Opinion Magazine
Number of visits: 9663638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તુમ જો હુએ મેરે હમસફર, રસ્તે બદલ ગયે

સોનલ પરીખ|Opinion - Opinion|15 November 2025

તુમ જો હુએ મેરે હમસફર રસ્તે બદલ ગયે

લાખોં દિયે મેરે પ્યાર કી રાહોં મેં જલ ગયે …

આયા મઝા, લાયા નશા, તેરે લબોં કી બહારોં કા રંગ

મૌસમ જવાં, સાથી હસીં, ઉસ પર નઝર કે ઈશારોં કા રંગ

જિતને ભી રંગ થે સબ તેરી આંખોં મેં ઢલ ગયે … 

ક્યા મંઝિલેં, ક્યા કારવાં બાહોં મેં તેરી હૈ સારા જહાં

આ જાને જાં ચલ દેં વહાં મિલતે જહાં હૈ જમીં આસમાં

મંઝિલ સે ભી કહીં દૂર હમ આજ નિકલ ગયે …

આ પહેલાના લેખમાં ‘તૂ મેરે સામને હૈ’ ગીતની વાત હતી. તેમાં ‘અજીબ દાસ્તાન હૈ યે’ ગીતનો ઉલ્લેખ હતો. આ ગીત હસરત જયપુરીનું નહીં, શૈલેન્દ્રનું છે એની નોંધ લઈને આજનો લેખ શરૂ કરીએ. 

ઉમાશંકર જોશી લખે છે, ‘ગર્ભમાંના બાળકનું અસ્તિત્વ માના ચહેરા પર ચમકે, મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે જોયું છે?’ આ વાત પ્રેમ માટે પણ એટલી જ સાચી છે. પ્રેમમાં હોય તે ગમે તેટલું છુપાવે, પણ એની આંખોમાં, એના ચહેરા પર, એના આખા અસ્તિત્વમાં પ્રેમ ચમક ચમક થતો હોય. એકબીજાની હાજરીમાં એમના બોડી લેંગ્વેજ, સ્ફૂર્તિ અને કમ્ફર્ટ લેવલ જોનારને આખી સ્થિતિનો અંદાજ આપી જ દે છે. 

પ્રેમ તો હિન્દી ફિલ્મોનો પ્રિય વિષય. પ્રેમને લડાવતાં ગીતોની કમી હિન્દી સિનેમાના ઇતિહાસમાં ક્યારે ય નથી રહી. પણ જ્યારે નાયક-નાયિકા ખરેખર પ્રેમમાં હોય અને પડદા પર રોમેન્ટિક ગીત ગાતાં હોય ત્યારે એમનું રહસ્ય કોઈ રીતે છૂપું રહી શકતું નથી અને ખૂલી ખૂલી જાય છે ત્યારે દર્શકોને મઝા પડી જાય છે. આવાં કેટલાક ગીતોની વાત કરીએ તો ‘દમ ભર તો ઉધર મુંહ ફેરે’ રાજ કપૂર-નરગિસનું, ‘સીને મેં સુલગતે હૈં અરમાન’ દિલિપકુમાર-મધુબાલાનું, ‘આપકી આંખો મેં કુછ મહકે હુએ સે રાઝ હૈ’ વિનોદ મહેરા-રેખાનું, ‘આ જા તેરી યાદ આઈ’ ધર્મેન્દ્ર-હેમા માલિનીનું, ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ અમિતાભ બચ્ચન-રેખાનું ને ‘નગાડા સંગ ઢોલ બાજે’ દીપિકા પદુકોણ-રણવીર સિંઘનું રહસ્ય છતું કરે છે. આજે જે ગીતની વાત કરવી છે એ ‘તુમ જો હુએ મેરે હમસફર’ આ જ રીતે ગુરુ દત્ત-વહીદા રહેમાનનું પ્રણય-રહસ્ય ખોલે છે. ગુરુ દત્તની આવી રહેલી પુણ્યતિથિ નિમિત્તે આ જ ગીતને અને એક અધૂરી પ્રેમકહાણીને યાદ કરીએ. 

આ ગીત 1958ની ફિલ્મ, ‘ટ્વેલ્વ ઓ ક્લોક’નું હતું. ગુરુ દત્તે અભિનય કર્યો હોય પણ દિગ્દર્શન કર્યું ન હોય તેવી જૂજ ફિલ્મોમાંની એક ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ હતી. ફિલ્મ સસ્પેન્સ-થ્રીલર હતી. શરૂઆત નારાજ થઈ પિતરાઈ બહેન અને બનેવી(સબિતા ચૅટર્જી-રહેમાન)નું ઘર છોડતી બાની(વહીદા રહેમાન)ના દૃશ્યથી થાય છે. એ માત્ર ઘર છોડતી નથી, ચેતવણી આપતી જાય છે કે ‘મને વારસામાં મળેલી મિલકત તમે હડપી ન જાઓ તે હું જોઈશ.’ 

બાની દિલ્હી આવે છે, મામાને ત્યાં રહે છે અને એડવોકેટ અજય(ગુરુ દત્ત)ની સેક્રેટરી તરીકે કામ શરૂ કરે છે. ઝડપથી બન્ને પ્રેમમાં પડે છે. આ બાજુ બાનીના બનેવીના કાવતરાથી રેલવે સ્ટેશન પર રાત્રે બાર વાગ્યે બાનીની પિતરાઈ બહેનનું ખૂન થાય છે. ખરો ખૂની અકસ્માતમાં માર્યો જાય છે ને ખૂનનો આરોપ બાની પર આવે છે. અજય, મિત્ર અને આસિસ્ટન્ટ મોતી(જોની વૉકર)ની મદદથી પ્રિયતમાને નિર્દોષ સાબિત કરવા મેદાને પડે છે. 

ઓપી-મજરુહનાં ગીતો, રોમાન્સ, ખૂન, કોમેડી, ક્લબ સોંગ, કૉર્ટ સીન્સ અને કલાકારોની સુંદર ટીમ આ બધું છતાં ‘ટ્વેલ્વ ઓ ક્લોક’ બહુ ધ્યાન ખેંચી શકી નહોતી. જ્યારે દર્શકોને ખૂન કરનાર, કરાવનાર અને કારણ બધાની ખબર હોય ત્યારે સસ્પેન્સ-થ્રીલર ફિલ્મની અડધી મઝા મરી જાય. પછી તો રસ તો જ જળવાઈ રહે જો દિગ્દર્શક બહુ જ કાબેલ હોય. ‘ટ્વેલ્વ ઓક્લોક’ના દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી કાબેલ નહોતા એમ નહીં, પણ બહુ જ કાબેલ સાબિત થઈ શક્યા નહીં. ગુરુ દત્ત-વહીદા રહેમાન તાજગીભર્યાં અને સરસ લાગતાં હતાં પણ અભિનયની બાબતે સોફેસ્ટીકેટેડ વિલન તરીકે રહેમાને મેદાન માર્યું હતું. 

અને ગીત – ગીતમાં શબ્દો અને સંગીતની મઝા તો છે જ, પણ દર્શકોને ખરી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની કેમિસ્ટ્રી જોવામાં આવે છે. એ માત્ર પડદા પરની કેમિસ્ટ્રી નથી એ સમજાતાં જરા પણ વાર લાગે તેમ નથી. યુટ્યૂબ પર ફિલ્મ અને ગીત બંને ઉપલબ્ધ છે. ફિલ્મમાં પણ ગુરુ દત્ત અને વહીદા રહેમાન પ્રેમ વ્યકત કરવાની એક તક પણ ચૂકી શકતાં નથી. અહીં તો રોમેન્ટિક ગીતનું શૂટિંગ છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાને હોંશથી તક ઝડપી લીધી છે. એકબીજાની સાથે હોવાનો આનંદ અને સાથે હોવા છતાં ખતમ ન થતો તલસાટ બન્ને મુક્તપણે અને સહજપણે વ્યક્ત થઈ ગયાં છે. ઓ.પી. નય્યરનું સંગીત અને મજરૂહ સુલ્તાનપુરીના શબ્દો સંગીત અને શબ્દો પણ મજાનાં છે પણ ગીતની સાચી મઝા ગુરુ દત્ત અને વહીદા રહેમાનની અભિવ્યક્તિમાં છે. 

આ ફિલ્મ બની ત્યારે ગીતા દત્ત-ગુરુ દત્તનાં લગ્નને ચાર વર્ષ થયાં હતાં. ગુરુ દત્તની લાઈફસ્ટાઈલને લીધે સંબંધો વણસવા લાગ્યા હતા. ગુરુ દત્ત અને ગીતા દત્તની કહાણી કોઈ ફિલ્મની વાર્તાથી કમ નહોતી. પ્રતિભા, ગ્લેમર, સર્જનાત્મકતા, સફળતા, પ્રતિષ્ઠા, પ્રેમ, લગ્ન, પીડા અને અત્યંત સંવેદનશીલતા – આટલું ઓછું હોય એમ ગુરુ દત્તની મેલેન્કૉલિક માનસિકતા. મીનાકુમારીમાં પણ આ માનસિકતા હતી. આવા લોકોને દુ:ખી રહેવાનું ગમે છે. તેઓ દુ:ખને પકડે છે અને એટલે પછી દુ:ખ તેમને પકડે છે. 

ગીતા દત્ત સાથેના સંબંધો વણસ્યા એટલે ગુરુ દત્ત અને વહીદા રહેમાન નજીક આવ્યાં કે એ બંને નજીક આવ્યા એટલે ગુરુ દત્ત અને ગીતા દત્તના સંબંધો વણસ્યા? આનો જવાબ કોણ આપી શકે? ગુરુ દત્ત અને ગીતા દત્તને તો અકાળ મૃત્યુએ ખામોશ કર્યા છે અને હવે જૈફ ઉંમરે પહોંચેલી વહીદા રહેમાન, આ પ્રશ્ન પુછાય તો કહી દે છે, ‘માય પર્સનલ લાઈફ ઈઝ નોટ એનીબડી’ઝ બિઝનેસ.’ 

ખેર, દુનિયાદારીની જાળજંજાળ વચ્ચે પ્રેમનું આયુષ્ય ગમે તેટલું ઓછું હોય, આ પ્રતીતિ તો એ આપે જ છે કે કોઈ એક મળી જાય છે અને રસ્તા ફરી જાય છે. માર્ગ પછી લાખો દીવાથી ઝળહળી ઊઠે અને મુસાફરી, મંઝિલને પણ વટાવી દૂર નીકળી જાય છે. ગુરુ દત્ત અને વહીદા રહેમાનના સંબંધનો ભૂતકાળ કે ભવિષ્યકાળ જે હોય તે, વર્તમાન ક્ષણ એમની છે. પ્રેમનાં ગીતની છે. પ્રેમીઓનો મિજાજ તો મજરૂહ સાહબની આ પંક્તિ જેવો જ હોય છે, ‘રોક સકતા હમેં ઝિંદાન-એ-બલા ક્યા મજરૂહ, હમ તો આવાઝ હૈ, દીવારોં સે છન જાતે હૈ’ પછી ગાવું પડે તો એવું પણ ગાઈ લે છે, ‘સુલગતે સીને સે ધુઆં સા ઊઠતા હૈ, લો અબ ચલે આઓ કિ દમ ઘુટતા હૈ, જલા ગયે તન કો બહારોં કે સાયે, મૈં ક્યા કરું કરું હાયે, કિ તુમ યાદ આયે…’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 03 ઑક્ટોબર   2025

Loading

असत्यम् एव जयते: સત્ય જ જીતે છે એવા ભ્રમમાં રહેવું નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 November 2025

હેમન્તકુમાર શાહ

જગતમાં અસત્ય જ જીતતું આવ્યું છે. બહુ બધી ખાનાખરાબી થાય, પછી જ સત્ય જીતે છે. એને જીત પણ ન કહેવાય. ભયાનક નરસંહાર અને દુર્દશા થયા પછી સત્ય જીતે તો એવા સત્યને શું ધોઈ પીવાનું?

સામાજિક સંબંધો, અર્થતંત્ર, ધર્મ અને રાજકારણ બધે એમ જ બને છે એમ રામાયણ અને  મહાભારતના ઇતિહાસથી માંડીને વર્તમાન સુધીનો ઇતિહાસ એની સાબિતી આપે છે. જરા જુઓ સત્યની જીત ક્યારે થઈ અથવા થઈ જ નહીં :

(૧) ચીન અને રશિયામાં કરોડો લોકો રાજકીય ગુલામીની સ્થિતિમાં જીવે છે. ત્યાં તાનાશાહી વર્ષો સુધી ચાલી ને હજુ ચાલુ છે. વિરોધીઓને જેલમાં નાખવામાં આવે છે અથવા મારી નાખવામાં આવે છે.

(૨) મુસ્લિમ બહુમતી ધરાવતા ૩૩ દેશોમાં ઇસ્લામને નામે ગુલામી નથી તો બીજું શું છે? અફઘાનિસ્તાન એનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ.

(૩) હિટલરે આત્મહત્યા કરી. ક્યારે? લાખો લોકોની હત્યા થઈ ગઈ અને કરોડો બીજા વિશ્વ યુદ્ધમાં મરી ગયા પછી અને અનેક દેશો ખેદાનમેદાન થઈ ગયા પછી. 

(૪) જે હિટલર માટે સાચું છે તે જોસેફ સ્ટાલિન, ઈદી અમીન, ચિલીના જનરલ પિનોશેટ, કમ્બોડિયાના ખ્મેર રૂજ અને તેમના જેવા બીજા અનેકોના શાસન માટે સાચું જ છે. 

(૫) રામને સીતા પાછી મળી અને પાંડવો જીત્યા તે પણ હજારો લોકોની બે મહાયુદ્ધોમાં કતલ થયા પછી જ. 

(૬) લોકશાહી દેશોમાં સદંતર જૂઠને આધારે તાનાશાહી ચાલે છે તેનાં બે ઉદાહરણો અત્યારે મોજૂદ છે: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી. અસત્યને આધારે તો તેઓ ચૂંટણીઓ જીતે છે. અમેરિકા અને ભારત બંનેમાં લોકશાહીનું ધનોતપનોત નથી નીકળી ગયું? 

‘સત્યમેવ જયતે’ એ તદ્દન વાહિયાત, અવાસ્તવિક અને ભ્રામક સૂત્ર છે. એ illusion, delusion અને hallucination એટલે કે ભ્રમ, સંભ્રમ અને વિભ્રમ છે. સાપ હોય અને દોરડું દેખાય એમ નહીં પણ, સાપ જ ન હોય, કશું હોય જ નહીં છતાં ય દોરડું દેખાય એવું હોય છે એ. આ સૂત્રનાં મંજીરાં વગાડવાં નહીં. “દિલ કો બહલાને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.” જે જીતે છે એ સત્ય બની જાય છે એ બરાબર યાદ રાખો. 

તો કરવાનું શું? સત્ય માટે ખાઈખપૂચીને મંડી પડતા હોઈએ તે ચાલુ રાખવાનું. એમ કરતાં જે સહન કરવાનું એ સહન કરવાની તૈયારી રાખવાની. જેઓ સત્યના ભ્રમ સાથેના, સત્યની શોધ વિનાના comfort zoneમાં જીવવા માગે છે, ખરું સત્ય એમને માટે છે જ નહીં. એ તો અસત્યમાં પણ માંહી પડ્યા પડ્યા મહાસુખ માણે છે. એમને તો એની જ ખબર હોતી નથી કે સત્ય શું છે, તેઓ એ જાણવાનો પરિશ્રમ પણ કરતા નથી અથવા તો જે તેમને કહેવામાં આવે છે તે જ સત્ય છે એમ તેઓ માની લે છે. “ભલું થયું ભાંગી જંજાળ” એ એમનો જીવનમંત્ર હોય છે. 

સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈમાં કહીએ કે असतो मा सद्गमय – અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. પણ આમાં પ્રભુ કોઈ દહાડો કામમાં લગતો જ નથી. કોઈ લઈ નહીં જાય સત્ય તરફ, આપણે જાતે જવું પડે, ઇચ્છા હોય તો. બાકી અસત્યને સત્ય માનીને જીવ્યા કરવું. 

તા.૧૪-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બે શાશ્વત કોયડા

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar, Gandhiana|14 November 2025

પ્રાસ્તાવિક

સર્વ જગતને મનમાં સતત રાખતાં રાખતાં ભોજન ગ્રહણ કરવાનું જાણે કે વ્રત રાખ્યું હોય તેવા મોહનદાસ કરમચંદ ગાંધીને, ૧૯૩૧માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા વિલાયત જતી વેળા, ફ્રાન્સના વિખ્યાત બંદર માર્સેલ્સ(Marseille)માં જકાત અધિકારીઓએ રોક્યા અને અટકમાં લીધા. પોતાની કને જે કંઈ સરસામાન હોય તેની માહિતી-વિગત આપવા એમને જણાવાયું. એમની તરતપાસ દરમિયાન ગાંધીજીએ કહ્યું : “હું તો ગરીબ ભિખારી છું; મારા સરંજામમાં છે – છ રેંટિયા, જેલનાં તાંસળાં, બકરીનાં દૂધનો એક ડબો, છ લંગોટીઓ અને ટુવાલ, અને મારી આબરૂ – જેની બહુ કિંમત હશે નહિ!” [ગાં.દિ., ૧૧-૯-૧૯૩૧][1]

બી.આર. નંદા સરીખા ઇતિહાસકાર લિખિત In Search of Gandhi (essays and reflections)નો હવાલો આપતાં, કાર્નેગી મેલૉન યુનિવર્સિટીમાં ઇતિહાસ બાબતના અમેરિકી અભ્યાસી, અધ્યાપક નીકો સ્લેટ (Nico Slate) Gandhi’s Search for the Perfect Diet (2019) પુસ્તકના પ્રાસ્તાવિકમાં કહે છે કે પોતાની આ અતિ અલ્પ માલમતાની સરખામણીએ ગાંધીની ખ્યાતિ ક્યાં ય વિશેષ હતી. ગોળમેજી પરિષદમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના એક માત્ર અધિકૃત પ્રતિનિધિને નામે એ ઇંગ્લૅન્ડના રાજવીને ય મળવાના હતા અને બ્રિટિશ શાસકો જોડે ય હિંદની આઝાદી સારુ વાટાઘાટ કરવાના હતા.

આ અગાઉ બ્રિટિશ કન્સર્વેટિવ પક્ષના નેતા વિન્સ્ટન્ટ ચર્ચિલે ૧૯૩૧ના જ ફેબ્રુઆરીમાં ગાંધીજીની તત્કાલીન વાઇસરૉય સાથેની ચર્ચા મુદ્દે ત્યાં સુધી કહેલું કે “મિડલ ટૅમ્પલનો એક વકીલ ગાંધી (ગાંધીજી મિડલ ટૅમ્પલના નહિ પણ ઈનર ટૅમ્પલના વકીલ હતા) જે, પૂર્વમાંના બહુ જાણીતા પ્રકારના ફકીરનો સ્વાંગ સજી રહ્યો છે, અને જે હજી સવિનયભંગની રાજ વિરુદ્ધની ચળવળ ગોઠવી અને ચલાવી રહ્યો છે તે, સમ્રાટના પ્રતિનિધિ સાથે, સમાન દરજ્જે ચર્ચા કરવા માટે, અર્ધનગ્ન દશામાં વાઈસરોયના મહેલનાં પગથિયાં આજે ચઢી રહ્યો છે – એ દૃશ્ય ભયજનક અને ઘૃણાસ્પદ છે.” [ગાં. દિ., ૧૭-૨-૧૯૩૧] પરંતુ ગાંધીજીને પાકું સમજાતું જ હતું કે એમનો બાહ્ય દેખાવ એ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે માટે તદ્દન સુયોગ્ય છે. આર્થર એલ. હરમન Gandhi and Churchill[2]માં લખે છે તેમ, ગાંધીજીને મન એમના દેખાવ અને આહાર અંગેના સંબંધ વિશે લોકો શું કહે છે તે લગીર અગત્યનું નહોતું તે નહોતું જ. 

એ દિવસોમાં ગાંધીજીનું વજન આશરે સોએક રતલ[3] માંડ હશે. એમની ઊંચાઈ પાંચ ફૂટ ને છ ઇંચ હતી. અહિંસાના રસ્તે અને સત્યની શોધમાં આગળ વધતાં વધતાં એમણે પોતાના રોજિંદા આહારમાં સમય સમયે ફેરફાર કરવાનું રાખ્યું હતું. બારિસ્ટર બનવા સારુ વિલાયત પહોંચ્યા ત્યારથી એમણે આહાર વિશે સતત વિચાર કરવાનું જોયું છે. એ વખતે તેમની ઉંમર વીસ વર્ષની હતી. એ યુવાન ગાંધી હતા, મોહનદાસ ગાંધી હતા. એમણે તેની વાત પણ કર્યા કરી છે અને તેને સારુ ભાતભાતના પ્રયોગો ય કર્યા છે. 

નીકો સ્લેટ લખે છે : શાકાહારીપણું, નિમકનો તેમ જ મીઠાઈનો મર્યદિત ઉપયોગ, પ્રક્રમણિત ખોરાક(processed food)ને સંપૂર્ણપણે ત્યાજ્ય ગણવા, વણરાંધેલો ખોરાક લેવો, ઉપવાસ કરવા એમના આહારના પાયાગત આધાર હતા. આ સઘળું એમની રાજકીય ગતિવિધિ સાથે પૂર્ણપણે સંકળાયેલા હતા. આગળ વધીને તેઓ કહે છે, આ તો મૂળે તેમની અહિંસા અંગેની વિચારધારાના ભાગરૂપ જ હતા. એમની અહિંસા અને શાકાહાર એમને માટે અંગત, રાજકીય તેમ જ આહારવિહાર બાબતે સર્વસમાનતાના ભાગ તરીકે નીખરી રહ્યા. જીવન પર્યન્ત આવી સર્વસમાનતામાં જ ગાંધીજી રહ્યા. આહાર આધારિત અહિંસામાં એ લંડનથી દક્ષિણ આફ્રિકા ગયા તે વચ્ચે જ્યાં જ્યાં ગયા ત્યાંના આહારની અનુકૂળતા તપાસતા ગયા અને શક્ય બન્યું તે ગ્રહણ કરતા રહ્યા. 

કેટલાક તજજ્ઞો આ વૃત્તિને culinary cosmopolitanism લેખે છે. વિશ્વનાગરિકપણાનું જ તે એક અગત્યનું પગલું.

આશરે ૨૪૦ પાનના આ, Gandhi’s Search for the Perfect Diet પુસ્તકમાં લેખક, નીકો સ્લેટ સાત પ્રકરણો આપે છે. અને આ પ્રકરણો છે : નિમક, ચોકલેટ, બકરાનું માંસ અને મગફળીનું દૂધ, વણરાંધેલું – છાંડ્યા વિનાનું – અસલ અનાજ, કુદરતી ઓસડિયા, ખેતીવાડી તેમ જ ઉપવાસ; અને સમાપન લેખમાં કેરી અને મહાત્માને વણી લેવાયાં છે. વળી, ઉપસંહારમાં ગાંધીજીના આહાર તેમ જ તે આહાર બનાવવાની રીતરસમને આવરી લેવાયાં છે.

પ્રસ્તુત પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ પુસ્તકમાં ગાંધીજીના આહાર બાબતને સમજતા સમજતા આપણે આ મનેખને અને એમની જીવનીને સમજવા પ્રયત્ન કરીશું. એ માટે નિમિત્ત બનેલા નીકો સ્લેટના પુસ્તક ઉપરાંત, જૉસેફ ઑલ્ટરકૃત Gandhi’s Body [University of Pennsylvania, June 2000] તેમ જ પરમ રૉયકૃત Alimentary Tracts [Duke University Press, Nov. 2010], મો.ક. ગાંધી લિખિત સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને આરોગ્યની ચાવી[4] જેવાં પુસ્તકો અને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથમાળા તથા ગાંધીજીની દિનવારી [સં. ચંદુલાલ ભગુલાલ દલાલ, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય, ૧૯૭૦] જેવા અન્ય પણ ઘણા સંદર્ભોને ઓજાર રૂપે સામે રાખી, ઇતિહાસના બે શાશ્વત કોયડા અંગે પણ પડપૂછ કરી શકીએ : કેવી રીતે જીવન ગુજારવું અને શો આહાર લેવો.

હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ

પુસ્તકના સંપાદકીય માટે લિંક માતા પૂતળીબાઈની સાક્ષીએ — | Opinion Magazine | Opinion Online Gujarati Thoughts Journal

***

પુસ્તક : પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ • લેખક : વિપુલ કલ્યાણી, પૂરક લેખન અને સંપાદન : કેતન રૂપેરા • પ્ર. 3S પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર, 2025 • પેપર બૅક, સાઇઝ : 4.75” x 7.0”, પૃષ્ઠ 112 • ₹ 100

-.-.-

[1] ગાંધીજીની દિનવારી (1915-1948), સંગ્રાહક : ચંદુલાલ ભગુભાઈ દલાલ, પ્ર. માહિતી ખાતું, ગુજરાત રાજ્ય. 1970

[2]  Gandhi & Churchill: The Epic Rivalry That Destroyed an Empire and Forged Our Age, Bantam Books, 2008

[3]  એક રતલ = આશરે સાડા ચારસો ગ્રામ

[4]  હકીકતે, आरोग्य વિશે सामान्य ज्ञान મથાળા હેઠળ ૧૯૦૬માં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં પ્રકાશિત એ લેખ શ્રેણી, જે પછીથી હિન્દી અને અંગ્રેજીમાં પણ પુસ્તકાકારે પ્રકાશિત થતી રહી. પોતાના પ્રયોગોના નિચોડ રૂપ આરોગ્યની ચાવી પુસ્તકના ‘પ્રાસ્તાવિક’માં, ૧૯૪રમાં આગાખાન મહેલમાં નજરકેદ ગાંધીજી લખે છે, “મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં આટલું લોકપ્રિય નથી થવા પામ્યું જેટલું મજકૂર પુસ્તક. … आरोग्यनी चावी ધ્યાન દઈને વાંચનારને અને પુસ્તકમાં આપેલા નિયમોના અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈદ્યોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા બંધાવી શકું છું.” (ર૭-૭-૧૯૪ર)

Loading

...102030...74757677...8090100...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved