Opinion Magazine
Number of visits: 9741386
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાબરમતી આશ્રમ સ્મારકના મૂકસેવકની વિદાય

કિરણ કાપુરે|Gandhiana|24 August 2024

અમૃતભાઈ મોદી

ગાંધીવારસાના ધરોહરરૂપ ‘સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ’[સાબરમતી આશ્રમ સ્મારક]નું જતન કરનારા અમૃતભાઈ મોદીનું ૨૫ જૂન, ૨૦૨૪ના રોજ ૯૧ વર્ષની વયે અવસાન થયું. અમૃતભાઈ મોદી પાછલાં પચાસ વર્ષથી મંત્રી તરીકે સાબરમતી આશ્રમના સ્મારકની ધુરા સંભાળી રહ્યા હતા. અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકમાં સૌ કોઈને પ્રેમપૂર્વક આવકારતા અને ગાંધીવિચારને છાજે એ રીતે તેમણે તેનું સંચાલન કર્યું હતું. દેશ-વિદેશના પ્રમુખ હોય, મહાનુભાવ કે પછી કોઈ અભ્યાસી; પ્રવાસી હોય કે શહેરના સામાન્યજન અમૃતભાઈ સૌ પ્રત્યે એક સરીખો ભાવ ધરાવતા. તેમનો પ્રેમ સૌ પર વરસતો.

અમૃતભાઈ સાબરમતી આશ્રમ સ્મારકને જસનો તસ સાચવી શક્યા તે તેમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આશ્રમ સ્મારક હવે નવનિર્માણ માટે તૈયાર થઈ રહ્યો છે અને તેમાં આવનારાં પરિવર્તન ગાંધીજીના આશ્રમ સ્મારકના ખ્યાલને છાજે એવાં હોય કે ન હોય; પરંતુ અમૃતભાઈ એ બાબતે ખાસ્સી દૃઢતા રાખી શક્યા કે ગાંધીજીની ધરોહર જેવી છે તેવી રહેવી જોઈએ. સરકારની એક યોજનાથી આશ્રમ નવનિર્માણ પામશે, તે પ્રકારના પ્રસ્તાવ અગાઉ સાબરમતી આશ્રમ સ્મારકના મંત્રી તરીકે તેમની સમક્ષ પણ આવ્યા. હૃદયકુંજ અને પ્રાર્થનાભૂમિને આરસના પથ્થર નાંખવા સુધીના; પણ પ્રસ્તાવ મૂકનારનો અનાદર કર્યા વિના તેમનો ઉત્તર હોય — ‘અહીં તો ધૂળ જ શોભે.’ ગાંધીવિચારને આટલા ઊંડાણથી સમજનારા અત્યારે કોણ મળી શકે? સાદગી અને સરળતાથી ઘણી વાર તેમની દૃઢનિશ્ચયતા ઢંકાઈ જતી અને અમૃતભાઈને ગાંધીવિચારથી વિપરીત કોઈ બદલાવથી બાધ નથી — એવું પણ માની લેવામાં આવતું. એવે વખતે જ તેમની દૃઢતા પ્રગટ થતી અને એવો બદલાવ ટાળી શકાતો. પાંચ દાયકામાં સાબરમતી આશ્રમ સ્મારકમાં બદલાવ આણનારી કેટકેટલી ય ઘટના બની હશે, પણ સાબરમતી આશ્રમ સ્મારક એ જ સ્થિતિમાં રહી શક્યો.

અમૃતભાઈએ પરિવર્તનને આવકાર્યાં જ નહીં, તેવું ય નહોતું. કામકાજને સરળ બનાવતાં કેટલાંક પરિવર્તનો સમય સાથે સાબરમતી આશ્રમમાં થયાં. કાર્યશૈલી બદલાઈ, કમ્પ્યૂટર આવ્યાં અને કેટલુંક નવું બાંધકામ થયું ત્યારે તેમને કાર્ય અર્થે જે સુલભ લાગ્યું તે સ્વીકાર્યું. સાબરમતી આશ્રમના ખ્યાલ મુજબ તેમણે ધીમે ધીમે પરિવર્તન આણ્યાં અને ટાંચાં સાધનોથી સાબરમતી આશ્રમનું અસલ સ્વરૂપ જળવાયેલું તેઓ રાખી શક્યા.

ગાંધીસાહિત્ય અને સ્મારકના વારસાને સુરક્ષિત રાખવાની અમૃતભાઈની સમજ ખાસ્સા અભ્યાસ અને અનુભવ પછી વિકસી હતી. કિશોરવયથી તેમની ગાંધીસાહિત્ય-વાંચનમાં રુચિ કેળવાઈ અને તેઓ રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ વળ્યા. ગાંધીવિચારને અમલી બનાવવા યુવાન વયથી કૉંગ્રેસ સેવાદળ સાથે જોડાયા. ગ્રામસફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવાકાર્યોનો હિસ્સો બન્યા. મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ બે વર્ષ સુધી શિક્ષક તરીકે રહ્યા. સૌરાષ્ટ્ર સેક્રેટરિયેટમાં કારકુન તરીકે ફરજ બજાવી. કારકિર્દી ઘડાઈ રહી હતી, પરંતુ મન સેવાકાર્યોમાં તરફ આકર્ષાતું હતું; એટલે ઑગસ્ટ, ૧૯૫૫ના અરસામાં સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજન દાદા ધર્માધિકારીની સર્વોદય વિચાર શિબિર યોજાઈ, ત્યારે તેમાં સહભાગી થયા. અહીં દ્વારકાદાસ જોશી સાથે પરિચય કેળવાયો અને તેઓ ભૂદાનપ્રવૃત્તિ સાથે જોડાયા. ભૂદાનપ્રવૃત્તિ સાથે સક્રિય રીતે તેમનું જોડાણ ૧૯૭૪ સુધી રહ્યું. સર્વોદય પ્રવૃત્તિના અભિન્ન હિસ્સો બન્યા બાદ તેઓ વર્ષના દસેક મહિના પદયાત્રામાં રહેતા. આ ક્રમ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. ભૂદાનમાં સક્રિયતા વેળાએ તેમણે સાંતલપુર, હારીજ, રાધનપુર તાલુકામાં આશરે ૩,૦૦૦ વીઘા જમીન-વહેંચણીનું મહત્ત્વનું કાર્ય કર્યું. આ દરમિયાન રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતલાલ મજમુદાર અને જુગતરામ દવે જેવા ગાંધીજનોના સંપર્કમાં આવ્યા. સર્વોદયની પ્રવૃત્તિમાં સહ મંત્રી અને મંત્રીપદે તેમનું કાર્ય એટલું વિસ્તર્યું કે કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, દાદા ધર્માધિકારી, ધીરેન્દ્રભાઈ મજમુદાર, વિમલાતાઈ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં મહાનુભાવો સાથે ગુજરાતભરમાં પ્રવાસ કરવાનો તેમને અવસર મળ્યો. બિહાર અને બંગાળની યાત્રા દરમિયાન વિનોબા ભાવે સાથે રહેવાનું બન્યું અને તેમનાં પ્રવચનોને નોંધ્યાં.

અમૃતભાઈનાં જીવન અને કાર્યની નોંધ પત્રકાર-લેખક રમેશ તન્નાએ વિગતે કરી છે. અમૃત મોદીનાં લેખન અને સંપાદનકાર્ય વિશે રમેશભાઈ લખે છે કે, “તેમણે દસ પુસ્તકોનાં અનુવાદ અને સંપાદનનું કામ કર્યું. વિચારપત્ર ‘ભૂમિપુત્ર’માં ત્રણ વર્ષ સહાયક સંપાદક અને ચાર વર્ષ સંપાદક તરીકે સંપાદન કર્યું. ‘ભૂમિપુત્ર’ તથા અન્ય સામયિકોમાં તેમના લેખો અને વાર્તાઓના અનુવાદો છપાતા રહ્યા. ૧૨ વર્ષના લેખન-તપને પરિણામે ૩૦૦ જેટલી વાર્તાઓ અને ૪૦૦ જેટલા લેખોના અનુવાદનો ફાલ નીપજ્યો. તેમણે વિદ્યાર્થીઓ માટે મહર્ષિ વિનોબા અને મોટાઓ માટે યુગપ્રવર્તક વિનોબા એ બે જીવનચરિત્રો લખ્યાં, જેની ૮૦,૦૦૦ નકલ છપાઈ. મરાઠી અને હિંદીમાં તેનો અનુવાદ થયો. અમૃતભાઈએ પાંચ વર્ષ સર્વોદય પ્રેસ સર્વિસ પણ ચલાવી હતી.” આ ઉપરાંત, તેમનાં સંપાદનકાર્યમાં એક વખતે પાંચ-પાંચ સામયિકો હતાં; જેમાં ખાદી ગ્રામોદ્યોગનું મુખપત્ર ‘ગ્રામનિર્માણ’, નશાબંધી વિભાગનું ‘કલ્યાણયાત્રા’, અહિંસા વિચારને કેન્દ્રમાં રાખતું ‘હિંસાવિરોધ’, મહિલાવિષયક ‘સ્ત્રીજીવન’ અને સદ્ વિચાર પરિવારનું ‘સુવિચાર’ હતાં. લેખન-સંપાદન તરીકે જે તેમનાં પુસ્તકો છે તેમાં વાર્તામંજરી, વિદ્યાર્થીઓને ગાંધીજીના પત્રો, મહર્ષિ વિનોબા, વાત્સલ્યમૂર્તિ દાદા, ખુદાઈ ખિદમતગારનો સમાવેશ થાય છે. તેમનું છેલ્લું પુસ્તક ગાંધીજીવન : વિચારઝલક તાજેતરમાં પ્રકાશિત થયું છે.

ગાંધી તથા વિનોબાના વિચારનું ભાથું આચાર અને વિચારમાં બે દાયકા સુધી સારી પેઠે તેમણે પોતાનામાં સિંચ્યું હતું. ૧૯૭૪માં તેઓ સાબરમતી આશ્રમ સ્મારકમાં જોડાયા, ત્યારે તેમની પાસે ગાંધીવારસાને સુરક્ષિત રાખવાની દૃષ્ટિ કેળવાઈ ચૂકી હતી. આ દૃષ્ટિ કેળવાઈ તેમાં આશ્રમના પૂર્વ સંરક્ષક છગનલાલ જોશી, છગનલાલ ગાંધી અને ચંદુલાલ દલાલ સાથેનો સંવાદ પણ તેમને ઉપયોગી રહ્યો. સાબરમતી આશ્રમ સ્મારકમાં આવીને તેઓ મૂકસેવકની જેમ ભળ્યા. આશ્રમની આસપાસના વિવાદોમાં તેમને જ્યારે કડવાં વેણ સાંભળવાનાં આવ્યાં, ત્યારે તેની કોઈ પ્રતિક્રિયા સુધ્ધાં ન આપી. આવું વલણ માત્ર તેમણે નહીં, પણ પરિવારના સભ્યોએ સુધ્ધાં રાખ્યું. આશ્રમ તો સૌનો છે તેવું હંમેશ કહેતા અને આસપાસના લોકો જ્યારે ઉનાળામાં આવીને આશ્રમની ખુલ્લી જગ્યામાં ઊંઘતા, તો તેમને ક્યારે ય અટકાવ્યા નહીં. કોઈ કાર્ય અધૂરું રહ્યું હોય તો દાખલો બેસાડવા નહીં, પણ પોતે એ કરી નાંખવાનું હોય તેમ કરીને કર્યું. એક વખત આશ્રમના ટૉઇલેટ બ્લૉકમાંથી દુર્ગંધ આવતી હતી, તો તેમણે સફાઈ કરી, પણ આ સફાઈ કર્યાની વાત કોઈને ય ન કરી. તેમને મન કોઈ કામ નાનું નહોતું. આવી વિચાર અને કર્મનિષ્ઠા તેમણે રાખી. આશ્રમ ખુલ્લો હોય અને અમૃતભાઈ ત્યાં હાજર ન હોય તેવું ભાગ્યે જ બનતું. આશ્રમ સ્મારકમાં એક સમયે એક આખી નવી પેઢી કામ કરવા માટે પ્રવેશી, ત્યારે તેમને મોકળાશ કરી આપી. કાચા પથ્થરોને તેમણે ઘડ્યા.

આશ્રમ સ્મારકના સંચાલક તરીકેની ભૂમિકાની સમાંતરે તેઓ આજીવન ગાંધીસાહિત્યના અભ્યાસી રહ્યા. સર્વોદય, વિનોબા અને ગાંધીજીવન વિશે જાણવાનું તેઓ ઠેકાણું હતા. ઉંમરના છેલ્લા પડાવ સુધી તેમની સ્મૃતિ અકબંધ રહી હતી. અભ્યાસ અને સંશોધનની સમજ એટલી પાકી કે જેમ્સ હન્ટ, ડેનિસ ડોલ્ટન, ઇ.એસ. રેડ્ડી, થોમસ વેબર, અને એસ.આર. મેહરોત્રા જેવા જાણીતા અભ્યાસીઓ આવ્યા તો તેમને વિગતો પૂરી પાડવાની કે સંદર્ભ જણાવવાની જવાબદારી તેમના શિરે રહેતી. આશ્રમ તરફથી લોકોને શક્ય એટલું આપવાનો પ્રયાસ કર્યો. અને તે માટે એ હદ સુધી જાય કે કોઈ આશ્રમમાંથી પુસ્તક ખરીદે અને જો તેની પાસે રૂપિયા ન હોય તો વિશ્વાસે તેને પુસ્તક આપે. આશ્રમ આવનારાં પ્રવાસીઓ પ્રત્યે પણ તેમનો એટલો જ પ્રેમાળ ભાવ રહ્યો. એક વખત બસમાં આવેલા પ્રવાસીઓની નાહવા — તૈયાર થવાની વ્યવસ્થા ક્યાં ય થાય એવી નહોતી, તો તે માટે તેમણે પોતાની ઑફિસના બાથરૂમનો ઉપયોગ કરવા દીધો. બસમાં આવેલા તમામ પ્રવાસીઓ અમૃતભાઈના ઑફિસના બાથરૂમમાં તૈયાર થયા અને આશ્રમની મુલાકાત લીધી. દૂરસુદૂરથી આશ્રમના પ્રવાસે આવનારાઓ માટે તેઓ કેટલીક પાયાની સુવિધા ઊભી થાય તેવું પણ ઇચ્છતા હતા.

વિશ્વભરના મહાનુભાવો, જાણીતી હસ્તીઓ આશ્રમમાં આવે પરંતુ અમૃતભાઈએ ક્યારે ય સમતા ન ખોઈ. તેઓ હંમેશાં પૃષ્ઠભૂમિમાં રહ્યા, અને કંઈક અંશે સાબરમતી આશ્રમને પણ એ રીતે રાખ્યો. એટલે જ ઘણાં સન્માન, ઇકરામોના હકદાર બની શકે એમ હોવા છતાં આજે તેમના નામે સૌથી વજનદાર સન્માન ‘સાબરમતી આશ્રમ સ્મારક સંરક્ષક’નો રહ્યો. પોતાની એક થેલીમાત્ર તેમની પાસે હંમેશ રહી, જે લઈને તેઓ આવતા. વી.વી.આઈ.પી. મહેમાન આવવાના હોય ત્યારે સાંધેલી ખાદી પહેરવામાં જરા સરખો છોછ ન રાખ્યો. તેઓ સ્પષ્ટ કહેતા કે કોઈએ વણેલું કાપડ છે ને. આવી વ્યક્તિના મનમાં નવાં કપડાં પહેરવાની કે તસવીરો પડાવવાની વાત તો ક્યાંથી આવે? તેમની નીતિ-રીતિ સંભવતઃ આજે કોઈને યોગ્ય ન લાગે, પરંતુ પુરોગામીઓએ સોંપેલું કાર્ય તેમણે આ નીતિ-રીતિથી કરી દાખવ્યું. અમૃતભાઈના કાર્યકાળ દરમિયાન આશ્રમ વિરુદ્ધ માધ્યમોમાં સાચા-ખોટા અહેવાલો સમયાંતરે આવતા રહેતા. પરંતુ તેનાથી વિચલિત થયા વિના તેમણે ખૂણામાં બેસીને પોતાનું કાર્ય કરે રાખ્યું. તેમના સદ્દનસીબે આ પડકારરૂપ જવાબદારી સંભાળી તે દરમિયાન અમૃતભાઈની સાથે ગાંધીમૂલ્યોને વરેલાં ટ્રસ્ટીઓ — શ્રેણિકભાઈ લાલભાઈ, નારાયણ દેસાઈ, કાંતિભાઈ શાહ, દીવાનસાહેબ, કાર્તિકેય સારાભાઈ, હમીદ કુરેશી, અને ઇલાબહેન ભટ્ટ પણ હતાં.

અમૃતભાઈ ગાંધી સંસ્થાઓ, ગાંધી પ્રેમીજનો, સર્વોદય જગત, વિનોબા પરિવાર, વગેરે વચ્ચે સેતુરૂપ હતા. ગાંધીજીનો જીવિત-લિખિત વારસો તેમણે યોગ્ય રીતે સાચવ્યો. મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી નિમિત્તે મહાદેવ દેસાઈના લખાણ-સાહિત્યના વારસાની જાળવણી-સાચવણીની વ્યવસ્થા કરી આપી. ગાંધીસાહિત્યના સર્જન સંદર્ભે નારાયણભાઈ દેસાઈને પણ મૂળભૂત આધારસાહિત્ય અમૃતભાઈએ હાથવગું કરી આપ્યું.

સાબરમતી આશ્રમ સ્મારક ગાંધીજીની ધરોહરમાં કેન્દ્રસમું છે. આશ્રમ સ્મારકની ભૂમિકા હંમેશાં અગત્યની બની રહી છે. આ ભૂમિકામાં અન્ય ગાંધી સંસ્થાઓ સાથેના સંબંધો જાળવવાની વાત સર્વોપરી હતી. એ તેમણે સુપેરે જાળવી. અન્ય સંસ્થાઓ સાથે તેમણે સહભાગિતા રાખી. નવજીવન ટ્રસ્ટના પૂર્વ મૅનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્રભાઈ દેસાઈ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ રહ્યો હતો. ગાંધીસાહિત્યના વારસાને સંભાળવાની બંનેની દૃષ્ટિ કંઈક અંશે સમાન રહી અને તે ગાળા દરમિયાન નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ સ્મારકમાં જે ગાંધીસાહિત્ય સંબંધિત કાર્ય થયું તેમાં તેમની વચ્ચેનો સંવાદ અગત્યનો રહ્યો છે. ગાંધીજીની ધરોહર જાળવી રાખનાર અમૃતભાઈ આ બધું કરી શક્યા તેનું એક કારણ તેમણે વિનોબાને આત્મસાત્ કર્યા હતા. ઉદ્દેશથી ચલિત થવાનો તેમાં કોઈ પ્રશ્ન જ નહોતો અને તેમનું અસ્તિત્વ તેમના કાર્ય થકી હતું. હવે તેઓ નથી તો તેમની સ્મૃતિ ટકી રહે તેવી પણ તેમની ખેવના નહોતી.

[“नवजीवनનો અક્ષરદેહ”ના જુલાઈ, 2024ના અંકમાંથી]
e.mail : kirankapure@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—261

દીપક મહેતા|Opinion - Opinion|24 August 2024

આજે જેનો જન્મ દિવસ છે તે વીર કવિ નર્મદને જણ્યો સુરતે,

પણ જાણ્યો મુંબઈએ       

ખેતર, મેદાનો, ને બાગ, શોભે છે ત્યાં જાગોજાગ,

અનેક ઝાડો, પંખી ઘણાં, રચનામાં હોયે શી મણા?

શ્રીમંતોની વાડી બહુ, ખુલ્લામાં ખૂલે તે સહુ, 

ઝાડ-પાન, ફુવારા, હોજ, વળી બંગલા કેરી મોજ! 

તળાવ મોટું, સુંદર, બહાર, ચાંદનીમાં શોભે સુખકાર. 

પવન લ્હેરથી પાણીમાંહ્ય, લ્હેર મનોહર રમતી થાય.

માનશો? આ વર્ણન કોઈ ગામડાનું નહિ, આપણા મુંબઈ શહેરનું છે! લખાયું હતું ૧૮૬૩ના જૂન મહિનાની ૧૬મી તારીખે. પરળ(પરેલ)ની એક ટેકરી પર ફરવા ગયેલા કવિએ લખ્યું હતું આ વર્ણન. એ કવિ તે નર્મદાશંકર લાલશંકર દવે. ન ઓળખ્યા? ઉર્ફે વીર કવિ, વીર સમાજ સુધારક, વીર પત્રકાર અને બીજું ઘણું બધું એવા વીર નર્મદ. કોણ જાણે કેમ, પણ તેને વિષે લખતાં-બોલતાં ‘તુંકારો’ જ વાપરવાનો આપણે ત્યાં ચાલ છે. એટલે અહીં પણ એમ જ. ૧૮૩૩ના ઓગસ્ટની ૨૪મી તારીખે સુરતમાં જન્મ. આજે તેના જન્મને ૧૯૧ વરસ થયાં. 

કવિ નર્મદ – ૧૮૬૦માં પોતાના કાવ્ય સંગ્રહમાં છાપવા માટે ફોટા પરથી તૈયાર કરાવેલું એનગ્રેવિંગ

નર્મદ ભલે જન્મ્યો સુરતમાં, પણ તેને બોલાવ્યો, માપ્યો, જાણ્યો, નાણ્યો, પોષ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેને જન્મભૂમિ સુરત માટે અપાર પ્રેમ. પણ કદાચ વધુ ગોઠે મુંબઈમાં. તેની કવિતામાં અને ગદ્ય લખાણોમાં એક નગરવાસીનું ‘સોફેસ્ટિકેશન’ છે તે મુંબઈને પ્રતાપે. 

૧૮૬૬માં પ્રગટ થયેલી આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ કહે છે કે જન્મ પછી દસેક મહિને, મા નવદુર્ગા અને માના કાકા દુર્લભરામ સાથે પોતે પહેલી વાર મુંબઈ આવ્યો. એ વખતે પિતા લાલશંકર કાલબાદેવીના ભગવાન કલાના માળામાં (ચાલમાં) રહેતા હતા. નર્મદ પાંચ વરસનો થયો ત્યારે ભુલેશ્વરની નાના મહેતાની નિશાળે બેસાડ્યો. પછી પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની નિશાળે ગયો. તે અંગે નર્મદ લખે છે : “મને ગુજરાતી અભ્યાસ કરાવ્યાનું માન બાળગોવિંદ મહેતાજીને જ છે. એને જ ત્યાંથી હું એલફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ જોન હાર્કનેસની પાસે ગુજરાતીની પરીક્ષા આપવા ગયો હતો.” 

નર્મદે જ્યાં અભ્યાસ કરેલો તે એલ્ફિન્સ્ટન કોલેજના પહેલા પ્રિન્સિપાલ હાર્કનેસ

એક જમાનામાં નેપિયન સી રોડથી રિજ રોડ સુધીના રસ્તા સાથે આ હાર્કનેસનું નામ જોડાયેલું હતું. કારણ તેમનો બંગલો એ રસ્તા પર આવેલો હતો. ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ત્યારે તેના પહેલવહેલા પ્રિન્સિપાલ હતા આ હાર્કનેસ સાહેબ. વેઇટ અ મિનિટ. તો પછી નર્મદ તેમને એલ્ફિન્સ્ટન સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે કેમ ઓળખાવે છે? કારણ જરા અટપટું છે. મૂળ સંસ્થા બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટી. એ સંસ્થા ‘અંગ્રેજી હાઈસ્કૂલ’ ચલાવતી. ૧૮૩૫માં આ સોસાયટીના નેજા નીચે એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ ત્યારે તે પેલી સ્કૂલથી અલગ અને સ્વતંત્ર હતી. પણ પછી કોઈક કારણસર સ્કૂલ અને કોલેજના શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે ખટરાગ થયો. એટલે ૧૮૪૦માં કોલેજને સ્કૂલ સાથે ભેળવી દીધી અને હાર્કનેસ બન્યા બંનેનાં પ્રિન્સિપાલ. ૧૮૪૫માં નામ બદલાયું અને એ સંસ્થા બની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. પણ પછી ૧૮૫૬ના એપ્રિલની પહેલીથી સ્કૂલ અને કોલેજ છૂટાં પડ્યાં અને અસ્તિત્ત્વમાં આવી સ્વતંત્ર એલ્ફિન્સ્ટન કોલેજ. એટલે ૧૮૪૫ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે નર્મદ દાખલ થયો ત્યારે એ સંસ્થાનું નામ હતું એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશન. અને ૧૮૫૦ના જૂનમાં દાખલ થયો તે એ જ સંસ્થાના  કોલેજના વર્ગમાં. 

જો કે કેટલાંક કૌટુંબિક કારણોને લીધે નર્મદ ઝાઝો વખત કોલેજમાં ભણી ન શક્યો. ૧૮૫૧ના ફેબ્રુઆરીમાં તેણે કોલેજ છોડી. એ પહેલાં તેણે ‘જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ નામની સંસ્થા કેટલાક મિત્રો સાથે મળીને શરૂ કરી હતી. તેમાં તેણે ‘મંડળી મળવાથી થતા લાભ’ એ વિષય પર ‘મોઢેથી બોલીને’ (એટલે કે લખેલું ભાષણ વાંચીને નહિ) ભાષણ કર્યું. આ તેનું પહેલું જાહેર વ્યાખ્યાન. તેવી જ રીતે નર્મદનું પહેલું પુસ્તક પણ મુંબઈથી ૧૮૫૭ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયું હતું : ‘પિંગળ પ્રવેશ.’ નર્મદના પિતા લાલશંકર સરકારી શિક્ષણ ખાતામાં લહિયા તરીકે કામ કરતા હતા. તેમણે પોતાના અક્ષરમાં આખું પુસ્તક લખી આપ્યું હતું અને નર્મદે શિલા છાપ પદ્ધતિથી તેની ૫૦૦ નકલ છપાવી હતી. 

નર્મદનું છેલ્લું પુસ્તક ‘ધર્મવિચાર’ ૧૮૬૬માં મુંબઈથી પ્રગટ થયું. એ જ વરસે નર્મદનું અવસાન થયું. તેનાં પુસ્તકોની કુલ સંખ્યા એક સોને આંબવા જાય. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં છપાયાં અને પ્રગટ થયા હતા. 

નર્મદે મુંબઈમાં પહેલી નોકરી કરી તે ગોકુળદાસ તેજપાલ વિદ્યાલયમાં. પગાર મહિને ૨૮ રૂપિયા. ૧૮૫૭ના ફેબ્રુઆરીમાં એ નોકરી શરૂ કરી. પણ તે થોડા વખત માટે જ. એ નોકરી છોડીને ૮મી ફેબ્રુઆરીએ નર્મદ સરકારી સેન્ટ્રલ સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર થયો. પગાર રૂપિયા ૪૦. પણ એ નોકરીમાં ય તે ઝાઝું ટક્યો નહિ. કારણ? નર્મદ લખે છે : “મારું મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.” તે પછીની તેની વાત તો અત્યંત હૃદયસ્પર્શી છે, એટલું જ નહિ, ખૂબ જાણીતી પણ છે. “મેં ઘેર આવી, કલમના સામું જોઈ, આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરી કે ‘હવે હું તારે ખોળે છઉં.” એટલે કે આજીવિકા માટે બધો આધાર લેખન પર રાખવાની પ્રતિજ્ઞા નર્મદે લીધી તે પણ મુંબઈમાં. 

નર્મદનું સાપ્તાહિક ‘ડાંડિયો’ પહેલો અંક, પહેલું પાનું ૧ સપ્ટેમ્બર ૧૮૬૪

નર્મદે શરૂ કરેલા સાપ્તાહિક ‘ડાંડિયો’નું આયુષ્ય બહુ લાંબુ નહિ. પણ તે વખતના મુંબઈ અને ગુજરાતના જાહેર જીવનમાં તેનો દબદબો અને દાબ ઘણો. એ શરૂ કર્યું મુંબઈથી, ૧૮૬૪ના સપ્ટેમ્બરમાં. કમનસીબે તેના બધા અંકો ક્યાં ય સચવાયા નથી. પણ જેટલા બચ્યા છે તેમાંથી નર્મદની એક નીડર પત્રકારની છબી ઉપસે છે. ‘ડાંડિયો’ નામ પાડેલું નર્મદના મિત્ર અને ‘ગુલાબ’ નાટકના લેખક નગીનદાસ મારફતિયાએ, અને ઘણો વખત એ છપાતું નર્મદના મિત્ર અને જાહેર જીવનના અગ્રણી નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં. ૧૮૫૭માં શરૂ થયેલું આ પ્રેસ હજી આજે પણ ચાલુ છે. 

નોકરી ન કરવાની ટેક નર્મદે મુંબઈમાં લીધેલી, તો એ જ ટેક કમને પણ આર્થિક જરૂરિયાતને કારણે તોડીને નોકરી કરવી પડી તે પણ મુંબઈમાં. ૧૮૮૨માં ગોકુળદાસ તેજપાલ ધર્મ ખાતાના સેક્રેટરી બન્યા. ૧૮૮૫માં એ નોકરી છોડી, અને ૧૮૮૬ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે દેહ છોડ્યો તે પણ મુંબઈમાં. નર્મદ જન્મ્યો તાપી નદીને કિનારે આવેલા સુરતમાં. જન્મભૂમિ માટે છેવટ સુધી અપાર પ્રેમ. પણ તેના જીવન અને વ્યક્તિત્વનું ઘડતર અને ચણતર થયું તે તો મુંબઈમાં. અરબી સમુદ્રના કિનારા નજીક આવેલ સોનાપુરની સ્મશાનભૂમિમાં તેનો ક્ષર દેહ વિલીન થઈ ગયો ત્યારે હવામાં એના શબ્દો ગુંજતા હશે :

“હા ભૈયા, હું તો ચાલ્યો, શંખનાદ હજુ થાયે હો.”

નર્મદ એટલે ૧૯મી સદીના સાહિત્યનો, સમાજ સુધારાની પ્રવૃત્તિનો, પત્રકારત્વનો, જાહેર જીવનનો વિજયી શંખનાદ. એ શંખનાદ ઉદ્ભવ્યો અને શમ્યો તે મુંબઈમાં. 

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 24 ઓગસ્ટ 2024

Loading

પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ: વર્ષા અડાલજા

દીપક મહેતા|Opinion - Opinion|24 August 2024

(કવિ નર્મદ સાહિત્યપ્રતિભા એવોર્ડ પ્રદાન પ્રસંગે) 

દીપકભાઈ મહેતા અને વર્ષાબહેન અડાલજા

લગભગ પચાસ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. નવપરિણીત પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો અહીં છે.

પૂછે છે : કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

મોટા ગજાના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

નવલકથા એટલે શું, કેવી રીતે લખાય, એની એ વખતે કશી ગતાગમ નહોતી એમ એ લેખિકાએ જ પછીથી કબૂલ્યું છે. પણ મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાં ભણતાં ભણતાં અંગ્રેજી સુધારવા પી.જી. વુડહાઉસ, પેરી મેસન, આગાથા ક્રિસ્ટી, વગેરેને ખૂબ વાંચેલાં. એટલે કૈંક રહસ્યમય લખવાનું વિચાર્યું. પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું,  પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે.

પ્રકાશક : નામ શું નવલકથાનું?

નામ? નામ તો વિચાર્યું જ નથી.

એ વખતે પ્રકાશકની દુકાનમાં એક જાણીતા લેખક બેઠેલા. લેખિકાએ તેમને ટૂંકમાં પ્લોટનો ખ્યાલ આપ્યો. પેલા લેખક કહે : નામ રાખો, પાંચ ને એક પાંચ. એ નવલકથાની લેખિકાનું નામ વર્ષા મહેન્દ્ર અડાલજા (લગ્ન પહેલાંનું નામ, વર્ષા ગુણવંતરાય આચાર્ય). જન્મ, ૧૦ એપ્રિલ ૧૯૪૦.

‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ અને વર્ષાબહેને શબ્દની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ષાબહેને કલમ પકડી એટલું જ નહિ, કલમે પણ વર્ષાબહેનને પકડ્યાં. સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’ ૨૦૨૨માં પ્રગટ થઈ. વચમાંના સમયગાળામાં બીજાં ૫૦ પુસ્તકો પ્રગટ થયાં.

રહસ્ય કથા તો લખાઈ ગઈ. પછી પ્રકાશક કહે કે હવે સામાજિક નવલકથા લખો. અત્યારે એ વધુ ચાલે છે. ફરી વિમાસણ : આ સામાજિક નવલકથા તે વળી કઈ બલા? પણ નાનપણમાં જોયેલી સાઉથની ફિલ્મો મદદે આવી. એ બધી હતી સામાજિક ફિલ્મો. એ બધીને યાદ કરીને પોતાની રીતે પાત્રો અને પ્રસંગો ગોઠવતાં ગયાં. એક મહિનામાં તો કામ પૂરું. ફરી પહોંચ્યાં પ્રકાશક પાસે. મહામહેનતે પુસ્તક છપાયું. પછી ન્યાયાધીશને જ ગુનેગાર ઠેરવતી ‘તિમિરના પડછાયા’ લખાઈ. 

પણ પછી ‘આતશ’ નવલકથાથી વર્ષાબહેનની કલમે પડખું બદલ્યું. એ અરસામાં તેઓ વાંચવા માટે જૂનાં અંગ્રેજી મેગેઝીન અવારનવાર ખરીદતાં. એક વાર રાતમાં દીકરી જાગી ગઈ. તેને સુવડાવતાં સુવડાવતાં વર્ષાબહેન ‘લાઈફ’ સામયિકનો એક અંક ઉથલાવવા લાગ્યાં. વિયેટનામ યુદ્ધના હૃદયદ્રાવક ફોટા તેમાં છપાયા હતા. અમેરિકાએ એક સ્કૂલ પર બોમ ફેંક્યો. ચારસો-પાંચસો બાળકોની લાશના ઢગલા. એ ઢગલામાંથી પોતાના બાળકની એકાદ નિશાની શોધવા મથતી બેબાકળી માતાઓ. અને મનમાં એક વિચાર ઝબકયો : મારી દીકરી તો ખોળામાં સૂતી છે. પણ આ બધી માતાઓ, તેમનાં બાળકોનું શું? મનોમન નક્કી કર્યું, વિયેટનામ યુદ્ધ વિષે નવલકથા લખવી. એ વખતે ગૂગલદેવ તો હજી પ્રગટ્યા નહોતા. એટલે મુંબઈની લાઈબ્રેરીઓ ખૂંદી. પુસ્તકો, સામયિકો, છાપાં, જ્યાંથી હાથ આવી ત્યાંથી એ યુદ્ધ વિશેની સામગ્રી મેળવી. એક વરસ પછી લખવાનું શરૂ કર્યું. દીકરીઓ હજી નાની. એટલે રાતે સાડા ત્રણ-ચારે રસોડામાં બેસીને લખવાનું. ‘આતશ’ને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. પણ તેના કરતાં ય વધુ મહત્ત્વની વાત એ કે આ નવલકથાથી વર્ષાબહેન ડોક્યુ-નોવેલ, દસ્તાવેજી નવલકથાના લેખન તરફ વળ્યાં. પ્રેરણા કે સર્જકશક્તિ તો પહેલી. પણ માત્ર પ્રેરણા પર બધો મદાર નહિ. પ્રેરણાની સાથે પરિશ્રમના પરસેવાની મહેક પણ ભળવી જોઈએ, સર્જકના શબ્દમાં.

વિયેતનામ તો દૂરની ભૂમિ. સહેલાઈથી જવાય નહિ. પણ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી તો જઈ શકાય ને! હા, હાડમારી તો ઘણી ભોગવવી પડે એ આદિવાસી વિસ્તારમાં જતાં. પણ ગયાં. નાની દીકરી સાથે. બસનાં ઠેકાણાં નહિ. પથ્થર ભરેલા ખટારામાં મહામુશ્કેલીએ બેસવા મળ્યું. આદિવાસીઓને મળીને તેમની સમસ્યાઓ જાતે જોઈ-જાણી. પછી ઘરે આવીને લખી ‘ગાંઠ છૂટ્યાની વેળા’. પછી ઘણી ખટપટ કરીને એક વખત પહોંચ્યાં મુંબઈની આર્થર રોડ જેલમાં. ત્યાં જઈને સ્ત્રી કેદીઓને મળ્યાં, તેમની કેફિયતો સાંભળી. અને પછી લખી નવલકથા ‘બંદીવાન’. તેના પરથી બનેલું નાટક ‘આ છે કારાગાર’ પણ સફળતાથી ભજવાયું. એક મિત્ર દંપતી અને તેમનો મેન્ટલી ચેલેન્જડ દીકરો. ત્રણેની સમસ્યા, વ્યથા, વર્ષાબહેન જાણે. પછી એક દિવસ બસમાં મુસાફરી કરતી વખતે એક સ્ત્રીને તેના આવા જ બાળક સાથે મહામુશ્કેલીએ મુસાફરી કરતી જોઈ. પહોંચ્યાં આવાં બાળકો માટેની હોસ્પિટલમાં. ત્યાં થોડા દિવસ બધું જોયું-જાણ્યું. અને પછી લખી નવલકથા ‘ખરી પડેલો ટહુકો’. આજે હવે તેની એટલી બધી ચર્ચા જોવા મળતી નથી, પણ એક વખત આપણે ત્યાં રક્તપિત્તના દરદીઓ, તેમની સમસ્યાઓ, તેમની સારવાર, વગેરેની સારી એવી ચર્ચા થતી. રક્તપિત્તના દરદીઓની સારવાર કરતા એક આશ્રમમાં પહોંચી ગયાં, અને ત્યાં થોડા દિવસ રહ્યાં. કથાની ભોંય વાસ્તવિકતાની. તેમાં પોતાની કલ્પનાથી જે છોડ ઉગાડ્યો તે નવલકથા ‘અણસાર’. તેને દિલ્હીની સાહિત્ય અકાદમીનો ૧૯૯૫ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો એવોર્ડ મળ્યો. 

એ અરસામાં આપણે ત્યાં લઘુનવલની બોલબાલા. પ્રયોગપરાયણ અને પરંપરા જાળવીને લખનારા, એમ બંને પ્રકારના લેખકો તેના લેખન તરફ વળ્યા હતા. સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના એ વખતે ધીરુબહેન પટેલ તંત્રી. તેમણે એક લઘુનવલ લખવા વર્ષાબહેનને કહ્યું. બે બહેનોને લગતી એક વાત દસ દિવસમાં લખાઈ. ધીરુબહેને જ નામ પાડ્યું : ‘મારે પણ એક ઘર હોય’. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું ઇનામ મળ્યું. એ લેવા માટે આજોલ ખાતે યોજાયેલા પરિષદના જ્ઞાનસત્રમાં વર્ષાબહેન ગયાં. પ્રવેશદ્વાર પાસે સૌથી પહેલાં સામે મળ્યા ઉમાશંકર જોશી. તેમણે લેખક ગુણવંતરાયની લેખિકા પુત્રીને ઉમળકાભર્યો આવકાર આપ્યો. બસ, તે દિવસથી ગુજરાતી સાહિત્યની દુનિયામાં લેખિકા તરીકે વર્ષાબહેનનો પ્રવેશ થયો. આ લઘુનવલને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ૧૯૭૨માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલવહેલી ગુજરાતી સિરિયલ આ નવલકથા પરથી બની હતી. 

ધર્મને નામે થતું સ્ત્રીનું શોષણ એ આજકાલની વાત નથી. ‘શગ રે સંકોરું’ નવલકથામાં આવા શોષણની વાત થઈ છે. પણ તેની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરી લેતી નથી. કથાને અંતે તે પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. આ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક વાચકોએ તેનો વિરોધ કર્યો અને નવલકથાનું પ્રકાશન અટકાવવા માટે ઝુંબેશ ચલાવી. પણ તેની સામે ઝૂક્યા વગર વર્ષાબહેને લખવાનું અને અખબારે તેને પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.

પ્રેરણાની સાથોસાથ પરિશ્રમની સુવાસથી મહેકતી અત્યાર સુધીની લેખિકાની નવલકથાઓમાં કલગીરૂપ ‘ક્રોસરોડ’ ૨૦૧૬માં પ્રગટ થઈ. તેમાં ૧૯૨૦થી ૧૯૭૦ સુધીના વિશાળ સમયપટને આવરી લીધો છે. આઝાદી પહેલાનું ગુજરાત અને આઝાદી પછીનું ગુજરાત કથાની પીછવાઈ બને છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વિચારધારાઓ, આદર્શો, વગેરે વચ્ચેની ખેંચતાણ રસપ્રદ રીતે આલેખાઈ છે. અ બધાં વાનાં વડે એક મહત્ત્વના કાલખંડને લેખિકા અસરકારક રીતે વાચકની આંખ આગળ ખડો કરી શકયાં છે. કથાનું સંકલન અને આલેખન ગોફ પદ્ધતિનું છે. વિવિધ સામગ્રી ધીમે ધીમે એકમેકમાં ગૂંથાતી જાય છે અને મનોહર આકાર ઊભો કરે છે.

નવલકથા ઉપરાંત લેખિકા પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. તેમાં હરિકથા અનંતા, અનુરાધા, તને સાચવે પારવતી, બીલીપત્રનું ચોથું પાન, એંધાણી, વગેરેનો સમાવેશ થાય છે. આ છે કારાગાર, વાસંતી કોયલ, મંદોદરી, શહીદ વગેરે નાટક-એકાંકીનાં પુસ્તકો વર્ષાબહેને આપ્યાં છે તો પૃથ્વીતીર્થ અને ન જાને સંસાર જેવા નિબંધસંગ્રહો પણ આપ્યા છે. શુક્રન ઈજિપ્ત, નભ ઝૂક્યું, શરણાગત, શિવોહમ્, અને ઘૂઘવે છે જળ, એ તેમનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો છે. પણ નાટક-એકાંકી હોય, નિબંધ હોય, કે પ્રવાસ વર્ણન હોય, તેમનું કોઈ પણ પુસ્તક વાંચતાં એ વાતનો અણસાર આવ્યા વગર રહેતો નથી કે હાડે કથાકારની કલમની આ નીપજ છે.

મૂળ વતન જામનગર, પણ જન્મ મુંબઈ. અને વર્ષાબહેન પાક્કાં મુંબઈકર. બી.એ. અને એમ.એ.નો અભ્યાસ પણ મુંબઈમાં. દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનું શરૂ કરેલું. એ વખતે છોકરીઓ તખ્તા પર ભાગ્યે જ જોવા મળતી. પણ માતા નીલાબહેન અને પિતા ગુણવંતરાયભાઈ બંનેનું સતત પ્રોત્સાહન. અલ્લાબેલી (ગુણવંતરાય આચાર્ય), મૃચ્છકટિકમ્ (શૂદ્રક્ના સંસ્કૃત નાટકનો કવિ સુન્દરમે કરેલો અનુવાદ), પૂર્ણિમા (રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર), કવિ દયારામ, કાકાની શશી (કનૈયાલાલ મુનશી), ઝેર તો પીધાં છે જાણી જાણી (દર્શકની નવલકથાનું રૂપાંતર) જેવાં ગુજરાતી રંગભૂમિનાં સીમાચિહ્નરૂપ નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી તરીકે નામ ગાજતું થયું. પણ લગ્ન પછી સ્વેચ્છાએ રંગભૂમિ છોડી. એ અંગે એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું ‘મને જીવનમાં કોઈ અફસોસ નથી. અભિનેત્રી તરીકે પરકાયાપ્રવેશ કરવાનો અનુભવ મને લેખનમાં બહુ કામ લાગ્યો છે.’ 

વર્ષાબહેન “સુધા” અને “ગુજરાતી ફેમિના” જેવાં સ્ત્રી સામયિકોના તંત્રી રહી ચૂક્યાં છે. મુંબઈની અને મુંબઈ બહારની સાહિત્યિક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. દાયકાઓથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયેલાં રહેલાં વર્ષાબહેન ૨૦૧૨માં તેના પ્રમુખ બન્યાં હતાં. પિતા ગુણવંતરાય આચાર્યની હયાતિમાં એક અક્ષર નહોતો પાડ્યો. પણ પછી? રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંતરાયભાઈને ૧૯૪૫માં મળ્યો હતો. તે જ ચંદ્રક વર્ષાબહેનને મળ્યો ૨૦૦૫માં. તે ઉપરાંત નંદશંકર મહેતા ચંદ્રક, ક.મા. મુનશી એવોર્ડ, દર્શક એવોર્ડ, અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ અણસાર નવલકથા માટે ૧૯૯૫માં મળ્યો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદેમીનો જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો. ક્રોસરોડ નવલકથાને તો અડધો ડઝન જેટલા પુરસ્કાર મળ્યા છે.

આ લખનારનો વર્ષાબહેન સાથેનો પરિચય ૧૯૬૧માં બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારનો. વિલ્સન કોલેજની બહારના બસ-સ્ટોપ પર પહેલી વાર રાજેન્દ્ર નાણાવટીએ પરસ્પર ઓળખાણ કરાવેલી. એ ઓળખાણ મૈત્રીમાં ક્યારે પરિણમી એની તો ખબરે ન પડી. હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે. 

અત્યારે એક મહત્ત્વાકાંક્ષી નવલકથા લખવામાં પરોવાયેલાં છે. તેમની સર્જનાત્મક કલમ પાસેથી તેમના ચાહકોને હજી ઘણી આશા છે, અને એ આશા ફળશે એની ખાતરી પણ છે.  

XXX XXX XXX

સૌજન્ય : દીપકભાઈ મહેતાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...622623624625...630640650...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved