Opinion Magazine
Number of visits: 9741388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—260

દીપક મહેતા|Opinion - Opinion|10 August 2024

આજે જેનું નામોનિશાન રહ્યું નથી એવી એક ઝૂંપડપટ્ટીની વાત      

“તડકો ચડવા લાગ્યો તેમ તેમ ઝૂંપડપટ્ટીના માણસો પેટપાણીના ધંધા માટે રવાના થયા. વસ્તી શાંત થઈ ગઈ. ફક્ત બૈરાંઓ અને નવરાં ડોસાડગરાં ખોડા કૂકડા-બતકાની જેમ પાછળ રહી ગયાં. ભર બપોરે એ લોકોની હાલચલ પણ થંભી ગઈ. બધી બાજુ શાંતિ છવાઈ ગઈ ને બરોબર બાર વાગ્યે વલ્લભભાઈ સ્ટેડિયમ બાજુ પહેલવહેલી આગ લાગી. વરલીના દરિયાનો સૂસવતો પવન તેમાં ભળતાં જોતજોતામાં આગ ફેલાઈ ગઈ. એક પછી એક ઝૂંપડી પટોપટ સળગવા લાગી. ઠીંગણી, તકલાદી ઝૂંપડીઓને લપેટી લેનારી ઊંચી ભભૂકતી જ્વાળાઓ જોઈને ચારે બાજુ હાહાકાર થઇ ગયો … આગ બુઝાવવાનું કોઈને સૂઝતું નહોતું. અને સૂઝે તો ય એ માટે પાણી ક્યાં હતું? એની બેસન્ટ રસ્તા પરથી પસાર થતી મોટરોમાંથી એકાદીએ બંબાખાનાને ખબર આપ્યા અને આગ-બંબા દોડી આવ્યા. પણ ત્યાં સુધીમાં તો આખી ઝૂંપડપટ્ટી બળીને ખાખ થઈ ગઈ હતી. અત્યાર સુધી ક્યાંક દૂર દૂર ઊભા રહેલા પોલીસો હવે પટ દેતાક ને ત્યાં આવી પહોંચ્યા અને હજી ધૂંધવાઈ રહેલી એ ઝૂંપડપટ્ટીની ચારે બાજુ તેમણે કાંટાળા તારની ઊંચી વાડ ઊભી કરવાની શરૂઆત કરી. ફરી એ જગ્યાએ જવાનો કોઈ પ્રયત્ન કરે નહિ અને ફરી ઝૂંપડપટ્ટી ઊભી થાય નહિ, તે માટે તેઓ આ ખટપટ કરી રહ્યા હતા.”

જૂજવે રૂપે અનંત ભાસે : મુંબઈની એક ઝૂંપડપટ્ટી

છેક ૧૯૬૯માં પ્રગટ થયેલી મધુ મંગેશ કર્ણિકની મરાઠી નવલકથા ‘માહીમચી ખાડી’ના પહેલા પ્રકરણમાંના આ શબ્દો માહીમની ઝૂંપડપટ્ટી માટે જેટલા સાચા છે તેટલા જ મુંબઈની કોઈ પણ ઝૂંપડપટ્ટી માટે પણ એટલા જ સાચા છે. અને એ વખતે હતા તેના કરતાં આજે કદાચ વધારે સાચા છે. ઝૂંપડપટ્ટીઓ એ શહેરી જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગઈ છે. બંધાય છે, વિકસે છે, અને એક દિવસ સત્તા કે સંપત્તિવાળા દ્વારા આ રીતે આગમાં બાળી નાખવામાં આવે છે, અથવા તેમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. અને એ જ વખતે બીજે ક્યાંક નવી ઝૂંપડપટ્ટી ઊભી થાય છે. રખે માનીએ કે ઝૂંપડપટ્ટીમાં મફત રહેવા મળે છે. ‘સારી’ ઝૂંપડપટ્ટીમાં એક ખોલીના ઓછામાં ઓછા પાંચ-સાત લાખ રૂપિયા તેના ‘દાદા’ને આપવા પડે છે. અને જેમને ઝૂંપડપટ્ટી પણ ન પોસાય, એ ધામા નાખે છે ફૂટપાથ પર. 

માહીમચી ખાડી નવલકથાના લેખક મધુ મંગેશ કર્ણિક

મરાઠીના અગ્રણી લેખક મધુ મંગેશ કર્ણિકનો જન્મ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના કરુળ નામના નાનકડા ગામડામાં, ૧૯૩૧ના એપ્રિલની ૨૮મી તારીખે. બીજા હજારો લોકોની જેમ નોકરી માટે મુંબઈ આવ્યા. પહેલા ઘરનું સરમાનું હતું ‘૩૪ સુંદરલાલ ચાલ, સાંતાક્રુઝ’. એ ઘરે જવા-આવવાનો રસ્તો એક ઝૂંપડપટ્ટીમાંથી પસાર થાય એટલે રોજ આવતાં-જતાં એ ઝૂંપડપટ્ટી અને ત્યાનું જીવન નજરે ચડે. અને પોતે સંવેદનશીલ લેખક. એટલે જે નજરે ચડ્યું તે મનમાં વસી ગયું. અને તેમાંથી જન્મી તેમની પ્રખ્યાત નવલકથા ‘માહીમની ખાડી.’ આ ખાડીની ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજારતાં સ્ત્રી, પુરુષ, બાળકો, એ આ કથાનાં મુખ્ય પાત્રો છે. ઝૂંપડપટ્ટીમાં રહે છે એટલે બધાં આડે રસ્તે ચડેલાં હશે એમ માનતા નહિ. હા, એવાં પાત્રો છે જ, પણ પરગજુ જ નહિ, બીજાને માટે ખુવાર થઈ જનારાં સ્ત્રી-પુરુષ પણ અહીં છે. ચોરી, લબાડી, લંપટતા, અહીં છે જ, પણ સાથોસાથ અજાણ્યા માટે પણ સહાનુભૂતિ, હૂંફ, અને મદદ આપવા લંબાતા હાથ પણ અહીં છે.

કર્ણિકે નવલકથા ઉપરાંત ટૂંકી વાર્તા, નિબંધ, નાટક, રેખાચિત્રો, અને આત્મકથા લખ્યાં છે. મહારાષ્ટ્રની ‘એસ.ટી.’માં મામૂલી નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર કર્ણિક મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના ‘પ્રસિદ્ધિ અધિકારી’ના ઉચ્ચ પદે પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર લઘુઉદ્યોગ વિકાસ મહામંડળના મહાવ્યવસ્થાપક તરીકે પણ કામ કર્યું. પણ પછી બધો સમય સાહિત્યને આપી શકાય એટલા ખાતર સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ વહેલી નિવૃત્તિ લીધી. જો કે તે પછી તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતિ મંડળના અધ્યક્ષ તથા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિકાસ સંસ્થાના ‘અતિરિક્ત સંચાલક’ બન્યા હતા.     

હા, માહીમની ખાડી નવલકથા મુંબઈની એક ચોક્કસ ઝૂંપડપટ્ટીનું અને તેના રહેવાસીઓનું આલેખન કરે છે. પણ આવી અસંખ્ય ઝૂંપડપટ્ટીઓ મુંબઈમાં અને બીજાં અનેક શહેરોમાં ફેલાયેલી છે. ભલે નાનકડા અને મર્યાદિત સમાજનું નિરૂપણ આ નવલકથામાં થયું છે, પણ મુંબઈ અને તેના જનજીવનને આલેખતી આ કૃતિ એક પ્રતિનિધિરૂપ નવલકથા બની રહે છે. આ નવલકથાનું વિશ્વ ભલે નાનું છે, પણ તે પોતાનામાં જ સ્વયંસંપૂર્ણ છે. આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ૧૯૮૦માં દિલ્હીના નેશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યો હતો. ઝૂંપડપટ્ટીના લોકોની જ ભાષા લેખકે વાપરી છે એટલે સતત આવતા ગાળગલોચ ‘શુદ્ધ અને સંસ્કારી’ ભાષાથી ટેવાયેલા ગુજરાતી વાચકને શરૂઆતમાં થોડો આઘાત આપે. 

આજે જેનું નામોનિશાન રહ્યું નથી એ માહીમની ખાડીની ઝૂંપડપટ્ટી માહીમ કૉઝ-વે અને દરિયા વચ્ચેની કાદવકીચડ ભરેલી જગ્યામાં ફેલાયેલી હતી. શરૂઆત થોડાં ઝૂપડાંથી. પછી વસતી વધતી ગઈ તેમ ઝૂંપડાં વધતાં ગયાં. ઝૂંપડાં વધ્યાં એટલે પહેલાં ‘દાદા’ઓ આવ્યા. પોતે ઝૂંપડાં બાંધીને ભાડે આપે કે વેચે. જુદા જુદા પ્રદેશના, ધર્મના, જુદી જુદી ભાષા બોલતા, લોકો અહીં વસતા ગયા. લોકો વધ્યા તેમ નાના-મોટા ગુના પણ વધતા ગયા. માણસને માત્ર મતદાર તરીકે જોતા રાજકારણીઓ આવ્યા કારણ તેમને માટે અહીંના રહેવાસી એટલે વોટ બેંક. વોટના બદલામાં નોટ, અને નોટના બદલામાં વોટનો વ્યવહાર શરૂ થયો. 

મુંબઈના અંડર વર્લ્ડનું નિરૂપણ ગુજરાતી નવલકથામાં પ્રમાણમાં ઓછું થયું છે. મરાઠીમાં ઘણું થયું અને ઘણું વહેલું શરૂ થયું. ૧૯૬૦ના અરસામાં મુંબઈમાં પ્રગટ થતાં અખાબારોમાંનું એક હતું ‘પ્રભાત.’ પછીથી પ્રખ્યાત લેખક થયેલા જયવંત દળવી ૧૯૬૦ના અરસામાં તેના રિપોર્ટર તરીકે કામ કરે. અવનવી ‘સ્ટોરી’ મેળવવા મુંબઈની ગલી ગલી ફરતા રહે. આ રઝળપાટ દરમ્યાન તેમણે જે મુંબઈ જોયું તેનું આલેખન ‘ચક્ર’ નામની નવલકથામાં ખૂબ જ વેધકતાથી કર્યું. ભાઉ પાધ્યેની ‘વૈતાગવાડી’થી ‘વાસુનાકા’ સુધીની કૃતિઓ, ઉપરાંત મુંબઈના છેવાડામાં વસતાં જન અને તેમના જીવનને નિરૂપતાં કાવ્યો પણ મરાઠીમાં મોટી સંખ્યામાં લખાયાં છે. 

પણ ઝૂંપડપટ્ટી એ જોવા-બતાવવાની જગ્યા છે? બહારગામથી કે પરદેશથી આવતા ટુરીસ્ટોને જોવા લઈ જવા જેવી જગ્યા છે? અને આવી જગ્યાઓ જોવા કોઈ જાય શું કામ? કઈ રીતે જાય?

આ, અને આવી બીજી વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ઓગસ્ટ 2024

Loading

વરસાદી ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|9 August 2024

વાહનો હરખાય છે વરસાદમાં,

ભૂલકાઓ ન્હાય છે વરસાદમાં.

રૂપને  મન  થાય છે વરસાદમાં,

આઈના તરડાય છે વરસાદમાં.

વાદળો વ્હાલપ નીચોવી નાખતા,

ને ઘરા  ગભરાય છે વરસાદમાં.

ઘર,ગલી, રસ્તાથી લઈ પાદર સુધી,

જ્યાં સફાઈ થાય છે વરસાદમાં.

મેંઢકો, કીડી, મકોડા, હર જીવાત,

કેફથી  મલકાય છે વરસાદમાં.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ નહીં, પણ મરણફાળ ભરી રહ્યું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 August 2024

રવીન્દ્ર પારેખ

શિક્ષણની નવી પોલિસી 2020થી લાગુ થઈ છે, પણ તે શિક્ષકો વગર લાગુ થવાની હોય તેમ ગુજરાત સરકાર સક્રિય છે. સૂત્રોમાં તો સરકાર ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ ‘પ્રવેશોત્સવ’ જેવાં ઘણા ખેલ પાડે છે, પણ અમલમાં બહુ ઓછું મુકાય છે. દેખાડાથી જ શિક્ષણની પોલિસી લાગુ થઈ જવાની હોય તેમ શિક્ષણની મૂળભૂત જરૂરિયાત તરફ સરકાર ભારે ઉદાસીન છે. ગુણવત્તા સભર શિક્ષણ તરફ સરકારનું ધ્યાન જ નથી. બીજા કોઈ પર સરકાર બહુ ભરોસો ન કરે, પણ નીતિ આયોગના રિપોર્ટે ગુજરાતનાં વર્તમાન શિક્ષણનું જે ચિત્ર આપ્યું છે, તેમાં વરવી વાસ્તવિકતા આંખો ઉઘાડનારી છે. 2018માં ફ્રન્ટ રનર તરીકે ઓળખાયેલું ગુજરાત છેક 18માં ક્રમે ધકેલાયું છે. ફ્રન્ટ રનર તરીકે ઓળખાતું ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે. હાઇ પરફોર્મિંગ સ્ટેટમાંથી 2024માં ગુજરાત પર્ફોર્મર સ્ટેટ બન્યું છે, તેનું સરકાર ગૌરવ લે તો નવાઈ નહીં. ટૂંકમાં, 6 જ વર્ષમાં શિક્ષણમાં ગુજરાતની અધોગતિ થઈ છે.

ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો અને વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યામાં કેન્દ્ર આગળ છે, તેનાં મૂળમાં મોંઘું શિક્ષણ જવાબદાર છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા છે, જે દેશના 12.6 ટકા ડ્રોપ આઉટ રેશિયોથી 5 ટકા વધારે છે. ધોરણ 11 અને 12માં રાજ્યના 48.2 ટકા વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ ટકાવારી 57.6 ટકાની છે. કોલેજમાં ગુજરાતનાં 24 વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે, જ્યારે દેશમાં એ સંખ્યા 28.4ની છે. દેશમાં 18 વિદ્યાર્થીએ 1 શિક્ષક છે, જ્યારે ગુજરાતમાં એ એવરેજ 29 વિદ્યાર્થીએ 1 શિક્ષકની છે. આ આંકડા વિપક્ષે આપેલ નથી, તે નીતિ આયોગના છે, એટલે રાજકારણ પ્રેરિત આ વિગતો છે એમ માનીને સરકાર તેની ઉપેક્ષા કરી શકે નહીં. ગુજરાત મોડેલની પૂરેપૂરી પથારી ફરી ગઈ છે. ગુજરાત શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, એવું કહેવાય છે, પણ ખરેખર તો તે મરણફાળ ભરી રહ્યું હોય એવું વધારે લાગે છે. વિદેશના વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન માટે ગુજરાત આવી રહ્યા છે, એવી વાતોમાં પણ હવે બહુ કસ રહ્યો નથી. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેંટ ગોલ (SDG) ઇન્ડિયા ઇંડેક્સ 2023-2024ના રિપોર્ટે ગુજરાતને ઉઘાડું કરી મૂક્યું છે. ગુજરાતમાં જન્મતાં બાળકો પૈકી 11 ટકા એવાં છે જે સ્કૂલનું મોઢું જોવા જ નથી પામતાં. સરકાર જ શિક્ષણનું ખાનગીકરણ કરવાના મતની હોય તો એ વેપાર કરશે કે બીજું કૈં? લોકોના ટેક્સથી ચાલતું શિક્ષણ, છતાં સરકાર શિક્ષણની જવાબદારી ઉપાડવા નથી માંગતી. સરકાર ખાનગી નથી, મંત્રીઓ ખાનગી નથી, ધારાસભ્યો ખાનગી નથી, તે સરકારી છે, પણ શિક્ષણ ખાનગી કરીને સરકાર પ્રજાનો દ્રોહ કરી રહી છે.

એમ લાગે છે કે સરકારને શિક્ષણના સિઝનલ ધંધામાં વિશેષ રસ છે. ઓલિમ્પિક ચાલે છે એટલે શિક્ષણ સમિતિને પણ ઓલિમ્પિકથી ઓછું તો કૈં સૂઝતું જ નથી. ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન થાય છે. શિક્ષણ સમિતિ, સુરતે પણ સ્પોર્ટ્સ ટ્રેક, સ્પોર્ટ્સ શૂઝ આપવાનું નક્કી કર્યું છે. એને માટે 21 કરોડનાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એમ કરીને સમિતિ ખેલકૂદ એથ્લેટિક સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને સુવિધા આપવા માંગે છે, પણ સમિતિ પાસે 325 સ્કૂલો વચ્ચે 50 મેદાન છે ને તેમાંના તાલીમ માટે ઓછા જ લાયક છે. 50 પી.ટી. શિક્ષકો છે, જેમાંના કેટલાક નિવૃત્ત થવામાં છે. 25 વર્ષમાં નવા પી.ટી. ટીચર્સની ભરતી થઈ નથી. જે છે તે વ્યાયામને બદલે અન્ય વિષયો ભણાવે છે. હવે ઓલિમ્પિક ફીવર ચડ્યો છે, એટલે કરાર આધારિત નવી નિમણૂકો થશે. આ બધું કામચલાઉ ધોરણે ચાલે છે. એમાં જીવ નથી. આમાંના મોટે ભાગના એમ જ માને છે કે સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝ પહેરવા માત્રથી જ ખેલ પ્રતિભા ઝળકી ઊઠે છે. આ બધાંમાં છૂપો રસ, કયા મળતિયાઓને સ્પોર્ટ્સ વેર કે સ્પોર્ટ્સ શૂઝના સપ્લાયનો લાભ મળે છે એ પણ લાગતા વળગતાઓ લેતા હોય છે. શિક્ષણ સમિતિનું બજેટ 965 કરોડનું છે, પણ હજારથી વધુ શિક્ષકોની ખોટ પૂરવાની તેની ત્રેવડ નથી ને વિદ્યા સહાયકો કે જ્ઞાન સહાયકોની નિમણૂકો કરીને આંગળાં ચાટીને સરકાર પેટ ભરે છે. જેને જેન્યુઇન રસ કહીએ છીએ તે આખા તંત્રમાં અપવાદરૂપે જ હોય તો હોય.

એક સાથે બધો જ દાટ શિક્ષણમાં વાળવો એવું ગુજરાત સરકારે નક્કી કર્યું હોય તેમ બધી જ અરાજકતા શિક્ષણમાં એક સાથે જોવા મળે છે. જરા જેટલી પણ પરવા પ્રજાની ન કરવાની હોય તેમ શૈક્ષણિક પાસાંઓ બાબતે સરકાર ઉદાસીન છે. બધું બંધ કરવાની રીતે જ સરકાર ઉલાળિયો કરવા બેઠી છે. વિદ્યાર્થીઓ નથી મળતા એ બહાના હેઠળ 38,000 સ્કૂલોમાંથી 5,612 સ્કૂલોને તાળાં મારીને સરકાર બેઠી છે. એને લીધે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે એમ છે. સરકારી સ્કૂલો બંધ થાય છે એ પ્રમાણમાં ખાનગી સ્કૂલો બંધ થતી નથી, બલકે, તે વધુ ખૂલે છે. જો વિદ્યાર્થીઓ ન મળતા હોય તો ખાનગી સ્કૂલો કેમ ખૂલે છે એનો ખુલાસો થવો જોઈએ. સરકારીમાં ઓછી ફી છતાં એ સ્કૂલો બંધ થાય છે અને ખાનગીમાં વધુ ફી છતાં સ્કૂલો ખૂલે છે એનું કોઈને જ આશ્ચર્ય નથી.

32,000 શિક્ષકોની ભરતી થતી નથી ને જ્ઞાન સહાયકોથી કામ એટલે કાઢવામાં આવે છે, કારણ તેમને નિવૃત્તિનાં પેન્શન વગેરે લાભો આપવા ન પડે. શિક્ષણ ખાતાનાં મંત્રીઓ, અધિકારીઓ પેન્શન લેવાના છે, પણ શિક્ષકોને એ લાભ આપતા સરકાર હાથ તંગ રાખે એ બરાબર નથી. સરકારી સ્કૂલોમાં ઓછી ફી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, એમને શિક્ષકો વગર ભણાવવાની વાત કરવી એ મોટું શૈક્ષણિક પાપ છે. આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીમાં 353 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. રાજ્યમાં 1,657 સ્કૂલો એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને મામલે જ કંજૂસી થાય છે, એવું નથી, સ્કૂલો, વર્ગખંડોને મામલે પણ સરકાર દરિદ્રી છે. 38 હજાર ખંડોની ઘટ છે. 341 શાળાઓ એવી છે જેને માત્ર એક જ વર્ગ છે. 14,652 શાળાઓ એવી છે જેનાં એક જ ખંડમાં એકથી વધુ ધોરણો ચાલે છે. ગુજરાતભરની 3,353 સ્કૂલોમાં 10,698 ઓરડા જર્જરિત છે. રાજ્યની 31 ટકા સરકારી સ્કૂલોમાં પીવાનાં પાણીની વ્યવસ્થા નથી. કાયમી નોકરીની આશામાં ટેટ-ટાટ પાસ કરનાર 50,000 ઉમેદવારો જ્ઞાન સહાયકની નોકરી કરવા લાચાર છે. આ રીતે સરકાર પોતે જ ઉમેદવારોનું આર્થિક શોષણ કરી રહી છે. આ બધી વિગતો જોતાં ક્યાં ય એવું લાગતું નથી કે સરકાર, સરકારી શિક્ષણને મામલે ગંભીર છે.

શિક્ષણ ખાતું જો સરકારે પોતાને હસ્તક રાખ્યું જ છે, તો એક પણ તબક્કે કલેરિટી કેમ નથી તે નથી સમજાતું. સ્કૂલો ખોલી છે તો, તે સારી સ્થિતિમાં સક્રિય હોય એટલું જોવામાં સરકારને શી તકલીફ નડે  છે? જો વિદ્યાર્થીઓને ભણાવવા જ હોય તો શિક્ષકો પૂરતા રાખવામાં કરકસર કેમ છે? વર્ગખંડો હોય ને ભણાવવા જ વાપરવાના હોય તો તે વ્યવસ્થિત હોય એટલું ઓછામાં ઓછું તો જોવાયને ! એક શિક્ષક એકથી વધુ વર્ગો સંભાળે કે એક જ ઓરડામાં આખી સ્કૂલ ચાલતી હોય એવું કરવામાં શિક્ષણની કઈ વિશેષ સેવા થાય છે? છતે શિક્ષકે, શિક્ષકોનો દુકાળ સર્જવામાં સરકાર શું વધુ પ્રાપ્ત કરી શકે એમ છે? કોઈ ખાનગી સ્કૂલ આટલી બેદરકારીથી કોઈ સંચાલક ચલાવશે તો તે સરકાર ચલાવે એમ છે? જો નહીં, તો જાણી જોઈને સરકાર શિક્ષણની અવદશા શું કામ નોતરે છે? આ એવી કઈ સિદ્ધિ છે જેને માટે સરકાર આટલી મહેનત કરે છે?

આ ગમે એટલી ઉદારતાથી જોવાય તો પણ શિક્ષણના હિતમાં નથી તે સરકારે સમજી લેવાનું રહે. આટલો અણઘડ કારભાર આટલાં વર્ષની કોઈ પણ સરકારમાં ક્યારે ય જોવા મળ્યો નથી તે સખેદ નોંધ્યે જ છૂટકો છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑગસ્ટ 2024

Loading

...102030...637638639640...650660670...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved