Opinion Magazine
Number of visits: 9665240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અરુંધતી રોયને કેમ હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 July 2024

પ્રકાશ ન. શાહ

વાત આમ તો અનિરુધ્ધા અરુંધતી વિશે ને મિશે કરવાનો ખયાલ છે. અરુંધતી રોય 1997માં ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ’ લઈને આવ્યાં અને આ નવલકથાને બુકર પારિતોષિક સાથે વિશ્વપોંખાયાં. એ ગાળામાં એમને વિશે રમણલાલ જોશીના ‘ઉદ્દેશ’માં મનુભાઈ રાવળે જે લેખ લખ્યો એના શીર્ષકમાં એમણે અરુંધતીને અનિરુધ્ધા કહી હતી.

આ મનુભાઈ પણ હતા તો મળવા જેવા માણસ. એક કાળના કાઁગ્રેસપ્રમુખ ઢેબરભાઈના મંત્રી, અને પછીથી તો એમના ચરિત્રકાર પણ. એમને અરુંધતીમાં રસ પડવો તે એક સાથે એમની અને અરુંધતી બંનેની વિશેષતા સૂચવે છે.

પણ તેજછાયામાં અહીંતહીં ઝાઝો ફંટાઉં તે પહેલાં અરુંધતી પ્રકરણમાં આવી જાઉં. અરુંધતી રોય હમણાં એકદમ ચિત્રમાં આવ્યાં તે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (એમના નામ પર તો વારી વારી જાઉં) તેર-ચૌદ વરસ પરનો કેસ સહસા ઉખેળ્યો એ કારણે, પણ બહુ ઝડપથી આખી ચર્ચાને એક નવો વળાંક મલે એવા સંજોગો પણ આવી મળ્યા : અરુંધતી રોયને ચાલુ વરસનું હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયાની જાહેરાત થઈ. વિશ્વઘટના પર મટકુંયે માર્યા વિના નજર રાખનાર તરીકે એમણે અરુંધતીને જોયાં છે. હર કોઈ સત્તા-પ્રતિષ્ઠાનના એકે નાઝનખરા આ લેખિકા નથી ચૂકતાં એ તો સાચું સ્તો! 2019માં એમનો બેબાક લેખસંચય આવ્યો, એનું શીર્ષક હતું ‘માઈ સિડિશસ હાર્ટ’ (‘મારું રાજદ્રોહી હૈયું’).

અહીં નાટ્યકાર પિન્ટરનીયે એક, ખરી દૂંટીની વાત સંભારી લઉં. પિન્ટરને 2005નું નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમણે જે સ્વીકાર અભિભાષણ કર્યું (મારી પાસેથી એની નકલ વાંચવા લઈ ગયા પછી પાછી આપતાં બકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ ભાષણના વાંચને અને એથી હું વલોવાયો એણે મને આગામી પરિષદ પ્રમુખના ભાષણની તૈયારીમાં બે દિવસ પાછળ પાડી દીધો છે.), એમાં પિન્ટરે ઊઘડતાં જ પોતાનાં 1958નાં વચનો સંભાર્યાં હતાં કે કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી, એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. પછી, 2005ના ભાષણમાં એમણે ઉમેર્યું હતું : ‘આજેય સાહિત્યકાર લેખે હું એને વળગી રહું છું, પણ નાગરિક તરીકે નહીં. નાગરિક તરીકે મારે પૂછવું પડે : સાચું શું? જૂઠું શું.’ અરુંધતીનું કાળજું રાજદ્રોહી છે તે આ અર્થમાં, નાગરિક અર્થમાં.

અરુંધતી રોય

અરુંધતી વિશે ને મિશે મન ખાસાં મંથન-મનોરથમાંથી પસાર થતું હશે ને સ્ટેન સ્વામીનો સ્મૃતિ દિવસ આવ્યો, પાંચમી જુલાઈએ એ બરાબર આજથી ત્રણ વરસ પર ગયા. 2018ના કુખ્યાત ભીમા કોરેગાંવ કેસના સંદર્ભમાં 2020માં એમને પકડવામાં આવ્યા હતા. સ્ટેન સ્વામીનું મોટું કામ આદિવાસી સમુદાયને બંધારણના પાંચમા શિડ્યુલ મુજબની સઘળી સોઈ મળે એ માટેની લડતનું હતું. બિરસા મુંડાને પશ્ચાદવર્તી ધોરણે અંગીકારતા સત્તા-પ્રતિષ્ઠાનને નજર સામેનો આદિવાસી હામી સોરવાય શાનો? ભીમા કોરેગાંવ કેસ જે ફળદ્રુપ ભેજાએ ઊપજાવી કાઢ્યો એમાં પકડાયેલા 16 કર્મશીલ બૌદ્ધિકો દેશના મોટા હાકેમની સૂચિત હત્યામાં દેશદ્રોહી-રાજદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એમને આતંક વિરોધી યુ.એ.પી.એ. અંતર્ગત પકડવામાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત જામીન મળવા અસંભવવત્ છે. પાર્કિન્સન પીડિત સ્ટેન સ્વામીને હાથમાં પવાલું ઝાલવાનીયે શક્તિ ન હોઈ સિપર સ્ટ્રો સારુયે જેલમાં લાંબી લડત આપવી પડી હતી. તબિયત ખાસી કથળેલી, પણ સારવાર સારુ બેલ મળે શાની? કોરટમાં તે માટેની કોશિશ ચાલતી રહી, ને એ પ્રભુને પ્યારા થઈ ગયા. એમનો સ્પિરિટ જોકે કાબિલે દાદ હતો. એ કહેતા કે ‘ભલે પિંજરે પુરાયું પણ પંખી ગાઈ તો શકે છે ને!’

આ કેસના એક પછી એક આરોપી હવે જામીન પર માંડ છૂટે છે, કેમ કે દેશની ટોપ એજન્સી આટલે વરસે પણ ચાર્જ ફ્રેમ કરી શકી નથી. સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા અકેકી દાસ્તાં યુ.એ.પી.ના ખુદના આતંકી સ્વરૂપની ગવાહી પૂરે છે – અને હવે સક્સેના વિનયપૂર્વક અરુંધતી રોયને યુ.એ.પી.એ. થકી આભૂષિત કરવાના મનોરથી છે.

આવે વખતે સાહિત્યકારે નાગરિક તરીકે કેમ વર્તવું-પ્રવર્તવું રહે? ફરી યાદ કરું પિન્ટરના નોબેલ વક્તવ્યને : ‘જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે લાગે છે કે પ્રતિબિંબ અદ્દલ છે. પણ એક દોરાવાર ખસો એટલે બિંબ બદલાય. આપણે વસ્તુત: પ્રતિબિંબોની નિરંતર હારમાળા જોઈએ છીએ, પણ ક્યારેક સર્જકે અરીસો ફોડવો પડે છે – કેમ કે, આપણી સામે તાકતું સત્ય અરીસાની બીજી બાજુએ હોય છે.’

દરમ્યાન, હિમાંશી શેલતની તરોતાજા નવલકથા ‘ભૂમિસૂક્ત’ (જૂન 2024) જોઈ તમે? અહીં તરોતાજા કહ્યું છે તે આ પ્રકાશન માંડ મહિના પહેલાંનું છે એટલા સારુ નહીં પણ એના વિષયવસ્તુની પસંદગીની રીતે. નવલકથાના લેખકીયમાં, કેવો સમર્પક પ્રયોગ કર્યો છે – ‘સ્વગત’માં, પહેલા જ વાક્યમાં હિમાંશીબહેને અરીસાનું ઓઠું જરી જુદી રીતે લીધું છે : ‘ચોમેર અરીસા છે જાતને જોવા માટે. જો દાનત હોય તો. જો કે, એમાં આંખ ઉઘાડી રાખવી પડે.’

તો, મુદ્દો ઉઘાડી આંખનો છે. પિન્ટર નિર્ણાયકોએ પણ અરુંધતીનો જે વિશેષ વર્ણવ્યો છે તે પણ ‘અનફ્લિન્ચિંગ ગેઝ’નો જ છે ને.

નવલકથાની વિશેષ ચર્ચામાં જવાનો અહીં મુદ્દલ ખયાલ નથી. પણ આપણે પૂર્વાર્ધમાં જે બધી ચર્ચા કરી એમાં સર્જક પક્ષે નાગરિક તરીકે સત્યાસત્ય વિવેકની અપેક્ષા અને કર્મશીલો પરત્વે સત્તા-પ્રતિષ્ઠાનની બેરહમીનો – એમને આંદોલનજીવી અને ‘વોક’માં ખપાવવાની તુચ્છ વૃત્તિનો ખયાલ આવે છે. ‘ભૂમિસૂક્ત’ કર્મશીલો અને કર્મશીલતાને, એમની પૂંઠે રહેલ ઋતને એક સર્જકની નાગરિક સિસૃક્ષાપૂર્વક હૃદયપ્રત્યક્ષ કરી આપે છે.

ગુજરાતી સર્જકતા અને નાગરિકતા વિશેનું મહેણું આમ ભાંગે એથી રૂડું શું.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર … 

સુમન શાહ|Opinion - Literature|16 July 2024

સુમન શાહ

આજકાલ આપણા અનુ-આધુનિક સાહિત્ય વિષે કેટલીક અધૂરી વીગતો પ્રસરી રહી છે, ત્યારે, સૌ પ્રથમ, એના પૂરેપૂરા ક્ષેત્રનો ખયાલ મેળવવો જરૂરી છે. એ ખયાલ આ પ્રમાણે છે : 

આપણે ત્યાં છેલ્લા દસકાઓમાં મુખ્યત્વે દલિત અને નારી તત્ત્વોને કેન્દ્રમાં રાખીને સર્જનો / લેખનો થયાં છે. માત્ર એને જ આપણે ‘અનુ-આધુનિક’ સાહિત્ય ગણીને ચાલ્યા છીએ. 

— પરન્તુ, આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, ન-દલિત અને ન-નારી તત્ત્વોને લક્ષ્ય કરતી અને વાચકો વડે અનુભવાતી સૃષ્ટિઓ પણ છે.

— દલિત, નારી, ન-દલિત, ન-નારી એ ચારેય તત્ત્વો દાખવતા આપણા અનુઆધુનિક સાહિત્યમાં, નવલકથાઓ, લઘુનવલો અને લઘુકથાઓ પણ છે — સમગ્ર કથાસાહિત્ય છે.

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય નથી; એમાં અછાન્દસ કાવ્ય, ગદ્યકાવ્ય કાવ્ય, કથનકાવ્ય, ગઝલ-કાવ્ય પણ છે — સમગ્ર કવિતાસાહિત્ય છે.

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય કે કવિતાસાહિત્ય નથી; એમાં લલિત નિબન્ધસાહિત્ય પણ છે. 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય કે માત્ર લલિતનિબન્ધસાહિત્ય નથી; એમાં, એ અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં સમીક્ષાત્મક લેખનો  પણ છે. 

દાખલા તરીકે જુઓ, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાલા, બાબુ સુથાર અને સુમન શાહનાં લેખનો અને પુસ્તકો. 

આપણે સમજવું જોઈએ કે અનુ-આધુનિકતાની પ્રકૃતિ પ્રસરણશીલ છે. જુઓ, એ મતલબનું પ્રકરણ મારા “અનુ-આધુનિકતા અને આપણે” પુસ્તકમાં. પ્રસરણના અર્થમાં, કેટલાંક સામયિકો; લાઇફ લિટરેચર રજૂ કરતાં સંસ્મરણો, વાર્તાલાપો; તેમ જ કેટલીક સંસ્થાઓનો પણ સમાસ કરવો જોઈશે. 

જેમ કે — 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, કેટલાંક સામયિકો પણ છે. 

દાખલા તરીકે, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા પ્રગટતું માત્ર મહિલા-લેખકો માટેનું સામયિક ‘વિશ્વા’. બાબુ સુથાર-સમ્પાદિત ‘સન્ધિ’ સામયિકમાં ‘ચૉતરેથી’ શીર્ષકે સાહિત્યિક પત્રકારત્વ દાખવતા કેટલાક લેખો, વાર્તા આદિના કેટલાક ભાવાનુવાદો. વિપુલ કલ્યાણી-સમ્પાદિત ‘ઓપિનિયન’, જેમાં સમસામયિક પત્રકારત્વના લાભ દર્શાવતાં કેટલાંક લેખનોનું પુન:પ્રકાશન પણ જોવા મળે છે.  

— અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યનો – લાઇફ લિટરેચરનો – મહિમા વધ્યો છે. 

એ જોતાં, જેમ એક જમાનામાં, નરોત્તમ પલાણ અધ્યાપકીય ડાયરી લખતા હતા, તેમ, દાખલા તરીકે, નરેશ શુક્લ જેવા અધ્યાપકો શૈશવનાં સ્મરણો લખે છે એવાં આત્મકથનોનો પણ સમાવેશ કરવો જોઈશે. એ સંદર્ભમાં, કાજલ ઓઝા વૈદ્ય કે જય વસાવડા વડે અવારનવાર રજૂ થતાં, જીવનમાર્ગમાં પ્રેરક વાર્તાલાપોમાં કે પ્રવચનોમાં પણ મને અનુ-આધુનિક ઉન્મેષ પરખાય છે.  

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર લાઇફ લિટરેચર નથી, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ પણ છે. 

દાખલા તરીકે. એવા બ્લૉગર્સમાં મને પ્રભાવક લાગ્યા છે, સૂચક ફોટોગ્રાફ્સ રજૂ કરતા ઉમેશ સોલંકી. ગુજરાત અને દેશના દલિત સાહિત્યકારોના જન્મદિવસે કે અન્યથા એમનાં સર્જનોની વાત કરતા ગણપત વણકર. ‘માય મ્યુઝિયમ ઑફ મૅમરીઝ’ શીર્ષક હેઠળ દેશ-વિદેશના ફિલ્મમેકર્સ તેમ જ અન્ય કલાકારોનાં નૉંધ-સહિત પિક્ચર્સ મૂકતા અમૃત ગંગર. પશ્ચિમનાં પુસ્તકોની માહિતીથી જાગૃતિ ફેલાવતા બાબુ સુથાર કે ‘ફિલ્લમ’-ના આયોજક શક્તિસિંહ. પંચમ્ શુક્લ, નિસર્ગ આહીર, મયૂર ખાવડુ, અભિજિત વ્યાસ પણ જુદા જુદા હેતુથી ઉપકારક બ્લૉગ્સ ચલાવી રહ્યા છે. 

— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર બ્લૉગ્સ નથી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, સંગઠનો કે ફાઉન્ડેશનો પણ છે. 

દાખલા તરીકે, નારી, દલિત, ન-નારી, ન-દલિત એમ ચારેય તત્ત્વોને ઊંડણમાં લેતી વાર્તાકૃતિઓ માટે ભારે ઉમળકાથી શિબિરો યોજતું “સુજોસાફો”. દાખલા તરીકે, મહિલાઓના પ્રશ્નો માટેની “સ્ત્રિયાર્થ” મંડળી; ઉષા ઉપાધ્યાયની રાહબરી હેઠળ નારી તત્ત્વના કેન્દ્રમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતું સંગઠન “જૂઇ મેળો”. દર્શિની દાદાવાલાના નેતૃત્વ હેઠળ ‘સાહિત્યમિત્રો’-ને સજ્જ કરી અણજાણ એવા છેવાડાના ‘સહૃદય’-સમુદાયો સુધી સ્ટોરીઝ શૅઅર કરતું ‘વિમૅન લિવિન્ગ બાય લિટરેચર’-નો ધ્યાનમન્ત્ર ધરાવતું “સંવિત્તિ” ફાઉન્ડેશન. ગુજરાતી સાહિત્યનું નિત્યવર્ધમાન માતબર ઑનલાઇન ગ્રન્થાલય ચલાવતું અતુલ રાવલ-સંસ્થાપિત “એકત્ર ફાઉન્ડેશન”. વગેરે.

ક્રમશ: 
(15 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (10)

દીપક મહેતા|Opinion - Opinion|16 July 2024

૧૦

ગુજરાત બહાર ફાર્બસ રાસમાળાના લેખક તરીકે વધુ જાણીતા થયા છે, પણ રાસમાળા એ તેમનું પહેલું પુસ્તક નહોતું. તેમનું પહેલું પુસ્તક હતું દલપતરામના ભૂત નિબંધનો અંગ્રેજી અનુવાદ. (આ પુસ્તકના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ ‘Dalpatram Daya’ એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા, અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે નવાઈ કહેવાય. મૂળ ગુજરાતી ભૂત નિબંધ ૧૮૫૦માં પ્રગટ થયો હતો. (પહેલી આવૃત્તિની નકલ જોવા મળી નથી.) ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના થઇ ત્યારે તેના જે ઉદ્દેશો જાહેર કરવામાં આવ્યા હતા તેમાંનો એક ઉદ્દેશ ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાનો હતો. મુંબઈમાં કેપ્ટન જર્વિસના વડપણ હેઠળ ચાલતી નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક્સ સોસાયટી પણ ગુજરાતી, મરાઠી, વગેરે ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો પ્રગટ કરતી હતી. આ માટે તે જાહેરાત આપીને હસ્તપ્રતો મગાવતી હતી અને તેમાંથી જે છાપવા લાયક જણાય તેને ‘ઇનામ’ આપતી હતી. (આમ કરવા પાછળનો હેતુ કદાચ સ્થાનિક પરંપરા સાથે અનુસંધાન જાળવવાનો હતો.) આ પદ્ધતિને અનુસરીને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’એ પણ પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. ૧૮૪૯ના જૂન મહિનાની તેરમી તારીખે મળેલી સોસાયટીની બેઠકમાં ‘ભૂતપ્રેતનો વહેમ મનમાં પેસે છે તે શું હશે અને તેને કાઢવાને વાસ્તે શા શા ઉપાય કરે છે તે વિશેનો નિબંધ રચાવવાને’ તથા આવેલા નિબંધોમાંથી જે સૌથી સરસ લાગે તેને રૂ. ૧૫૦નું ‘ઇનામ’ આપવાનું ઠરાવાયું હતું. નિબંધો મોકલવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, એટલે કે ૧૮૪૯ના ડિસેમ્બરના અંત સુધીમાં નિબંધ મોકલવાના હતા. આ જાહેરાત થઇ ત્યારે દલપતરામ ફાર્બસને ત્યાં નોકરી કરતા હતા. એક દિવસ ફાર્બસે તેમને પૂછ્યું કે તમે આ નિબંધ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ? ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળીને ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ભૂત નિબંધ લખીને હરીફાઈમાં મોકલ્યો અને તે પસંદ થયો તથા તેને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ મળ્યું. ફાર્બસ આ નિબંધથી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા. 

દલપતરામના ‘ભૂત નિબંધના ફાર્બસે કરેલા અનુવાદનું મુખપૃષ્ઠ

“પહેલી જ કૃતિ ભૂત નિબંધની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ. પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો આજે બહુ ઓછામાં જોવા મળે છે, અને તેથી વધુ મૂલ્યવાન બની રહે છે.”૧૮  

ફાર્બસને આ નિબંધ એટલો ગમી ગયો હતો કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાયેલા એ પુસ્તકની પ્રસ્તાવનામાં ‘દેશી’ ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત ફાર્બસ કરે છે. તેઓ કહે છે : 

હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ, પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, બંને સાથોસાથ ચાલવા જોઈએ.૧૯    

હિન્દુસ્તાનના, અને ખાસ કરીને ગુજરાતના લોકોના મનમાંથી ભૂતપ્રેત અંગેની માન્યતાઓ દૂર કરવા ફાર્બસ આતુર છે, પણ આવી માન્યતાઓ ધરાવવા માટે તેઓ ‘દેશી’ લોકોની ટીકા કરતા નથી. કારણ તેમના પોતાના દેશમાં નજીકના ભૂતકાળમાં આ અંગે જે સ્થિતિ હતી તેનાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે. તેઓ કહે છે :

જેને વિષે આ નિબંધમાં લખવામાં આવ્યું છે તેવા વહેમની વાતોનો અને તેનાં પરિણામોનો આપણને ગ્રેટ બ્રિટનમાં પણ નજીકના ભૂતકાળમાં અનુભવ ક્યાં નહોતો થયો? આજથી સોએક વર્ષ પહેલાંના સ્કોટિશ લોકો અંગેના આંકડાકીય અહેવાલ પરથી જાણવા મળે છે કે એ લોકો ભૂતપ્રેત, ડાકણ, પરીઓ વગેરેમાં દૃઢપણે માનતા હતા.૨૦   

ભૂત નિબંધના લેખક દલપતરામ વિષે ફાર્બસે લખ્યું છે :

તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષાઓમાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણ શક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ  છે, અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.૨૧  

અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ભૂત નિબંધનો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે.   

ડબ્લિન યુનિવર્સિટી મેગેઝીન : લિટરરી એન્ડ પોલિટીકલ જર્નલે તેના (પુસ્તક ૩૭) જાન્યુઆરીથી જૂન ૧૮૫૧ના અંકમાં ભૂત નિબંધના અનુવાદનું અવલોકન પ્રગટ કર્યું હતું. અલબત્ત, આ અવલોકન તેણે હિન્દુસ્તાનના કોઈક સામયિકમાંથી પુનર્મુદ્રિત કર્યું હતું. એ સામયિકનું કે અવલોકન લખનારનું નામ આ જર્નલમાં આપ્યું નથી. 

આ પુસ્તક અંગે અવલોકનકાર લખે છે :

“ગુજરાતના હિંદુઓમાં પ્રચલિત એવા ભૂતપ્રેત અંગેના ખ્યાલો અને વહેમોની વિચિત્ર વિગતો અહીં આપવામાં આવી છે. જેમને માત્ર ઉપરછલ્લી બાબતોમાં જ રસ છે, અથવા જેઓ માત્ર મનોરંજન માટે જ વાંચે છે તેમને આ વાતો મામૂલી લાગે તેમ બને. પણ જે વિચારશીલ વાચકો છે તે તો આ વાતોનું મહત્ત્વ સ્વીકાર્યા વગર રહેશે નહિ. માણસ જાત સામે જે કેટલીક અસ્પષ્ટ છતાં ખૂબ મહત્ત્વની સમસ્યાઓ રહેલી છે તેમાંની એક ભૂતપ્રેત અંગેની સમસ્યા છે. એટલે એ અંગે જેટલી પણ વધારે વિગતો મળે તે આ સમસ્યા અંગેની આપણી જાણકારીમાં વધારો કરી શકે તેમ છે.”૨૨ 

આ પુસ્તક વાંચવાથી કોને કોને ફાયદો થાય તેમ છે તે જણાવ્યા પછી અવલોકનકાર કહે છે : 

“ભૂત નિબંધના પ્રકાશનથી આ વિષય અંગેની ઘણી બધી ભરોસાપાત્ર વિગતો આપણને મળી છે. સત્યની ખોજમાં આ વિગતો ઉપયોગી થાય તેવી છે. અને તેથી આ પુસ્તક વાચવા જેવું બની રહે છે.૨૩ 

ભૂત નિબંધના આ અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે વચ્ચે કેટલીક આકૃતિઓ મૂકી છે. (આ સાથે તેમાંથી બે નમૂના આપ્યા છે.) મૂળ ગુજરાતી પુસ્તકની પહેલી આવૃત્તિમાં પણ તે હોવી જોઈએ. પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ મધુસૂદન પારેખ સંપાદિત ‘દલપત ગ્રંથાવાલી’ના પાંચમા ભાગમાં ભૂત નિબંધ છાપ્યો છે તેમાં બધી આકૃતિઓ કાઢી નાખી છે. આમ કરવા પાછળનું કારણ તો સંપાદક કે પ્રકાશક જ જાણે. 

ભૂત નિબંધના અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે મૂકેલી આકૃતિઓમાંની બે

અહીં ભૂત નિબંધ અંગેની બીજી એક-બે વાત પણ નોંધી લઈએ. પહેલી તો એ કે તેના નામમાં ભલે ‘નિબંધ’ હોય, આ કૃતિ તે કોઈ રીતે આજે આપણે જેને નિબંધ કહીએ છીએ તે પ્રકારની નથી જ નથી. તે વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી. એટલે જો ‘હસ્તપ્રત’ મગાવવામાં આવે તો કેટલાકના મનમાં ગેરસમજ થવાની શક્યતા હતી. આથી મુંબઈમાં જ્યારે કેપ્ટન જર્વિસે છાપવા માટે પાઠ્ય પુસ્તકો મગાવવાનું શરૂ કર્યું ત્યારે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપર્યા. પણ તેમને અભિપ્રેત તો પુસ્તકની ‘હસ્તપ્રત’ જ હતી. મુંબઈની રીતને અનુસરીને અમદાવાદની સોસાયટીએ પણ જ્યારે લખાણ મગાવવાનું શરૂ કર્યું ત્યારે તેને માટે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. આથી જ તો અમદાવાદની સોસાયટીની જુદી જુદી હરીફાઈઓ માટે લખાયેલા ‘નિબંધો’માં પદ્યમાં લખાયેલી કૃતિઓ પણ જોવા મળે છે, તો ‘કડવા કણબી વિષે નિબંધ’ ગદ્ય અને પદ્ય, બંનેમાં લખાયેલો છે. એટલે ભૂત નિબંધ હકીકતમાં કથાપ્રધાન ગદ્ય લખાણ છે, નિબંધ નહિ. 

બીજી વાત એ નોંધવી જોઈએ કે કવિ નાનાલાલે ‘કવીશ્વર દલપતરામ’માં એવી છાપ ઊભી કરી કે ‘ભૂત નિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂત નિબંધ એટલે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની ગ્રંથ પ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોક પ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂત નિબંધ.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, પૂર્વાર્ધ, પા. ૩૧-૩૨. બીજી આવૃત્તિ, ૨૦૦૦) આપણા ભાષા-સાહિત્યના ઇતિહાસ કે વિવેચન લખનારાઓમાંથી કેટલાકે કવિ નાનાલાલની આ વાત ઝાઝી પડપૂછ કર્યા વગર સ્વીકારી લીધી છે અને દલપતરામને અર્વાચીન ગુજરાતી ગદ્યના પ્રારંભકનું માન આપી દીધું છે. પણ હકીકતમાં આ વાત સાચી નથી. ગુજરાતી ગદ્યમાં છપાયેલી કૃતિઓ દલપતરામના જન્મ પહેલાંથી, છેક ૧૮૧૫થી જોવા મળે છે. ભૂત નિબંધમાં જે વાતો છે તેમાંની ઘણી આજે કાલગ્રસ્ત થઇ ચૂકી છે. આજે આ કૃતિ મુખ્યત્વે ઐતિહાસિક મહત્ત્વ જ ધરાવે છે – તેના લેખક અને પ્રકાશક, બંનેના પ્રથમ પુસ્તક તરીકે.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

...102030...633634635636...640650660...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved