Opinion Magazine
Number of visits: 9665457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે : વાર્યા ના વળે તે હાર્યા વળે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 May 2024

રાજ ગોસ્વામી

ગુજરાતીમાં એક સુંદર કહેવત છે; વાર્યા ના વળે તે હાર્યા વળે – જેને સમજાવીએ છતાં ન સમજે તે અનુભવે આપમેળે ઠેકાણે આવી જાય. શીખવાના બે રસ્તા હોય છે; કાં તો તમે બીજાઓના અનુભવો પરથી શીખો અથવા ખુદના અનુભવ પરથી. પહેલું ઇચ્છનીય પણ અઘરું છે, બીજું અનિચ્છનીય પણ સહેલું છે. 

બીજા લોકો સાથે કશું ઘટે ત્યારે આપણે તેમાંથી ધડો એટલા માટે નથી લેતા કારણ કે આપણને એવો આત્મવિશ્વાસ હોય છે કે એવું મારી સાથે થવાનું નથી. કેમ? કારણ કે બીજાની સરખામણીમાં આપણે આપણને વધુ હોંશિયાર સમજતા હોઈએ છીએ. શેર બજારમાં પ્રત્યેક સટોડિયો બીજા સટોડિયાને મૂરખ સમજતો હોય છે, પરંતુ એ જfયારે પછડાય છે ત્યારે મૂરખ સટોડિયાથી જુદી રીતે નથી પછડાતો.

રોય રોજર્સ નામના એક અમેરિકન ગીતકારે વ્યંગમાં કહ્યું હતું;

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે.

એક વાંચીને શીખે છે.

અમુક જોઇને શીખે છે.

બાકીના ઇલેક્ટ્રિક તાર પર પેશાબ કરીને શીખે છે.

તાજેતરમાં, હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ કંઇક આવો જ એકરાર કર્યો છે. તે અંડાશયના કેન્સરમાંથી બેઠી થઇ છે અને ઈશ્વરનો પાડ માને છે કે તે મરતાં મારતાં બચી છે. મોતને જોઇને પાછા ફરેલા લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલાઈ જતો હોય છે. મનિષા એવા લોકોમાંથી છે.

સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ પ્રસંગે, મનીષાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પુનરાગમનની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું;

‘ભગવાનની કૃપાથી મને કેન્સર પછી બીજું જીવન મળ્યું છે. મેં જીવનમાં ઘણું જોયું છે અને ઘણા ખોટા રસ્તા પણ અપનાવ્યા છે. જીવનના ઉતાર-ચઢાવથી મને ઘણું શીખવા મળ્યું છે અને હું સમયનું મહત્ત્વ સમજું છું. ગઈકાલ મુશ્કેલ હતી, પરંતુ આજે તે શાંતિ છે.”

‘સોદાગર,’ ‘લવ સ્ટોરી.’ ‘ખામોશી’ અને ‘અકેલે હમ અકેલે તુમ’ જેવી સફળ ફિલ્મો આપનાર મનીષાનું જીવન ઉપર લખી તે વાતનું ગવાહ છે કે માણસો પોતાની ભૂલો, નિષ્ફળતાઓ અને અકસ્માતોમાંથી જેટલું શીખે છે તેટલું બીજામાંથી નથી શીખતા.

સતત સફળતા પછી, કારકિર્દીમાં એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. તે આ તનાવનો સામનો કરી શકી નહોતી અને બીજી તરફ ગ્લેમરની દુનિયાની ચકાચાંધથી અંજાઈ ગઈ હતી, જેની અસર તેની કારકિર્દી પર પડી હતી. મનીષા ધીમે ધીમે દારૂની વ્યસની બની ગઈ હતી. વ્યસનને કારણે, તેમણે ધીમે ધીમે ફિલ્મો મળતી બંધ થઇ ગઈ હતી. એટલું જ નહીં, 2 વર્ષની અંદર, તેના પતિથી ઝઘડા અને છૂટાછેડાએ તેને સંપૂર્ણપણે તોડી નાખી. દારૂના સેવનથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી.

તેના જીવનનો સૌથી ખરાબ તબક્કો એ હતો જ્યારે તેને ખબર પડી કે તેને અંડાશયનું કેન્સર છે. એમાં એની આંખો ઉઘડી હતી. ઘણીવાર તમે એક સ્વપ્નમાં એવા ડૂબેલા હો કે તમને ખબર જ ન પડે કે તે સ્વપ્ન છે, અને અચનાક તમે એમાંથી જાગી જાવ (અને ફરી પાછા ઊંઘી ના જાવ) તો તમને તમારી વાસ્તવિકતાનું ભાન થાય. કેન્સર છે એવી ખબર પડી ત્યારે મનીષાને તેની વાસ્તવિકતાની, તે રીતનું જીવન જીવતી હતી તેનું ભાન થયું હતું. તેને કેન્સરથી લડવું હતું એટલું જ નહીં, નવેસરથી જીવવાનું શરૂ કરવું હતું.

કેન્સરની સારવાર પાછળ તેનાં ચાર વર્ષ ગયાં. આ એ જ સમય હતો જ્યારે તેણે તેના રૂટિનને અને જીવન પ્રત્યેના અભિગમને સમગ્રપણે બદલી નાખ્યો. તે દારૂના વ્યસનમાંથી બહાર આવી ગઈ, પ્રેમ સંબંધોમાં જીવનનો હેતુ શોધવામાંથી બહાર આવી ગઈ અને કેન્સરમાંથી બહાર આવી ગઈ. એ એક નવી મનીષાનો જન્મ હતો.

તેણે તેની આ યાત્રા પર ‘હીલ્ડ : હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકની શરૂઆતમાં જ મનીષાએ લખ્યું હતું – ‘હું મરવા નથી માંગતી.’ મનીષા કહે છે કે તેને જ્યારે બીમારીની ખબર પડી, ત્યારે તેણે એવા લોકો વિશે જાણવાનું શરૂ કર્યું હતું, જે આ બીમારી સાથે લડીને આગળ નીકળ્યા હતા. તેમાં જ તેને ક્રિકેટર યુવરાજ સિંહ અને મોડેલ-અભિનેત્રી લીઝા રેની કેન્સર સાથેની લડાઈ જાણવા મળી હતી. એ પછી મનીષાએ પાછું વળીને ન જોયું અને બીમારી સામે જીતવાનું નક્કી કરી લીધું.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં, આ પુસ્તકના વિમોચન પ્રસંગે મનીષાએ કહ્યું હતું, ‘ખરાબ સમય તમારી સફળતાને રોકી શકતો નથી, પરંતુ તે શીખવા અને શીખવવાનો સમય છે. જીવન ફૂલોથી બનેલું નથી, ઉતાર-ચઢાવ એ જીવનનું વાસ્તવિક પાસું છે, માત્ર એટલી સમજ હોવી જોઈએ કે ખરાબ સમય પછી પણ સારો સમય પણ આવે છે. કેન્સરે મને એક માણસ તરીકે બદલી નાખી છે અને હું વધુ દયાળુ અને સૌમ્ય બની ગઈ છું અને પ્રકૃતિના દરેક પાસાનો આનંદ માણું છું.”

એક ખેડૂતને ચાર દીકરા હતા. ચારે ય આળસુના પીર હતા. કોઈ કામ ન કરે અને ખાઈ-પીને રખડ્યા કરે. ખેડૂત તેમને ટકોરી ટકોરીને થાકી ગયો હતો. અંતે તેણે તેમને પાઠ ભણાવાનું નક્કી કર્યું. તેણે ચારે દીકરાઓને ભેગા કરીને કહ્યું કે રાતે દાદા સપનામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે ખેતરમાં ખજાનો દટાયેલો છે. 

ચારે દીકરા દોડ્યા અને આખું ખેતર ખોદી નાખ્યું. કશું હાથ ન આવ્યું. ખેડૂતે કહ્યું, દાદા ફરીવાર સપનામાં આવ્યા હતા અને કહ્યું છે કે વરસાદ પડે તો ખોદવાનું અટકાવી દેજો અને ત્રણ મહિના પછી ફરી પ્રયાસ કરજો.

દીકરાઓએ તો ખેતરની જમીન ઉપર-તળે કરી નાખી હતી એટલે ખેડૂતે સલાહ આપી કે વરસાદ આવવાની તૈયારમાં જ છે તો ભેગા ભેગી મકાઈ રોપી દો એટલે જમીન પાછી બહુ કડક ના થઇ જાય. 

દીકરા સંમત થયા અને ત્રણ મહિના પૂરા થાય તેની લ્હાયમાં મકાઈ રોપવા માટે મંડી પડ્યા.

એ સિઝનમાં મકાઇ ભરપૂર થઇ. ખેડૂતે તેને ઊંચા દામે બજારમાં વેચી. ઘરમાં ઢગલો રૂપિયા આવ્યા. ખેડૂતે ચારે દીકરાને ભેગાં કરીને રૂપિયા તરફ આંગળી ચીંધીને કહ્યું, દાદાજી ફરી પાછા સપનામાં આવ્યા હતા અને કહેતાં હતા કે તેમણે આ જ ખજાનાની વાત કરી હતી.

દીકરાઓ પરિશ્રમનું મહત્ત્વ સમજી ગયા. એ અનુભવ તેમનો શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.

મનીષા કોઈરાલાને નવા જીવનનો ખજાનો મળ્યો તેમાં તેની અસ્તવ્યસ્ત જીવનશૈલી અને બીમારીનો અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 19 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિલિસ કેરિયર: જેમણે લોકોને ઠંડા કર્યાં!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 May 2024

રાજ ગોસ્વામી

બ્રિટિશરો માટે કહેવાય છે કે એ લોકો ભેગા થાય ત્યારે સૌથી પહેલાં હવામાનની ચર્ચા કરે. એક સર્વેમાં 10માંથી 9 બ્રિટિશરોએ કહ્યું હતું કે તેમણે છેલ્લા છ કલાકમાં હવામાનની વાતો કરી હતી. બી.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે, આ દેશના ત્રીજા ભાગના લોકો પ્રત્યેક ક્ષણે હવામાનની ચર્ચા કરતા હોય છે. તેનું કારણ એ છે કે બ્રિટનની ભૌગોલિક અવસ્થા એવી છે તેનું હવામાન અત્યંત અનિશ્ચિત હોય છે. તમે હવામાનના આધારે તમારા દિવસનું આયોજન ન કરી શકો, કારણ કે તે ગમે ત્યારે બદલાઈ શકે છે.

ભારતમાં લોકો એટલી હદે હવામાનની વાતો નથી કરતા, સિવાય કે તે આત્યંતિક હોય. જેમ કે ગુજરાતમાં હમણાં ખૂબ ગરમી પડે છે એટલે દિવસમાં બે-ત્રણ વખત તો તેનો ઉલ્લેખ થઇ જ જાય છે. એવી જ એક વાતચીતમાં, એક મિત્રએ ભગવાને બનાવેલી સૃષ્ટિમાં વિજ્ઞાને કરેલા સુધારા-વધારાનાં ગુણગાન ગાતાં – ગાતાં કહ્યું કે “ઘરોમાં અને ઓફિસમાં જો એર કંડીશન ન હોત તો આપણે કેવી રીતે જીવતા હોત?” પછી મિત્રએ મને ગૂગલ સમજીને પૂછી પણ લીધું, “તમે જરા મને કહેજોને કે એર કંડીશન જેવી અદ્ભૂત શોધ કોણે કરી હતી!”

મિત્રના સવાલે મન ચકરાવે ચઢ્યું. આવું તો મેં ય વિચાર્યું નહોતું. ઘણીવાર અમુક ચીજો આપણા રોજિંદા જીવનમાં એટલી વણાઈ ગઈ હોય કે તે કેટલી શાનદાર છે તે આપણે ભૂલી જઈએ છીએ. એર કંડીશનનું પણ એવું છે. તેની શોધ માણસોને ગરમીથી રક્ષણ આપવા માટે થઇ જ નહોતી. મૂળ તો તેનો ઉપયોગ ઔધોગિક સમસ્યાના ઉકેલ માટે થયો હતો અને એમાં સફળતા મળતાં તે ઘરોમાં વપરાવા લાગ્યું હતું. 

એર કંડીશનને સમજવા માટે તેના શોધક વિલિસ કેરિયરને ઓળખવા પડે. તમને કેરિયર બ્રાન્ડનાં એર કંડીશનની ખબર હશે. તેને બનાવતી કંપનનું મૂળ નામ છે કેરિયર ગ્લોબલ કોર્પોરેશન. 1915માં, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આ કંપનીની સ્થાપના થઇ હતી. તેના સ્થાપક હતા વિલિસ કુરિયર.

ન્યુયોર્ક રાજ્યમાં જન્મેલા વિલિસ હેવીલેન્ડ કેરિયર કોર્નેલ યુનિવર્સિટીમાંથી એન્જીનિયર થયા હતા અને બફેલો ફોર્જ કંપનીમાં રિસર્ચ એન્જીનિયર તરીકે જોડાયા હતા. તે વખતે, ન્યુયોર્ક શહેરના બ્રુકલિન વિસ્તારમાં આવેલી સાચેટ-વિલ્હેમ લિથોગ્રાફિંગ એન્ડ પબ્લિશિંગ કંપની હતી.

ન્યુયોર્ક એટલાંટિક સમુદ્રના પૂર્વી કિનારા પર વસેલું છે એટલે તેની હવામાં ભેજ રહે છે. આ ભેજના કારણે સાચેટ-વિલ્હેમના પ્રિન્ટીંગ પ્લાન્ટમાં પેપર સંકોચાઈ જતું હતું અને તેના પર ફોર-કલર પ્રિન્ટીંગનું રજીસ્ટ્રેશન બેસતું ન હતું. તે વખતે એક પેપરને ચાર વખત, જુદા જુદા રંગ સાથે, મશીનમાંથી પસાર કરવામાં આવતું હતું. તેમાં તે સંકોચાઈ જાય એટલે બીજી વારની રંગ બરાબર ન બેસે. પેપર સંકોચાઈ ન જાય તેનો કોઈ ઉપાય ખરો?

આ સમસ્યાની ઇન્કવાયરી બફેલો ફોર્જ કંપનીમાં આવી હતી. ત્યાં વિલિસ કેરિયરને વિચાર આવ્યો હતો કે પ્લાન્ટમાં હવાના ભેજને જો નિયંત્રિત કરવામાં આવે તો પેપર સંકોચાઈ જતું અટકે. તે વખતના એન્જીનિયરોને હવામાં ભેજની અલગ અલગ સમસ્યા ખબર હતી પણ તેનો ઉપાય નહોતો.

જેમ કે, દક્ષિણ અમેરિકામાં, 1910 અને 1920ના દાયકામાં 150 જેટલી કોટન મિલોની ડિઝાઈન તૈયાર કરનારા અમેરિકન એન્જીનિયર સ્ટુઅર્ટ ક્રેમર(જેણે સૌથી પહેલાં ‘એર કંડીશન’ શબ્દ રચ્યો હતો)ની સમસ્યા એ હતી કે દક્ષિણમાં હવા ભેજવાળી હોવી જરૂરી હતી, તો જ કપાસ કામ કરવા માટે યોગ્ય રહેતું હતું.

અન્ય નિર્મિત ઉત્પાદનોની સમસ્યા ઊંધી હતી : તે અધિક ભેજ પ્રત્યે સંવેદનશીલ હતાં. સ્પેઘેટી અને મેકરોની ખોટા હવામાનમાં સરખી રીતે સુકાતાં નહોતાં. અધિક ભેજથી ચોકલેટમાં પાવડર બનતો હતો. એવું જ પ્રિન્ટીંગ પ્રેસના કાગળનું હતું. તે વખતે, હવામાં ભેજ પેદા કરવાનું આસાન હતું, પણ તેને હવામાંથી દૂર કેવી રીતે કરાય તેની ખબર નહોતી.

1900ના દાયકાની શરૂઆતમાં, વિલિસ કેરિયરના દિમાગ પર આ સમસ્યા છવાયેલી હતી. 1902ના શિયાળાની કાતિલ ઠંડીમાં એક સાંજે વિલિસ પિટ્સબર્ગ સ્ટેશન પર એક ટ્રેનના ઈન્તેજારમાં હતા. તે વખતે આખું પ્લેટફોર્મ ધુમ્મસમાં લપેટાયેલું હતું. તેઓ પ્લેટફોર્મ પર ચહલકદમી કરતા હતા અને ધુમ્મસને જોતા હતા તેના પરથી તેમને વિચાર આવ્યો કે પાણીમાંથી હવાને પસાર કરવામાં આવે તો તેમાં ઠંડક પેદા થાય.

તેમણે પાછળથી કહ્યું હતું, “હું જો હવાને સંતૃપ્ત (સેચ્યુરેટ) કરી શકું અને સંતૃપ્તિ પર તેના તાપમાનને નિયંત્રિત કરી શકું, તો હું ધરું તેટલા ભેજવાળી હવા પ્રાપ્ત કરી શકું. હું પાણીના મહીન છંટકાવ વચ્ચેથી હવાને ખેંચીને અસલી ધુમ્મસ પણ પેદા કરી શકું છું.” એક વર્ષની અંદર, વિલિસે નિશ્ચિત માત્રામાં ભેજવાળી હવા પેદા કરવાની તકનીક શોધી લીધી હતી, જેને હ્યુમીડીટી કંટ્રોલર કહેવાય છે. આજે પણ એ જ ડિઝાઈન એર કંડીશનિંગમાં વપરાય છે.

વિલિસે કલ્પના કરી હતી કે સ્પ્રેમાં જો પાણી ગરમ કરવામાં આવે તો હવામાં ભેજ પેદા થશે, પણ જો પાણીને ઠંડું કરવામાં આવે તો હવામાં વરાળની બુંદો ઘનીભૂત થઇ જશે અને હવાને સૂકી બનાવશે. તેમણે નક્કી કર્યું કે તેઓ પાણીનાં માધ્યમથી હવામાં ભેજ ઓછો કરશે! લોકો તે વખતે તેમની પર હસ્યા હતા, કારણ કે આ વિચાર વિરોધાભાસી હતો. 

વિલિસ માટે તેમની કારકિર્દીની આ ચમત્કારિક ક્ષણ હતી. તેમણે ઇસ્ટર્ન ટેનર્સ ગ્લુ કંપનીમાં આ તકનીકનો પહેલીવાર પ્રયોગ કર્યો હતો. 1906માં, તેમણે તેમના ‘એપેરેટ્સ ફોર ટ્રીટીંગ એર’ પર એક પેટન્ટ લઇ લીધી હતી. થોડા જ વખતમાં તેમની આ શોધ દુનિયા ભરમાં એર કંડીશન નામની ક્રાંતિ લાવવાની હતી.

અમેરિકામાં, 1918થી ‘રિપ્લે’સ બિલીવ ઈટ ઓર નોટ’ નામની એક લોકપ્રિય અખબારી કોલમ આવતી હતી, જેમાં ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને દાવાઓ નોંધવામાં આવતા હતા, જે પ્રથમ દૃષ્ટિએ અસંભવ હોય પણ અસલમાં બન્યા હોય. 1939માં, વિલિસ કેરિયરના પાણીથી ભેજને નિયંત્રિત કરવાના દાવાને ‘રિપ્લે’સ બિલીવ ઈટ ઓર નોટ’માં સ્થાન આપવામાં આવ્યું હતું.

પહેલું વાસ્તવિક ઘરેલું એર કંડીશન 1929 સુધી વિકસિત થયું નહોતું. આ સિસ્ટમ ચલાવવા માટે ચાર સો પાઉન્ડ વજનના સલ્ફર-ડાયોક્સાઈડ કન્ડેન્સિગ યુનિટ અને બસો પાઉન્ડ વજનના કેબિનેટની જરૂર પડતી હતી, ઉપરાંત, તેને ગોઠવવામાં હજારો પાઉન્ડનો ખર્ચો આવતો હતો. 

1940ના દાયકાની શરૂઆતમાં, હેનરી ગેલ્સન નામના બ્રિટિશ એન્જીનિયરે નાનું અને વધુ શક્તિશાળી વિન્ડો એર કંડીશન વિકસિત કર્યું પછી તેનો ઘર વપરાશ શરૂ થયો. 1947માં, આવાં 43,000 એર કંડીશન ઘરોની બારીઓમાં લાગ્યાં હતાં. આજે, એકલા ભારતમાં જ પ્રતિ વર્ષ એક કરોડ અને આખી દુનિયામાં 17 કરોડ એર કંડીશન વેચાય છે.

વિલિસને એર કંડીશનની જરૂરિયાતનો અંદાજ હતો. ફેબ્રુઆરી 1929માં, એક ભાષણમાં તેમણે અનુમાન કર્યું હતું કે, “ગરમીમાં એર કંડીશન એક લકઝરીને બદલે જરૂરિયાત બની જશે અને આપણે જ્યારે પાછળ વળીને વર્તમાન સમયને જોઈશું તો લાગશે કે આ એક એવો ‘અંધકાર યુગ’ હતો, જે માણસોના આરામ માટે અપેક્ષાથી ઓછો શીતળ હતો.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 19 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવે વીજળી સ્માર્ટ મીટરમાંથી ત્રાટકે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 May 2024

રવીન્દ્ર પારેખ

સ્માર્ટનો અર્થ આમ તો ચાલાક, ચપળ, ચતુર … થાય. હવે તો બધું જ સ્માર્ટ થઈ રહ્યું છે. સ્માર્ટ સિટી, સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ રેસ્ટોરન્ટ … વગેરે. એટલું છે કે પર્વતો સ્માર્ટ થતા નથી, નદી સ્માર્ટ ટર્ન લઈને વહેતી નથી, કોઈ ફૂલને સ્માર્ટ દેખાવા સ્પ્રે છાંટવાની જરૂર પડતી નથી. વધારામાં કેટલાક નવા અર્થો બહુ જ સ્માર્ટલી ઉમેરાઈ રહ્યા છે ને તે લુચ્ચાઈ, છેતરપિંડી … વગેરે. હવે કોઈ સ્માર્ટ છે એવું સંભળાય છે, તો તેનો સારો અર્થ પ્રગટતો નથી, તેનો વિરોધી અર્થ જ મનમાં પડે છે. સુરત પણ સ્માર્ટ સિટી છે, તે તેનાં લોકોને કારણે. સુરતના લોકો લહેરી છે. આનંદી છે એટલે તેને છેતરી શકાય કે મૂરખ બનાવી શકાય એવું, બીજા કોઈને નહીં, તો વીજ કંપનીને તો લાગે જ છે. વીજ કંપનીઓએ આજ સુધી સુરતીઓને અનેક વખત ને અનેક રીતે સ્માર્ટનેસ બતાવવામાં કૈં બાકી નથી રાખ્યું. એટલું ઓછું હોય તેમ તે હવે સ્માર્ટ મીટર નાખીને ઓવર ‘સ્માર્ટ’ થવા મથી રહી છે. લોકોએ સ્માર્ટ મીટરની માંગણી કરી હોય એવું સાંભળ્યું તો નથી, પણ વીજ કંપનીએ પોતાની સગવડ માટે સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કર્યું છે. એની ખૂબી એ છે કે મોબાઇલની જેમ એને એડવાન્સ પૈસા ભરીને રિચાર્જ કરાવવું પડે છે. રિચાર્જ ખતમ થાય કે અંધારું વેઠવાની તૈયારી રાખવાની. મીટર કોઈ પણ હોય, વપરાશ મુજબ તે સરખો જ ચાર્જ લગાવે, પણ સ્માર્ટ મીટર એવું છે કે તે અગાઉના મીટર કરતાં વધુ ચાર્જ લગાવે છે. એ ભૂલથી નહીં, કદાચ ઇરાદાપૂર્વક. એ જો ભૂલ જ હોય, તો ચાર્જ ઓછો પણ લગાવેને ! એવું ભૂલથી પણ ન થાય એટલું આ મીટર ‘સ્માર્ટ’ છે.

વીજ કંપનીઓએ પોતાને માટે સગવડ એ ઊભી કરી છે કે મીટરનો આંકડો નોંધવા કર્મચારીઓ મીટરની મુલાકાતે આવતા હતા, તે સ્માર્ટ મીટર નાખવાથી આંટાફેરા કરવામાંથી બચી ગયા છે. કદાચ એ કર્મચારીઓને છૂટા કરવાની આ યુક્તિ હોય તો ખબર નહીં ! હવે આંટાફેરા ગ્રાહકે કરવા પડે ને સરખો જવાબ ન મળે કે અપમાનિત થવું પડે, તો એ નવી સગવડ સ્માર્ટ મીટરે આપી છે, કારણ રિચાર્જ ખતમ થઈ જાય ને વીજ જોડાણ કપાય તો ચિંતા ગ્રાહકે કરવાની છે. રિચાર્જ ખતમ કે અજવાળું પણ ખતમ ! પહેલાં બે મહિને લાઇટ બિલ આવતું, તે ભરવા માટે મુદ્દત અપાતી, એ સગવડ સ્માર્ટ મીટરમાં નથી. ‘સ્માર્ટ’ છેને !

સરકારી કે ખાનગી ક્ષેત્રોમાં સ્માર્ટનેસ જ્યાં પણ વધી છે, અગવડો તંત્રોની ઘટી છે ને હાલાકી ગ્રાહકોની વધી છે. ખંખેરાવાનું ગ્રાહકને ભાગે આવ્યું છે. જે તે ક્ષેત્રની સગવડ સાચવવા ગ્રાહકને ખંખેરવાની યુક્તિ એટલે સ્માર્ટનેસ, જેનું ગુજરાતી હવે છેતરપિંડી કે લુચ્ચાઈ પણ થાય છે. સ્માર્ટ મીટરનો ઊહાપોહ વડોદરા અને સુરતમાં છે. વડોદરામાં એમ.જી.વી.સી.એલ.(મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ)એ  સ્માર્ટ વીજ મીટર નાખ્યાં ને વધુ રકમ કપાવાની શરૂઆત થઈ. જે ઘરમાં બે માસનું બિલ 1,200 આવતું હતું, ત્યાં માઇનસ 800નો આંકડો આવ્યો. સમા વિસ્તારમાં એક મહિલાએ 5,000નું રિચાર્જ કરાવ્યું, તો એક જ દિવસમાં 2,700 રૂપિયા કપાઈ ગયા. બે મહિનાના 3,500ની સામે એક જ દિવસના 2,700 કપાતા હોય તો કોઈ પણ ગ્રાહક, સ્માર્ટ વીજ મીટર નખાવવા શું કામ તૈયાર થશે? સમા-માણેજાનાં રહીશોએ તો નક્કી કરી લીધું છે કે સ્માર્ટ મીટર નખાવવું જ નહીં. સ્માર્ટ મીટરનો અર્થ આડેધડ બિલિંગ અને મનસ્વી બેલન્સ કાપ તો ન હોયને ! પ્રિપેઇડ સ્માર્ટ વીજ મીટર લાગતાં કોઈ ધોરણ વગર જ રકમ કપાય તો મધ્યમવર્ગના લોકોની ચામડી તતડે એમાં નવાઈ નથી.

બીજી તરફ મેનેજિંગ ડિરેક્ટર મીટરની પારદર્શિતાનાં વખાણ કરતાં થાકતા નથી. તેઓ તો તમામ વીજ ધારકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર નાખવાનો રાગ જ આલાપે છે. સાહેબનું કહેવું એમ છે કે અત્યાર સુધી કર્મચારીઓ જે તે મીટરનું રીડિંગ લેતા હતા, હવે વીજ મીટરથી દર અડધા કલાકે રીડિંગ લઈ શકાય છે. જો કે ગ્રાહકોનું કહેવું છે કે સપ્તાહ સુધી કેટલો વપરાશ થયો એના મેસેજ આવતા હતા, પછી એ બંધ થયું. એ પણ છે કે રીડિંગ શરૂઆતમાં કુતૂહલ ખાતર સૌ લે, પણ પછી બીજા કામ પણ હોય એટલે ગમે એટલું સ્માર્ટ હોય, તો પણ કોઈ મીટર પકડીને તો ન બેસી રહે. મીટરમાં મેક્સિમમ રિચાર્જ હોય ને ઝીરો બેલેન્સ ન થાય એની જવાબદારી ગ્રાહક પર નાખી હોવાથી, કંપનીએ પોતાનું તળિયું ટાઢું કરવા જ આખી વ્યવસ્થા વિચારી હોય એવો વહેમ પડે છે. એ રીતે કંપની ખરેખર ‘સ્માર્ટ’ ગણાય. આ વીજ મીટર ગમે એટલું સ્માર્ટ હોય તો પણ, ગ્રાહકને જૂની બિલ પદ્ધતિ અનુકૂળ હોય તો તેનો વિકલ્પ પણ ખુલ્લો રાખવાનો રહે.

સ્માર્ટ વીજ મીટર સુરતને પણ માફક આવ્યું નથી. 4 એપ્રિલથી સુરતમાં બારેક હજાર સ્માર્ટ મીટર લાગ્યાં છે. જૂનાં મીટરમાં રોજનું એવરેજ બિલ 35 રૂપિયા આવતું હતું, તે સ્માર્ટ મીટર લાગતાં 76 રૂપિયા થઈ ગયું છે. વેસુમાં સ્માર્ટ મીટર પંદરેક દિવસથી જ લગાવવામાં આવ્યાં છે, પણ પંદર દિવસમાં જ ચાર ગણું રિચાર્જ કરવાની સ્થિતિ આવી છે. ડી.જી.વી.સી.એલ.(દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)નાં સ્માર્ટ મીટર પાઇલટ પ્રોજેક્ટ તરીકે જ લગાવાઈ રહ્યાં છે, ત્યારે જ હોબાળો થયો છે. વેસુ નિર્મલ નગર એસ.એમ.સી. આવાસ અને સોમેશ્વર એન્કલેવમાં બે મહિનાનું બિલ બેથી ત્રણ હજાર આવતું હતું, એ હિસાબે સ્માર્ટ વીજ મીટર નંખાતાં બેથી ત્રણ હજારનું રિચાર્જ કરાવ્યું, તો તે રકમ તો પંદર દિવસમાં જ પૂરી થઈ ગઈ ને વેસુની વાત ડી.જી.વી.સી.એલ. સુધી પહોંચી. લોકોને અધિકારીઓએ ગરમીને કારણે વધુ બિલ આવ્યું છે એટલે ફરી રિચાર્જ કરાવવું પડશે એમ કહીને પટાવ્યા. આ સાહેબો લોકોને મૂરખ બનાવે છે. ઉનાળામાં વીજનો વપરાશ વધે એટલી અક્કલ પણ લોકોમાં નહીં હોય કે ગરમીનું બહાનું કંપનીએ કાઢવું પડે? સાદી વાત એટલી છે કે મીટર બદલવાથી સ્માર્ટનેસ વધે, યુનિટના ભાવ તો ન વધેને? બે મહિનાનું 2,000નું અગાઉ આવતું બિલ પંદર દિવસમાં જ રિચાર્જ કરાવવું પડે તો કંપનીના ઈરાદાઓ સ્માર્ટ નથી, પણ સ્વાર્થી છે ને નફાખોર માનસ ધરાવે છે એ નિર્વિવાદ છે. વડોદરામાં તો કંપની પરથી લોકોનો ભરોસો જ ઊઠી ગયો છે. સુરતમાં પણ એ જ સ્થિતિ છે. વધારે બિલ આવવાનાં  કારણો ભણાવવા કંપનીનાં માણસો ઘરે ઘરે ફરવાના છે. ખરેખર તો આ કામ તેમણે પહેલાં કરવાનું હતું. સાદી વાત તો એ છે કે યુનિટનો ભાવ કંપનીએ જૂનાં મીટર માટે નક્કી કર્યો હોય, તો સ્માર્ટ મીટરમાં પણ ભાવ તો એ જ લાગુ થાયને? તો બિલ વધારે કેવી રીતે આવે? કે સ્માર્ટ મીટરમાં ભાવ જુદો છે? તો સવાલ એ થાય કે ભાવ યુનિટ પ્રમાણે લાગે કે મીટર પ્રમાણે? જો એ મીટર પ્રમાણે હોય તો લોકોએ સ્માર્ટ મીટર શું કામ પાળવા જોઈએ તે કંપની કહેશે? એ સંજોગોમાં ગ્રાહકો અગાઉ પ્રમાણે જ બિલ ઈચ્છે તો એમનો શો વાંક કાઢીશું? ગુજરાતમાં લગભગ 1.64 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવાની ગણતરી ગુજરાતની વીજ કંપનીઓની હોય, તો તેણે લોકોને સમજાવવા જોઈએ. લોકોને તો જૂનું મીટર હતું ત્યારે પણ પૈસા ભરવાના હતા ને સ્માર્ટ વીજ મીટરમાં ય ભરવાના જ હોય, પણ એ કેવળ ખોટ ખાવા તો ન હોયને ! એવાં મીટર ન હોય એ જ વધુ યોગ્ય, એવું નહીં?

જો કે, વડોદરામાં 27,000 મીટર લાગ્યા છે, તે તો રહેશે, પણ નવાં મીટરો લગાવવા પર હાલ તુરત તો બ્રેક લાગી છે. સુરતમાં મીટર પર રોક લગાવવાની વાત નથી, પણ ગ્રાહકોને થયેલી ગેરસમજ દૂર કરવાની વાત છે.  કંપનીએ સમજાવવાની વાત એ છે કે જે બિલ વધારે લાગે છે, તે જૂનાં મીટરના વપરાશનું બિલ ઉમેરાયું છે એટલે. એ સમજી શકાય, પણ એનો સરવાળો મહિનાનાં કુલ બિલથી એટલો વધારે તો ન હોયને કે બે મહિનાના અંદાજ સાથે કરાવાયેલું રિચાર્જ પંદર દિવસમાં જ પૂરું થઈ જાય? અધિકારીઓ કહે છે કે જૂનાં બિલથી સ્માર્ટ મીટરનું બિલ વધતું નથી. જો વધતું જ ન હોય તો ગ્રાહકને મીટર જૂનું હોય કે નવું, શો વાંધો હોય? પણ થયેલા ઊહાપોહ પરથી લાગતું નથી કે વાત એટલી જ છે. ગરબડ સ્માર્ટ મીટરની જ છે. બિલ સરખું જ આવતું હોત તો ગ્રાહકોએ અત્યાર સુધી ઊહાપોહ નથી કર્યો, તો હવે શું કામ કરે? ખરેખર તો ગ્રાહકોને સમજાવવા કરતાં કંપનીએ પોતાને પક્ષે બધું ચકાસી લેવાની જરૂર છે ને એનો સંતોષકારક ઉકેલ ન મળે, ત્યાં સુધી સુરત-વડોદરામાં નવાં મીટરો નાખવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 મે 2024

Loading

...102030...697698699700...710720730...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved