Opinion Magazine
Number of visits: 9665356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક ન્યાય – સુંદર સિદ્ધાંત, સળગતી સમસ્યા … 

સોનલ પરીખ|Opinion - Opinion|7 July 2024

ભારતનું બંધારણ બહુ અભ્યાસપૂર્વક, વિચારપૂર્વક તૈયાર થયેલું આદર્શ કહી શકાય એવું બંધારણ છે. તેમાં લોકશાહી મૂલ્યો અને માનવજીવનના ઉચ્ચ આદર્શો રજૂ થયાં છે. આમ છતાં ભારતમાં આટલાં વર્ષ પછી પણ તમામ નાગરિકોને અપેક્ષિત સામાજિક ન્યાય મળતો નથી એ વાસ્તવિકતા છે. સુંદર અને ભવ્ય સિદ્ધાંત વ્યવહારમાં ચરિતાર્થ ન થાય ત્યારે સર્જાતી વિષમ પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ

રિચાર્ડ લવિંગ અને મિલડ્રેડ જેટર

અમેરિકાના એક મોલમાં એક યુવાન અને યુવતી ઊભાં છે. ‘હું પ્રેગ્નન્ટ છું.’ યુવતી કહે છે. લાંબા મૌન પછી યુવાન કહે છે, ‘સરસ. તો પછી ચાલ, પરણી જઈએ.’ એનું મૌન અકારણ નથી. વાત છે અમેરિકાના વર્જિનિયા સ્ટેટની કેરોલીન કાઉન્ટીની. સમય 1950 આસપાસ. રિચાર્ડ લવિંગ નામનો શ્વેત યુવાન અને મિલડ્રેડ જેટર નામની અશ્વેત યુવતી પ્રેમમાં છે. મિલડ્રેડ પ્રેગ્નન્ટ થતાં બંને પરણવાનું નક્કી કરે છે. વર્જિનિયાના કાયદા પ્રમાણે વ્હાઇટ અને કલર્ડ એટલે કે શ્વેત અને અશ્વેતનાં લગ્ન થઈ શકે નહીં એટલે બંને વોશિંગ્ટન જઈને લગ્ન કરી આવે છે. રિચર્ડ એનાં માતાપિતાના ઘરની નજીક મિલડ્રેડ માટે ઘર બાંધવાનું શરૂ કરે છે, ત્યાં શેરીફના માણસો છાપો મારે છે. રિચર્ડ લગ્નનું સર્ટિફિકેટ બતાવે છે ત્યારે ‘આ વર્જિનિયામાં વેલિડ નથી’ કહી બંનેને એક વર્ષ માટે જેલની સજા થાય છે. જો તેઓ વર્જિનિયા છોડી જાય અને 25 વર્ષ સુધી પાછા ન ફરે તો જેલમાં જવું ન પડે. બંને ફરી વોશિંગ્ટન ચાલ્યાં જાય છે, પણ પ્રસૂતિ માટે રિચર્ડ મિલડ્રેડને વર્જિનિયા પોતાની મા પાસે લાવે છે, ત્યારે ફરી ધરપકડ થાય છે અને બંનેને ફરી વતનમાંથી કાઢી મુકાય છે.

ત્યાર પછી રિચર્ડ-મિલડ્રેડને બીજાં બે સંતાન થાય છે. કુટુંબ સુખી છે, પણ વતનનો ઝુરાપો મિલડ્રેડને કોરી ખાય છે. એ એટલી અકળાય છે કે એટર્ની જનરલ રોબર્ટ કેનેડીને પત્ર લખી મદદ માગે છે. કેનેડી અંગત રસ લે છે અને એમની સલાહથી યુગલ અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન પાસે જઈ વકીલ મેળવે છે ને કોર્ટમાં ધા નાખે છે. વર્જિનિયા લગ્નને માન્ય ગણવા કબૂલ નથી અને રિચર્ડ-મિલડ્રેડનાં સંતાનોને ‘બાસ્ટર્ડસ’ જાહેર કરે છે. વકીલો કેસને સુપ્રિમ કોર્ટમાં લઈ જાય છે. રિચર્ડને પૂછવામાં આવે છે, ‘તારે જજને કઈં કહેવું છે?’ રિચર્ડ કહે છે, ‘ટેલ ધ જજ આઈ લવ માય વાઈફ.’

અનેક અઠવાડિયા પછી સુપ્રિમ કોર્ટ વ્હાઇટ અને કલર્ડ વચ્ચેનાં લગ્ન પરના પ્રતિબંધને ગેરબંધારણીય જાહેર કરે છે. લવિંગ દંપતી વર્જિનિયા પાછું ફરે છે અને ઘરનું અધૂરું રહેલું બાંધકામ પૂરું કરે છે. સાત વર્ષ પછી રિચર્ડ એક અકસ્માતમાં મૃત્યુ પામે છે. મિલડ્રેડ રિચર્ડે બાંધેલા ઘરમાં જ બાકીની જિંદગી વિતાવે છે.

આ સત્યઘટના પરથી અમેરિકન બાયોગ્રાફિલકલ રોમેન્ટિક ફિલ્મ ‘લવિંગ’ બની છે, જેમાં રિચર્ડ અને મિલડ્રેડ લવિંગ દ્વારા કરાયેલા કેસની અને અમેરિકાની સુપ્રિમ કોર્ટે 1967માં આપેલા શ્વેત-અશ્વેત વચ્ચેનાં લગ્ન પરના પ્રતિબંધને નાબૂદ કરતાં ઐતિહાસિક ચુકાદાનું ફિલ્માંકન છે. 2011માં આ ચુકાદા પરથી દસ્તાવેજી ફિલ્મ પણ બની હતી. ‘લવિંગ’ વિશ્વમાં બનેલાં શ્રેષ્ઠ ‘સોશ્યલ જસ્ટિસ મૂવીઝ’માંનું એક છે. આજે એની વાત કરવાનું કારણ એ છે કે 20 ફેબ્રુઆરી સોશ્યલ જસ્ટિસ ડે છે. તો સામાજિક ન્યાય કોને કહે છે, એનું મહત્ત્વ શું છે અને ભારતમાં સામાજિક ન્યાય સંદર્ભે શી સ્થિતિ છે એ તરફ એક નજર નાખીશું?

સામાજિક ન્યાય લોકશાહીના હાર્દરૂપ ખયાલ છે. સામાજિક ન્યાય એટલે સમાજમાં રહેતા દરેક નાગરિકને રાજકીય અધિકારો ઉપરાંત આર્થિક અને સામાજિક અધિકારો પણ પ્રાપ્ત થવા જોઈએ એ સિદ્ધાંત. સામાજિક ન્યાય એ તંદુરસ્ત સામાજિક વિકાસની પૂર્વશરત છે. સમાજમાં અનેક વર્ગો અને જૂથો અસ્તિત્વ ધરાવતાં હોય છે. આ તમામને સમાન ધોરણે જીવવાની અને પોતાનો વિકાસ કરવાની તક મળવી જોઈએ. તો જ સમાજમાં શાંતિ અને સંવાદિતા રહે અને તો જ સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ થાય.

ભારતના બંધારણમાં આમુખમાં ‘તમામ નાગરિકો માટે – સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેમનામાં વ્યક્તિ તરીકેનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતાની ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક નિર્ણય કરીએ.’ આવા શબ્દો છે. બંધારણમાં નાગરિકોને અપાયેલા મૂળભૂત અધિકારો અને દરેક પ્રકારના ભેદભાવ અને શોષણ પર પ્રતિબંધ એ સામાજિક ન્યાયનો સિદ્ધાંત જ સૂચવે છે. નબળા વર્ગોના કલ્યાણ માટેની જોગવાઇઓ કરવામાં આવી છે.

ભારતનું બંધારણ બહુ અભ્યાસપૂર્વક, વિચારપૂર્વક તૈયાર થયેલું આદર્શ કહી શકાય એવું બંધારણ છે. તેમાં લોકશાહી મૂલ્યો અને માનવજીવનના ઉચ્ચ આદર્શો રજૂ થયાં છે. આમ છતાં ભારતમાં આટલાં વર્ષ પછી પણ તમામ નાગરિકોને અપેક્ષિત સામાજિક ન્યાય મળતો નથી એ વાસ્તવિકતા છે. સુંદર અને ભવ્ય સિદ્ધાંત વ્યવહારમાં ચરિતાર્થ ન થાય ત્યારે સર્જાતી વિષમ પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ. કેરળના એક ગામમાં એક દલિત કન્યા પર બળાત્કાર થયો. બળાત્કારીઓ ગામના જ મોટાં માથાં હતાં. કન્યાનો પિતા એમને સજા કરાવવા તત્પર થાય છે ત્યારે એના દલિત સમાજના લોકો જ વિરોધ કરે છે, ‘આનું પરિણામ સારું નહીં આવે. તારે લીધે અમારે પણ સહન કરવું પડશે.’ તો પણ પિતા મક્કમ રહ્યો ત્યારે એનો બહિષ્કાર કરવામાં આવ્યો. ગુનો કરનાર વટથી ફરે અને ભોગ બનનારને સહન કરવું પડે એવા દાખલા રોજ નજર સામે બનતા રહે છે. આજે પણ અનેક સ્થળે દલિતોને મંદિરોમાં પ્રવેશ મળતો નથી. સદીઓથી શોષણનો શિકાર બનતા વર્ગોને માટે અનામતની વ્યવસ્થા રાખવામાં આવી તેનો રાજકીય દુરુપયોગ થવામાં કઈં બાકી રહ્યું નથી. ‘ભાગલા પાડો ને રાજ કરો’ની અંગ્રેજ નીતિને સુધારીને આપણે ‘ભાગલા પાડો અને તારાજ કરો’ની નીતિ અપનાવી ધિક્કાર અને ઘૃણાનાં બીજ વાવી રહ્યા છીએ.

ભારતમાં આર્થિક વિકાસ ઠીક ઠીક પ્રમાણમાં થયો હોવા છતાં 35થી 40 ટકા લોકો ગરીબીરેખા નીચે જીવી રહ્યા છે. નિરક્ષરતા અને શિક્ષિત બેરોજગારી બંને ચિંતા કરાવે એટલા પ્રમાણમાં પ્રવર્તે છે. બે ટંક ભોજનની ચિંતામાં રહેવું પડતું હોય એવો વર્ગ હતાશા અનુભવે છે અને આ હતાશા ભારતમાં વધુ ને વધુ પ્રમાણમાં ફેલાતી જાય છે. લોકો આર્થિક અને સામાજિક અસલામતીથી પીડાઈ રહ્યા છે.

બંધારણમાં શોષણ વિરોધી કાયદાઓ હોવા છતાં દેશમાં સ્ત્રીઓ અને બાળકોનું શોષણ અટક્યું નથી. બાળમજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે. બાળકોમાં કુપોષણની સમસ્યા ચિંતાજનક છે. આર્થિક વૃદ્ધિનો લાભ સમાજના બધા વર્ગોને મળતો નથી. સંપત્તિની ન્યાયી વહેંચણી બહુ દૂરની વાત બની ગઈ છે. મુઠ્ઠીભર લોકો ભૌતિક અને રાજકીય સ્રોતો પર ઇજારો ધરાવે છે જ્યારે બીજી તરફ વિશાળ વર્ગની પાયાની જીવનજરૂરિયાતો પણ સંતોષાતી નથી. આપણે સમતોલ ભૌતિક અને આર્થિક વિકાસ સાધી શક્યા નથી એ હકીકત છે અને આ વાત પર વિચારવાની તાતી જરૂર છે. વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલા નક્સલવાદની પાછળ પણ અન્યાય, શોષણ અને દમનનો લાંબો ઇતિહાસ છે. સામાજિક ન્યાયની અવગણના, ઉપેક્ષા અને અભાવ ભારતની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા સામે મોટો પડકાર બની શકે તેમ છે. આથી સામાજિક ન્યાયના સિદ્ધાંત અંગે ગંભીરતાથી વિચારણા કરી, યોગ્ય નીતિ અને કાર્યક્રમો ઘડી તેનું અસરકારક રીતે પાલન થાય એ આપણા સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના હિતમાં છે.

ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ‘હું દરેકના હૃદયમાં વસેલો છું’ અને ‘દરેક જીવ મારો અંશ છે’. જ્યારે ઈશ્વર ભેદભાવ નથી કરતો તો આપણે શા માટે અનેક પ્રકારના ભેદભાવમાં રાચી પરસ્પરને સંતાપી રહ્યા છીએ?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ફેબ્રુઆરી  2024

Loading

4,300 લખપતિઓ ભારતને કહેશે અલવિદાઃ લાખેણા ભારતીયોના વિદેશપ્રેમનાં કારણો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 July 2024

તમે જ્યારે નાના મોટા ધન કુબેર બની જ જાવ પછી સ્વાભાવિક છે કે ચોખ્ખી હવા, ઉકરડા વગરનું શહેર અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી જગ્યાએ જઇને રહેવાનું તમે પસંદ કરો

ચિરંતના ભટ્ટ

ભારતીયો આખી દુનિયામાં ફેલાયેલા છે. ડાયસ્પોરા એટલે કે પોતાના વતનથી બીજા દેશમાં ગોઠવાયા હોય એવા લોકોના આંકડાની યાદીમાં ભારતીયો અવ્વલ નંબર પર છે. 19 મિલિયનથી વધુ ભારતીયો અન્ય રાષ્ટ્રોમાં રહી રહ્યા છે. તાજેતરમાં હેન્લી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2024 બહાર પડ્યો અને તેમાં જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતને 4,300 મિલિયોનર્સ એટલે કે લાખોપતિઓની ખોટ જવાની છે. ના, ના એવું નથી કે એ બધા ગરીબ થઇ જવાના છે, પણ આ ધનિકો ભારત છોડીને બીજા દેશમાં ગોઠવાઇ જવાના છે. ગયા વર્ષે 5,100 મિલિયોનર્સે ભારતને અલવિદા કહીને બીજા રાષ્ટ્રને અપનાવ્યું હતું અને તેની સરખામણીએ આ આંકડો ઓછો છે પણ મુદ્દો એ છે કે હાઇ-નેટ વર્થ ધરાવતા લોકો જે પોતાના જન્મનો દેશ છોડીને બીજા દેશમાં સ્થળાંતર કરતા હોય તેની યાદીમાં ભારતીયો ચીન અને યુનાઇટેડ કિંગ્ડમ પછી ત્રીજા ક્રમાંકે છે. વિદેશ ગોઠવાઇ જવાના મોહને મામલે ભારત પછી મેક્સિકો, રશિયા, ચીન, સિરિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોનું નામ છે. ભારતીય ધનિકો પોતાનું વતન છોડીને વિદેશ ગોઠવાય છે તેની પાછળ મોટે ભાગે રાજકીય ભૌગોલિક તણાવ, આર્થિક અચોકસાઇ અને સામાજિક અસ્થિરતા જેવાં કારણો કામ કરી જાય છે.

વળી અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનાં સપનાં સેવાય અને સાચાં પડે એ માટે જે થાય એ બધું કરે પણ ખરા પણ છેલ્લા કેટલાક સમયથી લાખોપતિઓની પહેલી પસંદ બન્યું છે દુબઇ. ભારતના લખપતિઓને દુબઇની દુનિયા માફક આવી ગઇ છે. વળી એવું ય નથી કે તેઓ અહીંથી-ભારતમાંથી પોતાના બિસ્તરાં પોટલાં ઊંચકીને ઘર-મિલકત વેચીને જતાં રહે છે. તેઓ એક પગ તો અહીં પણ રાખે જ છે. ભારતમાં પોતાનું ઘર, બિઝનેસનો અમુક હિસ્સો રાખવાનું એ લોકો ચૂકતાં નથી. ગયા વર્ષે દુબઇનું માર્કેટ ભારતીયોને કારણે 35 હજાર 500 કરોડ રૂપિયા કમાયું છે. દુબઇમાં પોતાનું ઘર લેનારા લોકોમાંથી ચાળીસ ટકા ભારતીય હતા. બાકીના 40 ટકામાં એવા ભારતીયો હતા જે પહેલેથી જ દુબઇમાં વસેલા છે અને બાકી વિશ્વના બીજા દેશોમાં વસેલા 20 ટકા ભારતીયોએ પણ દુબઇમાં પ્રોપર્ટી ખરીદી. વળી દુબઇમાં પ્રોપર્ટી ખરીદવાની તાકાત ધરાવનારાઓમાં દિલ્હી-એન.સી.આર., અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને પંજાબના લોકોની સંખ્યા વધારે છે. દક્ષિણ ભારતીયો દુબઇ જાય છે ખરાં પણ તેઓ ત્યાં નોકરી કરવાના ઇરાદાથી જતા હોય છે કારણ કે લાખોપતિ દક્ષિણ ભારતીયો તો કૉલેજનું ભણતર પણ વિદેશમાં પૂરું કરીને પછી વિદેશી ટેક જાયન્ટ્સમાં લીડરશીપ પૉઝીશન પર ગોઠવાઇ જતા હોય છે.

ધનિક ભારતીયોમાં દુબઈ, સિંગાપોર અને લંડન જેવા શહેરોમાં પોતાનાં કામને લગતી એક ફેમિલી ઑફિસ સેટ કરવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને ધનિક પરિવારની ત્રીજી પેઢી, જે અત્યારે પોતાની ત્રીસીમાં હોય તેમને વિદેશની ઑફિસ ગોઠવાય એમાં રસ હોય છે. આમ થવાનું સીધું કારણ એ છે કે તેઓ પોતે વિદેશમાં ભણ્યા હોય અને પછી ‘પપ્પા’નો બિઝનેસ સંભાળવાના હોય એટલે તેમને વિદેશમાં બિઝનેસનો કાર્યભાર સંભાળવાનું વધારે માફક આવતું હોય છે. વળી આવું કરવા પાછળ કરણ જોહરની ધનિકોને દર્શાવતી ફિલ્મો જેવા કોઇ ઇમોશનલ કે ફેન્સી કારણો નથી હોતા. એ લોકો ભારતીય ટેક્સેશન અને નિયમોની જવાબદારીથી પોતાની મિલકતને, નાણાંકીય ભંડોળને બચાવવા માગતા હોય છે. વળી વિદેશમાં ઑફિસ હોય એટલે ત્યાંના માર્કેટ્સ સાથે કામ પાર પાડવું સરળ થાય અને ભૌગોલિક રીતે બિઝનેસને વિસ્તારવો હોય તો પણ સહેલું પડે. વળી બિઝનેસ અને રોકાણમાં વિવિધતા લાવવી હોય, તેને ડાયવર્સિફાય કરવો હોય તો પણ વિદેશમાં ઑફિસ હોય તો તે સરળતાથી થઇ શકે છે. આમ પણ જ્યારે પારિવારિક વ્યવસાય હોય ત્યારે અંદાજે 800 કરોડ જેટલા એસેટ્સ હોય ત્યારે પણ તેને વિદેશમાં ખાનગી મિલકત જ ગણવામાં આવે છે – એવી મિલકત કે સેટ-અપ જે પરિવારનાં સંપત્તિ અને રોકાણ સંભાળે છે.

ધનિક ભારતીયોને ઘર આંગણે કરવેરાને મામલે જેટલી સ્પષ્ટતા જોઇએ છે તેટલી નથી મળતી એને કારણે તેઓ વિદેશની વાટ પકડતાં હોય છે એવું વિધાન તો કાઁગ્રેસના નેતા જયરામ રમેશે પણ કર્યું હતું. ભારતીયોને વિદેશમાં સલામતી અને સુરક્ષા, આર્થિક ચિંતાઓ, ટેક્સ અને નિવૃત્તિ પછીની લાઇફસ્ટાઇલ, કામ વિસ્તારવાની નવી તક, ત્યાંનું ચોખ્ખું વાતાવરણ, પોતાની આગલી પેઢી માટે શિક્ષણની તક, સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ અને સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ જેવી બાબતો સૌથી વધુ આકર્ષે છે.

ભારતમાં લાખોપતિની સંખ્યા જોઇએ તો 1 મિલિયન કે તેનાથી વધુ એવી રોકાણ કરી શકાય તેવી લિક્વિડ આવક ધરાવતા હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલની સંખ્યા 3,26,400 જેટલી છે. લાખોપતિઓની સંખ્યા ધરાવતા રાષ્ટ્રોની યાદીમાં ભારત 10માં સ્થાને છે. જો કે એક અવલોકન એ પણ છે કે ભારત વસ્તીને મામલે ચીન કરતાં આગળ હોવા છતાં દર વર્ષે વતન છોડીને જનારા લાખોપતિઓની સંખ્યાને મામલે ભારત ચીન કરતાં 30 ટકા પાછળ છે. ભારતમાં વસ્તી વધી રહી છે તેની સાથે લાખોપતિઓની સંખ્યા પણ વધશે જ એવું માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે. કરોડપતિને મામલે ભારત ત્રીજા ક્રમાંકે છે, આપણે ત્યાં 120 કરોડપતિઓ છે.

તમે જ્યારે નાના મોટા ધન કુબેર બની જ જાવ પછી સ્વાભાવિક છે કે ચોખ્ખી હવા, ઉકરડા વગરનું શહેર અને સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એવી જગ્યાએ જઇને રહેવાનું તમે પસંદ કરો. યુ.એ.ઇ. એટલે કે દુબઇ પર આ ધન કુબેરોની સૌથી વધુ મહેર છે કારણ કે ત્યાં આવક વેરો શૂન્ય છે, ગોલ્ડન વિઝા, લક્ઝરી લાઇફ સ્ટાઇલની સાથે લોકેશનનો ફાયદો તો ખરો જ. દુબઈ માત્ર ભારતીયો નહીં પણ રશિયા, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના ધનિકોમાં પણ લોકપ્રિય છે. દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ પ્રિમિયમ વિકલ્પો છે તો ધંધાને મામલે રોકાણકારલક્ષી વ્યવસ્થા છે તો મોટી ઔદ્યોગિક જાહેરાતો સાથે રોકાણ કરીને નાગરિકત્વ મેળવી શકાય છે. આ જોતાં ભારતીય ખાનગી બેંક્સ પણ દુબઈમાં પોતાના વ્યવસાય અને વ્યવસ્થાને વિસ્તારી રહી છે. દુબઈ તરફથી પણ પરિવર્તનો થઇ રહ્યા છે. જેમ કે ત્યાં અપરણિત યુગલો સાથે રહી શકે એ બાબતને કાયદાકીય માન્યતા અપાઇ છે, કામના દિવસો સોમથી શુક્ર કરાયા છે, બહારની કંપનીઓને ત્યાં કામ ચાલુ કરવા માટે ફરજિયાત લોકલ ભાગીદારની જરૂર પડે એવા નિયમો દૂર કરવા જેવા ઘણા બદલાવ કર્યા છે.

દુબઈ  ઉપરાંત અન્ય દેશોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની સગવડ હોય છે એટલે કે અમુક રકમનું રોકાણ જે તે દેશમાં કરો એટલે તમને ત્યાંનું નાગરિકત્વ મળી જાય. આવા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામમાં પોર્ટુગલનો ગોલ્ડન રેસિડન્સ પરમિટ પ્રોગ્રામ, ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, સ્પેઇનનો રેસિડન્સ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અને માલ્ટાનો સિટિઝનશીપ બાય નેચરલાઇઝેશન ફોર એક્સેપ્શનલ સર્વિસ બાય ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ પ્રોગ્રામ ધનિકોમાં જાણીતી પસંદગીઓ છે. વળી કરેબિયનમાં, એન્ટિગુઆ અને બારબુઆ સહિત ગ્રેનેડાની આવી સ્કિમ્સ ભારતીયોને ખૂબ આકર્ષે છે.

જ્યારે લાખોપતિ પોતાનો દેશ છોડે છે ત્યારે તે પોતાની મિલકતનો સારો એવો હિસ્સો પણ પોતાની સાથે લઇ જાય છે જે દેશના આર્થિક ભંડોળમાં ગાબડું પાડે છે. તેમના રોકાણની દિશા બદલાય એટલે આપણા અર્થતંત્ર, સ્ટૉક માર્કેટ પર પણ તેની અસર પડે. વળી લાખોપતિના બિઝનેસને કારણે મધ્યમવર્ગ માટે રોજગારીની તકો ખડી થતી હોય છે પણ તેઓ બીજા દેશમાં જાય એટલે આપણે એ પણ ખોઇ બેસીએ. લાખોપતિઓ બીજા દેશમાં જઇને નોકરીની તકો ખડી કરે, પોતાની સંપત્તિથી વિદેશમાં રોકાણ કરી ત્યાંના અર્થતંત્રને મજબૂત બનાવે ત્યારે આપણે તેમનો વાંક ન કાઢી શકીએ કારણ કે તેમની નાણાંની કોથળી ખાલી કરાવતી ત્યાં તંત્રની ગેરવ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચારના ફેલાવાને આપણે રોકી નથી શકતા.

બાય ધી વેઃ  

2011ના વર્ષથી અત્યાર સુધીમાં 16 લાખ ભારતીયોએ પોતાનું ભારતીય નાગરિકત્વ જતું કર્યું છે. જો કે લાખોપતિઓની વાત અલગ છે પણ ત્યાં જઇને કામ કરી પોતાના ઘરે – વતનમાં રકમ મોકલનારા ઉચ્ચ મધ્યમ વર્ગિય, મધ્યમ વર્ગિય ભારતીયોની સંખ્યા પણ મોટી છે. કામ માટે બીજા દેશમાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા ક્યારે ય ઘટી જ નથી. ફરી જો ધનિકોના વતન છોડવા અંગે વાત કરીએ તો કરોડો રૂપિયાની કાર લઇને ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં રસ્તે નીકળનારા ધનિક માણસને પોતાના લોકેશન પર પહોંચવામાં જ્યારે ટ્રાફિકને કારણે ચાર કલાક થતા હોય, ખાડામાં મોંઘીદાટ કારનો કચ્ચરઘાણ વળતો હોય ત્યારે તે એટલા જ સમયમાં તેને દુબઈ લઇ જનારી ફ્લાઇટમાં બેસીને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં તેને પોતાની ફેન્સી ઑફિસમાં પહોંચાડનારી જિંદગી વધારે પસંદ કરશે એ સ્વાભાવિક છે

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2024

Loading

સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ

રમેશ ઓઝા|Opinion - Opinion|7 July 2024

રમેશ ઓઝા

એક જમાનામાં ‘કૂપમંડૂક’ના નામે ખૂબ વંચાનારી કોલમ લખનારા હોમી દસ્તૂરનાં કાતરણો હું જોતો હતો તો એમાં એક કાતરણ હાથ લાગ્યું જેમાં તેમણે હાથ જોડીને કાકલુદી કરતાં લખ્યું છે કે પ્લીઝ, ન્યાયતંત્રને બચાવી લો. કોઈક તો કશુક કરો. જો ન્યાયતંત્ર નહીં બચે તો આ દેશમાં કાયદાનું રાજ, વ્યવસ્થા, શાંતિ, દરેકને મળવો જોઈતો અને તેના હકનો ન્યાય, અદના નાગરિકનો અવાજ કેવી રીતે બચશે! એ કાતરણ આજથી બરાબર ચાર દાયકા જૂનું હતું. ન્યાયતંત્રની બીમારીનું એ જ નિદાન જે આજે કરવામાં આવે છે. એ પછી ૩૨ વરસે એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે એક સભામાં, વડા પ્રધાનની હાજરીમાં અને વડા પ્રધાનને ઉદ્દેશીને, અક્ષરસઃ રડતાં રડતાં કહ્યું હતું કે પ્લીઝ ન્યાયતંત્રને બચાવી લો. ૨૪મી એપ્રિલ ૧૯૧૬ના રોજની દેશના મુખ્ય ન્યાયમૂર્તિની રડીને કાકલુદી કરતી એ ભાષાણની ક્લીપ યુટ્યુબ પર જોવા મળશે. એ પછી ૪૦ વરસે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હાથ જોડીને કાકલુદી કરીને કોલકાતામાં એક સભામાં મંચ પર ઉપસ્થિત દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડને ઉદ્દેશીને કહ્યું હતું કે દેશનાં ન્યાયતંત્રને બચાવી લો. એની તટસ્થતા, ગરિમા, બંધારણીય મૂલ્યો માટેની નિસ્બત, પ્રાથમિકતા જળવાઈ રહેવી જરૂરી છે. અન્યથા દેશ લોકતંત્ર ગુમાવી બેસશે. અદાલત એ ન્યાયનું મંદિર છે. મંદિરમાં પવિત્રતા અને મર્યાદા નહીં જળવાય તો ક્યાં જળવાશે!

હોમી દસ્તૂર

ચાર દાયકા થયા અને ન્યાયતંત્રને બચાવી લેવાની ગુહાર તો તેનાંથી પણ જૂની છે. પાંચ દાયકા કરતાં પણ વધારે જૂની. ન્યાયતંત્રમાં સુધારા સૂચવતી કાયદાપંચની ભલામણો પાંચ દાયકા જૂની છે. પણ અહીં મેં ગુહારની જે ત્રણ ઘટનાઓ ટાંકી એમાં એક ફરક નજરમાં આવ્યો? પહેલી બે કાકલુદીમાં ન્યાયતંત્રને કેસોનો ભરાવો, જજોની નિમણૂકમાં કરવામાં આવતો વિલંબ, અપર્યાપ્ત અદાલતોની સંખ્યા, લાંબીલચક દલીલો અને તારીખ પછી તારીખ માગનારી સુનાવણીઓ વગેરે બાહ્ય પરિબળોથી બચાવી લેવાની માગણી કરવામાં આવી છે. મંદિરના સ્થપતિઓને કાકલુદી કરવામાં આવી છે કે આ પવિત્ર મંદિરને બચાવી લો. દેશના વ્યાપક હિત માટે આ જરૂરી છે. તેનાથી ઊલટું આ વખતે મમતા બેનર્જીએ મંદિરના મુખ્ય પૂજારીને કહ્યું છે કે તમારાં મંદિરને બચાવી લો. તેમાં પવિત્રતા, ગરિમા, મર્યાદા અને તટસ્થતા સાથે સમાધાનો થઈ રહ્યાં છે. સેવ કેપિટાલીઝમ ફ્રોમ કેપિટાલીસ્ટ એમ જે કહેવાય છે એમ મમતા બેનર્જીએ કહ્યું છે કે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ. શરૂઆત થઈ હતી સેવ જ્યુડિશિયરીથી અને વાત પહોંચી સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસ સુધી.

આને પતન કહેવાય અને જો કોઈ પણ પ્રશ્નને સમયસર હાથ ધરવામાં ન આવે અને ઉપરથી તેને કાર્પેટ તળે ધકેલવામાં આવે તો આવું થાય. હવે શાસકોને કાકલુદી કરવાની વાત પાછળ રહી, હવે વડા પ્રધાન સમક્ષ રડવાની વાત વીતી ગઈ હવે મંદિરના મુખ્ય પૂજારીને કહેવું પડે છે કે કેટલાક પૂજારીઓને કારણે મંદિર અભડાઈ રહ્યું છે. પ્લીઝ કાંઈક કરો. મેં મારી તરુણાવસ્થામાં ન્યાયતંત્રને બચાવી લેવાની પહેલી ગુહાર સાંભળી છે અને અત્યારે ૭૦ વરસની ઉંમરે મમતા બેનર્જીની ગુહાર સાંભળી જેમાં ફરક એ છે તેમણે સેવ જ્યુડિશિયરી ફ્રોમ જજીસની વાત કહી છે.

આ સ્થિતિ માટે વર્તમાન શાસકો કરતાં માજી શાસકો, ખાસ કરીને કાઁગ્રેસના શાસકો વધારે જવાબદાર છે. શાસકો પોતાના લાભમાં વ્યવસ્થાને શિથીલ કરે છે અને શિથીલ થયેલી વ્યવસ્થા જ્યાં સુધી લાભ આપે ત્યાં સુધી તેમાં સુધારા કરતા નથી. સુધારાના અભાવમાં વ્યવસ્થા હજુ વધુ શિથીલ બને છે અને એક દિવસ તે હાથમાંથી સરકી જાય છે અને લાભની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારની વચ્ચે સમય કાઢીને બૌદ્ધિકોની એક સભામાં લખનૌ ગયા હતા અને ત્યાં તેમણે તેમની ભાષામાં લગભગ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે કાઁગ્રેસે સત્તાલક્ષી રાજકારણ કરવામાં ઘણી ભૂલો કરી છે. પણ ભૂલોમાંથી કોઈ શીખતું નથી, શાસકો તો જરા ય શીખતા નથી એટલે વર્તમાન શાસકો એ જ ભૂલ કરી રહ્યા છે જે આગળના શાસકોએ કરી હતી.

જે આજે તમારા માટે અનુકૂળ થઈ શકે એ આવતીકાલે કોઈ બીજા માટે અનુકૂળ થઈને તમારા માટે પ્રતિકૂળ પણ થઈ શકે છે. અનૈતિક માર્ગે અનુકૂળ કરવામાં છેવટે અનુકૂળ કરનારને નુકસાન તો કરે જ છે, પરંતુ લાલચમાં આવીને અનૈતિક બનીને અનુકૂળ થયેલાઓ એ સંસ્થાને, દેશને અને સમાજને જે નુકસાન પહોંચાડે છે તેની તો કોઈ સીમા જ નથી. મમતા બેનર્જીએ એ તરફ મુખ્ય ન્યાયમૂર્તિનું ધ્યાન દોર્યું છે.

મુખ્ય ન્યાયમૂર્તિ તેમના પિતા ન્યાયમૂર્તિ વાય.વી. ચન્દ્રચૂડની જેમ શબ્દોના સ્વામી છે. તેમણે મમતા બેનર્જીની આખી વાત જ ઉડાડી દીધી અને કહ્યું કે અદાલત એ મંદિર નથી. જો અદાલતને મંદિર બનાવી દઈશું તો જજ પોતાને ભગવાન સમજતા થઈ જશે અને એ દેશહિતમાં નહીં હોય. જજો તો સમાજના ન્યાય કરનારા સેવક છે અને બંધારણીય મૂલ્યોના રખેવાળ છે. તેમણે એટલે કે જજોને પોતાને જે મૂલ્યો અભિપ્રેત છે તે મુજબ ન્યાય કરવાનો નથી, બંધારણને જે મૂલ્યો અભિપ્રેત છે તે અનુસાર ન્યાય કરવાનો છે.

આ તો આદર્શ સ્થિતિની વાત થઈ જે નાગરિકશાસ્ત્રમાં ભણાવવામાં આવે છે. મમતા બેનર્જીએ ન્યાયતંત્રમાં આ આદર્શનો અંત આવી રહ્યો છે તેના તરફ ધ્યાન દોર્યું હતું. તેને મંદિર કહો, અદાલત ખંડ કહો, ન્યાયતંત્ર કહો, જે કહેવું હોય એ કહો, વાત એમ છે કે જ્યાં સડો ન પેસવો  જોઈએ ત્યાંથી દુર્ગંધ આવી રહી છે. અને આની જાણ દેશના વિદ્વાન અને બાહોશ મુખ્ય ન્યાયમૂર્તિથી વધારે કોને હોય! ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુરે રડતા રડતા જે કહ્યું તેની વડા પ્રધાને પોતાના ભાષણમાં નોંધ સુધા નહોતી લીધી. મમતા બેનર્જીએ જે કહ્યું એ વાતને મુખ્ય ન્યાયમૂર્તિએ સિફતપૂર્વક ઉડાવી દીધી.

આંખ આડા કાન કરો અને જો એ થાય એમ ન હોય તો કાર્પેટ તળે છૂપાવી દો. હોમી દસ્તૂરે કરેલા ઊહાપોહ પછી ન્યાયતંત્ર ચાર દાયકા તો જેમ તેમ ટકી ગયું, પણ હવે આ અંતિમ પડાવ  છે. કાર્પેટ પણ હવે છૂપાવી શકે એમ નથી. બધું ઉઘાડું છે અને બધાને બધી ખબર છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 જુલાઈ 2024

Loading

...102030...645646647648...660670680...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved