઠમાં ક્યાંક કશીક કમજોરી અને સામે પક્ષે બધ્ધેબધ્ધું ઓળવી લેવાની વૃત્તિ, એમાંથી દબાણ અને ‘ડીલ’ની બૂ જ બૂ ઉઠે એવી ઘટના કમબખ્ત આભડી ગઇ તે આભડી ગઇ. લઘુમતી ટ્રસ્ટીઓએ રાજીનામાંમાં ધર્મ જોયો તે ઠીક જ છે. પણ નવા કુલપતિ એમની સાથે વિચારવિનિમય કરવાનું કહેતા હતા એ ય હવાઇ ગયું. બનારસમાં સર્વ સેવા સંઘ પરની તવાઇ સામે પ્રતિકારનો અવાજ ઊઠ્યો એવું અહીં ક્યાં, ક્યારે? ભલે, હમણે તો, એકસો ચાર મે … અને મોચવાતે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 ઑક્ટોબર 2023

Loading

...102030...801802803804...810820830...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved