Opinion Magazine
Number of visits: 9741948
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થશાસ્ત્રીઓ સ્થાપિત હિતોને વૈજ્ઞાનિક ભાષાના વાઘા પહેરાવે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|21 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ-૮

રોબર્ટ સ્કિદેલસ્કી

વિચારોનું જે ઉપરી માળખું ઊભું થાય છે તે માર્ક્સવાદીઓ કહે છે તેવું એક જ સ્વરૂપનું હોતું નથી. વ્યવહારમાં તે સામાન્ય રીતે પરસ્પર વિરોધી એવાં હિતોમાં વહેંચાયેલું હોય છે : આર્થિક જીવનમાં તે નિકાસકારો અને આયાતકારો, દેણદારો અને લેણદારો, ધિરાણ અને ઉદ્યોગ એમ વહેંચાયેલું નજરે પડે છે. અમેરિકાની એક ઘટના નોંધનીય છે : ઉદ્યોગપતિઓની વિચારધારા સરકાર સાથે મેળ ખાતી નથી. પરંતુ તેમને સરકારના સંરક્ષણ સામગ્રી અને સંશોધન અંગેના કોન્ટેૃક્ટ મળે છે અને તેઓ સમૃદ્ધ થાય છે એટલે તેઓ સતત સરકારને તાબે થાય છે.

મહત્ત્વની બાબત તેથી એ છે કે સત્તા કેવી રીતે વહેંચાયેલી છે. રાજ્ય અને સ્થાપિત હિતો વચ્ચે, રાજકીય અને સામાજિક જૂથો વચ્ચે તેમ જ મૂડીપતિઓ અને કામદારો વચ્ચે સત્તાનું સંતુલન કેવું સધાયેલું છે તે અગત્યનું છે. આ બળો વચ્ચે જેટલું સમાન રીતે સંતુલન સાધાયેલું હોય તેટલા ઓછા પ્રમાણમાં અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે તેને વિશેની એક જ વાર્તા અર્થશાસ્ત્રીઓ પાસેથી સાંભળવા મળે.

લગભગ ૧૯૨૦ના દાયકાથી ૧૯૭૦ના દાયકા સુધી મૂડી અને શ્રમનાં બળો વચ્ચેનું સંતુલન એવું હતું કે સામાજિક સમાધાનની નીતિ અપનાવી શકાતી હતી. છેલ્લાં ૪૦ વર્ષમાં સત્તા જૂના કામદાર વર્ગથી ખસીને એવા વર્ગ તરફ ગઈ છે કે જેઓ જન્મ, સંપત્તિ અને શિક્ષણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. વળી, જૂના ધંધાદારીઓ પાસેથી સત્તા ખસીને નવા નાણાકીય ભદ્ર વર્ગ પાસે જતી રહી છે.

હેમન્તકુમાર શાહ

આ કારણોસર આર્થિક દલીલ અને રાજકીય દલીલ વચ્ચે કદી પણ સમાનતાનો સંબંધ નથી રહ્યો. એ અર્થશાસ્ત્રને અન્ય સમાજવિદ્યાઓની સાથે સાથે રાજકીય બળોની તુલનાએ થોડી સ્વાયત્તતા બક્ષે છે, કારણ કે રાજકીય બળોમાં તો અધિકારિતા પડેલી હોય છે.

અર્થશાસ્ત્ર તેની પાસે તુલનાત્મક રીતે સ્વાયત્તતા હોવા છતાં, ત્રણ રીતે ધંધાદારીઓ કે ઉદ્યોગપતિઓનાં હિતો સાચવે છે :

પ્રથમ રીત એ છે કે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન જેવી અધિકૃતતા સાથે ઉદ્યોગપતિઓનાં હિતોને પોષે છે; અને એ રીતે તે પોતાનું સ્વહિત સાધે છે અને એમ સમજે છે તે વધુ પ્રબુદ્ધ થયું છે. વ્યવહારુ લોકોને તો વૈજ્ઞાનિક ભાષામાં તેમના પૂર્વગ્રહોને વાઘા પહેરાવવામાં આવે એ બહુ ગમે છે. આવી ભાષામાં જે ખરેખર એક અભિપ્રાયની બાબત છે તેને પ્રકૃતિની હકીકતમાં બદલી નાખવાની તાકાત ધરાવે છે.

બીજો પ્રભાવ આવે છે તેની અધિકર્તા સત્તા(agenda power)માંથી. જ્હોન કેનેથ ગાલબ્રેથ લખે છે કે, “આધુનિક કંપનીઓના બચાવમાં સત્તાનું અસ્તિત્વ જ નથી એવી દલીલ સૌથી વધુ અગત્યની બની જાય છે. એમાં તો એમ કહેવામાં આવે છે કે બધી જ સત્તા બજારની અવૈયક્તિક રમતને ચરણે ધરી દેવામાં આવી છે. યુવાન લોકોના દિમાગમાં આ બાબત એવી ઘૂસાડી દેવામાં આવી છે કે વાત ના પૂછો!”

ગાલબ્રેથ વધુમાં એમ કહે છે કે, “આધુનિક કંપનીઓના ઉદયને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે કે જે રાજકીય સત્તા સાથે સ્પર્ધા કરી શકે છે …… રાજ્ય કોઈક રીતે કંપનીઓ પર નિયમન કરવા ઈચ્છે છે, પરંતુ કંપનીઓ સતત વધુ ને વધુ તાકતવર બનતી જ જાય છે; અને તેઓ આવાં નિયમનોને અતિક્રમી જવાનો દરેક પ્રયત્ન કરે છે. જ્યાં કંપનીઓનાં પોતાનાં હિતો સાથે છેડછાડ થતી હોય ત્યાં તેઓ રાજ્ય ઉપર પણ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે.”

આર્થિક જીવનને સ્પર્ધાત્મક બજારમાં પ્રાપ્ત થતા વ્યક્તિગત સંતોષને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રમાં મોડેલ બનાવાયાં છે. એમ કરીને અર્થશાસ્ત્ર દેખીતા ઇજારા સિવાય જે સત્તા પ્રવર્તમાન છે તેને અદૃશ્ય બનાવે છે. દા. ત. શ્રમની સીમાંત ઉત્પાદકતા કરતાં જે વેતન ઓછું છે તે કામદારનું શોષણ કરનારું છે એમ તે કહે છે. પરંતુ બજારમાં સ્પર્ધા છે એમ ધારી લેવામાં આવે છે. તેવે સમયે શ્રમને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન મળશે જ એવું તારણ કાઢવામાં આવે છે. એટલે કાર્લ માર્ક્સ કહે છે તેમ શોષણ બજાર વ્યવસ્થામાં અંતર્નિહિત નથી રહેતું પણ એક પ્રકારની પેથોલોજી બની જાય છે! 

સ્રોત : 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુબઇમાં થયેલા જળબંબાકારમાં વાંક કોનો? ક્લાઉડ સીડિંગ નહીં પણ માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જ

ચિરંતના ભટ્ટ|Opinion - Cartoon, Opinion - Opinion|21 April 2024

ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી, પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી

ચિરંતના ભટ્ટ

દુબઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે વરસાદમાં ધમરોળાયું છે. યુનાઇટેડ આરબ એમિરાટ્સ જળબંબાકાર છે, તેમાં ય દુબઇ તો ઓળખાય એવું નથી રહ્યું. ઓમાનમાં 20 જણા આ જળ તાંડવમાં મોતને ભેટ્યા અને યુનાઇટે આરબ એમિરાટ્સમાં એક જણનું મોત થયું. દુબઇનું એરપોર્ટ થંભી ગયું કારણ કે વરસાદને કારણે ફ્લાઇટ્સ મોડી પડી, રૂટ્સ પણ બદલવા પડ્યા અને કેન્સલ સુધ્ધાં કરવી પડી. દુબઇના રસ્તા પર પણ પાણી ફરી વળ્યું અને પાણીમાં ડુબેલાં વાહનો, લાંબે સુધી ખોટકાયેલા વાહન વ્યવહારને કારણે ખડી થયેલી વાહનોની કતાર અને પાણીમાં ફસાયેલા લોકોની તસસવીરો તો આપણે જોઇએ જ છીએ. છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર યુ.એ.ઇ.એ આવો નાશકારક વરસાદ અનુભવ્યો.

ક્લાઇમેટ ચેન્જ – આબોહવાના પરિવર્તનનો અભ્યાસ કરનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે માણસે કુદરત સાથે જે ચેડાં કરવાની છૂટ લીધી છે, એમાંને એમાં આ તાંડવ જોવાના દિવસો આવ્યા છે. વળી આ માત્ર એક જ સ્થળની વાત નથી, દુનિયા આખીમાં આ જ હાલત કાં તો થઇ રહી છે અથવા થવાની છે. યુ.એ.ઇ. જેવા દેશો જે સૂકા પ્રદેશ ગણાય છે, ત્યાં ભારે વરસાદનો સામનો કરવાની ડ્રેનેજ સિસ્ટમ પણ નથી કારણ કે તેમને તો સ્વપ્ને પણ કલ્પના ન હોય કે આવાં વાવાઝોડાં – ઝંઝાવાતનો અનુભવ ક્યારે ય કરવાનો આવશે.

રણ પ્રદેશ જેવા સૂકા શહેરોને તો એમ હોય કે જેટલો વરસાદ આવે એટલું સારું પણ દુબઇ જેવું માનવ સર્જિત, અત્યાધુનિક શહેર પણ આ ઝંઝાવાત સામે ટકી જવા, સલામત રહેવા માટે સજ્જ નહોતું. અત્યાધુનિક એવા યુ.એ.ઇ.માં તો વરસાદ કૃત્રિમ રીતે લાવવામાં આવે છે. હજી ગણતરીના દિવસો પહેલાં નેશનલ સેન્ટર ફોર મિટીરિયોલૉજીએ વાદળોમાં કેમિકલ્સ ઇન્જેક્ટ કરવા માટે વિમાનો ઉડાડ્યા હતા, જેથી વાદળોમાં ભેજ આવે અને વરસાદ પડે. કમનસીબે આ વખતે માળું જોઇતું હતું તેના કરતાં વધારે જ મળી ગયું. વરસાદનાં ઝાપટાં વાવાઝોડાં અને પૂરમાં ફેરવાઇ ગયાં અને શહેર થંભી ગયું. આખા વર્ષમાં જેટલું પાણી મળવું જોઇએ એટલું દુબઇમાં એક જ દિવસમાં વરસી ગયું. ક્લાઉડ સીડિંગ – કૃત્રિમ રીતે વરસાદ લાવવાની રીત પર સૌથી પહેલાં આંગળી ચિંધવામાં આવી. સોશ્યલ મીડિયા પર તો યુ.એ.ઇ.એ મોસમ બદલવા માટે જે કાર્યક્રમ અમલમાં મુક્યો હતો, તેનો ઉલ્લેખ કરીને પૂછવામાં આવ્યું કે વાદળોમાં જબરદસ્તીથી ભેજ ઇન્જેક્ટ કરીને વરસાદ લાવવાની ટેક્નોલૉજીને કારણે તો આ તોફાનનો સામનો નથી કરવો પડી રહ્યોને?

આધુનિકીકરણના ગેરફાયદાઓ ગણાવવાની જરૂર નથી કારણ કે પુરાવા નજર સામે છે અને આવતા રહે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ક્લાઉડ સીડિંગથી વરસાદના પ્રમાણમાં વધારો થયો હોય એમ બને પણ આવો ખતરનાક વિનાશકારી વરસાદ માત્રને માત્ર ક્લાઉડ સીડિંગથી થઇ શકે એવું માનવું ભૂલ ભરેલું છે. ક્લાઉડ સીડિંગ પર પૂરનો ઓળિયો ઘોળિયો ઢોળવો એ તો વેતાં વગરની ‘કોન્સપિરસી થિયરી’ છે – એને માની ન લેવાય એમ ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ એનર્જી એન્ડ ડિઝાસ્ટર સોલ્યુશનના વડાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. આ પહેલાં કેલિફોર્નિયામાં પણ જ્યારે તોફાન આવ્યું ત્યારે ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ પર કામ કરનારાઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા – જો કે ત્યારે તો હજી ક્લાઉડ સીડિંગ ત્યાં અમલમાં પણ નહોતું મુકાયું. ઑસ્ટ્રેલિયામાં આવેલા વરસાદને લઇને 2022માં ક્લાઉડ સીડિંગનો વાંક કાઢવામાં આવ્યો હતો પણ બાદમાં ફેક્ટ ચેકર્સે એ દાવાને ખોટો ઠેરવ્યો હતો.

ક્લાઉડ સીડિંગ એક એવી પ્રક્રિયા છે જે કરવાથી વરસાદ અને હિમ વર્ષા કુદરતી રીતે લાવી શકાય. પાણીનાં અત્યંત સુક્ષ્મ ટીપાં – બાષ્પ રૂપે – સિલ્વર આયોડાઇડ – સ્પેશ્યલ પ્રકારના એરક્રાફ્ટ અને જમીન પર કામ કરતાં જનરેટર્સથી અમુક વાદળોની અંદર અને આસપાસ ઇન્જેક્ટ કરવામાં આવે છે, આ તત્ત્વ બાષ્પીભવનની પ્રક્રિયાને વેગ આપે છે. કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મના સીનના વિવરણ જેવી લાગતી આ પ્રક્રિયા 1940ના દાયકામાં શોધવામાં આવી હતી અને આખી દુનિયામાં ઘણી જગ્યાએ તેનો વપરાશ કરવામા આવે છે – યુ.એ.ઇ.થી માંડીને ચીન અને યુ.એસ.એ.માં પણ આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ખાસ કરીને જ્યારે દુકાળનો સામનો કરવો પડ્યો હોય અતવા તો  બેઇજિંગ ઓલિમ્પિક્સ વખતે આકાશને સાફ રાખવાનું હતું અને વિયેતનામમાં યુદ્ધ દરમિયાન યુ.એસ.ના દુંશ્મનોની હિલચાલને અવરોધવા માટે (બાદમાં યુ.એને. યુદ્ધમાં આબોહવામાં ફેરફાર કરવાની પ્રક્રિયાનો રણનીતિ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો.) અને ચર્નોબિલને કારણે થયેલા પ્રભાવમાં પણ તેનો ઉપયોગ કરાયો હતો.  યુ.એ.ઇ.એ દાયકાઓથી ક્લાઉડ સીડિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જો કે હજી સુધી ક્લાઉડ સીડિંગ કેટલી હદે પ્રભાવશાળી નીવડી શક્યું છે તેના કોઇ નક્કર દસ્તાવેજો ન હોવા છતાં તેની અસરકારકતાને તો માન્યતા મળી જ છે કારણ કે તેનાથી યુ.એ.ઇ.ના વરસાદમાં 10થી 30 ટકાનો વધારો નોંધાયો છે. કેલિફોર્નિયાની સત્તાધીશોને મતે તેમના વરસાદમાં ક્લાઉડ સીડિંગને કારણે 5થી 10 ટકા વધારો થયો છે. ટૂંકમાં ક્લાઉડ સીડિંગથી એવો વરસાદ પડવો શક્ય નથી જેને કારણે તારાજી સર્જાય. આ તો કુદરતે માનવજાત સામે કરેલી લાલ આંખનું જ પરિણામ છે. ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી.

ટેક્નોલૉજી નહીં પણ ક્લાઇમેટ ચેન્જ – આબોહવામાં આવેલા આત્યંતિક ફેરફારોને કારણે દુનિયા આખીમાં અણધારેલી કુદરતી આફતો સર્જાય છે. ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન આપણી જિંદગીમાં આપણે ધારીએ છે એના કરતાં કંઇક ગણો વધારે પ્રભાવ ધરાવે છે. ક્લાઉડ સીડિંગની ચિંતા કરવાને બદલે માણસજાતની વિકાસભૂખી પ્રવૃત્તિઓ કુદરતી વાતાવરણમાં, માહોલમાં કેટલું પ્રદૂષણ અને અવરોધો ખડા કરે છે તેની ચિંતા કરવી વધારે અગત્યની છે.  યુ.એ.ઈ.માં પણ જે થયું તેનું ખરું કારણ તો ક્લાઇમેટ ચેન્જને કારણે સામાન્ય હવામાનમાં જે અસંતુલન થતું આવ્યું હશે તેનું પરિણામ છે. જમીન પરનું ઊંચું તાપમાન અને ઉપર જતાં ઓછું તાપમાન એટલે કે લો-પ્રેશર સિસ્ટમ અને તાપમાનના વિરોધભાસને કારણે આ વાવાઝોડું આવ્યું હોવાનું મનાય છે. માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જને કારણે દુનિયામાં દુકાળથી માંડીને પૂરની પરિસ્થિતિઓ ખડી થઇ રહી છે અને આવા સંજોગો વધુને વધુ સર્જાવાની વકી છે.

વાત માત્ર યુ.એ.ઇ.ની નથી પશ્ચિમ આફ્રિકામાં જીવલેણ હીટ વેવ ચાલે છે, જેનું કારણ પણ માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જ હોવાનું સિદ્ધ કરતો રિપોર્ટ બહાર પડ્યો છે. 110 ડિગ્રી ફેરનહીટ પહોંચેલા તાપમાને હજારો લોકોના જીવ લીધા છે. જંગલોના નાશ અને અશ્મિગત ઇંધણને બાળવાની ઘટનાઓને કારણે જ આબોહવાની આ હાલત થઇ છે. આખા દિવસ દરમિયાન પેદા થયેલી ગરમીમાં રાત પડ્યે તાપમાનમાં પુરતો ઘટાડો થતો જ નથી કારણ કે એટલાં જંગલો પણ નથી બચ્યાં જે આ સંતુલન આણવામાં મદદ કરી શકે. નાઇજિરિયા અને સિરિયામાં વીજળીની અછતમાં પંખાઓ અને એર કન્ડિશનનો વધુ પડતો ઉપયોગ કારણભૂત છે.

અતિશય આકરી આબોહવા અને ક્યારે ય ન અનુભવ્યા હોય એવા તાપમાન માટે માણસ જાત અને ચક્રીય હવામાની ઘટના અલ નીનો જવાબદાર છે. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો ન થાય તો હીટ વેવ, પૂર, દુકાળ જેવી આત્યંતિક હવામાની ઘટનાઓનું પ્રમાણ વધવાનું જ છે.  અલ નીનો ત્યારે થાય છે જ્યારે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ગરમ સપાટીનું તાપમાન અસાધારણ રીતે વધે જેનો પ્રભાવ આખી દુનિયાના હવામાન પર પડે છે. વિસ્તારની તાસીર પ્રમાણે ત્યાં કુદરતી આફતો ત્રાટકતી હોય છે અને જે-તે પ્રદેશ કે દેશ કે નગરમાં માણસ જાતે આબોહવાના સંતુલનને ખોરવવામાં કોઇ કચાશ ન છોડી હોય ત્યાં તેની અસર પણ એટલી જ ઊંડી પડે છે.

બાય ધી વેઃ

અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ એમઝોનના રેનફોરેસ્ટમાં દુકાળ પડ્યો તો આખી દુનિયામાં કોરલ્સનું બ્લીચિંગ થવા માંડ્યું. તાપમાનમાં અસાધારણ અસંતુલન બધે જ જોવા મળી રહ્યું છે તે કોઇ ખતરાની ઘંટીથી કમ નથી. ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાની જવાબદારી આપણે જ ઉપાડવી પડશે, નહીંતર આપણે આપણા ‘કુદરતી’ મોતને બદલે કુદરતના પ્રકોપનો કોળિયો બની જવા તૈયાર રહેવું પડશે. અલ નીનોની આ વર્ષની સાઇકલ તો પૂરી થઇ છે પણ તેની અસરો 2024માં આખા વર્ષ દરમિયાન દુનિયાના હિસ્સાઓમાં વર્તાવાની છે. હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે અને વાગશે એ હકીકત આપણે સમજીશું તો કદાચ કંઇક ફેર પડશે. મામલો એટલો બિચક્યો છે કે તેને સુધારવા જતાં કેટલો સમય લાગશે એ કળવું અઘરું છે. પીગળતાં ગ્લેશિયર્સ, વધતી ગરમી, જંગલોના દાવાનળ, દુકાળ, પૂર જેવી ઘટનાઓથી થતાં નુકસાન ધાર્યા કરતાં વધારે અને ઝડપથી થઇ રહ્યા છે અને તેની અસર સદીઓ સુધી બદલી ન શકાય તેવી હોવાની પૂરી શક્યતા છે. ઔદ્યોગિક યુગમાં માણસ જાતે દોડવાનું શરૂ કર્યું તે પહેલાંથી જ વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી ફેરનહીટ જેટલું ગરમ તો કરી જ દીધું હતું. આપણું ભવિષ્ય શું હશે તે આપણે કેટલું ઉત્સર્જન કરીએ છીએ, કેટલી આગ અને પ્રદૂષણ ઓકીયે છીએ તેની પર આધાર રાખે છે. જો એ ઘટશે તો કદાચ ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવાનો કોઇ માર્ગ મળી શકશે બાકી તો શેકાઇ જઇને કે તણાઇ જઇને મરી જવાની તૈયારી રાખવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024

Loading

પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટૃ માનવામાં આવે છે તો શું ઇઝરાયેલ સફળ રાષ્ટૃ છે ? 

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2024

રમેશ ઓઝા

બીજા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ રીતે બે દેશોની રચના કે સ્થાપના કરવામાં આવી હતી. દેશની સ્થાપના કરવામાં આવી હોય એવી જગતના ઇતિહાસમાં આ પહેલી બે ઘટના હતી અને આગળ-પાછળની તરતની ઘટના હતી. એક દેશ હતો ઇઝરાયેલ અને બીજો પાકિસ્તાન. આમાંથી પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં આવે છે અને ઇઝરાયેલને સફળ રાષ્ટ્ર તરીકે.

એક બીજી સમાનતા પણ છે. આ બન્ને દેશોની સ્થાપના પ્રજાકીય આંદોલનના ભાગરૂપે સહજ અને સ્વાભાવિક એવી સેન્દ્રીય (ઓર્ગેનિક) નહોતી, પણ લોબિંગ દ્વારા નેતાઓની મુત્સદીજન્ય હતી. બીજા શબ્દમાં કહેવું હોય તો લોબિંગનું પરિણામ હતું. ઇઝરાયેલના સ્થાપક નેતાઓએ જગતભરમાં અનુકૂળ અભિપ્રાય પેદા કરવા માટે જગત આખામાં લોબિંગ કર્યું હતું. ગાંધીજીનો ઇઝરાયેલની સ્થાપના માટે ટેકો મેળવવા ગાંધીજીના પરમમિત્ર અને દક્ષિણ આફ્રિકાના તેમના સાથી હરમન કેલનબેકને તેમણે ખાસ ભારત મોકલ્યા હતા. ગાંધીજીએ જો કે ઇઝરાયેલની સ્થાપનાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના સ્થાપકો(સ્થાપકો પણ નહીં, એક માત્ર સ્થાપક મહમ્મદઅલી ઝીણા)ને ભારતની બહાર લોબિંગ કરવાની જરૂર નહોતી પડી. તેમને ખબર હતી કે અંગ્રેજો હિંદુઓને અને કાઁગ્રેસને કમજોર સ્થિતિમાં જોવા માગે છે એટલે હિંદુ અને કાઁગ્રેસને  કમજોર કરવામાં જે મદદ કરશે તેમને અંગ્રેજોનો ટેકો મળી રહેશે. બન્યું પણ એવું જ.

ઇઝરાયેલ અને પાકિસ્તાનની રચનામાં એક ત્રીજી સમાનતા પણ હતી. યહૂદીઓનો અલગ દેશ સ્થાપાય એમાં પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓને રસ હતો. સૌથી વધુ ઉત્સાહી એ લોકો હતા, યહૂદીઓ કરતાં પણ વધુ. જો ઇઝરાયેલની સ્થાપના થાય અને યહૂદીઓ ઇઝરાયેલ જતા રહે તો ટાઢે પાણીએ ખસ જાય. પ્રાચીન યુગથી યહૂદીઓને અને ખ્રિસ્તીઓને ક્યારે ય ભળ્યું નથી. યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે કોઈ મોટી દુ:શ્મની હતી જ નહીં. યુરોપ અને અમેરિકામાં વસતા યહૂદીઓના કેટલાક અપલક્ષણ પણ હતાં. અલગ રહે, બીજા લોકો સાથે હળેભળે નહીં, વેપારધંધામાં ખડૂસ વગેરે પ્રકારની અણગમો પેદા થાય એવી તેમની જીવનશૈલી હતી. એટલે જર્મનીમાં હિટલરે સતાવેલા બાપડા યહૂદીઓને તેમનું અલાયદું વતન આપી દેવું જોઈએ એવી માગણીને પશ્ચિમના દેશોનો ટેકો મળ્યો હતો. હકીકતમાં ઈરાદો યહૂદીઓને પોતાને ત્યાંથી રવાના કરવાનો હતો. તેમણે તકનો ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાનની વાત કરીએ તો પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓની જેમ ભારતમાં પણ કેટલાક હિંદુઓ એમ માનતા હતા અને ઈચ્છતા હતા કે જો પાકિસ્તાન બને તો આ મુસલમાન નામની બલાથી  મુક્તિ મળે. કેટલાક ખ્રિસ્તીઓ જેટલી નફરત યહૂદીઓ માટે ધરાવતા હતા એટલી નફરત કેટલાક હિંદુઓ મુસલમાનો માટે ધરાવતા હતા. લાલા ચમનલાલે ૨૦મી સદીના પહેલા દાયકામાં દેશના કોમી વિભાજનની વાત કરી હતી. મુસલમાનોને અલગ દેશ આપી દેવાથી હિંદુઓ લાભમાં રહેશે એવી તેમની દલીલ હતી. ૧૯૨૪માં બીજા હિંદુવાદી નેતા લાલા લાજપત રાયે તો લાંબો લેખ લખીને ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે અને તે થવું જોઈએ એમ કહ્યું હતું. ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ ૧૯૨૮માં ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે એમ એક પત્રમાં લખ્યું હતું. નજરકેદમાંથી મુક્ત થયા પછી ૧૯૩૭માં વી.ડી. સાવરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મળેલા હિંદુ મહાસભાના અધિવેશનમાં હિંદુ અને મુસલમાન એ બે અલગ રાષ્ટ્રીયતા છે અને તેમની વચ્ચે કશું જ સમાન નથી અને તે સાથે રહી શકે તેમ નથી એવો ઠરાવ કર્યો હતો. અને ભારતીય જનસંઘ(વર્તમાન બી.જે.પી.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી? તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું કે ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું કોમી વિભાજન થવું જોઈએ. મુસ્લિમ લીગ તો ભારતના કોમી વિભાજનની માગણી લઈને બહુ પાછળથી આવી હતી.

મહમ્મદઅલી ઝીણાને ખબર હતી કે હિંદુવાદી હિંદુઓ તેમની સામે વારાફરતી બેટિંગ અને બોલિંગ કરવાના છે, એટલે ભારતની બહાર લોબિંગ કરવાની તેમને જરૂર નહોતી પડી. કોમી વિભાજનની માગણી કરનારા હિન્દુત્વવાદી થનગનભૂષણો મોરચો સંભાળી લેશે. તેમને એ વાતની પણ જાણ હતી કે મહાત્મા ગાંધી ભારતનું વિભાજન થવા નહીં દે અને તેમની સામે હિંદુવાદીઓનું કાંઈ ચાલવાનું નથી. પ્રજા ગાંધીજીની સાથે છે. આ સ્થિતિમાં પાકિસ્તાન માટે હાર્ડ બાર્ગેનિંગ કરવામાં કોઈ નુકસાન નહીં થાય. છેવટે એવું સમાધાન થશે જેમાં તેમને અવિભાજિત ભારતના પહેલા વડા પ્રધાન બનવાનું માન મળી જાય. આયેશા જલાલ નામની વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકારના મતે ઝીણાના “કમનસીબે” ગાંધીજી દેશની એકતા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા અને હિંદુવાદી કાઁગ્રેસીઓએ પાકિસ્તાન ઝીણાના ગળામાં પહેરાવી દીધું. દેશની કુલ વસ્તીમાં ૨૫ ટકા મુસલમાનો હોય અને સાતથી આઠ રાજ્યો મુસ્લિમ બહુમતીવાળાં હોય તો તેમની વાત સાંભળવી પડે. આ તો ટાઢે પાણીએ ખસ ગઈ. મુસલમાનોની દાદાગીરી તો બાજુએ રહી, કોઈ વાતનો આગ્રહ પણ ન કરી શકે એ હદે તેઓ લઘુમતીમાં ફેરવાઈ ગયા.

તો વાતનો સાર એ કે ઇઝરાયેલની સ્થાપનામાં ખ્રિસ્તીઓને રસ હતો એમ પાકિસ્તાનની સ્થાપનામાં કેટલાક હિંદુઓને રસ હતો. બન્ને ન ગમતી કોમથી જાન છોડાવવા માગતા હતા. આ રીતે જગતના ઇતિહાસમાં પહેલી વાર જેમ કંપની સ્થાપવામાં આવે એમ બે દેશોની સ્થાપના કરવામાં આવી. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર માનવામાં આવે છે તો શું ઇઝરાયેલ સફળ રાષ્ટ્ર છે? આઠ દાયકા થવા આવ્યા, ચોવીસે કલાક ફાળમાં જીવવું એ સફળતા કહેવાય? ભૌતિક સફળતાની શી કિંમત જો ઇઝરાયેલના કેટલાક પ્રદેશોમાં જન્મેલું યહૂદી બાળક જુવાની સુધી જીવશે કે નહીં તેની જન્મ દેનાર માતાને ખાતરી ન હોય! બીજી દરેક રીતે સુખી યહૂદી માતાઓ સતત ફાળમાં જીવે છે. ૧૯૧૬ની સાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના વખતે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા આવેલા ભારતના ગવર્નર જનરલની સલામતીનો તાયફો જોઇને ગાંધીજીએ કહ્યું હતું કે આમ ડરીને જીવવા કરતાં વતન પાછા જતા રહો. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? અને પાછી ફાળ પણ સામેથી વહોરી લીધેલી! પેલેસ્તીનીઓને તેમનો હક નહીં આપવાની જીદના કારણે વહોરી લીધેલી ફાળ. મારા મતે ઇઝરાયેલ પણ નિષ્ફળ રાષ્ટ્ર છે, જેમાં પ્રજા ઉલ્હાસની જગ્યાએ ભય અનુભવે છે અને તે બંદૂકની ગોળીથી ટકી રહ્યું છે. હવે ઈરાને ઊંઘ હરામ કરી નાખી છે. સૌહાર્દ, ગુડવિલ, પરસ્પર વિશ્વાસ, સહકાર વિનાનું જીવન એ જીવન નથી. જો વર્ષોનાં વર્ષો સુધી ઊચક જીવે જીવવાનું આવે તો પ્રજા સાંસ્કૃતિક રીતે કરમાઈ જાય.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024

Loading

...102030...755756757758...770780790...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved