Opinion Magazine
Number of visits: 9741667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કર્ણાટકનું સેક્સ કૌભાંડ અને ભારતીય રાજનીતિનો ગંદો ચહેરો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 May 2024

રાજ ગોસ્વામી

2024ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડી રહેલું જનતા દળ (સેક્યુલર), પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાના 33 વર્ષના પૌત્ર અને સંસદ સભ્ય પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ કૌભાંડના ‘દલદલ’માં બરાબરનું ફસાયું છે. કહે છે ને કે કીચડમાં ના ઉતરો અને ખાલી નજીકમાંથી પસાર થાવ તો ય તેના છાંટા ઊડે. કંઇક એવું જ ભારતીય જનતા પાર્ટી સાથે કર્ણાટકમાં થઇ રહ્યું છે. લોકસભામાં કર્ણાટકની 28 બેઠકો માટે ભા.જ.પે. જનતા દળ સાથે ગઠબંધન કરેલું છે અને રેવન્નાના કીચડના છાંટા ભા.જ.પ.નાં લૂગડાં પર પણ ઉડ્યા છે.

પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણી, સેક્સના સેંકડો વીડિયો રેકોર્ડ કરવા, ધાક ધમકી આપવા અને કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે સેંકડો મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. મીડિયામાં ચાલતા સમાચારો અનુસાર આવા 3,000 વીડિયો છે. એક પેન ડ્રાઈવમાં આ બધા વીડિયો છે. કથિત રૂપે રેવન્નાએ જાતે તેને રેકોર્ડ કર્યા હતા.

કેટલાક લોકો રેવન્નાને માનસિક રીતે બીમાર ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને સેક્સ એડિક્ટ કહી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાને વિશ્વનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. એવું કહેવાય છે કે મોટા ભાગના વીડિયોમાં મહિલાઓ રેવન્નાનાને તેમને છોડી દેવાની વિનંતી કરી રહી છે. તે બૂમો પાડી રહી છે પણ તે તેના પર જબરદસ્તી કરી રહ્યો છે. એટલું જ નહીં, તે પોતે પણ ઘણી ક્લિપ્સમાં આ જાતીય શોષણનો વીડિયો બનાવતો જોવા મળે છે.

રેવન્ના હસન લોકસભા બેઠક પરથી ચૂંટાયેલો છે અને તેનું આ સેક્સ કૌભાંડ બહાર આવ્યું તે પહેલાં તે દેશ છોડીને જર્મની જતો રહ્યો છે. 26મી એપ્રિલે હસન સહિતની 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. બાકીની 14 બેઠકો પર 7મી મેના રોજ મતદાન થશે. 26મી તારીખે ચૂંટણીના એક દિવસ પહેલાં હસનમાં સેંકડો પેન ડ્રાઇવનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કર્ણાટકની કાઁગ્રેસ સરકારે તેના પોર્ન વીડિયો કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ(એસ.આઈ.ટી.)ની રચના કરી છે અને તેનો ડિપ્લોમેટિક પાસપોર્ટ રદ્દ કરવા માટે વડા પ્રધાનને પત્ર લખ્યો છે. રેવન્નાએ આ વીડિયો ‘બનાવટી’ હોવાનો દાવો કરીને સામી ફરિયાદ નોંધાવી છે.

કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વરે કહ્યું કે રેવન્નાએ આ કેસની તપાસ કરી રહેલી એસ.આઈ.ટી. સમક્ષ વહેલામાં વહેલી તકે હાજર થવું પડશે. જો તે હાજર ન થાય તો તેની ધરપકડ થઈ શકે છે. અગાઉ એસ.આઈ.ટી.એ તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે સાત દિવસ આપવાની તેની વિનંતીને નકારી કાઢી હતી.

નોટિસ જારી થયા બાદ પ્રજ્વલ રેવન્નાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “હું પૂછપરછમાં જોડાવા માટે બેંગલુરુમાં નથી, તેથી મેં મારા વકીલ દ્વારા CID બેંગલુરુને જાણ કરી છે. ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.”

પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીનો સભ્ય છે. તે કર્ણાટકના પૂર્વ પી.ડબ્લ્યુ.ડી. મંત્રી એચ.ડી. રેવન્નાનો પુત્ર અને પૂર્વ મુખ્ય મંત્રી એચ.ડી. કુમારસ્વામીનો ભત્રીજો છે. એચ.ડી. રેવન્ના પૂર્વ વડા પ્રધાન અને જે.ડી.એસ.ના વડા એચ.ડી. દેવગૌડાના પુત્ર છે. પ્રજ્વલ રેવન્નાએ 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. ત્યારથી તેઓ રાજકારણમાં સક્રિય છે. નવેમ્બર 2019માં, જ રેવન્નાને જે.ડી.એસ.ના રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.

આ વીડિયો ‘નવા’ નથી. નવું એટલું છે કે તે દેશમાં ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે જાહેર થયા છે. આવો એક વીડિયો 2023માં હસન શહેરમાં ફરતો થયો હતો. તે વખતે રેવન્નાએ બેંગલુરુ સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો, અને 86 મીડિયા હાઉસ તેમ જ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. 

તેણે કોર્ટ સમક્ષ આ મીડિયા ગૃહોને વીડિયો પ્રકાશિત કરવા, છાપવા અથવા પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. ત્યારે તેણે વીડિયોને નકલી અને સંપાદિત ગણાવ્યા હતા. આ કેસમાં જે લોકોનાં નામ હતાં તેમાં રેવન્નાનો એક ડ્રાઈવર હતો, જેણે સાત વર્ષની સેવા પછી માર્ચ 2023માં નોકરી છોડી દીધી હતી. 

આ ડ્રાઈવર રેવન્ના પરિવારના સભ્ય જેવો હતો. ડ્રાઇવર પાસે રેવન્નાના ફોન, ઇલેક્ટ્રોનિક સાધનો હતાં. રેવન્ના અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી થયા બાદ ડ્રાઇવરે તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 2023માં ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્નીનું રેવન્નાએ અપહરણ કર્યું છે. આરોપ હતો કે રેવન્નાએ 13 એકર જમીન માંગી હતી. 

તે ઉપરાંત, એચ.ડી. રેવન્નાના ઘરે રસોઇયા તરીકે કામ કરતી 47 વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એચ.ડી. રેવન્ના અને પ્રજ્વલ રેવન્નાએ તેનું જાતીય શોષણ કર્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ તેની પત્ની ભવાની ઘરે ન હોય ત્યારે રેવન્ના મને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. તેને મારા પર જાતીય હુમલો કર્યો હતો. તે અન્ય લોકોને કહેતો કે મારી દીકરીને લાવો જે તેને તેલથી માલિશ કરાવશે. રેવન્ના મારી દીકરીને વીડિયો કોલ કરીને તેની સાથે અશ્લીલ રીતે વાત કરતો હતો.” 

જાન્યુઆરી 2024માં વકીલ અને સ્થાનિક ભા.જ.પ. નેતા જી દેવરાજે ગૌડાએ હસનમાં વીડિયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જી દેવરાજે એ જ વ્યક્તિ છે જેમની અરજીને કારણે રેવન્નાને કર્ણાટક હાઈકોર્ટમાં સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી હતી. 

30 એપ્રિલના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં ડ્રાઈવર કાર્તિકે કહ્યું હતું કે તેણે માત્ર ભા.જ.પ. નેતા જી દેવરાજે ગૌડાને વીડિયો આપ્યા હતા. તેણે કહ્યું કે આવું એટલા માટે કર્યું કારણ કે ગૌડાએ 2023ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રેવન્નાના પિતા એચ.ડી. રેવન્ના સામે હોલેનરસીપુરા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા.

કાર્તિકે વધુમાં કહ્યું હતું, “મેં ગૌડાને એમ કહેતા સાંભળ્યા કે મેં વીડિયો ધરાવતી પેનડ્રાઈવ કાઁગ્રેસના નેતાઓને આપી દીધી છે. એ જૂઠ છે. મેં તેમનો સંપર્ક કર્યો હતો કારણ કે તેઓ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભા.જ.પ.ના ઉમેદવાર હતા. અગાઉ કાઁગ્રેસ જે.ડી.એસ. સાથે ગઠબંધનમાં હતી તેથી જ હું ભા.જ.પ.ના નેતા પાસે ગયો હતો, પરંતુ તેમણે મારી સાથે છેતરપિંડી કરી હતી.”

આ કૌભાંડનો કાનૂની પક્ષ તેની જગ્યાએ છે, પરંતુ તત્કાળ તો રાજકીય ક્ષેત્રે તેનાથી ધરતીકંપ આવ્યો છે. કાઁગ્રેસે તો અને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો છે. કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમની જાહેરસભાઓમાં આને લઈને ભા.જ.પ.ના ‘ચાલ-ચારિત્ર્ય’ પર પ્રહારો કરે છે.

દેશમાં અન્ય રાજ્યોમાં આ કૌભાંડમાં મતદારોને કેટલો ‘રસ’ પડશે તે પ્રશ્ન છે, પરંતુ  ભા.જ.પ. માટે કર્ણાટકનું મહત્ત્વ ઘણું છે, કારણ કે દક્ષિણમાં આ એક માત્ર રાજ્ય છે, જ્યાં 2019ની ચૂંટણીમાં 28માંથી 25 બેઠકો જીતીને પાર્ટીએ પોતાનું સ્થાન બનાવ્યું હતું. ભા.જ.પ. માટે કર્ણાટક ‘મિશન સાઉથ’નું પ્રવેશ દ્વાર છે, કારણ કે કર્ણાટક અને તેલંગણા સિવાય તે અન્ય રાજ્યોમાં પગ પેસારો કરી શકી નથી.

કાઁગ્રેસ માટે પણ કર્ણાટક મહત્ત્વનું છે કારણ કે હજુ ગયા વર્ષે જ વિધાનસભામાં 224માંથી 135 બેઠકો જીતીને પાર્ટીએ જરૂરી આત્મવિશ્વાસ મેળવ્યો છે. લોકસભા ચૂંટણીમાં પણ તે જો રાજ્યમાં સારો દેખાવ કરે છે તો તેના રાષ્ટ્રીય અસ્તિત્વ માટે તે એક બૂસ્ટર ડોઝ સાબિત થશે.

2023ની ચૂંટણીમાં જનતા દળ(એસ.)માં જબ્બર હાર થઇ હતી. હવે ભા.જ.પ.ના ગઠબંધનમાં પાર્ટી તેનું અસ્તિત્વ બચાવાનો દાવ રમી રહી છે. પાર્ટી ભા.જ.પ. સાથે મળીને ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમાંથી એક બેઠક હસનનું 26મી તરીકે મતદાન થયું છે. રેવન્ના આ બેઠકનો ઉમેદવાર છે. તેણે 2019માં આ બેઠક જીતી હતી. વાસ્તવમાં, 2019માં આ એક માત્ર બેઠક જનતા દળના નામે હતી. તે વખતે તેનું ગઠબંધન કાઁગ્રેસ સાથે હતું.

ભા.જ.પ. માટે આ કૌભાંડ કેટલું માથાનો દુઃખાવો છે તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બયાન પરથી સાફ છે. તેમણે પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ભા.જ.પ.નું વલણ સ્પષ્ટ છે કે અમે દેશની ‘માતૃ શક્તિ’ સાથે, દેશની નારી શક્તિ સાથે ઊભા છીએ. મોદીજીની દેશ પ્રત્યે એટલા પ્રતિબદ્ધ છે કે ક્યાં ય પણ માતૃશક્તિનું અપમાન સહન ન કરી શકાય.

ઘણા લોકો આ વીડિયો ક્લિપ્સને ‘રાજકીય કૌભાંડ’ કહે છે, અને ઘણા પૂછી રહ્યા છે કે શું આ લોકસભા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનશે? જનતા દળ અને ભા.જ.પ. માટે ચોક્કસપણે આ એક રાજકીય તોફાન છે, પરંતુ એમાં સૌથી વધુ ઈજ્જત તો એ સ્ત્રીઓની ગઈ છે જે આ વીડિયોમાં દેખાય છે.

મણિપુર હોય કે પહેલવાન યુવતીઓ હોય, જ્યારે આ પ્રકારના ગુનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે. મહિલાઓ માત્ર ‘પાત્ર’ બનીને રહી જાય છે અને બધી ચર્ચા રેવન્ના જેવા શક્તિશાળી પુરુષોના રાજકીય ભવિષ્યની આસપાસ થવા લાગે છે.

રેવન્ના સામેના આક્ષેપો ગંભીર છે, જેમાં ઘણી મહિલાઓની સલામતી, ગોપનીયતા અને સન્માનના પ્રશ્નો સામેલ છે, પરંતુ આ મુદ્દો તેમને ન્યાય અપાવાને બદલે હવે જે.ડી.(એસ.)ના રાજકીય નુકસાનને ઓછું કરવાનો બની ગયો છે અને કર્ણાટકમાં શાસક કાઁગ્રેસ પણ પોતાને બચાવવા માટે રાજકીય છટકબારીઓ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.  

બીજી બાજુ એ સ્ત્રીઓની, તેમનાં નામ, ઓળખ અને ચહેરાઓની કોઈને ચિંતા નથી જે ઇન્ટરનેટ પર ખુલ્લેઆમ દેખાય છે. ભારતમાં જાતીય અત્યાચારથી પીડિતોની ઓળખ સામે કાનૂની પ્રતિબંધ છે અને તેમના નામ અથવા ઓળખની વિગતો કોઈ પણ મીડિયામાં પ્રકાશિત કરી શકાતી નથી. પરંતુ આ વીડિયોમાં જે સ્ત્રીઓની ક્લિપ્સ છે તે બેધડક સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સમાં ફરી રહી છે. આ સ્ત્રીઓને તેની સામે કોઈ રક્ષણ નથી.

આ પ્રકરણમાં ત્રણ અપરાધ થયા છે : એક, સ્ત્રીઓ સાથે રેવન્નાની જબરદસ્તી. બે, એ જબરદસ્તીનું  ફિલ્માંકન, અને ત્રણ એ ક્લિપ્સનું શેરિંગ. રેવન્નાએ તેની હવસ માટે સ્ત્રીઓનો ગેરલાભ લીધો અને રેવન્નાને પાઠ ભણાવવા માટે અમુક લોકોએ તે ક્લિપ્સને સાર્વજનિક કરી દીધી હતી. અંતે તો એમાં સ્ત્રીઓને જ શોષવાનું આવ્યું છે.

જૂન 2023માં, જ્યારે આ જાતીય અત્યાચારની વાતો બહાર આવી હતી ત્યારે, રેવન્ના અદાલતમાંથી મીડિયા સામે પ્રતિબંધનો આદેશ લઇ આવ્યો હતો. વર્તમાનમાં પણ, લોકસભાની ચૂંટણી પતી જશે પછી કોઈને આ કૌભાંડમાં ‘રસ’ નહીં રહે અને રેવન્ના તેની રાજકીય તાકાતનો ઉપયોગ કરીને પોતાની ચામડી બચાવી લેશે, જયારે સ્ત્રીઓનું ચારિત્ર્ય હનન અને બેઈજ્જતી ચાલુ રહેશે.

લાસ્ટ લાઈન :

“રાજકારણમાં સન્માન જેવું કશું હોતું નથી.”

– બેન્જામિન ડિઝરાયલી

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ,”ગુજરાતી મિડ-ડે”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ડરવા જેવું નથી, પણ ચેતવા જેવું તો છે જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 May 2024

રવીન્દ્ર પારેખ

દેશમાં ચૂંટણી પ્રચારનું વાતાવરણ છે અને ગુજરાતમાં કાલે ચૂંટણી છે, બીજું એ કે વાત દિલ્હીની છે એટલે પણ ઘણાંનું એ તરફ બહુ ધ્યાન ન ગયું હોય, પણ સાવ બેધ્યાન રહેવાનો આ સમય નથી. આમ પણ કોઈને કોઈ ભીંસનારું પરિબળ ઉમેરાતું જતું હોય ત્યારે, બેધ્યાન રહેવાનું કોઈને જ ન પરવડવું જોઈએ. એ પણ છે કે રોજ જ સાવધાની તો ન રહે, છતાં વર્તમાન સમય આપણને તલવારની ધાર પર રાખનારો છે એ સમજી લેવાની જરૂર છે. આપણી અસાવધ પળ મુશ્કેલી વધારી શકે એ શક્ય છે. બધી જ સાવધાની છતાં, એકાદ નબળી પળ જોખમી બની શકે. ઘટના દિલ્હીની છે એટલે બીજા નગરોમાં એવું ન જ બને એવું નથી. એ ખરું કે ડરવા જેવું નથી, પણ ચેતવા જેવું તો છે જ !

એક તરફ ગુજરાત મે દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે દિલ્હી એન.સી.આર.માં સવારથી દોડધામ મચી ગઈ હતી. બન્યું હતું એવું કે વહેલી સવારે સ્કૂલો ચાલુ હતી ને ક્યાંક તો પરીક્ષા પણ હતી, એ દરમિયાન 200થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા. સ્કૂલોને ઇ-મેઈલ વિષે જેવી ખબર પડી કે દિલ્હી પોલીસ અને દિલ્હી ફાયર સર્વિસ(ડી.એફ.એસ.)ની દોડાદોડી વધી ગઈ. કેટલીક સ્કૂલોએ બાળકો ડરે કે ગભરાય નહીં એ રીતે ઘરે મોકલવાનું શરૂ કર્યું, તો પોલીસે ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેતાં પહેલાં, સ્કૂલો ખાલી કરાવીને સઘન તપાસ આરંભી. વાલીઓને ખબર પડતાં તેમનો જીવ તાળવે ચોંટ્યો. સ્કૂલોનો સ્ટાફ ચિંતાગ્રસ્ત ચહેરે ધબકતી પળોનો સામનો કરી રહ્યો હતો. પોલીસની તપાસને અંતે પણ ક્યાંયથી વાંધાજનક કઈં મળ્યું ન હતું. આમ તો ધમકી નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામની શાળાઓને પણ મળી હતી, પણ સ્થાનિક પોલીસે તેને ગણકારી ન હતી. દિલ્હી પોલીસે પણ છેવટે ધમકીને અફવા ગણાવી ને તે પછી સ્કૂલોએ તથા વાલીઓએ રાહત અનુભવી.

એ ખરું કે 200થી વધુ સ્કૂલોને ઇ-મેઇલથી ટાર્ગેટ કરાઇ હતી, એટલે પોલીસ તો તેને હળવાશથી લઈ શકે એમ હતું જ નહીં. પોલીસનું એન્ટિ ટેરર સેલ કામે લાગ્યું ને તેનું માનવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે, એટલે ઊંડી તપાસ થવી અનિવાર્ય છે. એટલું છે કે બધી શાળાઓને એક જ ઇ-મેઇલ sawariim@gmail.ru પરથી ગભરાટ ફેલાવવાના હેતુથી, રશિયાથી મોકલાયો હોવાનું પોલીસનું માનવું છે, તે એટલે પણ કે ઇ-મેઇલની ભાષા રશિયન છે. વળી ગુનેગારોએ ડાર્ક નેટનો ઉપયોગ કરીને ઓળખ છુપાવી છે, જો કે, 2023માં પણ દક્ષિણ દિલ્હીની એક શાળાને એ જ ઇ-મેઈલ આઈ.ડી.થી ધમકીનો મેઈલ મળેલો, પણ મોકલનાર ટ્રેસ થઈ શક્યો ન હતો. એ જોતાં 200 સ્કૂલોને મેઈલ મોકલનારને શોધવાનું સહેલું નથી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની શંકા એવી પણ છે કે ઇસ્લામી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈ.એસ.)નો હાથ પણ આમાં હોઇ શકે, તેનું કારણ એ કે મેઈલ આઈ.ડી.માં એક શબ્દ sawariim છે, જેનો એક એરેબિક અર્થ આતંકી સંગઠન(આઈ.એસ.) થાય છે. જો કે, પોલીસે આઇ.પી.સી.ની કલમ 505(2), 507 અને 120(બી) હેઠળ કેસ નોંધ્યો છે.

આટલું ઓછું હોય, તેમ બિહારના રાજ્યપાલના રાજભવનમાં પણ બોમ્બ હોવાની ધમકી ઇ-મેઇલથી મોકલવામાં આવી હતી. તપાસને અંતે એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ. એનો ઇ-મેઈલ પણ ક્યાંથી આવ્યો એની ખરાઈ કરાઇ રહી છે. વધુ વિગતો તો તપાસ દરમિયાન બહાર આવશે, પણ જે બન્યું અને જે નથી બન્યું એ સંદર્ભે આખા દેશે સતર્ક થવાની જરૂર છે. સારું છે કે પરિણામ અફવામાં આવ્યું, પણ અફવા છે એવું સાબિત થાય તે પહેલાંના સમયે દિલ્હી અને એન.સી.આર.ના ધબકારા તો વધારી જ દીધા હતા. આમ તો કોઈ આતંકી સંગઠને ઇ-મેઇલની જવાબદારી લીધી નથી, પણ જે સંકેતો મળ્યા છે, તેના છેડા આંતરરાષ્ટ્રીય રમત તરફ નીકળે તો નવાઈ નહીં, એ ખરું કે ઈ-મેઈલ મોકલનારે ઓળખ છતી ન થાય એની કાળજી લીધી જ છે, એટલે પોલીસને આ મામલે પરસેવો પડવાની પૂરી શક્યતા છે.

યાદ રહે, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. બિહારના રાજભવનની ઘટના તો સમાંતરે ઘટી જ છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન સહિત 103 સરકારી બિલ્ડિંગોમાં બોમ્બ મુકાયાનો ઇ-મેઈલ ગયા મંગળવારની જ વાત છે. એ જુદી વાત છે કે એ સ્કૂલો ન હોવાને કારણે, એની આટલી હોહા નથી થઈ. સ્કૂલોની વાત કરીએ તો એપ્રિલની શરૂઆતમાં કોલકાતામાં પણ આ જ રીતે લગભગ 200 સ્કૂલોમાં બોમ્બ મુકાયાની અફવા ફેલાવવામાં આવી હતી. એ અગાઉ ચેન્નાઈમાં ફેબ્રુઆરીમાં 13 સ્કૂલો ટાર્ગેટ કરાઇ હતી ને એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ હતી. ગયા જાન્યુઆરીમાં મુંબઇમાં જુદી જુદી આઠ જગ્યાએ બોમ્બ મુકાયાના ઇ-મેઈલ મોકલાયા હતા અને પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ એકથી વધુ મહાનગરોમાં આ રીતે ઇ-મેઈલ મોકલવાનો હેતુ શો હોઇ શકે એનું ગણિત સમજવા જેવું છે.

એ વાત સ્પષ્ટ છે કે અફવાઓ ફેલાવીને તંત્રોને અને જે તે સંસ્થાઓને ધંધે લગાડવાનો ઇરાદો આવા ઇ-મેઇલનો હોય છે. આવા વારંવારના ઇ-મેઈલ દ્વારા તે અફવા છે એવું પાકું થાય તે પહેલાં સમય, સાધનો ને સંપત્તિનો વ્યય કરાવીને તંત્રોને થકવવાનો અને પ્રજાને ડરાવવાનો હેતુ પણ ખરો જ ! વારુ, જેમને ટાર્ગેટ કરાય છે, એ બાળકો, વાલીઓ, સંબંધિત લોકો વગેરેમાં જે ભયનું વાતાવરણ ફેલાય છે, એની અસર લાંબો સમય જે તે વ્યક્તિને રહે છે. ઘણાંને તો કાઉન્સેલિંગની જરૂર પણ પડે છે. આમાં ઇ-મેઈલ મોકલનારનો ઇરાદો, લોકોના ભયમાંથી પાશવી આનંદ લેવાનો ન જ હોય એવું પણ કહી શકાય નહીં. ક્યારેક પરિણામની કલ્પના જ ન હોય ને ઇ-મેઈલ મોકલનાર એમ જ ગમ્મત કરતા હોય એમ પણ બને. હજી સ્કૂલોના ઇ-મેઇલનો નિકાલ નથી લાગ્યો, ત્યાં ગુરુવારે એક ઑર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેઈલ દિલ્હી પોલીસ આયુક્તને મોકલાયો છે. પોલીસે તપાસ કરી તો કૈં ન મળ્યું, પણ તે ઇ-મેઈલ કરનાર સુધી પહોંચી તો ખબર પડી કે તે મોકલનાર એ જ સ્કૂલનો આઠ વર્ષનો વિદ્યાર્થી છે ને તેણે મોબાઈલ પરથી ઇ-મેઈલ મોકલ્યો હતો. તેને પૂછતાં તે બોલ્યો કે તેણે તો ગમ્મત ખાતર જ ઇ-મેઈલ મોકલ્યો હતો. હવે એને સજા પણ શું થાય? તેને માટે ગમ્મત હતી ને પોલીસને માટે ત્રાસદાયક દોડધામ !

આ તો એક બાજુ થઈ, પણ કોઈ દુ:શ્મન કાવતરું કરે તો એની કૈં અગાઉથી ખબર પડતી નથી. મેસેજ કે ઇ-મેઈલ અફવા છે એવું સાબિત ન થાય ત્યાં સુધી તો પોલીસ ક્યાં ય ઢીલ રાખી શકે નહીં. બીજું, કે ઘણાં મહાનગરોએ ભયંકર લોહિયાળ હુમલાઓ વેઠ્યા છે, એટલે પોલીસને ઢીલ રાખવી પરવડે પણ નહીં. આતંકી સંગઠનો તો કોઈ પણ રીતે હુમલો કરવા ઇચ્છતા જ હોય છે. એ પણ એવી રમત કરતાં હોય તો નવાઈ નહીં કે અફવાઓ ફેલાવી ફેલાવીને લોકોમાં એવી સ્થિતિ ઊભી કરવી કે ખરેખર કાવતરું હોય તો પણ, લોકો તેને અફવા ગણવા પ્રેરાય ને તેનો લાભ આતંકીઓ ઉઠાવે. દેશમાં ચૂંટણી, ક્રિકેટ, પડોશી દેશોની મેલી મુરાદ, કાળઝાળ ગરમી, પાણીની તંગી, ભયંકર આગ જેવી અનેક ઘટનાઓમાં લોકો વ્યસ્ત હોય, ત્યારે આતંકી પરિબળો વધુ સક્રિય થઈ ઊઠે એ શક્ય છે. હજી તો આ કલ્પના ચાલે જ છે ને તે એક દિવસ પણ ટકે એ પહેલાં તે હકીકતમાં ફેરવાઇ ગઈ ! દિલ્હી અને અન્ય મહાનગરો ધમકીને અફવા ગણે ન ગણે ત્યાં તો કાશ્મીરનાં પૂંછમાં શનિવારની સાંજે એરફોર્સના જવાનો પરના આતંકી હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે, જેમાંના એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ને એકની હાલત ગંભીર છે. બને કે અફવાઓનું વાતાવરણ ઊભું થવા દઈને આતંકીઓ ઓચિંતો હુમલો કરીને વધુ નુકસાન પહોંચાડવાનું આવું કાવતરું કરતાં હોય. એ જે હોય તે, પણ દેશની પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. આવામાં આપણે ભૂલમાં પણ અફવા ફેલાવીને લોકોને ભયભીત કરવાનું કે પોલીસને દોડતી રાખવાનું પાપ ન કરવું જોઈએ. ન જ કરવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2024

Loading

અભી તો મૈં જવાન હું: 93 વર્ષના શરીરમાં 45 વર્ષની તંદુરસ્તી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 May 2024

આ સાથે જે ચિત્ર છે તે ભાઈનું નામ રિચાર્ડ મોર્ગન છે. અથવા, તેમને ભાઈ નહીં અને સિનિયર સિટીઝન કહીએ તો પણ ચાલે. તેઓ 93 વર્ષના છે, પણ એ ભાઈ જેવા વધુ અને સિનિયર સિટીઝન જેવા ઓછા દેખાય છે. ઇન ફેક્ટ, વિજ્ઞાનીઓએ તેમને ‘45’ વર્ષના ગણાવ્યા છે. મેડિકલ વિજ્ઞાન માટે રિચાર્ડ મોર્ગન એક પડકાર છે. 93 વર્ષનો એક માણસ કેવી રીતે તેની ઉંમરને ‘ખાઈ’ જાય? આયર્લેન્ડમાં રહેતા રિચાર્ડે 70 વર્ષની ઉંમર પછી શરીરની કસરત શરૂ કરી હતી અને 20 વર્ષમાં ઘડપણને માત આપી છે.

ઘડપણને લઈને બાયોલોજીમાં ઘણા પ્રશ્નો અનુત્તર છે. જેમ કે – શરીરમાં કણના સ્તરે જીર્ણતાની બુનિયાદી પ્રક્રિયા શું છે? અલગ અલગ પ્રજાતિઓમાં અને માણસો-માણસોમાં આવરદાનો ગાળો અલગ કેમ છે? ઘડપણ સંબંધી રોગોને જો રોકી શકીએ તો, ઘડપણની ગતિ ઓછી થઇ જાય? દવાઓ અને થેરાપિઓથી ઘડપણ અટકાવી શકાય? ઘડપણની ગતિમાં સામાજિક અને માનસિક પરિબળોની ભૂમિકા છે અને કેવી છે? અને એક સૌથી અગત્યનો પ્રશ્ન : માંસપેશીઓ જીર્ણ થાય છે એટલે ઘડપણ આવે છે, કે પછી ઘડપણ આવે છે એટલે માંસપેશીઓ જીર્ણ થાય છે.

આ છેલ્લા પ્રશ્નનો ઉત્તર મોર્ગનભાઈએ આપ્યો છે અને વિજ્ઞાનીઓ હવે તેમને મોડેલ બનાવીને એ તપાસી રહ્યા છે કે મોર્ગને વ્યાયામ કરીને કેવી માંસપેશીઓને યુવાન બનાવી છે અને ‘રિવર્સ એજિંગ’ સિદ્ધ કર્યું છે. રિચાર્ડ મોર્ગનની વાર્તા વૈજ્ઞાનિક તપાસનો વિષય તો છે જ, આપણા જેવા સામાન્ય લોકો માટે પ્રેરણાદાયી પણ છે.

અમેરિકન ફીઝિયોલોજીક્લ સોસાઈટીના સામાયિક, જર્નલ ઓફ એપ્લાઇડ ફીઝિયોલોજીના અંકમાં, રિચાર્ડ મોર્ગનના વ્યાયામ, ડાયેટ અને ફીઝિયોલોજીનો અભ્યાસ પ્રગટ થયો છે. રિચાર્ડ મોર્ગન આયર્લેન્ડના રહેવાસી છે.

વ્યવસાયે તેઓ બેકરી ચલાવે છે પણ શોખથી રમતવીર છે અને ચાર વખત ઇન્ડોર રોવિંગ (નૌકાયાન) વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યા છે. તેઓ રોવિંગ મશીન પર દસ વખત દુનિયાનાં ચક્કર મારી ચુક્યા છે.

અગત્યની વાત એ છે કે 70 વર્ષ સુધી તો તેઓ તેમના નિયમિત વ્યવસાયમાં વ્યસ્ત હતા. ત્યાં સુધી તો તેમને વર્કઆઉટ કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ નહોતી. મોટાભાગના લોકોનું પણ એવું જ હોય છે. આપણે કામો અને જવાબદારીઓથી એટલા લદાયેલા હોઈએ છીએ કે આપણી તંદુરસ્તી આપણી પ્રાથમિકતા નથી રહેતી. 

મોર્ગનને નિવૃત્તિ પછી અચાનક ખાલીપો લાગવા માંડ્યો હતો. નવરાશના કારણે તેઓ તેમના પૌત્ર સાથે રોવિંગની પ્રેક્ટિસમાં જતા હતા. ત્યાં કોચે તેમને રોવિંગ મશીન પર હાથ અજમાવાનું કહ્યું હતું અને તેમાંથી તેમની ‘જવાની’ની સફર શરૂ થઇ હતી. “મેં તો શૂન્યથી શરૂઆત કરી હતી અને અચનાક મને લાગ્યું કે આમાં તો બહુ મજા આવે છે,” એમ મોર્ગન કહે છે.

વ્યાયામથી સમયની ઘડિયાળ ઊંધી તો ન ચાલે, પરંતુ શરીરને ચુસ્ત રાખવાનું એક રૂટિન વૃદ્ધત્વની સાથે આવતી અમુક અસરોને નિશ્ચિતપણે અટકાવી શકે છે. મોર્ગનના કિસ્સામાં એવું થયું હતું. 

મોર્ગન એક દિવસમાં આશરે 40 મિનિટ માટે અને અઠવાડિયામાં સરેરાશ 18.5 માઇલ રોવિંગ કરે છે. મોર્ગન વજન ઊંચકવાની તાલીમ પણ લે છે અને સ્નાયુઓની તાકાત વધારવા માટે ઓછી તીવ્રતા અને ઉચ્ચ-તીવ્રતાવાળાં વર્કઆઉટ્સ કરે છે. ઉપરાંત, મોર્ગન પ્રોટીનથી ભરપૂર આહાર લે છે, જે સ્નાયુ નિર્માણ અને ચયાપચયને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે. 

હકીકતમાં, 2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શારીરિક પ્રવૃત્તિ કરનારા 65 અને તેથી વધુ ઉંમરના લોકોમાં કસરત ન કરતા લોકો કરતાં મૃત્યુ થવાનું જોખમ 28% ઓછું હોય છે. વધુમાં, 2022ના એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 75થી 149 મિનિટની કસરતમાં ભાગ લેનારા પુખ્ત વયના લોકોમાં મૃત્યુ થવાનું જોખમ 19% ઓછું હતું. તે જ અભ્યાસમાં, જે લોકો અઠવાડિયામાં 150થી 299 મિનિટ માટે મધ્યમ વ્યાયામ કરતા હતા તેમનામાં મૃત્યુનું 21%થી 23% ઓછું જોખમ હતું.

93 વર્ષે, મોર્ગનનું વજન 74 કિલો છે અને તેમાં 80 ટકા જેટલું વજન સ્નાયુઓનું છે. આ ઉંમરે આવા શક્તિશાળી સ્નાયુઓનાં કારણે જ સંશોધકોને તેમનામાં રસ પડ્યો હતો. 

સંશોધકોએ તેમને આયર્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ લિમેરિક ખાતે ફિઝિયોલોજી લેબમાં બોલાવ્યા હતા. તેમની ઊંચાઈ, વજન, શરીરના રેશિયો માપવામાં આવ્યો હતો અને તેમના આહારની પણ વિગતવાર માહિતી લેવામાં આવી હતી. તે સાથે, તેમના મેટાબોલિઝમ, હૃદય અને ફેફસાંની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને રોઇંગ મશીન પર 2,000 મીટર દોડવાનું કહેવામાં આવ્યું અને તેમના હૃદયના ધબકારા, સ્નાયુઓ અને ફેફસાં પર નજર રાખવામાં આવી હતી. 

સંશોધકો માટે તે એક અવિસ્મરણીય અનુભવ હતો. મોર્ગનનું શરીર 80% સ્નાયુ અને માત્ર 15% ચરબીનું બનેલું હતું, જે દાયકાઓ નાના વ્યક્તિ માટે પણ તંદુરસ્ત માનવામાં આવે છે. રેસ દરમિયાન, તેમના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 153 ધબકારા સુધી પહોંચી ગયા હતા, જે તેમની ઉંમર માટે અપેક્ષિત મહત્તમ હૃદયના ધબકારા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. 

મોર્ગનના કિસ્સા પરથી સંશોધકોએ ચાર મહત્ત્વની બાબતો તારવી છે :

સાતત્ય : મોર્ગનના રૂટિનમાં સાતત્યની ભૂમિકા મોટી છે. આ રોવિંગ ચેમ્પિયન દરરોજ 40 મિનિટ માટે કસરત કરે છે. સંશોધકોનું માનવું છે કે કસરત પ્રત્યે આ સમર્પણથી જ મોર્ગનને ઘરડે ઘડપણ જવાની મળી છે.

વૈકલ્પિક ટ્રેનિંગ : મોર્ગનની અલગ અલગ રીતની ટ્રેનિંગ પણ તેમની સફળતામાં એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું. આખું અઠવાડિયું, તેમણે તેમના વર્કઆઉટ્સની તીવ્રતાને વારાફરતી બદલી હતી. લગભગ 70% વર્કઆઉટ્સ સરળ હતા, લગભગ 20% મુશ્કેલ પરંતુ સહન કરાય તેવા હતા, અને અંદાજે 10% મહત્તમ પ્રયત્નોથી કરવામાં આવ્યા હતા. નાનાં-નાનાં પણ તીવ્ર વર્કઆઉટ્સથી ઓક્સિજનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ મળી, ખાસ કરીને તેમના કાર્ડિયો-શ્વસન સ્વાસ્થ્યને ફાયદો થયો.

વેઇટ ટ્રેનિંગ : વજન ઊંચકવા અને અદુકડા ઊઠવા-બેસવા(સ્કેટિંગ)ની ટ્રેનિંગથી સ્નાયુઓની તાકાતમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. મોર્ગને અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ સ્નાયુઓ થાકી જાય ત્યાં સુધી ડમ્બબેલ્સના ત્રણ સેટ્સ પૂરા કર્યા હતાં. 

ઉચ્ચ પ્રોટીનવાળો આહાર : મોર્ગનનો આહાર પ્રોટીનથી ભરપૂર છે. તેઓ દરરોજ તેમના શરીરના વજનના પાઉન્ડ દીઠ આશરે 1 ગ્રામ પ્રોટીન ખાય છે, જે તેમના કદના વ્યક્તિ માટે સામાન્ય આહાર કરતાં વધારે છે. સ્નાયુ બનાવવામાં અને અસાધ્ય રોગોને અટકવવા માટે પ્રોટીન એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ છે. 

આ અભ્યાસ દર્શાવે છે કે વૃદ્ધાવસ્થામાં પણ નિયમિત કસરત હૃદય, સ્નાયુઓ અને ફેફસાંને મજબૂત કરી શકે છે અને યુવાનની જેમ તંદુરસ્ત રહેવું શક્ય છે. જો કે સંશોધકોનું કહેવું છે કે મોર્ગનમાં કેટલાક આનુવંશિક ફાયદા હોઈ શકે છે, પણ એ વાત નક્કી છે કે 93 વર્ષની ઉંમરે આટલું સારું શરીર તેમની તંદુરસ્ત દિનચર્યાને આભારી છે. 

આનો અર્થ એ થયો કે મોર્ગનની જેમ તમે કોઈ પણ ઉંમરે કસરત શરૂ કરી શકો છો અને ઉચ્ચ પ્રોટીનવાળો આહાર લો, તો તમે તંદુરસ્ત રહી શકો છો. મોર્ગનની વાર્તા આપણને શીખવે છે કે ઉંમર એક સંખ્યા માત્ર છે અને સ્વાસ્થ્યની સંભાળ લેવાનું શરૂ કરવામાં ક્યારે ય મોડું થતું નથી. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...740741742743...750760770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved