
રવીન્દ્ર પારેખ
2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે, હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. 21 જુલાઈ, 2025ને રોજ મુંબઈ હાઇકોર્ટે બ્લાસ્ટ કેસના તમામ બારે બાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, તો મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ને સુપ્રીમે વચગાળાનો સ્ટે આપ્યો ને સાથે જ સ્પષ્ટ કર્યું કે સ્ટેની આરોપીઓની મુક્તિ પર કોઈ અસર નહીં પડે. મતલબ કે તેમને ફરી જેલમાં મોકલવામાં નહીં આવે. 2015માં સ્પેશિયલ મકોકા કોર્ટે ટ્રેનમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ કેસમાં નવ વર્ષે, 13 આરોપીઓમાંથી 5ને ફાંસી આપી હતી, તો 7ને આજીવન કેદ ફટકારી હતી ને એકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચુકાદાને આરોપીઓએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો, તો 2019માં બોમ્બે હાઈકોર્ટે સુનાવણી શરૂ કરી. આ કેસ 2023થી 2024 સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહ્યો ને 21 જુલાઈ, 2025ને રોજ બારેબાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
11 જુલાઈ, 2006ને રોજ મુંબઈની સબર્બન ટ્રેનોના 7 ફર્સ્ટ ક્લાસ કોચમાં સિરિયલ બ્લાસ્ટ થયા, જેમાં 189 મુસાફરો માર્યા ગયા ને 824 લોકો ઘાયલ થયા. હુમલાની તપાસ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(એ.ટી.એસ.)ને સોંપાઈ. એ.ટી.એસે. 28 લોકોને આરોપી બનાવ્યા. એના તાર પાકિસ્તાની આઇ.એસ.ઇ. સુધી લંબાયા. 28માંથી 13 પર કેસ ચાલ્યો ને મકોકાએ એકને નિર્દોષ છોડી મૂક્યો. બાકીના બાર આરોપી હાઈકોર્ટમાં ગયા ને 19 લાંબા વર્ષો પછી તેમને દોષી પુરવાર ન કરી શકાતા નિર્દોષ જાહેર કરાયા. હાઈકોર્ટમાં એ સિદ્ધ ન થઇ શક્યું કે કયા પ્રકારનો બોમ્બ ઉપયોગમાં લેવાયો હતો. સાક્ષીઓનાં નિવેદનોમાં પણ હાઈકોર્ટને ફેર જોવા મળ્યો. હાઈકોર્ટમાં જે રીતે પુરાવાઓનો છેદ ઊડ્યો, તેણે આખી સિસ્ટમ પર સવાલો ઊભા કર્યા છે. હાઈકોર્ટને તો આખી તપાસમાં ઢીલાશ ને લાપરવાહી જ જણાઈ છે.
ત્રણે કોર્ટના નિર્ણયોને માથે ચડાવ્યા પછી પણ એ વિચારવાનું રહે જ છે કે હાઈકોર્ટને જે ખૂટ્યું તે ટ્રાયલ કોર્ટને પૂરતું લાગ્યું. કે એમ માનવાનું છે કે કાયદાની કલમો એક જ હોવા છતાં, અર્થઘટનની ને નિર્ણયની પદ્ધતિમાં આસમાન જમીનનો તફાવત હતો? એવું ન હોય તો સાવ જુદા અંતિમો પર એક જ કેસમાં નિર્ણયો આવે કઈ રીતે? સવાલ એ પણ છે કે સાવ જુદી પદ્ધતિઓ ન્યાય્ય ગણાય ખરી?
બારેબાર આરોપીઓ નિર્દોષ હોય તો તેનો અર્થ એ થાય કે આરોપીઓની બ્લાસ્ટમાં કોઈ ભૂમિકા નથી, પણ બ્લાસ્ટ એક નહીં, સાત સાત ટ્રેનોનાં કોચમાં ને તે પણ ફર્સ્ટક્લાસના જ કોચમાં થયા છે ને એક બે નહીં, 189 લોકોના જીવ ગયા છે. તેથી જ આરોપીઓના નિર્દોષ છૂટવા છતાં એ માની શકાય એમ નથી કે બ્લાસ્ટ થયા નથી ! વારુ, આરોપીઓ નિર્દોષ હતા તો તેઓ 19, 19 વર્ષ સુધી સળિયા પાછળ કેમ ને કોને લીધે રહ્યા? આટલા સમયમાં તો આજીવન કેદી પણ છૂટી જાય, તો આ નિર્દોષો 19 વર્ષની સજા કોઈ ગુના વગર કેમ ભોગવી રહ્યા હતા? કારણ વગર તેમણે જેલ ભોગવી, તો એવા નિર્દોષોને વળતર આપવાની કોઈ યોજના છે? ન હોય તો હોવી જોઈએ એવું ખરું? વળી વિચારવા જેવું એ પણ છે કે નિર્દોષ હોવા છતાં આટલો વખત તેમને માથે આતંકીઓ હોવાનું કલંક લાગ્યું છે ને તે તો કાયમી રહી જવાનું, તેનું શું? એ કલંકનાં છાંટાં તો કુટુંબને ય ઊડ્યાં હશે, તેનું શું? આ સ્થિતિ ઊભી કરનારને નિર્દોષ ગણીશું? જો તેઓ દોષિત જ છે, તો તેમની સજા 19 વર્ષે પણ નક્કી કેમ ન થઈ? તેઓ સજા ભોગવવાથી વંચિત કેમ છે? નીચલી અદાલતોની પુરાવા, સાક્ષી ને તપાસની ખામીને કારણે ઉપલી કોર્ટમાં કેસ ખારિજ થઇ ગયો હોય એવો આ પહેલો કેસ નથી, પણ આતંકી ગતિવિધિઓ સંદર્ભે આટલી ઉદાસીનતા અક્ષમ્ય છે.
આરોપીઓમાંનો કોઈ જ દોષી નથી, તો પોલીસ આટલાં વર્ષમાં એક પણ સાચા ગુનેગારને શોધી કેમ ન શકી? વળી બારેબાર નિર્દોષોને તેણે ક્યા આધારે પકડ્યા એ પણ સમજાતું નથી. જે 12ને સ્પેશિયલ મકોકા (મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ) કોર્ટે દોષી ગણ્યા તે તમામને હાઈકોર્ટ નિર્દોષ ઠેરવે તે પછી પણ આપરાધિક ન્યાય પ્રણાલી પ્રશ્નોથી પર રહે એમ લાગે છે? જેમણે વેઠયું છે ને સ્વજનોને હંમેશ માટે ખોયાં છે, તેમને, આરોપીઓને નિર્દોષ છોડ્યાનું ને એકને પણ સજા ન થયાનું કાને પડે, તો સવાલ થાય કે નવ નવ વર્ષથી ચાલી રહેલી ટ્રાયલ કોર્ટની પ્રક્રિયા પાણી જ વલોવતી હતી?
એક વાત સ્પષ્ટ છે કે બ્લાસ્ટનો ભોગ બનેલાઓ ને તેના સ્વજનો ગુનેગારોને સજા મળે એની રાહ જોતા હોય ને ટ્રાયલ કોર્ટે સજા કરી પણ હોય ને હાઈકોર્ટ એનાથી સાવ જુદા જ છેડાનો નિર્ણય આપે ને કોઈને જ દોષી ન ગણે તો પેલાં સ્વજનો પર શું વીતતું હશે તેની કલ્પના કરવા જેવી છે. એનો અર્થ એવો નથી કે કોઈ નિર્દોષને માંચડે ચડાવવો ને સ્વજનોને રાહત આપવી. એવું કહેવાનું નથી. કહેવાનું એ છે કે આ બાર નિર્દોષ છે, તો કોઈ તો હશે જેમણે 189 લાશો પાડી. એને શોધીને સજા થશે? એ આટલે વર્ષે જડશે? જડશે તો એને સજા થશે કે ફરી કોઈ નિર્દોષને ભેરવીને ન્યાયનું વળી એક નાટક ખેલાશે? બને કે કોઈ જ નહીં પકડાય ને અહીં જ પૂર્ણવિરામ આવી જાય. આશા એક જ રહે છે કે સુપ્રીમ કોર્ટ સ્ટે ઉઠાવે ને કંઇ બને …..
ન્યાયમાં વિલંબ, ન્યાયનો નકાર છે, એવું મનાય છે, પણ આ વિલંબ તપાસ એજન્સીઓને મનમાની કરવાની સગવડ પૂરી પાડે છે, એવું ખરું? જો નહીં, તો તપાસ એજન્સીએ દસ દસ વર્ષ સુધી કર્યું શું? યાદ રહે, આની તપાસ એ.ટી.એસ.ને સોંપાઈ હતી. એવું તે શું કર્યું કે દસ વર્ષ સુધી કંઇ થયું જ નહીં ને બાર બાર આરોપીઓને હાઈકોર્ટે નિર્દોષ છોડવા પડે એ સ્થિતિ આવી? સવાલ તો એ પણ છે કે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર પોતાનો નિર્ણય આપવામાં હાઈકોર્ટને પણ 6 વર્ષ લાગ્યાં? આતંકવાદને મામલે નિર્ણય લેવામાં કોર્ટને આટલો સમય લાગતો હોય તો એવું કેવી રીતે માનવું કે દેશ આતંકવાદને મામલે કડકાઈથી વર્તે છે? હાઈકોર્ટે તો એ પણ નોંધ્યું કે આરોપીઓ પાસે બળજબરીથી કબૂલ કરાવાયું હતું. આ સાચું હોય તો તે આખા ન્યાયતંત્ર માટે અનેક સવાલો ખડા કરે છે. ખાસ કરીને આતંકી હુમલાઓ સંદર્ભે તપાસની આ સ્થિતિ ચિંત્ય છે. આવા ગંભીર મામલામાં આવું થતું હોય તો સામાન્ય મામલામાં શું થતું હશે તે સમજી લેવાનું રહે. દુનિયાને એ જોણું ન થાય તો સારું કે આતંકવાદને મામલે તપાસ એજન્સીઓ અને ન્યાયાલયો સતર્ક અને સક્રિય નથી. પોલીસ, તપાસ એજન્સીઓ અને ન્યાયાલયોની ઉદાસીનતાનો લાભ આતંકવાદીઓ અને તેના સમર્થકોને ન મળે એટલું તો જોવાવું જ જોઈએ. આટલા બધા આતંકી હુમલાઓનો ભોગ બન્યા પછી ભારત તમામ સ્તરે અસરકારક રીતે તેનો સામનો કરવા સક્ષમ હોય તે તીવ્રપણે અપેક્ષિત છે. એવું નહીં થાય તો આપણે આતંકીઓને અભયદાન આપી રહ્યા છીએ એમ માનવાનું રહે. કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ તે ખરું, પણ આતંકવાદી નિર્દોષ ન છૂટે એ પણ જોવાવું જોઈએ.
બોમ્બ બ્લાસ્ટનું કાવતરું કરનારાઓ પાકિસ્તાનમાં તાલીમ પામેલા ને લક્ષ્ય પાર પાડનારા હતા. હવે જો હાઈકોર્ટને આરોપીઓ નિર્દોષ લાગ્યા હોય તો એ રીઢા કાવતરાખોરો 19 વર્ષે પણ હાથ લાગ્યા નથી એમ માનવાનું રહે. એ બનવા જોગ છે કે તપાસમાં ઢીલાશ હોય, પણ આતંકી પ્રવૃત્તિઓની બાબતે કામ કરતી એજન્સી, કોર્ટનો સામનો કરવાનો હોય ત્યારે તપાસમાં ઉદાસીન રહે એ ગળે ઊતરે એમ નથી ને એ એટલી ઉદાસીન તો કેમ રહે કે બારેબાર આરોપીઓ હાઈકોર્ટને નિર્દોષ લાગે ને એ તેમને મુક્ત કરવાનો આદેશ આપે?
કૈંક તો ગરબડ છે.
સારું છે કે મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમનું બારણું ખખડાવ્યું છે. આશા રાખીએ કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટને લાગ્યો છે, એટલો સમય સુપ્રીમને ન લાગે, કારણ, અત્યારે તો ન્યાયની એ જ એક માત્ર આશા છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 જુલાઈ 2025