Opinion Magazine
Number of visits: 9741958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સલામત રહીએ આપણે બધાં.

પલ્લવી ત્રિવેદી [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|30 April 2024

આજે પલ્લવી ત્રિવેદીના એક કાવ્યનો અનુવાદ. અઠંગ પ્રકૃતિપ્રેમી કવિને તમે અહીં પણ વાંચી શકશો : kuchehsaas.blogspot.com 

•

કીડી અનાજ ભેગું કરે છે

ઊંટ પાણી સંઘરે છે 

પાઈ પાઈ કરીને ગૃહિણી ભેગા કરે છે સિક્કા 

અને પ્રેમિકાઓ એકઠો કરે છે 

પ્રેમીની આંખોમાંથી ઝરતો સ્નેહ, પોતાના કઠિન સમય માટે.

પૃથ્વી યુક્તિઓ કરે છે થોડીક લીલપ બચાવી રાખવાની

આકાશ થીગડું દેવાની કારીગરી શીખે છે

એના પહેરણના એક મોટા કાણાને રફૂ કરવા માટે

સૌથી ખરાબ દિવસો માટે હું પણ

એક લાલ ડબ્બીમાં એકઠી કર્યે રાખું છું

થોડીક વસ્તુઓ

જેમ કે પક્ષીના ગાનનો કલરવ, સપ્તરંગી હાસ્ય બાળકોનું ,

કોમળ સ્પર્શ ખિસકોલીના પંજાનો, ઘેરી ઉદાસીભરી સંધ્યાઓ

કોઇ થાબડતું હોય એવું સંગીત

કલેજું ચીરી નાખતા વ્યાકુળ પોકાર

અને યાદો, એ લોકોની.

જેમની પાસેથી ક્ષમા અને પ્રેમ મળ્યા, 

બિનશરતી.

ખરાબ સમયની વ્યાખ્યાઓ તો ઢગલાબંધ છે

દરેકનો ખરાબ સમય બેહદ પોતીકો હોય છે.

જ્યારે પણ મારી અંદરની માનવતાને શ્વાસ ભરાવા લાગે છે

ત્યારે શરૂઆત થાય છે મારા ખરાબ સમયની.

બહુ ઉમદા હવાઈ છત્રી છે મારી લાલ ડબ્બી

કાયમ અણીના સમયે ખૂલી જ જાય છે

ને એવી રીતે દર વખતે હું બચી જાઉં છું

ને આ પૃથ્વી પણ. 

ડબ્બીઓ આવી ભરેલી રહે,

સલામત રહીએ આપણે બધાં.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘તમામ મોસમના વિચારક’ સુધીર કક્કડને અલવિદા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2024

રાજ ગોસ્વામી

માનવ મન અને તેની તાકાતમાંથી પેદા થયેલી, સારી અને ખરાબ, અનેક ચીજો સદીઓઓથી વિસ્મય અને અભ્યાસનો વિષય રહી છે. એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સની અભૂતપૂર્વ સર્વગ્રાહી પ્રગતિ છતાં, કોઈ એક ક્ષેત્ર રહસ્યમય રહી ગયું હોય, તો તે છે માણસનું મન. પગના નખથી લઈને માથાના વાળ સુધીનું શરીરતંત્ર કેવી રીતે કામ કરે છે, તેનાં તમામ રહસ્યોનો વિજ્ઞાને તાગ મેળવી લીધો છે, પરંતુ મન-મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બે વ્યક્તિ કે બે સમુદાયોનાં મન અલગ પડે છે, કેવી રીતે અમુક બાબતો પૂરી માનવજાતની માનસિકતામાં એક સરખી છે અને કેવી રીતે અમુક ચીજો અત્યંત ભિન્ન છે તે સમજવા માટે વિજ્ઞાનીઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

જ્યારે વિજ્ઞાનનો, અને ખાસ કરીને માનસ વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે, માણસના વિચાર અને વ્યવહારને સમજવાનું કામ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકો કરતા હતા. માણસના કોઇ પણ વર્તનનું મૂળ તેના શરીરની અંતરિક રચનામાં છે, એટલે, ઋષિ-મુનિઓ અને દાર્શનિકોએ માણસના અંતરઆત્મા પર ફોકસ કર્યું હતું જેથી તેની એક પેટર્ન સમજી શકાય અને તેનું નિયંત્રણ કરી શકાય.

પશ્ચિમમાં, પૃથ્વી પરના પ્રાકૃતિક જગતને સમજવા માટે નેચરલ સાયન્સનો વિકાસ થયો ત્યારે, બાયોલોજીની સાથે સાથે સાઈકોલોજીની અલગ વિદ્યા અમલમાં આવી હતી, જે માનવીય મન અને તેના વ્યવહારોનો ફોડ ફાડી શકે. તેના કારણે જ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકોનું પ્રભુત્વ ઘટી ગયું.

જીવનની દરેક બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ સમજવાના આગ્રહના કારણે પશ્ચિમમાં છેલ્લાં 200 વર્ષમાં મનોવિજ્ઞાનમાં જબરદસ્ત તરક્કી થઇ છે અને અવ્વલ દરજ્જાના મનોવિજ્ઞાનીઓને જન્મ આપ્યો છે, જેમણે એકલ મનની ગહેરાઈની તલાશ કરી છે એટલું જ નહીં, સમાજ અને સંસ્કૃતિના વિકાસની વિશેષતાઓને પણ મનોવૈજ્ઞાનિક ઢબે સમજી છે.

ભારતમાં એવું કામ સુધીર કક્કડે કર્યું હતું. ગઈ 23મી એપ્રિલે, 85 વર્ષના મનોવિશ્લેષક અને લેખક સુધીર કક્કડનું નવી દિલ્હીમાં 85 વર્ષની વયે કેન્સરમાં અવસાન થયું, ત્યારે, કેનેડા સ્થિત ઈરાનિયન ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી રમિન જહાનબેગલૂએ, તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખના મથાળામાં સુધીર કક્કડને ‘ધ થિંકર ઓફ ઓલ સિઝન્સ’ (તમામ મોસમના વિચારક – સર્વકાલીન વિચારક) ગણાવ્યા હતા.

તેમાં તેઓ લખે છે, “સુધીર એક બહુઆયામી અને બહુ-દૂરદર્શી વિચારક હતા, જેમણે મિથકો, રિવાજો, મેલી વિદ્યા, ડોકટરો, સપનાં, હિંસા અને ભારતીય માનસ વિશે ઘણું લખ્યું હતું. તેમને ભારતીયોની ભારતીયતા અને તેઓ કેવી રીતે રહે છે, વિચારે છે અને એકબીજા સાથે જોડાયેલા રહે છે તેમાં વિશેષ રસ હતો.” 

સુધીર માત્ર મનોવિજ્ઞાની જ નહીં, ઇજનેર અને અર્થશાસ્ત્રી પણ હતા. તેમણે સ્નાતકની પદવી અને બાદમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમ જ ઘણી વિદેશી કોલેજોમાં ભણાવ્યું હતું. તેમને ભારતીય સમાજનું અર્થઘટન કરવામાં રસ હતો. તેમને ધર્મ અને રાજકારણની સાથે રાજકીય સંબંધોમાં પણ રસ હતો.

કક્કડ સાંસ્કૃતિક મનોવિજ્ઞાન અને ધર્મના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્વાન હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર, હાર્વર્ડ ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં સિનિયર ફેલો અને શિકાગો, મેકગિલ, મેલબોર્ન, હવાઈ અને વિયેના યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રોફેસર હતા.

કક્કડે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હીમાં પણ ભણાવ્યું છે. તેમણે નોન-ફિક્શનનાં 20 પુસ્તકો લખ્યાં હતાં, જેમાં જેમાં ધ ઈન્ડિયન્સઃ પોર્ટ્રેટ ઓફ અ પીપલ (વેન્ડી ડોનિગર સાથે) અને ધ ક્રિમસન થ્રોનનો સમાવેશ થાય છે, જેને 2010ના ક્રોસવર્ડ બુક એવોર્ડ ફોર ફિક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

ભારતીયતા એટલે શું? આપણે તેને ઇતિહાસ, પરંપરા, ધર્મ અને ભૌગોલિકતાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. સુધીર કક્કડે તેના કેન્દ્રમાં અનુકંપા મૂકી છે. દરેક સંસ્કૃતિ વિશ્વને અને તેમાં મનુષ્યના સ્થાનને પોતપોતાની રીતે જુએ છે. તે દૃષ્ટિ પછી જે તે સંસ્કૃતિના રહેવાસીઓના માનસને ઘડે છે. આપણી સંસ્કૃતિ દુનિયાને અનુકંપાથી જુએ છે, તેવી સુધીર કક્કડનો મત હતો.

તેમણે લખ્યું હતું કે બુદ્ધ, કબીર, નાનક, તુકારામ, બાસવા, ટાગોર અને ગાંધી જેવા અનેક યુગપુરુષોનો સૂર હતો કે આપણે માત્ર મનુષ્યો જ નહીં, તમામ જીવો સાથે અનુકંપાના ભાવથી જોડાઈએ છીએ. ટાગોર અને ગાંધી બંને આધ્યામિકતાને બંધુત્વની ભવનાથી માપતા હતા. “આપણે જો તમામ જીવો સાથે લગાવ મહેસૂસ ન કરી શકીએ તો આપણી તમામ પ્રાર્થનાઓ અને અનુસરણ નિરર્થક છે,” એમ ગાંધીજીએ લખ્યું હતું.

સુધીર કક્કડે અનુકંપાને એક પહાડ સાથે સરખાવી હતી, જેને ચડતી વખતે માણસ અનેક છાવણીઓ પાર કરે છે. જેમ કે તેના બેઝ કેમ્પમાં સહિષ્ણુતા છે, જેમાં તમારાથી ભિન્ન લાગણીઓ, માન્યતાઓ અને આદતો ધરાવતી વ્યક્તિનો સ્વીકાર કરવાનો ભાવ છે. તેનાથી ઉપર જાવ તો કરુણાની છાવણી આવે છે, જેમાં બીજાની પીડા માટે દયાનો ભાવ છે. અનુકંપાનું ત્રીજુ અને સૌથી છેલ્લું શિખર સહાનુભૂતિનું છે, જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિની સંવેદનાઓને પોતીકી મહેસૂસ કરે છે. સહાનુભૂતિ આસપાસના જીવન અને પ્રકૃતિ સાથે એકાત્મનો ભાવ છે.

સુધીરે કહ્યું હતું કે એક સાધારણ ભારતીયથી લઈને એક સંત કે મહાપુરુષ અનુકંપાના આ પહાડના યાત્રીઓ છે. અમુક તળિયે છે અને અમુક ઉપર ચડી રહ્યા છે અથવા શિખર પર છે. તેમની ફરિયાદ હતી કે અનુકંપા અને પ્રેમની આ ભારતીય પરંપરા, પશ્ચિમમાંથી આપણે ઉછીના લીધેલા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ મૂલ્યોમાં, બંધુત્વની ભાવનાનું સ્થાન છેલ્લે છે એટલું જ નહીં વર્તમાન સમયમાં અધિકારોની લડાઈમાં તે હાંસિયામાં પણ ધક્લાઈ ગઈ છે.

સમાનતાના અધિકારની લડાઈ દેશના કમજોર વર્ગ માટે જરૂરી છે, પરંતુ તે ન્યાયની લડાઈ બનીને સત્તાનો સંઘર્ષ બની જાય છે અને એમાં બંધુત્વની સહાનુભૂતિ ખોવાઈ જાય છે. “અમે અને તમે”નું આ વિભાજન અનુકંપાના પહાડને કમજોર બનાવે છે.

સુધીર કક્કડ કહેતા હતા કે ભારતમાં વિવિધ સમુદાયોના લોકોની ધાર્મિક ઓળખ માતા-પિતાની પેઢીમાંથી આવે છે. બાળકનો કોઈ ઇતિહાસ નથી હોતો, પણ તેનાં પેરેન્ટ્સ તેને જે વાર્તાઓ કહે છે, જે રિવાજોનું પાલન કરાવે છે, જે વિચારો અને માન્યતાઓ સમજાવે છે તેમાંથી તેની ધાર્મિક ઓળખ નક્કી થાય છે. 

આ વ્યક્તિગત ધાર્મિક ઓળખની સાથે સાથે તેની બીજી એક ઓળખ પણ વિકસિત થાય છે, જે તેના સમુદાયમાંથી આવે છે અને જેને સાંપ્રદાયિક ઓળખ કહે છે. આ સામૂહિક સાંપ્રદાયિક ઓળખ તેને અન્ય કરતાં વિશિષ્ઠ, અસહિષ્ણુ અને ક્યારેક હિંસક બનાવે છે. 

તેઓ કહે છે કે ધર્મ જ્યાં સુધી વ્યક્તિગત રહે છે, અથવા ઘરની ચાર દીવાલો વચ્ચે રહે ત્યાં સુધી શાંતિપૂર્ણ હોય છે, પરંતુ તે જ્યારે એક સમૂહની ઓળખ તરીકે બહાર આવે છે ત્યારે તે હિંસા અને સંઘર્ષમાં પરિણમે છે. સુધીર કક્કડ કહેતા હતા કે જ્યાં સુધી આપણાં બાળકોને માનસને શિક્ષણ અને કળા-સાહિત્ય મારફતે સાંપ્રદાયિકતાની નકારાત્મકતા પ્રત્યે જાગૃત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય સમાજની અમુક બીમારીઓનો ઈલાજ થવાનો નથી. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 28 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|30 April 2024

ગુજરાતના પાંસઠમા જન્મ પર્વને અનુલક્ષીને બે શબ્દો લખવા વિચારું છું ત્યારે ચિત્ત 1960ના મે દિવસની પૂર્વરાત્રિએ અમદાવાદના ટાઉન હૉલમાં પહોંચી જતું અનુભવું છું.

પ્રકાશ ન. શાહ

ગુજરાત રાજ્યની રચનાને વધાવતું કવિ સંમેલન છે, અને ઉમાશંકર જોશી પઠન કરી રહ્યા છે : ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’ વળી સવારે, રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યનું મંગળાચરણ કરે તેનીયે પૂર્વે, આકાશવાણી (અમદાવાદ) પરથી કવિને કંઠે વળી એક વાર આ જ રચનાનું પઠન સાંભળવાનું બન્યું હતું.

આ લખતી વેળાએ ‘સમગ્ર કવિતા’માંથી પસાર થતાં જોઉં છું કે ગુજરાત વિધિવત રચાવાનું હતું તેના બે’ક દિવસ પહેલાં, 29મી એપ્રિલે, તે નિમિત્તે ચાર રચનાઓનું ગુચ્છ ઊતરી આવ્યું હતું. કવિએ ‘ગાંધીને પગલે પગલે’ સહિતની આ ચારે રચનાઓને આપેલું ગુચ્છનામ પણ ગુજરાત વિશેના એમના હૃદયભાવને સુરેખ ઉપસાવી આપે છે : ‘ગુજરાત-સ્તવનો.’

હમણાં મેં એમનો હૃદયભાવ સુરેખ ઊપસી રહે છે એવી જે જિકર કરી તેમાં એક સાભિપ્રાયતા હતી અને છે – ખાસ કરીને ‘સુરેખ’ એ પ્રયોગ પૂંઠે. આપણા એકના એક ગોમાત્રિ(‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી)ને જેવો ને જેટલો ગમતો પ્રયોગ ‘રમણીય’ હતો, ઉમાશંકરને કદાચ એવો ને એટલો ગમતો પ્રયોગ ‘સુરેખ’ હતો.

ઉમાશંકર જોશી

તમે જુઓ, ગાંધીને પગલે પગલે ચાલવું તે શું, આપણા કવિએ સુરેખ વ્યાખ્યાયિત કર્યું છે : ‘સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત?’ આગળ ચાલતાં વળી ઉમેર્યું છે : ‘બિરૂદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત?’

આ ગુચ્છમાં ચોથી રચના ‘ધન્ય ભૂમિ ગુજરાત’ છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ની એમની નોંધમાં સાભિપ્રાય સંભાર્યું છે કે પહેલી મે 1960ની સવારે આકાશવાણી પર ‘ગાંધીને પગલે પગલે’નું પઠન કર્યું હતું જ્યારે ‘ધન્ય ભૂમિ ગુજરાત’ સ્તોત્ર રૂપે રમતું કર્યું હતું.

આ સ્તોત્રમાં ગાંધી સાથે અંતરે અંતરે સંભારાતું ધન્ય નામ કૃષ્ણનું છે. ગાંધીને સંભાર્યા છે ગુજરાતીને ‘ગાંધીગિરા’ કહીને, અને કૃષ્ણને વળી ગુજરાત વિશે ‘કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા’ એ ઉલ્લેખ‌વિશેષ કરીને. વ્યક્તિનામો, વિસ્તારનામો, નદીનામો, ધર્મનામો બધાની યાદી ધ્રોપટ ચાલી આવે છે. પણ વળી વળીને ‘ધન્ય ભૂમિ ગુજરાત’ એ સ્તોત્ર ઠરે તો છે કૃષ્ણ ગિરા ગુજરાતી / કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.’ (ઉમાશંકરે એમની રચનામાં ‘ગાંધીગિરા’ એ પ્રયોગ 1960ની રાજ્યરચના વખતે જ પહેલી વાર કર્યો છે એવું નથી.

હમણેનાં વરસોમાં માતૃભાષા દિવસ મનાવવાનો ચાલ શરૂ થયો છે ત્યારથી દર 21મી ફેબ્રુઆરીએ એમની જે રચના સંભારાય છે એનું તો શીર્ષક જ ‘ગાંધીગિરા’ એવું છે. 1955ના માર્ચમાં એમણે એનો ઉપાડ આમ કર્યો હતો : ‘સદા સૌમ્ય શી ‌વૈભવે ઊભરાતી / મળી માતૃભષા મને ગુજરાતી.’ અને રચનાના અંતભાગે છે : ‘ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી / નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’ નોંધ્યું તમે? ‘પગલે પગલે’માં ‘સત્ય-અહિંસાની આંખે’ એવો પ્રયોગ હતો અહીં પણ ‘સત્ય-સાથી અહિંસા-સુહાતી’ આવી મળે છે.

ચાર ગુજરાત-સ્તવનો પૈકી બેની વાત મેં કરી. બીજાં બે પણ સાથે સાથે સંભારી જ લઉં. મે 1960 કરતાં મે 2024માં એમનું મહત્ત્વ પણ કંઈક અધિક છે. દેશને નામે, ભાષાને નામે, ધર્મકોમને નામે સાંકડી સામસામી ઓળખોનું જે રાજકારણ ચાલ્યું છે એની વચ્ચે એકવીસમી સદીના પહેલા ચરણના ઉંબર મહિનાઓમાં આ બે રચનાઓનો સંદેશ કદાચ વિપળ વાર પણ વહેલો નથી.

‘એ તે કેવો ગુજરાતી’ – રચનાની ઉપાડપંક્તિ પણ આ જ છે: ‘એ તે કેવો ગુજરાતી’ અને વાંસોવાંસ દેખીતો પ્રશ્નરૂપ પણ ખરેખર ઉત્તર આવી મળે છે : ‘જે હો કેવળ ગુજરાતી?’ આગળ ચાલતાં વળી કવિ કહે છે : ‘તે નહિ નહીં જ ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી.’

‘એ તે કેવો ગુજરાતી -’ જોડે જ જતી રચના ‘હું ગુર્જર ભારતવાસી’ છે. આ અલબત્ત ‘ધન્ય ધરા’ છે, કેમ કે ‘કૃષ્ણ વસ્યા જ્યાં’ અને વળી ‘ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.’ પણ કવિની ગુર્જર ભારતવાસીની વ્યાખ્યા અને ‘ગાંધીને પગલે પગલે’ની સમજ ડોંગરેના બાલામૃત જેવા કોઈ ગીતામૃતમાં ગંઠાયેલી નથી. 

‘હું ગુર્જર ભારતવાસી / ઝંખો પલ પલ સહુ જનમંગલ મન મારું ઉલ્લાસી / હું…’થી ઊઘડતી આ રચના વિરમે છે (કદાચ ત્યાંથી જ શરૂ થાય છે) તો આ પંક્તિઓમાં : ‘સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થ નિવાસી હું ગુર્જર ભારતવાસી.’

કવિએ ગુજરાતનું અલગ એકમ અસ્તિત્વમાં આવ્યું એના ઉંબર દિવસોમાં, 1960ના એપ્રિલની 29મીએ એકસાથે ચાર રચનાઓનું જે ગુચ્છ ‘ગુજરાત-સ્તવનો’ના આદિમથાળે ભર્યાઁ નારિયેળ પેઠે રમતું મેલ્યું એમાં વીસમી સદીએ રાષ્ટ્રવાદની યુરોપીય ભેટ અને એશિયાએ કરેલ એની વરવી નકલનાં માઠાં પરિણામો બાબતે ચિંતા, ચિંતન (પ્રકારાન્તરે ચેતવણી પણ) વિલક્ષણ રીતે પ્રગટ થવા કરે છે. પ્રાદેશિક એકમનો સહજ સ્વીકાર ને સહજ આનંદ, એ જ તબક્કે નહીં ગંઠાતાં, નહીં રૂંધાતાં ‘ભારતવાસી’ની ઓળખે પહોંચી, ત્યાં પણ નહીં અટકતાં ‘જગતનાગરિક’ રૂપે વિલસવા કરે છે.

કવિનો જે ગુજરાતી છે તે કદાચ એટલે માટે જ ગુજરાતી છે કે તે કેવળ ગુજરાતી નથી. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે ચિંતા સેવતા વિશ્વકવિ રવીન્દ્રનાથ અને વિશ્વહિતને અવિરોધી રાષ્ટ્રભાવનાપૂર્વક સાબર તટે આશ્રમ માંડતાં ગાંધી, એ બેને જે વિશ્વબંગાળી, વિશ્વગુજરાતી ગુર્જર ભારતવાસી જગતનાગિરક અભીષ્ટ છે એનું આરતભર્યું ગાન કહો તો ગાન, કવન કહો તો કવન લઈને ઉમાશંકર ગિરા ગુજરાતીના દરબારમાં ઉપસ્થિત થયા હતા … એ 30 એપ્રિલ 1960ની રાત, એ 1 મે 1960નું પ્રભાત!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024

Loading

...102030...746747748749...760770780...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved