Opinion Magazine
Number of visits: 9736171
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મિનાબ, મેવન અને યુદ્ધનું બદલાતું ગણિતઃ ઝડપના મોહમાં AI પર જવાબદારી ઢોળવી કેટલી યોગ્ય?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2026

મિનાબની શાળા પર થયેલો હુમલો એ માત્ર ટેકનિકલ ભૂલ નહોતી, પણ ‘અલ્ગોરિધમિક ડિહ્યુમનાઇઝેશન‘નું ઉદાહરણ હતું. જ્યારે જવાબદારી અલ્ગોરિધમ અને કમાન્ડર વચ્ચે વહેંચાઈ જાય, ત્યારે સત્ય ઓગળી જાય છે

ચિરંતના ભટ્ટ

યુદ્ધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિશેનું સૌથી મોટું જૂઠ એ જ તેની સૌથી મોટી છટકબારી છે. “મશીને નિર્ણય લીધો” એમ કહી દેવું બહુ સહેલું છે, કારણ કે તેનાથી જવાબદારી સત્તાધીશોને બદલે કોડિંગ પર ઢોળી શકાય છે. આજે પણ યુદ્ધો રાષ્ટ્રો અને લશ્કરો જ લડે છે, પરંતુ AI તેની ઝડપ વધારી રહ્યું છે.

ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલ હુમલા દરમિયાન, મિનાબની એક પ્રાથમિક શાળા પર હુમલો થયો, જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા, જેમાંથી મોટા ભાગનાં બાળકો હતાં. શરૂઆતી આકલન મુજબ, આ સાઇટ કદાચ એટલા માટે નિશાન બની કારણ કે ઇન્ટેલિજન્સ ડેટાબેઝે આ સ્થાનને ભૂતપૂર્વ લશ્કરી સુવિધા સાથે જોડ્યું. આ દુર્ઘટના પાછળનું કારણ આઉટડેટેડ ઇન્ટેલિજન્સ અને મશીની ઝડપનું જીવલેણ મિશ્રણ હતું. AI માટે શાળા એ માત્ર ‘પિક્સેલ્સ’ અને ‘મેટ્રિક્સ’નો સમૂહ છે, જેમાં માનવીય સંવેદનાનો કોઈ જ સ્થાન નથી. જ્યારે યુદ્ધ ‘ડેટા ડ્રિવન’ બને છે, ત્યારે બાળકો માત્ર ‘કોલેટરલ ડેમેજ’નો આંકડો બનીને રહી જાય છે. આ દુર્ઘટના પાછળનું ટેકનિકલ સત્ય કદાચ ‘અલ્ગોરિધમિક ડિહ્યુમનાઇઝેશન’ છે, આમ થાય ત્યારે યુદ્ધભૂમિ પરનો જીવંત સંદર્ભ (Context) ભૂંસાઈ જાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે થિંક ટેન્ક્સમાં ચર્ચાતો ભવિષ્યવાદી ખ્યાલ નથી; તે આધુનિક લશ્કરની કામગીરીમાં પ્રવેશી ચૂક્યો છે. પ્રોજેક્ટ મેવન જેવી સિસ્ટમ્સ તોતિંગ ડેટાના પ્રવાહોને પ્રોસેસ કરી વિશ્લેષકોને સરળતાથી પેટર્ન શોધાય તે માટે બનાવાઈ હતી, એક સમયે આ કામગીરીમાં દિવસો નીકળી જાત. AI મિસાઈલ છોડતું નથી, પણ તે ‘ટાર્ગેટ પ્રોફાઈલિંગ’ એટલી ઝડપથી કરે છે કે માણસની નૈતિક ચેતનાને વિચારવાનો સમય જ મળતો નથી. મશીન જ્યારે ‘90% કોન્ફિડન્સ સ્કોર’ આપે છે, ત્યારે કમાન્ડર તેને અંતિમ સત્ય માની લેવાની ભૂલ કરી બેસે છે. ટેક્નોલોજી નિશ્ચિતતાની ખાતરી આપે છે, પણ તેનાથી નિર્ણય લેનારી સંસ્થાઓ વધુ આત્મવિશ્વાસુ બની જાય છે. એકવાર વિશ્લેષણની આ સાયકલ ગતિ પકડે પછી તેની પર નિયંત્રણ રાખવું સહેલું નથી હોતું. મશીની રજૂઆત કોમ્પ્યુટેશનલ સત્તાનો આભાસ આપે છે.

“પ્રિસિઝન વોરફેર”(ચોકસાઈભર્યું યુદ્ધ)ના નેરેટિવમાં હંમેશાં વધુ નિયંત્રિત અને નૈતિક યુદ્ધનો વાયદો કરવામાં આવે છે. ટેક્નોલોજીની દરેક પેઢીને પ્રગતિ તરીકે વેચવામાં આવી છે, પણ ખરેખર તો આ બધી પ્રગતિ અંતે તો પતન અને અનિશ્ચિતતામાં વધારો કરે છે. ટેક્નોલૉજી ઝડપ અને નિશ્ચિતતાની ખાતરી આપે એટલે તેના પર આધાર રાખતી સંસ્થાઓ અનિશ્ચિત સંજોગોમાં પણ તેની પર વધુ વિશ્વાસ રાખે છે. AI આ જ ઘરેડનું નવુંનક્કોર ચેપ્ટર છે. 

એન્થ્રોપિકની ક્લાઉડ (Claude) સિસ્ટમની ચર્ચા આ સંસ્થાકીય તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. લશ્કરી આયોજનકારોને કોમર્શિયલ AI આપી શકે તેવું ઝડપી વિશ્લેષણ જોઈએ છે, પરંતુ ટેક્નોલોજી કંપનીઓ જે ગાર્ડરેઇલ્સ અથવા મર્યાદાઓની વાત કરે છે તેમાં તેમને ખાસ રસ નથી હોતો. સંરક્ષણ સંસ્થાઓને મશીની કાર્યક્ષમતામાં રસ હોય છે, જ્યારે ટેક્નોલોજી કંપનીઓ નૈતિક મર્યાદાઓની વાત કરે છે. 

અહીં અસલી ઘર્ષણ સિલિકોન વેલીના નૈતિક ગાર્ડરેઇલ્સ અને પેન્ટાગોનની લશ્કરી જરૂરિયાતો વચ્ચે છે. લશ્કરી વડાઓને એવા ‘બ્લેક બોક્સ’ સોફ્ટવેરમાં રસ છે જે તરત અને ઝડપી પરિણામ આપે, ભલે એ પ્રક્રિયામાં પારદર્શકતાનો ભોગ લેવાય. જ્યારે ટેક કંપનીઓ નફા અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે લશ્કરો સાથે હાથ મિલાવે છે, ત્યારે ‘નૈતિક જવાબદારી’ કોર્પોરેટ પ્રેઝન્ટેશન્સમાં દબાઈ જાય છે. આ ‘કોર્પોરેટ પ્રોફિટ’ અને ‘મિલિટરી એફિશિયન્સી’નું જોડાણ આધુનિક યુદ્ધને વધુ અસ્પષ્ટ અને બેજવાબદાર બનાવી રહ્યું છે.

AI “ટાર્ગેટ પસંદ” નથી કરતું. અહીં મુદ્દો એ છે કે AI સિસ્ટમો હવે યુદ્ધમાં માણસના નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવા લાગી છે. શરૂઆતમાં વિશ્લેષકો મશીન શું સૂચવે છે તેની તપાસ કરતા હોય છે. પરંતુ સમય જતા તેઓ કદાચ મશીન જે ભલામણ કરે છે તેની માત્ર સમીક્ષા કરતા રહી જાય છે. જોખમ એ છે કે હુમલા સુધી પહોંચતી નિર્ણય પ્રક્રિયા એટલી ઝડપી બની જાય છે કે તેને નિયંત્રિત કરવા માટે બનેલી સંસ્થાઓ પાછળ રહી જાય.

અને આ તો AIના યુદ્ધનું માત્ર પહેલું મેદાન છે. બીજું મેદાન મિસાઈલ પડ્યા પછી શરૂ થાય છે.

આધુનિક યુદ્ધ હવે, જમીન પર અને ઓનલાઈન એમ બે રીતે લડાય છે. હુમલા પછી થોડા કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વિનાશના ફોટા અને વીડિયો ફેલાઈ જાય છે. તેમાં કેટલાક સાચા હોય છે, કેટલાક જૂના સંઘર્ષોના વીડિયો ફરી વપરાય છે અને કેટલાક તો પૂરી રીતે AIએ બનાવેલા બોગસ વિઝ્યુઅલ્સ હોય છે.

અહીં સત્ય માટેનું એક સમાંતર યુદ્ધ શરૂ થઈ જાય છે. હાલના અમુક યુદ્ધોને મામલે સંશોધકોએ નોંધ્યું છે કે સિન્થેટિક વિઝ્યુઅલ્સ, મેનીપ્યુલેટેડ ક્લિપ્સ અને ભાવનાત્મક રીતે ચાર્જ થયેલા નેરેટિવ્સ મોટે ભાગે ખરાઈ કરાયેલા રિપોર્ટિંગ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. સળગતી શાળા, રડતું બાળક, વિખેરાયલો કાટમાળ વગેરેની દરેક તસવીર રાજકીય મોબિલાઇઝેશન માટે કાચો માલ બની જાય છે. ડોક્યુમેન્ટેશન અને બનાવટ વચ્ચેની રેખા ધીમે ધૂંધળી થવા લાગે છે.

પૂર્વી યુરોપ અને મધ્ય પૂર્વમાં આપણે જોયું છે કે કેવી રીતે બોટ નેટવર્ક અને સિન્થેટિક મીડિયા મિનિટોમાં વૈશ્વિક ધારણાઓ બદલી નાખે છે. આ હવે યુદ્ધ ચાલતું હોય તેવા પ્રદેશોમાં પણ જોવા મળે છે, જ્યાં બોટ નેટવર્ક અને તકવાદી પ્રચારકો સિન્થેટિક મીડિયાનો ઉપયોગ કરીને મિનિટોમાં જ ઘટનાઓ વિશેની વૈશ્વિક ધારણાઓને આકાર આપવાનો પ્રયાસ કરે છે.

મધ્ય પૂર્વમાં રાજ્ય-સંબંધિત ઇન્ફ્લુએન્શિયલ નેટવર્ક્સ આ ઇકોસિસ્ટમમાં ખૂબ નિપુણ બની ગયા છે. અંહી કલેક્ટિવ સોશિયલ મીડિયા ક્લસ્ટરો દ્વારા ઘડાયેલા નેરેટિવ્ઝ અલગ-અલગ પ્રેક્ષકો માટે નવી રીતે પૅક વાયરલ કરી દેવાય છે.

અહીં ધ્યેય માત્ર સમજાવવાનો નથી. તે મૂંઝવણ ઊભી કરવાનો છે. ચકાસણીને એટલી અસરકારક રીતે દબાવી દેવી કે વાસ્તવિકતાની દરેક આવૃત્તિ રાજકીય રીતે વાટાઘાટનો વિષય બની જાય. આવા માહોલમાં, AI માત્ર યુદ્ધને જ નહીં પણ અસ્પષ્ટતા, ગુંચવણોને વેગ આપે છે.

ભારત અનેક અસ્થિર માહિતી અને સુરક્ષા ઇકોસિસ્ટમના સંગમ પર બેઠેલો દેશ છે: વિવાદિત સરહદો, મોટું અને ઘણી વાર વિસ્ફોટક બની જાય એવું ડિજિટલ જાહેર ક્ષેત્ર, અને એવી રાજકીય સંસ્કૃતિ જ્યાં વાયરલ નેરેટિવ્ઝ ઘણીવાર કલાકોમાં જ ફેક્ટ-ચેકિંગને પાછળ છોડી દે છે. આપણને અનુભવ છે જ કે કેવી રીતે મેનીપ્યુલેટેડ વીડિયો અને સિન્થેટિક ઓડિયો ચૂંટણી અથવા કોમી તણાવ દરમિયાન જાહેર ચર્ચાને વિકૃત કરી શકે છે.

કલ્પના કરો કે આવી ગતિશીલતા AI-આધારિત યુદ્ધ સાથે ટકરાય. દૂરવર્તી સરહદ પર ડ્રોન હુમલામાં ભૂલ થાય છે. મિનિટોમાં, નરસંહારનો દાવો કરતા AI-જનરેટેડ ફૂટેજ ઓનલાઇન દેખાય છે. ડીપફેક્સ આ ઘટનાને કોમી હિંસા અથવા વિદેશી આક્રમણ તરીકે રજૂ કરે છે. મૂળ ઘટના કદાચ નાની, અસ્પષ્ટ, આકસ્મિક પણ હોઈ શકે. પણ નેરેટિવ કોઈ અજગરની માફક ભરડો લે અને સત્ય દબાઈ જાય, સંજોગો વિસ્ફોટક બની જાય.

ભારતની ઊર્જા સુરક્ષા આ જોખમમાં એક વધારાનું લેયર ઉમેરે છે. ભારતની ઉર્જા સુરક્ષા હોર્મુઝ જેવા ભૌગોલિક ચોકપોઇન્ટ્સ પર નિર્ભર છે, જ્યાં માત્ર લશ્કરી જ નહીં પણ ઇન્ફર્મેશન વોર પણ આંતરિક અસ્થિરતા લાવી શકે છે. ઈરાનથી બલૂચિસ્તાન સુધી ફેલાયેલા આ ક્ષેત્રમાં ઇન્ટેલિજન્સ નિષ્ફળતા માત્ર લશ્કરી તણાવ જ નહીં, પરંતુ ઇન્ફર્મેશન વૉર પણ છેડી શકે છે. આ સંજોગો ભારતના આંતરિક રાજકારણ પર અસર કરનારા સાબિત થાય તેમ બને. ટૂંકમાં એવા દિવસો દૂર નથી કે કોઈ કટોકટી યુદ્ધભૂમિના આંચકાથી નહીં પણ વાયરલ વીડિયોથી શરૂ થઈ જાય. 

ભારત માટે હવે વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) માત્ર હથિયારો કે તેલ પૂરતી મર્યાદિત નથી, તે હવે ‘અલ્ગોરિધમિક સ્વાયત્તતા’ સુધી લંબાવી પડશે. જો આપણી સુરક્ષા પ્રણાલી વિદેશી કોડિંગ અને પશ્ચિમી અલ્ગોરિધમ્સ પર નિર્ભર રહેશે, તો આપણું ‘Fog of War’ પણ કોઈ બીજાના સર્વરથી નક્કી થશે. ભારતને પોતાની એવી AI ઇકોસિસ્ટમની જરૂર છે જે આપણી જમીની હકીકત, આપણી ભાષા અને આપણી સામાજિક જટિલતાને સમજે, જેથી કોઈ વિદેશી ભૂલ કે ભ્રામક નેરેટિવ આપણી રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર ન કરી શકે.

ભારત માટે, વ્યૂહાત્મક પડકાર આનાથી બમણો છે. પહેલાં તો, આપણે લશ્કરી AIની આસપાસના વૈશ્વિક ધોરણોને આકાર આપવામાં ગંભીરતાથી ભાગ લેવો જોઈએ “સાર્થક માનવ નિયંત્રણ”(meaningful human control)નો સિદ્ધાંત માત્ર રાજદ્વારી સૂત્ર બનીને રહી જાય તો ન ચાલે. તેનું ઓડિટ કરી શકાય તેવું ઓવરસાઇટ સ્ટ્રક્ચર્સ હોવું જોઈએ. તેમાં મંજૂર માટે એકથી વધુ સ્તર હોવા જોઈએ, નિર્ણય પારદર્શક રીતે લેવાય તે માટેના રસ્તા સાફ હોવા જોઈએ અને જવાબદારીની પણ સ્પષ્ટ પદ્ધતિઓ હોવી જોઇએ. આ બધું ખાસ જરૂરી છે જ્યારે મશીનને આધારે થયેલું વિશ્લેષણ નાગરિકો માટે નુકસાન કરી શકે તેવી શક્યતાઓ નજર સામે હોય. 

બીજું, લોકશાહી રાષ્ટ્રો અને સોસાયટીઝે અલ્ગોરિધમિક યુદ્ધના માહિતી સંબંધિત પરિણામો માટે સાબદા રહેવું પડશે. દરેક પ્લેટફોર્મને પ્રોવેનન્સ સિસ્ટમ્સ, AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ માટે વૉટરમાર્કિંગની જરૂર પડશે અને AI-જનરેટેડ વિગતો ડિજિટલ ઇકોસિસ્ટમ્સમાં ફેલાય તે પહેલા જો કોઈ સામગ્રી સાથે ચેડાં થયા હોય તો તે સામગ્રીને ઓળખવા માટે સક્ષમ ઝડપી વેરિફિકેશન નેટવર્ક પણ જોઈશે. 

આમાંથી કોઈ પણ પગલું છેતરપિંડી કે દુર્ઘટનાને નાબૂદ કરશે નહીં. યુદ્ધ ક્યારે ય ટેક્નોલોજીકલ રીતે શુદ્ધ કે નૈતિક રીતે વ્યવસ્થિત રહ્યું નથી. પરંતુ અહીં ધ્યેય સંપૂર્ણતા નથી. ધ્યેય એ છે કે ભૂલથી કોઈ તણખો થાય તો તે ઝડપથી ભડકો ન બની જાય. AIના યુગમાં સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર કદાચ એ જ છે કે ભૂલથી ખડા થયેલા સંકટના ચક્રને ધીમું પાડવાની સમજ અને સાવચેતી સત્તાધિશો પાસે કે નિર્ણય લેનારાઓ પાસે હોય. 

બાય ધી વેઃ  

જ્યારે જવાબદારી અલ્ગોરિધમ્સ, વિશ્લેષકો, કોન્ટ્રાક્ટરો અને કમાન્ડરો વચ્ચે વહેંચાઈ જાય છે, ત્યારે જવાબદારી ધીમે ધીમે અસ્પષ્ટ બની જાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે સિસ્ટમે તો સૂચન માત્ર કર્યું હતું, હુમલાની મંજૂરી માણસોએ આપી હતી તેમ કમાન્ડરનું કહેવું છે અને કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે ટેક્નોલૉજીનો ખોટો ઉપયોગ થયો. AI પ્લેટફોર્મ કહે છે કે તે ફક્ત સામગ્રીને હોસ્ટ કરે છે. આ આખા સર્કિટમાં સત્ય ઓગળી જાય છે.

ક્લોઝવિટ્ઝે લખ્યું હતું કે યુદ્ધ એ અનિશ્ચિતતાનું ક્ષેત્ર છે, એક એવું ધુમ્મસ જેના દ્વારા સૌથી શિસ્તબદ્ધ કમાન્ડરોએ પણ રસ્તો કાઢવો પડે છે. અત્યારે જે રીતે યુદ્ધો ચાલી રહ્યા છે તેનું કઠોર સત્ય, મોતને ભેટેલા શહિદો અને નિર્દોષ બાળકો છે, તે એમ જ ચાલતું આવ્યું છે પણ કમનસીબે હવે આ નુકસાન AIને કારણે પહેલાં કરતાં વધારે ઝડપથી થઈ રહ્યું છે. AI ધુમ્મસ હટાવવા આવ્યું હતું, પણ તેણે તો યુદ્ધને અરીસા વગરના એવા ભુલભુલામણીના રસ્તા પર લાવી દીધું છે જ્યાં સત્ય અને મોત વચ્ચે માત્ર એક સેકન્ડના કોડિંગનો જ ફરક રહ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2026

Loading

ચલ મન મુંબઈ નગરી—332

દીપક મહેતા|Opinion - Opinion|14 March 2026

‘તારામાં મીઠું નથી’ એમ જેમને ક્યારે ય ન કહેવાય એવી જાત અગરિયાની          

બરાબર યાદ છે, આ લખનારને. આજથી ૪૦-૫૦ વરસ પહેલાં બોમ્બે સેન્ટ્રલથી ગુજરાત તરફ જતી ટ્રેનમાં બેસીએ ત્યારે બોરીવલી પછી ધીમે ધીમે મકાનો ઓછાં થતાં જાય અને પાટાની ડાબી બાજુ જમીન પર ધોળી ફુલ્લ ચાદર પથરાતી જાય. દિવસની ટ્રેન હોય તો ક્યાંક દરિયાનું પાણી અને ક્યાંક કાચા મીઠાની બનેલી એ ચાદર ઝગારા મારતી હોય. આ ચાદર તે મીઠાના અગર. આપણે જેને મજૂર માનીએ એવા અગરિયાઓ મોટા પાવડા વડે મીઠું ઉસેટીને એના ઢગલા કરતા હોય. હા, આ મીઠું તે આજનું પ્લાસ્ટિકમાં પેક થયેલું રિફાઇન્ડ આયોડાઈઝડ સોલ્ટ નહિ. દરિયાનાં પાણીની ખારાશની સાથોસાથ તેમાંનો થોડોઘણો કચરો પણ સમાવતું ‘કાચું’ મીઠું. પછી એને સાફ કરીને સફેદ દાણાદાર મીઠું બનાવે અને પાલી-અડધી પાલીના માપે બે-ચાર આનામાં વેચાય. બેસતા વરસની સવારે ચારેક વાગ્યામાં છોકરાઓ નીકળી પડે અને બૂમો પાડતા જાય: ‘દિવાળીનાં શકન! સબરસ લ્યો સબરસ.’ ત્રીજે-ચોથે માળેથી કોઈ બૂમ પાડે એટલે સડસડાટ દાદર ચડી બારણું ખખડાવે. છાપાના કાગળમાં લાલ દોરા વડે બાંધેલું પડીકું હાથમાં આપે. એમાં હોય બે-પાંચ ચમચા જેટલું પેલું આખું મીઠું. બદલામાં પાવલી (આજના ૨૫ પૈસા) આપો એટલે હસતે મોઢે ધડધડાટ દાદર ઊતરી જાય. પછી બીજું મકાન, ત્રીજું …

૧૯મી સદીનું આગરી કુટુંબ 

આ ‘અગર’ એટલે શું? બીજા શબ્દકોશો બહુ મદદરૂપ નથી થતા. પણ ભગવદ્ગોમંડળ કોશ મદદે આવે છે. તે કહે છે : “અગર : મીઠાની ખળી. દરિયા કિનારે મીઠું પકવવાના ખાડા. પ્રથમ દરિયા કિનારે જગ્યા પસંદ કરી બધે બંધ ચોરસ ક્યારા કરીને તેમાં ભરતીનું પાણી ૪થી ૬ આંગળ લઈ તેને સુકાવા દઈ મીઠું પકાવાય છે.” અને આ કોશ ‘અગર’ શબ્દ સંસ્કૃતના ‘આકર’માંથી ઊતરી આવ્યો છે એમ કહે છે. આકર એટલે ‘ખાણ.’ અને ‘અગરિયો’ શબ્દનો અર્થ આપે છે ‘મીઠું પકવનાર, અગરવાળો.’

આ ‘અગર’ શબ્દ મરાઠીમાં પણ વપરાય છે. અને મીઠું પકવનાર ‘અગરી’ કે ‘આગરી’ તરીકે ઓળખાય છે. પણ વાત એટલેથી અટકતી નથી. મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે મીઠું પકવતા લોકોની આખી જાત-જમાત ‘આગરી’ તરીકે ઓળખાય છે. અને કોળી અને ભંડારી પછી મુંબઈના જૂનામાં જૂના વતનીઓમાં આ ‘આગરી’ લોકોનો પણ સમાવેશ થાય છે. પણ કોળી અને ભંડારીનો સમાવેશ ‘ઉજળિયાત’ વર્ગમાં થાય છે. જ્યારે પરંપરાગત સમાજ વ્યવસ્થા પ્રમાણે આગરીઓ શૂદ્ર જાતિના મનાય છે. અને તેમનું કામ લગભગ ‘મજૂર’ જેવું છે. સાધારણ રીતે આ સમાજના લોકો મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે જોવા મળે છે. તે અંગે આગરી સમાજમાં એક દંતકથા પ્રચલિત છે. એ કથા પ્રમાણે અસલમાં આગરી લોકો રાજા રાવણના દરબારમાં ઢોલ વગાડવાનું કામ કરતા હતા. એક દિવસ એ ઢોલીઓએ એવી સરસ રીતે ઢોલ વગાડ્યા કે રાજા રાવણ તેમના પર પ્રસન્ન થયા અને તેમને કાયમી વસવાટ માટે ભારતના પશ્ચિમ કિનારાની પટ્ટી ભેટ આપી. 

મીઠાના અગરમાં ખભેખભા મિલાવીને 

એટલે કે આ સમાજના લોકો લોક-વાજિંત્રો વગાડવામાં હોશિયાર હતા એમ માની શકાય. તો વળી કેટલાકને મતે આગરીઓ કુશળ કડિયા પણ હતા. ચિમાજી આપ્પાએ વસઈનો કિલ્લો જીતી લીધો ત્યારે પોતાના સૈન્ય સાથે ૨૦૦ જેટલા આગરીઓને પણ રાખ્યા હતા. વસઈના કિલ્લાની દીવાલ ભેદીને મરાઠા લશ્કરને અંદર દાખલ થવા માટે રસ્તો બનાવ્યો તે આ ૨૦૦ આગરીઓએ. આવા કડિયા કામમાં કુશળ આગરીઓ ‘પાથરવટ’ તરીકે ઓળખાતા. તો બીજી એક દંતકથા પ્રમાણે ભગવાન શ્રીરામના સીતા સાથેનાં લગ્ન વખતે ‘ધવલ’ (ગુજરાતીમાં ‘ધોળ’) ગાવાનું કામ આગરી ગાયકોએ કર્યું હતું. ત્યારથી ધવલ કે ધોળ ગાવાની પ્રથા શરૂ થઈ. આગરી સમાજમાં પહેલવહેલાં ‘ધવલ’ મહદમ્બા નામની સ્ત્રીએ રચ્યાં હતાં. આજે પણ ધવલ ગાનારી સ્ત્રીઓ ‘ધવલારીન’ તરીકે ઓળખાય છે. એટલું જ નહિ, ઘણી ખરી લગ્નવિધિ પણ આ સ્ત્રીઓ જ કરાવે છે. રામ-સીતાના લગ્નના એક ‘ધવલ’ની શરૂઆતની બે પંક્તિ :

મિથિલા નગરી જનક પુરામધી ગો,

ઉપવાર સીતા ઝાલી આતા લગનાચી ગો.

(આગરીઓના ધવલમાં લગભગ દરેક પંક્તિને અંતે ‘ગો’ આવે છે.)

સાંજ પહેલાની સાંજ ઢળી છે – અગરિયાને માથે 

આગરી જમાતનો ઇતિહાસ લગભગ ૬૦૦ વરસનો છે. એ વખતે અલીબાગ તાલુકામાં ત્રણ રાજ્યો : ચૌલ, આવાસ-સાસવણે, અને સાગરગઢ. તેમાં પહેલાં બે હિંદુ રાજાઓના તાબામાં હતાં. જ્યારે સાગરગઢ પર દિલ્હીના બાદશાહના સૂબાની હકુમત હતી. બંને હિંદુ રાજ્યો સાગરગઢના સૂબાને ખંડણી આપતા જેમાંનો મોટો ભાગ સૂબો દિલ્હી મોકલતો. વખત જતાં સૂબો માથાભારે થઈ ગયો અને ખંડણીની રકમ દિલ્હી મોકલવાનું બંધ કર્યું. બાદશાહે પોતાના એક ઉમરાવને લશ્કર લઈને સાગરગઢ મોકલ્યો પણ તે હારીને પાછો ફર્યો. એટલે બાદશાહે બીજા સરદારને તૈયાર કર્યો અને મૂંગીપૈઠણના બિંબ રાજાને હુકમ કર્યો કે એ સરદારને મદદ કરવી. બંનેએ ભેગા મળીને સાગરગઢના સૂબાને હરાવ્યો અને કેદ કરી દિલ્હી મોકલ્યો. પણ પછી બિંબ રાજા પોતાને વતન જવાને બદલે સાગરગઢમાં જ રહેવા લાગ્યો. એટલું જ નહિ, ચૌલ અને આવાસ-સાસણેનાં બંને હિંદુ રાજ્યો પણ જીતી લીધાં. હવે તેને બહુ મોટી સેનાની જરૂર રહી નહોતી. એટલે સૈનિકોમાંના મોટા ભાગનાને અલીબાગ, પેણ, પનવેલ, કર્જત, રોહે, જંજિરા વગેરે દરિયા કાંઠાના પ્રદેશોમાં મોકલી દીધા. આ બધા પ્રદેશમાં ખારાપાટ હોવાથી મીઠું પકવવાનું પ્રમાણમાં સહેલું હતું. એટલે આ લોકોએ એ ધંધો અપનાવી લીધો. 

ચાલો! આજનું કામ પૂરું.

આગરી લોકોનાં પરંપરાગત ઘર કેવળ કુદરતી સામગ્રી વડે બનેલાં રહેતાં. મોટા ભાગનાં ઘર ચોખૂણિયાં. આગળના ભાગમાં નાનો ઓટલો. તેની પાછળ વચલો ઓરડો. તેની એક બાજુએ રસોડું અને બીજી બાજુએ ‘કોઠીની ખોલી’ એટલે કે કોઠાર. ઘરની ભીંતો માટીની, અને છાપરું સૂકા ઘાસનું. આગરી જમાતની સ્ત્રી સાત કે આઠ વારનું લૂગડું ગોઠણ ઢંકાય એ રીતે ચપોચપ પહેરે. અગાઉ આગરી સ્ત્રીઓ ચોળી પહેરતી નહોતી, પણ હવે પહેરતી થઈ છે. દિવસનો મોટો ભાગ તે ઘરકામમાં પરોવાયેલી રહે. પણ લણણી વખતે ખેતરમાં જઈ પોતાના મરદને મદદ કરે. સાધારણ રીતે ૧૪થી ૧૮ વરસની ઉંમરે આગરી છોકરીનાં ‘લગિન’ થઈ જાય છે. હવે ઘણી છોકરીઓ ‘ઇસકોલ’ જતી થઈ છે. જો કે ત્રણ-ચાર વરસ કરતાં વધુ તે ભાગ્યે જ ભણે છે. તો બીજી બાજુ, આ લોકોની ધાર્મિક વિધિઓમાં દેવ કરતાં દેવીઓનું જ વધારે મહત્ત્વ હોય છે. એકવીરા, મમ્બાઈ, ગોરાઈ (તેના પરથી મુંબઈના એક વિસ્તારનું પણ નામ પડ્યું છે) વગેરે દેવીઓની તેઓ પૂજા કરે છે. આ જમાતમાં લગ્ન વખતે દહેજની પ્રથા બિલકુલ નથી. મંડપ દેવતાનું સ્થાપન અને વર-વધૂ એકબીજાને હાર પહેરાવે, એ બે જ વિધિ બ્રાહ્મણ પુરોહિત કરાવે છે. બીજી ચાલીસ જેટલી વિધિ આગરી સમાજની જ સ્ત્રી કરાવે છે જે ‘ધવલારીણ’ તરીકે ઓળખાય છે. 

એક જમાનામાં આગરી લોકોની વસતી મુંબઈના ચાર ભાગોમાં વહેચાયેલી હતી. મોટી અને નાની શિવડી, ભોઈવાડા, વડાળા, માટુંગા માહિમ, અને પરળ વગેરે ચૌદ જગ્યાના આગરી પોતાને ‘ચૌદા પાટિલ’ તરીકે ઓળખાવતા. આજના ગોવંડી, માનખુર્દ, તુર્ભે, ગવાણ, માહુલ, ચેમ્બુર, વગેરે ભાગમાં તેમનાં બાર ગામ હતાં તેથી ત્યાંના આગરીઓ ‘બારા પાટિલ’ કહેવાતા. પણ પછી જેમ જેમ મુંબઈ શહેરનો ‘વિકાસ’ થતો ગયો તેમતેમ આગરીઓનાં ગામ નકશા પરથી ભૂંસાતાં ગયાં. ૨૦૨૫માં શરૂ થયેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ડી.બી. પાટિલનું નામ આપવાની માગણી ઘણા વખત સુધી થતી રહી. આ પાટિલ આગરી સમાજના એક અગ્રણી નેતા હતા એટલું જ નહિ, આ એરપોર્ટ જે જમીન પર ઊભું થયું છે એમાંની ઘણી જમીન મૂળ આગરી લોકોની માલિકીની હતી. 

આજે હવે ગુજરાત જતી ટ્રેનમાં બેઠા હો તો રસ્તામાં મીઠાના અગર ભાગ્યે જ જોવા મળે. પણ હજી પૂર્વનાં કેટલાંક પરાંમાં છૂટા છવાયા મીઠાના અગર સચવાયા છે. તેમાંના મુખ્ય છે વડાળા, ભાઈન્દર, ભાંડુપ, અને માણેક મહાલ (નાયગાંવ ઈસ્ટ).

આજે મુંબઈમાં જો કોઈ વસ્તુ અત્યંત દુર્લભ હોય તો તે છે જમીન. કેટલી બધી ઝોપડપટ્ટીઓ ભૂસાઈ ગઈ અને તેની જગ્યાએ ઊભાં થઈ ગયાં બહુમાળી મકાનો. મુંબઈની ત્રણ-ચાર મોટામાં મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક તે ધારાવીની ઝૂંપડપટ્ટી. દેશના એક ટોચના ઉદ્યોગપતિને તેનું ‘રિડેવલપમેન્ટ’ કરવાનું કામ મળ્યું. હવે ધારાવીમાં રહેનારાઓના બે મુખ્ય ભાગ. એક, ત્યાંના રહેવાસી તરીકે સરકારી ચોપડે નોંધાયેલા લોકો, અને બીજા, નોંધાયા ન હોય પણ લાંબા સમયથી ત્યાં રહેતા હોય એવા રહેવાસીઓ. 

બિલ્ડર કહે કે સરકારી ચોપડે નોંધાયેલા રહેવાસીઓને તો બદલામાં નવી જગ્યા આપું, વધુ જગ્યા આપું, પણ નોંધાયા જ ન હોય તેને કઈ રીતે આપું? એ માટેની જગ્યા ક્યાં? સરકાર કહે કે જગ્યા અમે આપીએ પણ તમે ઘર બાંધીને ન નોંધાયેલા રહેવાસેઓને પણ ઘર આપો. હવે સવાલ ઊભો થયો કે જગ્યા આપવી તો ક્યાં આપવી? એટલી ખુલ્લી જગ્યા મુંબઈમાં બચી છે જ ક્યાં? અને કોઈક સરકારી નોકર કે મંત્રી મહોદયના મગજમાં ઝબકારો થયો : ‘આ મીઠું પકવવાને નામે અગરિયાઓ પાસે કેટલી બધી જમીન છે! એમાંથી આપી દઈએ થોડી. ત્યારે કોઈ અધિકારીએ ધ્યાન ખેંચ્યું કે પણ એ જમીન કાંઈ મહારાષ્ટ્ર સરકારની માલિકીની નથી. કેન્દ્ર સરકારની છે અને તેનો વહીવટ ‘સોલ્ટ કમિશનર’ કરે છે. એમ? તો દિલ્હીમાં પણ સરકાર તો આપણી છે ને? દિલ્હીવાળાને કહીએ કે એ જમીન આપણને આપી દે. મફતમાં? ના. આપણે સોલ્ટ કમિશનરને કીમત ચૂકવી દેશું. પણ સાહેબ, કાયદો મનાઈ કરે છે એ રીતે એ જમીનની માલિકી બદલવાની. કાયદો બનાવે છે કોણ? સરકાર. તો એ જ સરકાર કાયદો બદલી પણ શકે ને? અને દિલ્હીવાળાઓએ કાયદો બદલ્યો. ‘જાહેર કામોમાં ઉપયોગ કરવા માટે’ સોલ્ટ કમિશનરની માલિકીની જગ્યા વેચી શકાય. પછી વાત આવી રાજ્યની મંજૂરીની. અરે! એમાં તે શી મોટી વાત છે. ચાલો, મંજૂર. હવે ભાવ-તાલ? ૨૫૬ એકર જમીન માટે સોલ્ટ કમિશનરને આપો ૩૨૦ કરોડ રૂપિયા. અને હા. જેમને અહીં પાકાં બાંધેલાં ઘર મળશે એ લોકો ધારાવીના રહેવાસી તરીકે નોંધાયેલા નથી. એટલે તેમણે નવા ઘરનું ભાડું દર મહીને ચૂકવવું પડશે. ત્યારે બિલ્ડર કહે કે તેમને આપતાં જેટલાં ઘર વધશે તે હું બજાર ભાવે વેચીશ. ચાલો! સરકાર, ડેવલપર, ધારાવીના વણનોંધાયેલા રહેવાસીઓ – બધાં ખુશ ખુશ. પણ પેલા અગરીઆનું શું થશે? એ ક્યાં જશે? પોતાની જમીન પર બિલ્ડરે બાંધેલા ઘર માટે તે આખી જિંદગી ભાડું ભરશે. અને અગર જ નહિ હોય તો પછી અગરિયા કરશે શું? પણ એવી બધી નાની-નાની ચિંતા કરવા બેસે સરકાર, તો ‘વિકાસ’ ક્યાંથી થાય? એટલે વિકાસના યજ્ઞમાં હોમી દો અગરિયાઓને નાળિયેર માનીને.

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 માર્ચ 2026

Loading

રાગિણી (વીમૅન્સ ડે)

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 March 2026

રાગિણીને સાસરે આવ્યાને હજી બે જ દિવસ થયા હતા. 

‘રાગિણી’.

‘હા, મમ્મી.’

‘બેટા, મામા આવ્યા છે તો જરા ચા નાસ્તો આપજે.’

‘ભલે’ મમ્મી.’ રાગિણી કિચનમાં ગઈ અને મુંઝાઈને ઊભી રહી. તેને ચા કેમ બનાવવી એ સૂઝ પડતી નહોતી. પિયરમાં કદી ચા બનાવી નહોતી.

“શું થયું, બેટા?” એમ પૂછતાં મધુબહેન અંદર આવ્યાં અને સમજી ગયાં કે રાગિણી ચા કેમ બનાવવી એ મૂંઝવણમાં છે.

“સારું બેટા, તું મામા સાથે વાત કર. હું વ્યવસ્થા કરું છું.”

“મમ્મી, મને માફ કરજો. મેં ક્યારે ય ચા નથી બનાવી, એટલે મને સૂઝ નહોતી પડતી. તમે મને બધું જ શીખવાડશો? હું તમારી પાસેથી બધું જ શીખી જવા માંગુ છું. મારા પિયરમાં મને મારા મમ્મીપપ્પાએ બહુ જ બહુ જ લાડકોડમાં ઉછેરી છે એટલે આ બધું જીવન જીવવા માટે શીખવું પડે એ સમજણ જ મને ન પડી.”

“કંઈ વાંધો નહીં, બેટા. હું તને ધીમે ધીમે બધું જ શીખવી દઈશ.”

રાગિણી મધુબહેન પાસે પૂરા રસ અને ધ્યાનથી શીખવા માંડી અને થોડા સમયમાં લગભગ બધું જ ઘરકામને લગતું, રસોઈને લગતું કામ શીખી ગઈ. મધુબહેન પણ ખુશ હતા કે રાગિણી છે હોશિયાર તેને શીખવાની ધગશ છે એટલે તો આટલા ટૂંકા સમયમાં ઘણું બધું શીખી ગઈ. હવે ઘરે ‘વીમૅન્સ ડે’ને દિવસે પાર્ટી કરવામાં કોઈ વાંધો નથી.

મધુબહેને તેની સહેલીઓની નાની એવી પાર્ટી ગોઠવી હતી. “મધુ, તારી પુત્રવધૂ છે તો સુંદર છે પણ તેને ઘરનું કોઈ કામકાજ કે રસોઈ આવડતી નથી એમ અમે સાંભળ્યું છે.”

કિચનમાં રાગિણી આ સાંભળી ઊભી રહી ગઈ. “તમે બરોબર સાંભળ્યું છે, પણ ખોટું સાંભળ્યું છે. મારી રાગિણીને બધું જ આવડે છે, પણ પિયર અને સાસરાની રસોઈ તો એક સરખી હોય પણ બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. હોય છે ને? તમારી પુત્રવધૂને પણ તમારે આ શીખવવું પડ્યું હશે. મારી વાત બરોબર છે ને? એટલે મેં રાગિણીને અહીંની કામકાજની, રસોઈની પદ્ધતિ શીખવાડી એમા ખોટું શું થયું. આજે તમે ‘વીમૅન્સ ડે’ની પાર્ટીમાં જે જમી રહ્યાં છો એ બધી જ રસોઈ રાગિણીએ બનાવી છે. મેં તો ફક્ત મદદ કરી છે. કેવી થઈ છે રસોઈ? મારી રાગિણીને રસોઈ બનાવતા તો આવડે છે ને? હવે નિર્ણય તમારે આપવાનો છે કે રાગિણીને રસોઈ આવડે છે કે નહી”.”

“મધુબહેન, રસોઈ ખરેખર બહુ જ સ્વાદિષ્ટ બની છે. તમારી વાત સાચી છે અમને જે જાણવા મળ્યું હતું એ ખોટું હતું. તમારી રાગિણી જેટલી સુંદર છે એટલી જ સંસ્કારી છે. આજે તમે ‘વીમૅન્સ ડે’ની સુંદર ભેટ અમને આપી છે, એમ કહીએ તો ખોટું નહીં કહેવાય.”

આ સાંભળીને રાગિણીને મધુબહેન ઉપર વધારે માન થયું કે જે વસ્તુ મારી મમ્મીએ કરવી જોઈએ તે તેમણે કરી મારું સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધારી.

“મમ્મી, તમારો ખૂબ ખૂબ આભાર.”

“શેનો આભાર, બેટા. મેં કંઈ નવું નથી કર્યું. મારી ફરજ હતી કે મારી પુત્રવધૂનું માન એ મારું માન-સન્માન. બેટા, તું પુત્રવધૂ છો …`પુત્રથી .. પણ. વધુ … એ પુત્રવધૂ.’ તારી મમ્મીના ઘણા ફોન આવી ગયા. આજે ‘વીમેન્સ ડે’ છે તો  જરા જઈ આવને, એ લોકોને પણ ચિંતા થતી હોય.”

“મમ્મી, મેં મારી મમ્મીને કહી દીધું છે કે મારે ખૂબ જ કામ છે એટલે હમણાં નહીં આવું. અને હું બધું જ શીખી ગયા પછી મારી મમ્મીને અહેસાસ કરવા માગું છું કે બાળકોને લાડ પ્યાર સાથે જીવન જીવવાની કળા પણ શીખવાડવી પડે. મમ્મી, તમે કેટલાં સારાં છો. જો તમે મને મદદ ન કરી હોત તો  મારું શું થાત? મારી આબરુ તો કાંકરા થઇ જાત.”

“બેટા, સંતાન ગમે તે માને. માતાપિતા એ માતાપિતા હોય છે તેની તોલે કોઈ ન આવે. આમા એકલો તારી મમ્મીનો દોષ નથી તે પણ અહીં જેવો રસ નહીં દાખવ્યો હોય બાકી મા હંમેશાં બાળકો માટે સમય કાઢવા માટે તૈયાર હોય.”

“હા મમ્મી, તમારી વાત સાચી છે. મેં પણ આ બધું શીખવું પડે એવું કદી વિચાર્યું જ નહોતું. મમ્મી, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખાલી દીકરીને જ નહીં પણ દીકરાને પણ જરૂરી બધું જ શીખવાડવું પડે.

“અરે, વાહ ! મારી રાગિણી તો મારા કરતાં પણ વિચારવામાં આગળ નીકળી ગઈ.” 

‘વીમૅન્સ ડે’ની ભેટ હોય એમ બંને મુક્ત મને હસી પડ્યાં.

(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.com

Loading

...78910...203040...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved