Opinion Magazine
Number of visits: 9457437
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોખી વાત, અનોખું કમિશન … ઓવર ટુ કાશ્મીર!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 December 2023

હુર્રિયતથી માંડી ભા.જ.પ. સાથે સમજૂતી કરવા લગીના રાજકીય ફલક પર સફર કરનાર પીપલ્સ કોન્ફરન્સ અને એના સ્થાપક અબ્દુલ ગની લોનનું સ્મરણ આ તબક્કે થઈ આવે છે. કોન્ફરન્સના વિઝન ડોક્યુમેન્ટમાં એમણે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનનું સૂચન કર્યું હતું

પ્રકાશ ન. શાહ

સર્વોચ્ચ અદાલતે બંધારણની 370મી કલમ બાબતે આપેલ ચુકાદા પર માનો કે સમરકંદ-બુખારા નયે ઓવારી જઈએ, પણ એના પરિશિષ્ટ રૂપે ન્યાયમૂર્તિ સંજય કિશન કોલે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશનનું જે સૂચન રમતું મૂક્યું છે એનાં દુખણાં જેટલાં લઈએ એટલાં ઓછાં. બેઉ બાજુની જાથુકી દલીલો વચ્ચે કેમ જાણે ટગલી ડાળી શી આ પહેલ એક તાજી લેરખી લઈને આવે છે.

આ લખનારની જેમ ઘણાનું ધ્યાન, સત્યખોજ અને સમાધાનલક્ષી પંચની પરિકલ્પના (બલકે અભિગમ) ભણી ઊહાપોહભેર કદાચ 1995માં જ ખેંચાયું હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની નેલ્સન મંડેલા સરકારે બિશપ ડેસમન્ડ ટુટુના અધ્યક્ષપદે આ પ્રકારના કમિશનની રચના કરી હતી. જો કે, આ અભિગમનો સિલસિલો કંઈ નહીં તોયે એનાં દસ-પંદર વર્ષ લગી પાછળ જઈ શકે છે.

દક્ષિણ આફ્રિકામાં શાસન હસ્તકની રંગદ્વેષી રાજનીતિનો ઇતિહાસ સહેજે ત્રણેક સૈકાનો હશે. ગોરી લઘુમતીએ અશ્વેત બહુમતી, મૂળનિવાસી લોક પરત્વે અમાનુષી ભેદભાવને ધોરણે ઘોર સાંસ્થાનિક શોષણના રાહે જે રાજવટ ધરાર ચલાવી હતી એનો હિંદછેડે આપણને કંઈક તો ખયાલ હોય જ, કેમ કે આપણી સ્વરાજ લડતનાં ગાંધીમૂળિયાં એની સાથે સંકળાયેલાં છે.

નેલ્સન મંડેલા

સત્તાવીસ વરસના જેલવાસ પછી બહાર આવેલા ઝુઝારુ અશ્વેત નેતા મંડેલા અને ગોરા પ્રમુખ ક્લાર્કની જુગલબંદી, ક્યા કહના. ક્લાર્કે 1990માં મુક્તિ ચળવળને આંતરતા પ્રતિબંધો ઉઠાવી લીધા અને મોકળાશની નવી પ્રક્રિયા શરૂ થઈ. 1994માં શ્વેત-અશ્વેત સૌની સમાન ને સહિયારી હિસ્સેદારી સાથે મુક્ત ચૂંટણી થઈ અને નવા તંત્રે અખત્યાર સંભાળ્યો.

ખાસા ત્રણ સૈકાની જુલમશાહીના કરવૈયાઓ સામે – એના હિંસક પ્રતિકાર દરમ્યાન જેમને વેઠવું પડ્યું હોય એવા કિસ્સાઓમાં પણ – કેવી રીતે કામ લેવું એ માટે પ્રમુખ મંડેલાએ પ્રજાસૂય પરામર્શનો રવૈયો અપનાવ્યો. વ્યાપક નાગરિક સમાજને ધોરણે કાર્યરત પચાસેક બિનસરકારી સંગઠનોથી માંડીને ચર્ચ સહિતની સંસ્થાઓ અને બૌદ્ધિકો, સર્જકો વગેરેને સન્માનભેર સંયોજીને સંવાદનો દોર ચલાવ્યો અને એમાંથી નીપજી આવેલી ફોર્મ્યુલાને કાનૂની રૂપ આપી કામ ગોઠવ્યું : ટ્રુથ એન્ડ રિકન્સિલિયએશન કમિશનની નિશ્રામાં સત્યખોજ, એકરાર, તપાસ એમ જે કારવાઈ ચાલી એમાં કથિત ગુનાઈત તત્ત્વોને હળવા થવાનો તો ભોગ બનેલાઓને મુક્ત રજૂઆતનો અવસર મળ્યો. જે થયું’તું તે નથી થયું એવી ભૂમિકાનો છેદ ઉરાડવા સાથે ભેદભાવને ભોગવનારા અને ભોગ બનેલાઓ વચ્ચે કંઈક સુવાણ શક્ય બન્યું. સ્વીકાર-સમાદરની, કંઈક બેળે-કંઈક ઐળ, આ લગીર નરવી હવામાં વિવિધતાએ સોહતા ‘મેઘધનુષી રાષ્ટ્ર’ની છવિ નીખરી આવી.

લેટિન અમેરિકાની લશ્કરશાહી હકૂમતો અંગે પણ હમણેના દસકાઓમાં ખાસ કરીને ‘અદૃશ્ય થઈ ગયેલા લોકો’ અંગે જાહેર સુનાવણી – જેમાં બચી ગયેલા પોતાની વાત કરે, જુલમગારોને રૂ-બ-રૂ સુણાવે, ગુનાઈત કૃત્ય સબબ ક્ષમાયાચનાનો માહોલ બને અને સરવાળે રુઝાતા ઘાવનો શાતાકારી સંસ્પર્શ થાય એ કોશિશ રહી છે. દક્ષિણ આફ્રિકામાં ટુટુ પંચ સમક્ષ ખાસાં બાવીસ હજાર નિવેદનો-જુબાનીઓ નોંધાયાનું જાણ્યું છે.

અબ્દુલ ગની લોન

જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે (યાદ રહે, ન્યાયમૂર્તિ કોલ ખુદ કશ્મીરી પંડિત છે), પંડિતોની કારુણિકા ને કમનસીબી બેપાંચ છેડેથી સમજાય છે. સીમાપારના તત્ત્વોનો આતંકી રંજાડ તરત ધ્યાન ખેંચે છે અને એમાં સ્થાનિકો તરફથી કંઈક ભયવશ, કંઈક અન્યથા આંખ આડા કાન તેમ કંઈક મેળાપીપણું પણ વરતાઈ રહે છે. 1990 આસપાસનાં વરસો આપણે ત્યાં અયોધ્યા આંદોલને મુસ્લિમ નાગરિકોમાં જગવેલ બિનસલામતી તો જમ્મુમાં પંડિતોની હિજરત એ બે કેમ જાણે વિલક્ષણ રીતે પરસ્પર પૂરક ઘટનાક્રમ શા અનુભવાતા હતા : જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ રાજકારણીઓ આ સંજોગોમાં ‘બહારનાં તત્ત્વો’ની ટીકા સહિત એક સંમિશ્ર ધોરણે પેશ આવતા હતા. ખાસ તો, રામચંદ્ર ગુહાનું અવલોકન છે કે પાકિસ્તાન-પ્રેરિત કે ત્યારના રાજ્યપાલ જગમોહન-પ્રેરિત, બેઉ છેડાના એકતરફી વૃત્તાંતો મારફત પંડિતોની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર ધોરણસર બહાર આવ્યું નહીં. સોનિયા જબારની નગદ તથ્યમંડિત માંડણી, અન્ય પંડિત સંભારણાં, વગેરે પૂરતા પ્રમાણમાં વંચાતાં ને ચર્ચાતાં હોત તો કદાચ ચિત્ર જુદું હોત. કરપીણ કમનસીબી તો કદાચ એ પણ છે કે ભાગલપુર, મુંબઈ, અમદાવાદ જેવા ઘટનાક્રમોમાં વાજબીપણાના વ્યાયામમાં એક ઓજાર રૂપે પંડિતોનો ઉપયોગ થતો રહ્યો. એમની કારુણિકાના ઉપચારને નહીં પણ એના ઓજાર ઉપયોગને અગ્રતા મળી.

ન્યાયમૂર્તિ કોલના સૂચન સાથે જોડવી જોઈતી રૂપેરી કોર શી એક વિગત એ છે કે ઉમર અબ્દુલ્લા જેવા કાશ્મીરી આગેવાનો છેલ્લાં વર્ષોમાં ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશન પ્રકારનું સૂચન ચર્ચાઓમાં કરતા રહ્યા છે. એમ તો આ ક્ષણે હુર્રિયતથી માંડી ભા.જ.પ. સાથે સમજૂતી કરવા લગીના રાજકીય ફલક પર વિહરનાર પીપલ્સ કોન્ફરન્સ અને એના સ્થાપક અબ્દુલ ગની લોનનુંયે સ્મરણ થઈ આવે છે. કોન્ફરન્સના વિઝન ડોક્યુમેન્ટમાં લોને આગળ કરેલ એક ખયાલ આવા કમિશનની જરૂરતનો છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 ડિસેમ્બર 2023

Loading

ચાર કાવ્યકૃતિઓ

સાહિલ|Poetry|26 December 2023

1.

હામના હથિયાર બસ રાખો તમે

આયખું ખુદ્દાર બસ રાખો તમે

આતરફ શ્વસો ભલે મજબૂરીવશ

જીવ સામે પાર બસ રાખો તમે

માર્ગમાં થઈ જાય ક્યારે શું ખબર

સાથમાં આધાર બસ રાખો તમે

દર્દ વકરાવે નહીં એવો કોઈ

હાથવા ઉપચાર બસ રાખો તમે

ધ્યાન રાખો મન મહીં ઘૂસે નહીં

હોઠ પર હુંકાર બસ રાખો તમે

હાશનું પર્યાય જીવતર થઈ જશે

ઉજળો અવતાર બસ રાખો તમે

સુખના સાગરમાં હો સાહિલ મ્હાલવું

મન પરે ના ભાર બસ રાખો તમે

•

2.

ખ્વાહિશોને જે કરે છે ખાતમા

એ જ માણસ થઈ શકે છે મા’તમા

બ્રહ્મ ને પણ માફ કરતો માનવી

બસ કરી શકતો નથી ખુદને ક્ષમા

સંકટો ખુદ ચીલા ચાતરતા જશે

જોઈએ જક્કાસ જીવવાની તમા

મનને પૂછ્યું તો મળ્યો ઉત્તર મને

આત્મા તું – તું જ છો પરમાત્મા

જ્યારે પણ મેં જોઈ છે ખાતાવહી 

જખ્મ નકરા જખ્મ નકરા છે જમા

 હું ય ખુદ ભૂલી ગયો વર્ષો થયે

સાચવ્યા છે કેમ મનમાં અણગમા

રાત આખી જંપવા દેતી નથી

યાદને સાહિલ થયો શું અસ્થમા

••

3.

લોક સાચી વાતમાં હોંકારો પણ ના દઈ શકે

ને કોઈ દુખિયારાને સધિયારો પણ ના દઈ શકે

જે  કલમના માત્ર એકાદા શબદથી સાંપડે

એ પરિણામો કદી તલવારો પણ ના દઈ શકે

લાગણીના સ્પર્શે જે ટાઢક વળે છે જીવને

એટલી ટાઢક કદી અવતારો પણ ના દંઈ શકે

જે હરખ બાળકની કાલી બોલી સાંભળતાં મળે

એ હરખ તો ઈશ્વરી ઉપહારો પણ ના દઈ શકે

હે જીવનદાતા તને એવી તે શી લાચારી છે

જીવવાના મન મુજબ અધિકારો પણ ના દઈ શકે

લાગણીના કિટ્ટા સુલટાવી શકે બસ લાગણી

કારણો બુદ્ધિના ઠેકેદારો પણ ના દઈ શકે

તે જ સ્વેચ્છાએ દીધી છે જિંદગી જીવવા પ્રભુ

જીવવાનો કાં પછી ભણકારો પણ ના દઈ શકે

મોત અણગમતો અતિથિ છે છતાં સાહિલ કોઈ

આવકારી ના શકે જાકારો પણ ના દઈ શકે

••••

4.

શું ખોઈ  બેઠા એ વિષે તો નાણતું નથી

ને જે મળ્યુ છે એને કોઈ માણતું નથી

ખુદ તોડે તાર – તોડ્યા પછી રંજમાં ડૂબે

હદમાં રહીને તાર કોઈ તાણતું નથી

પાંચેય તત્ત્વ સાથે ઘરોબો થયો તો શું

ખુદની નજીક ખુદને કોઈ આણતું નથી

છોરું કછોરું થાય તો એ વાતની વ્યથા

ઈશ્વર સિવાય કોઈ વધુ જાણતું નથી

જન્મારો પૂરો પાણીમાં વીતાવવો છતાં

પાણીનું પાણી કેમ કોઈ ઠાણતું નથી

વડવા કહી ગયાં છે કહી અનુસર્યા કરે

રૂઢિ રિવાજને કોઈ પરમાણતું નથી

આલોચના કર્યા કરે હક માની અન્યની

સાહિલ સ્વયંને  કોઈ કદી છાણતું નથી

21/12/2023
નીસા, ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨

Loading

વંદું વિદ્યાસભાને, આજે 175મા સ્થાપના દિને

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 December 2023

સંજય ભાવે

ગુજરાતમાં નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ લાવવામાં ગુજરાત વિદ્યાસભા સંસ્થાનો અગ્રગણ્ય અને અમૂલ્ય ફાળો છે. તેના સંચાલન હેઠળ ચાલતી શ્રી હરિવલ્લભદાસ આર્ટસ કૉલેજમાં અધ્યાપક હોવું એ મારા માટે અહોભાગ્ય અને ગૌરવની વાત છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એવું આદ્ય નામ ધરાવતી આ સંસ્થાની સ્થાપના અંગેજ સરકારે અમદાવાદમાં નીમેલા આસિસ્ટંટ જજ એલેક્ઝાન્ડ કિન્લોક ફાર્બસે 26 ડિસેમબર 1846ના દિવસે કરી. સોસાયટીનો ઉદ્દેશ આ પ્રમાણે હતો : ગુજરાતી ભાષા-સાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી.

એલેકઝાન્ડર ફાર્બસ

ફાર્બસે કવિશ્વર દલપતરામને વઢવાણથી અમદાવાદ બોલાવ્યા અને તેમની સાહિત્યિક પ્રતિભાને સંસ્થાના કામમાં પ્રયુક્ત કરી. શહેરના શ્રેષ્ઠીઓ, અભ્યાસીઓ અને સમવિચારી સરકારી અધિકારીઓને પણ તેમાં સાંકળ્યા.

સંસ્થાનો સાત મુદ્દાનો કાર્યક્રમ આ મુજબ હતો : સામયિકનું પ્રકાશન, ગ્રંથાલય સેવા, ગુજરાતી શબ્દકોશની રચના, હસ્તપ્રત સંગ્રહ, સહશિક્ષણ, પાઠ્યપુસ્તકોની રચના અને નવાં પુસ્તકોનું લેખન-પ્રકાશન. સંસ્થાનું નામ 1946માં  ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું. જેનો ઇતિહાસ પાંચ ભાગમાં લખાયો હોય એવી પણ જૂજ સંસ્થાઓમાંની એક વિદ્યાસભા છે. 

વિદ્યાસભાએ ગુજરાતમાં સમાજની સુધારણા અને પ્રગતિ માટેની નીચે મુજબની પાયાની પ્રવૃત્તિઓ પહેલવહેલી શરૂ કરી : 

·       ગુજરાતની પહેલી કન્યાશાળા હરકુવરભાઈ શેઠાણી કન્યાશાળા (સ્થાપના 30 એપ્રિલ 1958) જે આજે પણ શહેરના ખાડિયા વિસ્તારમાં રાવબહાદુર રણછોડરાય છોટાલાલ કન્યાશાળા તરીકે શિક્ષણરત છે. 

·       અમદાવાદની, અને સંભવત: ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી તે ભદ્ર ટેલિફોન એક્સચેન્જ સામેની હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ (સ્થાપના 5 સપ્ટેમ્બર 1855)

·       ગુજરાતી ભાષાનું  પહેલું માસિક ‘બુદ્ધિપ્રકાશ’ (શરૂઆત 15 મે 1854) જે અત્યારે પણ અવિરત છે.

·       ગુજરાત વિદ્યાસભા અને તેની આર્ટ્સ કૉલેજે અત્યાર સુધી સંશોધન, પ્રકાશન, રાષ્ટ્રીય સેવા યોજના, રંગભૂમિ, ઇન્ડોલૉજિ, જાહેર જીવન જેવાં અનેક ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે.  

વિદ્યાસભાએ 1955માં શહેરના મિર્ઝાપૂર વિસ્તારમાં શરૂ કરેલી શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ કૉલેજ વર્ષોથી ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને અગ્રણી કૉલેજ ગણાય છે. આ કૉલેજમાં અધ્યાપક હોવા માટે હું ખુદને ખૂબ ખુશકિસ્મત સમજું છું. 

દલપતરામ કવિ

નદીનો પટ અને કાંઠો, કૉલેજ સંકુલમાં માટીવાળું ખુલ્લું મેદાન, તેના તરફ ખુલ્લાં વિસ્તૃત કૉરિડૉર, ત્રણ-ત્રણ અગાશીઓ, સૌથી ઊપર એક મોટું ધાબું, અને માથે ખુલ્લું આકાશ … શહેરમાં આવી elemental touch – પંચ તત્ત્વોને સ્પર્શતી, તડકો અને છાંયો, હૂંફ અને શીતળતા કુદરતી સ્વરૂપમાં જ આપતી કૉલેજ મને મળી છે. 

દરરોજ તેના ચાર માળના તોતિંગ, અડીખમ અને ભવ્ય વાસ્તુ સામે જોઈને મનોમન નતમસ્તક થાઉં છું. સદ્દભાગ્યે અત્યારે પણ માટી જળવાયેલી હોય તેવાં તેનાં પ્રાંગણમાં આનંદશંકર ધ્રુવ, ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, એસ્તેર સોલોમન, ઇલાબહેન પાઠક, નિરંજન ભગત જેવાં અનેક વિદ્યાજનોનાં પગલાં પડ્યાં છે. એ શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજની માતૃસંસ્થા વિદ્યાસભાને આજે પ્રણામ.

વર્ષ 1996ના માર્ચમાં શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટ્સ (એચ.કે. આર્ટ્સ) કૉલેજના અધ્યાપક તરીકેનો ઇન્ટરવ્યૂ આપ્યો અને પસંદ થયો. ઇન્ટરવ્યૂ લેનારામાં બીજી પાંચેક વ્યક્તિઓ સાથે વિદ્યાસભાના માનાર્હ સંયોજક યશવંત શુક્લ અને કૉલેજના એ વખતના આચાર્ય હીરુભાઈ ભટ્ટ હતા.

મને પૂછવામા આવ્યું કે ‘તમે આ કૉલેજમાં શા માટે જોડાવા માગો છો ?’ આ સર્વસામાન્ય સવાલ સંચાલકોની અને મુલાકાત દરમિયાન હાજર શિક્ષણ ખાતાના પ્રતિનિધિની દૃષ્ટિએ મારી બાબતમાં વધુ પ્રસ્તુત હતો.

એટલા માટે કે હું અમદાવાદની જ એક કૉલેજમાં પૂરા સમયની સુરક્ષિત નોકરીમાં હતો. ઇન્ટરવ્યૂ અંગેજી વિષય માટેનો હતો. એટલે મેં જવાબ આપ્યો હતો : ‘A full-time  lecturer’s job, I already have, but joining this college means associating myself with Gujarat Vidyasabha which is a century-long tradition of learning and research.’ મારો જવાબ ઠીક વજનદાર હતો. એટલે સવાલ આવ્યો : ‘Tell us about Vidyasabha.’ 

અપેક્ષિત સવાલનો તૈયારી અને પ્રતીતિ સાથે જવાબ આપ્યો, જેમાં ફાર્બસ, એ સમયના ‘સકલ અને દલપતરામની વાત કરી. વિદ્યાસભાએ પ્રસિદ્ધ કરેલા ગુજરાતના ઇતિહાસની અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિક વિશે કહ્યું. 

વિદ્યાસભાની નિશ્રામાં ચાલતી એ વખતે ભદ્ર ટેલિફોન એક્સચેન્જની સામે છુપાયેલી ગુજરાતની પહેલી પબ્લિક લાઇબ્રેરી હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ અને અમારી કૉલેજના તોતિંગ વાસ્તુના પડખામાં છુપાયેલા ‘ભો.જે.’ તરીકે ઓળખાતા ભોગીલાલ જેશંગભાઈ અધ્યયન સંશોધન મંદિર વિશે હું બોલ્યો.

મને બોલવામાં આત્મવિશ્વાસ અને આનંદ હતા. એટલા માટે કે અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ભાષાસાહિત્યમાં મારા રસને કારણે મને બિનધાર્મિક, ઐહિક અને વ્યાપક માનવતાવાદી વિદ્યાપરંપરા તેમ જ પ્રવૃત્તિઓ વિશે વાંચવું (મારા જેવા બીજા કેટલાક મિત્રોની જેમ) ગમે છે. ઇંગ્લેન્ડની અને ભારતમાં પૂના, મુંબઈ અને કોલકાતાની થોડીક વિદ્યાસંસ્થાઓનો મને આછોપાતળો પરિચય પણ ખરો. 

અંગ્રેજીમાં જ લખવાની લ્હાય એ વખતે ઘણી. હું માત્ર અંગ્રેજીમાં લખતો. 1989થી બરાબર દસ વર્ષ – અત્યારે પણ જેના માટે મને ખૂબ માન છે તે – ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ની અમદાવાદ આવૃત્તિમાં નાટ્યાવલોકનો અને સાહિત્ય-સંસ્કૃતિ પરના લેખો લખતો, સરાસરી અઠાવાડિયે એક. 

મૂળ વિદ્યાપ્રવૃત્તિમાં રસ અને તેમાં આવા મોભાદાર કદરદાન પ્રકાશનમાં સ્પેસ મળી. એટલે સંસ્થાઓ, વ્યક્તિઓ, પુસ્તકો વિશે દિલથી કલમ ચલાવતો. તેના ભાગ રૂપે મેં 1992માં  ભો.જે. વિદ્યાભવન વિશે ‘એક્સપ્રેસ’માં લખ્યું. સહસંપાદકે મથાળું સરસ આપેલું ‘Far from the madding crowd’. તે જ રીતે હિમાભાઈ વિશે લખ્યું.

પછી ખબર નહીં કેવી રીતે પણ અભિલેખાવિદ હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી વિશે ‘એક્સપ્રેસ’માં ફીચર કર્યું અને ‘અખંડ આનંદ’માં તેમના વિશે ચરિત્ર લેખ કર્યો. આ બધાં માટે ગ્રંથાલયોમાંથી પુસ્તકો મેળવીને ઠીક ઠીક વાંચ્યાં હતાં, રસથી વાંચ્યાં હતાં.

યશવંત શુક્લ

એચ.કે. કૉલેજમાં જોડાયો તેના બીજા જ વર્ષે ગુજરાત વિદ્યાસભાનું દોઢસોમું વર્ષ આવ્યું. એટલે મેં ‘એક્સપ્રેસ’માં વિદ્યાસભા વિશે બે ભાગમાં લેખ 23 અને 24 ડિસેમ્બર 1997ની આવૃત્તિમાં લખ્યો. તેમના મથાળાં હતાં The one-of-a-kind institution nears it sesqui centenary અને Sabha keeps it flag flying high. 

એચ.કે. કૉલેજમાં અધ્યાપક હોવાનું જેટલું સદ્દભાગ્ય છે તેટલું જ, બલકે તેનાથી ચપટીક વધુ સદ્દભાગ્ય તેના ગ્રંથાલય થકી ન્યાલ થવાનું છે. તેનું નામ યથાર્થ રીતે જ શ્રી યશવંત શુક્લ ગ્રંથાલય છે. તેમાં પ્રત્યક્ષ પ્રવેશ વિના કૉલેજનો મારો ભાગ્યે જ કોઈ દિવસ જાય છે. મનોમન પણ તેને હંમેશાં યાદ કરતો રહું છું. અરે, પેરિસમાં હતો ત્યારે પણ આ ગ્રંથાલયને યાદ કરવાનું, અને અત્યારે કોઈ કૉલેજને મળતાં મળે એવાં નિષ્ઠાવાન ગ્રંથપાલ તોરલબહેન પટેલને ફોન કરવાનું થયું હતું. 

કૉલેજમાં જોડાયો તે જ વર્ષના કૉલેજના વર્ષિક અંકમાં ‘આપણી કૉલેજનું ગ્રંથાલય’ નામનો ઠીક મોટો લેખ લખ્યો હતો. એના માટેનાં કામ દરમિયાન મેં પુસ્તક-ખજાનો જોયો તેનો આનંદ આજે પણ યાદ છે. 

સ્નાતક કક્ષાની કૉલેજ તરીકેની આ ગ્રંથાલયની સમૃદ્ધિના મૂળ ગુજરાત વિદ્યાસભાની ગ્રંથાલય સેવા અને પુસ્તક પ્રકાશનના ઉપક્રમમાં રહેલાં છે. હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વખતે દલપરામે લખ્યું છે: 

‘જુઓ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે  

રચ્યું રૂડું વિદ્યા વધે તેવી આશે’ 

બિલકુલ હોવું જોઈએ તેવું નાટ્યગૃહ જેના પ્રાંગણમાં હોય તેવી અમદાવાદની એકમાત્ર કૉલેજ ઘણાં વર્ષો સુધી અમારી એચ.કે. હતી. સૌમ્ય જોશી સાથેનાં નાટકનાં વર્ષોએ મારી આંતરસમૃદ્ધિ વધારી.

વીતેલાં પચાસેક વર્ષના લોકઆંદોલનોમાં કૉલેજની સામેલગીરી અને અને આપત્તિ-રાહતમાં કૉલેજે બજાવેલી કામગીરીનો હું દૂરથી અને નજીકથી બંને રીતે સાક્ષી છું. ઘણાં વર્ષો આ કૉલેજની liberal democratic tradition પણ મેં અનુભવી છે. સાબરમતીનાં પાણી વહેતાં રહ્યાં છે.

આ કૉલેજમાં દૂર દૂરથી બસોમાં બેસીને આવતાં અભાવગ્રસ્ત અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓએ મારા પગ ધરતી પર રાખ્યાં છે, મને મારાં પ્રદાન અને મારી પાત્રતા કરતાં વધુ પ્રેમાદર આપ્યાં છે. 

મારી એચ.કે. આર્ટસ કૉલેજની માતૃસંસ્થા સ્થપાઈ ત્યારે તેનું નામ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ હતું. તેની સ્થાપના વેળાએ દલપતરામે વાંછ્યું હતું તે હું પણ વાંછું છું : 

  ‘સોસાઈટી તું થજે અવિનાશિની’ 

 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...714715716717...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved