Opinion Magazine
Number of visits: 9664935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાંઈક બોલો તો વાત થાય

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪ સુધી એવી એક વણલખી પરિપાટી હતી કે દેશની ઘરઆંગણેની રાજકીય બાબતોની વાત વિદેશમાં નહીં કરવાની. તમારે તમારા વડા પ્રધાનની વિદેશની ભૂમિ ઉપર પ્રસંશા કરવી હોય તો કરો અને ન કરવી હોય તો ન કરો, ટીકા નહીં કરવાની. બીજી બાજુ વડા પ્રધાન કે શાસક પક્ષનો કોઈ પણ નેતા વિદેશની ભૂમિ ઉપર એમ નહોતો કહેતો કે વિરોધ પક્ષો મને કામ કરવા નથી દેતા કે વિરોધ પક્ષોનો ઇતિહાસ ભૂંડો છે. બીજી પરંપરા એ હતી કે વિદેશનીતિ વિષે વિદેશની ભૂમિ પર જઇને રાષ્ટ્રીય સંમતિ બતાવવાની, મતભેદ પ્રગટ નહીં કરવાના. એ સંયુક્ત રાષ્ટ્રસંસ્થા હોય કે બીજું કોઈ પણ પ્લેટફોર્મ હોય દરેક પક્ષના લોકો એક અવાજમાં વાત કરે. એ મંચ પર ભારતનું પ્રતિનિધિમંડળ ગયું હોય તો એ બધા જ પક્ષોનું બનેલું હોય. ઘણીવાર તો તેની અધ્યક્ષતા વિરોધ પક્ષનો નેતા કરે જે રીતે પી.વી. નરસિંહ રાવના સમયમાં યુનોની માનવ અધિકાર  સમિતિમાં પાકિસ્તાને કરેલી ફરિયાદ વિષે ભારત વતી રજૂઆત કરવા જે પ્રતિનિધિ મંડળ ગયું હતું તેનું નેતૃત્વ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું અને એ સમયના વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ તેના એક સભ્ય માત્ર હતા.

અને એવું પણ બન્યું છે કે ભારતના કોઈ રાજકીય નેતાને વૈદકીય સારવારની જરૂર હોય તો તેને અમેરિકા કે એવા પ્રગતિશીલ દેશમાં જનારા સત્તાવાર પ્રતિનિધિ મંડળનો સભ્ય બનાવવામાં આવે અને એ રીતે સરકારી ખર્ચે ઈલાજ કરાવી આપવામાં આવે. ૧૯૮૬માં રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયીને આ રીતે અમેરિકા મોકલ્યા હતા અને કહ્યું હતું કે “વાજપેયીજી મુઝે માલુમ હૈ કિ આપ કો કિડની કી સમસ્યા હૈ. આપ અમેરિકા જાકે પૂરી તરહ ઈલાજ કરવાકે હી લૌટેંગે. એ સમયે ભા.જ.પ.ની લોકસભામાં માત્ર બે બેઠકો હતી. કેટલી? માત્ર બે અને અટલ બિહારી વાજપેયી પોતે ચૂંટણી હારી ગયા હતા. બીજી બાજુ કાઁગ્રેસની લોકસભામાં ૪૧૪ બેઠકો હતી.

પણ આ બધી ૨૦૧૪ પહેલાંની વાતો છે. ગર્વ લેવા જેવી લાગતી હોય તો ગર્વ લો. એનો અર્થ એવો નથી કે રાજકીય નેતાઓ એકબીજાની ટીકા નહોતા કરતા. વિદેશી અખબારો કે સમાયિકોમાં મુલાકાત આપતી વખતે કરતા પણ ખરા, પરંતુ મુખ્યત્વે આર્થિક બાબતો વિષે. ભારતે જમણેરી આર્થિક નીતિ અપનાવવી જોઈએ અને કર્તૃત્વવાન ભારતીય સાહસિકોને સરકારી નિયંત્રણોથી મુક્ત સાહસ કરવાની તક આપવી જોઈએ એમ સી. રાજગોપાલાચારીએ અનેક વાર કહ્યું છે. એ જ રીતે ડાબેરી નેતાઓ સમાજવાદની વકીલાત કરતા અને વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓ તરફી છે એવી ટીકા પણ કરતા. ભારતના મૂડીવાદી, સામ્યવાદી અને સમાજવાદી નેતાઓ જે તે ફોરમમાં ભાગ લેવા વિદેશ પણ જતા અને પોતાનાં દૃષ્ટિકોણ રજૂ કરતા. પરંતુ તેઓ ક્યારે ય વિદેશની ભૂમિ પર કે વિદેશી અખબારોમાં ભારતની વિદેશનીતિની ટીકા નહોતા કરતા. અંગત ટીકાનો તો સવાલ જ નથી. આ વણલખી પરંપરા હતી અને તેનું પાલન કરવામાં આવતું હતું.

આનો અર્થ એવો પણ નથી કે ભારતમાં શું બની રહ્યું છે એની જગતને જાણ નહોતી. બધાને બધી જ ખબર હોય છે. ભારતના વિદેશ મંત્રાલયમાં લગભગ સોએક જેટલાં ડેસ્ક છે. કોઈ ભારત માટે મહત્ત્વનો દેશ હોય તો એ દેશ માટે અલાયદું ડેસ્ક. આ સિવાય નાટો દેશો માટેનું ડેસ્ક, યુરોપિયન યુનિયન માટેનું ડેસ્ક, પેસિફિક દેશો માટેનું ડેસ્ક, મુસ્લિમ દેશો માટેનું ડેસ્ક વગેરે વગરે. એમાં જે લોકો હોય છે એ લોકો જે તે દેશ કે પ્રખંડના જાણકાર હોય અને વર્ષો સુધી તેનો હવાલો સંભાળતા હોવાને કારણે નિષ્ણાત બની ગયા હોય. તેમની પાસે જગતના દેશોની એટલી ઝીણામાં ઝીણી જાણકારી હોય છે જેટલી એ દેશના પત્રકાર પાસે ન હોય. અને જગતના દરેક મહત્ત્વના દેશો પોતપોતાના વિદેશ મંત્રાલયમાં આવા ડેસ્ક રાખતા હોય છે. માટે બધા દેશોને બધી જ ખબર હોય છે કે ક્યાં શું બની રહ્યું છે અને કયા દેશનો શાસક કેવો છે. પરંતુ રાજકીય નેતાઓ ખાનદાની જાળવતા.

૨૦૧૪ પછીથી આ પરંપરા તૂટી અને એ પરંપરા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તોડી. લગભગ પંદર કરતાં વધુ વખત વિદેશની ભૂમિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુની, કાઁગ્રેસની સરકારોની, કાઁગ્રેસ પક્ષની, આગલી તમામ સરકારોની ટીકા કરી છે. વડા પ્રધાને પરંપરા તોડી એટલે હવે બીજા નેતાઓ પરંપરા તોડવા લાગ્યા છે. મુખ્યત્વે રાહુલ ગાંધી ટીકા કરી રહ્યા છે.

પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવતી ટીકામાં અને નરેન્દ્ર મોદી દ્વારા વિદેશમાં કરવામાં આવતી ટીકામાં એક ફરક છે. નરેન્દ્ર મોદી તેમના પુરોગામીઓને અક્ષમ, દૃષ્ટિહીન, નિર્ણયશક્તિનો અભાવ ધરાવનારા, અંગત એજન્ડા ધરાવનારા શાસકો તરીકે ઓળખાવે છે અને એ દ્વારા તેઓ એમ કહેવા માગે છે કે ભારતને પહેલીવાર જેવો નેતા મળવો જોઈએ એવો નેતા મળ્યો છે. રાહુલ ગાંધી તેમનાથી ઊલટું નરેન્દ્ર મોદીના શાસનની ટીકા નથી કરતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્ર વિશેની વિચારધારા, એ વિચારધારાને વરેલા હિંદુ શાસકોની શાસનશૈલી, સહિયારા સેક્યુલર લોકતાંત્રિક ભારતનો નકાર અને સત્તાનો દુરુપયોગ કરીને તેને કમજોર કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિની ટીકા કરે છે. તેઓ કહે છે કે ઉપનિષદો, બુદ્ધ અને ગાંધીનો ભારત દેશ, જેને બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને વિશ્વદેશો અનેક રાષ્ટ્રો એક રાષ્ટ્રમાં કઈ રીતે સાથે જીવી શકે એમ કહીને સહઅસ્તિત્વની મિસાલ આપતા રહ્યા એ ભારત પર સંકટ છે. ભા.જ.પ. સહિત આખો સંઘપરિવાર સમસમી ગયો છે એ આ કારણે.

તેઓ શું એમ માને છે કે તેમની હિંદુ રાષ્ટ્રની કલ્પનાથી જગત અપરિચિત છે? આગળ કહ્યું એમ જગતને બધી જ ખબર છે. ‘ઈકોનોમિસ્ટ’ નામના સામયિકે દસ વરસમાં ત્રણ વખત નરેન્દ્ર મોદી વિષે કવર સ્ટોરી કરી છે અને ત્રણેય સ્ટોરીમાં તેમને એ જ રીતે ઓળખાવવામાં આવ્યા છે જે રીતે આપણે તેમને ઓળખીએ છીએ. આવું જ જગતના તમામ અખબારો અને સામયિકોનું. વિદેશના કોઈ સામયિકે નરેન્દ્ર મોદીને ગરીબો માટે લાગણી ધરાવનારા, મૂલ્યનિષ્ઠ વિકાસલક્ષી શાસક તરીકે ઓળખાવ્યા હોય એવું એક ઉદાહરણ બતાવો. જગતના લોકશાહી દેશોના શાસકો આડકતરી રીતે સંભળાવીને જાય છે. લોકશાહી, માનવઅધિકારો અને અંગત સ્વાતંત્ર્યની વકીલાત કરતાં જગતનાં અનેક ફોરમોમાં ભારતનાં શાસકોની ટીકા કરવામાં આવે છે અને વિવિધ રેટિંગમાં ભારતની સાખ નીચે નીચે ગઈ છે.

કોણ નથી જાણતું આ બધું? પણ ભારતનો વિરોધ પક્ષનો નેતા વિદેશમાં જઇને જો એ જ વાત કહે તો તેમાં દેશદ્રોહ નજરે પડે છે.

પ્રામાણિકતાનો તકાજો એ છે કે જો તમે હિંદુ રાષ્ટ્રમાં માનતા હો અને બંધારણમાં કલ્પવામાં આવેલું ભારતીય રાષ્ટ્ર સ્વીકાર્ય ન હોય તો કહો ને કે અમારી ભારતીય રાષ્ટ્રની વિભાવના અલગ છે. ઘર આંગણે તો હિંદુ રાષ્ટ્રની વાત કરો જ છો ને! જે ઈચ્છો છો એ કહી બતાવો. એક વાર કહી બતાવશો એ પછી કોઈ રાહુલ ગાંધી ટીકા નહીં કરી શકે. વધુમાં વધુ પ્રતિવાદ કરશે કે તેમની કલ્પનાનું ભારત રાષ્ટ્ર અમને સ્વીકાર્ય નથી, પણ એમ નહીં કહે કે તેઓ કહે છે એક અને કરે છે જુદું. આવું કહેવા માટેનો મોકો સંઘપરિવાર પોતે હિંદુરાષ્ટ્રની રૂપરેખા નહીં આપીને અને જગતમાં તેને છૂપાવીને આપે છે. જો કલ્પના સ્પષ્ટ કરશો તો જગત પણ ચર્ચા કરશે કે બહુમતી રાષ્ટ્રવાદ નરવો અને નિર્દોષ કઈ રીતે હોઈ શકે એ સમજવાનો ભારતનાં હિન્દુત્વવાદી નેતાઓ પાસેથી પ્રયાસ કરીએ. તેઓ કદાચ બે મહત્ત્વની સલાહ પણ આપી શકે. નરવો અને નિર્દોષ બહુમતી રાષ્ટ્રવાદ વધારે સ્ફુટ થશે. એવું પણ બને કે ભારતના હિન્દુત્વવાદી નેતાઓ જગત માટે પથદર્શક બને. આમ પણ વિશ્વગુરુ તો આપણે છીએ જ! બોલો તો વિમર્શ થાય, બોલો તો કલ્પના વધારે સમૃદ્ધ થાય, બોલો તો કોઈ રાહુલ ગાંધીની મજાલ નથી કે મટકી પર કાંકરી મારે, માટે બોલો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

એક દેશ, એક ચૂંટણીઃ બંધારણીય ફેરફાર અને ખર્ચાના સંતુલન સાથે પડકાર સંહિતા બનશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 September 2024

અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે

ચિરંતના ભટ્ટ

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘એક દેશ એક ચૂંટણી’ને મંજૂરી આપી છે. દેશમાં બધી જ ચૂંટણી એક સાથે યોજાય તે માટે ભા.જ.પા.ની કવાયત બહુ લાંબા સમયથી ચાલતી હતી અને આખરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિના સૂચનોને સ્વીકારી લેવાયા. કેન્દ્ર સરકારનો દાવો છે કે આમ થશે તો ચૂંટણીની આખી પ્રક્રિયા, પરિણામ તમામમાં મોટા સુધારા આવશે. નરેન્દ્ર મોદીની સરકારને 100 દિવસ પૂરા થયા અને તેને ચિન્હિત કરવાના આશયથી 100 દિવસ પછીની પહેલી કેબિનેટમાં આ નિર્ણય લેવાયો. આ નિર્ણય પાછળની મહત્ત્વાકાંક્ષા અને તેની સારી માઠી અસરોને નાણવી અનિવાર્ય છે.

1951થી 1967 સુધી આખા દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થતી હતી. પહેલીવાર એ ક્રમ ત્યારે તૂટ્યો જ્યારે કેરળમાં વર્ષ 1957ની ચૂંટણીમાં ઇ.એમ.એસ. નંબૂદરીપાદની ડાબેરી સરકાર બની. જો કે ત્યારે આ સરકારને તત્કાલિન સરકારે કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન અમલમાં મૂકીને રદ્દ કરી, હટાવી અને પછી 1960માં કેરળમાં ફરી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. એ પછી 1999માં લૉ કમિશનના અહેવાલમાં ફરીવાર એ સૂચન કરાયું કે આખા દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઇએ જેથી વિકાસની કામગીરી પણ એક સાથે થાય. ત્યારે એવો તર્ક કરાયો હતો કે ચૂંટણી એક સાથે થાય તો અધધધ ખર્ચો ન થાય વગેરે અને પછી એ વાત ફરી નેવે મુકાઈ ગઇ.

ભા.જ.પા. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી તો લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની તરફેણ કરી રહ્યા હતા, 2019માં પણ આ ચર્ચા છેડાઇ હતી. ભા.જ.પા. સરકાર પણ 1999ના અહેવાલમાં જે કારણો અપાયા હતા તેને જ આગળ કરે છે.  તેમના મતે ભારતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે, અલગ અલગ તબક્કામાં યોજાતી આવી છે જેને કારણે વિકાસના કાર્યો ખોટકાય છે, વહીવટી કામો પર અસર પડે છે કારણ કે સરકારી કર્મચારીઓ ચૂંટણીની ડ્યૂટી પર હોય છે. આ બધાં કારણોને ગણતરીમાં લઇને જો ચૂંટણી એક સાથે થાય તો સમય અને પૈસા બન્નેની બચત થાય. મતદારોની સંખ્યા વધે કારણ કે વારેવારે અલગ અલગ ચૂંટણી માટે મત આપવા નહીં જવાનું હોય તો લોકો મત આપવામાં રસ લેશે. વળી એક દેશ એક ચૂંટણીની વ્યવસ્થામાં પ્રશાસન અને સુરક્ષા દળોની કામગીરી એક જ વારમાં પૂરી થઇ જશે, દર થોડા વખતે આખું તંત્ર એ દિશામાં દોડતું નહીં થાય. આ તો સત્તાપક્ષની પોતાની ધારણા છે, પણ ભારતમાં એવું તે છે નહીં કે કેન્દ્રમાં ભા.જ.પા.ની સત્તા હોય તો બધા જ રાજ્યોમાં પણ ભા.જ.પા.ની જ સરકાર હોય – આવા સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચૂંટણી ટાણે સુમેળ સાધવો અઘરો જ હોય તે સ્વાભાવિક છે.  કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે ઘર્ષણ થાય એને ખાતર પણ વ્યવહારિક રીતે એક દેશ એક ચૂંટણીનો વિચાર યોગ્ય નથી. સીધી વાત છે કે ધારો કે અચાનક જ એક દેશ એક ચૂંટણી જાહેર થઇ જાય તો જે રાજ્યોમાં બીજા પક્ષની સરકાર હોય ત્યાંની વિધાનસભા ભંગ કરવી પડે અને અશાંત સંજોગો ન હોય તો પછી કેન્દ્ર ચૂંટણી ખાતર વિધાનસભા ભંગ ન કરી શકે. વળી એક સાથે ચૂંટણી થાય તો જ્યાં જ્યાં બીજા પક્ષોની વિધાનસભા હોય એ ભંગ થઇ જાય. કોઇપણ રાજ્યની વિધાનસભાને નક્કર કારણ વગર કાર્યકાર પહેલાં જ ભંગ કરાય તો બંધારણ કી ઐસી તૈસી કરી નાખી હોય એવી સ્થિતિ ખડી થાય. વગર કારણ બંધારણીય સંકટ ઊભું ન કરવું જોઇએ. વળી બધી ચૂંટણી એક સાથે વાળી સ્થિતિમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીનું શું થાય? – એ કામ તો રાજ્ય સ્તરના ચૂંટણી પંચનું છે જે કેન્દ્ર કરતાં તદ્દન જુદું પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અધિકારોને લઇને ચોક્કસ વિવાદ થાય. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના સો દિવસની અંદર જ આ ચૂંટણીઓ કરાવવાનો પ્રસ્તાવ કરાયો છે.

ચૂંટણી એક સાથે કરવા માટે ઘણાબધા ફેરફાર કરવા પડે તે સ્વાભાવિક છે. ધારો કે લોકસભાની ચૂંટણી થઇ જાય પછી અઢી વર્ષે – બરાબર મધ્યકાળે કેન્દ્ર સરકાર પહોંચી હોય ત્યારે જો રાજ્યમાં ચૂંટણી થાય તો લોકો પોતાની નારાજગી કે હરખ બન્ને મત આપીને દર્શાવી શકે અને જો રાજ્ય સરકાર – વિધાનસભામાં નવો પક્ષ આવે તો તેમણે પાંચ વર્ષ નહીં પણ જેટલી ટર્મ બાકી હોય એટલો સમય જ રાજ્ય કરવાનું અને પછી ફરી ચૂંટણીનો મોકો મળે. પાંચ વર્ષ સુધી એક જ સત્તા રાજ્ય સ્તરે પણ બેઠેલી રહે અને લોકોમાં અસંતોષ ફેલાય તો અરાજકતા સર્જાઈ શકે છે. ગમે ત્યારે કોઇપણ સરકાર ભંગ થાય તો આખો દેશ ફરી ચૂંટણી લડવા બેસશે? આપણે ત્યાં ચૂંટણી યોજવા માટેની તકનિકી મશીનરીમાં જો અત્યારે પણ મર્યાદા નડતી હોય તો એક સાથે ચૂંટણી થાય ત્યારે પણ એ નડવાની જ. મશીન, પ્રિસાઇડિંગ ઑફિસર, સુરક્ષા દળો બધું જ મોટી સંખ્યામાં હોય તો જ આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે.

મોદી સમર્થકો અને નરેન્દ્ર મોદી પોતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવું ઇચ્છે છે કારણ કે તેમના મતે ‘મોદી લહેર’ના ફાયદો રાજ્ય સ્તરે મેળવી શકાશે. વિરોધપક્ષોને તેની જ ચિંતા છે કે જો આવું થયું તો ભા.જ.પા. વગર કારણનો લાભ ખાટી જશે. વળી એક સાથે ચૂંટણી થાય તો લોકો રાજ્યોના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પ્રશ્નોને મહત્તા આપે અને આવામાં રાજકીય સ્તરનો વહીવટ ખાડે જાય. વળી લોકશાહીની ચિંતા કર્યા વિના એક દેશ એક ચૂંટણીના મુદ્દાની ચર્ચા થઇ જ ન શકે. મતદારોને પોતાના અણગમા, અસંતોષ, રોષ બધું જ દર્શાવવા માટેની નિયમિત તક મળે એ જરૂરી છે. એક વાર સરકાર આવી ગઇ પછી જો પાંચ વર્ષ ચૂપચાપ એ જ સરકારને ચલાવી લેવાની હોય અને પછી સત્તાના મદમાં સરકાર નાગરિકોનું હિત નેવે મૂકે તો જનતા બિચારી ક્યાં જાય? લોકશાહીના રક્ષણ કાજે પણ બહુ વિચારીને જ આ ફેરફાર કરવા જોઇએ નહીંતર પછી સત્તા સામે કોઇ ચું કે ચાં નહીં કરી શકે.  પ્રાદેશિક પક્ષો એક દેશ, એક ચૂંટણીનાં પક્ષમાં નથી.

બંધારણીય ફેરફાર કરવા સહેલા નથી કારણ કે જે અમુક પક્ષને ઠીક લાગશે તે બીજાઓને અયોગ્ય લાગે એવી પૂરી શક્યતા છે એટલે બે સભાઓમાં બે તૃતિયાંશ બહુમતીની મંજૂરી મળવામાં લાંબો સમય લાગે. અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે. 2025માં દિલ્હી અને બિહાર બન્ને રાજ્યોમાં ચૂંટણી થવાની છે તો આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં રાજ્યોએ ચૂંટણી યોજવાનો વખત આવશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર જેવા રાજ્યોમાં 2027માં લોકસભાની ચૂંટણી થશે તો એક દેશે એક ચૂંટણીને પગલે તેમને માત્ર બે વર્ષ સુધી સત્તા કરવા મળશે અને પછી નવેસરથી ચૂંટણી કરવી પડશે. વળી હિમાચલ પ્રદેશ, મેધાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને તેલંગાણામાં વિધાનસભાની ટર્મ 2028માં પૂરી થવાની છે તો ચૂંટણી કર્યા વિના આ રાજ્યો વહીવટ ન કરી શકે તે પણ સ્વાભાવિક છે. આ સંજોગોમાં ભારતીય ચૂંટણી પંચ કઇ રીતે રાજ્યના ચૂંટણી પંચ સાથે તાલ બેસાડશે એ જોવું રહ્યું – આ બાબતોનું અમલીકરણ જટિલ છે.

બાય ધી વેઃ 

મોટાભાગના પક્ષોનું માનવું છે કે એક દેશ એક ચૂંટણી જેવા વિચારનો લાભ ભા.જ.પા. અને કાઁગ્રેસ જેવા પક્ષોને વધારે મળે જ્યારે નાના પક્ષો માટે એક સાથે રાજ્યોમાં, સ્થાનિક સ્તરે અને લોકસભા માટેનો પ્રચાર કરવાનું મુશ્કેલ થઇ જશે. બંધારણનો અભ્યાસ કરીને ફેરફારનું સૂચન કરવું એક બાબત છે પણ તે લાગુ થાય એ માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે કારણ કે આખરે આ બંધારણમાં ફેરબદલ કરવાની વાત છે. વળી ભલે કેન્દ્ર સરકાર ખર્ચો ઘટાડવાની વાત કરે છે પણ ચૂંટણી પંચે 2024માં જો એક સાથે ચૂંટણી થાય તો 5,100 કરોડનો વધારાનો ખર્ચ થાય તેવો સંકેત આપ્યો હતો. 2029માં એક દેશ એક ચૂંટણીને નાતે 8,000 કરોડે આ ખર્ચ પહોંચી શકે છે. જો કે લોકશાહીમાં લોકોની ઇચ્છા વિના કંઇ ન થઇ શકે. અહીં ચૂંટણી ખર્ચ કરતાં તેમાં પારદર્શિતા અને ન્યાયી પદ્ધતિ વધુ અગત્યની બાબતો છે. મતદાર પર પાંચ વર્ષ સરકાર બેસાડી દેવી અને તેમને પોતાનો અસંતોષ રજૂ કરવાની તક ન મળે તો એ લોકશાહીની વિરુદ્ધ છે. વિદેશમાં તો રાજ્ય સ્તરે મતદારો ચૂંટાયેલી સરકાર પાછી ખેંચી લેવાની માંગ કરી શકે છે પણ શું આપણા સત્તાધીશ આવી લોકશાહી સાંખી શકશે? અરે હા, જ્યાં ભા.જ.પા.ની સરકાર છે એવા રાજ્યોના મુખ્ય મંત્રી પણ પોતાની વિધાનસભા ટર્મ પહેલાં ભંગ કરવા નથી માગતા ત્યારે સવાલ એ છે કે ભા.જ.પા. આ મુદ્દે પોતાના જ બધા સભ્યોને સંમત નથી કરી શકી તો બીજા પક્ષોને આ વાત કેવી રીતે મનાવશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનું શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2024

રમેશ ઓઝા

૨૦૧૦ પછી પહેલીવાર એવી સ્થિતિ પેદા થઈ હતી કે જો કોઈ પક્ષ પાસે દૃષ્ટિસંપન્ન અને કર્તુત્વવાન નેતૃત્વ હોય તો તે કાઁગ્રેસને રાજકીય પરિદૃશ્યમાંથી કાયમ માટે નહીં તો પણ દાયકાઓ સુધી દૂર ધકેલી શકે. કાઁગ્રેસથી જનતા નારાજ હોય અને કાઁગ્રેસને રાજ્યોમાં અને કેન્દ્રમાં પરાજીત કરી હોય એવા અનેક પ્રસંગ બન્યા છે, પરંતુ કાઁગ્રેસ સામે જનતાનો આટલો ગુસ્સો પહેલીવાર જોવા મળ્યો. અભૂતપૂર્વ. એટલે તો કાઁગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકો સુધી નીચે આવી ગઈ. કાઁગ્રેસને કાયમ માટે અથવા દાયકાઓ સુધી દૂર ધકેલી શકાય એમ હતી એનું બીજું કારણ કાઁગ્રેસ પક્ષની સ્થિતિ હતી. નેહરુ-ગાંધી પરિવારની વગ તળિયે હતી અને પક્ષમાં એવો કોઈ નેતા નહોતો જે પક્ષને પાછો બેઠો કરી શકે. પક્ષને પાછો બેઠો કરવો હોય તો ઓછામાં ઓછા બે દાયકા દિવસરાત મહેનત કરવી પડે, પરંતુ જ્યાં સત્તા જ એકમાત્ર લક્ષ્ય હોય ત્યાં એ કોણ કરે અને શા માટે કરે?

ટૂંકમાં કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી બહાર ફગાવી દેવા માટેનો અપૂર્વ અવસર હાથ લાગ્યો હતો, પરંતુ એમાં એક શરત હતી. કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર ધકેલવા માગનારાઓએ અને તેની જગ્યા લેવા માગનારાઓએ પહેલાં એ સમજી લેવું જોઈએ કે આખરે જનતા કઈ વાતે કાઁગ્રેસથી નારાજ છે? તેમને શું જોઈએ છે અથવા નથી જોઈતું? અને જનતાને જે જોઈએ છે એ આપવામાં નહીં આવે તો જનતા તેમને પણ દરવાજો બતાવી શકે છે.

અરવિંદ કેજરીવાલ

પહેલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા. તેમને એમ લાગ્યું કે જનતા ભ્રષ્ટાચારથી નારાજ છે એટલે તેમની સામે ઉચ્ચ શિક્ષિત, ત્યાગી, બુદ્ધિમાન, કોઈ પ્રકારનો અંગત સ્વાર્થ નહીં ધરાવનાર, પવિત્ર અને સ્વચ્છ હોવાની ઈમેજ લઈને જશું તો બેડો પાર થઈ જશે. અમે ભ્રષ્ટાચારની બાબતે કોઈની સાડીબાર નહીં રાખનારા નો નોનસેન્સ લોકો છીએ અને સ્વચ્છ વ્યવસ્થાનો અમારી પાસે અકસીર ઈલાજ છે. તેમને સફળતા મળી ન મળી ત્યાં નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા. તેમને એમ લાગ્યું કે ભારતની પ્રજાને નવા યુગમાં જવું છે. તે નિરાશ છે અને એટલી હદે નિરાશ છે કે હવે પ્રજાએ સપનાં જોવાનું બંધ કરી દીધું છે. તેમને એવો કોઈ શાસક જોઈએ છે જે નવા યુગમાં લઈ જાય અને અનેક તકોનો ઢગલો કરે. અરવિંદ કેજરીવાલની તુલનામાં નરેન્દ્ર મોદીએ વધારે આશા જગાડી, આવતીકાલના ભારતનું વધારે આશાસ્પદ ચિત્ર આપ્યું. તેમણે જનતાની નારાજગીનું વધારે સાચું કે સચોટ નિદાન કર્યું હતું. આ સિવાય સફળતાના પર્યાય તરીકે રજૂ કરવામાં આવેલું કહેવાતું ગુજરાત મોડેલ કર્તુત્વના પ્રમાણ તરીકે તેમની પાસે હતું અને સંઘ પરિવારની વિશાળ સાંગઠનિક તાકાત તેમની પાસે હતી.

૨૦૧૧થી ૨૦૧૪ સુધીનાં એ સમુદ્રમંથનના વર્ષોમાં નરેન્દ્ર મોદી અંતિમ વિજેતા નીવડ્યા. અરવિંદ કેજરીવાલ પણ સાવ ફેંકાઈ નહોતા ગયા. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ બતાવી આપ્યું કે તેઓ ગણનાપાત્ર રાજકીય અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી માટે સાવ મોકળો માર્ગ નથી.

નરેન્દ્ર મોદી

કસોટી હવે શરૂ થઈ. નરેન્દ્ર મોદી એ વાત ભૂલી ગયા કે જનતા કાઁગ્રેસથી નરાજ નહોતી, પ્રચંડ નારાજ હતી અને નારાજ હોવા માટે તેમની પાસે પ્રચંડ કારણો હતાં. તેમણે જનતાની નારાજગીનો રાજકીય ઉપયોગ તો કર્યો, પણ એ નારાજગીની પ્રચંડતાની ઉપેક્ષા કરી. એ તેમની સૌથી મોટી ભૂલ હતી.

નરેન્દ્ર મોદીએ જે કારણે જનતા કાઁગ્રેસથી નારાજ હતી એ કારણોનો ઉપાય કરવાની જગ્યાએ કાઁગ્રેસ માટેની નારાજગી નફરતમાં ફેરવાય એ માટેનાં પ્રયત્નો શરૂ કર્યા. કાઁગ્રેસને બદનામ કરો, કાઁગ્રેસના નેતાઓને બદનામ કરો, કાઁગ્રેસ શાસકોએ કરેલી કે ન કરેલી ભૂલોને દેશ સાથેના અપરાધ તરીકે રજૂ કરો, ઐતિહાસિક તથ્યો સાથે તોડમરોડ કરો, તેમને ભ્રષ્ટ અને નમાલા તરીકે ચીતરો. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે, એક જોકર તરીકે સ્થાપિત કરો. ગોદી મીડિયા, પક્ષનો આઈ.ટી.સેલ અને આજકાલ જેને ગોદીવૂડ તરીકે ઓળખવામાં આવે છે એ સિનેમાવાળાઓ આ કામે લાગી ગયા. દસ વરસથી આ ઉદ્યોગ ધમધમે છે. બીજો માર્ગ તેમણે  કાઁગ્રેસની રાજ્ય સરકારોને તોડવાનો, કાઁગ્રેસનાં રાજ્ય એકમોમાં ફૂટ પાડવાનો, કેટલાક નેતાઓને જેલમાં નાખવાનો, કેટલાકને ડરાવીને રાખવાનો અને સૌથી વધુ તો કાઁગ્રેસને મળતી નાણાંકીય સહાયના સ્રોત બંધ કરી દેવાનો અપનાવ્યો. કાઁગ્રેસને અને કાઁગ્રેસના નેતાઓને એટલી હદે બદનામ કરો કે જનતાની નારાજગીમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી, પ્રજા નફરત કરતી થાય. નારાજગી હજુ પણ ઘટી શકે, પણ નફરતને દૂર કરવી એ અઘરું કામ છે. અને પક્ષ જો બચ્યો જ ન હોય તો નફરતને દૂર કરવાનું કામ કોણ કરવાનું! એને માટે તો જાત ઘસવી પડે. ગણતરી એવી હતી આ દ્વારા કાઁગ્રેસ કાયમ માટે ખતમ થઈ જશે. લાંબો સમય કે ટૂંકા સમયનો પ્રશ્ન જ નથી, કાયમ માટે કાઁગ્રેસ ખતમ થઈ જશે. વિકલ્પ જ નહીં રહેવા દેવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

આ સિવાય હિન્દુત્વ તો છે જ. હિંદુઓને ડરાવીને અને રડાવીને બાંધી રાખી શકાશે.

આમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા બી ટીમ તરીકેની હતી. જો બાબત આર્ટીકલ ૩૭૦ જેવી મોટી હોય તો નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયોને સમર્થન આપવાનું. બાબત થોડી ઓછી, પણ મહત્ત્વની હોય તો મૂંગા રહેવાનું. અને ક્ષુલ્લક બાબતોએ વિરોધ કરવાનો એટલે જેમને મધ્યમમાર્ગી સેક્યુલર વિરોધ પક્ષની યાદ આવે તો તે માટે કાઁગ્રેસના વિકલ્પે હાજર રહેવાનું. આયોજન એક દમ ગણતરીપૂર્વકનું હતું. બદનામ કરો, કાઁગ્રેસની જમીન આંચકી લો અને તેની જગ્યાએ અરવિંદ કેજરીવાલનો ટાપુ આપો એટલે લોકોને એમ ન લાગે કે વિરોધ કરવાવાળું અને વધારે સારા વિકલ્પનો દાવો કરનારું કોઈ જ નથી.

પણ કટક ઉતાર્યું હોવા છતાં કાઁગ્રેસ ખતમ તો ન થઈ, પણ પાછી બેઠી થઈ રહી છે અને એ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં. જેને જોકર તરીકે બદનામ કર્યો હતો તેના નેતૃત્વમાં. આવું કેમ બન્યું?

રાહુલ ગાંધી

આનું કારણ આગળ કહ્યું એમ નારાજગી પાછળ રહેલાં પ્રચંડ કારણોની કરવામાં આવેલી ઉપેક્ષા હતું. લોકોને નવા યુગમાં પ્રવેશવું હતું, નવું ભારત જોઈતું હતું, નવી તાજગી જોઈતી હતી અને કાઁગ્રેસ એ કરવા અસમર્થ હતી એ લોકોની નારાજગીનું પ્રચંડ કારણ હતું. બીજા શબ્દોમાં આશા પ્રચંડ હતી એટલે નારાજગી પ્રચંડ હતી. નરેન્દ્ર મોદીએ માત્ર લોકોની નારાજગી જોઈ અને એ નારાજગીને નફરતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને લોકોની અંદર જે પ્રચંડ આશા હતી, નવા યુગમાં પ્રવેશવાનાં અરમાન હતાં તેની ઉપેક્ષા કરી.

જો કોઈ ચીજની આવશ્યકતા હોય તો શૂન્યાવકાશમાંથી પણ એ પેદા થાય. કલ્પના ન કરી હોય ત્યાંથી ગાંધી અને ભગતસિંહ પેદા થાય. કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે એનાં કરતાં ઘણો વધુ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.

આની વધુ ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

...102030...559560561562...570580590...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved