Opinion Magazine
Number of visits: 9457194
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મે દિન પૂછે છે : કામદારોની હાલત બહેતર કે બદતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 May 2024

ચંદુ મહેરિયા

દુનિયાભરના મહેનતકશો તેમના સંઘર્ષની સ્મૃતિ તાજી કરતો અને નવા સંઘર્ષની તૈયારી કરતો મે દિન ઉજવે છે. ઈન્ટર નેશનલ લેબર ડે, મજૂર દિન, શ્રમિક દિન, કામદાર દિવસ કે વર્કર ડે જેવા નામે ઓળખાતો આ દિવસ શ્રમિકોનાં બલિદાન અને યોગદાનનાં સ્મરણોનો દિવસ છે. કામદારોના સન્માન સાથે તેમના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આ દિવસ છે. કામદારોમાં ટ્રેડ યુનિયન પરંપરા અને આંદોલનોને કારણે વિકસેલી વર્ગ ચેતનાને દૃઢાવવાના સંકલ્પનો આ દિવસ છે. મજદૂરોના અધિકારો માટેની જાગૃતિનો આ દિવસ છે. વિશ્વના કરોડો કામદારોના મહેનત, દૃઢ નિશ્ચય અને ઉજળી આવતીકાલના સપનાં સજાવવાનો આ દિવસ છે. યોગ્ય અને સમાન વેતન (ગાંધીજીના શબ્દોમાં જીવન યોગ્ય દરમાયો), કામની સલામત સ્થિતિ, કામના કલાકો જેવી અનેક માંગ અને હક માટે અદાલતો અને સરકારો સામે  લડવા, સમાજમાં કામદારોની સ્થિતિ મજબૂત કરવાનો તેમ જ ‘દુનિયા કે મજદૂર એક હો’નો નારો બુલંદ કરવાનો પણ આ દિવસ છે.

કામદારોનાં લોહી પરસેવાની કોઈ પણ દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા છે. પરંતુ ખુદ કામદારોની હાલત દયનીય છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશ પાસે જે સમૃદ્ધિ, સત્તા અને શક્તિ છે તેના પાયામાં મજૂરોનો પસીનો છે. ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં ઘણાં પરિવર્તનો આણ્યાં છે, પરંતુ તે કામદારોના શોષણ પર વિસ્તરી હતી તે ભૂલાઈ ગયું છે. લોઢા સાથે બાથો ભરતા શ્રમિકોને આંતેડા ઘોઘરે આવે ત્યાં સુધી મજૂરી કરવી પડતી હતી. તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા. પંદરથી અઢાર કલાક સુધી કામ કરતા મજૂરોએ તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. અમેરિકા અને કેનેડાના કામદારોએ પહેલી મે ૧૮૮૬ના રોજ કામના મહત્તમ આઠ  જ કલાકની માંગણી માટે હડતાળ પાડી હતી. આ હડતાળ લોહિયાળ બનતાં, કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. ગોળીબારમાં કામદારો મરાયા ને ઘણાં ઘવાયા હતા. તેના ત્રણ વરસ પછી ૧૮૮૯માં પેરિસમાં મળેલી ઈન્ટરનેશનલ સોશ્યાલિસ્ટ કોન્ફરન્સમાં અમેરિકાના કામદારોની પહેલી મેની હડતાળની યાદમાં દર વરસે પહેલી મેનો દિવસ વિશ્વ મજૂર દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું. આજે તો એ ઘટનાને ૧૩૫ વરસ થયા, પરંતુ હજુ કામદારોનું શોષણ અને તેની વિરુદ્ધના આંદોલનો ચાલે છે એટલે લગભગ આખી દુનિયામાં કામદાર દિવસ મનાવાય છે.

ભારતમાં ૧૯૨૩માં પહેલવહેલો મજૂર દિન ચેન્નઈમાં ઉજવાયો હતો. તેને પણ હવે સો વરસ વીતી ગયાં છે .જો કે હજુ દેશના મહેનતકશોની હાલત તો બદતર જ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં ૪૮ કરોડ શ્રમિકો હોવાનો અંદાજ છે. તે પૈકીના મોટા ભાગના (૯૦ ટકા) અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. કૃષિમાં  ૪૨ ટકા, સેવા ક્ષેત્રમાં ૩૨ ટકા અને ઉદ્યોગોમાં ૨૬ ટકા કામદારો કામ કરે છે. વિશ્વના જે દસ દેશોના કામદારો સૌથી વધુ કલાક કામ કરે છે તેમાં ભારત સાતમા ક્રમે છે. ભારતીય શ્રમિક અઠવાડિયે ૪૭.૭ કલાક કામ કરે છે.

કામદાર કલ્યાણના કાયદા આઝાદી પછી તરત જ ઘડાયા હતા અને કામદાર સંગઠનો તો આઝાદી પૂર્વે જ રચાયા હતા. પરંતુ કામદારોનું શોષણ સંપૂર્ણ અટક્યું નથી. કામનું યોગ્ય વેતન અને કામના કલાકોની બાબતમાં આજે પણ શોષણ થાય છે. લધુતમ વેતનના કાયદા છતાં આજે ય ભારતીય શ્રમિક મહિને સરેરાશ રૂ. ૧૦,૦૦૦ જ કમાય છે. જે લઘુતમ વેતનથી ઓછા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટેના સાતમા વેતન આયોગે ૨૦૧૬માં કર્મચારીઓનું લઘુતમ વેતન રૂ. ૧૮,૦૦૦ નક્કી કર્યું હતું પરંતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને તેનાથી અડધું ય મળતું નથી. હવે તો સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્ર વગેરેમાં રોજમદારો અને કોન્ટ્રાકટ મજૂરોની પ્રથા ચાલે છે જેમાં તેમનું મોટા પાયે શોષણ થાય છે.

ભારતમાં નિયમિત વેતન મેળવતા કામદારો તો ૨૩ ટકા જ છે. કુલ કામદારોના ચોથા ભાગના રોજમદારો છે. ૭૧ ટકા કામદારોને તેમના કામ કે નોકરીનો કોઈ લેખિત ઓર્ડર આપવામાં આવ્યો નથી. ૫૪ ટકાને સવેતન અઠવાડિક રજા મળતી નથી. કુલ કામદારોના ૫૭ ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે. બાળ મજૂરી અને વેઠિયા મજૂરી નાબૂદ થવાના અણસાર વર્તાતા નથી. જ્ઞાતિગત વ્યવસાયોની પરંપરા મટવાની જણાતી નથી. સ્ત્રી-પુરુષને સમાન કામનું સમાન વેતન મળતું નથી. કામનાં સ્થળ સલામત નથી. વ્યવસાયિક જોખમ અને અસલામત કામના લીધે રોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય છે અને મજૂરો મરે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિના છદ્માવરણ તળે કામદારોનું શોષણ દટાયેલું રહે છે.

સ્થળાંતર એ ભારતીય કામદારની જાણે કે નિયતિ છે. સ્થળાંતરિત કે પ્રવાસી મજૂરોની હાલત કેવી બદતર છે તેનો પરિચય દેશ અને દુનિયાને કોરોના મહામારીના લોકડાઉનના ગાળામાં થયો હતો. ભારતમાં મજૂરોની સ્થિતિ બહેતર થઈ રહ્યાના જે નગારા પિટાતા હતા તેની વાસ્તવિકતાનો પરચો આપણને  કોરોના કાળમાં થઈ ચૂક્યો છે. એટલે શ્રમ કાયદાઓને સાંકળતી ચાર શ્રમ સંહિતાઓથી કામદારોનું દળદર ફિટવાનું નથી.

૧૯૯૧થી અમલી નવી અર્થનીતિએ પણ કામદારોની સ્થિતિને બદતર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. વિદેશી મૂડીરોકાણને આકર્ષવા ઔધોગિક શાંતિ જરૂરી હોવાના જાપ જપતાં દેશના કામદાર આંદોલનોનો કાંકરો કાઢી નાંખવામાં આવ્યો છે. લેબર કાયદા અને કામદાર યુનિયનોને તેમાં મુખ્ય અંતરાય માની તેને અપ્રસ્તુત કરવાના ખેલ ખેલાયા છે. ભારતના જાહેર ક્ષેત્રના ગુણગાન ગાનારા તેનું સર્જન ખરેખર તો ખાનગી ક્ષેત્રને સહાયરૂપ થવાના આશયથી થયું હતું તે સત્ય છૂપાવી રાખે છે. ખાનગી ઉદ્યોગોને આયાત કરવી પડે તેવા યંત્રોનું અને બીજું ઉત્પાદન જાહેર ક્ષેત્રે કરીને ખરેખર તો ખાનગી ક્ષેત્રને સરકારી મદદ આપી છે. નવી અર્થનીતિ અને ઉદારીકરણે કામદારોનું અહિત કરનારા નિર્ણયો લઈને સમાજવાદી શ્રમ કાયદા ધરાવતા દેશને મૂડીવાદી બનાવી દીધો છે.  ૨૦૦૦થી ૨૦૧૮ દરમિયાન ભારતના ઉદ્યોગપતિઓનો નફાનો ભાગ ૧૭ ટકાથી વધીને ૪૮ ટકે પહોંચ્યો હતો પણ મજૂરીનો હિસ્સો ૩૩ ટકેથી ઘટીને ૧૭ ટકા થઈ ગયો હતો. આવી બદતર હાલતમાં મજૂર આંદોલનો અને તેની તીવ્રતા ઘટ્યાં છે.  હડતાળઓમાં  વેડફાયેલા માનવદિવસો અને માલિક-મજૂર વિવાદના કેસોમાં ઘટાડો તેનું પ્રમાણ છે.

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે ભલે ‘હમ એક હૈ’ના નારા બોલાવાય પણ કામદારોની જ્ઞાતિ સભાનતા વર્ગચેતના આણી શકતી નથી. દેશમાં ૭૦,૦૦૦ મજૂર મંડળોનું હોવું કે રાજકીય પક્ષો અને વિચારધારા સાથે જોડાયેલા દસ મોટા કેન્દ્રીય મજૂર સંગઠનોનું હોવું કામદાર એકતા દર્શાવતા નથી. જે અમેરિકાના શિકોગાના મજૂરોની હડતાળની યાદમાં અને અમેરિકી શ્રમિકોની સામાજિક આર્થિક ઉપલબ્ધિઓની યાદમાં દુનિયાભરમાં પહેલી મેના રોજ મજદૂર દિન મનાવાય છે તે અમેરિકામાં કામદાર દિન દર વરસના સપ્ટેમ્બર મહિનાના પહેલા સોમવારે મનાવાય છે! ભારતમાં ડાબેરી મજૂર સંગઠનો પહેલી મેના મજૂર દિનની ઉજવણી કરે છે, પરંતુ જમણેરી મજૂર સંગઠનોની માંગ ૧૭મી સપ્ટેમ્બરની વિશ્વકર્મા જયંતીએ કામદાર દિનની છે! જમણેરી મજૂર સગઠનો કામદારોને ઔદ્યોગિક પરિવાર લેખે અને ડાબેરીઓ વર્ગશત્રુતાના પાઠ પઢાવે તેની વચ્ચે ભારતીય કામદારે તેની બદતર હાલતને બહેતર બનાવવાની છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

સંઘ સો વર્ષનો થઈ રહ્યો છે ત્યારે ચરિત્ર સામે મોટું સંકટ

રમેશ ઓઝા|Opinion - Opinion|9 May 2024

રમેશ ઓઝા

એમ કહેવાય છે કે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉદાસીન છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સંઘના સ્વયંસેવકો જે ઉત્સાહથી ભા.જ.પ. માટે પ્રચાર કરતા હતા તે અત્યારે કરતા નથી. આમ કહેવાય છે એટલા માટે કે સંઘનો સંસાર અને વ્યવહાર કર્ણોપકર્ણ ચાલે છે. સંઘનો જિલ્લા પ્રચારક શાખાસંચાલકને કાનમાં જે કરવાનું હોય એ કહી જાય જે શાખાસંચાલક બીજા દિવસે ચુનંદા સ્વયંસેવકોને કાનમાં કહે. વોટ્સેપ પણ કરવાનો નહીં. આદેશ હંમેશાં મૌખિક જ અને એ પણ કાનમાં જ આપવાનો. આને કારણે તમે ખાતરીપૂર્વક કાંઈ જ ન કહી શકો એટલે એમ કહેવાય છે એમ કહેવું પડે. પણ જે કહેવાય છે એને માટે કારણો પણ છે, એટલે જે કહેવાય છે એ સમજી શકાય એમ છે. આવતા દશેરાના દિવસે સંઘ સોમાં વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે તેની સામે પ્રતિષ્ઠાનું સંકટ પેદા થયું છે. એ કારણો તપાસીએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક “સંઘ” છે અને તેનું મુદ્રવાક્ય છે; “સંઘ શક્તિ કલૌયુગે.” મૂળ શ્લોકમાં કહેવાયું છે કે સતયુગમાં જ્ઞાનની શક્તિ પ્રભાવી હતી, ત્રેતાયુગમાં મંત્રશક્તિ પ્રભાવી હતી, દ્વાપરયુગમાં યુદ્ધશક્તિ પ્રભાવી હતી અને કલિયુગમાં સંઘશક્તિ પ્રભાવી હશે. અત્યારે કલિયુગ ચાલી રહ્યો છે એટલે તેની બતાવવામાં આવેલી શક્તિ સંઘ છે અર્થાત્ સંગઠિત થવામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં “સંઘ” શબ્દ અમસ્તો નથી.

હવે એ તો દેખીતી વાત છે કે જ્યાં સંઘ હોય ત્યાં કોઈ એક વ્યક્તિનું પ્રભુત્વ ન હોય. સંઘ આમ કહેતો પણ આવ્યો છે અને તેને માટે ગર્વ પણ અનુભવતો આવ્યો છે. અમારે ત્યાં વ્યક્તિવાદ નથી તો પરિવાર તો બહુ દૂરની વાત છે એમ સંઘના નેતાઓ અને જનસંઘ/ભા.જ.પ.ના નેતાઓ પણ કહેતા આવ્યા છે. સંઘની રચના પીરામીડ જેવી છે જેમાં સૌથી નીચે શાખા છે અને સૌથી ઉપર અખિલ ભારતીય પ્રતિનિધિ સભા છે. સંઘમાં સીધું લોકતંત્ર નથી, પણ તેનો એવો દાવો છે કે છેક નીચેથી ભાવના અને અભિપ્રાયો જુદા જુદા સ્તરના પ્રચારકો દ્વારા ઉપર તેમના પ્રતિનિધિ સુધી પહોંચતા હોય છે. ઉપર પ્રતિનિધિઓ જે નિર્ણય લે એ નીચે સુધી પહોંચતો હોય છે. નીચેથી ઉપર સુધીનો પ્રવાસ ભાવના અને અભિપ્રાયનો હોય છે અને ઉપરથી નીચેનો પ્રવાસ આદેશનો હોય છે. આને કહેવાય સંઘ. લોકતાંત્રિક સંગઠન અને સંઘમાં આ ફરક છે. સંઘમાં શિસ્ત હોય છે, પણ કોઈ સર્વોપરી નથી હોતું. સ્વયંસેવકોના પ્રતિનિધિઓ દ્વારા સામૂહિક નિર્ણય લેવાય છે, પછી તેનું સ્વરૂપ ભલે આદેશ જેવું લાગતું હોય. ટૂંકમાં સંઘમાં સામૂહિકતા છે અને માટે તે સંઘ છે.

સંઘની શાખા-પ્રશાખાઓ પણ છે. કેટલી છે? આભના તારાની માફક ગણી ગણાય નહીં એટલી. એ શાખા-પ્રશાખાઓ સ્વતંત્ર રીતે પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે છે. આ શાખા-પ્રશાખાઓમાં એક શાખા ભારતીય જનતા પક્ષ છે. ભારતીય જનતા પક્ષ પણ સંઘનો હિસ્સો બનીને કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે અને એવી રીતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પક્ષમાં દરેક સ્તરે ભા.જ.પ.નો સંગઠન મંત્રી હંમેશાં સંઘનો જ હોય. જ્યારે સંઘ પાસે તેના પોતાના રાજકીય નેતાઓ નહોતા અને શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને બલરાજ મધોક સુધીના હિન્દુત્વવાદી પણ સંઘના ન હોય એવા અધ્યક્ષોને ઉછીના લાવવામાં આવતા હતા ત્યારે પક્ષ પર સાચો કબજો સંઘના સંગઠન મંત્રીઓ જ બનતા હતા. દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને લાલકૃષ્ણ અડવાણી અક્ષરસઃ સંગઠન મંત્રીઓ તરીકે પક્ષ પર કબજો ધરાવતા હતા. બહારના અધ્યક્ષો તો નામના હતા. સમય જતાં સંઘમાંથી નીકળેલા નેતાઓ રાજકીય રીતે પરિપક્વ બની ગયા, ચૂંટણીઓમાં ચૂંટાવા લાગ્યા, પક્ષના અધ્યક્ષ બનવા લાગ્યા અને તેમની પોતાની પ્રતિષ્ઠા પણ બનવા લાગી, પરંતુ પેલી સંગઠન મંત્રી સંઘનો જ હોય એવી પરિપાટી કાયમ રહી હતી. આમ તો એ બધા સંઘના જ હતા, પણ ભા.જ.પ.ના થયેલા હતા એટલે પિતૃસંઘના પ્રતિનિધિને સંગઠન મંત્રી બનાવવામાં આવતા હતા.

શા માટે? કારણ કે ભા.જ.પ. રાજકીય પક્ષ છે અને રાજકીય પક્ષને સત્તા સાથે સંબંધ છે અને સત્તાનો સ્વભાવ વધુને વધુ સત્તા મેળવવાનો અને બને ત્યાં સુધી સત્તા નહીં છોડવાનો હોય છે. આ સ્વભાવ છે અને સંઘનો સ્વયંસેવક પણ અંતે માણસ છે. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણીએ વડા પ્રધાન બનવા માટે અટલ બિહારી વાજપેયી કરતાં પણ સવાયા ઉદારમતવાદી બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પાકિસ્તાનમાં પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાની મઝાર પર જઇને ઝીણા સેક્યુલર હોવાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. મઝાર પર જવું અને ઝીણાને સેક્યુલર હોવાનું પ્રમાણપત્ર આપવું એ સંઘ માટે કુફ્ર પ્રવૃત્તિ હતી. આને માટે અડવાણીને દંડવામાં આવ્યા હતા અને તેમને ભા.જ.પ.ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અક્ષરસઃ રાજીનામું સંઘે માગી લીધું હતું. સત્તા મેનકાથી ઓછી લોભાવનારી નથી હોતી. ભલભલાનો સંયમ છૂટી જાય. માટે સંઘ ભા.જ.પ.ને (કે બીજા કોઈ પણ સંગઠનને) પોતાની ભ્રમણકક્ષામાંથી બહાર જવા દેતો નથી અને તે બહાર ન જાય એવી તેણે વ્યવસ્થા કરી છે.

હવે આમાં જો કોઈ સર્વોચ્ચ નેતા પેદા થાય અને તે સંઘની વ્યવસ્થાને તોડે તો શું થાય! માત્ર સંઘની વ્યવસ્થાની ઉપેક્ષા ન કરે, સંઘના નેતાઓની પણ ઉપેક્ષા કરે, સંઘને સૂર્યમાંથી ગ્રહ પણ નહીં, ઉપ-ગ્રહમાં ફેરવે તો શું થાય? નરેન્દ્ર મોદી અને અમિત શાહે સંઘના દ્વિતીય હરોળના નેતાઓને એવી જગ્યાઓમાં ગોઠવી દીધા છે જ્યાં તેઓ વિશેષાધિકાર ભોગવતા થઈ ગયા છે. તેમને પ્રોટોકોલ મુજબ મફત વિમાન પ્રવાસ કરવા મળે, એરપોર્ટ પર લાઉન્જ વાપરવા મળે, લાલ દીવાની ગાડી મળે, સર્કીટ હાઉસમાં જગ્યા મળે, આવાગમન વખતે કોઈ તેમનું સ્વાગત કરે, ચાર-પાંચ સિક્યોરીટી ગાર્ડઝ હોય વગેરે વગેરે. એમાં રાજાપાઠનો એક અનોખો ગળચટો અનુભવ થતો હોય છે. સત્તાના ઝેરથી ભા.જ.પ.ના નેતાઓ ન અભડાય એ સારુ સંઘે ઝેરનું વારણ કરનારી એક વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે સાવ ઊંધુ થઈ રહ્યું છે. સંઘના દ્વિતીય હરોળના નેતાઓને સત્તાનો નશો કરાવવામાં આવી રહ્યો છે.

સંઘ સો વરસનો થઈ રહ્યો છે ત્યારે સંઘ સામે તેનાં પ્રતિષ્ઠિત (અને દુ:શ્મનો દ્વારા પણ સરાહનીય) ચરિત્રની સામે મોટું સંકટ પેદા થયું છે. આના વિષે ભલે ઊઘાડી ચર્ચા ન થતી હોય, પણ ચિંતાનો વિષય તો છે જ. સત્તા ઝેર છે અને સત્તાની રમતમાં પડેલા તેનાથી બચતા નથી એમ મહાભારતકાળથી કહેવામાં આવી રહ્યું છે એ ખોટું નથી. હજુ બે દાયકા પહેલાં સંઘે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાને, કે જેમણે આખી જિંદગી જનસંઘ/ભા.જ.પ.નું પોષણ કર્યું હતું અને એક મોટા પક્ષ તરીકે સ્થાપ્યો તેને હોદ્દા પરથી ઉતારી દીધા હતા. પણ અત્યારે? પૂછે છે કોણ? દસ વરસમાં માત્ર એક વાર નરેન્દ્ર મોદી સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા છે. નરેન્દ્ર મોદી સંઘના એજન્ડાને ભલે લાગુ કરતા હોય, પણ નરેન્દ્ર મોદી સંઘના પ્રસિદ્ધ ચરિત્રથી વિમુખ થઈ રહ્યા છે અને એ રીતે સંઘને નુકસાન પહોંચાડી રહ્યા છે. સંઘ પરિવારમાં માત્ર એક જ સૂર્ય છે અને તેની ફરતે સંઘે પ્રદક્ષિણા કરવી પડે એ કેટલું વસમું પડતું હશે એની કલ્પના તમે કરી શકો છો.

માટે શક્ય છે કે સંઘ ઉદાસીન હોય અને કાનમાં કશીક વાત વહેતી થઈ પણ હોય.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 મે 2024

Loading

ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 May 2024

2019માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં બાંગ્લાદેશ તરફથી ‘શાંતિનિકેતન અને બેલિયાઘાટામાં ગાંધીજી’ની થિમ પર આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો

કવિએ ભલે ભોમિયા વિના ભમવા ચાહ્યું હોય, આપણે સારુ તો કેમ જાણે ભોમિયા રૂપે જ એમણે ચચ્ચાર ‘ગુજરાત સ્તવનો’ રમતાં મૂક્યાં જ છે. એ સ્તવનોના ઉજાસમાં વાત કરતે કરતે આપણે ગયે અઠવાડિયે, બરાબર ગુજરાત દિવસે સ્તો, ગાંધીજી અને રવીન્દ્રનાથ – એકમેકના ‘મહાત્મા’ અને ‘ગુરુદેવ’ કને લાંગર્યા હતા.

પ્રકાશ ન. શાહ

આજે અલબત્ત ખબર નથી કે ગઈ કાલે 7 મે, રવીન્દ્ર જયંતી પર્વે ગુજરાતે એનું મન કેવું ને કેટલું, કઈ દિશામાં આપ્યું છે. હમણાં તો જો કે વખતોવખત લાગ્યા કરતું હોય છે કે ગુજરાતે એમને બંનેને પ્રસંગે યાદ કરવાનો ઉપચાર બાદ કરતાં એકંદરે અભરાઈ રાબેતો જાળવી રાખ્યો છે.

ગાંધીજી અને રવીન્દ્રનાથને મળવાનું તો જરી મોડેથી થયું છે. પણ દક્ષિણ આફ્રિકાના ભાંડુઓની ભાળ લેવા ગયેલા દીનબંધુ (ચાર્લ્સ એન્ડ્રુઝ) મારફતે બંનેના પરોક્ષ સંપર્કની શરૂઆત થઈ હતી. ગાંધી ને એન્ડ્રુઝ તો એટલા નજીક આવી ગયેલા કે એકબીજાને ‘મોહન’ ને ‘ચાર્લી’ તરીકે સહજ સંબોધતા. 

આ પરોક્ષ સંપર્ક અલબત્ત આગળ વધવાને નિરમાયેલો હતો કેમ કે કાયમ માટે ભારત આવવાનું નક્કી કર્યા પછી પોતે આવે તે આગમચ ગાંધીજીએ આશ્રમસાથીઓના એક જથ્થાને શાંતિનિકેતન મોકલી આપ્યો હતો.

શાંતિનિકેતનના પ્રબંધનમાં ત્યારે દ.બા. કાલેલકર કાર્યરત હતા. વતન પરત થઈ ગાંધીજી સાથીઓને મળવા શાંતિનિકેતન ગયા ત્યાં એમનો ને કાલેલકરનોયે પરિચય થયો. (રવીન્દ્રનાથ પાછળથી જરી પ્રણયકલહ પેઠે ગાંધીજીને ફરિયાદ પણ કરતા કે તમે અમારા દત્તુબાબુને લઈ ગયા તે લઈ જ ગયા … પાછા આપવાનું નામ જ નથી લેતા!)

કાલેલકરના મિત્ર કૃપાલાની ત્યારે મુઝફ્ફર કૉલેજમાં ઇતિહાસના અધ્યાપક હતા. કાલેલકરે કૃપાલાનીને લખ્યું કે આફ્રિકાખ્યાત ગાંધી અહીં છે. તું મળવા આવ. આમ તો બેઉ ફર્ગ્યુસોનિયન, હિમાલયના રસિયા સહયાત્રી અને વળી ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે ય કંઈક સંકળાયેલા. પણ હવે એક હિમાલય સદૃશ પ્રતિભાના સંપર્કે નવો અધ્યાય નિરમાયેલો હતો.

કૃપાલાની ને ગાંધીની એ પહેલી મુલાકાત! ‘તેઓ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા.’ કૃપાલાની લખે છે, ‘તે પરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે.’ વળી સટાક ઉમેરે છે, ‘હું પોતે પણ એ જ કરતો હતો.’

એ આરંભિક મુલાકાતોમાં ગાંધીજીના રાજકીય વિચારોની તો કૃપાલાની પર ખાસ અસર નહીં થઈ હોય, પણ ‘હું જોઈ શક્યો કે તેઓ ગરીબો પ્રત્યે કેવળ સહાનુભૂતિ જ નહોતા ધરાવતા, પણ ગરીબોની જેમ જીવવા પ્રયત્ન કરતા હતા. ગરીબો પ્રત્યેનો તેમનો પ્રેમ નહોતો બૌદ્ધિક કે નહોતો વેવલો કે નહોતો ભાવનાપ્રધાન. તેઓ ગરીબોને મુરબ્બીની પેઠે મદદ નહોતા કરતા, તેઓ તેમની સાથે તાદાત્મ્ય અનુભવવા મથતા હતા.’

ગમે તેમ પણ તે પછી બે’ક વરસે ચંપારણની જાતતપાસ માટે જતાં ગાંધીજી મુઝફ્ફરપુરમાં કૃપાલાનીના મહેમાન થયા. ગાંધીજીએ એમને પૂછ્યું કે ચંપારણના પ્રશ્ન વિશે તમે શું જાણો છો. કૃપાલાનીએ જણાવ્યું કે ખેડૂતો સાથે ક્રૂરતાથી વર્તાવ થઈ રહ્યો છે. તે સિવાય મને ખાસ ખબર નથી.

આટલું સંભાર્યા બાદ કૃપાલાનીએ જે ટિપ્પણ કર્યું છે તે અર્થગર્ભ છે : ‘તે જમાનામાં આપણું રાષ્ટ્રાભિમાન એવું હતું કે પાસેના ગામડામાં શું બની રહ્યું છે એની પણ આપણને ખબર નહોતી! આપણે શિક્ષિતો એક અલગ વર્ગ તરીકે રહેતા હતા. આપણી દુનિયા શહેરો અને કસબાઓ તથા આપણા શિક્ષિતો પૂરતી મર્યાદિત હતી. આમજનતા સાથે આપણો સંપર્ક જ નહોતો.’

રાષ્ટ્રપ્રેમ અને સ્વરાજચિંતનનું આ અભિનવ અર્થઘટન જોયું તમે? ગરીબો સાથે મુરબ્બીવટ નહીં પણ તાદાત્મ્યની સાધના – અને દેશ એટલે કોઈ અમૂર્ત કલ્પના નહીં પણ આમજનતા, એનાં સુખ-દુ:ખ, એની સાથે સંધાન.

1922માં અમદાવાદમાં બ્રુમફિલ્ડની કોર્ટમાં (સરકિટ હાઉસમાં) ગાંધીજી પર કેસ ચાલ્યો છે અને સજા થઈ છે. (અદાલતમાં તસવીર તો ક્યાંથી ખેંચાય, પણ ર.મ.રા.નો ‘લંડન ટાઈમ્સ’માં પ્રકાશિત સ્કેચ એક મોંઘેરું સંભારણું છે.) જુબાનીમાં ગાંધીએ પોતાનો વ્યવસાય ખેડૂત અને વણકરનો કહ્યો છે.

સુદૂર બંગાળમાં અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી મિત્ર નોંધે છે કે હું રહું છું ત્યાં નીચેના ભાગમાં એક ગરીબ મુસલમાન વણકર રહે છે. એને ગાંધીની ચળવળ વિશે તો શું ખબર હોય, પણ ‘મારો જાતભાઈ’ પકડાયો છે એ ખયાલે એની આંખોમાં આંસુ આવી ગયાં! ક્રાંતિકારી તે અમે અનુશીલનવાળા … કે આ ગાંધી?

એ જ વરસના ડિસેમ્બરમાં રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા છે ને ગાંધીસૂના આશ્રમમાં ‘એમની ગેરહાજરીથી તમને સૌને કેવું વસમું લાગતું હશે એ હું સમજું છું’ એ ઉદ્દગારો સાથે પોતે ગાંધીજીને મહાત્મા કેમ કહે છે એનીયે હૃદયવાર્તા માંડી છે : ‘મને ખાતરી છે કે મહાત્માજીનો આત્મા તમારી વચ્ચે સક્રિય છે એવું તમે અનુભવી રહ્યા હશો. ‘મહાત્મા’ એટલે મહાઆત્મા, મુક્ત આત્મા … એનું જીવન ‘સ્વ’માં સીમિત નથી … એની જીવનચર્યા સમગ્ર વિશ્વ માટે, સમસ્ત મનુષ્યજાતિ માટે છે, નહિ કે સીમિત જગત અને સંકુચિત જીવન માટે.’

મેનું પહેલું અઠવાડિયું વટાવતે વટાવતે ગુજરાત જોગ જે ઇતિહાસબોલ સાંભર્યા, મહાત્મા ને ગુરુદેવ વાટે, તે અહીં ઉતારતા ઊંબરે ઊભી વાલમબોલ સાંભળતો હોઉં એમ લાગે છે. પણ ગાંધી-રવીન્દ્રે એકવીસમી સદીને કે બેસતી નવી સહસ્ત્રાબ્દીને જે ઇતિહાસ-ખો આપી છે એની સામે ગુજરાત બલકે ભારત ક્યાં છે? ચોથી જૂને એનો એક જાડો જવાબ જડે તો જડે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 08 મે 2024

Loading

...102030...573574575576...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved