Opinion Magazine
Number of visits: 9457410
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજુ બારોટની રંગયાત્રાની સુવર્ણક્ષણો

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 November 2023

રાજુ બારોટ

અભિનેતા, દિગ્દર્શક, ગાયક, સ્વરકાર અને ઉમદા માણસ રાજુ બારોટની રંગયાત્રાનું આ સુવર્ણ જયંતી વર્ષ છે. તે નિમિત્તે ‘અરધી સદીની રંગભરી યાત્રા …’ નામે એક નાનકડો મેળાવડો રાજુભાઈના ઘરે 18 નવેમ્બરે રાખવામાં આવ્યો હતો.

તેમાં ઇકોતેર વર્ષના આ અનેક અર્થે ઊંચા રંગકર્મીની તખ્તા પરની માતબર કામગીરીની ઝલક મળી હતી. રાજુભાઈએ પોતાનાં, અને તેમના કેટલાંક હમઉમર સાથી કલાકારોએ રાજુભાઈ સાથેનાં રોમાંચક દિવસોના સંભારણાં ઉજાગર કર્યાં. એ શનિવારની સાંજ યાદોંકી બારાત બની ગઈ.

કાર્યક્રમમાં જે ત્રીસ-પાંત્રીસ રસિકો હતાં તેમાં મુખ્યત્વે રાજુભાઈની સાથે અત્યારે નાટકો કરનારાં યુવતીઓ અને યુવકો હતાં. તેઓ વિદ્યાર્થીભાવે ભોંય પર બેઠાં હતાં. રાજુભાઈ એમના ‘દાદા’.

ઉપરાંત રાજુભાઈના જમાનાના સંખ્યાબંધ નાટકવાળામાંથી પંચતારકો હાજર હતા : રાજુભાઈને સમકક્ષ કામગીરી કરનારાં દીપ્તિ જોષી, વૈદ્ય – અભિનેતા પ્રવીણ હિરપરા, અનેક નાટકોને સંગીત આપનારાં સંગીતજ્ઞ યોગેન ભટ્ટ, નીવડેલા પ્રયોગોમાં વિચારપૂર્વકના સન્નિવેશ-સેટ બનાવનારા અખંડ વ્યાસ.

ગુજરાતી તખ્તા-ટેલિવિઝન પર વર્ષોથી અત્ર-તત્ર સર્વત્ર વિહરનાર સુભાષ બ્રહ્મભટ્ટે ભાવપૂર્ણ ભૂમિકા બાંધી. તેમણે દીપ્તિબહેન સાથે આ કાર્યક્રમ માટે ઘરકામ પણ કર્યું હતું. તેમની સાથે પૂર્વતૈયારીમાં રાજુભાઈનો ચાહક યુવા કલાકાર હર્ષદીપ અને તેના મિત્રો જોડાયા હતા.

જેમના સાથ વિના રાજુભાઈ ટકી ન શક્યા હોત એવાં તેમનાં જીવનસંગિની અને સામાજિક કાર્યકર્તા નફીસાબહેન પણ હાજરહજૂર હતાં.

આમ તો મૂળ આયોજન કંઈક એવું હતું કે રાજુભાઈનાં નાટકોની તસવીરો પ્રોજેક્ટરના પડદા પર બતાવવામાં આવે અને તેના સંદર્ભમાં રાજુભાઈ વાત કરતાં જાય. પહેલો ફોટો એ યુવાન રાજુનો હતો કે જે ‘કમરમાં સાયકલની ચેઇન બાંધીને ફરતો’ (મારામારી કરવા માટે જરૂર પડે તો), એમ નફીસાબહેને કહ્યું.

ત્યાર બાદ તરત જ નાટ્યવિદ્યાની ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થા નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એન.એસ.ડી.)ના વર્ષોમાં રાજુભાઈએ કરેલાં નાટકોની છબિઓ હતી : ‘લૈલા મજનુ’, શાંતા ગાંધી આલેખિત ‘જસમા ઓડણ’, ‘મેના ગુર્જરી’, ગીરિશ કર્નાડનું અલકાઝી સાહેબે કરાવેલું ‘તુઘલક’ અને અન્ય.

પછી ગ્રીક ક્લાસિક ‘મીડિયા’, ‘શાકુંતલ’, શ્રીકાંત શાહનું એકાંકી ‘એક ટીપું સૂરજનું’, ભરત દવે દિગ્દર્શિત નાટ્યરૂપાંતર ‘માનવીની ભવાઈ’ જેવાં નાટકોની તસવીરો આવી. જો કે આ માત્ર થોડાં નામ. પેલું અયોજન કોરાણે રહી ગયું. પણ એક જમાનામાં ધબકતી અમદાવાદની રંગભૂમિનાં સ્મરણોનાં આકાશમાં બધાંએ મુક્ત વિહાર કર્યો.

તેમાં રાજુભાઈ પણ અનેક રીતે પ્રગટતા રહ્યા. જશવંત ઠાકરે અનુવાદિત-દિગ્દર્શિત કરેલાં ‘શાકુંતલ’ના શ્લોકો રાજુભાઈએ કંમ્પોઝ કરેલાં. તેમાંથી ‘अनाघ्रातम पुष्पम…’ તો તેમણે ગાઈ પણ બતાવ્યો, અને ‘માનવીની ભવાઈ’નું ‘મનખો માણી લેજો રે …’ ગીત પણ. ભરત દવેએ દિગ્દર્શિત કરેલા ‘જસમા ઓડણ’ની નૃત્યરચના choreography રાજુભાઈની, દુહા પણ તેમણે ગાયેલાં.

એક વાર સંજોગો કંઈક એવા ઊભા થયા કે નાટકના રિહર્સલ દરમિયાન રજા લઈને રાજુને નફીસા સાથે લગ્ન કરવા અમદાવાદ આવીને તરતની ફ્લાઇટમાં દિલ્હી પાછા જવું પડ્યું. દુષ્યંત ડાબા હાથે પણછ ન ખેંચે એનું એક પ્રેક્ષકે ધ્યાન દોરેલું.

પન્નાલાલના નાટકમાં કાળુ તરીકે લાકડા ફાડવાના દૃશ્યમાં રાજુભાઈના હાથે ઇજા થઈ હતી, તેના પર તેમણે પાટો તો બાંધ્યો, પણ પછી નાટકના માહોલને અનુરૂપ ચીથરું પણ.

આકાશવાણીમાં ગાયક એવા પિતાના કહેવાથી વ્યવહારુ જરૂરિયાત તરીકે રાજુભાઈએ બી.કૉમ. તો કર્યું, એમ નક્કી કરીને કે ‘હું ક્લાર્કિ તો નહીં જ કરું’. સુભાષભાઈએ કહ્યું તેમ રાજુ પોતાની શરતે થિએટર કરવાની બાબતમાં હંમેશાં અડગ રહ્યા. નફીસાબહેને પછી વાત કરતાં એ મતલબનું કહ્યું કે દૂરદર્શનનો ઠીક સલામત કૉન્ટ્રાક્ટ મળ્યો, પણ ‘એમાં એનો જીવ ઘૂંટાતો હતો’ એટલે પછી એ છોડીને હંમેશાં પોતાની રીતે જ કામ કર્યું. રાજુભાઈની પોતાની વાતમાં વારંવાર એન.એસ.ડી. ન ડોકાય તો જ નવાઈ. અલકાઝી સાહેબના કિસ્સા અત્યારે પણ અકબંધ આદર સાથે રાજુભાઈએ કહ્યા.

દિગ્દર્શક તરીકે રાજુભાઈની નિયમિતતા અને નિષ્ઠાના ઉલ્લેખો થયા. માણસ તરીકેની તેમની ઉમદાઈ બતાવતા પ્રસંગો કહેવાયા. અખંડ વ્યાસે રાજુભાઈ પર લખેલી કવિતા સુભાષભાઈએ વાંચી. નોંધપાત્ર બાબત એ પણ છે કે રાજુભાઈએ કેટલીક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ્સ પણ કરી છે, પણ અહીં તેનો ભાગ્યે જ કોઈ ઉલ્લેખ થયો. જાણે-અજાણ્યે બધાના મનમાં કદાચ તખ્તા અને માત્ર પરના રાજુભાઈ જ હતા.

યાદોમાં સિનિયર્સ પણ ઉમેરણો કરતાં. દીપ્તિબહેન નાટકોના એક પછી એક નામ અને ક્યારેક સંવાદો પણ બોલે, બનાવો કહે. નફીસાબહેન જે પૂરવણીઓ કરતાં તેમાંથી જણાઈ આવતું કે તેઓ રાજુ અને એનાં નાટકો બંને સાથે કેવાં ઓતપ્રોત હતાં.

સુભાષભાઈએ સંભાર્યું કે રિહર્સલ, અને નાટકો ય કેવી કેવી જગ્યાએ કરવા પડતાં — ઇમારતોનાં ધાબાં, ભોંયરાં, પાર્કિંગ પ્લૉટ, ગૅરેજ, બંગલાના દિવાન ખાનાં … પૈસા મળે તો મળે, નાટક બાદ ઝોળી ફેરવવી પડે (જો કે ગુજરાતી સમાંતર રંગભૂમિની હાલત અત્યારે થોડીક જ બદલાઈ છે).

‘સંતાનો સહુ સ્ત્રીના પુરુષમાત્ર વંધ્ય’ એવી ટૅગલાઇન સાથેનું ભરતભાઈનું પીડાકારક નાટક ‘વંધ્ય’ જેમાં અમદાવાદમાં રાજુભાઈ અને મુંબઈમાં અરવિંદ જોષી મુખ્ય પાત્ર ભજવતા.

યોગેનભાઈએ વિચક્ષણ સાંભરણ કહી. નાઝી ભસ્માસુર હિટલરનું પાત્ર અને બીજા વિશ્વયુદ્ધની ભૂમિકા ધરાવતી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની એકાંકીત્રયી ‘હેલન-સોદો-અંતિમ અધ્યાય’માં દિગ્દર્શક ભરતભાઈની ઇચ્છા તેમના પ્રિય સંગીતકાર બિથોવેનની સિક્સ્થ સિમ્ફની મૂકવાની હતી. યોગેને કહ્યું, ‘એ ન મૂકાય, કારણ કે બિથોવેન યહૂદી હતો, હિટલરને તો જર્મન કમ્પોઝર વૅગનર પ્રિય હતો, અને એ સરમુખત્યાર તો એના રાજમાં ક્યાં ય બિથોવેન વગાડવા દે તે સંભવ જ ન હતું.’

યોગેનેભાઈએ બીજો એક કિસ્સો કહ્યો. મીડિયામાં ગ્રીક વેષભૂષામાં કોરસ આવતું. તેમાં એક નટને ચશ્માં હતાં. ભરતભાઈએ તેને નાટક દરમિયાન કાઢી નાખવાનું કહ્યું હતું, તે ભૂલી ગયો અને પડદો ખૂલ્યો.

અઢી કલાકના મેળાવડામાં વરિષ્ઠોની યાદોમાં રંગભૂમિના વીતેલાં પાંચેક દાયકા ઉઘડતાં ગયાં. પ્રસંગે પ્રસંગે આડા અવળા નામો / ઉલ્લેખો આવતાં જાય – ચં.ચી. મહેતા, સોફોક્લીઝ, ચેખવ, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, ચીનુ મોદી, લાભશંકર, ઉમાશંકર જોશી, દિલીપ શાહ, અન્નપૂર્ણા શુક્લ, ઉત્તરા બાવકર, પી. ખરસાણી, હિમાંશુ ત્રિવેદી, હસમુખ બારાડી,નિમેષ દેસાઈ, અદિતી દવે, સ્ટાનિસ્લાવાસ્કી, જનક દવે, બાદલ સરકાર, વિવાલ્ડી, ગોવર્ધન પંચાલ, શ્રેયાંસ શાહ, કિશોર મહેતા, એસ.ડી. દેસાઈ ,અભિજાત જોશી, મયંક ઓઝા, યશવંત કેળકર, માર્કંડ ભટ્ટ, જનક દવે … આ યાદી હજુ લાંબી થાય.

સંખ્યાબંધ નાટકો : મર્મભેદ, સનક, ડૅન્ટન્સ ડેથ, સૉક્રેટીસ, તિરાડ, ગિલોટીનનો ગોટો, મારું નામ જગદીશ, બાલ્કની સુધી પહોંચતું આકાશ, રે મઠ-આકંઠ સાબરમતીનાં નાટકો અને બીજાં ઘણાં. જો કે બધા ઉલ્લેખો અને અનુલ્લેખો રાજુભાઈના રંગવર્ષોનાં વહેણના સંદર્ભે જ હતા. વાચન-વ્યાખ્યાન-ચર્ચા દ્વારા નાટકો માટેની બૌદ્ધિક તેમ જ એકેડેમિક સજ્જતાનો અંદાજ નવી પેઢીને મળે તેવી કેટલી ય વાતો આવી.

દિગ્દર્શક – અભિનેતા તરીકે રાજુભાઈની રંગયાત્રા યુવા રંગકર્મીઓ સાથે ચાલુ જ છે. તાજેતરમાં ‘પ્રયોગશાલા’ બૉક્સ થિએટરમાં ત્રણ એકાંકી કર્યાં, ઑગસ્ટની આખરે મેઘાણી જયંતીએ ‘રૈન બસેરા’માં પ્રયોગ કર્યો. તે પહેલાં મોટું નાટક ‘પાચાનો વેશ’ કરાવ્યું. આવતા દિવસોમાં લોકભારતીમાં દર્શકનું ‘પરિત્રાણ’ ભજવાશે. મંડળી વેશ ભજવતી રહેશે.

દાળવડાં અને બુંદીના લાડુ આવે તે પહેલાં દીપ્તિબહેને કહ્યું કે ‘હજુ 1986-87 સુધી જ પહોંચ્યા છીએ’. બીજા અંકનો પડદો ખૂલે એની પ્રતીક્ષા. 

21 નવેમ્બર 2023
Note : 
This is not a report, it is an impression piece, based on memory and a few instant jottings in the mobile. Inclusions and omissions are not intentional, but only incidental.
[920 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૩) : ભરત મુનિ

સુમન શાહ|Opinion - Opinion|21 November 2023

સ્થાયી ભાવ :

સુમન શાહ

૮ સ્થાયી ભાવ છે : રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય.

એને એ કારણે સ્થાયી કહ્યા છે કે એ આદિથી અન્ત સુધી રહેનારા છે, કાયમી છે, માણસના ભાવજગતમાં પહેલેથી વસ્યા છે.

મને એ ૮ સંજ્ઞાઓ એટલા માટે ગમે છે કે એથી મનુષ્યના ભાવજગતની સમ્પૂર્ણતા સૂચવાઈ છે.

ગમવાનું બીજું કારણ એ છે કે આ બધા જ સ્થાયી ભાવ સાર્વત્રિક છે – યુનિવર્સલ. જે તે સ્થાયીને કોઈપણ માનવબાળ અનુભવતો હોય છે. રતિ, એટલે કે પ્રેમ, આ પૃથ્વી પરનો કયો મનુષ્ય નથી અનુભવતો? ભારતવાસી હસે ને જપાની ન હસે, કે શોક આફ્રિકાવાસી અનુભવે ને ફ્રૅન્ચ ન અનુભવે, એવું કદીપણ ન બને. અમેરિકા જમાદારની જેમ દુનિયાને ભય પમાડે છે, પણ અમેરિકન વ્યક્તિ તો ઘરમાં નાનું જીવડું – બગ – જોઈને ય ગભરાઇ ઊઠે છે ને બૂમો પાડે છે ! વગેરે.

બે હકીકતો ધ્યાનાર્હ છે :

૧ : 

ભાવો સાર્વત્રિક છે એ ખરું પણ ભાવો સાપેક્ષ છે. મારો ભાવ મારો છે, તમારો તમારો. દરેક ભાવ સાથે હું-પદ અથવા મમત્વ સંકળાયેલું છે. એ જરૂરી નથી કે તમે અનુભવો એ હું અનુભવું કે તમારાથી અનુભવાય એ મારાથી પણ અનુભવાય ! તમે રતિ અનુભવો પણ મને ચીડ થતી હોય. કોઈના ઊલટા ચશ્માં જોઈને તમને હસવું આવે, મને ન આવે. તમે ભયભીત હોવ, હું ન હોઉં. તમે વિસ્મિત હોવ, હું ન હોઉં. ઘૂંટણેથી હેતુપૂર્વક ફાડી નંખાયેલા ‘રિપ્પડ્’ અથવા ‘ડિસ્ટ્રેસ્ડ જીન્સ’-માં કોઈ યુવતી હોય, એને જોઈને પ્રથાપરમ્પરાવાદીને જુગુપ્સા થાય, કૉલેજિયનને ન થાય. ભાવ સાથે જેમ મમત્વ સંકળાયેલું છે તેમ પરત્વ પણ સંકળાયેલું છે. શેરીના કોઈ પરિવારમાં મરણ થયું હોય તો મને ‘શોક’ ન થાય, કેમ કે એ પરિવાર અને એ મૃત વ્યક્તિ મારા માટે ‘પર’ હોય. ટૂંકમાં, એમ કહેવું જોઈએ કે ભાવો સાપેક્ષ છે તેથી એનું સ્વરૂપલક્ષણ મમત્વ-પરત્વ છે.

૨ :

ભાવ ભાવ છે, ક્રિયા નથી. તેમછતાં ભાવનું અન્તિમ પરિણામ મોટે ભાગે ક્રિયા હોય છે. રતિ અનુભવનારી વ્યક્તિ બેસી નથી રહેતી, ચુમ્બન આલિંગન વગેરે ક્રિયાઓમાં પ્રગતિ સાધે છે. રમણીને ‘ડિસ્ટ્રેસ્ડ જીન્સ’માં જોઈને ‘દયાવાન’ પુરુષ એને ડિસ્ટ્રેસનું કારણ પૂછવા જાય છે. ભયભીત વ્યક્તિ ભાગીને ઘરમાં ભરાઈ જાય છે. પ્રકૃતિથી વિસ્મિત વ્યક્તિ વનઉપવન કે નદીપહાડ ભણી નીકળી પડે છે. જુગુપ્સા થતાં માણસ આંખો નાક કાન બંધ કરી દે છે. બે ક્રોધિતો એકબીજાને લાફા મારીને બાથંબાથી પર ઊતરી આવે છે. મનુષ્ય વડે જીવન દરમ્યાન જે કંઇ કરાય છે એની પાછળ ભાવની એક ચૉક્કસ પૂર્વભૂમિકા હોય છે. યુદ્ધો દયા ભય કે વીરત્વના કારણ વિના નથી સંભવતાં, જેમ રોમિયો-જુલિયટ પ્રેમકારણ વિના ફના નથી થતાં.

રસસૂત્રમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ કેમ નથી?

આ રહ્યું એ સૂત્ર – વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: જોઈ શકાય છે કે એમાં સ્થાયી ભાવનો ઉલ્લેખ નથી. ભરત મુનિ જે સ્થાયી છે એનો જ સમાસ નથી કરતા, એવું કેમ? કેમ કે, જરૂરી નથી. સૂત્રમાં છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, સ્થાયી ભાવનાં જ અંગોપાંગ છે. સમજવા માટે એક દાખલો આપું :

ક્રોધ સ્થાયી ભાવ છે. ધારો કે મને ક્રોધ થયો છે. એનો અર્થ એ કે હું ક્રોધનું આલમ્બન બન્યો છું. બને છે એવું કે હું સમસમી ગયો હોઉં છું પણ મને ક્રોધ કરાવનારી વ્યક્તિ દલીલ પર દલીલ કર્યા જ કરતી હોય છે. એના એ વર્તનથી મારો ક્રોધ ભભૂકી ઊઠે છે અને હું મુક્કો ઉગામું છું. એના વર્તને એ પ્રકારે મારા ક્રોધને ઉદ્દીપિત કર્યો. હું ડોળા કાઢવા લાગ્યો, મારા નાકનાં ફોરણાં ફૂલી ગયાં, નસો ફૂલી ગઇ, વગેરે મારામાં શારીરિક પ્રતિક્રિયાઓ જનમી, એ અનુ-ભાવો છે. ક્ષણભર મને દયા આવી, ક્ષણભર મને થયું – જવા દે ને મૂરખો છે, વગેરે ઝીણું ઝીણું જે થયું અને ચાલી ગયું એ વ્યભિચારી ભાવો છે. આમ સ્થાયીને શકલોમાં વિભક્ત અને શકલોના સમવાય રૂપે જોવાની જરૂર છે. એ કારણે અને પ્રકારે રસસૂત્રકારે શાસ્ત્રપરક સંયમ જાળવ્યો છે, એની અધ્યેતાને પતીજ પડવી જોઈએ.

રસસૂત્રથી બે હકીકતો પ્રકાશિત થઈ છે :

૧ : 

સ્થાયી ભાવ વિના રસ શક્ય નથી.

૨ :

સ્થાયી ભાવ મનુષ્યજીવનમાં છે, પણ વિવિધ રસ તો, સાહિત્યમાં કે અન્ય કલાઓમાં જ હોય છે. એમ પણ કહેવું જોઈએ કે જીવન છે તો સાહિત્ય અને કલાઓનું અસ્તિત્વ છે. એમ ઉમેરવું પણ જોઈએ કે સાહિત્ય અને કલાઓ છે તો જીવન રસમય છે.

શાસ્ત્રકારે ૮ સ્થાયી ભાવને ૮ રસ સાથે સાંકળ્યા છે : રતિ – શ્રુંગાર રસ, હાસ – હાસ્ય રસ, શોક – કરુણ રસ, ક્રોધ – રૌદ્ર રસ, ઉત્સાહ – વીર રસ, ભય – ભયાનક રસ, જુગુપ્સા – બીભત્સ રસ, વિસ્મય -અ દ્ભુત રસ.

આપણે જોઈશું કે ભાવ શી રીતે રસ બની ગયા.

(ક્રમશ:) 

= = = 

(11/20/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મધુસૂદન કાપડિયાનું જવું

પ્રકાશ ન. શાહ|Diaspora - Literature, Opinion - Literature|21 November 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

મધુસૂદન કાપડિયા ગયાનું સાંભળ્યું ત્યારે પહેલો પ્રતિભાવ સ્વાભાવિક જ ડાયસ્પોરા લેખનને અંગે વિવેચનાને ક્ષેત્રે અપૂરણીય ક્ષતિનો હતો …

પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયા

મેં વિવેચના કહ્યું પણ એ કદાચ અધૂરું ને અપૂરતું છે. અમેરિકી ડાયસ્પોરા લેખન સાથેનો એમનો સમ્બન્ધ બાગબાની તરેહનો હતો. જેમ ખાતરપાણીની માવજતને તેમ છટણી જેવી કવાયતને પણ એમાં પૂરો અવકાશ રહેતો. મણિભાઈ જોષીની પહેલથી અને અલબત્ત રામભાઈ ગઢવીના અનવરત મનોયોગથી અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડેમી બની આવી – બનતાં બને તેવી બની આવી. બીજાં પણ નામો ઓછાંવત્તાં લઈ શકાય. પણ નાનેમોટે હોદ્દે રહીને અગર અન્યથા જે કામ મધુસૂદન કાપડિયાએ કર્યું એ ચાલુ અર્થમાં નકરી સંસ્થાકારીની વંડી ઠેકી જનારું હતું. લેખકમિત્રોની કઠોર ટીકા ને ઉમળકાભેર પ્રશંસા, જ્યાં જરૂરી લાગે ત્યાં, એમાં કોઈ સંકોચ નહીં. ‘ગુર્જરી’ના મધુસૂદન કાપડિયા ગૌરવ અંકમાં અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોનાં લખાણોમાંથી પસાર થતાં એમના વ્યક્તિત્વનો આ વિશેષ પમાયા વિના રહેશે નહીં.

૨૦૧૧માં એમનું ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ એ પુસ્તક આવ્યું એની પ્રસ્તાવનાનો એક અંશ સાભિપ્રાય ઉતારું છું. મેં એમની વિવેચનાના ઉલ્લેખ સાથે ‘બાગબાની’ જેવો પ્રયોગ કેમ જોડ્યો તે પણ એથી સમજાઈ રહેશે :

ડાયસ્પોરા

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના સાહિત્યને ડાયસ્પોરા સાહિત્ય કહી શકાય ખરું? – આ પ્રશ્નની ઊંડી તાત્ત્વિક પર્યેષણા થવી જોઈએ. ડાયસ્પોરાનો માત્ર આટલો જ મર્યાદિત અર્થ કરીએ કે વિદેશમાં વસતાં દેશીઓએ લખેલું સાહિત્ય, તો તો પ્રશ્ન સરળ બની જાય છે. નાનાલાલે વર્ષો પૂર્વે કહેલું કે

મહાસાગરનાં પૃથ્વી વિશાળ
સરોવર કીધાં ગુર્જરબાળ

સાહસિક વસાહતી (immigrant) ગુજરાતીઓએ પૃથ્વીના મહાસાગરોને જાણે સરોવર જેવડા બનાવી દીધા છે પણ હવે તો ડાયસ્પોરા શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. ડાયસ્પોરા સંજ્ઞા વ્યાપક થતાં એની સીમાઓ વિશાળ બની ગઈ છે. ડાયસ્પોરા એટલે ‘યહૂદીઓની પરાણે હકાલપટ્ટી’ એવો પુરાણો અર્થ તો હવે ભૂંસાઈ જવાની રાહમાં છે. માત્ર યહૂદીઓ જ નહીં, અન્ય પ્રજાઓનાં પણ ધર્મ, ભાષા, સંસ્કૃતિ, જાતિ કે એવાં કોઈ પણ કારણ કે બહાના હેઠળ થયેલાં સ્થળાંતર એવો સીમિત અર્થ પણ આજકાલ રહ્યો નથી.

ભારતીયો/ગુજરાતીઓએ તો સ્વેચ્છાએ દેશવટો’ લીધો છે. મોટા ભાગનાં ગુજરાતીઓ તો અંગત ઉત્કર્ષ માટે આવ્યાં છે. વર્ષો વીતતાં જાય છે તેમ વતનથી મૂળિયાં ઊખડતાં જાય છે. આ સ્થિતિમાં ઘરઝુરાપાની થોડીક સારી કૃતિઓ અવશ્ય મળી છે. પણ બસ, ડાયસ્પોરા એટલે માત્ર ઘરઝુરાપો, વતન-જન્મસ્થળ-માતૃભૂમિ માટેનો નોસ્ટેલ્જિયા ? માત્ર વ્યતીતરાગ કહેતાં સમય માટેનો નોસ્ટેલ્જિયા? એમ જ હોય તો પછી અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં ? સમન્વય ક્યાં ? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં ? અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની કૃતિઓ વસાહતીઓના સાંકડા વર્તુળમાં ફર્યા કરે છે. એમાં અમેરિકાની સંસ્કૃતિ, કળા, વિજ્ઞાન, જીવનશૈલીનો અંશ સુધ્ધાં આલેખાયો નથી. અમેરિકન પ્રજાનાં સાહસ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, વ્યાપક અને મોકળાશભર્યાં જીવન-અભિગમ અને રસવૃત્તિ, જીવનનાં અનેક ક્ષેત્રોમાં, સવિશેષે વિજ્ઞાન અને ટેક્નૉલોજીમાં પદાર્પણ અને સિદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ અને ભોગવિલાસ, આર્થિક ક્ષેત્રે ઉત્થાન અને પતન, રાજકીય ક્ષેત્રે લોકશાહીની સફળતા અને મર્યાદા, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નીવડેલા અમેરિકન સંગીતના અનેક પ્રકારો, વસાહતીઓ માટેનું અજોડ ઔદાર્ય – આ સઘળાંનું સ્વાનુભૂત નિરૂપણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની રચનાઓમાં થવું હજુ બાકી છે. અરે, ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઈ છે ?

સામાન્યતઃ બે પેઢી વચ્ચે સોરાબ-રૂસ્તમી હોય જ છે. અહીં અમેરિકામાં વસતાં ભારતીયોની બે પેઢી વચ્ચે માઈલોનું અંતર છે. યુવાપેઢી વૈશ્વિક ભૂગોળખગોળમાં રમે છે, જ્યારે એમનાં માતાપિતાની પેઢીનું ચિત્ત હજી ભારતમાં જ છે. આ બે પેઢી વચ્ચે પ્રત્યાયન(communication)નો બહુધા અભાવ છે. એ બંને જુદી જ ભાષા બોલે છે, એકબીજાને સમજી જ શકતી નથી. બે પેઢી વચ્ચેના આ સંઘર્ષને, આ સોરાબ– રૂસ્તમીને હજુ આ સાહિત્યમાં વાચા ક્યાં સાંપડી છે ? ડાયસ્પોરા વિશે અનેક વાદ, વિવાદ, સંવિવાદ થયા છે પરંતુ એની બે ગંભી૨ મર્યાદાઓ છે. એ પૈકી એક : એમાં માત્ર તત્ત્વનું ટૂંપણું જ થયું છે, સર્જનાત્મક કૃતિઓની વાત થઈ જ નથી અને બીજી : તત્ત્વનું ટૂંપણું પણ કાલગ્રસ્ત છે અને હવે અપ્રસ્તુત છે. જેટ વિમાન, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ઇન્ટરનેટના યુગનું આજના ડાયસ્પોરાનું જુદું જ સ્વરૂપ છે.

વતનથી દૂર રહેવું અને વતનમાં મૂળ રોપી રાખવાં, ત્યાં પાછા ફરવાની ઝંખના અને સમાંતરે ‘જ્યાં હોઈએ ત્યાં’ ઝળહળવાની તીવ્રતા આ સઘળી વાતનો સહિયારો અનુભવ એટલે ડાયસ્પોરા. સ્વદેશ અને પરદેશ, વતન અને યજમાન દેશ, બંને બાજુએથી વિખૂટાપણાનો અનુભવ. (Diaspora in Modern Societies, Myths of Homeland and Return. William Safran, Diaspora 1, 1991, PP. 83-99)

વતન કયું છે અને નિર્વાસન કયું છે – ડાયસ્પોરાના અર્થપરિવર્તનમાં નિર્ણયાત્મક રીતે રાજકારણનું સ્થાન અર્થકારણે લીધું છે. (Ban Wang, Reimagining Political Community; Diaspora, Nation-state and the Struggle for Recognition. Modern Drama: World Drama from 1850 to the Present, 2005, P 252.)

એચ-વન વીસા પર આવનારા ભારતીયો અને બેંગલોર, હૈદરાબાદ, પૂણે વગેરે સ્થળે સ્થિર થતા અમેરિકનોને ડાયસ્પોરાની કઈ વ્યાખ્યામાં સમાવશું ? આજની દુનિયામાં વેગીલું વૈશ્વીકરણ ડાયસ્પોરાને નવો જ અર્થ આપે છે. Toloyan કહે છે તેમ આ માત્ર આંતરરાષ્ટ્રીય (international) નહિ પણ વિશ્વાંતરની (Transnational) પળ છે. (Toloyan, Kachig, Diaspora Studies Panel. International Colloquium on Area Studies, Diaspora Studies and Critical Pedagogies, Toronto, March 31 – April 2, 2006.)

ડાયસ્પોરાની આજની ચર્ચાવિચારણાની બીજી ગંભીર મર્યાદા, આ વિષયની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓના ઉલ્લેખ સુધ્ધાંના અભાવની છે. સલમાન રશ્દી, વિદ્યા નાયપૉલ, ગેબ્રીયલ ગાર્સિયા માર્કવેઝ અને મીલાન કુંદેરા જેવા આ વિષયના સમર્થ સર્જકોનો આ વિચારણામાં ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી.

H A Jinના નવલિકાસંગ્રહ ‘A Good Fall’માં ડાયસ્પોરાની કેટલીક અદ્ભુત નવલિકાઓ છે જેમાં નિર્વાસિતો માત્ર ચીન વિશેનાં તેમનાં સ્વપ્નાઓ અને સ્મૃતિઓમાંથી જ દેશવટો નથી ભોગવતાં પણ તેમના સ્વત્વમાંથી પણ દેશવટો ભોગવે છે. H A Jinના ઉલ્લેખની અપેક્ષા ન રાખીએ પણ ઝુમ્પા લાહિરીની પણ નોંધ સુધ્ધાં નહિ ! ઝુમ્પા લાહિરીની ત્રણ કૃતિઓ પ્રગટ થઈ છે, જેમાં ‘Interpreter of Melody’ને પુલિત્ઝર પ્રાઈઝ આપવામાં આવ્યું છે. ‘Namesake’ તેમની નવલકથા છે અને ‘Unaccomstomed Earth’ તેમનો નવલિકાસંગ્રહ છે. મારા મતે, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ‘Interpreter of Melody’ કરતાં પણ વધારે ઉત્તમ કક્ષાની નવલિકાઓ આ સંગ્રહમાં છે. ઝુમ્યા લાહિરીની આ ત્રણેય સર્જનાત્મક કૃતિઓમાં ડાયસ્પોરાનાં નવાં જ રૂપ અને સ્વરૂપ નીખરી આવે છે.

સજ્જતાનો અભાવ

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની સૌથી ગંભીર મર્યાદા સાહિત્યિક સજ્જતાનો અભાવ છે. બેચાર અપવાદ બાદ કરતાં આ સાહિત્યકારોનું વાચન એટલું દરિદ્ર છે કે આપણે હેબત ખાઈ જઈએ. સંસ્કૃત અને અંગ્રેજી તથા અંગ્રેજી દ્વારા વિશ્વસાહિત્યની વાત તો દૂર રહી, ગુજરાતી પણ પૂરું ન વાંચ્યું હોય – એ સ્થિતિ અકલ્પ્ય અને આશ્ચર્યજનક બલકે આઘાતજનક છે. સંસ્કૃતનું જ્ઞાન હવે લુપ્ત થવા બેઠું છે છતાં નગીનદાસ પારેખનાં ઉત્તમ અનુવાદો અને ટીકાટિપ્પણો દ્વારા મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’, આનંદવર્ધનકૃત ‘ધ્વન્યાલોક’ અને કુન્તકકૃત ‘વક્રોક્તિજીવિત’નો જરૂર અભ્યાસ થઈ શકે. મમ્મટ પરંપરાગત પણ સંપૂર્ણ છે, આનંદવર્ધન પરંપરાગત છતાં મૌલિક છે અને કુન્તક અધુનાતન આધુનિક છે. એક વાર વાંચી તો જુઓ.

એ સાચું કે પ્રતિભા વિના કાવ્યસાહિત્ય પ્રગટે જ નહિ – यां विना काव्यं न प्रसरेत् અને જો પ્રતિભાહીન કૃતિ પ્રસરે તો उपहसनीयं स्यात्. વાલેરીએ આ જ કહ્યું છે : une linge donnee – એક પંક્તિ ઈશ્વરદત્ત હોય છે પણ આ પ્રતિભા ઉપરાંત મમ્મટ લોકશાસ્ત્ર, કાવ્ય વગેરેનો અભ્યાસ જરૂરી માને છે. રાજશેખર તો અભ્યાસમાં મચી પડવાની વાત કરે છે. अमन्दश्चाभियोगोडस्या:। સર્જકોએ માતૃભાષાનું સાહિત્ય સાદ્યંત વાંચ્યું હોવું જોઈએ, જે સ્વરૂપમાં તેઓ કામ કરતા હોય તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રાદેશિક ભાષાઓ હિન્દી, મરાઠી, બંગાળી વગેરેનાં સાહિત્યનો પણ પરિચય રાખવો જોઈએ. અંગ્રેજી દ્વારા વૈશ્વિક સાહિત્યનો સંપર્ક સરળ છે પણ આ માટેની ધીરજ અને નિષ્ઠા ક્યાં ? સારા વાચક બન્યા વિના સારા સર્જક થવાનું દુષ્કર, કહો ને, લગભગ અશક્ય. ચપટી વગાડતાંમાં લેખક થવાનો, પુસ્તક છપાવવાનો જેટલો ઉમંગ અને ઉત્સાહ છે તેનો અલ્પાંશ પણ સારા-સમૃદ્ધ વાચક થવાનો નથી. આ સાહિત્યકારોમાંથી ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘પ્રત્યક્ષ’ કે ‘સમીપે’ જેવાં સામયિકો વિશે કોણ જાણે છે અને કેટલા એ મંગાવે છે અને કોઈ વાંચે છે ખરા ? આપણા પન્નાલાલને પણ ના વાંચ્યા હોય એવા ‘સમર્થ’ નવલિકાકારો પણ અહીં છે ! અહીં બે અવતરણો પ્રસ્તુત છે.

‘For the sake of a single poem, you must see-many cities, many people and things, you must understand animals, must feel how birds fly, and know the gesture which small flowers make when they open in the morning.”

– Rainer Maria Rilke

“સાહિત્યિક, સાંસ્કૃતિક વારસાથી સજ્જ થવા ઉપરાંત પણ સર્જકે ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, દર્શન, વિજ્ઞાન આદિ પોતાના વિષયવસ્તુને ઉપકારક જ્ઞાન-માહિતીથી સજ્જ થવું ઘટે. સજ્જતાના અભાવમાં ઘણી વાર સર્જક વિશ્વસનીયતા ગુમાવી બેસતો હોય છે. સર્જકે વ્યુત્પન્ન હોવું ઘટે. આપણા આલંકારિકોએ પણ એ ચીજ ૫૨ યોગ્ય રીતે જ ભાર મૂક્યો છે.”

– ભોળાભાઈ પટેલ, પરબ’, જૂન’ ૧૯૯૦

પ્રતિભાબીજની માવજત

વર્ષો પૂર્વે બળવંતરાય ઠાકોરે આ વિશે નિબંધ લખેલો જે કંઈ મારી પાસે આગવો ન જ હોય. સાહિત્યકારોના માર્ગમાં રહેલાં અને ઠાકોરે ઉલ્લેખેલાં-નિર્દેશેલાં વિઘ્નોમાં અમેરિકાવાસી સર્જકો માટે એક વધુ ગંભીર વિઘ્નનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ. અને તે છે, સમયનો સદંતર અભાવ. દા. ત. નટવર ગાંધી, ડૉ. અશરફ ડબાવાલા અને રાહુલ શુક્લ એમના વ્યવસાયમાં એટલા ઊંડા ખૂંપેલા છે કે સર્જનાત્મક પ્રવૃત્તિ માટે એમને આટલો, આંગળીના વેઢા જેટલો સમય પણ મળી રહે છે તેનું આશ્ચર્ય થાય. અહીં એ પણ સ્વીકારીએ કે સમયની આ મારામારી સર્જનાત્મકતા અને સાહિત્યિક સજ્જતાનો ભોગ લીધા વિના ન જ રહે.

મૈત્રીવિવેચન

અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોના લેખનસંદર્ભે જો કોઈએ સૌથી વધારે દાટ વાળ્યો હોય તો તે છે ડાયસ્પોરા સાહિત્યના વિવેચકો. ચન્દ્રકાન્ત ટોપીવાળા કે દીપક મહેતા જેવા બેચાર અપવાદો બાદ કરતાં બાકી સૌએ, મને કહેવા દો કે સુપ્રતિષ્ઠિત વિવેચકોએ પણ ડાયસ્પોરા સાહિત્યકારોનું અને સાહિત્યકૃતિઓનું ગુણસંકીર્તન જ કર્યું છે. નથી થઈ આ કૃતિઓની આલોચના કે નથી થયું તટસ્થ અને નિર્મમ અવલોકન. થઈ છે માત્ર એકલી પ્રશસ્તિ ! કા૨ણ કે એ સઘળું કૃતિલક્ષી નહિ પરંતુ નર્યું કર્તાલક્ષી વિવેચન છે. કેટલીક કૃતિઓ વિવેચકના અથાગ પ્રયત્ન છતાં પ્રશંસાને અવકાશ ન આપે ત્યારે સુષ્ઠુ-સુષ્ઠુ, ગોળગોળ, સંદિગ્ધ, મહેતા મારે ય નહિ અને ભણાવે પણ નહિ – તેવું મૈત્રીવિવેચન થાય છે. કેટલાકોએ તો ડાયસ્પોરા સાહિત્યકારોને ચણાના ઝાડ પર ચડાવી મારવાનો જાણે ઠેકો જ લીધો છે. મારાં આ સઘળાં વિધાનોનાં દૃષ્ટાંતો મને જ નહીં, તમને પણ હાથવગાં જ છે. અમારાં ખ્યાતનામ સર્જકોનાં પુસ્તકોનાં આરંભનાં પાનાઓમાંથી જરા પસાર થશો તો તમે પણ મોંમાં આંગળાં નાખી જશો ! બચુભાઈ રાવત અને રાજેન્દ્ર શાહ નવોદિતો અને ઉદીયમાન સર્જકો માટે નિયમિત વર્કશૉપ ચલાવતા હતા. જયંત કોઠારી, જશવંત શેખડીવાળા અને ૨મણ સોની જેવા ‘વાંકદેખા’ સ્પષ્ટવક્તા વિવેચકો પાસેથી પણ સમુચિત ટીકાટિપ્પણ મળી રહે છે પણ અમારા દુર્ભાગ્યે અમેરિકામાં એમના જેવા કોઈ વિવેચક સાહિત્યકાર નથી.

1965માં ગ્રંથમાં એમણે રતિલાલ જાની કૃત ‘કાવ્યલોચન’ની, જેનું કર્તૃત્વ પોતાનું હોય તો નગીનદાસ પારેખ જેવા વિદ્વાન પણ રાજી થાય એ બરની સમીક્ષા કરી હતી. ૧૯૬૭માં કાન્ત શતાબ્દીના અવસરે મુંબઈમાં ‘વત્સલનાં નયનો’ પરનું એમનું વક્તવ્ય સર્વાધિક પ્રભાવક રહ્યું હતું. આ બધું સાંભરે ત્યારે તળભૂમિ અને વરભૂમિ બેઉમાં અકુતોભય વિહરી શકતી એક અનન્ય પ્રતિભાનો પરિચય થાય જ. માત્ર, એમનો લાંબો અમેરિકાવાસ જે એક વિશેષ મોરચે ફળ્યો તેની જ વાત અહીં સહેજ વિગતે કરી એક સાર્થક જીવનને અંજલિ આપી વિરમું છું.

e.mail : prakash.nireekshak@gmail.com

પ્રગટ : ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું મુખપત્ર “પરબ”; નવેમ્બર 2013; પૃ. 06-11

Loading

...102030...759760761762...770780790...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved