Opinion Magazine
Number of visits: 9457084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનો સર્વાંગી વિનાશ થયો છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 May 2024

રવીન્દ્ર પારેખ

એ સાચું છે કે દેખાવ સર્વાંગી વિકાસનો છે, પણ વાસ્તવિકતા એ છે કે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી શિક્ષણ સુધી દરેક સ્તરે મૂલ્યોનું ધોવાણ થયું છે ને એ એકલદોકલનું કામ નથી, એમાં શિક્ષણ વિભાગથી લઈને શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓનો ફાળો છે. આ સહિયારું પાપ છે, એટલે તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ-ને ન્યાયે બધું ચાલે છે. એ ખરું કે શિક્ષણ વિભાગમાં પણ કોઈ શિક્ષણનું હિત ઇચ્છતા જ હશે, શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ મહેનત નહીં જ લેતા હોય એવું નથી કે કોલેજ, યુનિવર્સિટીઓ બધી જ નાહી નાખવા જેવી છે, એવું પણ નથી. તમામ સ્તરે શિક્ષણની ચિંતા હશે જ, પણ જેમ ચિંતા છે, એમ જ ઉદાસીનતા પણ છે જ ને તે મોટે પાયે હોય ત્યારે સહજ અપેક્ષા રહે કે એમાં દેખાવ ખાતર નહીં, પણ ખરા અર્થમાં સુધારો થાય. ક્યાંક પાયાનું કામ થતું જ હશે ને એ જ તો આશ્વાસન છે.

કોરોનાને કારણે માસ પ્રમોશન અપાયું, એ પછી લર્નિંગ લોસને કારણે માર્કસનો ફુગાવો વધ્યો કે ખરેખર વિદ્યાર્થીઓ વધુ હોંશિયાર થયા ને ટકાવારી વધી એ સમજાતું નથી, પણ પરિણામોની ટકાવારી એટલું તો સૂચવે જ છે કે આંક ફરકની રમતમાં શાલેય શિક્ષણ ઘણું આગળ ગયું છે. અગાઉ નાપાસને ઉપલા વર્ગમાં શિક્ષણ અપાયાની ઘટનાઓ બની છે, હવે નાપાસ જ ન થવા દેવા કે ઉપલા વર્ગમાં પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડે – એવી માનસિકતાથી શિક્ષણ વિકસી રહ્યું છે. માર્કસ આપવામાં શિક્ષકોની ઉદારતા બેફામ છે. હવે તો બોર્ડની એક્ઝામમાં પણ અંગ્રેજીમાં 100માંથી 100 માર્કસ આવે છે. એક સમય હતો જ્યારે ભાષામાં કોઈના જ 100માંથી 100 ન આવતા. આ વખતે જો કે, ગુજરાતીમાં 99 આવ્યા છે. એ તો ઠીક, પણ દાહોદ જિલ્લાની ધોરણ ચારની એક વિદ્યાર્થિની એટલી નસીબદાર નીકળી કે તેને આ વર્ષે ગુજરાતીમાં 200માંથી 211 માર્કસ મળ્યા. કદાચ ભૂલ હશે એવું કોઈને લાગે, પણ માર્કશીટ પર સહી સિક્કા છે. એ જ વિદ્યાર્થિનીને ગણિતમાં 200માંથી 212 માર્કસ મળ્યા છે. પરિણામ વાઇરલ થયું તો સ્કૂલે નવું પરિણામ બનાવ્યું ને માર્કસ 200થી ઓછા મૂકાયા.

માર્કસ ઓછા મૂકવા એવું કોઈ કહેતું નથી કે પાસ હોય તેને નાપાસ કરવા એવું પણ કહેવાનું નથી, પણ કોરોના આવ્યો તે અગાઉ 2020ની 10માંની બોર્ડની પરીક્ષા લેવાઈ ચૂકી હતી. તેનું પરિણામ ત્યારે 60 ટકા આવ્યું હતું. તે પરિણામ લાવવા ગણિત જેવામાં 80માંથી 5 માર્કસ આવ્યા હોય તેને ગ્રેસના 21 માર્કસ ઉમેરીને ઘણાંને પાસ કરવા પડ્યા હતા. આ વખતે ધોરણ 10નું પરિણામ 82.56 ટકા આવ્યું છે. એમાં ગ્રેસિંગ અપાયું છે કે કેમ તે નથી ખબર, પણ ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178, ગુજરાતી દ્વિતીય ભાષામાં 6,345, બેઝિક ગણિતમાં 1.04 લાખ, વિજ્ઞાનમાં 81,382, અંગ્રેજી દ્વિતીયમાં 44,703 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગુજરાત રાજ્યમાં ગુજરાતી માતૃભાષા હોવા છતાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ 10 વર્ષ માતૃભાષામાં શિક્ષણ લીધા પછી પણ નાપાસ થાય એ સૂચવે છે કે ભાષાની બાબતે શિક્ષણ વિભાગ કેટલો સજાગ છે. શિક્ષણ વિભાગના પરિપત્રો ગુજરાતીમાં બહાર પડે છે એનો આનંદ છે, પણ એની ભાષા ઘણીવાર એવી હોય છે કે પેલો આનંદ હવા થઈ જાય. એટલું ખરું કે લાખેક વિદ્યાર્થીઓ એક સમયે ગુજરાતીમાં નાપાસ થતા હતા, તે અડધા થયા છે, એટલે ભાષા અંગે આશ્વસ્ત થઈ શકાય એવું ખરું.

શિક્ષણમાં અગાઉ ન હતું એવું એક પરિબળ માર્કેટિંગનું ઉમેરાયું છે. વસ્તુ કે વ્યક્તિ વેચાણ માટે જ હોય તેમ તેની કિંમત નક્કી થઈ ચૂકી છે. ઊંચી ટકાવારી લાવનારના ફોટા વગેરે છપાય તેનો તો શો વાંધો હોય, પણ એ ફોટા છાપીને સ્કૂલો કે ટ્યૂશન કલાસો જાહેરાત દ્વારા આનંદની સાથે આવકના દાખલા નથી જ ગણતા એવું કહી શકાશે નહીં. એક સમય હતો, જ્યારે ટ્યૂશન આપવાં-લેવાંનો વિરોધ થતો હતો, હવે એક જ વિદ્યાર્થી એકથી વધુ વિષયનું ટ્યૂશન લેવા, એકથી વધુ કલાસોમાં વહેલી સવારથી દોડતો રહે એ પરથી એની હોંશિયારી મપાતી હોય તો નવાઈ નહીં. કેટલીક સ્કૂલો તો હવે હાજરી પૂરવાનું કે ફી ઉઘરાવવાનું જ કામ કરે છે ને શિક્ષણનું કામ એ જ સ્કૂલના શિક્ષકો એમના ખાનગી ક્લાસમાં જાહેર ફી ઉઘરાવીને કરતા હોય છે. પ્રમાણિક ભૂલો સમજી શકાય, પણ અમુક તમુક હેતુથી હરામની કમાણી કરવા શિક્ષણનો ને પરીક્ષાનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તે અક્ષમ્ય છે. પ્રવેશ પરીક્ષાઓ મોટે ભાગે આવક ઊભી કરવાનું સાધન છે. એક જ રાજ્યની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓએ કારણ વગર પ્રવેશ પરીક્ષાઓમાં સંડોવાવું પડે, એમાં યુનિવર્સિટીઓ પોતે આપેલાં પરિણામોને જ ચેલેન્જ કરે છે અથવા તો તેનો હેતુ શિક્ષણેતર છે એમ માનવું પડે.

સાધારણ રીતે પરીક્ષામાં પાસ થવા માટે ખરી ખોટી રીતે વિદ્યાર્થીઓ પૈસા ખર્ચતા હોય છે, પણ ચોરી કરાવવા પણ પૈસા ખર્ચે તો આંચકો લાગે. એવો આંચકો નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) માટે 26 જેટલા વિદ્યાર્થીઓએ આપ્યો છે. મેડિકલમાં પ્રવેશ માટે ઊંચું મેરિટ આવે એ માટે પૈસા લઈને ચોરી કરાવવાનું કાવતરું ઘડાયું હતું. ગોધરા પોલીસે ઈમિગ્રેશન એજન્સી રોય ઓવરસીઝના પરશુરામ રોયની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને તેના સાથી આરીફ વોરા ફરાર છે. આ ત્રણે સામે નીટની પરીક્ષામાં ચોરી કરાવવા વિદ્યાર્થી દીઠ 10 લાખ વસૂલવાની વાત સામે આવી છે. 5 મેના એફ.આઇ.આર. મુજબ શિક્ષણ વિભાગની નિરીક્ષણ ટુકડી જય જલારામ સ્કૂલનાં નીટ પરીક્ષા કેન્દ્ર પર તપાસ માટે પહોંચી તો ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ તુષાર ભટ્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા. તુષાર ભટ્ટના મોબાઈલની વૉટ્સએપ ચેટમાંથી વિદ્યાર્થીઓને ચોરી કરાવી વિદ્યાર્થી દીઠ દસ લાખ લેવાનું નક્કી થયું હોવાનું બહાર આવ્યું. તુષાર ભટ્ટ શિક્ષણની સાથે રાજકારણમાં પણ સંકળાયેલા છે. રાબેતા મુજબ એસ.આઇ.ટી.-સીટની રચના આ મામલે પણ કરવામાં આવી છે ને તેણે દસ્તાવેજી કાગળો, કોમ્યુટર, લેપટોપ વગેરે રૉય ઓવરસીઝની ઓફિસમાંથી કબજે કર્યાં છે. તુષાર ભટ્ટ અને પરશુરામ રૉય વચ્ચે ગાઢ મૈત્રી હોવાથી આ ષડયંત્ર શક્ય બન્યું. કાવતરું કરનાર તો કરે પણ, ચોરી કરાવવા દસ લાખ સુધીની રકમ મેડિકલમાં પ્રવેશવા ખર્ચનારા પણ છે એ વધારે આઘાતજનક છે. આવા ‘હોંશિયાર’ મેડિકલમાં પ્રવેશીને કેવી દાક્તરી કરશે તે સમજી શકાય એવું છે. આ બધું જ શિક્ષણમાં, શિક્ષણને નામે થઈ રહ્યું છે ને એનો છેડો દેખાતો નથી. સ્કૂલ, કોલેજમાં તો આ થાય જ છે, પણ યુનિવર્સિટી લેવલે પણ ઓછી બબાલ નથી.

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત પરીક્ષા લેખિત લેવાના આદેશ છતાં, ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન આર્ટ્સ, કોમર્સ કોલેજે મૌખિક પરીક્ષા લઈને NEPનો તો ઉલાળિયો જ કર્યો છે. નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી ત્યારે બે બે ક્રેડિટના ત્રણ વિષયો ભારતીય સંસ્કૃતિ, કળા અને ઇતિહાસ વિષે જાણકારી મળી રહે ને તેની પરીક્ષાઓ ફરજિયાત પણે લેખિતમાં જ લેવાય એવો આદેશ હતો, પણ ગુજરાત યુનિવર્સિટીએ પહેલાં સેમેસ્ટરમાં ત્રણે વિષયોની પરીક્ષા મૌખિક રીતે લેવાનું નક્કી કર્યું. એનો ઊહાપોહ થતાં આ વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાનું ઠરાવાયું. એ હિસાબે બીજા સેમેસ્ટરની ત્રણે વિષયોની પરીક્ષા લેખિતમાં લેવાવી જોઈતી હતી, પણ પરીક્ષાઓ મૌખિક જ લેવાઈ. અમદાવાદ નજીકની ધોળકા-વિરમગામની એક કોલેજમાં તો વિદ્યાર્થીઓની હાજરી પૂરીને માર્કસ આપી દેવામાં આવ્યા તો એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓના કાર્ડ ભેગા કરી માર્કસ મૂકીને કાર્ડ પરત કરી દેવાયા. વાલીઓએ પરીક્ષા લેવા અંગે પૂછ્યું તો તેમને કહેવાયું કે ઘરે જતાં રહો, અમે માર્કસ મૂકી દઇશું. આમ તો અન્ય યુનિવર્સિટીઓએ પરીક્ષાઓ લેખિતમાં લીધી જ છે, પણ ગુજરાત યુનિવર્સિટીએ નિયમોની ઐસી તૈસી કરીને મૌખિક પરીક્ષાઓ લઈને નવી એજ્યુકેશન પોલિસીને નિરર્થક ઠેરવી છે. કઈ યુનિવર્સિટી આઈ કાર્ડ જોઈને માર્કસ આપતી હશે તે નથી, ખબર, પણ ગુજરાત યુનિવર્સિટીએ ચહેરા જોઈને માર્કસ આપવાનું શરૂ કર્યું છે, તે શરમજનક છે.

જોઈ શકાશે કે પ્રાથમિકથી લઈને કોલેજ કે યુનિવર્સિટી કક્ષા સુધી ઘોર બેદરકારી, ષડયંત્ર અને હરામની કમાણી કરવાની નિર્લજ્જ યુક્તિ-પ્રયુક્તિઓ જ સક્રિય છે. માર્કસ એટલે બેફામ બનતા જતા આંકડાઓ જ માત્ર, એવી સમજ ઘર કરતી આવે છે, એનાથી પાસ થવાય છે, એડમિશન મળે છે, નોકરી મળે છે, પણ એને જ્ઞાન સાથે ખાસ લેવા દેવા નથી. કમનસીબી એ છે કે આ આંકડાઓ જ્ઞાન કે હોંશિયારીના સૂચક નથી. એમ પણ લાગે છે કે આંકડાઓ જ રાજ કરવાના હોય ને જ્ઞાન વગર પણ વધુ માર્કસ જ એક માત્ર હેતુ બચતો હોય તો ભણાવ્યા વગર કે સ્કૂલ કોલેજોમાં દોડાવ્યા વગર, ફી લઈને સીધાં જ જોઈતાં પ્રમાણપત્રો વેચવાં જોઈએ, કારણ, છેવટે તો એ જ એડમિશન કે વધુ પરીક્ષાઓ કે નોકરી માટેનો માપદંડ છે. પૈસા હોય તો નોકરી કરી શકાય છે, પૈસા હોય તો ચોરી કરી-કરાવીને પાસ થઈ શકાય છે, નેશનલ એજ્યુએશન પોલિસીની પણ પથારી ફેરવી શકાય છે, ચૂંટણી જીતી શકાય છે ને અભણ હોય તો પણ, મંત્રી થઈને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ.ની મંતરી શકાય છે. ઘણી વાર તો લાગે છે કે પૈસાથી જ બધું થઈ શકતું હોય તો શિક્ષણની જરૂર જ શી છે? એ કેવી વિડંબના છે કે મગરનાં આંસુ, મગરને ન આવતાં, માણસને આવે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 મે 2024

Loading

आई : મરાઠી મારી માતૃ-ભાષા, મારી માની ભાષા

સંજય સ્વાતિ ભાવે|Profile|12 May 2024

સ્વાતિબહેન ભાવે – મેઘશ્રી ભાવે – સંજય ભાવે

પૂનાના મરાઠી પરિવારમાં જન્મ્યો એટલે મરાઠી મારી માતૃભાષા છે એ રૂઢ સમજ બરાબર છે. પણ માતૃભાષા વિભાવનાનો મારે મન એક વિશેષ અર્થ છે. મારી માતા(અને મારા પિતા)ને કારણે મને મળેલી, અને મારી મા – માતૃને કારણે મારામાં સારી રીતે સંગોપાયેલી ભાષા તે મારી માતૃભાષા મરાઠી.

મારાં आई અસલ મરાઠી કહેવતોનો ખજાનો હતાં. વાત કરતાં કરતાં તે વારંવાર કહેવતો વાપરતાં. હમણાં 27 એપ્રિલે आईના સ્મૃતિ દિને મેં અમદાવાદમાં રહેતા અમ ત્રણ ભાઈઓના બૃહદ્દ પરિવારના ગ્રુપમાં आई પાસેથી મને મળેલી પાંત્રીસેક કહેવતોની યાદી મૂકી. હું ચૂકી ગયો હતો તેવી પંદરેક કહેવતો મારા બે ભાઈઓએ ઉમેરી, અને મારી દીકરીએ તેની आजीनी બે કહેવતો નાખી. 

પછી અમસ્તો જ અમારી એચ.કે. આર્ટસ કૉલેજની લાઇબ્રેરીમાં વી.એન. નરવણે સંપાદિત ચાર ખંડોના વિશાળ भारतीय  कहावत संग्रहનાં પાનાં ફેરવતાં વળી મા વાપરતી હોય અને અમે જેને યાદ કરવાની ચૂકી ગયા હતા એવી બીજી દસેક હાથ લાગી. 

आई જૂની મૂડી સમા કેટલા ય શબ્દો પણ વાપરતી, જે અત્યારે અરૂઢ ગણાય, અથવા વપરાશની બહાર હોય. તે બધા મરાઠી સાહિત્યની નિવડેલી પહેલાંની કૃતિઓમાં અચૂક જડે. આટલાં વર્ષે આટલે દૂર રહ્યે પણ સાને ગુરુજી કે પુ.લ. દેશપાંડે વાંચતા એ શબ્દો માણી શકું છું એનું કારણ आई. 

મા થકી ભાષા બીજી પણ એક અજૂગતી રીતે આવી. મા  કામ કરતાં કરતાં રેડિયો પર કેટલાક મરાઠી કાર્યક્રમો અચૂક સાંભળતી. ઉત્તમ ગુણવત્તા ધરાવતા આ કાર્યક્રમો પંદરેક વર્ષ સુધી મારા કાને પડતા રહ્યા છે, અને શ્રવણ એ ભાષા-આકલનનું સહુ પ્રથમ અને પાયાનું માધ્યમ છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. 

आई-भाऊ સવારના મરાઠી સમાચાર સાંભળતા. તેની શરૂઆત ‘अंजनी नरवणे आपल्याला बातमम्या देत आहेत’ (અંજની નરવણે આપને સમાચાર આપી રહ્યાં છે) – એમ થતી. 

સિત્તેરના દાયકામાં રેડિયો પર સવારે હંમેશાં સાંભળવા મળતા વાક્યનો 16 ડિસેમ્બર 2019ના દિવસે જુદો સંદર્ભ મળ્યો. સમાચાર એ હતા કે ભારતીય ભૂમિદળના વડા – ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ, તરીકે જનરલ મનોજ નરવણેની વરણી થઈ છે, જનરલ નરવણે એ અંજની નરવણેના પુત્ર.

સમાચાર ઉપરાંત,અઠવાડિયામાં ત્રણ દિવસ प्रपंच નામે પંદર મિનિટનું રેડિયો નાટક આવે. ઘરઘરમાં પ્રિય એવા આ નાટકમાં મધ્યમ વય અને વર્ગનાં દંપતી(પ્રભાકર પંત અને મીના)નો, રોજબરોજના પ્રશ્નો વચ્ચે ચાલતો ઘરસંસાર હળવાશથી આપણી સમક્ષ કેવળ અવાજથી જીવંત થાય, ત્રીજું પાત્ર તે દંપતીના એક મિત્ર ટેકાડે ભાઉજી. હિન્દીના ‘હવામહેલ’ને કંઈક અંશે મળતો આવતો આ કાર્યક્રમ. રેડિયો-નાટક શબ્દ મરાઠીમાં ભાગ્યે જ વપરાય છે, સરસ શબ્દ ચલણમાં છે श्रुतिका. 

સવારે અગિયાર વાગ્યે મા कामगारांसाठी નામનો વિવિધ પ્રકારના મરાઠી ગીતોનો કાર્યક્રમ સાંભળતી. ગમતાં ગીતોના શબ્દો મેળવવા માટે અમદાવાદમાં તો કોઈ સાધન હતું જ નહીં, એટલે અનુકૂળ હોય ત્યારે હું કાગળ-પેન લઈને સાંભળતો. 

ત્યાર બાદ  બપોરે અઠવાડિયામાં ત્રણ દિવસ મહિલાઓ માટેના ‘વનિતામંડળ’, દર પંદર દિવસે ‘ગૃહિણી’ અને દર શનિવારે ‘આપલે માઝઘર’ નામના પોણા કલાકના કાર્યક્રમો આવે. તેમાં અપાર વૈવિધ્ય અને લોકકેળવણી મળે. માહિતીલક્ષી વાર્તાલાપ, શ્રુતિકા, કાવ્યપઠન, ગીતો, વાર્તાકથન, ઇન્ટવ્યૂઝ, સાંપ્રત સમીક્ષાપત્ર ને એવું કેટલું ય. રસોઈને ભાગ્યે જ સ્થાન હોય,તેને હું નિર્માતાની પ્રગતિશીલ સૂઝ ગણું છું. 

કાર્યક્રમોમાં ભાષા સહિત તમામ પાસાંની ગુણવત્તા આલા દરજ્જાની. આજકાલ એક કાર્યક્રમ  અમારા સ્નેહી પ્રા. જયંત જોશી સાંભળે છે અને મને મને કહે છે Sanjay, you must listen to this Vaneeta Mandal, what quality !’     

કિશોરો માટેનો એક કાર્યક્રમ જે આઈને પણ મારી સાથે સાંભળવો ગમતો તે રવિવારે સવારે આવતો ‘ગમ્મત-જમ્મત’. આ કાર્યક્રમ સહિત બધા કાર્યક્રમોની સિગ્નેચર ટ્યૂન્સ મને અત્યારે પણ યાદ છે. 

ઇચ્છા હોવા છતાં અનેક કારણોસર મરાઠી વાંચવાનું પ્રમાણમાં ઓછું થતું. મમ્મી સાંભળતી તે આ બધા કાર્યક્રમોએ મને સહજ અને આનંદદાયક રીતે મરાઠી ભાષા સાથે જોડેલો રાખ્યો. 

વળી, પાના પર છપાયેલા કે નાના પડદા પર ચિત્રાંકિત ન હોય તેવા, માત્ર શ્રાવ્ય, શ્રવણીય સ્વરૂપમાં પણ ઉત્તમ મરાઠી ભાષા અનેકવિધ લહેંકા-લઢણો, રજૂઆતો, શબ્દોના ઐશ્વર્ય અને સૌંદર્ય સાથે મારામાં ઊતરતી રહી. શ્રેય आईને. 

आई રોજ સાંજે હાથ-પગ-મોં ધોઈને, ફરીથી ચોટલો વાળીને તૈયાર થઈને ભગવાન આગળ દીવો કરતી (દીવો કરવાની એની વળી જુદી જ કલા!). પછી અમને પ્રાર્થના કરાવે, તેને માટે મરાઠીમાં  परवचा નામનો  શબ્દ રૂઢ છે. 

परवचाમાં ‘शुभंकरोति कल्याणम…’, ‘शान्ताकारम भुजंगशयनम..’, અને ‘वक्रतुंड महाकाय…’ શ્લોકો અને  रामरक्षा स्तोत्र સંસ્કૃતમાં, અને બીજા કેટલાંક મરાઠી સંસ્કાર-ભક્તિ મુક્તકો તેમ જ સમર્થ રામદાસના કેટલાક मनाचे श्लोक હોય. બધાંમાં સ્પષ્ટ ઉચ્ચાર, ઘૂંટાયેલો લય અને અપાર માધૂર્ય. परवचाનું એ સંધ્યામંગલ ટાણું મનમાં હંમેશાં જ જાગતું હોય છે.

કેટલાં ય વર્ષોથી ધર્મ, જાતિ, ભગવાન, કર્મકાંડ આ બધી ભાંજગડોમાંથી બહાર આવવાની મથામણ છે, ફુલે – આંબેડકર – ભગતસિંહની વિચારપ્રણાલીમાં મારી સમજ અને મર્યાદા મુજબ માનું છું. 

‘ટાઇમ્સ’ના નોંધપાત્ર કૉલમિસ્ટ સ્વામિનાથન્‌ ઐયર પાસેથી મને મળેલા, અને કેટલાંક જેની સાથે અસંમત હોય તેવા શબ્દ liberal atheist તરીકે ઓળખાવવાનું પસંદ કરું છું; ત્યારે પણ કેટલીક વાર દીવાટાણે એકલા એકલા आईની પાસેથી આવેલું परवचा બોલવાનું બહુ ગમે છે. નાભિસંબંધ એટલે આ જ હશે ને ? 

અમારો પરિવાર કોકણસ્થ બ્રાહ્મણ. વર્ષો લગી એનો વસવાટ અત્યારે પણ આ સમુદાયના ગઢ  ગણાતા શનિવાર-સદાશિવ-નારાયણ પેઠ નામના રહેણાંક વિસ્તારમાં. આ પરિવારો અત્યારે પણ બીજી ઘણી બાબતોની જેમ મરાઠી ભાષાની બાબતમાં આગ્રહી, ક્યારેક દુરાગ્રહી પણ ખરા. 

પુ.લ. દેશપાંડેએ એક માતબર લલિત નિબંધમાં લખ્યું છે તેમ, शुद्ध मराठी या नावाची (એ નામની) एक पुणेरी बोली એ આ કોકણસ્થ બ્રાહ્મણો થકી ઊભી થયેલી. મારાં आई કોકણસ્થ પરિવારના વિમલ તામ્હણકર.એટલે ભાષા મૂળભૂત રીતે રૂઢ અર્થમાં ધોરણસરની. 

તેમાં ય એક જમાનામાં કોકણસ્થોનું પ્રભુત્વ ધરાવતી અને અત્યારે પણ ખૂબ પ્રતિષ્ઠિત એવી  હુજૂરપાગા કન્યાશાળામાંથી મૅટ્રિક થયેલી. તેણે એસ.ટી.સી. – સેકન્ડરી ટીચીન્ગ કોર્સ નામનો કોર્સ પણ કરેલો. 

પૂનાના વસ્તારી કુટુંબના કપરા ઘરસંસારમાં, મોટા ભાગની ભારતીય મહિલાઓની, आईનું  વાંચવાનું અટકી ગયું હોવું જોઈએ. જો કે 1971થી 1978 લગી અમારા અમદાવાદના મેઘાણીનગરના અમારા ઘરે આવતાં ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ અખબાર અને ‘કિસ્ત્રીમ’ તરીકે જાણીતાં ‘કિર્લોસ્કર’-‘સ્ત્રી’-‘મનોહર’ માસિકો, મારાં માટેનાં ‘કિશોર’ અને ‘ચાંદોબા’ (મરાઠી ‘ચાંદામામા’) વાંચતી.     

કેટલુંક મારી પાસે વંચાવતી, વાંચનમાં થતી ભૂલો સુધારતી. અઠવાડિયામાં ચાર દિવસ તેણે શોધેલા કે લખાવેલા ફકરાઓનું સ્લેટ પર ‘શુદ્ધલેખન’ (સુલેખન) કરવાનું, તેમાંની ભૂલો એ સુધારે, જો કે સમજાવી ન શકે. શુદ્ધલેખન અને ઘડિયા લખ્યા પછી ‘ખાઉ’ મળે. 

भाऊ એમ.જે. લાઇબ્રેરીમાંથી મરાઠી પુસ્તકો લાવતાં. બપોરે આડી પડીને आई તે વાંચવા લાગતી, ને વાંચતાં વાંચતા સ્વાભાવિક રીતે જ સૂઈ જતી. મારી આ આદત એની પાસેથી આવી  હોવી જોઈએ.

आई ગુજરાતીમાં સ્વયંશિક્ષિત. અડોશ-પડોશ, કામવાળા અને ફેરિયાવાળા સાથે વાત કરતાં કરતાં અહીંની ભાષા શીખી. ‘ગુજરાત સમાચાર’માંથી મોટા સમાચાર વાંચતી. પપ્પા છાપેલું-લખેલું ગુજરાતી બરાબર સમજે, પણ બોલે એટલે હસાવે. પૂનાથી આવીને ગુજરાતમાં ચાળીસ વર્ષ વીતાવવા છતાં आई-भाऊ અમારાં ઘરમાં મરાઠી અને માત્ર મરાઠી જ બોલતાં, પૂનાનું મરાઠી.   

आई નિરાંતે થોડાં થોડાં પુસ્તકો વાંચતી થઈ એ તો તેની હરવા-ફરવાની ક્ષમતા ઘટી અને પથારીવશ થવા લાગી ત્યારે. એને હું હળવા ગદ્યના ટૂંકા લેખોના સંચયો આપતો, જેમાંથી તે તેની મરજી મુજબ વાંચતી. 

‘નવગુજરાત સમય’માં આવતા મારા લેખો તેનાં સમય અને શક્તિ મુજબ તેની સંભાળ રાખનારાં નાનુબહેનને વાંચી સંભળાવતી. સાવ પથારીવર્ષ વર્ષોમાં પણ તે પુસ્તકો વાંચવાની કોશિષ તો કરતી, અને ખબર નહીં કેમ પણ અંગ્રેજી અખબાર ‘અમદાવાદ મિરર’ના પહેલાં પાને આવતા ટેમ્પરેચરના આંકડા તે ખાસ છાપું તેની પાસે મગાવીને જોતી ! 

મારા લેખો-અનુવાદો છપાય છે, તેનું મારા આખા બૃહદ્દ પરિવારને ગૌરવ. પુસ્તકની પહેલી પ્રત आईને પગે લાગીને આપવાની. મેં લખેલી બે પરિચય પુસ્તિકાઓ અને મારા ત્રણ અનુવાદિત પુસ્તકોની એક-એક નકલ તેના કબાટમાં રાખતી. 

એમાંથી કેટલાક હિસ્સા એણે વાંચ્યા પણ હતા. ક્યારેક તે એમાંથી એકાદ મૂળ પુસ્તક પણ મારી પાસે મગાવતી. કદાચ ચકાસવા માગતી હશે કે માતૃ – ભાષાના પુસ્તકને દીકરો હવે જે એની પહેલી ભાષા (first language) બની ગઈ છે એમાં બરાબર લઈ ગયો છે કે નહીં!

મળી માતૃ – ભાષા મને મરાઠી ! 

માતૃદિન, 12 મે 2024
(1,100 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિપુલભાઈને પાઠવેલ બાપુનો ઉત્તર

આશા બૂચ|Ami Ek Jajabar, Gandhiana|12 May 2024

આશા બૂચ

કોઈ દિવસ ન કરી હોય એવી હિંમત કરી છે. ગંભીર લેખને બદલે થોડી રમૂજ ઉમેરી. ગાંધીજી રમૂજ વિનાની કોઈ વાત સ્વીકારત? 

શબ્દોની પસંદગી અને વાક્યની લંબાઇમાં મેં ખૂબ ધ્યાન આપ્યું. હમણાં નારાયણભાઈ દેસાઈનું ‘મારું જીવન એ જ મારી વાણી’ વાંચું છું, તેના પરથી ગાંધીજીએ આવો જવાબ આપ્યો હોત, એમ ધારીને લખ્યું છે.

• 

થોડા સમય પહેલાં, વિપુલભાઈ કલ્યાણીએ ગાંધીજીને એક પત્ર લખ્યો. “પ્રબુદ્ધ જીવન”ના 07 ઑક્ટોબર 2023ના અંકમાં, એ પ્રકાશિત થયો. તેમણે મને વાંચવા મોકલ્યો. બે-ત્રણ વાર વાંચ્યો, પછી થયું લાવ, બાપુ વતી જવાબ આપવાની હું ધૃષ્ટતા કરું. એમાં વિપુલભાઈની વાત બરાબર હું સમજી છું, એ ચકાસી શકીશ, અને ખાસ કરીને ગાંધીજીના વિચારો કેટલી હદે સમજી શકી છું, એની કસોટી પણ થશે. 

આમ તો સ્વર્ગસ્થ હોય તેની સાથે વાત કેમ થાય? પણ જો પત્ર લખી શકાય તો કદાચ તેઓ ઉત્તર પણ આપતા હશે? આમ તો ગાંધીજીએ કહેલું જ ને કે “મારા વિચારો પર શ્રદ્ધા રાખનાર ભલે હું એકલો રહું, પણ જો તેના પર મારી શ્રદ્ધા અડગ હશે તો હું કબરમાં પણ જીવતો રહીશ અને કબરમાંથી પણ બોલીશ.” કદાચ આજની વિષમ પરિસ્થતિમાંથી ઉગરવા એક પણ માર્ગ ન જડતો હોવાથી ગાંધીજીના એ વચન પરના વિશ્વાસથી પ્રેરાઈને જ વિપુલભાઈએ આ પત્ર લખ્યો હશે. 

આ રહ્યો બાપુનો વિપુલભાઈને પાઠવેલ ઉત્તર ! 

— આશા બૂચ

••••••••••

ચિ. ભાઈ વિપુલ,

તારો પત્ર મળ્યો.

એમાં ચારેક મુદ્દાઓ ખરેખર વિચાર માગી લે તેવા જણાય છે.

પહેલો મુદ્દો એ કે આબોહવામાં થતા ફેરફારો અને તેને કારણે માણસ જાત જ માત્ર નહીં પણ આખી સૃષ્ટિ વિનાશના આરે આવી ઊભી છે અને એ હવે ભય નથી પણ હકીકત છે એ સાચી વાત છે. કુદરતે માનવીની જરૂરિયાતો માટે પૂરતી સામગ્રી આપી છે પણ તેના લોભને પહોંચી વળે તેટલા સંસાધનો નથી, એમ મેં કહેલું તે વીસમી સદીમાં. તમે રહ્યા 21મી સદીમાં જીવતા લોકો. મને પૂછો, કે સો એક વરસ પહેલાં એકવીસમી સદીના અઢી દાયકા વીત્યે દુનિયાની આવી હાલત થશે, એની મને કેવી રીતે જાણ હતી? તો હું તો એટલું કહું કે ભાઈ, મને માનવ જીવનને ખંડમાં નહીં, એક આખા એકમ તરીકે જોવાની આદત; અને તેમાં પણ આજનો વિચાર કરીને સંતોષ ન માનું. વળી આજની આપણી જીવન રીતિની દાયકાઓ, કહોને કે સૈકાઓ પછી તમામ જીવસૃષ્ટિ પર શું અસર થશે એ વિચારવાની ટેવ એટલે મેં એમ કહેલું. હવે, તેને અનુસરવાનું તમ સહુ ઉપર છોડીને હું તો મુક્ત થઈ ગયો!

આશ્રમમાં હતો ત્યારે બાબલો (સ્વ. નારાયણભાઈ દેસાઈ) નાનો હતો, પણ ત્યાં રહીને ઘણી સાચી બાબતો શીખ્યો, જે તમ સહુ સુધી પહોંચાડી. મારા વતી તેનો વાંસો થાબડજો! (કાશ, એ શક્ય હોત!). ભાઈ વિપુલ, બીજા જીવ-જંતુ અને પ્રાણીઓના જીવન નજર નાખીશ તો જોવા મળશે કે એ બધા પોતાના પેટનો ખાડો પૂરવા શિકાર જરૂર કરશે, પણ પોતાના એકને માટે અને જરૂર પૂરતું જ મારણ કરશે, પેટ ભરાઈ જાય તો અધૂરું ભાણું છોડી દેશે. અરે, બાળક માને ધાવતું હોય એ પણ પેટ ભરાય એટલે મોં ફેરવી લે છે. જ્યારે એક માણસ જ એવો છે, જે જરૂરિયાત ખાતર નહીં, પણ ‘ઈચ્છા’, ‘લાલસા’ અને ‘લોભ’ ખાતર વધુને વધુ વસ્તુઓ પેદા કરે, બનાવે, વેચે, સંગ્રહ કરે. એમ કરવા જતાં જંગલો કપાય, ખનીજ સંપત્તિ લૂંટાય, ધરતીના રસકસ ચૂસાય તો એનું રૂંવાડું ય નથી ફરકતું. એટલે જ તો હવે ધરતી મા કહે છે, હવે મારું દોહન બંધ કરો, મારું ધાવણ સુકાય છે. આપણે કાન ખુલ્લા રાખીને સાંભળવું રહ્યું.

બીજો મુદ્દો તમે એકાદશ વ્રતનો ઉઠાવ્યો. માત્ર હિન્દુ ધર્મના જ નહીં પણ દુનિયાના તમામ મુખ્ય ધર્મોના ગ્રંથોમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અસંગ્રહ એ પાંચ વ્રત પાળવાં એવો બોધ આપવામાં આવ્યો છે અને મોટા ભાગના ધર્મપ્રવર્તકોએ તેને સમર્થન આપીને મહદ્દ અંશે પાલન કર્યું છે, એટલે એની સમજ મને નાનપણથી હોય તેમાં નવાઈ શી? અને હા, મારા પિતા અને જેના પર હું ધણીપણું કરવા માગતો હતો એ કસ્તૂરબા પાસેથી હું અહિંસાના પાઠો બહુ નાની વયે શીખ્યો એ મેં જાહેરમાં કબુલ્યું પણ છે. એ શીખ્યા પછી મેં તેનું ચુસ્તપણે પાલન કર્યું કે નહીં એ તમે બધા નક્કી કરો! રહી વાત બાકીના છ વ્રતોની. જેમ જેમ હું માત્ર મારા જ નહીં પણ કોમના હિત માટેના કાર્યોમાં વિસ્તરતો ગયો તેમ તેમ એ લક્ષ્યો સુધી પહોંચવા શરીરશ્રમ, અસ્વાદ, નિર્ભયતા, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી અને સ્પર્શભાવના જેવા વ્રતો ઉમેરવાં આવશ્યક લાગ્યા. આજે તમારી સદીના લોકોને પણ વિચાર કરતાં એ વ્રતો એટલાં જ ઉપયોગી અથવા કદાચ જરૂરી પણ લાગશે એમાં મને જરા ય શંકા નથી.

જુઓ ભાઈ, મારા જીવનકાળ દરમિયાન કેટલાંક દમનકારી કૃત્યો થયાં તેનો સાક્ષી હું થયો, તેમ તમારા યુગમાં પણ બનવાનું જ. દરેક ન્યાયપ્રિય વ્યક્તિએ એટલી સમજ અને હામ કેળવવાની જરૂર છે કે કોઈ પણ કાયદો, નિયમ કે રિવાજ જો બહોળી પ્રજાના હિતમાં ન હોય તો તેનો સવિનય અને અહિંસક પ્રતિકાર કરવો એ માત્ર આપણો અધિકાર જ નહીં, નાગરિક તરીકે ફરજ પણ બની રહે. પછી ભલે એ વિદેશી શાસનકર્તા હોય કે પોતાના જ દેશની સરકાર હોય, રૂઢિ અને રિવાજો લાદનાર પારકો સમાજ હોય કે પોતાનો, અન્યાય સામે માથું ન ઊંચકીએ તો તેના આચરણમાં કેટલેક અંશે ભાગીદાર ન ગણાઈએ શું?

તમે ‘હિંદસ્વરાજ’માં લખેલી વાત સુપેરે સમજ્યા તે સારું છે. એમાં ઉલ્લેખ કર્યો એ સમસ્યાઓ જો હજી ય તમને સતાવતી હોય તો તેમાં ચીંધેલા ઉપાયો અજમાવી જોજો. વેપાર અને ઉદ્યોગો થકી મૂડી ઊભી થાય એ વ્યાપારી કુશળતા અને ઉદ્યમી હોવાનું પરિણામ છે, તેમાં બુરાઈ નથી, પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે તેમ ‘ઈદમ ન મમ’ આ મારા એકલાના ભોગવટા માટે નથી એમ સમજીને તમે એના માત્ર નિધિ રક્ષક છો એટલે ‘તેન ત્યક્તેન ભુંજીથા’ સૂત્રનું પાલન કરીને સમાજના તમારા ભાંડરડાં માટે એનો ઉપયોગ કરો એટલે હાંઉ. ‘બજાર વાદ’ શબ્દ મારા માટે નવો છે. સદીઓથી દેશ દેશાવર ખેડીને વેપાર થતો આવ્યો જ છે, પણ પશ્ચિમના મૂડીવાદ અને જથ્થાબંધ ઉત્પાદનનો રાક્ષસ ભારત જેવા દેશને એટલો ભુખાળવો બનાવી દીધો છે કે એને પગલે ચાલો છો એટલે આઝાદી ટાણે 35 કરોડ જનસંખ્યા હતી તે તમારા કહેવા મુજબ વધીને 1.24 કરોડ થઈ ગઈ છે એને ખાલી પેટ ભરવા પણ બીજી સાત ધરતી જોઈશે તેનો વિચાર કાં ન કરવો? ‘હિન્દ સ્વરાજ’માં લખેલી વાતોની પુષ્ટિ મને તો ત્યારે થયેલી, જો 21મી સદીમાં એ પુરવાર કરતી ન લાગે તો જરૂર તેને એક બાજુ મૂકી દેજો, પણ ઉપભોક્તા વાદના દુષ્ટ, વિનાશક પરિણામો ટાળવા બીજો વધુ અસરકારક મારગ શોધજો, ન લાધે તો મારી વાત ધ્યાનમાં લેજો.

ભાઈ વિપુલ, તમારી ત્રીજી વાત છે, આપણા પૂર્વસૂરિઓએ આપેલી શીખને સમજીને તેનો અમલ કરવાની. મને ઘર આંગણે મારા વડીલો પાસેથી, મારા પિતાજી પાસે આવનારા જ્ઞાનીઓના સત્સંગથી, ‘સત્યવાદી હરિશ્ચંદ્ર’ જેવા નાટકો જોવાથી અને લિયો ટોલ્સટોય અને જ્હોન રસ્કિન જેવા વિચારકોનાં પુસ્તકો વાંચવાથી જે કંઈ સત્ય લાધ્યું એને જીવનભર વળગી રહ્યો. મેં હંમેશાં કહ્યું છે, હું જે કંઈ કરું તે હરકોઈ કરી શકે, કેમ કે હું એક સાધારણ માનવી છું. મારા નામે કોઈ ‘વાદ’ ચાલુ થશે તો મારા કર્યા કારવ્યા ધૂળમાં મળી જશે. એટલે મને એક ‘મહાત્મા’ ગણવાને બદલે મેં જે કંઈ સારાં કામ કર્યાં છે તેને યથાશક્તિ અમલમાં મૂકતા રહો તો તમ સહુને મારા જેવું જ સત્ય લાધશે.

હવે વાત તારા ચોથા મુદ્દાની. તમે જેને ‘બાપુનું તાવીજ’ ગણાવો છો એ વિચારે મારા જીવનની વિષમ પરિસ્થિતિમાં પણ ‘મારે શું કરવું?’ એવી મૂંઝવણ થતી ત્યારે મારે માટે ધોરી માર્ગ મોકળો કરી આપેલો. તમે દેશના વડા પ્રધાન હો, વકીલ હો, ખેડૂત હો કે પોલીસ અમલદાર હો; જો આ મંત્ર નજર સામે રાખો તો તમારું અને જેને માટે કામ કરો છો એ બંનેનું કલ્યાણ થવાનું. નહીં તો દેશનો વડા પ્રધાન આપખુદ બનશે, વકીલ પોતાને મળતા વળતરના બદલામાં નિર્દોષને અન્યાય કરી બેસશે, ખેડૂત જગતનો તાત બનવાને બદલે ધનવાન બનવાના લોભમાં ધરતીનો રસકસ ચૂસવાના પાપમાં ભાગીદાર બનશે અને પોલીસ અમલદાર આમ પ્રજાને સલામત રાખતો સંત્રી બનવાને બદલે પોતે જ એક રૂશ્વત ખોર બદમાશ બની જશે.

ભાઈ, તારો પત્ર લાંબો છે કેમ કે તમારી સમસ્યાઓનો અંત નથી, તમારી વ્યથા ઘણી ઊંડી છે, તો મારો પ્રત્યુત્તર પણ જરૂર કરતાં વધુ વિસ્તાર વાળો થયો, જે મારી પ્રકૃતિથી વિરુદ્ધ છે. બધા પત્રોનો જવાબ આપવાની મારી આદત. હવે તું ટૂંકા પત્રો લખજે અને હું બે લીટીના મંત્ર આપીશ.

મહાત્મા ખરોને?

બાપુના આશિષ 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...569570571572...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved