Opinion Magazine
Number of visits: 9557604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષા અને બહુભાષાની કહાણી : ભાષા મરે છે કે રૂપ બદલે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 August 2024

ચંદુ મહેરિયા

તમે કેટલી ભાષાના જાણકાર છો? એવા સવાલનો જવાબ શું હોઈ શકે? ભાષાના જાણકાર હોવાના કોઈ ચોક્કસ માપદંડો નથી. એટલે કેટલી ભાષા વાંચી, લખી, બોલી શકો છો તેના આધારે ભાષાના જાણકાર હોવાનું નક્કી થઈ શકે. એક ગુજરાતીભાષીને જો આવો સવાલ કરવામાં આવે તો તેનો જવાબ કદાચ ગુજરાતી અને હિંદી એમ બે ભાષા તે વાંચી, લખી, બોલી શકે છે તેમ કહી શકે. અંગ્રેજી અને સંસ્કૃત કદાચ વાંચી કે લખી શકે છે. એટલે સામાન્ય ભારતીય એક કે બે ભાષાનો જાણકાર હોય છે. મોટે ભાગે તો એક જ ભાષાથી આપણું ગાડું ગબડે છે. ક્યારેક જ તેથી વધુની જરૂર પડે છે. એટલે લાઈબેરિયામાં જન્મેલ જિયાદ યુસૂફ ફજાહ પચાસ ભાષાના જાણકાર હોવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે એમ જાણીએ તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જિયાદ આજે વિશ્વના સૌથી મોટા બહુભાષી (Polyglot) છે.

ભારત બહુધાર્મિક, બહુજ્ઞાતિય એમ બહુભાષી દેશ છે. સાર્થ જોડણી કોશમાં ભાષાનો અર્થ બોલી, વાણી, જબાન આપ્યો છે. એટલે ભાષા અને બોલીને એક જ ગણ્યા છે. પરંતુ બાર ગાઉએ બોલી બદલાય એ ન્યાયે એક જ ભાષાની અનેક બોલીઓ હોય છે. મતલબ કે ભારતમાં ભાષા અને બોલીનું અપાર વૈવિધ્ય છે. ભાષા આમ તો સંવાદ અને સંપર્કનું માધ્યમ છે. પરંતુ તે ખૂબ જ ભાવનાત્મક વિષય છે. ભાષા થકી જ પરસ્પરની લાગણીઓને જાણી શકાય છે. બોલનાર-સાંભળનાર એકબીજા સાથે ભાષાથી જોડાય છે. જો આપણે સામેની વ્યક્તિ સાથે તેની જ ભાષામાં વાત કરીએ તો તે તેના દિલને સ્પર્શે છે. એટલે જ બહુભાષી ભારતમાં રાજનેતાઓ ચૂંટણી પ્રચાર સભાઓમાં પહેલું કે છેલ્લું એકાદ વાક્ય લોકોની ભાષામાં બોલીને તાળીઓ મેળવી લે છે. એ રીતે રાજકારણીઓ ઘડી-બે-ધડી ખરીખોટી આત્મીયતા પેદા કરવામાં સફળ થાય છે. જો કે તેના મૂળમાં સમાનભાષીઓ વચ્ચેની આત્મીયતા કે ભાષાનું ભાવના સાથેનું સંધાન રહેલું છે.

ભાષાઓ વચ્ચે આત્મીયતા તેમ શત્રુતા પણ જોવા મળે છે. આપણે ત્યાં હિન્દી અંગ્રેજી વચ્ચેનો વિવાદ કાયમનો છે. એટલે તો હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી, પરંતુ રાજભાષા અર્થાત સરકારી રાજકાજની ભાષા છે. દક્ષિણના રાજ્યો કાયમ તેમના પર હિન્દી ઠોકી બેસાડવામાં ન આવે તેની ચિંતા સેવે છે તો ઉત્તરના હિન્દી ભાષી રાજ્યો કદી દક્ષિણની ભાષા અપનાવતા નથી. બંધારણે સ્વીકારેલી ભાષાઓને હિન્દીને કારણે તેમનું મહત્ત્વ ઘટી રહ્યાની ફરિયાદ છે તો ખુદ હિન્દી અંગ્રેજી સામે આવી જ ફરિયાદ કરે છે.

અંગ્રેજી સત્તાની, ઉચ્ચ અને તકનિકી શિક્ષણની અને રોજગારની ભાષા છે. વિશ્વ વ્યાપારમાં જે સ્થાન ડોલરનું મનાય છે તે સ્થાન ભાષામાં અંગ્રેજીનું છે. અંગ્રેજીને ભવિષ્યનું ઉપકરણ (ફ્યુચર ટુલ) ગણવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં તે પ્રથમ સ્થાને નથી, પરંતુ તેનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. દુનિયાના પંચોતેર દેશોની તે રાજભાષા છે. દુનિયાના ૩૭ કરોડ લોકોની જ અંગ્રેજી મૂળ ભાષા છે, પરંતુ આજે વિશ્વના ૨૦૦ કરોડ લોકો અંગ્રેજી બોલે છે. અંગ્રેજી સાથે હિન્દીની સરખામણી કરીએ તો દેશની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના ૧૦ ટકા લોકો અંગ્રેજીના જાણકાર હતા. વિશ્વમાં ૬૨ કરોડ લોકો હિન્દી બોલે છે. ભારત દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને ઝડપથી ત્રીજા નંબરે પહોંચવા માંગે છે એટલે વ્યાપારમાં હિન્દીનું મહત્ત્વ વધે તેમ લાગે છે.

૨૦૧૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લોક ફાઉન્ડેશને ભારતમાં અંગ્રેજી ભાષાની સ્થિતિ અને પ્રભુત્વનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં દેશના ૧૦ ટકા લોકોએ અંગ્રેજીના જાણકાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ સર્વેક્ષણમાં તેમની ટકાવારી ઘટીને છ જણાઈ હતી. અંગ્રેજી ભાષા શહેરી, પુરુષ, યુવા અને ધનિકોની ભાષા હોવાનું પણ માલુમ પડ્યું હતું. સર્વેમાં સામેલ ૧૨ ટકા શહેરીની  તુલનામાં માત્ર ૩ ટકા જ ગ્રામીણો અંગ્રેજી જાણતા હતા. ૪૧ ટકા અમીરો અને ૨ ટકા ગરીબોની તે ભાષા હતી. કથિત ઉચ્ચવર્ણના ૧૦ અંગ્રેજીભાષી વ્યક્તિઓ સામે અંગ્રેજીભાષી દલિત-આદિવાસી ૩ જ હતા. દેશની બહુમતી વસ્તી હિંદુ છે પરંતુ માત્ર ૬ ટકા જ હિંદુઓ અંગ્રેજી બોલે છે ! જ્યારે સૌથી વધુ ૧૫ ટકા ખ્રિસ્તીઓ અને ૪ ટકા મુસ્લિમો અંગ્રેજી જાણે છે. જેમ ગરીબો-પછાતો તેમ દેશની મહિલાઓ પણ અંગ્રેજીની જાણકારીમાં પાછળ છે. આજે અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ પછાત ગણાય છે એ જ રીતે આજના પછાતો અંગ્રેજીમાં પણ પછાત છે.

હિંદી કવિ ભવાની પ્રસાદ મિશ્રએ લખ્યું છે કે, 

જિસ તરહ હમ બોલતે હૈ, ઈસ તરહ તુ લિખ

 ઔર ઈસકે બાદ ભી હમસે બડા તૂ દિખ. 

પરંતુ વાસ્તવિકતા જૂદી છે. સામાન્ય નિરીક્ષણ એવું છે કે હવે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ મેળવવું ખરાબ મનાય છે અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વધી રહ્યું છે. દેશના એક જાણીતા હિંદી અખબારે તેના પટાવાળાથી તંત્રી સુધીના તમામ કર્મીઓનું એક દાયકા પૂર્વે સર્વેક્ષણ કર્યું હતું. જેમાં તે હિંદી અખબારમાં કામ કરતા લોકો ક્યા માધ્યમમાં અને કઈ શાળામાં ભણતા હતા અને તેમના સંતાનો ક્યા માધ્યમમાં ભણે છે તે પૂછ્યું હતું. તેના જવાબમાં જણાયું કે તંત્રી વિભાગના ૮૦ ટકા કર્મીઓ અને પત્રકારો સરકારી શાળામાં અને હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. પરંતુ હવે આજે અખબારના ચોકીદાર અને પટાવાળાના સંતાનો પણ  અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ભણે છે. એટલે ઘરની, શાળાની અને પછી સમાજની ભાષા બદલાઈ રહી છે.

 વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કે વ્યાપ વધારવા અંગ્રેજીએ જેમ અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર કર્યો છે તેમ અન્ય ભાષાઓએ કરવો જોઈએ. હિન્દીનો વ્યાપ વધારવા તેનું સરળીકરણ થવું જોઈએ (કે ગુજરાતી જોડણીમાં સુધારા થવા જોઈએ) તેનો એક મોટો વર્ગ વિરોધ કરે છે. હિન્દીનું સરળીકરણ અને સરકારીકરણ તેના હિતમાં નથી તેમ માનવામાં આવે છે. હિન્દીને સંસ્કૃતનિષ્ઠ શબ્દોથી મઢાયેલી ભાષા બનાવવા માંગતા લોકો હિન્દીનું સરળીકરણ તેને નષ્ટ કરી દેશે તો તેનું સરકારીકરણ તેમાં કૃતિમતા આણે છે તેવી દલીલો કરે છે. અંગ્રેજી દુનિયાના ૭૫ દેશોની અને હિંદી માત્ર ૨ જ દેશોની રાજભાષા છે. તેના કારણમાં અન્ય ભાષાના શબ્દોના સ્વીકારથી હિંદીનો પરહેજ પણ મુખ્ય કારણ છે.

કેટલીક ભાષા નષ્ટ થઈ રહ્યાનું કહેવાય છે અને તેને બચાવવા અભિયાનો ચાલે છે. પરંતુ વૈશ્વિકીકરણ અને ટેકનોલોજીએ ભાષાઓને મૃતપ્રાય કરવામાં જે ભાગ ભજવ્યો છે તેની અવગણના થાય છે. એક વાક્યને બદલે એક ઈમોજી કે આખો સંવાદ જ ઈમોજીથી થઈ રહ્યો છે. ભાષાનું નવું અને સંક્ષિપ્ત રૂપ સમજીને ભાષા અને માતૃભાષાને બચાવવાના અભિયાનો કરવા જોઈશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૨) 

સુમન શાહ|Opinion - Literature|15 August 2024

સુમન શાહ

જેના કેન્દ્રમાં કૃષ્ણ-ગોપી છે એ ‘મોહનમાં મોહિની’-થી માંડીને ‘ડહાપણ રાખોજી!’ લગીની રચનાઓને મેં પહેલા વર્તુળમાં મૂકી છે. એની વિશેષતા એ છે કે દરેક રચના ગોપીમુખે રજૂ થઇ છે. ગોપી, ક્યાં તો સ્વગત બોલે છે અથવા તો કૃષ્ણને સમ્બોધે છે, કે પછી, એ બન્નેની વચ્ચે નાનકડો સંવાદ થાય છે.

ત્રણ બાબતો ખાસ વર્ણવાઇ છે : કૃષ્ણનું અપ્રતિમ સૌન્દર્ય, ગોપીને થયેલું તેનું અમોઘ આકર્ષણ, અને તેના વિરહની અસહ્ય વેદના.

‘મોહનમાં મોહિની’, ‘ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ!’, ‘ઘટઘટમાં ઘર કીધું’ – એ ત્રણ રચનાઓ જુઓ : 

ગોપીને કૃષ્ણસૌન્દર્યનો આમ તો, રમ્ય ઘા વાગ્યો છે. એ સુખને કેવા સંતાડી રાખેલા આનન્દથી કથે છે – ‘કિયે ઠામે? મોહિની ન જાણી રે ! મોહનજીમાં કિયે ઠામે?’, એ નક્કી નથી કરી શકાતું. એમ લાગે કે જાતને પૂછે છે, જાતને કહે છે. અથવા એમ પણ લાગે કે બીજાને પૂછે છે, બીજાને કહે છે. કહેવું તો એમ છે કે મોહિની કૃષ્ણ સમગ્રમાં છે, એમના અખિલમાં છે, પણ ‘કિયે ઠામે’-નો પ્રશ્ન કરીને કૃષ્ણસૌન્દર્યની આછી છતાં તીવ્ર અને સમ્મોહક સંદિગ્ધતા સૂચવે છે, અને સાથોસાથ, પોતાની અસમંજસ મૂંઝવણ પણ રજૂ કરે છે. 

એમ પૂછવું-કહેવું ગોપી માટે હકીકતમાં તો સુખદ નીવડ્યું છે, પણ રચનાનો અભિવ્યક્તિ-ઢાળો એ જાણે કશી વેદના ન હોય એવો રખાયો છે. છેલ્લે તો એને એ જ કહેવું છે કે (દયાના) પ્રીતમ સ્વયં મોહિનીસ્વરૂપ છે. પણ એ સામાન્ય વિધાન પર પ્હૉંચવાને એણે ભ્રૂકુટિ વાણી કેશ વેશ મોરલી મુખ એમ કૃષ્ણનાં તમામ આકર્ષણ-કેન્દ્રોને ગાઇ-ભજી લીધાં છે. સૌન્દર્યવર્ણનનો ગોપી અને દયારામે અપનાવેલો એ કીમિયો રચનામાં બધી રીતે આસ્વાદ્ય નીવડ્યો છે. 

એવા મોહિનીસ્વરૂપ કૃષ્ણને એ બિહારીલાલ કહી સમ્બોધે છે ને કહે છે, ‘તમ માટે મેં ગાળી છે જાતડી … ફટકારીસરીખી હું ફરું છું … વિકળતાની વાત કહે ના બણે … ઘરમાં જાઉં ને આવું આંગણે … પ્રીતડી કીધી છે તો હવે પાળીએ બિહારીલાલ.’ આવા બિહારીલાલને ગોપી કહે છે, ‘તેં તો ઘટઘટમાં ઘર કીધું, વ્હાલમ ! વરણાગિયા રે !’ વળી કહે છે, ‘દયાપ્રીતમપ્રીત કરી ન ફાવી, વણવેપારે જોખમ આવી, કહ્યું ના માને પ્રાણ થયા અનુરાગિયા રે …’ 

જો કે ‘પનઘટ પર’ રચનામાં કવિએ ‘દયાના પ્રીતમ પ્રભુ પાતળા રે લોલ’ કહીને એટલી જ આહ્લાદક અને નિરલંકાર પંક્તિ પણ આપી છે.

કૃષ્ણ મોહિનીસ્વરૂપ કે મદનમોહન તો છે જ, પણ એમ કહેવા જતાં, વાત જાણે સર્વસાધારણ બની જાય છે. ‘આંખનાં કામણ’, ‘શ્યામની શોભા’, ‘કાળજ કોર્યું તે કોને કહીએ?’ અને ‘કામણગારો કાનુડો’ રચનાઓમાં ગોપી કૃષ્ણસૌન્દર્યના સ્વાનુભવને સવિશેષે વ્યક્ત કરે છે. 

કૃષ્ણનું ખરું કામણ તો એમની આંખનું ન કહેવાય? એથી તો કોણ નથી ઘવાયું? એટલે ગોપી જાણે સ્પષ્ટતા કરી નાખે છે : ‘કામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!’ મોહિની ‘કિયે ઠામે’ પ્રશ્નનો એમાં જરા જુદો પણ નજીકનો એક ઉત્તર તો આવી જાય છે, કે ‘આંખમાં’. વળી ‘દીસે છે’ કહે છે તેથી આંખમાં આંખ પરોવીને જ કહેતી હશે! મજાની એ વાત એવી તાદૃશતાથી તો જામી જ છે, પણ પછી ઠીક ઠીક વિસ્તરી છે. એ રીતે કે કૃષ્ણને ગોપી ભોળું ભાખવાની ય ના પાડે છે, કેમ કે એવા ભોળામાં ય એને કામણ દીસે છે. 

એક અન્ય રચનામાં, ‘વાંકું મા જોશો’ કહેનારીને, જુઓ ને, એવું પણ કહેવું પડ્યું છે ! રચનામાં કૃષ્ણની વાણીને એણે ‘વ્હાલભરી’ અને ‘રસવરણી’ કહી છે તે ધ્યાનમાં લેવા જેવું છે. સખીને એણે કહ્યું, ‘શોભા સલૂણા શ્યામની તું જોને સખી ! શોભા સલૂણા શ્યામની … કોટિ કંદર્પને લજાવે એનું મુખડું, ફીક્કી પડે છે કળા કામની … સદ્ગુણસાગર નટવરનાગર! બલિહારી હું એના નામની! તું જોને સખી!’ 

છતાં, એમાં પ્રાસાનુપ્રાસની રીતે જ કહેવાયું છે; એટલે, કવિ એની પાસે શ્યામને ‘સલૂણા’ કહેવરાવે છે. એમાં આપણને કવિ દયારામનો જુદો જ પરચો મળે છે. એટલું જ નહીં, ઝાઝી પંચાત છોડીને ગોપી અને દયારામ ટૂંકી વાત આટલી કરે છે : ‘જે ઓળખે તેને તો છે સાર સર્વનો, બીજી વસ્તુ નથી કામની …’ 

ભક્તરસિકની એ કૃષ્ણઓળખ, અને એટલે ઊભી થતી એ લાક્ષણિક અનન્યતાનો દયારામમાં અપાર મહિમા છે. એટલે તો કવિએ એને પોતાની ‘જીવનમૂળી’ કહી છે. એવી મૂળીની સુગન્ધથી દયારામનું જીવન અને કવન બે ય છલોછલ છે. 

આવો છેલછબીલો કાનુડો કાળજ ન કોરે, કામણગારો ન લાગે, તો જ નવાઇ. જો કે ‘કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ!’ -નો લટકો, તરત, એ નવાઇને કાવ્યમાં પલટી નાખે છે : પેલા ઘાને ગોપી હવે સૂચક બનાવે છે : ‘સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે!’ ‘સૉડનો ઘાવ’-ની વ્યંજકતા પર દયારામની ચોખ્ખી છાપ જોઇ શકાય છે. 

‘કોને કહીએ રે’-ની વિમાસણ ઓધવને કહી બતાવી. કેમ કે ઓધવ ઘાયલ ગોપીનો ઉત્તમ શ્રોતા ગણાય, કેમ કે એ જ્ઞાની હતો અને ભક્તહૃદયની આવી વાસ્તવિક સ્થિતિનો સમુચિત પરિચય એને સાંપડે એ જરૂરી હતું.

આટલી તો થઇ કૃષ્ણની વારતા. ગોપીને થાય છે, પોતાનું શું?

(ક્રમશ:)
(14 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભાગલાની સ્મૃતિને રાજકીય રંગ આપવાની શી જરૂર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 August 2024

દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે

પ્રકાશ ન. શાહ

કટોકટી દરમ્યાન 1976માં અમે સૌ મિસાબંદીઓનું જે રૂડું રાવણું જામ્યું હતું, વડોદરા જેલમાં, એમાં જનસંઘના રામદયાલ વિશ્વકર્મા પણ હતા. ભાગલા પછી સિંધથી જેઓ અહીં આવ્યા તે પૈકીના એક એ પણ હતા અને પહેલ ને પુરુષાર્થથી વડોદરા પંથકમાં ‘પ્રતાપ’ પેનના નિર્માણથી એમણે આગવી ઓળખ પણ જમાવી હતી. આગળ ચાલતાં એ વડોદરાના ડેપ્યુટી મેયર પણ થયા હતા તે આ લખતા સાંભરે છે.

આઝાદી દિવસના ઉંબર કલાકો માટે આ લખી રહ્યો છું, અને આ ઉંબર કલાકો – 14મી ઓગસ્ટનો દિવસ – સત્તાવાર રીતે ‘ભાગલાના ત્રાસ ને હિંસાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનું એલાન થયેલું છે તેનો મને ખયાલ છે. જેલમાં વાંચવાનું ઠીક ઠીક બનતું. મહેન્દ્ર મેઘાણી તરફથી ‘મિલાપ’ના અંકો અને બીજું સાહિત્ય નિયમિત મળતું રહેતું. ‘મિલાપ’નો એક અંક ગુજરાતી લિપિમાં છાપેલી હિંદુસ્તાની રચના લઈને આવ્યો. 

જલાવતન જિંદગી બસર કરતો કવિ પોતે જ્યાંથી નિર્વાસન પામેલો છે એ વતનને યાદ કરતા કોઈ મુલાકાતીને પૂછે છે, કેવું છે આપણું ગામ ને એની ગલીઓ, હજુ એ જ કૂવે પનિહારીઓ પાણી ભરે છે … અને હા, પેલું મંદિર ને ઘંટારવ. ઊતરતી આવતી રાતે અમારા વોર્ડમાં અમે સહજ બેઠા હતા અને આ રચના એક મિત્ર પ્રગટપણે વાંચતા હતા. એ વાંચતા જાય ને લીટીએ લીટીએ રામદયાલ વિશ્વકર્માનું ડૂસકું સંભળાય. દેખીતી રીતે જ, પોતે ભાગલા વખતે જે ધરતી પાછળ મૂકી એનો સાદ એમને સંભળાતો હતો ને ડુમાયેલ ડૂસકાં વિના એ ક્ષણે કદાચ કોઈ મોક્ષ પણ નહોતો.

મુદ્દે, ઐતિહાસિક કારણોસર આપણા પ્રજાજીવનના એક હિસ્સાને સારુ હિંદુ વિ. મુસ્લિમ એ મુખ્ય વિમર્શ મુદ્દો બની રહેલ છે. વિભાજનની સ્મૃતિ આપણને પજવે એ તો સમજી શકાય એમ છે, પણ એને એક રાજકીય વિચારધારાનો માંજો પાઈને ઉછેરવાના વલણને સ્વીકારી શકાતું નથી. એ દિવસો સંભારીએ ત્યારે વિભીષિકા ન સાંભરે એવું તો નહીં જ કહી શકાય. પણ એ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવન ઘડી શકાય? લાખો માણસો સરહદની એક બાજુએથી બીજી બાજુએ ગયા. બંને બાજુએ લોકોએ વેઠ્યું જ વેઠ્યું. જે લોકો આ બાજુએથી ત્યાં ગયા એ પણ પોતે છોડેલ વતનની યાદે ઝૂરતા નહીં હોય એમ તો કહી શકાતું નથી.

ઇતિહાસવસ્તુ તરીકે વિભીષિકા એક વાસ્તવિકતા છે, પણ આખા ઘટનાક્રમ પરત્વે અને આગળ ચાલવાની રીતે તો જે બન્યું એને કારુણિકા તરીકે જોઈએ એમાં કદાચ વિશેષ ઔચિત્ય છે. વિભીષિકાથી બને કે વિક્ટમહુડ અને વેરઝેરનું એક વ્યાકરણ રચાતું આવે. કારુણિકાનો અભિગમ આત્મખોજ અને રચનાનું કાવ્ય બનીને વિલસે. હમણાં હમણાં જે સત્તાવાર એલાન થયું છે, 26મી જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે મનાવવાનું, એને પણ આ રીતે જોઈ તો શકાય. કટોકટીકાળે દેશના અંતરાત્મા તરીકે ઉભરેલું વ્યક્તિત્વ જયપ્રકાશ નારાયણનું હતું. કટોકટી ઊતર્યા પછી જનતા પર્વ બેઠું ત્યારે જયપ્રકાશ છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના સાથીઓને 26મી જૂનને ‘લોકચેતના દિવસ’ તરીકે મનાવવાનું સૂચવ્યું હતું. પ્રતિકારનો મહિમા પણ પ્રતિશોધની નહીં, પરંતુ નિર્માણની રાજનીતિનો પુરસ્કાર.

આખી વાતને ધોરણસર પરિપ્રેક્ષ્યમાં મૂકી જોવા-તપાસવા અને સમજવાની રીતે, બને કે, અમૃતસરમાં તાજેતરનાં વરસોમાં ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ અને એ પ્રકારના બીજા ઉપક્રમો ઉપયોગી થઈ શકે. એક આવકાર્ય બિનસરકારી પહેલ, એમ તો, સુદૂર અમેરિકાના બર્કલી કેમ્પસ પરથી પાછલાં વર્ષોમાં થઈ છે. ગુનીતા સિંઘ ભલ્લાએ વિભાજન પછી 12-13 દેશમાં પથરાયેલા ભારતીયો કનેથી પ્રથમ વ્યક્તિ એકવચનમાં દસ્તાવેજી દાસ્તાન મેળવવાનો આખો એક મૌખિક ઇતિહાસ પ્રકલ્પ, કેટલાક પગારદાર ને સંખ્યાબંધ સ્વૈચ્છિક લોકોની સંકલનાથી ઊભો કર્યો છે. દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે. ગુનીતા સિંઘ કહે છે કે કોઈ સંસ્થાગત કે રાજકીય જુબાનીઓથી ઉફરાટે આ વ્યક્તિગત નિવેદનો કંઈક જુદું જ કહે છે. ભારત-પાકિસ્તાન સત્તાવર્તુળોની પોતપોતાની તરેહની ‘રાષ્ટ્રવાદી રજૂઆત’માં નહીં બંધાતી ઘણી વાતો સમજવાની રીતે સામે આવે છે.

સહેજ આઘોપાછો થતો લાગું, પણ સંભારું કે એક અર્થમાં આપણે બબ્બે વિભાજન જોયાં છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવવું, એ પણ આમ તો વિભાજન છે ને! 

1905માં બંગભંગ એ પહેલો અનુભવ હતો, પછી ભારત-પાક ભાગલા, અને તે પછી પાકિસ્તાનના ભાગલા … સ્વતંત્ર વિષય છે, પણ આપણી ચર્ચામાં ઉપયોગી એવું સ્મરણ તસલીમા નસરીનનું કરી જ લઉં. અયોધ્યા ઘટના પછી બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યાં ત્યારે કોમી ગાંડપણ સામેના નિર્ભીક ને નક્કુર અવાજ લેખે તસલીમા ‘લજ્જા’ નવલકથા લઈને ઉભર્યાં હતાં. પરિણામે એ નિર્વાસન પામ્યાં ને યુરોપમાં, અંતે, ભારતમાં નિવાસ પામ્યાં છે. આપણે એમને એમની નાગરિક ને માનવીય ભૂમિકાવશ સ્વાભાવિક જ પોંખીએ પણ છીએ.

આ જ તસલીમાએ એમનાં ભારતવર્ષોમાં જે જોયું, અનુભવ્યું એ પછી તે ‘લજ્જા’ની અનુનવલ ‘બેશરમ’ (‘શેઈમલેરસ’) લઈને આવ્યાં છે. બાંગ્લાદેશમાં રંજાડ પામેલું હિંદુ કુટુંબ ભારતમાં આશરો લે છે. આખો વાર્તાસાર તો નથી આપતો, પણ બાંગ્લા રંજાડવશ આ સમુદાર સેક્યુલર પરિવાર અહીં એક તબક્કે હિંદુત્વ રાજનીતિમાં પનાહ શોધવા કરે છે. પણ દિલનો કરાર ક્યાં. ઠેકાણું પડતું નથી. ક્યાંથી પડે?

પાકિસ્તાનની નિર્વાસન પામી ફહમિદા રિયાઝ અમૃતા પ્રીતમની ભલામણથી ઈંદિરાજીના કાળમાં આપણે ત્યાં સાત વરસ રહી ગયાં હતાં. પણ, પછી આપણી બદલાયેલી હવામાં માર્ચ 2014માં એમણે લખ્યું: 

‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે, 

વો મૂર્ખતા, વો ગંવારપન, 

જિસમેં હમને સદી ગંવાઈ, 

આખિર પહોંચી દ્વાર તુમ્હારે, 

અરે બધાઈ, બહોત બધાઈ …’

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 ઑગસ્ટ 2024

Loading

...102030...558559560561...570580590...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved