Opinion Magazine
Number of visits: 9665360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ વખતની સામાન્ય ચૂંટણીમાં આટલી વાત સ્પષ્ટ થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2024

રમેશ ઓઝા

એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને ૨૦૧૯માં જોવા મળી હતી. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી અને કાઁગ્રેસ વિરુદ્ધ જુવાળ હતો. ૧૯૮૪માં રાજીવ ગાંધી અને કાઁગ્રેસ તરફી જુવાળ હતો. ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી અને બી.જે.પી. તરફી જુવાળ હતો. અત્યારે આમાંનું કશું નથી. નરેન્દ્ર મોદી તરફી જુવાળ નથી તો એવો કોઈ પ્રચંડ જુવાળ તેમની વિરુદ્ધમાં પણ નથી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે લોકોને એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી નામનો ઐશ્વર્યવાન પુરુષ ગુજરતનું કલ્યાણ કરીને હવે દેશનું કલ્યાણ કરવા આવ્યો છે. તેમની પાસે ઉત્સાહ છે, ધગશ છે, ઉર્જા છે, કલ્પના છે, અનુભવ છે અને ઈમાનદારી છે. આવી એક ઈમેજ વિકસાવવામાં આવી હતી અને તેણે જુવાળ પેદા કર્યો હતો. ૨૦૧૯માં બાલાકોટ અને પુલવામાંને કારણે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન લોકોના મનમાં પેદા થયો હતો અને મતદાતાઓને એમ લાગ્યું હતું કે કોઈ કૃતસંકલ્પ અને શક્તિશાળી નેતૃત્વની દેશને જરૂર છે. નરેન્દ્ર મોદીની ચાલમાં, બોડી લેન્ગવેજમાં, ભાષામાં ખુમારી નજરે પડતી હતી.

આ વખતની ચૂંટણીમાં આમાનું કશું જ નથી. રાષ્ટ્રીય સુરક્ષાની કોઈ વાત કરે છે ત્યારે લોકોને ચીનની યાદ આવે છે. ૨૦૨૦ની સાલથી ચીન ભારતમાં લડાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારતની સેંકડો ચોરસ કિલોમીટર ભૂમિ પર કબજો જમાવીને બેઠું છે અને નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં ચીનનો ચ નથી ઉચાર્યો. ઊલટું ૨૦૨૦ના જૂન મહિનામાં તો દેશની પ્રજાને જૂઠો સધિયારો આપ્યો હતો કે દેશમાં કોઈ પ્રવેશ્યું નથી કે ભારતની કોઈ ભૂમિ પર કોઈએ કબજો કર્યો નથી. ચીને માત્ર ભારતની ભૂમી પર કબજો નથી કર્યો, એ ભૂમિ પર લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. ચીને નકશા બદલી નાખ્યા છે અને અરુણાચલનાં પ્રદેશો અને કસબાઓનાં નામ પણ બદલી નાખ્યાં છે. શા માટે ભારત આ પ્રશ્ને ઊહાપોહ નથી કરતું? શા માટે વિશ્વમત ભારતની તરફેણમાં બને અને ચીન ઉપર દબાણ પેદા થાય એ માટે પ્રયત્ન નથી કરતું? કારણ કે સાહેબને એમાં ભૂંડા લાગવાની શરમ આવે છે. દેશની ભૂમિ ભલે કોઈ આંચકી જાય અને ભલે છોડાવી ન શકીએ, પણ બોલવાનું નહીં. બોલીએ તો નમાલા દેખાઈએ. તમાચો ખાઈ લેવાનો પણ સિસકારી નહીં કરવાની કે ગાલ પર હાથ નહીં ફેરવવાનો. ગમે તેમ પણ પ્રજાને નમાલાપણું દેખાઈ ગયું છે. હજુ હમણાં જ દેશના વિદેશ પ્રધાને પત્રકારોને કહ્યું હતું કે ચીન વિશ્વની બીજા ક્રમની આર્થિક તાકાત છે, એટલે તેની સામે લડવું શક્ય નથી. વિદેશ પ્રધાને સત્તાવારપણે ચીનને જણાવી દીધું છે કે અમે તમારી સામે કશું કરી શકીએ એમ નથી. હવે તમે જ કહો, ચીન આનો લાભ લેશે કે નહીં?

૨૦૧૪નો વિકાસ તો બિચારો આગળ જવાની જગ્યાએ અવળી દિશામાં પાછો જઈ રહ્યો છે. સ્માર્ટ સિટીઝ, સ્કીલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, દરેક હાથને કામ વગેરેને તો જ્યાં હવે વડા પ્રધાન જ ભૂલી ગયા છે ત્યાં બીજાની ક્યાં વાત કરીએ! વિકાસની કોઈ યાદ પણ કરાવે છે તો લોકોને મોંઘવારી અને બેકારીની યાદ આવે છે. અને જો વિકાસની યાદ આવે પણ છે તો એ ભાઈબંધ ઉદ્યોગપતિઓના વિકાસની યાદ અને સામે ઇલેક્ટોરલ બોન્ડ્સની યાદ આવે છે. એક હાથ સે લિયા એક હાથ સે દિયા. આમાં ભ્રષ્ટાચાર વિષે પણ કશું બોલવાપણું રહ્યું નથી.

તો ૨૦૧૪ અને ૨૦૨૪થી ઊલટું આ વખતની ચૂંટણી જુવાળ વિનાની, કોઈ વ્યક્તિ કે પક્ષની તરફેણમાં સ્ટ્રોંગ નેરેટિવ વિનાની સામાન્ય ચૂંટણી છે જેમાં વડા પ્રધાન દેખીતી રીતે બચાવાત્મક ભૂમિકાએ છે. વડા પ્રધાનની દશા જુઓ! ૨૦૧૪ને અને ૨૦૧૯ને તેઓ યાદ પણ કરતા નથી /કરાવતા નથી અને જો કોઈ યાદ કરાવે તો ચહેરાના રંગ બદલાઈ જાય છે. વિકાસ, બહાદુરી, નિસ્વાર્થતા અને પ્રામાણિકતા પરની કલઈ ઉખડી ગઈ છે.

આ વખતની ચૂંટણીનું બીજું લક્ષણ એ છે કે ચૂંટણી લોકોએ હાથમાં લઈ લીધી છે. વિરોધ પક્ષો કરતાં પણ લોકો વધારે સક્રિય છે. વડા પ્રધાન જે ભુલાવા માંગે છે એને લોકો ધરાર યાદ કરાવી રહ્યા છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં શાસકોએ સોશ્યલ મીડિયાનો પોતાની તરફેણમાં ઉપયોગ કર્યો હતો અને અત્યારે લોકો તેનો શાસકો સામે ઉપયોગ કરી રહ્યા છે. આને કારણે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ ઓછો નડે છે અને શાસક પક્ષની સંસાધનોની રેલમછેલ ઓછો પ્રભાવ પાડે છે. આવું આ પહેલાં કર્ણાટકમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. વિરોધ પક્ષોને લોકોની જરૂર છે એના કરતાં લોકોને વિરોધ પક્ષોની વધારે જરૂર છે.

પણ આવું કેમ બન્યું? ખોટી ગણતરી અને ગણતરી પરના વધારે પડતા ભરોસાને કારણે. ગણતરી એવી હતી કે વિરોધ પક્ષોને અને વિરોધ પક્ષના નેતાઓને અધમુઆ કરી નાખવાના. તેમની સરકાર આંચકી લેવાની, તેમની અંદર વિભાજન કરવાનું, નેતાઓને જેલમાં નાખવાના. જે જેલ જવાથી બચવા માંગતા હોય તેને ભા.જ.પ.માં લઈ લેવાના, પૈસાના સ્રોત સૂકવી નાખવાના, ઈ.ડી. અને બીજી એજન્સીઓને પાછળ દોડાવવાની, વગેરે વગેરે. જંગલી કૂતરા જેમ શિકાર કરે એમ શિકારને દોડાવી દોડાવીને અધમુઓ કરી નાખવાનો. ૨૦૨૩ના ડિસેમ્બર મહિના સુધીમાં વિરોધ પક્ષોને ખતમ કરી નાખવાના અને પછી ૨૦૨૪ના જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન અને દેશને અર્પણ કરવાનું. ચારસો સીટ તો આમ ચપટી વગાડતા મળી રહેશે. સામે મેદાનમાં વિરોધ પક્ષ નામની કોઈ ચીજ હશે નહીં અને હશે તો માંદલા હશે અને આપણા પક્ષે મેદાનમાં હશે સ્વયં ભગવાન રામ અને રામને ભારતમાં લાવનાર દેવતા સમાન નરેન્દ્ર મોદી. અને પછી લોકસભાની ચૂંટણી.

આ ગણતરી પર એટલો બધો ભરોસો હતો કે ધીરેધીરે માનમર્યાદા અને સભ્યતાનો લોપ થતો ગયો. નીચમાં નીચ માણસને ભા.જ.પ.માં લઈ લો એમાં શરમાવાની જરૂર નથી. ભા.જ.પ.માં પ્રવેશેલા માણસ સામેના ભ્રષ્ટાચારના કેસને બંધ કરી દો, ટીકા કરનારાઓની ચિંતા કરવાની જરૂર નથી. ટીકાકારો તો ભસ્યા કરે. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ અને મકાન છીનવી લો. પહેલવાન છોકરીઓ સાથે બદતમી કરનારા માણસનો વાળ પણ વાંકો નહીં થાય કારણ કે એ અમારો આદમી છે એટેલ થાય એ કરી લો. મણિપુરની અમાનવીયતા વિષે હરફ નહીં ઉચારું, થાય એ કરી લો. આંદોલનકારી ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી ન શકે એ માટે રસ્તામાં ખિલા પાથરો. આવી તો દેશભરમાં અનેક ઘટનાઓ બની રહી હતી. ગોદી મીડિયા તો ગોદમાં હતા એટલે ઊહાપોહ થતો નહોતો.

પ્રજા આ બધું ચૂપચાપ જોતી હતી અને મનોમન શાસકોની નિયત અને સંસ્કાર વિષે અભિપ્રાય બનાવતી હતી. એમાં અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન થયું અને વડા પ્રધાને છાતી ફુલાવીને કહ્યું; ઇસ બાર ચારસો પાર. અને વળી લોકસભામાં કહ્યું કે મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો.

આમ કહ્યું અને લોકોના મનમાં સાવધાનીની ઘંટડી વાગવા માંડી. જો ૩૦૩માં આ દિવસો જોવા મળી રહ્યા છે તો ૪૦૦ પછી શું થશે? બંધારણ બદલાશે, અનમતની જોગવાઈ જશે, ખેડૂતો લડીને ૨૦૨૧માં તો ફાવ્યા પણ ૪૦૦ પછી ખેડૂતો નહીં ફાવે અને જમીન ગુમાવશે. યુવાઓ નોકરી માગવાના નામે ઊહાપોહ કરશે તો જેલમાં જવાનો વખત આવશે બીજી બાજુ અદાણી-અંબાણીને ધરવવામાં આવશે. સ્ત્રીઓને પહેલવાન છોકરીઓ અને મણિપુરની સ્ત્રીનાં ચહેરા નજરે પડવા લાગ્યા. દેશપ્રેમના નામે, રાષ્ટ્રવાદના નામે, હિંદુ મુસ્લિમના નામે આ બધું થતું રહેશે. પ્રજાના મનમાં જે ઘંટડી વાગવા માંડી એ હવે ઘંટનાદમાં ફેરવાઈ રહ્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 મે 2024

Loading

નિર્જન કચ્ચાથીવુ દ્વીપ વિવાદમાં ધુમાડો અને પ્રકાશ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2024

ચંદુ મહેરિયા

પચાસ વરસ પહેલાં, ૧૯૭૪માં,  થયેલી આંતરરાષ્ટ્રીય સમજૂતી હેઠળ જેના માલિકી હકનો વિવાદ સમાપ્ત થયો હતો તે કચ્ચાથીવુ દ્વીપનો મામલો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના  પ્રચારમાં ગરમાયો છે. તમિલ રાજનીતિનો આ વિવાદિત મુદ્દો હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ ઉઠ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્ચાથીવુ શ્રીલંકાને આપી દેવાના કાઁગ્રેસના પગલાંને ‘મા ભારતી કા એક અંગ કાટ દિયા’થી માંડીને ‘દેશની એકતા, અખંડતા અને હિતો વિરુદ્ધનું‘ ગણાવ્યું છે. તમિલનાડુનો સત્તાપક્ષ ડી.એમ.કે.  કચ્ચાથીવુ પ્રશ્ને કાઁગ્રેસની સાથે નથી, પણ લોકસભા ચૂંટણીમાં કાઁગ્રેસ ગઠબંધનનો ભાગ છે, એટલે તેના આ બેવડા વલણને ભા.જ.પ. વખોડે છે. આ સ્થિતિમાં રાજકીય દોષારોપણથી આગળ જોઈને આ પ્રશ્ને ખરી હકીકતો જાણવાની જરૂર છે. પણ આજે તો કચ્ચાથીવુ વિવાદની આગથી ઉઠેલા ધુમાડે સૌને તાપી લેવું છે. એની પછવાડેનો પ્રકાશ કોઈને શોધવો નથી.

હિંદ મહાસાગરમાં ભારતના દક્ષિણ છેડે અને શ્રીલંકા વચ્ચે પાક જલડમરુ મધ્ય અર્થાત પાણીનો માર્ગ બને છે. તેના પર ઘણા દ્વીપ આવેલા છે. તે પૈકીનો એક કચ્ચાથીવુ છે. આ નિર્જન ટાપુ ભારતના રામેશ્વરમથી બાર માઈલ અને શ્રીલંકાના જાફનાના નેન્દુતીવુથી સાડા દસ માઈલના અંતરે આવેલો છે. બંગાળની ખાડીને અરબી સમુદ્ર સાથે જોડતો કચ્ચાથીવુ દ્વીપ ચૌદમી  સદીમાં જ્વાળામુખીના વિસ્ફોટથી રચાયો હતો. રેતીલા અને પરવાળાના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો અહીં પુષ્કળ પ્રમાણમાં છે. તેથી મોટા વહાણો ત્યાં લાંગરી શકતા નથી. પીવાનાં સાફ પાણીના અભાવે કચ્ચાથીવુ પર કોઈ માનવ વસ્તી નથી. માછીમારો આરામ માટે કે તેમની જાળ સુકવવા માટે તેનો ઉપયોગ કરે છે. ટાપુ પરનું એક માત્ર બાંધકામ કદાચ ખ્રિસ્તીઓ જેને નાવિકોના સંરક્ષક સંત માને છે તેવા સંત એન્થનીનું ચર્ચ છે. એટલે તેના વાર્ષિક ધાર્મિક ઉત્સવમાં એક બે દિવસ ભારત અને શ્રીલંકાના માછીમારો ત્યાં જાય છે. તે સિવાય ટાપુ પર માનવીય અવરજવર સીમિત છે. છતાં તેની માલિકીનો વિવાદ હજુ ય યથાવત છે.

૨૮૫ એકરનો કચ્ચાથીવુ દ્વીપ રામનાથપુરમ્‌ના રાજાને અધીન હતો. પછી તે મદ્રાસ પ્રેસીડેન્સીનો ભાગ બન્યો હતો. ભારતના માછીમારો અને શ્રીલંકાના તમિળો પારંપારિક રીતે તેનો માછીમારી માટે ઉપયોગ કરતા હતા. બ્રિટિશ શાસનમાં પણ બંને દેશો તેનો સંયુક્ત ઉપયોગ કરતા હતા. ૧૯૨૧માં માછીમારી માટે બંને દેશોએ એક માત્ર પોતાનો જ હક હોવાના દાવા કર્યા અને તેની માલિકીનો વિવાદ પેદા થયો. તે ઉકેલવાના પ્રયાસો બંને દેશોના રાજદ્વારીઓ ભારતના સ્વાતંત્ર્ય પછી પણ કરતા રહ્યા હતા. ૧૯૪૮માં શ્રીલંકાએ તેની અનુમતિ વિના ભારતીય નૌસેના અભ્યાસ નહીં કરી શકે એમ જણાવ્યું અને ૧૯૫૫માં ત્યાં શ્રીલંકન એરફોર્સે અભ્યાસ કર્યો. તેથી પણ તણાવ વધ્યો. ૧૯૭૪માં તત્કાલીન ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને શ્રીલંકન વડા પ્રધાન સીરીમાવો બંડારનાયક વચ્ચે સમુદ્રી સીમા સમજૂતી થઈ અને ભારતે કચ્ચાથીવુ પર પોતાના દાવો જતો કરી તેની માલિકી શ્રીલંકાને આપી દીધી. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય જળ સીમા નિર્ધારિત થઈ હોવા છતાં માછીમારોની અવરજવર અને ધાર્મિક ઉત્સવમાં વિના વિસાએ જવાનું ચાલુ રહ્યું હતુ. ૧૯૭૬માં બંને દેશો વચ્ચેની અન્ય સમજૂતીમાં એકબીજાના વિશેષ આર્થિક ઝોનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ લદાયો. તેથી તમિલનાડુના માછીમારો માટે મુશ્કેલીઓ ઊભી થઈ.

તમિલનાડુ સરકારે કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને આપી દેવાના નિર્ણયનો ૧૯૭૪થી જ વિરોધ કર્યો હતો. તમિલનાડુની રાજ્ય સરકારને આ નિર્ણય તેમના રાજ્યના માછીમારોના હિત વિરુદ્ધનો લાગતો હતો. રાજ્યમાં રાજવટ ડી.એમ.કે.ની હોય કે એ.આઈ.ડી.એમ.કે.ની બંને પક્ષો કેન્દ્રના આ નિર્ણયને રાજ્યના હિત વિરુદ્ધનો ગણતા હતા. ૨૦૦૮ અને ૨૦૧૧માં રાજ્યની વિધાનસભામાં કચ્ચાથીવુ દ્વીપ પરત મેળવી લેવા વિનંતી કરતો પ્રસ્તાવ પણ પસાર થયો હતો. હાલના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને પણ કેન્દ્ર સરકારને પત્રો લખી વિનંતી કરી છે. તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ટાપુ પરત લેવા દાદ  માંગી હતી.

શું કચ્ચાથીવુ દ્વીપ પરત લઈ શકાય ? ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓથી મૈત્રીપૂર્ણ સંબંધો છે. ભારત તેના પાડોશી દેશો સાથે સારા સંબંધો ઈચ્છે છે. ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીઓનો ઉદ્દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટેનો હતો. આ પ્રકારની સમજૂતી બંને પક્ષોની સંમતિથી અને બંનેના હિતમાં હોય તે પ્રકારે થાય છે. સમુદ્રમાં સંસાધનોનું પ્રબંધન અને કાયદાના અમલનો પણ તેનો ઉદ્દેશ હતો. એટલે કચ્ચાથીવુ પરત મેળવવો થુકેલું ચાટવા બરાબર છે. ૨૦૧૪માં સુપ્રીમકોર્ટમાં તમિલનાડુ સરકારની અપીલના સંદર્ભે ભારત સરકારનો પક્ષ રજૂ કરતા તત્કાલીન એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘કચ્ચાથીવુ દ્વીપ સમજૂતી પ્રમાણે શ્રીલંકાને આપ્યો છે. હવે તે વૈશ્વિક જળ સીમાનો હિસ્સો છે. હવે તેને પરત મેળવવા માટે શ્રીલંકા સામે યુદ્ધ કરવું પડે.’ શું આ શક્ય છે?

સીમા વિવાદો ઉકેલવાનો સ્થાપિત ચીલો જમીનની લેવડદેવડ છે. ભારતે કચ્ચાથીવુ દ્વીપ આપ્યો છે તો બદલામાં કન્યાકુમારી તરફની વાડ્જ બેંક (ઈકો સિસ્ટમ માટેનો સામાન્ય શબ્દ) મેળવી પણ છે. અહીં માછીમારી પણ થઈ શકે છે અને ખનિજ સમૃદ્ધ વિસ્તાર પણ છે. હાલની કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેના જમીન વિવાદમાં કરેલી સમજૂતીમાં વધુ જમીન આપીને ઓછી મેળવી છે. ચીન સરહદે ભારતે જમીન ગુમાવ્યાના આક્ષેપો વિપક્ષ સતત કરે જ છે ને?

જ્યારે કોઈ મુદ્દો લોકહિતના નામે રાજકીય રૂપ ધારણ કરે છે ત્યારે સારાસાર વિવેક પણ ચૂકી જવાય છે. વડા પ્રધાન મોદીએ ચૂંટણી પ્રચાર સભાઓમાં કચ્ચાથીવુ મામલે વિરોધ કર્યા પછી વિદેશ મંત્રી એસ. જયશંકરે પત્રકાર પરિષદમાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. વર્તમાન વિદેશમંત્રીનું પૂર્વના વિદેશ સચિવ તરીકેનું વલણ અને અભિપ્રાય અને હાલનું વલણ ધ્યાનથી ચકાસીએ તો તેમાં વિવાદનો ધુમાડો વધુ છે અને વાસ્તવિક પ્રકાશ ઓછો છે.

કચ્ચાથીવુ તરફ માછીમારી માટે જતા ભારતીય માછીમારોની ધરપકડો, તેમના વહાણોની જપ્તી અને ગોળીબારની ધમકીના બનાવો બન્યા છે. આ માછીમારોના અધિકારોનું હનન છે કે શ્રીલંકાની જોહુકમી ? તેવો સવાલ થાય ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટ જોઈ લેવી. તેમાં ૧૯૭૪ અને ૭૬ની સમજૂતીનો હવાલો આપીને કચ્ચાથીવુ શ્રીલંકાનો હોવાનું સ્પષ્ટ જણાવ્યું હોય કે ૨૦૧૪માં મદ્રાસ હાઈકોર્ટ સમક્ષના જવાબમાં ભારતનું વિદેશ મંત્રાલય ભારતીય માછીમારો શ્રીલંકાની જળસીમામાં જઈ શકે નહીં તેમ જણાવે તો અધિકારોનું હનન ક્યાં? તેનો જવાબ મળે છે.

રાજકીય નિરીક્ષકોના મતે કચ્ચાથીવુ વિવાદની અસર તમિલનાડુની રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ખાસ થઈ નથી, તો લોકસભા ચૂંટણીમાં તેની નહિવત અસર થઈ શકે છે. પણ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો તે બંને દેશોના સંબંધોને અસર કરનારો ન નીવડે પણ ઉકેલ લાવનારો નીવડે તો સારું. કચ્ચાથીવુ પરત મેળવવાનો મુદ્દો કેટલો ભાવનાત્મક છે અને કેટલો માછીમારોની રોજીરોટીનો છે, તેનો તર્કબધ્ધ અને અભ્યાસપૂર્ણ જવાબ મેળવવાનો પણ હજુ બાકી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

અમેરિકી યુનિવર્સિટી કેમ્પસો 1968ના છાત્રયુવા અજંપા અને ઉદ્રેકની યાદ આપી રહ્યાં છે

પ્રકાશ ન. શાહ|Opinion - Cartoon, Opinion - Opinion|15 May 2024

ગાઝામાં યુદ્ધને લઈને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શન

1968 એ કેપિટલિસ્ટ અને સોવિયેત કમ્યુનિસ્ટ મર્યાદાઓની સામેનો અવાજ હતો. 2024  કથિત રાષ્ટ્રવાદની પ્રગટ કે પ્રચ્છન્ન મોહિની અને મૂર્છા સામેનો અવાજ છે : 1974નો ગુજરાત અને બિહારનો છૂટી ગયેલો તંતુ સાદ દે છે

પ્રકાશ ન. શાહ

થોડા વખત પર અજય સ્કરિયાએ એક અભ્યાસી મિત્રને સરસ ને સટીક ટાંક્યા હતા કે આપણી (અમેરિકી) યુનિવર્સિટીઓનાં છોકરાંવને જે સમજાય છે તે પુખ્તજનોને કેમ નહીં સમજાતું હોય! આ ઉદ્‌ગાર વિશે લગાર ફોડ પાડું તે પહેલાં મારે વાચકને સ્કરિયાનો સહેજસાજ પરિચય અલબત્ત કરાવવો જોઈએ.

હવે તો સાડા ત્રણ દાયકા થયા એને : અખબારી જવાબદારી સર કેટલોક સમય વડોદરા હતો ત્યારે બે એવા મિત્રોનો પરિચય થયો જે જીવનયાપન વાસ્તે અખબારું તો કૂટતા’તા, પણ એમની બૌદ્ધિક પ્રતિભા સામે એ કદાચ છબછબિયાં હતાં – બાબુ સુથાર ને અજય સ્કરિયા.

બા.સુ.ને તો હવે કંઈ નહીં તો ‘સન્ધિ’ અને ‘ઊહાપોહ-2’થી ગુજરાત ઓળખે છે. સ્કરિયા વડોદરા યુનિવર્સિટીમાંથી મધ્યયુગીન ભારતીય ઇતિહાસના વિષયમાં એમ.એ. થયા અને પછી ટ્રિનિટી કોલેજ(કેમ્બ્રિજ)માંથી ડોક્ટરેટ કરી હાલ મિનેસોટા યુનિવર્સિટીમાં કાર્યરત છે. એમના અભ્યાસ વિષયોના વ્યાપ વિશે વળી ક્યારેક વાત કરીશું. એમણે સંભારેલ જે ઉદ્દગારનો હમણાં ઉલ્લેખ કર્યો તે ઈઝરાયલે ગાઝા પટ્ટી પર જે જુલમ વરસાવ્યો, જેમાં અમેરિકાની આર્થિક ને રાજનૈતિક સંડોવણી મોટે ઉપાડે છે એને અંગે અમેરિકી છાત્રયુવા સમુદાયનો અજંપો બલકે રોષ, વિરોધનો અવાજ હાલ જુદાં જુદાં કેમ્પસો પર વ્યાપક રૂપ પકડી રહ્યો છે.

1968માં અમેરિકાની વિયેટનામ યુદ્ધ સંડોવણી વખતે જોવા મળ્યું હતું એવું જ કંઈક જાણે સાડા પાંચ દાયકે ફરીથી અનુભવાઈ રહ્યું છે. બીજું કે અમેરિકી રાજકારણીઓ અને મીડિયાનો એક હિસ્સો આ છાત્રયુવા વિરોધસૂરને એન્ટિ-સેમિટિક કહીને વખોડી કાઢે છે.

એક અભ્યાસી તરીકે અને આ છાત્રો સાથે અધ્યાપકને નાતે સીધા સંપર્કને ધોરણે સ્કરિયાનું સ્પષ્ટ અવલોકન છે કે આ વિરોધસૂરની પૂંઠે કોઈ એન્ટિ-સેમિટિક અગર યહૂદીદ્વેષની ચાલના નથી. યહૂદી ધર્મનો કે યહૂદી સંસ્કૃતિનો એમને વિરોધ નથી. હા, જે વાંધો છે તે ઝાયોનિઝમનો જરૂર છે. ઈઝરાયલનું રાજ્ય અને ઈઝરાયલ-પેલેસ્ટાઈનની સુવાંગ ભૂમિ કેવળ ને કેવળ યહૂદીગત જ છે એવી, બીજાને ‘બાદ’ કરતી, ‘ઈતર’ કે ‘શત્રુ’માં ખતવતી, કેવળ ‘અમે-અને-અમે જ’માં રાચતી ઝાયોનિસ્ટ ભૂમિકામાંથી એમને વંશવાદી (રેસિસ્ટ) બૂ આવે છે, અને એનો વિરોધ છે.

અમેરિકી કેમ્પસો પર ભારતીય વિદ્યાર્થીઓ પણ છે. આ દેખાવોમાં તે ક્યાં હશે? ક્યાં છે? એક્સપ્રેસ હેવાલ મુજબ આ વિદ્યાર્થીઓની મોંઘી શૈક્ષણિક સવલતો ત્યાંની છાત્રવૃત્તિઓને આધીન હશે એટલે એમને આ બધા મુદ્દાઓની અપીલ હોય તો પણ એમનું વલણ કંઈ નહીં તો પણ સલામત અંતરનું તો હોય જ ને. જો કે, એક્સપ્રેસ હેવાલમાં નહીં એવો એક મુદ્દો કંઈક કૌતુકવશ પણ આ લખતી વખતે જરી પજવે છે તે કહી નાખું.

ઘરઆંગણે આપણું છાત્ર યુવાધન કંઈક અલગાવના દોરમાં જણાય છે. 

મતાધિકાર સારુ રજિસ્ટર થવા બાબતે એક મોટા હિસ્સાએ ઉદાસીનતા દાખવી તે સૂચક છે. પણ જે યુવા મિત્રોએ અમેરિકી માહોલમાં યુનિવર્સિટી ક્ષેત્રે પગ મૂક્યો હશે એમને આપણે ત્યાં હિંદુત્વ રાજનીતિએ કંઈક સેમિટિક, કંઈક ઝાયોનિસ્ટ જે રંગઢંગ દાખવ્યા છે એ એમના અમેરિકી સાથીઓને ઈઝરાયલ સંદર્ભે પકડાય છે તેમ પકડાતા હશે?

હાલના છાત્રયુવા અજંપાની ચર્ચા કરતાં મેં 1968ના અજંપાને યાદ કર્યો હતો. અમેરિકી યુનિવર્સિટીઓએ તે નિમિત્તે ઘણે લાંબે ગાળે (કદાચ પહેલી જ વાર) હડતાળનોયે અનુભવ કર્યો હશે. મે 1968માં ફ્રાન્સથી શરૂ થઈ તે યુરોપભરમાં પણ પ્રસર્યો હતો. આ લખું છું ત્યારે હર્બર્ટ માર્કુઝનું સ્મરણ થઈ આવે છે. એમનાં લખાણો ને વિચારો એ ગાળામાં આ અજંપાને વ્યાખ્યાયિત કરવામાં ને સમજવામાં ઠીક ઉપયોગી થઈ પડ્યા હતા. 

માર્ક્સથી પ્રભાવિત પણ મૂડીવાદ અને સોવિયેત સામ્યવાદ બેઉના એ ટીકાકાર હતા. એમનો પ્રિય મુદ્દો ‘વન ડાઈમેન્શનલ મેન’નો હતો. સહજક્રમે બહુપરિમાણી હોઈ શકતું કે હોવું જોઈતું માનવ્ય આમ છેક જ એકપરિમાણી કેમ, એની એમણે આપેલી સમજૂત સાદા શબ્દોમાં મૂકું તો એ હતી કે ઉત્પાદનનાં સાધનો ને પ્રક્રિયા જેમ જેમ ઉચ્ચતર સોપાન સર કરવા માંડ્યાં તેમ તેમ માનવ અસ્તિત્વ પણ એ સાધનોના ચાપડામાં વધુ ને વધુ ભરાતું ગયું, અને આપણે ‘વ્યક્તિ’ મટીને ‘વસ્તુ’ બની ગયા. પણ છાત્રયુવા વર્ગ, જે શ્રમિકો કે વ્યાવસાયિકોની જેમ આ સિસ્ટમનો ભાગ નથી તે હજુ ‘વસ્તુ’ નથી બની ગયો – એટલે તે કંઈક પહેલ કરી શકે. 

એ જ રીતે હાંસિયામાં જિંદગી બસર કરતા લોકો, કોઈ ને કોઈ કારણસર ‘આઉટકાસ્ટ’ લોકો, આ બધાં ભેગાં મળીને બદલાવની હવા બનાવી શકે. રેડિકલ ઈન્ટેલેક્યુઅલ્સ આ સૌને સાથે આણવામાં ચોક્કસ ભૂમિકા ભજવી શકે. જિજ્ઞેશ મેવાણી, કનૈયાકુમાર વગેરે જે બધાં યુવા પાત્રો છેલ્લાં વર્ષોમાં આપણી રાજનીતિમાં ઉભર્યાઁ એમને આ અસંતોષ અને અજંપાની રાજનીતિને પરિવર્તનની રાજનીતિમાં ફેરવી શકનાર તરીકે જોવાંમૂલવવાં જોઈએ. 

આ પાત્રો અલબત્ત પોતપોતાની રીતેભાતે સફળ ને સમર્થ હોઈ શકે છે. પણ એમણે પણ પોતાની સાથે સંવાદની અને શોધનની રીતે 1968, 2024ના કેમ્પસ અજંપાના ઉજાસમાં કામ પાડવા જેવું છે. નાગરિક છેડેથી એમને જોવા-સમજવામાં પણ આ પ્રકારની કોશિશ ઉપયોગી થઈ શકે.

સત્તા-પ્રતિષ્ઠાન પાસે તો ‘અર્બન નક્સલ’ સહિતની ઓળખોનો ખજાનો છે. ક્યારેક ‘આંદોલનજીવી’ કે પછી સરસંઘચાલક ભાગવતે આગળા વિજયાદશમી સંબોધનમાં સંભાર્યો હતો એવો ‘વોક’ જેવો પ્રયોગ પણ સાંભળવા મળે છે. યુવા અજંપાને આટલી સરળતાથી કોરાણે મેલવો કે ‘નિશાન’ પર લેવો એ દુરસ્ત નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 મે 2024

Loading

...102030...701702703704...710720730...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved