Opinion Magazine
Number of visits: 9741667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘ સો વર્ષનો થઈ રહ્યો છે ત્યારે ચરિત્ર સામે મોટું સંકટ

રમેશ ઓઝા|Opinion - Opinion|9 May 2024

રમેશ ઓઝા

એમ કહેવાય છે કે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉદાસીન છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સંઘના સ્વયંસેવકો જે ઉત્સાહથી ભા.જ.પ. માટે પ્રચાર કરતા હતા તે અત્યારે કરતા નથી. આમ કહેવાય છે એટલા માટે કે સંઘનો સંસાર અને વ્યવહાર કર્ણોપકર્ણ ચાલે છે. સંઘનો જિલ્લા પ્રચારક શાખાસંચાલકને કાનમાં જે કરવાનું હોય એ કહી જાય જે શાખાસંચાલક બીજા દિવસે ચુનંદા સ્વયંસેવકોને કાનમાં કહે. વોટ્સેપ પણ કરવાનો નહીં. આદેશ હંમેશાં મૌખિક જ અને એ પણ કાનમાં જ આપવાનો. આને કારણે તમે ખાતરીપૂર્વક કાંઈ જ ન કહી શકો એટલે એમ કહેવાય છે એમ કહેવું પડે. પણ જે કહેવાય છે એને માટે કારણો પણ છે, એટલે જે કહેવાય છે એ સમજી શકાય એમ છે. આવતા દશેરાના દિવસે સંઘ સોમાં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તેની સામે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે. એ કારણો તપાસીએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક “સંઘ” છે અને તેનું મુદ્રવાક્ય છે; “સંઘ શક્તિ કલૌયુગે.” મૂળ શ્લોકમાં કહેવાયું છે કે સતયુગમાં જ્ઞાનની શક્તિ પ્રભાવી હતી, ત્રેતાયુગમાં મંત્રશક્તિ પ્રભાવી હતી, દ્વાપરયુગમાં યુદ્ધશક્તિ પ્રભાવી હતી અને કલિયુગમાં સંઘશક્તિ પ્રભાવી હશે. અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે એટલે તેની બતાવવામાં આવેલી શક્તિ સંઘ છે અર્થાત્ સંગઠિત થવામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં “સંઘ” શબ્દ અમસ્તો નથી.

હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સંઘ હોય ત્યાં કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ ન હોય. સંઘ આમ કહેતો પણ આવ્યો છે અને તેને માટે ગર્વ પણ અનુભવતો આવ્યો છે. અમારે ત્યાં વ્યક્તિવાદ નથી તો પરિવાર તો બહુ દૂરની વાત છે એમ સંઘના નેતાઓ અને જનસંઘ/ભા.જ.પ.ના નેતાઓ પણ કહેતા આવ્યા છે. સંઘની રચના પીરામીડ જેવી છે જેમાં સૌથી નીચે શાખા છે અને સૌથી ઉપર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા છે. સંઘમાં સીધું લોકતંત્ર નથી, પણ તેનો એવો દાવો છે કે છેક નીચેથી ભાવના અને અભિપ્રાયો જુદા જુદા સ્તરના પ્રચારકો દ્વારા ઉપર તેમના પ્રતિનિધિ સુધી પહોંચતા હોય છે. ઉપર પ્રતિનિધિઓ જે નિર્ણય લે એ નીચે સુધી પહોંચતો હોય છે. નીચેથી ઉપર સુધીનો પ્રવાસ ભાવના અને અભિપ્રાયનો હોય છે અને ઉપરથી નીચેનો પ્રવાસ આદેશનો હોય છે. આને કહેવાય સંઘ. લોકતાંત્રિક સંગઠન અને સંઘમાં આ ફરક છે. સંઘમાં શિસ્ત હોય છે, પણ કોઈ સર્વોપરી નથી હોતું. સ્વયંસેવકોના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક નિર્ણય લેવાય છે, પછી તેનું સ્વરૂપ ભલે આદેશ જેવું લાગતું હોય. ટૂંકમાં સંઘમાં સામૂહિકતા છે અને માટે તે સંઘ છે.

સંઘની શાખા-પ્રશાખાઓ પણ છે. કેટલી છે? આભના તારાની માફક ગણી ગણાય નહીં એટલી. એ શાખા-પ્રશાખાઓ સ્વતંત્ર રીતે પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે છે. આ શાખા-પ્રશાખાઓમાં એક શાખા ભારતીય જનતા પક્ષ છે. ભારતીય જનતા પક્ષ પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે અને એવી રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પક્ષમાં દરેક સ્તરે ભા.જ.પ.નો સંગઠન મંત્રી હંમેશાં સંઘનો જ હોય. જ્યારે સંઘ પાસે તેના પોતાના રાજકીય નેતાઓ નહોતા અને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને બલરાજ મધોક સુધીના હિન્દુત્વવાદી પણ સંઘના ન હોય એવા અધ્યક્ષોને ઉછીના લાવવામાં આવતા હતા ત્યારે પક્ષ પર સાચો કબજો સંઘના સંગઠન મંત્રીઓ જ બનતા હતા. દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરસઃ સંગઠન મંત્રીઓ તરીકે પક્ષ પર કબજો ધરાવતા હતા. બહારના અધ્યક્ષો તો નામના હતા. સમય જતાં સંઘમાંથી નીકળેલા નેતાઓ રાજકીય રીતે પરિપક્વ બની ગયા, ચૂંટણીઓમાં ચૂંટાવા લાગ્યા, પક્ષના અધ્યક્ષ બનવા લાગ્યા અને તેમની પોતાની પ્રતિષ્ઠા પણ બનવા લાગી, પરંતુ પેલી સંગઠન મંત્રી સંઘનો જ હોય એવી પરિપાટી કાયમ રહી હતી. આમ તો એ બધા સંઘના જ હતા, પણ ભા.જ.પ.ના થયેલા હતા એટલે પિતૃસંઘના પ્રતિનિધિને સંગઠન મંત્રી બનાવવામાં આવતા હતા.

શા માટે? કારણ કે ભા.જ.પ. રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષને સત્તા સાથે સંબંધ છે અને સત્તાનો સ્વભાવ વધુને વધુ સત્તા મેળવવાનો અને બને ત્યાં સુધી સત્તા નહીં છોડવાનો હોય છે. આ સ્વભાવ છે અને સંઘનો સ્વયંસેવક પણ અંતે માણસ છે. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણીએ વડા પ્રધાન બનવા માટે અટલ બિહારી વાજપેયી કરતાં પણ સવાયા ઉદારમતવાદી બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પાકિસ્તાનમાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાની મઝાર પર જઇને ઝીણા સેક્યુલર હોવાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. મઝાર પર જવું અને ઝીણાને સેક્યુલર હોવાનું પ્રમાણપત્ર આપવું એ સંઘ માટે કુફ્ર પ્રવૃત્તિ હતી. આને માટે અડવાણીને દંડવામાં આવ્યા હતા અને તેમને ભા.જ.પ.ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અક્ષરસઃ રાજીનામું સંઘે માગી લીધું હતું. સત્તા મેનકાથી ઓછી લોભાવનારી નથી હોતી. ભલભલાનો સંયમ છૂટી જાય. માટે સંઘ ભા.જ.પ.ને (કે બીજા કોઈ પણ સંગઠનને) પોતાની ભ્રમણકક્ષામાંથી બહાર જવા દેતો નથી અને તે બહાર ન જાય એવી તેણે વ્યવસ્થા કરી છે.

હવે આમાં જો કોઈ સર્વોચ્ચ નેતા પેદા થાય અને તે સંઘની વ્યવસ્થાને તોડે તો શું થાય! માત્ર સંઘની વ્યવસ્થાની ઉપેક્ષા ન કરે, સંઘના નેતાઓની પણ ઉપેક્ષા કરે, સંઘને સૂર્યમાંથી ગ્રહ પણ નહીં, ઉપ-ગ્રહમાં ફેરવે તો શું થાય? નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંઘના દ્વિતીય હરોળના નેતાઓને એવી જગ્યાઓમાં ગોઠવી દીધા છે જ્યાં તેઓ વિશેષાધિકાર ભોગવતા થઈ ગયા છે. તેમને પ્રોટોકોલ મુજબ મફત વિમાન પ્રવાસ કરવા મળે, એરપોર્ટ પર લાઉન્જ વાપરવા મળે, લાલ દીવાની ગાડી મળે, સર્કીટ હાઉસમાં જગ્યા મળે, આવાગમન વખતે કોઈ તેમનું સ્વાગત કરે, ચાર-પાંચ સિક્યોરીટી ગાર્ડઝ હોય વગેરે વગેરે. એમાં રાજાપાઠનો એક અનોખો ગળચટો અનુભવ થતો હોય છે. સત્તાના ઝેરથી ભા.જ.પ.ના નેતાઓ ન અભડાય એ સારુ સંઘે ઝેરનું વારણ કરનારી એક વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે સાવ ઊંધુ થઈ રહ્યું છે. સંઘના દ્વિતીય હરોળના નેતાઓને સત્તાનો નશો કરાવવામાં આવી રહ્યો છે.

સંઘ સો વરસનો થઈ રહ્યો છે ત્યારે સંઘ સામે તેનાં પ્રતિષ્ઠિત (અને દુ:શ્મનો દ્વારા પણ સરાહનીય) ચરિત્રની સામે મોટું સંકટ પેદા થયું છે. આના વિષે ભલે ઊઘાડી ચર્ચા ન થતી હોય, પણ ચિંતાનો વિષય તો છે જ. સત્તા ઝેર છે અને સત્તાની રમતમાં પડેલા તેનાથી બચતા નથી એમ મહાભારતકાળથી કહેવામાં આવી રહ્યું છે એ ખોટું નથી. હજુ બે દાયકા પહેલાં સંઘે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાને, કે જેમણે આખી જિંદગી જનસંઘ/ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને એક મોટા પક્ષ તરીકે સ્થાપ્યો તેને હોદ્દા પરથી ઉતારી દીધા હતા. પણ અત્યારે? પૂછે છે કોણ? દસ વરસમાં માત્ર એક વાર નરેન્દ્ર મોદી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા છે. નરેન્દ્ર મોદી સંઘના એજન્ડાને ભલે લાગુ કરતા હોય, પણ નરેન્દ્ર મોદી સંઘના પ્રસિદ્ધ ચરિત્રથી વિમુખ થઈ રહ્યા છે અને એ રીતે સંઘને નુકસાન પહોંચાડી રહ્યા છે. સંઘ પરિવારમાં માત્ર એક જ સૂર્ય છે અને તેની ફરતે સંઘે પ્રદક્ષિણા કરવી પડે એ કેટલું વસમું પડતું હશે એની કલ્પના તમે કરી શકો છો.

માટે શક્ય છે કે સંઘ ઉદાસીન હોય અને કાનમાં કશીક વાત વહેતી થઈ પણ હોય.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2024

Loading

ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 May 2024

2019માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થિમ પર આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો

કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે. એ સ્તવનોના ઉજાસમાં વાત કરતે કરતે આપણે ગયે અઠવાડિયે, બરાબર ગુજરાત દિવસે સ્તો, ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’ કને લાંગર્યા હતા.

પ્રકાશ ન. શાહ

આજે અલબત્ત ખબર નથી કે ગઈ કાલે 7 મે, રવીન્દ્ર જયંતી પર્વે ગુજરાતે એનું મન કેવું ને કેટલું, કઈ દિશામાં આપ્યું છે. હમણાં તો જો કે વખતોવખત લાગ્યા કરતું હોય છે કે ગુજરાતે એમને બંનેને પ્રસંગે યાદ કરવાનો ઉપચાર બાદ કરતાં એકંદરે અભરાઈ રાબેતો જાળવી રાખ્યો છે.

ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. 

આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા … પાછા આપવાનું નામ જ નથી લેતા!)

કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે ય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત! ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’

એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી.

આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે : ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના – અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

1922માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો ‘લંડન ટાઈમ્સ’માં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા … કે આ ગાંધી?

એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્દગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે : ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા … એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી … એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઇતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઇતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે? ચોથી જૂને એનો એક જાડો જવાબ જડે તો જડે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 મે 2024

Loading

લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ

સરયૂ પરીખ|Opinion - Opinion|7 May 2024

સરયૂ પરીખ

મારા પ્યારા ભાવનગરમાં, મારાં માતા-પિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરૂરિયાતો સચવાઈ જતી. અમારું પોતાનું ઘર હતું, બગીચામાં દસેક આંબા અને ગુલાબ હતા. કેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકું એટલા પોશાક હતા. કબાટમાં, કાચનાં બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારાં કપડાં મૂકાયેલા રહેતાં. અમારા મધ્યમ વર્ગના પરિવારમાં જીવન જરૂરિયાત કરતાં વધારે એશો આરામનો અનુભવ નહોતો, તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

મને દસ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જરા જાડી થઈ ગઈ હતી. મને ચિડવવા ‘ડબલ ટાઈફોડ’ નામ પણ આપેલું. પાછા ઉપરથી સલાહ આપનાર કહેતાં, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.” તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?”

ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતા, પણ મારાં કપડાં ખરીદવા મારે બાની સાથે જવાનું થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય, તેથી બપોરે જવાનું શક્ય બનતું. ખરીદી કરવા જવાના દિવસે ઉત્સાહને કાબૂમાં રાખવાનું આ કિશોરી માટે અઘરુ હતું. બપોરનું જમવાનું પૂરું થતા બા જલદી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મૂકી દેતી. પછી ચા પણ બનાવી આપું. પણ, સૌથી મોટો ભય અતિથિ આવીને ઊભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા અણગમાનો ભાવ વાંચી ન લે … તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલદી ચા પતી જાય, એ પ્રાર્થના કરતી કરતી ઘરના બારણા પાસે ઊભી રહેતી. આ નાની લાગતી વાતોનું એ સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

એ શનિવારે અમે નવી કાપડની દુકાને ગયેલાં. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનું હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા, પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. એ ખોલતાં જ મારો ચહેરો ખીલી ઊઠ્યો. મેં બાને કહ્યું, “આ તો લેવું જ છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યું કે સારું કાપડ નથી, એમ સમજીને કહ્યું, “ના, આ રહેવા દો.” અગ્યાર વર્ષની હું આંખમાં આંસુ છૂપાવવા એક બાજુ જઈ ઊભી રહી. બાએ મારી લાગણી ન દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યું. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અને ‘સાચવીને ખાસ પ્રસંગે પહેરવાનો’ એવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. એ લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, એ ગમતી પ્રવૃત્તિઓ હતી.

એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયાં. એ સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. “ન્યૂમોનિઆ લાગે છે” એવા નિદાન સાથે દવા લઈ, ચાલતા ઘરે આવી પથારીમાં સૂતી. બા નોકરી પર ગયાં. આખી બપોર શ્વાસ લેતા ખૂબ દર્દ થયું ત્યારે, ન્યૂમોનિઆ એક ગંભીર બીમારી છે, એ બધાના ધ્યાનમાં આવ્યું. અમારે ત્યાં ફોન નહોતો. એ એક જ દિવસ અમે બાને શાળામાં ફોન પાડોશીના ઘેરથી કરાવ્યો હતો. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી ત્યારે બા-બાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવ-જા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ એ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા જ, બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. એ આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યાં હતાં. મારી નજર કબાટમાં ગોઠવાયેલા રાતાં ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે એ ડ્રેસ જોઈ રહ્યાં. પછી મને એ ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી. મને સ્વસ્થતા આવતા મારી નજર મારા હાથ પર પડતાં ખ્યાલ આવ્યો કે મારો અંગૂઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યું કે મારું વજન ઘણું ઊતરી ગયું હતું. વાહ! મારું સપનું સાકાર થયું.

મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતાં. એમાં એક દિવસ મારી બહેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી, પણ હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાનાથી થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતાં કે, સ્નેહની કદર ન કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં ય હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારું દિલ આભારવશ થઈ ગયું. એ માંદગીના સમયે મને એવી ઘણી અણજાણ, અંતર્હિત લાગણીઓની કદર સમજાઈ.

એ દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનું વિચાર્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનું લાલ ગુલાબ હસી રહ્યું હતું. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. સામે જ બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યાં હતાં. “બા! લો આ તમારા માટે ભેટ.” બાના મુખ પર એ ગુલાબ જેવું જ હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી એ વિષે હું ભૂલી ગઈ. પછી આ ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશાં સૌથી વધારે મનગમતો બની રહ્યો.

લગ્ન પછી પરદેશ વાસને લીધે બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અંતરાય વધતો રહ્યો. ૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘરે ભેગા થયેલા. તેમના અવસાન બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતાં ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટ બુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યું હતું એના બીજા દિવસ પછી એ ક્યાં સંતાયેલું હતું! એ જ પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી. અચરજ  એ થાય છે કે કાળની નદી વહે જાય છે, પણ એ કિશોરી તો અહીં જ ઊભી છે!

એવામાં, વર્ષો સુધી બાનું કામ કરનાર, સંતોકબહેન, એમની પૌત્રી મેના સાથે ઓરડામાં દાખલ થયાં. ડ્રેસને જોઈને એ બોલ્યાં કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે આ ડ્રેસને હાથમાં લેતા જોયેલાં.” મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ, દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો, અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈન બેઠી…

માના આંગણની સુવાસ

વહેલી પરોઢ, કોઈ જાણીતી મ્હેક, મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ, અહો! માના આંગણની સુવાસથી.

પાંપણ પરસાળમાં શોધે ચાર પાંદડી, ધોળા રે ફૂલ પીળી દાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી, કે જોઉં મને વેણી પરોવતી!

ઉષાની ઓઢણીની આછેરી હલચલથી, પર્ણોના થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી, ભીંજી પળભરમાં પમરાટથી!

પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી, મહેકાવે યાદને સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ, સ્પર્શે સરયૂને કુમાશથી!

                                                        ———

e.mail : saryuparikh@yahoo.com Austin, Texas.
 www.saryu.wordpress.com

Loading

...102030...738739740741...750760770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved