Opinion Magazine
Number of visits: 9457185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઈ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધો પશ્ચિમના સ્પર્ધાત્મક રાષ્ટ્રવાદનાં પરિણામ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 April 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહનો મારો લેખ વાંચીને એક વાચકે સવાલ કર્યો કે જો નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે થતો હોય તો પછી તેની જરૂર જ શું હતી? શા માટે તેને વિકસાવવામાં આવ્યાં અને ભારતે અપનાવ્યાં? શિવાજી મહારાજે અપૂર્વ બહાદુરી બતાવી ત્યારે તેમની પાસે ક્યાં કોઈ નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત હતાં? સિકંદર પણ હાથમાં ધ્વજ અને કોઈ ગ્રીક રાષ્ટ્રગીત લઈને દુનિયાને જીતવા નહોતો નીકળ્યો. તેમની વાત સાચી છે. શિવાજી મહારાજના હાથમાં ભગવો ધ્વજ અને મુસ્લિમ આક્રમણકારોના હાથમાં ચાંદવાળો લીલો ધ્વજ પાછળથી જે તે સમુદાયોની વર્તમાન રાજકીય જરૂરિયાતના ભાગરૂપે પકડાવવામાં આવ્યા છે.

માત્ર નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત જ નહીં, આખેઆખો રાષ્ટ્રવાદ જ આધુનિક યુગની પેદાશ છે અને એની પાછળનું પ્રેરકબળ આ જગતમાં “આપણા” માટે જગ્યા બનાવવાનું હતું. યુરોપની પ્રજાને પુનર્જાગરણના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાય મળી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સહેલું બનવા લાગ્યું ત્યારે ત્યાંની પ્રજાએ વધારે વિસ્તારમાં જગ્યા બનાવવાનું શરૂ કર્યું. જેમ જેમ જગતની ભૂમિ જડતી ગઈ તેમ તેમ ધીરે ધીરે તેમની વચ્ચે હરીફાઈ શરૂ થઈ. હવે એ તો દેખીતી વાત છે કે હરીફાઈને ઉત્તેજના સાથે સંબંધ છે એટલે એશિયા અને આફ્રિકાની જમીન શોધાનારા સાહસિકોને અને લાભાર્થી પ્રજાને કેફ ચડાવો, નશો કરાવો, લલકારો વગેરે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે રાષ્ટ્રવાદનાં મૂળ આમાં છે. જગતનાં સાંસ્થાનિકરણ(કોલોનાઈઝેશન)માં આગળ નીકળી જવા માટે અને હરીફને પાછળ ધકેલવા માટે રાષ્ટ્રવાદ પેદા કરવામાં આવ્યો હતો અને તેને માટે ધ્વજ અને રાષ્ટ્રગીત હાથવગાં અને સહેજે નજરે પડે એવાં પ્રતિકો હતાં. નક્શાનું વિજ્ઞાન પાછળથી વિકસ્યું. ગઈ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધો પશ્ચિમના સ્પર્ધાત્મક રાષ્ટ્રવાદનાં પરિણામ છે. ટૂંકમાં આ લૂંટનાં સાધનો હતાં અને આજે પણ છે. દસ ફૂટ મોટો રાષ્ટ્રધ્વ લહેરાતો જોઇને પ્રજા ગેલમાં આવી જાય અને તેના ધ્યાન બહાર પાછળ ઘણું બધું થતું રહે!

અહીં પેલો સવાલ ઉપસ્થિત થાય છે કે પ્રજાને ગુલામ બનાવનારાં, પ્રજાને કેફમાં રાખનારાં અને પ્રજાને છેતરનારાં સાધનોને ભારત જેવા આઝાદ થયેલા દેશોએ શા માટે અપનાવ્યાં? જવાબ છે, ગુલામીથી મુક્ત થવા માટે. સાંસ્થાનિક યુગમાં આઝાદ થવા માગતા દેશોના નેતાઓને પણ લાગ્યું કે પ્રજાને જાગૃત કરવા માટે એવાં કોઈ સાધનો હોવાં જોઈએ જે જોઇને પ્રજામાં ગરમી પેદા થાય, ઉત્તેજના પેદા થાય, પ્રજા બેઠી થાય. પ્રજાની અંદર આઝાદ થવાનાં અરમાન પેદા કરવા માટે અને તેને આંદોલિત કરવા માટે કોઈક અવલંબન જરૂરી હતાં અને તેમણે તે માટે રાષ્ટ્રગીત, ધ્વજ અને નકશાઓનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત સગુણ અને સાકાર એવા રાષ્ટ્રની એક કલ્પના પણ વિકસાવવામાં આવી જે લોકોને પોરસ ચડાવે. સાચી-ખોટી અને ચકાસ્યા વિનાની મહાનતાનાં વરખ ચડાવવામાં આવ્યાં, જેને જાણીતા સમાજવિજ્ઞાની બેનેડિક્ટ એન્ડરસન “ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ” તરીકે ઓળખાવે છે. આ બધું સંસ્થાનોની પ્રજાને ગુલામીથી મુક્ત થવા જરૂરી લાગ્યું હતું.

આ જ્યારે કરવામાં આવતું હતું ત્યારે પણ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ વગેરેને આનાં જોખમની જાણ હતી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચે રાષ્ટ્રવાદને લઈને મોટી ચર્ચા થઈ હતી અને કવિની તાકીદને ગાંધીજીએ “કવિની ચોકી’ (ચોકીદારી) તરીકે ઓળખાવી હતી. એક તો પોતાની (એટલે કે બહુમતી કોમની) મહાનતાના કલ્પનાવિલાસનો કોઈ અંત નથી અને બીજું પોતાની મહાનતા કે સર્વોપરિતા સિદ્ધ કરવા માટે બીજાને હલકા ચીતરવા પડે. ઈમેજીન્ડ કોમ્યુનિટીઝને કોઈ ઈમેજીન્ડ એનીમીઝની પણ જરૂર પડે. એમાં જો કોઈને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ આધારિત રાષ્ટ્રવાદના મહાનાયક બનવું હોય તો તે શું ન કરે? એક તરફ બહુમતી કોમને ખોટાં પોરસ ચડાવવામાં કાંઈ બાકી ન રાખે અને બીજી તરફ લઘુમતી કોમને ધીકારવામાં કાંઈ બાકી ન રાખે. બન્ને તરફ જૂઠાણાં અને જૂઠાણાંમાં અતિશયોક્તિ.

રાષ્ટ્રવાદનું આ જોખમ તો હતું જ અને દેશમાં કેટલાક લોકો, ખાસ કરીને ઉપર જેમનાં નામનો ઉલ્લેખ કર્યો એ ત્રણ જણ આ જાણતા હતા. આ વાત ધ્યાનમાં રાખીને ગાંધીજીનું મુખ્યત્વે ‘હિન્દ સ્વરાજ’ નામનું નાનકડું પુસ્તક વાંચવું જોઈએ. એમાં તેમણે આપણી શક્તિ (ખરી શક્તિ, ઈમેજીન્ડ નહીં) અને મર્યાદા બતાવી આપ્યાં છે. જવાહરલાલ નેહરુનાં ભારતનાં અને વિશ્વનાં ઇતિહાસનાં બન્ને પુસ્તકો અને રવીન્દ્રનાથ ટાગોરનાં નિબંધો, ભાષણો અને ‘ઘરે બાહિરે’ જેવાં પુસ્તકો વાંચવા જોઈએ. તેમનું ૧૯૧૮માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘નેશનાલીઝમ’ ખાસ વાંચવું જોઈએ. આ ત્રણમાંથી ગાંધીજી અને નેહરુ વિવેકી રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હતા અને રવીન્દ્રનાથ ટાગોરને તેમાં જોખમ નજરે પડતું હતું. જે સ્વભાવત: જોખમી છે અને માનવ સમાજને બરબાદ કરી નાખવાની પ્રચંડ સંહારક ક્ષમતા ધરાવે છે તેમાં વિવેકની અથવા મર્યાદાની અપેક્ષા રાખવી એ વધારે પડતું નથી? રવીન્દ્રનાથ ટાગોરે ચિંતા વ્યક્ત કરી હતી. આજે આપણે અને વિશ્વસમાજ ઓછાવત્તા પ્રમાણમાં આનો અનુભવ કરી રહ્યા છીએ.

જતા જતા અહીં એક ફરક નોંધી લો : યુરોપની પ્રજાએ વિશ્વદેશો કબજે કરવા માંડ્યા ત્યારે તેમની પાસે વિજ્ઞાન, ટેકનોલોજી, સાહસ, ઉત્સાહ, કુતૂહલ, વધુને વધુ સુખ તેમ જ સમૃદ્ધિ માટેનો પુરુષાર્થ વગેરે ઐશ્વર્ય મેળવવાનાં તમામ ગુણો અને સાધનો હાથવગાં હતાં. માત્ર હરીફાઈ માટે અને આગળ નીકળી જવા માટે પોરસ ચડાવવાનો હતો અને એટલા પુરતો જ રાષ્ટ્રવાદનો તેમને ખપ હતો. તેઓ વર્તમાનમાં ઐશ્વર્ય ભોગવતા હતા એટલે તેમને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર નહોતી. જૂઠી કે વરખ ચડાવેલી આપઓળખની જરૂર નહોતી. જેમને મુક્ત થવું હતું તેમને ઐશ્વર્ય શોધવા ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર પડી અને અત્યારે તે તેની ચરમસીમાએ છે. ચરમસીમાએ એટલા માટે છે કે કેટલાક લોકો રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને મુક્ત થયેલી પ્રજાને અમલ પીવડાવીને પાછી ગુલામ બનાવવા માગે છે. જે ફિલ્મો અને સિરિયલો બની રહી છે તેનાં પર એક નજર કરો. ઇતિહાસના નાયકોનાં સાચાખોટા ઐશ્વર્યને વેચવામાં આવી રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 ઍપ્રિલ 2024

Loading

અર્થશાસ્ત્રીઓ સ્થાપિત હિતોને વૈજ્ઞાનિક ભાષાના વાઘા પહેરાવે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|21 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ-૮

રોબર્ટ સ્કિદેલસ્કી

વિચારોનું જે ઉપરી માળખું ઊભું થાય છે તે માર્ક્સવાદીઓ કહે છે તેવું એક જ સ્વરૂપનું હોતું નથી. વ્યવહારમાં તે સામાન્ય રીતે પરસ્પર વિરોધી એવાં હિતોમાં વહેંચાયેલું હોય છે : આર્થિક જીવનમાં તે નિકાસકારો અને આયાતકારો, દેણદારો અને લેણદારો, ધિરાણ અને ઉદ્યોગ એમ વહેંચાયેલું નજરે પડે છે. અમેરિકાની એક ઘટના નોંધનીય છે : ઉદ્યોગપતિઓની વિચારધારા સરકાર સાથે મેળ ખાતી નથી. પરંતુ તેમને સરકારના સંરક્ષણ સામગ્રી અને સંશોધન અંગેના કોન્ટેૃક્ટ મળે છે અને તેઓ સમૃદ્ધ થાય છે એટલે તેઓ સતત સરકારને તાબે થાય છે.

મહત્ત્વની બાબત તેથી એ છે કે સત્તા કેવી રીતે વહેંચાયેલી છે. રાજ્ય અને સ્થાપિત હિતો વચ્ચે, રાજકીય અને સામાજિક જૂથો વચ્ચે તેમ જ મૂડીપતિઓ અને કામદારો વચ્ચે સત્તાનું સંતુલન કેવું સધાયેલું છે તે અગત્યનું છે. આ બળો વચ્ચે જેટલું સમાન રીતે સંતુલન સાધાયેલું હોય તેટલા ઓછા પ્રમાણમાં અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે તેને વિશેની એક જ વાર્તા અર્થશાસ્ત્રીઓ પાસેથી સાંભળવા મળે.

લગભગ ૧૯૨૦ના દાયકાથી ૧૯૭૦ના દાયકા સુધી મૂડી અને શ્રમનાં બળો વચ્ચેનું સંતુલન એવું હતું કે સામાજિક સમાધાનની નીતિ અપનાવી શકાતી હતી. છેલ્લાં ૪૦ વર્ષમાં સત્તા જૂના કામદાર વર્ગથી ખસીને એવા વર્ગ તરફ ગઈ છે કે જેઓ જન્મ, સંપત્તિ અને શિક્ષણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. વળી, જૂના ધંધાદારીઓ પાસેથી સત્તા ખસીને નવા નાણાકીય ભદ્ર વર્ગ પાસે જતી રહી છે.

હેમન્તકુમાર શાહ

આ કારણોસર આર્થિક દલીલ અને રાજકીય દલીલ વચ્ચે કદી પણ સમાનતાનો સંબંધ નથી રહ્યો. એ અર્થશાસ્ત્રને અન્ય સમાજવિદ્યાઓની સાથે સાથે રાજકીય બળોની તુલનાએ થોડી સ્વાયત્તતા બક્ષે છે, કારણ કે રાજકીય બળોમાં તો અધિકારિતા પડેલી હોય છે.

અર્થશાસ્ત્ર તેની પાસે તુલનાત્મક રીતે સ્વાયત્તતા હોવા છતાં, ત્રણ રીતે ધંધાદારીઓ કે ઉદ્યોગપતિઓનાં હિતો સાચવે છે :

પ્રથમ રીત એ છે કે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન જેવી અધિકૃતતા સાથે ઉદ્યોગપતિઓનાં હિતોને પોષે છે; અને એ રીતે તે પોતાનું સ્વહિત સાધે છે અને એમ સમજે છે તે વધુ પ્રબુદ્ધ થયું છે. વ્યવહારુ લોકોને તો વૈજ્ઞાનિક ભાષામાં તેમના પૂર્વગ્રહોને વાઘા પહેરાવવામાં આવે એ બહુ ગમે છે. આવી ભાષામાં જે ખરેખર એક અભિપ્રાયની બાબત છે તેને પ્રકૃતિની હકીકતમાં બદલી નાખવાની તાકાત ધરાવે છે.

બીજો પ્રભાવ આવે છે તેની અધિકર્તા સત્તા(agenda power)માંથી. જ્હોન કેનેથ ગાલબ્રેથ લખે છે કે, “આધુનિક કંપનીઓના બચાવમાં સત્તાનું અસ્તિત્વ જ નથી એવી દલીલ સૌથી વધુ અગત્યની બની જાય છે. એમાં તો એમ કહેવામાં આવે છે કે બધી જ સત્તા બજારની અવૈયક્તિક રમતને ચરણે ધરી દેવામાં આવી છે. યુવાન લોકોના દિમાગમાં આ બાબત એવી ઘૂસાડી દેવામાં આવી છે કે વાત ના પૂછો!”

ગાલબ્રેથ વધુમાં એમ કહે છે કે, “આધુનિક કંપનીઓના ઉદયને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે કે જે રાજકીય સત્તા સાથે સ્પર્ધા કરી શકે છે …… રાજ્ય કોઈક રીતે કંપનીઓ પર નિયમન કરવા ઈચ્છે છે, પરંતુ કંપનીઓ સતત વધુ ને વધુ તાકતવર બનતી જ જાય છે; અને તેઓ આવાં નિયમનોને અતિક્રમી જવાનો દરેક પ્રયત્ન કરે છે. જ્યાં કંપનીઓનાં પોતાનાં હિતો સાથે છેડછાડ થતી હોય ત્યાં તેઓ રાજ્ય ઉપર પણ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે.”

આર્થિક જીવનને સ્પર્ધાત્મક બજારમાં પ્રાપ્ત થતા વ્યક્તિગત સંતોષને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રમાં મોડેલ બનાવાયાં છે. એમ કરીને અર્થશાસ્ત્ર દેખીતા ઇજારા સિવાય જે સત્તા પ્રવર્તમાન છે તેને અદૃશ્ય બનાવે છે. દા. ત. શ્રમની સીમાંત ઉત્પાદકતા કરતાં જે વેતન ઓછું છે તે કામદારનું શોષણ કરનારું છે એમ તે કહે છે. પરંતુ બજારમાં સ્પર્ધા છે એમ ધારી લેવામાં આવે છે. તેવે સમયે શ્રમને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન મળશે જ એવું તારણ કાઢવામાં આવે છે. એટલે કાર્લ માર્ક્સ કહે છે તેમ શોષણ બજાર વ્યવસ્થામાં અંતર્નિહિત નથી રહેતું પણ એક પ્રકારની પેથોલોજી બની જાય છે! 

સ્રોત : 
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુબઇમાં થયેલા જળબંબાકારમાં વાંક કોનો? ક્લાઉડ સીડિંગ નહીં પણ માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જ

ચિરંતના ભટ્ટ|Opinion - Cartoon, Opinion - Opinion|21 April 2024

ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી, પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી

ચિરંતના ભટ્ટ

દુબઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે વરસાદમાં ધમરોળાયું છે. યુનાઇટેડ આરબ એમિરાટ્સ જળબંબાકાર છે, તેમાં ય દુબઇ તો ઓળખાય એવું નથી રહ્યું. ઓમાનમાં 20 જણા આ જળ તાંડવમાં મોતને ભેટ્યા અને યુનાઇટે આરબ એમિરાટ્સમાં એક જણનું મોત થયું. દુબઇનું એરપોર્ટ થંભી ગયું કારણ કે વરસાદને કારણે ફ્લાઇટ્સ મોડી પડી, રૂટ્સ પણ બદલવા પડ્યા અને કેન્સલ સુધ્ધાં કરવી પડી. દુબઇના રસ્તા પર પણ પાણી ફરી વળ્યું અને પાણીમાં ડુબેલાં વાહનો, લાંબે સુધી ખોટકાયેલા વાહન વ્યવહારને કારણે ખડી થયેલી વાહનોની કતાર અને પાણીમાં ફસાયેલા લોકોની તસસવીરો તો આપણે જોઇએ જ છીએ. છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર યુ.એ.ઇ.એ આવો નાશકારક વરસાદ અનુભવ્યો.

ક્લાઇમેટ ચેન્જ – આબોહવાના પરિવર્તનનો અભ્યાસ કરનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે માણસે કુદરત સાથે જે ચેડાં કરવાની છૂટ લીધી છે, એમાંને એમાં આ તાંડવ જોવાના દિવસો આવ્યા છે. વળી આ માત્ર એક જ સ્થળની વાત નથી, દુનિયા આખીમાં આ જ હાલત કાં તો થઇ રહી છે અથવા થવાની છે. યુ.એ.ઇ. જેવા દેશો જે સૂકા પ્રદેશ ગણાય છે, ત્યાં ભારે વરસાદનો સામનો કરવાની ડ્રેનેજ સિસ્ટમ પણ નથી કારણ કે તેમને તો સ્વપ્ને પણ કલ્પના ન હોય કે આવાં વાવાઝોડાં – ઝંઝાવાતનો અનુભવ ક્યારે ય કરવાનો આવશે.

રણ પ્રદેશ જેવા સૂકા શહેરોને તો એમ હોય કે જેટલો વરસાદ આવે એટલું સારું પણ દુબઇ જેવું માનવ સર્જિત, અત્યાધુનિક શહેર પણ આ ઝંઝાવાત સામે ટકી જવા, સલામત રહેવા માટે સજ્જ નહોતું. અત્યાધુનિક એવા યુ.એ.ઇ.માં તો વરસાદ કૃત્રિમ રીતે લાવવામાં આવે છે. હજી ગણતરીના દિવસો પહેલાં નેશનલ સેન્ટર ફોર મિટીરિયોલૉજીએ વાદળોમાં કેમિકલ્સ ઇન્જેક્ટ કરવા માટે વિમાનો ઉડાડ્યા હતા, જેથી વાદળોમાં ભેજ આવે અને વરસાદ પડે. કમનસીબે આ વખતે માળું જોઇતું હતું તેના કરતાં વધારે જ મળી ગયું. વરસાદનાં ઝાપટાં વાવાઝોડાં અને પૂરમાં ફેરવાઇ ગયાં અને શહેર થંભી ગયું. આખા વર્ષમાં જેટલું પાણી મળવું જોઇએ એટલું દુબઇમાં એક જ દિવસમાં વરસી ગયું. ક્લાઉડ સીડિંગ – કૃત્રિમ રીતે વરસાદ લાવવાની રીત પર સૌથી પહેલાં આંગળી ચિંધવામાં આવી. સોશ્યલ મીડિયા પર તો યુ.એ.ઇ.એ મોસમ બદલવા માટે જે કાર્યક્રમ અમલમાં મુક્યો હતો, તેનો ઉલ્લેખ કરીને પૂછવામાં આવ્યું કે વાદળોમાં જબરદસ્તીથી ભેજ ઇન્જેક્ટ કરીને વરસાદ લાવવાની ટેક્નોલૉજીને કારણે તો આ તોફાનનો સામનો નથી કરવો પડી રહ્યોને?

આધુનિકીકરણના ગેરફાયદાઓ ગણાવવાની જરૂર નથી કારણ કે પુરાવા નજર સામે છે અને આવતા રહે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ક્લાઉડ સીડિંગથી વરસાદના પ્રમાણમાં વધારો થયો હોય એમ બને પણ આવો ખતરનાક વિનાશકારી વરસાદ માત્રને માત્ર ક્લાઉડ સીડિંગથી થઇ શકે એવું માનવું ભૂલ ભરેલું છે. ક્લાઉડ સીડિંગ પર પૂરનો ઓળિયો ઘોળિયો ઢોળવો એ તો વેતાં વગરની ‘કોન્સપિરસી થિયરી’ છે – એને માની ન લેવાય એમ ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ એનર્જી એન્ડ ડિઝાસ્ટર સોલ્યુશનના વડાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. આ પહેલાં કેલિફોર્નિયામાં પણ જ્યારે તોફાન આવ્યું ત્યારે ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ પર કામ કરનારાઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા – જો કે ત્યારે તો હજી ક્લાઉડ સીડિંગ ત્યાં અમલમાં પણ નહોતું મુકાયું. ઑસ્ટ્રેલિયામાં આવેલા વરસાદને લઇને 2022માં ક્લાઉડ સીડિંગનો વાંક કાઢવામાં આવ્યો હતો પણ બાદમાં ફેક્ટ ચેકર્સે એ દાવાને ખોટો ઠેરવ્યો હતો.

ક્લાઉડ સીડિંગ એક એવી પ્રક્રિયા છે જે કરવાથી વરસાદ અને હિમ વર્ષા કુદરતી રીતે લાવી શકાય. પાણીનાં અત્યંત સુક્ષ્મ ટીપાં – બાષ્પ રૂપે – સિલ્વર આયોડાઇડ – સ્પેશ્યલ પ્રકારના એરક્રાફ્ટ અને જમીન પર કામ કરતાં જનરેટર્સથી અમુક વાદળોની અંદર અને આસપાસ ઇન્જેક્ટ કરવામાં આવે છે, આ તત્ત્વ બાષ્પીભવનની પ્રક્રિયાને વેગ આપે છે. કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મના સીનના વિવરણ જેવી લાગતી આ પ્રક્રિયા 1940ના દાયકામાં શોધવામાં આવી હતી અને આખી દુનિયામાં ઘણી જગ્યાએ તેનો વપરાશ કરવામા આવે છે – યુ.એ.ઇ.થી માંડીને ચીન અને યુ.એસ.એ.માં પણ આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ખાસ કરીને જ્યારે દુકાળનો સામનો કરવો પડ્યો હોય અતવા તો  બેઇજિંગ ઓલિમ્પિક્સ વખતે આકાશને સાફ રાખવાનું હતું અને વિયેતનામમાં યુદ્ધ દરમિયાન યુ.એસ.ના દુંશ્મનોની હિલચાલને અવરોધવા માટે (બાદમાં યુ.એને. યુદ્ધમાં આબોહવામાં ફેરફાર કરવાની પ્રક્રિયાનો રણનીતિ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો.) અને ચર્નોબિલને કારણે થયેલા પ્રભાવમાં પણ તેનો ઉપયોગ કરાયો હતો.  યુ.એ.ઇ.એ દાયકાઓથી ક્લાઉડ સીડિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જો કે હજી સુધી ક્લાઉડ સીડિંગ કેટલી હદે પ્રભાવશાળી નીવડી શક્યું છે તેના કોઇ નક્કર દસ્તાવેજો ન હોવા છતાં તેની અસરકારકતાને તો માન્યતા મળી જ છે કારણ કે તેનાથી યુ.એ.ઇ.ના વરસાદમાં 10થી 30 ટકાનો વધારો નોંધાયો છે. કેલિફોર્નિયાની સત્તાધીશોને મતે તેમના વરસાદમાં ક્લાઉડ સીડિંગને કારણે 5થી 10 ટકા વધારો થયો છે. ટૂંકમાં ક્લાઉડ સીડિંગથી એવો વરસાદ પડવો શક્ય નથી જેને કારણે તારાજી સર્જાય. આ તો કુદરતે માનવજાત સામે કરેલી લાલ આંખનું જ પરિણામ છે. ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી.

ટેક્નોલૉજી નહીં પણ ક્લાઇમેટ ચેન્જ – આબોહવામાં આવેલા આત્યંતિક ફેરફારોને કારણે દુનિયા આખીમાં અણધારેલી કુદરતી આફતો સર્જાય છે. ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન આપણી જિંદગીમાં આપણે ધારીએ છે એના કરતાં કંઇક ગણો વધારે પ્રભાવ ધરાવે છે. ક્લાઉડ સીડિંગની ચિંતા કરવાને બદલે માણસજાતની વિકાસભૂખી પ્રવૃત્તિઓ કુદરતી વાતાવરણમાં, માહોલમાં કેટલું પ્રદૂષણ અને અવરોધો ખડા કરે છે તેની ચિંતા કરવી વધારે અગત્યની છે.  યુ.એ.ઈ.માં પણ જે થયું તેનું ખરું કારણ તો ક્લાઇમેટ ચેન્જને કારણે સામાન્ય હવામાનમાં જે અસંતુલન થતું આવ્યું હશે તેનું પરિણામ છે. જમીન પરનું ઊંચું તાપમાન અને ઉપર જતાં ઓછું તાપમાન એટલે કે લો-પ્રેશર સિસ્ટમ અને તાપમાનના વિરોધભાસને કારણે આ વાવાઝોડું આવ્યું હોવાનું મનાય છે. માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જને કારણે દુનિયામાં દુકાળથી માંડીને પૂરની પરિસ્થિતિઓ ખડી થઇ રહી છે અને આવા સંજોગો વધુને વધુ સર્જાવાની વકી છે.

વાત માત્ર યુ.એ.ઇ.ની નથી પશ્ચિમ આફ્રિકામાં જીવલેણ હીટ વેવ ચાલે છે, જેનું કારણ પણ માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જ હોવાનું સિદ્ધ કરતો રિપોર્ટ બહાર પડ્યો છે. 110 ડિગ્રી ફેરનહીટ પહોંચેલા તાપમાને હજારો લોકોના જીવ લીધા છે. જંગલોના નાશ અને અશ્મિગત ઇંધણને બાળવાની ઘટનાઓને કારણે જ આબોહવાની આ હાલત થઇ છે. આખા દિવસ દરમિયાન પેદા થયેલી ગરમીમાં રાત પડ્યે તાપમાનમાં પુરતો ઘટાડો થતો જ નથી કારણ કે એટલાં જંગલો પણ નથી બચ્યાં જે આ સંતુલન આણવામાં મદદ કરી શકે. નાઇજિરિયા અને સિરિયામાં વીજળીની અછતમાં પંખાઓ અને એર કન્ડિશનનો વધુ પડતો ઉપયોગ કારણભૂત છે.

અતિશય આકરી આબોહવા અને ક્યારે ય ન અનુભવ્યા હોય એવા તાપમાન માટે માણસ જાત અને ચક્રીય હવામાની ઘટના અલ નીનો જવાબદાર છે. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો ન થાય તો હીટ વેવ, પૂર, દુકાળ જેવી આત્યંતિક હવામાની ઘટનાઓનું પ્રમાણ વધવાનું જ છે.  અલ નીનો ત્યારે થાય છે જ્યારે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ગરમ સપાટીનું તાપમાન અસાધારણ રીતે વધે જેનો પ્રભાવ આખી દુનિયાના હવામાન પર પડે છે. વિસ્તારની તાસીર પ્રમાણે ત્યાં કુદરતી આફતો ત્રાટકતી હોય છે અને જે-તે પ્રદેશ કે દેશ કે નગરમાં માણસ જાતે આબોહવાના સંતુલનને ખોરવવામાં કોઇ કચાશ ન છોડી હોય ત્યાં તેની અસર પણ એટલી જ ઊંડી પડે છે.

બાય ધી વેઃ

અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ એમઝોનના રેનફોરેસ્ટમાં દુકાળ પડ્યો તો આખી દુનિયામાં કોરલ્સનું બ્લીચિંગ થવા માંડ્યું. તાપમાનમાં અસાધારણ અસંતુલન બધે જ જોવા મળી રહ્યું છે તે કોઇ ખતરાની ઘંટીથી કમ નથી. ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાની જવાબદારી આપણે જ ઉપાડવી પડશે, નહીંતર આપણે આપણા ‘કુદરતી’ મોતને બદલે કુદરતના પ્રકોપનો કોળિયો બની જવા તૈયાર રહેવું પડશે. અલ નીનોની આ વર્ષની સાઇકલ તો પૂરી થઇ છે પણ તેની અસરો 2024માં આખા વર્ષ દરમિયાન દુનિયાના હિસ્સાઓમાં વર્તાવાની છે. હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે અને વાગશે એ હકીકત આપણે સમજીશું તો કદાચ કંઇક ફેર પડશે. મામલો એટલો બિચક્યો છે કે તેને સુધારવા જતાં કેટલો સમય લાગશે એ કળવું અઘરું છે. પીગળતાં ગ્લેશિયર્સ, વધતી ગરમી, જંગલોના દાવાનળ, દુકાળ, પૂર જેવી ઘટનાઓથી થતાં નુકસાન ધાર્યા કરતાં વધારે અને ઝડપથી થઇ રહ્યા છે અને તેની અસર સદીઓ સુધી બદલી ન શકાય તેવી હોવાની પૂરી શક્યતા છે. ઔદ્યોગિક યુગમાં માણસ જાતે દોડવાનું શરૂ કર્યું તે પહેલાંથી જ વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી ફેરનહીટ જેટલું ગરમ તો કરી જ દીધું હતું. આપણું ભવિષ્ય શું હશે તે આપણે કેટલું ઉત્સર્જન કરીએ છીએ, કેટલી આગ અને પ્રદૂષણ ઓકીયે છીએ તેની પર આધાર રાખે છે. જો એ ઘટશે તો કદાચ ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવાનો કોઇ માર્ગ મળી શકશે બાકી તો શેકાઇ જઇને કે તણાઇ જઇને મરી જવાની તૈયારી રાખવી પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024

Loading

...102030...590591592593...600610620...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved