Opinion Magazine
Number of visits: 9741738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજે સમાજ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમનનો અનુભવ કરી રહ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2024

રમેશ ઓઝા

પુખ્ત થવું એટલે શું? સમાનાર્થી શબ્દો છે; પાકટ, પરિપક્વ. એવી વ્યક્તિ જે પોતાનાં જીવનને લગતા તમામ મહત્ત્વનાં નિર્ણયો પોતે લેવાની ક્ષમતા ધરાવતી હોય. તેમના વતી કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થાને નિર્ણય લેવાની જરૂર ન પડે એવી વ્યક્તિ. ટૂંકમાં સ્વતંત્ર વ્યક્તિ. એટલે તો તેને પુખ્ત, પાકટ, પરિપક્વ કે પ્રૌઢ તરીકે ઓળખાવવામાં આવે છે. પુખ્ત થયેલો માણસ કાખઘોડીથી મુક્ત થાય છે. ભારતનાં બંધારણમાં પુખ્ત થયેલ વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી કે તે પોતાના વિવેકને અનુસરીને ધર્મ પણ બદલી શકે છે અને જો કોઈ ધર્મ કે ઈશ્વરમાં ન માનવું હોય તો નાસ્તિક પણ રહી શકે છે. મનુષ્યની પુખ્તતા (તેનાં દરેક અર્થમાં) એક અનોખી અવસ્થા છે.

પણ મનુષ્ય પુખ્તતાથી ડરે છે, કારણ કે પુખ્તતા સાથે સ્વતંત્રતા જોડાયેલી છે અને સ્વતંત્રતા એક જવાબદારી છે. સ્વતંત્ર માણસ સ્વતંત્ર નિર્ણય કરે તો તેનાં પરિણામની જવાબદારી પણ તેની જ રહે. એ બીજા કોઈને જવાબદાર ન ઠેરવી શકે. પણ માણસને સ્વતંત્ર થવું નથી અને એમાં એવું બન્યું કે પાંચસો-સાતસો વરસ પહેલાં યુરોપમાં પુનર્જાગરણનાં આંદોલનના ભાગરૂપે મનુષ્યને સ્વતંત્ર કરવામાં આવ્યો. ધર્મથી સ્વતંત્ર કરવામાં આવ્યો, ધર્મગ્રંથ અને ધર્માચાર્યોથી સ્વતંત્ર કરવામાં આવ્યો. સમાજથી સ્વતંત્ર કરવામાં આવ્યો, સામજિક રીતિરિવાજ અને બંધનોથી મુક્ત કરવામાં આવ્યો. માણસને સમાજથી (સમાજના આધિપત્યથી) સ્વતંત્ર કરીને વ્યક્તિ તરીકે સ્થાપવામાં આવ્યો. આને આધુનિકતા કહેવામાં આવે છે અને આધુનિકતાના કેન્દ્રમાં વ્યક્તિ અને તેનું સ્વાતંત્ર્ય છે. તમામ પ્રકારનાં આધિપત્યો વ્યક્તિની સ્વતંત્રતા સામે ગૌણ ગણાવા લાગ્યાં.

આમ તો આ આનંદનો અવસર હતો, પણ માણસ દુઃખી થવા લાગ્યો. એ લોકો પણ દુઃખી થઈ ગયા જેમણે જન્મ સાથે મળતું કે વિશેષ અધિકારના ભાગરૂપે મળતું આધિપત્ય ગુમાવી દીધું. એકને સ્વતંત્રતાથી ભાગવું હતું, કોઈકના ચરણોમાં બેસવું હતું, કોઈકના આદેશ મુજબ જીવવું હતું, કોઈકની આંગળી પકડી લેવી હતી, જીવન જીવવાના પડકારોથી હાથ ખંખેરી નાખવા હતા અને બીજી બાજુ જેણે આધિપત્ય ગુમાવ્યું હતું એ મુક્ત થયેલા લોકોને પાછા પિંજરે પૂરવા માગતા હતા. પણ સમસ્યા એ હતી કે વ્યક્તિના અધિકારોના મશાલચીઓનો ડારો એટલો મોટો હતો કે પિંજરે પૂરવા માગનારાઓ અને પૂરાવા માગનારાઓ એમ બન્ને ડરતા હતા. શંકા કરો, પ્રશ્ન કરો, આધિપત્યને નકારો, અંતરાત્માને કે વિવેકને અનુસરો, પ્રવાહપતિત નહીં બનો, જરૂર પડે તો એકલા ચાલતા શીખો, પોતાના અભિપ્રાયમાં શ્રદ્ધા રાખો વગેરે પ્રકારની સ્વતંત્રતાપરક શીખનો પ્રભાવ એટલો હતો કે ભાગનાર કે પકડનાર એમ બન્ને ડરતા હતા. પણ એનો અર્થ એવો નહોતો કે ભાગનારે ભાગેડુવૃત્તિ અને પકડનારે હાથકંડા અજમાવવાનું બંધ કરી દીધું હતું. એ પ્રવૃત્તિ તો ચાલતી જ હતી. જાણીતા મરાઠી કવિ વિંદા કરંદિકરે કહ્યું છે કે ભારતમાં વિજ્ઞાનની શરૂઆત ચાર્વાકથી થઈ છે, આર્ય ભટ્ટ વગેરે વિજ્ઞાનીઓ દ્વારા નહોતી થઈ. ચાર્વાકદર્શન ભોગવાદી કે જડવાદી દર્શન નથી, તે આધિપત્યને નકારનારું શંકા અને પ્રશ્ન કરનારું દર્શન છે અને વિજ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે. વિજ્ઞાનનિષ્ઠા વિના વિજ્ઞાન સંભવ નથી.

પણ જેમ વ્યક્તિના જીવનમાં બને છે એમ સમાજજીવનમાં પણ પ્રાગ-પ્રૌઢાવસ્થા તરફ પરાગમન થતું હોય છે. પ્રાગ-પ્રૌઢાવસ્થા એટલે વ્યક્તિ પુખ્ત બન્યો તે પહેલાંની અવસ્થા. પરાગમન એટલે પાછા ફરવું. એ દિવસો હતા જ્યારે મમ્મી આંગળી પકડતી હતી, પપ્પા શું પહેરવું, શું ભણવું, ક્યાં ભણવું વગેરે નિર્ણયો લેતા હતા. એ આંગળિયાતપણામાં નિરાંતનો અનુભવ થતો હતો. કોઈ જવાબદારી નહીં. પરાવલંબનનું સુખ. સિગમંડ ફ્રોઈડ અને બીજા મનોવિજ્ઞાનીઓએ આ અવસ્થા વિષે ઊંડું ચિંતન કર્યું છે. માણસ દોટ મૂકીને પાછો ફરવા માંગે છે, કારણ કે તેને પડકારોથી ડર લાગે છે. એકલાં ચાલતા ડર લાગે છે. આ એક પ્રકારની મનોરુગ્ણતા છે.

વ્યક્તિની જેમ સમાજ પણ આવી અવસ્થાનો વચ્ચે વચ્ચે અનુભવ કરે છે અને આજનો યુગ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમનનો યુગ છે એવું નિરીક્ષણ આપણા કવિ સિતાંશુ યશશ્ચન્દ્રે ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકમાં કર્યું છે અને તેમાં તેમણે કરેલી વિવેચના મનનીય છે. સમાજ પુખ્તતાનો ડર અનુભવે છે. જે યુગમાં સંકટ ઘેરાવા લાગે, વિકટ થવા લાગે, પડકારો મોટા થવા લાગે, ધોરી રસ્તો ટૂંકો થતો જાય અને છેવટે રૂંધાતો લાગે, ભવિષ્ય વિષે ચિંતા થવા લાગે ત્યારે લોકો ડરી જાય અને એ સામૂહિક ડર અનેકરૂપે પ્રગટ થાય. આજે આપણે તેનો અનુભવ કરી રહ્યા છીએ. વ્યક્તિની સ્વતંત્રતાને સ્થાપનારી આધુનિકતા સામે જેમનો પરાજય તો નહોતો થયો, પણ જે લોકો થોડાક હાંસિયામાં ધકેલાઈ ગયા હતા એ લોકોને પાછું આધિપત્ય જમાવવાનો અવસર મળી ગયો છે. એ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. ગાંધીજીએ ડર છોડાવીને નિર્ભય બનાવ્યા હતા, જ્યારે આ લોકો ડરાવીને નિર્ભય બનાવે છે. અમારી આંગળી નિર્ભયતાની ગેરંટી આપે છે, પણ એ માટે અમારી આંગળી પકડવી પડશે અને જો નહીં પકડો તો તમારું શું થશે એ તમે જાણો.

આધુનિક યુગમાં સમાજે ક્યારે ય નહોતું અનુભવ્યું એવું મોટું સંકટ સામે છે. માણસ ડરેલો છે અને માટે તેને વધારે ડરાવીને નિર્ભય બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે. ભૂલી જાઓ સ્વતંત્રતા અને અધિકારો. એણે શું આપ્યું તમને? આ ભવસાગરમાં નોંધારા છોડી મૂક્યા માટે પૂળો મૂકો તેને, અને આવો પાછા, વાડે પૂરાઈ જાઓ. તમારે કાંઈ જ કરવાનું નથી, માત્ર અમારામાં શ્રદ્ધા રાખવાની છે. આ અવસ્થાનું નામ પ્રાગ-પ્રૌઢાવસ્થા પરાગમન.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 ઍપ્રિલ 2024

Loading

ભારતની ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ બન્ને પર આખી દુનિયાની નજર છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 April 2024

ભા.જ.પા. સરકાર જો ફરી સત્તા પર આવે તો સત્તાધીશો શબ્દો અને કર્મો વચ્ચેની ખાઇ કેટલી હદે પુરાશે એ જોવામાં પણ અનેક રાષ્ટ્રોને રસ છે. લોકશાહી, અર્થતંત્ર, ધ્રુવીકરણ જેવા બહુસ્તરીય પ્રિઝમથી ભારતની ચૂંટણીને નાણવામાં આવી રહી છે.

ચિરંતના ભટ્ટ

આપણે બધાં જ અત્યારે ચૂંટણીની મોસમમાં છીએ. છ અઠવાડિયા અને સાત તબક્કામાં મતદાન થવાનું છે અને છેક 1લી જૂને મતદાન પૂરું થશે. ભારત એ દુનિયાનાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાંનો એક તો છે જ, પણ આપણું અર્થતંત્ર પણ દિવસે દિવસે પોતાનું કદ વધારી રહ્યું છે. આપણે ત્યાં અર્થતંત્રની ખાઇ બહુ જ મોટી હોવા છતાં પણ વિદેશી કંપનીઓને અહીં તગડું માર્કેટ મળી રહે છે અને માટે જ ભારતમાં કોની સરકાર બને છે તે જાણવાની તાલાવેલી વિદેશી રાષ્ટ્રોને પણ છે. રાજકીય ભૌગોલિક સમીકરણની દૃષ્ટિએ પણ ભારત એવી રીતે દુનિયાના નકશે ગોઠવાયેલો છે કે આપણા રાજકારણમાં રસ લીધા વિના વિદેશી રાષ્ટ્રોને છુટકો નથી. ગયા વર્ષે G20 સમિટ ભારતમાં યોજાયું અને ઘણાં બધાં મહત્ત્વનાં કહી શકાય એવા વિદેશી નેતાઓ સાથે વડા પ્રધાને મુલાકાત કરી. સમિટમાં પણ જે રીતે વિશ્વ સ્તરીય નેતૃત્વને આમંત્રણ અપાયા હતા તેમાં ભારતને એક વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોવાનો દૃષ્ટિકોણ કેળવાય તેની પૂરી તકેદારી રખાઇ હતી. આપણી લોકશાહી અન્ય રાષ્ટ્રો સાથેના આપણા સંબંધો માટે અગત્યનો પાયો છે. જો કે લોકશાહીનું રૂપ જેવું હોવું જોઇએ એવું નથી રહ્યું અને સતત એવી ઘટનાઓ ઘટે છે જ્યાં લોકશાહીના પાતળા પડી રહેલા પોતની ચિંતા કરવી પડે એમ કહેવામાં પણ જરા ય અતિશયોક્તિ નથી. ઇન્વેસ્ટીગેટિંગ એજન્સીઝના સપાટામાં ભલભલા લોકો આવી ગયા છે, વિરોધપક્ષના નેતાઓ જેલમાં છે અથવા તો એવી રીતે ભેરવાયેલા છે કે કંઇ બીજું કરી શકે એમ નથી. સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકાર તો એમ જ દાવો માંડે કે તપાસ એજન્સીઓની કામગીરીમાં તેમનો કોઇ ફાળો નથી. પણ ભારતીય મતદાતા સાવ ભોટ તો છે નહીં એવી વાતો માની લે, હા એમ થઇ શકે કે રાજકીય ઝુકાવને વધુ મહત્ત્વ આપતા હોવાથી લોકશાહીને હાંસિયામાં ધકેલાતી હોવા છતાં તેનુ શું કરવું જોઇએ તે વિશે વિચારવામાં કે તેના હાલ જોવામાં તેમને કોઇ રસ ન હોય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારો-ખરાબ કે સાચો-ખોટો વહીવટ કરે છે કે કેમ એ ચર્ચા અત્યારે અસ્થાને છે, કારણકે જે છે એ આપણી નજર સામે છે. આ વહીવટનાં કેટલાં સારાં પરિણામો આવ્યા છે તો કેટલા ય પરિણામો એવા છે જે કઠે. અત્યારે આપણને શું કેવું લાગે છેની ગણતરી બાજુમાં મૂકી દઇએ અને વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદી એક વડા પ્રધાન તરીકે પોતાની છાપને જાળવવા કેટલી તકેદારી રાખે છે તેની પર નજર કરીએ. આ જોવું જરૂરી છે કારણ કે ભારતનું મહત્ત્વ વૈશ્વિક સ્તરે વધારવું હોય તો આ બધી પહેલ ગણતરીમાં લેવી પડે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારમાંથી જરા બ્રેક લઇને રશિયાના પુતિન અને યુક્રેઇનના ઝેલેન્સ્કી સાથે વાત કરી. તેમણે બન્ને રાષ્ટ્રોને ભારત સાથેની ભાગીદારી મજબૂત કરવા અંગે સૂચવ્યું. બે રાષ્ટ્રો જે અત્યારે એકબીજાની સામે છે તેમને બન્નેને ભારત તરફથી એમ બાંયધારી મળી કે આ સંઘર્ષનો શાંતિપૂર્વકનો ઉકેલ શોધવામાં ભારત તેમને ચોક્કસ મદદ કરશે. આ પહેલાં મોદીએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ઇઝરાયલ મોકલી આપ્યા હતા. ઇઝરાયલ સાથે આપણે સારા સંબંધો જ છે પણ અહીં મોદીએ ઇઝરાયલને એમ સંદેશો પાઠવ્યો કે ભારત તમારો મિત્ર છે એમ માનીને તેના ટેકાને હળવાશથી લેવાની જરૂર નથી. ઇઝરાયલને કારણે ગાઝામાં જે મોતનું તાંડવ ખેલાયું છે તે અંગે આખી દુનિયામાં થુ થુ થઇ રહ્યું છે (એવા પશ્ચિમી રાજ્યો પણ આની ટીકા કરી રહ્યા છે જે છાને ખૂણે આ સંઘર્ષ ચાલુ રહે એમ ઇચ્છે છે) અને માટે જ ઇઝરાયલને ભારતનો ટેકો હોવા છતાં જ્યાં જરૂર પડે ત્યાં ટકોર કરવામાં આપણું નેતૃત્વ ચૂકતું નથી એવો સંદેશ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરાયો.

રાજકારણમાં ‘ઇમેજ-મેનેજમેન્ટ’ બહુ જરૂરી છે અને વડા પ્રધાનને આ બહુ જ સારી રીતે ખબર છે. આમ તો આ બધાં જ રાજકારણીઓને ખબર હોય છે પણ વડા પ્રધાને આ મામલે લેસન પાકું કરેલું છે. મુત્સદ્દી પહેલથી વૈશ્વિક સ્તરે પોતાની છબી જાળવવામાં તે કોઇ કચાશ નથી છોડતા.

ટૂંકમાં ઘરે પ્રસંગ હોવા છતાં – એટલે કે ચૂંટણી હોવા છતાં વડા પ્રધાને બે મોટા વૈશ્વિક સંઘર્ષોને સંબોધીને મોદીએ સાબિત કર્યું કે તેઓ ભારતની આંતરરાષ્ટ્રીય જવાબદારી સમજે છે. આડકતરી રીતે એમ કે ભારત વૈશ્વિક રાજકારણમાં અગત્યનો ભાગ ભજવે છે તેને હળવાશથી ન લેવાય. રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી ટાણે તત્કાલિન નેતૃત્વને બહુ ગંભીરતાથી નથી લેવાતું પણ મોદીને મામલે માહોલ અલગ છે. એવા ઘણા વૈશ્વિક નેતાઓ છે જે ચાહે છે કે મોદી સત્તા પર પાછા ફરે અને માટે જ આપણી ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. આપણે એક રાષ્ટ્ર તરીકે ખૂબ સંકુલ છીએ, એક કરતાં વધારે પક્ષ છે (હજી  સુધી તો છે – રહે તો સારું ભગવાન! ) અને એક બહુસ્તરીય સમાજમાં ચૂંટણી પંચ કઇ રીતે સફળતાથી ચૂંટણી પાર પાડે છે એ જોવું અને જાણવું કોઇને માટે પણ અજાયબીનો વિષય સાબિત થાય છે. ચૂંટણી પંચ લોકશાહી ઢબે જ ચાલતું આવ્યું છે જો કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૂંટણી પંચની સ્વાયત્તતામાં છેકછાક થઇ જ છે, આપણે આ વિશે પહેલાં જ વાત કરી ચૂક્યા છીએ. જો કે એ તો ‘ઘરની અંદર’ની વાત છે. છતાં ય આપણા દેશની લોકશાહી નબળી પડી રહી હોવાનાના મુદ્દા આંતરરાષ્ટ્રીય સ્તરે એટલો ઘોંઘાટ તો કરી ચૂક્યા છે કે એના લીધે તમામની નજર ભારતની ચૂંટણી પર છે જ.

આપણી લોકશાહી દોષરહિત નથી પણ છતાં ય ચૂંટણીને કારણે સત્તા પરિવર્તન આપણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે જોયું છે (એમાં ગોટાળા પણ થતા હોય છે પણ એ વાત ફરી ક્યારેક). પશ્ચિમી રાષ્ટ્ર ન હોવા છતાં આપણી લોકશાહી, બંધારણ અને ન્યાયતંત્રનો વ્યાપ, આદર અને તેની જોગવાઇની અસરકારકતા અન્ય રાષ્ટ્રોમાં કુતૂહલ ચોક્કસ જાગાડે છે.

ભા.જ.પા.નું નેતૃત્વ પોતે દ્વેષપૂર્ણ હોવાની ખરડાયેલી છબીને સાફ કરવા જરા વધારે મહેનત કરે તો સારું. એ સારું છે કે ભા.જ.પા.એ પ્રજ્ઞા ઠાકુર, રમેશ બિધુરી અને પરવેશ વર્મા જેવા વિવાદાસ્પદ સભ્યોને લોકસભાની ટિકીટ નથી આપી, પણ તેની સામે હજી ગણતરીના દિવસો પહેલાં વડા પ્રધાને જે ભાષણ કર્યું એ ચોક્કસ યોગ્ય નહોતું. વાઇરલ થયેલા આ ભાષણમાં એમણે મુસલમાનો વિષે જે રીતે વિધાનો કર્યા એ કોઇ વડા પ્રધાનને છાજે એવી ભાષા હતી જ નહીં. ધાર્મિક લધુમતીઓ પ્રત્યેનો આક્રોશ ઠારવો પડશે નહીંતર આ વૈવિધ્યપૂર્ણ રાષ્ટ્રની ઓળખ ખાડે જશે. પશ્ચિમમાં ઇસ્લામોફોબિયા એક મોટો પ્રશ્ન છે પણ ભારતને એ નહીં પોસાય એ સમજવું પડશે અને આપણે જ એક સહિષ્ણુ રાષ્ટ્ર હોવાની મિસાલ બનવું પડશે અને બનવું જોઇએ.

અન્ય રાષ્ટ્રોને આપણે ત્યાં સત્તા પર કોણ આવે છે એ જાણવાની તાલાવેલી હોવાનું કારણ આપણું અર્થતંત્ર પણ છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષને કારણે મોટા ભાગની યુરોપિયન અર્થવ્યવસ્થાઓ હચમચી ગઇ છે. ચીનની અર્થ વ્યવસ્થાના હાલ કોવિડ-19 રોગચાળા પછી માંડ બેઠી થઇ રહી છે. વળી ચીન અને રશિયા સાથે બિઝનેસ ન કરવો હોય તો ભારત રાજકીય ભૌગોલિક દૃષ્ટિએ પણ આદર્શ પસંદગી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અનુસાર આપણો વિકાસ દર 6.5 ટકા છે. આપણું અર્થતંત્ર અન્ય રાષ્ટ્રો કરતાં બહેતર હોવાને કારણે અને અહીં મોટું માર્કેટ હોવાને કારણે અન્ય દેશોને ભારતમાં ભારે રસ છે. સ્થિર રાજકીય સ્થિતિ અને આર્થિક વાટાઘાટો માટે સાનુકૂળ વાતાવણ પૂરું પાડવાનું વડા પ્રધાને વચન આપ્યું છે અને માટે જ આપણી ચૂંટણીમાં બધાંને રસ છે. ભારત સાથે અત્યાર સુધી કરેલા વ્યાપારી કરાર અને સોદાને આગળ વધારવા માટે પણ સત્તા પર કોણ આવે છે એમાં રોકાણકાર રાષ્ટ્રોને રસ હોય તે સ્વાભાવિક છે. મોદીએ વિદેશી રાષ્ટ્રો સાથે સારાસારી રાખીને જ્યાં શક્ય બન્યું છે ત્યાં ભારતીય રહેવાસી અને વિદ્યાર્થીઓ માટે પણ બહેતર જોગવાઇ કરાવડાવી છે (આ એમણે ઑસ્ટ્રેલિયામાં કર્યું છે પણ પેલું ‘વૉર રુકવા દી’ વાળી વાત બોગસ છે.) મોદીનો અભિગમ બહુ સ્પષ્ટ છે, તે લેવડ-દેવડમાં માને છે અને વિદેશી રાષ્ટ્રો પણ પોતાના લાભ માટે સામે લાભ આપવા તૈયાર છે.

રાજકારણ સ્વાર્થનો ખેલ છે. આપણી લોકશાહીની મજબુતાઇ આપણા રાષ્ટ્રની છબીને બહેતર બનાવશે. બહાર બધું ચકાચક હશે ને અંદરખાને અરાજકતા, ધુર્વીકરણ અને સરમુખત્યાર વલણ ચાલશે તો તેમાં વૈશ્વિક છબી પર ફેર તો પડવાનો જ છે. આપણે ત્યાંની તપાસ એજન્સીઓ, ઇલેક્ટોરલ બોન્ડની બબાલ, એસિડીક ભાષણો, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળના મુદ્દાઓ પર પણ વિદેશી રાષ્ટ્રોની નજર છે જ અને માટે જ તેમને આ ચૂંટણીના પરિણામમાં જ નહીં પણ તેની પ્રક્રિયામાં પણ રસ છે.

બાય ધી વેઃ

સત્તા પક્ષના દાવા, વચનો અને કર્મો વચ્ચેના તફાવત પર વિદેશી રાષ્ટ્રોની નજર છે. ભારતની સમૃદ્ધિમાં તેમનો સ્વાર્થ સરતો હશે તો જ તેમને ભારતમાં રસ છે – આ પશ્ચિમી રાષ્ટ્રોનું વલણ છે. વૈશ્વિક સ્તરે સ્થિર રાજકીય સંજોગો અને મજબૂત લોકશાહી આ બન્ને પાસા કોઇપણ રાષ્ટ્ર માટે અગત્યનાં હોય છે. વળી આપણે ત્યાં બેરોજગારી અને સ્થળાંતર અંગેના પ્રશ્નો તો વિદેશમાં વસનારા ભારતીયોને પણ સતાવે છે. મોદી શું કહે છે અને કરે છે તે તો બધા જુએ જ છે પણ જે નથી થઇ રહ્યું તેની પર પણ સૌની ચાંપતી નજર છે એ ભુલવું ન જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024

Loading

આવા હોય દેશના વડા પ્રધાન!

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2024

રમેશ ઓઝા

ઘણાં અરમાનો હતાં જવાહરલાલ નેહરુને ઊખેડીને તેમની જગ્યા લેવાનાં. તેમને ઝાંખા પાડી દેવાનાં. આપણે એ વાત જાણીએ છીએ કે પૂર્વસૂરિઓના ખભા પર ચડવાથી વધારે દૂર સુધી દેખાય, ક્ષિતિજ વિસ્તરે. ઇતિહાસમાં જેટલા મહામાનવો થયા છે એ આ રીતે જ થયા છે. પણ અહીં ઈરાદો નેહરુના ખભા પર ચડવાનો નહોતો, નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો હતો, તેમને ઝાંખા પાડવાનો હતો. જો કે એમાં પણ કાંઈ ખોટું નથી જો એવા કોઈ માણસનું તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિકોણ અપ્રાસંગિક લાગતો હોય તો. ઇતિહાસમાં એવા પણ મહામાનવ થયા છે, વિચારકો થયા છે જેમણે આગળથી ચાલ્યા આવતા વિચારોને, દૃષ્ટિકોણને અપ્રાસંગિક સિદ્ધ કર્યા છે અને નવું તત્ત્વજ્ઞાન અને જીવનમૂલ્યો સ્થાપિત કર્યાં છે.

તો ઇતિહાસમાં જગ્યા મેળવવાના બે રસ્તા છે. એક આગળ થઈ ગયેલા મહામાનવોના ખભા પર ચડીને દૂરનું જુઓ અને માર્ગનો વિસ્તાર કરો. જવાહરલાલ નેહરુ આવા એક મહાપુરુષ હતા. ખભા પર ચડીને દૂરનું જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. દરેકને ખભા પર ચડવાથી દૂરનું દેખાતું નથી. બીજો રસ્તો છે જૂના માર્ગને અપ્રાસંગિક સિદ્ધ કરીને પોતાનો માર્ગ કંડારવાનો. બીજો માર્ગ વધારે અઘરો છે, કારણ કે તેમાં વૈકલ્પિક દર્શન જોઈએ. ગજબની મૌલિકતા જોઈએ. દુનિયાથી અલગ વિચારવા માટે અને જીવી બતાવવા માટે હિંમત જોઈએ. આવા લોકોને યુગપુરુષ તરીકે ઓળખાવી શકાય.

મહાત્મા ગાંધીનું દર્શન કે ફિલસોફી અવ્યવહારુ છે અને એટલે અપ્રાસંગિક છે એવું ઘણાને લાગતું હતું અને આજે પણ લાગે છે. લોકમાન્ય તિલક અને લાલા લજપતરાયે તો ગાંધીજીને પત્ર લખીને મોઢામોઢ આમ કહ્યું હતું. કાનાફૂસી નાના અને નીચ માણસો કરે, મોટા માણસો આંખથી આંખ મેળવીને વાત કરે. બીજી બાજુ એવા લોકો પણ હતા જેમને એમ લાગતું હતું કે ગાંધીજીનું દર્શન નવી દિશા આપનારું છે. બહુ ખેડાયેલા, પણ સમાજને સાચી શાંતિ નહીં આપનારા માર્ગને ક્યાં સુધી ખેડતા રહેવાનો! સમાજ નામના વટેમાર્ગુને ગાંધીજીએ નવો રસ્તો બતાવ્યો. આધુનિક યુગમાં જો કોઈની પ્રાસંગિકતા વિષે સૌથી વધુ ચર્ચા થઈ હોય તો એ ગાંધીજી વિષે. આજે પણ થાય છે, લગભગ દર અઠવાડિયે એક નવું પુસ્તક બજારમાં આવે છે. જો જવાહરલાલ નેહરુને ઊખેડીને ફગાવી દેવા હોય તો એ પહેલાં ગાંધીજીને અપ્રાસંગિક સિદ્ધ કરવા પડે.

અને આમ શા માટે કરવામાં ન આવે? શું ગાંધીજી અને નેહરુ છેલ્લો શબ્દ છે? બ્રહ્મવાક્ય છે? શું તેઓ ભગવાન છે? શું ભારતના ભાગ્યવિધાતા છે? એ પણ હાડમાટીના બનેલા માણસો હતા. એરણની ઉપર એ પણ ટીપાવા જોઈએ. તેમનું દર્શન અને તેમના અભિગમ અમને અવ્યવહારુ, અપ્રાસંગિક કે સમાજ કે સમાજના કોઈ એક ઘટકની વિરુદ્ધ લાગે છે તો તેમને ઊખેડી ફેંકવાનો દરેકને અધિકાર છે. પણ આગળ કહ્યું એમ તેને માટે વૈકલ્પિક દર્શન જોઈએ અને ગજબની મૌલિકતા જોઈએ.

અન્ય કોઈની માફક હિન્દુત્વવાદીઓને તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાનો અને નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો અધિકાર છે. તેમના એ અધિકારનું આપણે સ્વાગત કરવું જોઈએ. પણ તેઓ એમ કરી શક્યા છે? વિચારી જુઓ, તેઓ સફળ થયા છે? આવતા દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વરસ થશે, હિંદુ મહાસભાની સ્થાપનાને ૧૧૪ વરસ થયાં, હિંદુહિતની સામાજિક-રાજકીય વિચારધારાનાં ભારતમાં બીજ રોપાયાં એને દોઢસો કરતાં વધુ વરસ થયાં. ગાંધીજી હજુ શાળામાં ભણતા હતા ત્યારથી આની શરૂઆત થઈ હતી. એમ કહી શકાય કે ગાંધીજીના જન્મ સાથે જ ગાંધીજીનો પ્રતિવાદ કરનારી વિચારધારાનો જન્મ થઈ ચુક્યો હતો. આ કોઈ ઓછો સમયગાળો નથી. આ લોકોએ ખાસું લાંબુ ખેડાણ કર્યું એ પછી ગાંધીજીનો ક્ષિતિજે ઉદય થયો હતો.

પણ આજે આપણે જોઈએ છીએ કે તેઓ બિચારા ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાના અને નેહરુને ઊખેડીને ફેકી દેવાના ફાંફા મારે છે. કારણ એ છે કે તેમની પાસે કોઈ વૈકલ્પિક દર્શન નથી. વૈકલ્પિક દર્શન નથી એટલે તેઓ મૌલિક વિમર્શ કરી શકતા નથી. તેમની પાસે આ બન્ને મહાનુભાવોની બદનામી કરવા સિવાય કોઈ સાધન નથી. ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જગ્યાએ તેઓ કાનાફૂસી કરે છે. વોટ્સેપ જુઠાણાં ફેલાવે છે. આ બધું જોઇને તેમની ઉપર ગુસ્સો નથી આવતો, દયા આવે છે. આટલી દરિદ્રતા? ગાંધીજીની ફિલસૂફી અપ્રાસંગિક છે એ સિદ્ધ કરતું એક પુસ્તક તેઓ સો વરસમાં આપી શક્યા નથી. નેહરુની નીતિની ટીકા કરનારા સેંકડો પુસ્તકો પ્રકાશિત થયા છે, પણ સંઘ પરિવાર એવું એક પણ પુસ્તક આપી શક્યો નથી.

પ્રશ્ન એ છે કે કોઈ સંસ્થા, સંગઠન, પ્રવૃત્તિ કે આંદોલન કેવળ બીજાની ટીકા કરીને અને એ પણ એકપક્ષીય, એટલું જ નહીં, પણ માત્ર અને માત્ર કાનાફૂસી કરીને કેટલો સમય ચાલે અને જો ચાલે તો કેટલા પ્રભાવી બની શકે? હિન્દુત્વવાદીઓ સંકટમાં આવે ત્યારે રસ્તા પરથી હટીને ઝુકી જાય છે એટલે ટકી તો શક્યા છે, પણ દેશના હિંદુઓને તેઓ કશું જ આપી શક્યા નથી. આવા દીર્ઘાયુનો પણ શો અર્થ? તેઓ ભારતમાં સંપૂર્ણ બહુમતી સાથે શાસન કરે છે, એ પછી પણ હિંદુઓને આપવા માટે તેમની પાસે કાંઈ જ નથી. દસ વરસમાં તેમણે મુસલમાનો પાસેથી છીનવી લીધું છે, પણ હિંદુઓને કશું મળ્યું નથી. હા, મુસલમાનોનું છીનવાય એમાં હિંદુઓ પ્રાપ્તિ સમજતા હોય તો જૂદી વાત છે.

આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનના ચૂંટણીસભાઓમાં કરવામાં આવતાં ભાષણો સાંભળો. મારી વાત સાબિત થઈ જશે. બીજાને ગાળો આપવા સિવાય અને હિંદુઓને ડરાવવા સિવાય તેમની પાસે કશું જ કહેવાનું નથી. અને એમાં પણ જેમ જેમ પ્રતિકૂળતાઓ વધી રહી છે એમ વડા પ્રધાન પાસેથી અપેક્ષિત મર્યાદા તૂટી રહી છે અને સભ્યતાનું સ્તર નીચે જઈ રહ્યું છે. આવા હોય દેશના વડા પ્રધાન!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024

Loading

...102030...748749750751...760770780...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved