Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વક્ફ બોર્ડ અને કેન્દ્ર સરકારની ચોપાટ : કોણે ક્યાં કાચું કાપ્યું અને કોણ સ્વાર્થ સાધી જશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 September 2024

વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધUરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.

ચિરંતના ભટ્ટ

વક્ફ બોર્ડ આજકાલ સતત ચર્ચામાં છે અને તે અંગે મત-મતાંતર સતત આવતા રહે છે. આખરે આ વક્ફ બોર્ડ છે શું? એક એવી સંસ્થા જે દેશમાં સૌથી વધુ જમીન પર માલિકી ધરાવતાઓની યાદીમાં ત્રીજા ક્રમાંકે છે અને ન તો સરકાર એનો વાળ વાંકો કરી શકે એમ છે કે ન તો કોર્ટ-કચેરીનું એની પર કંઇ ચાલે એમ છે.

વક્ફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. વક્ફની સંપત્તિની દેખરેખ મુતાવલી કરે – જે મૂળે એક વહીવટકર્તા કે મેનેજર જેવી વ્યક્તિ હોય છે. તે એ જમીનમાં ન કોઇ ફેરફાર કરી શકે કે ન તેને વેચી શકે. અંગ્રેજી ટ્રસ્ટના કાયદા સાથે આ વક્ફના કાયદા મળતા થોડાઘણા સમાન છે, પણ વક્ફમાં અપાયેલી જમીન કાયમી ધોરણે વક્ફ બોર્ડની જ રહે, તેનો ઉપયોગ ધર્મ કે ધર્માદા સિવાય બીજી કોઇ રીતે ન જ થઇ શકે – જ્યારે અંગ્રેજી ટ્રસ્ટના કાયદા આટલા કડક નથી હોતા. વક્ફ પણ ત્રણ જાતના હોય જેમાં પહેલો છે કે વક્ફ સંપત્તિનો ઉપયોગ જાહેર જનતા માટે થાય, બીજામાં જાહેર જનતા અને મૂળ માલિક પરિવારના કલ્યાણ માટે તેનો ઉપયોગ વહેંચાય અને ત્રીજા પ્રકારમાં કોઇ પરિવારના કલ્યાણ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે પણ જ્યારે તે વંશવેલાનો અંત આવે તો એ જમીન સાર્વજનિક અથવા ધર્મના કામ માટે વપરાશમાં લેવાય. વક્ફની પ્રથા 1,000 વર્ષ જૂની છે.  કોઈ જમીન પર આંગળી ચિંધીને વક્ફ બોર્ડ કહે કે આ અમારી જમીન છે તો તમે કંઇ કરી પણ ન શકો, જો કે એક સરવે કમિટી હોય છે જેના રિપોર્ટ વગર વક્ફ બોર્ડ આવું ન કરી શકે.

વક્ફનો ઇતિહાસ અને વર્તમાન

એક રસપ્રદ માહિતી એવી છે કે ઇ.સ. 1327માં એક વક્ફ બનાવવામાં આવ્યો હતો. આ દમાસ્કસ, સિરિયની વાત છે. જો હોટેલના વેઇટરથી પોર્સેલિનના વાસણ તૂટી જાય તો તેનો બોજ વેઇટરને માથે નહીં આવે પણ વક્ફની સંપત્તિનો ઉપયોગ કરી તે ખર્ચ સરભર કરાશે અને નવા વાસણ લવાશે. વકફની મિલકતનો ઉપયોગ કરવાનો આ એક ઉમદા વિકલ્પ હતો. પણ આ તો ઈસ. 1327ની વાત છે. સમયાંતરે ધર્માદા કરનારાઓ પોતાનું ભલું પહેલા વિચારવા માંડે એટલે પછી ત્યાં ભ્રષ્ટાચાર અને રાજકારણ બન્ને પગપેસારો કરે. ભારતમાં પણ કંઇક આવું જ થયું છે. વક્ફના કાયદા આપણે ત્યાં એકથી વધુ વાર સુધારામાંથી પસાર થયા છે અને છેલ્લે એ સુધારો 1995માં આવ્યો હતો જે અત્યારે અમલમાં છે. અત્યારે અલગ અલગ રાજ્યોમાં કુલ 32 વક્ફ બોર્ડ છે, વળી તેમાં શિયા અને સુન્ની મુસલમાનોના વક્ફ બોર્ડ જુદા હોય છે. આ બોર્ડની જવાબદારી છે કે રાજ્યની વક્ફ કરાયેલી સંપત્તિઓનો વહીવટ કરવો, તેનો ઉપયોગ કરી જે પણ કમાણી થાય તેનો દાન-ધર્માદા માટે ઉપયોગ કરવો. આ બધાંની ઉપર એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ તો છે જ. આખા દેશમાં 9.4 લાખ એકર જમીન વક્ફ બોર્ડની છે, જેમાંથી 8.7 લાખ અચળ સંપત્તિઓ – મસ્જિદ, કબ્રસ્તાન, દુકાનો અને ખેતીલાયક જમીન – છે.

વક્ફમાં ગરબડ શું છે?

દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વક્ફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠન ઠન ગોપાલ છે.  2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12,000 કરોડની આવક મેળવી શકે પણ એવું કંઇ છે નહીં. વક્ફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. ધર્માદા આમાં તો નેવે મુકાઇ જાય તે સ્વાભાવિક છે. પણ આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વક્ફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વક્ફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇપણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વક્ફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે.

વક્ફની ચર્ચા અત્યારે કેમ?

શું સરકારના સુધારા આ સમસ્યા ઉકેલીને વક્ફની મિલકતનો જે મૂળ ઉદ્દેશ છે તે પાર પાડી શકશે? વક્ફ બોર્ડને અને સરકારને એકબીજા પર વિશ્વાસ બેસશે? અત્યારે જે ચર્ચા ઉપડી છે એનું કારણ છે કે મોદી સરકારે જાહેર કર્યું કે વક્ફના કાયદા અંગે સંશોધન કરાશે, એમાં સુધારા કરાશે જેને લીધી વક્ફ બોર્ડ મન ફાવે એ રીતે જમીનો પર દાવો ન માંડે. 8 ઑગસ્ટે સંસદના સત્રમાં ભા.જ.પા.ના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ વક્ફ એમેન્ડમેન્ડ બિલ 2024 જાહેર કર્યું. આ પગલાં સામે વિરોધ પક્ષે એમ કહ્યું છે કે આવા બહાનાં કરીને ક્યાંક સરકાર જ વક્ફની જમીનો પર કબજો કરી લે એવું ન થાય. અવાજો ઉઠ્યા એટલે આ બિલ એક સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દેવાયું. આ સમિતિના અધ્યક્ષ ભા.જ.પા.ના સંસંદ સભ્ય જગદંબિકા પાલ છે. તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું જેથી અલગ અલગ પક્ષોની સુધારા સામેની નારાજગીને સંબોધી શકાય. સરકાર તો એમ જ દાવો કરે છે કે આ ફેરફારથી કોઇની ધાર્મિક સ્વતંત્રતામાં દખલ નથી થવાની, કોઇનો અધિકાર છીનવી નહીં લેવાય વગેરે પણ આમાંનું કંઇપણ લોકોને ગળે નથી ઊતરી રહ્યું.  સરકારે ધારેલા ફેરફાર થઇ જશે તો વક્ફ એક્ટ 1995નું નામ યુનાઇટેડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશ્યન્સિ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ – UMEED – તરીકે ઓળખાશે.

શું વક્ફ પર સરકારની કોઇ પકડ નથી?

હવે આ બદલાવ તો થશે પૂરેપૂરા લાગુ થાય ત્યારની વાત છે પણ ભૂતકાળમાં તમિલનાડુમાં આખે આખું ગામ વક્ફનું હોવાના દાવા થયા છે અને કોર્ટે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળી તાજેતરમાં બિહારમાં પણ એક ગામ પર વક્ફના દાવાને લઇને કડાકૂટ ચાલી રહી છે. આ બધાંની વચ્ચે સરકારના UMEED – વાળા સુધારાનો વિવિધ વક્ફ બોર્ડ વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે એમને ડર છે કે સરકાર સરવે વગેરેની કામગીરી કલેક્ટર સ્તરે આપી દેશે તો તેમની પાસે એ જમીનો નહીં રહે. તંત્રની અંદર તંત્રની માફક ચાલનાર વક્ફ બોર્ડે એક વાત સમજવી પડશે કે એ લોકો ધારે એ જમીનને વક્ફ નહીં કરી શકે.  વળી કોઈ માણસ માત્રને માત્ર પોતાની જમીનને વક્ફ કરવાનો નિર્ણય લઇ શકે છે, એ બીજાની જમીનને વક્ફ ન કરાવી શકે. પણ 1995ના સુધારામાં એવી વાત હતી કે વક્ફ બોર્ડને લાગે કે કોઇ જમીન કદાચ વક્ફ છે તો તેઓ સરવે કરાવીને પરિણામને આધારે જમીન વક્ફની છે કે નહીં એ તપાસ કરાવી શકે છે. આ વળી સહેલું નથી કારણ કે આ માટેનો સરવે કમિશનર સરકાર નિમે જે કાગળિયાં વગેરેની તપાસ કરે, પણ ઇસ્લામી કાયદા અનુસાર માણસ લખાપટ્ટી વિના પણ માત્ર બોલીને-વચન આપીને પણ જમીન વક્ફ કરાવી શકે છે જે આખી બાબતને પેચીદી બનાવે છે. સ્ટેટ વક્ફ બોર્ડમાં સરકારી માણસોની પણ નિમણૂંક થતી હોય છે. ટૂંકમાં વક્ફ બોર્ડમાં સરકારનું પ્રતિનિધિત્વ નથી હોતું એ વાત સાવ ખોટી છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં પણ સરકાર જ બધા સભ્યોની નિમણૂંક કરે છે. વળી એ ચોખવટ પણ જરૂરી છે કે વક્ફ બોર્ડના નિયમો-કાયદાઓ ભારતના સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર જ કામ કરે છે અને તેના અધિકૃત વિવાદોનો નિવેડો લાવવા માટે વક્ફ ટ્રાઇબ્યુનલ હોય છે જેમાં સભ્યો સરકારના નિમેલા જ હોય છે. વળી આ સભ્યોમાં મુસલમાન કાયદાઓ સમજનાર વ્યક્તિ મુસલમાન ન હોય અને પારસી કે હિંદુ હોય તો પણ તેની નિમણૂંક સરકાર કરી જ શકે છે. એટલે કે વક્ફ બોર્ડ કંઇ સ્વાયત્ત નથી. ટ્રાઇબ્યુનલની કામગીરી પર સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે એ રીતે મંજૂરી કે નામંજૂરીની મહોર મારી જ શકે છે. વક્ફને વળી બધા કરવેરા પણ ભરવાના જ આવે જ છે.  ટૂંકમાં વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધૂરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.

ભા.જ.પા. સરકારના સુધારા અને વક્ફ બોર્ડની ચિંતા

અત્યારે સરકાર ઇચ્છે છે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બે મુસલમાન સ્ત્રીઓ ફરજિયાત હોવી જોઇએ એ સારી બાબત છે. તેમાં બે બિન-મુસલમાન સભ્યો પણ હોવા જોઇએ – જે પણ યોગ્ય છે. હવે વિરોધપક્ષો એમ કહે છે કે હિંદુ મંદિરોના બોર્ડમાં પણ બિન હિંદુ સભ્યો હોવા જોઇએ.

હાલમાં સૂચવેલા સુધારા અનુસાર વક્ફ બોર્ડ પોતાની મરજી પ્રમાણે જમીનની માલિકી વક્ફની છે કે નહીં તે અંગેની તપાસ કરવા ન જઇ શકે અને એ તપાસ કલેક્ટર કરશે. અહીં એ વાતે વિરોધ છે કે સરવે અધિકારી સરકારી જ છે તો પછી વક્ફ બોર્ડ જમીન પચાવી લેશે એવું તો થવાનું નથી. સાથે મોટી ચિંતા એ છે કે સરવે કમિશનરનું કામ કલેક્ટરના હાથમાં જાય એટલે વક્ફની સંપત્તિ પારખવાની સત્તા પૂરેપૂરી સરકાર પાસે જાય પછી કલેક્ટર સરકાર વિરોધી નિર્ણયો તો નહીં લે તો પછી ક્યાંક એમ ન થાય કે જમીન વક્ફની હોય તો પણ તે વક્ફની નથી એવું એ કહી દે.

વક્ફની સંપત્તિનું ડિજિટલ રજિસ્ટ્રેશન જો છ મહિનામાં ન થાય તો તેને વક્ફની સંપત્તિ નહીં ગણાય એવો સુધારો પણ સરકાર સૂચવે છે જેમાં આખી ન્યાયિક સમીક્ષાની પ્રક્રિયાનો છેદ ઊડી જાય છે. આપણે ત્યાં મિલકતના સરવે, ડિજિટાઇઝેશન વગેરે છ મહિનામાં નથી જ થતા એ આપણે જાણીએ જ છીએ. આવામાં રેઢિયાળ તંત્રનો ઉપયોગ કરીને હોંશિયાર સરકાર ડિજિટાઇઝેશન અને કલેક્ટર રાજ વાપરીને વક્ફ બોર્ડની પકડ ઢીલી કરવાનો કારસો રચી રહી છે એવું દૃઢતાપૂર્વક મનાઇ રહ્યું છે.

બાય ધી વેઃ

ટૂંકમાં વક્ફ બોર્ડને મજબૂત કરવાને બદલે, જમીન પચાવનારાઓ સામે પગલાં લેવાની વાતને બદલે સરકાર કંઇ બીજા જ સુધારા કરવાની વાત કરી રહી છે.  સચ્ચર કમિટીના રિપોર્ટના બહુ ઓછા મુદ્દાઓ નવા સુધારામાં ગણતરીમાં લેવાયા છે. ખરેખર તો વક્ફ બોર્ડ પર રાજકારણ ખેલાતું હોય તો તેનુ કારણ તેમની રેઢિયાળ માનસિકતા છે કારણ કે વક્ફ બોર્ડ સમય સાથે બદલાયા નહીં, ન તો વક્ફની ખરબોની સંપત્તિઓનો ઉપયોગ કરી આવક વધારી. જ્યાં તડ હતી ત્યાં સરકારે તક જોઇ એ વક્ફ બોર્ડને સમજાય તો સારું. સ્વાર્થ સાધવામાં વક્ફ બોર્ડે લોકોનું ભલું જોવાનું ટાળ્યું અને હવે આ નોબત આવી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2024

રમેશ ઓઝા

બનારસમાં અત્યારે માલવિય બ્રીજ તરીકે ઓળખાતો પુલ અંગ્રેજોએ ગંગા નદી પર ૧૮૮૭માં બાંધ્યો હતો. એ પુલ ૧૩૭ વરસ જૂનો છે અને હજુ ઉપયોગમાં છે. ૨૦૦૭માં પુલ ૧૨૦ વરસ જૂનો થયો ત્યારે હેવી વેહિકલ માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હળવાં વાહનો હજુ પણ તેનો ઉપયોગ કરે છે. એ પુલ એક કિલોમીટર લાંબો છે. ૧૩ વરસ પછી ૧૯૦૦ની સાલમાં અંગ્રેજ સરકારે આવો બીજો એક અને તેનાથી લગભગ ત્રણ ગણો લાંબો પુલ આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદી પર રાજામુન્દ્રી નજીક બાંધ્યો હતો જે હેવલોક બ્રીજ તરીકે ઓળખાય છે. ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીની સરકારે તેની બાજુમાં ચાર કિલોમીટર લાંબો નવો પુલ બાંધ્યો એ પછી હેવલોક બ્રીજને વાપરવાનું બંધ કરાયું હતું. આમ તો ૨૦૧૪ પહેલાં ભારતનો કોઈ વિકાસ થયો નહોતો, પરંતુ ઇન્દિરા ગાંધીએ ભૂલમાં ૧૯૭૪ની સાલમાં હેવલોક બ્રિજની બાજુમાં નવો પુલ બંધાવ્યો હતો જે હજુ પણ વપરાશમાં છે. ૧૮૮૭માં બાંધવામાં આવેલો બનારસનો પુલ અને ૧૯૦૦ની સાલમાં બાંધવામાં આવેલો ગોદાવરીનો પુલ ડબલ ડેકર પુલ છે. નીચે રેલવે માટે અને ઉપર વાહનો માટે.

અંગ્રેજોએ બનારસમાં ગંગા નદી પર આવો બેવડા ઉપયોગવાળો મજબૂત પુલ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે જોડી શકાય. હેવલોક બ્રીજ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને દક્ષિણ ભારત સાથે જોડી શકાય. આના દ્વારા માલસામાનની અને શ્રમિકોની યાતાયાત સહેલાઇથી થઈ શકે. ભારતમાંથી ઉત્પાદન માટે કાચો માલ ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય અને ત્યાં ઉત્પાદિત કરવામાં આવેલો માલ ભારતની બજારમાં વેચી શકાય. આ સિવાય ખનીજના ઉત્ખનન માટે, તેલ કાઢવા માટે, ચા અને કોફીના બગીચાઓ માટે મજૂરોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકાય. આમાં અંગ્રેજોનો સ્વાર્થ હતો, તેમણે કોઈ ભારત પર ઉપકાર નહોતો કર્યો. એ સમયે રળેલી સમૃદ્ધિ ઇંગ્લેંડ અને યુરોપના બીજા દેશો આજે પણ ભોગવે છે.

ભારતમાં અંગ્રેજોએ પોણા બસો વરસ સીધું રાજ કર્યું અને ભારત આઝાદ થયો એ પછી આટલાં વરસે પણ ભારતનાં કરેલાં શોષણના લાભ ઇંગ્લેંડ ભોગવી રહ્યું છે તો એ શેને કારણે? કારણ બહુ સ્પષ્ટ છે. તેમણે દેશહિતને ધ્યાનમાં રાખીને એટલે કે ઇંગ્લેંડના હિતને ધ્યાનમાં રાખીને ભારતમાં માળખાકીય વિકાસ કર્યો હતો. જેટલું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલો વધારે લાભ અને લાંબા સમય સુધીનો લાભ. પુલ બાંધો તો એવો બાંધો કે તેના પરથી રેલવે અને વાહન બન્ને પસાર થઈ શકે અને એ પણ દાયકાઓ સુધી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતને એવી રીતે જોડો કે સમગ્ર ભારતને વહીવટી રીતે અને આર્થિક રીતે મૂઠીમાં સમાવી શકાય. તેમની પાસે ભારતના શોષણની અને ઇંગ્લેંડના વિકાસની બેથી ત્રણ સદીની લાંબી યોજના હતી. પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમો અને પછી બ્રિટિશ સરકારના અમલદારો એક જ લક્ષ તરફ એક એક ડગલું માંડતા હતા. દરેક જણ શોષણની યોજનાની કડી બનીને ઇંગ્લેંડથી ભારત આવતા હતા. એકપછી એક આવતી કડી, એક સરખી કડી અને મુદ્દત પૂરી થયે બદલાતી રહેતી કડી. દેશહિતના યજ્ઞમાં પોતાનો ધર્મ બજાવો અને ફરજ પૂરી થયે ખસી જાઓ.

પણ કલ્પના કરો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ સંચાલકે કે અંગ્રેજ સરકારના કોઈ વડા પ્રધાને કે ભારતમાં કામ કરતા કોઈ અંગ્રેજ ગવર્નરે પોતાનો જયજયકાર કરાવવા, ઇતિહાસમાં અમર થવા, બીજાથી પોતાને ચડિયાતા ગણાવવા, બીજાને નીચા દેખાડવા, કોઈ મળતિયા વેપારીને ફાયદો કરાવવા, પ્રજાને આંજી દેવા કે પછી ચૂંટણી જીતવા મળેલી મુદ્દતમાં ઉતાવળે, આડેધડ અને તકલાદી બાંધકામ કર્યાં હોત તો? ધારત તો એ લોકો કરી શકત. ભારત સરકારના શાસકોની તાકાત કરતાં અંગ્રેજ સામ્રાજ્યની તાકાત પાંચસો ગણી હતી. તેઓ ધારત તો ભારતમાં તાજમહાલ જેવી પચાસ ઇમારતો બંધાવી શક્યા હોત, પણ તેમણે ભાગ્યે જ અનુત્પાદક ખર્ચ કર્યો હતો. તેમણે બ્રિટિશ સામ્રાજ્યના જયજયકાર માટે જ્યાં પૈસા નહોતા વેડફ્યા ત્યાં અંગત જયજયકાર માટે પૈસા વેડફવા એ તો બહુ દૂરની વાત છે. અમલદારોને રાજી કરવા અને અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની પ્રજાને યાદ અપાવવા નાનાંમોટાં પૂતળાં બાંધવાથી વિશેષ કોઈ વેડફાટ તેમણે નહોતો કર્યો. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોતિંગ. મુંબઈનું વી.ટી. સ્ટેશન પૂનાના પેશ્વાઓના રાજમહેલ કરતાં ચાર ગણું મોટું છે અને  તેની એક કાંકરી પણ ખરી નથી. અત્યારે પેશ્વાઓનો રાજમહેલ ખંડેર અવસ્થામાં છે.

તેઓ ધારત તો સો એકરમાં વિશ્વનો સૌથી મોટો ચર્ચ ભારતમાં બાંધી શક્યા હોત. સો કિલોમીટર દૂરથી દેખાય એવી કોઈ ઊંચી ઈમારત બાંધી શક્યા હોત. બેશુમાર તાકાત હતી અને ભારતમાંથી લૂટેલી સમૃદ્ધિની છોળો ઉડતી હતી. કશું જ અશક્ય નહોતું તેમના માટે, પણ તેમણે આવું કશું કર્યું નહોતું, કારણ કે તેઓ અસલામતી અને લઘુતાગ્રંથિથી પીડિત નહોતા. તેઓ દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા અને દેશહિતમાં વ્યવસ્થાની એક કડી બનીને પોતાની ફરજ નિભાવીને ખસી જવા તૈયાર હતા. તેમને જાણ હતી કે એક દિવસ ભારત ગુમાવ્યા પછી પણ તેમની ત્રણ-ચાર પેઢી સુખેથી જીવી શકશે. બાકી દેખાડા એ કરે જેને પોતાનામાં ભરોસો ન હોય. ઇતિહાસમાંથી ભૂંસાઈ જવાનો અથવા ધકેલાઈ જવાનો ડર હોય. આવું એ કરે જે કર્તૃત્વ દ્વારા નહીં, પણ દેખાડા દ્વારા પ્રજાને આંજી દેવાનો પ્રયાસ કરે.

છેલ્લાં દસ વરસ દરમ્યાન બાંધેલાં પુલો, સંસદભવન જેવી ઇમારતો, અયોધ્યાનું રામમંદિર, વિમાનમથકો, સડકો, પૂતળાંઓ કાં તો ધ્વસ્ત થઈ રહ્યાં છે અથવા તેમાં ખામીઓ પેદા થઈ છે. લગભગ દર અઠવાડિયે ટ્રેન અકસ્માત થઈ રહ્યા છે અને વંદે ભારત અને એવી બીજી ઐશ્વર્યનાં પ્રતિક જેવી ટ્રેનોમાં ખામી પેદા થઈ રહી છે. આ જે થઈ રહ્યું છે એ કોઈ અકસ્માત નથી, જે રસ્તો અપનાવવામાં આવ્યો તેનું પરિણામ છે. શાસકો માટે ઇવેન્ટ યોજનારાઓને અને બાંધકામ કરનારાઓને જાણ હોય છે કે તેમણે ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા ભવ્ય નિર્માણ કરી આપવાનું છે કે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી આપવાનું છે. જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ. માટે આ અકસ્માત નથી, જે થઈ રહ્યું છે તેનું આ સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ છે. શોકાંતિકા માત્ર એટલી છે કે શાસક હજુ શાસન છોડે એ પહેલાં તેની સામે જ આ થઈ રહ્યું છે. પણ શું થાય! એક તો આખું તંત્ર ભ્રષ્ટ છે અને એમાં ચાપલૂસી ઉમેરાઈ. કલાકે માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે હવા ચાલે અને ઐશ્વર્ય ઢળી પડે! આને કવિન્યાય પણ કહી શકાય નહીં?

દરમ્યાન બનારસના પુલે ૧૩૭ વરસમાં અનેક વખત ગંગામાં પૂરનો સામનો કર્યો છે અને હજુ અડીખમ ઊભો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—262

દીપક મહેતા|Opinion - Opinion|31 August 2024

ચાલો જઈએ જોવા આજે ધારાવીની ઝૂંપડપટ્ટી

આજે આપણા દેશમાં જે કાંઈ ખરાબ છે, ઓછું કે અધૂરું છે, તેના અપયશનો ટોપલો અંગ્રેજ હકૂમતને શિરે ઢોળી દેવાનું આપણને ગમે છે, ફાવે છે. બીજી ઘણી બાબતોમાં આ વાત સાચી ન હોય તો ય એક જમાનામાં દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનું ‘માન’ મેળવનાર ધારાવીની ઝૂંપડપટ્ટી માટે તો એ સાચું છે. મુંબઈની આ પહેલવહેલી ઝૂંપડપટ્ટી ઊભી કરવાનું ‘માન’ તે વખતની અંગ્રેજ સરકારને જાય છે. એક જમાનામાં તળ મુંબઈમાં ધૂમાડાનો ત્રાસ બહુ વધી ગયો હતો. એ વખતે ‘પર્યાવરણ’ કે ‘પ્રદૂષણ’ જેવા શબ્દો તો કોઈએ સાંભળ્યા પણ નહોતા. પણ એ વખતની સરકારને એટલી તો ખબર પડતી હતી કે શહેરમાં આખો દિવસ ધૂમાડાનાં વાદળ ફેલાયેલાં રહે એ કાંઈ સારું નહિ. ક્યાંથી આવે છે આ ધૂમાડો? શહેરમાં ઠેર ઠેર કુંભારો માટીનાં વાસણ નીંભાડામાં પકવે છે. ચમારો રોજે રોજ ભઠ્ઠીઓમાં ચામડાં પકવે છે. આ બંને કામ માટે વપરાય છે લાકડાં. અને આ નીંભાડા, આ ભઠ્ઠીઓ આખો દિવસ ઓકતી રહે છે ધૂમાડો.

મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન

આનો ઉપાય શો? શહેરના બધા કુંભારોને, બધા ચમારોને ખસેડો શહેરની બહાર. આ વાત અંગ્રેજ રાજ સમજ્યું તો હતું, પણ અમલ કરવાનું અઘરું લાગતું હતું. ૧૮૮૦માં સર જેમ્સ ફર્ગ્યુસન બન્યા મુંબઈના ગવર્નર. અસલ જીવ તો લશ્કરના ઊંચા અધિકારીનો. પણ ક્રિમિયાની લડાઈમાં ઘવાયા. એટલે ૧૮૫૯માં લશ્કરમાંથી નિવૃત્તિ લઈ પડ્યા રાજકારણમાં. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય ચૂંટાયા. પછી દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અને ન્યૂઝીલેન્ડના ગવર્નર બન્યા. અને ૧૮૮૦માં બન્યા મુંબઈના ગવર્નર, તે ૧૮૮૫ સુધી એ હોદ્દે રહ્યા. પૂણેની પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજ સાથે તેમનું નામ આજે પણ જોડાયેલું છે.

ધારાવીનો માઈલ સ્ટોન

ફર્ગ્યુસન સાહેબે નક્કી કર્યું કે આ ચમારો, કુંભારો અને ધૂમાડો ફેલાવતાં બીજાં વસવાયાંને ખસેડો મુંબઈ બહાર. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધીની. વાંદરા અને તે પછીનો ભાગ ‘મુંબઈ’ નહિ. આ ‘મુંબઈ બહાર’ના વિસ્તારમાં માછીમારોનું એક નાનું ગામડું, નામે ધારાવી. અને સરકારી હુકમને તાબે થઈ મુંબઈનાં વસવાયાં શહેર છોડી વસ્યા આ ધારાવીમાં. છેક ચૌદમી સદીમાં મરાઠીમાં લખાયેલ ‘મહિકાવતીચી બખર’ નામના પુસ્તકમાં મુંબઈ અને તેની આસપાસનાં ઘણાં સ્થળોનાં એ વખતનાં પ્રચલિત નામો જોવા મળે છે. તેમાનું એક નામ તે ‘ધારદેવી’ કે ‘ધારદીવી.’ એ જ પછીથી બન્યું ધારાવી. શરૂઆતમાં અહીં મુખ્ય વસતી કોળી-માછીમારોની, પછી ચમારો અને કુંભારોની. પહેલેથી જ જુદા જુદા પ્રદેશ, ધરમ, ભાષાના લોકો અહીં આવી વસ્યા. પછી તો પરીકથાની રાજકુમારીની જેમ ધારાવીની ઝૂંપડપટ્ટી દિવસે ન વધે તેટલી રાતે વધે, અને રાતે ન વધે તેટલી દિવસે વધે. આજે તો અહીં બનેલો માલ-સામાન દેશના અનેક ભાગોમાં અને વિદેશોમાં પણ જાય છે. ધારાવીનાં ઉદ્યોગોની વાર્ષિક આવક ૫૦૦થી ૬૫૦ મિલિયન અમેરિકન ડોલર જેટલી થવા જાય છે.

ધારાવીની ઝૂંપડપટ્ટીનો એક ભાગ

અને આ ધારાવી હવે તો બની ગયું છે ટુરીસ્ટો માટેનું આકર્ષણ. પાંચ-સાત કંપનીઓ દેશી અને વિદેશી જિજ્ઞાસુઓ માટે ધારાવીની ટૂર નિયમિત રીતે ગોઠવે છે. અને આવી ટૂર વિષે અભ્યાસ લેખો પણ લખાયા છે. આવો એક અભ્યાસ લેખ કેટલાક વખત પહેલાં તૈયાર કર્યો હતો ડો. ખેવના દેસાઈએ. તેઓ સમાજશાસ્ત્રના સુસજ્જ અધ્યાપક હોવા ઉપરાંત પ્રખર નારીવાદી છે. પ્રો. અભિધા વ્યાસ સાથે મળીને તૈયાર કરેલા અભ્યાસ લેખ માટે તેમણે બંનેએ ધારાવીની ટૂર લીધી હતી. તેઓ જણાવે છે કે Slumdog Millionaire ફિલ્મ લોકપ્રિય થયા પછી વિદેશી ટુરિસ્ટો માટે ધારાવીની ઝૂંપડપટ્ટી એક આગવું આકર્ષણ બની રહી છે.

આવી ટૂરમાં તેમને ઝૂંપડપટ્ટીનાં ‘ઘરો’માં, નાના-મોટા ઉદ્યોગ ચલાવતાં કારખાનાંઓમાં, લઈ જવાય છે. અલબત્ત, આવી મુલાકાત દરમ્યાન ફોટા પાડવાની સખત મનાઈ હોય છે. ધારાવીના મોટા ભાગના લોકો અંગ્રેજીનું નજીવું જ્ઞાન ધરાવે છે અને વિદેશી ટુરિસ્ટ અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા હોય નહિ. એટલે જે કાંઈ વાતચિત થાય તે અંગ્રેજી જાણતા સ્થાનિક ગાઈડ મારફત થાય છે. અલબત્ત, ઝૂંપડપટ્ટીના જીવતા જાગતા લોકોને આ રીતે ‘જોવાની જણસ’ બનાવવા એ યોગ્ય છે કે કેમ એ અંગે મતભેદ છે. તેના બચાવમાં કહેવાય છે કે આવી ટૂરને પ્રતાપે છેવાડાના મનુષ્યો વિશેની જાણકારી અને સંવેદના વધે છે. તો સામે પક્ષે કહેવાય છે કે દેશની ગરીબીનો દેખાડો કરતી આવી ટૂર હકીકતમાં તો ઓપરેટરો માટે કમાણી વધારવાનો એક નવો નુસખો છે.

આ અભ્યાસ લેખમાં કહ્યું છે કે ધારાવીના ૧.૭ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ દસ લાખ માણસો રહે છે. વરસો સુધી ધારાવીની ઝૂંપડપટ્ટી મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી હતી. પણ ૨૦૧૧ પછી તેના કરતાં વધુ મોટી બીજી ચાર ઝૂંપડપટ્ટી મુંબઈમાં ઊભી થઈ ગઈ છે. ધારાવીમાં લગભગ ૫,૦૦૦ વેપારી એકમો આવેલાં છે અને એક જ રૂમમાં ચાલતી ૧૫,૦૦૦ કરતાં વધુ ફેક્ટરી આવેલી છે. એકબીજાના ખભા પર ચડીને બંધાયેલી હોય તેવી આ ઝૂંપડપટ્ટીમાં ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, અને સ્વચ્છ રસ્તાઓનો અભાવ છે. અહીં પૈસા છે, તો સાથોસાથ નાના-મોટા ગુનાઓ પણ સતત થતા રહે છે. ધારાવીની પગપાળા મુલાકાત પછી ખ્યાલ આવે કે મુંબઈના લઘુ અને અતિલઘુ ઉદ્યોગોનું હૃદય ધબકે છે આ ધારાવીમાં. રીસાઈકલિંગ એ અહીંનો સૌથી મોટો ઉદ્યોગ છે. આ ઉપરાંત આખા મુંબઈમાં સૌથી વધુ પાપડ વણાય છે આ ધારાવીમાં. માટીનાં વાસણો બનાવવાં, ભરતકામ, શીવણકામ, પાઉં, બિસ્કિટ વગેરે બેકરીની જણસો બનાવવી, ચામડાની વસ્તુઓ બનાવવી. આવી કેટલીયે વસ્તુઓ અહીં બને છે અને વેચાય પણ છે. અહીં આવતા ટુરિસ્ટના ૯૫ ટકા પરદેશીઓ, ખાસ કરીને ઇન્ગલન્ડ અને અમેરિકાના લોકો, હોય છે.

આવી ટૂરના વિરોધીઓનું કહેવું છે કે મુંબઈના અમીરોની રહેણીકરણી વિષે જાણવાનું કુતૂહલ પણ વિદેશીઓને હોય છે. પણ તેમને જો આપણે માલેતુજારોના બંગલા ન બતાવતા હોઈએ, તો ગરીબોની ઝૂંપડીઓ બતાવીએ એ કેટલે અંશે યોગ્ય ગણાય? કેટલાક તો આવી ટૂરને ‘પોવર્ટી પોર્ન’ તરીકે ઓળખાવે છે. જો કે ઘણા ધારાવીને ફાઈવ-સ્ટાર સ્લમ કહે છે. કારણ અહીં જાતજાતના નાના-મોટા ધંધા-રોજગાર ધમધમે છે. વળી સ્કૂલ, હોસ્પિટલ, થિયેટર, જીમ, જેવી સગવડો આ ઝૂંપડપટ્ટીની અંદર જ મળી રહે છે. ધારાવીની ટૂરને અંતે ખેવના દેસાઈ અને અભિધા વ્યાસ કહે છે કે આવી ટૂરો દ્વારા ધારાવીના રહેવાસીઓને થોડી કમાણી પણ થતી હશે, તેમના પ્રત્યે હમદર્દી પણ જાગતી હશે, તેમને મદદરૂપ થવાની ઇચ્છા પણ ઘણાનાં મનમાં જાગતી હશે, પણ એ બધું ક્ષણિક હોય છે. ગમે તેટલા ટુરિસ્ટ અહીં આવે, પણ તેથી આવી ઝૂંપડપટ્ટીઓની દશામાં ઝાઝો સુધારો થવાનો નથી.

મુંબઈની એક આગવી ઝૂંપડપટ્ટીની મુલાકાત તો આજે લઈ લીધી. હવે? આગે આગે ગોરખ જાગે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 ઓગસ્ટ 2024

Loading

...102030...583584585586...590600610...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved