“ઉમેશભાઈ છે ઘરમાં?”
“આવો, આવો કિશોરભાઈ. ઘણા દિવસે તમે આવ્યા.”
“મારો એક નિયમ છે કે ઘરનું ભાડું જો નિયમિત મળતું હોય ત્યાં હું જતો નથી. શું કામ નાહકના ભાડુઆતને હેરાન કરવા. હું, ગઈ કાલે જ કલકતાથી આવ્યો. તમને આજે તો હું એક ખાસ વાત કહેવા આવ્યો છું.”
“કિશોરભાઈ, તમે ઘણા દિવસ પછી આવ્યા છો, બેસો, બેસો, આપણે વાતો નિરાંતે કરીએ. તમે મળવા આવ્યા એ મને ગમ્યું.”
“મહેશભાઈ, જુઓ તો તમારા બનેવીને ફરીથી તાવ તો નથી ચડ્યો ને?”
“ના, ભાઈ, તમે બેસો હું જ જોઈ આવું.” એમ કહી ઉમાબહેન ઉમેશભાઈના રૂમમાં ગયાં.
“જુઓ ઉમાબહેન, મારે બહુ ઉતાવળ છે. મારે હજી બીજા ભાડુઆતને પણ મળવાનું છે. હું પછી આવીશ.”
“ઊભા રહો, ઊભા રહો, કિશોરભાઈ. હું તમારા ભાઈને જોઈ હમણાં જ પાછી આવું છું. તમારે થોડીક રાહ જોવી પડશે. પણ, તેની સંભાળ લેવી પણ બહુ જરૂરી છે. એ છેલ્લા છ મહિનાથી પથારીવશ છે.”
“ઉમાબહેન, મારે ઉતાવળ છે. તમે મારી વાત સાંભળી લો, આપણે વાત થઈ હતી કે હું બધાં જ ભાડુતને ત્રણ વર્ષ માટે જ મકાન ભાડેથી આપુ છું. એટલે ત્રણ વર્ષ આવતા મહિને પૂરા થાય છે. તમારે મકાન ખાલી કરી આપવાનું છે. તમને તકલીફ ન પડે એટલે અગાઉથી જાણ કરવી સારી, એટલે આજે તમને જાણ કરવા જ આવ્યો છું. બાકી બીજું કોઈ મારે કામ નથી.”
“સારું કિશોરભાઈ, અમને થોડો સમય વધારે આપો ને. તમારા ભાઈની તબિયત સારી નથી એ સાજા થઈ જાય એટલે તમારું મકાન અમે વાયદા પ્રમાણે જરૂર ખાલી કરી આપશું. અમને પણ તમારા નિયમની ખબર છે.”
“ના, ના એવું ન ચાલે તમારે … મકાન ….”
“જરા, ઊભા રહો, કિશોરભાઈ. હું તેમને પૂછી આવું પાણીની તરસ તો નથી લાગીને?”
“મહેશભાઈ, તમે કિશોરભાઈને સમજાવોને આવો તંત ન કરે. આપણે ક્યાં અહીંયા કાયમ રહેવું છે.”
“કિશોરભાઈ, ઉમાની વાત સાચી છે. ઉમાને તમે થોડોક સમય આપો તો સારું.”
“મહેશભાઈ, તમે ઉમાબહેનના શું સંબંધમાં થાવ છો?”
“હું ઉમાનો મોટો ભાઈ છું અને તેની પરિસ્થિતિ જાણું છું.”
ઉમાબહેન બહાર આવીને પાછા ઉમેશભાઈના રૂમમાં ગયાં, પાછળ મહેશભાઈ ગયા … થોડો સમય થયો એટલે કિશોરભાઈને લાગ્યું કે ઉમાબહેન અને મહેશભાઈ બંને ઉમેશભાઈના રુમમાં ખોટું બહાનું કાઢીને ભરાઈ ગયાં છે અને મારી વાતને અવગણે છે. હું અહીયાથી ચાલ્યો જાવ તેની અંદર બેઠા રાહ જુએ છે.
કિશોરભાઈ ઊભા થઈને ઉમેશભાઈના રૂમમાં ગયા તો પલંગ ખાલી હતો. કિશોરભાઈએ મહેશભાઈને ઇશારાથી પૂછ્યું, “આ ઉમેશભાઈ ક્યાં છે?”
મહેશભાઈ, કિશોરભાઈનો હાથ ઝાલી બહાર લઈ આવ્યા મહેશભાઈની આંખોમાં આસું હતા. “કિશોરભાઈ, ઉમેશભાઈ તો છ મહિના પહેલાં મૃત્યુ પામ્યા છે, પણ ઉમા હજી એમ જ માને છે કે એ જીવિત છે. સતત તેના મય જીવન જીવી રહી છે. ઉમેશભાઈનું અવલંબન છોડી શકતી નથી. બાવરી થઈને સતત આમજ કર્યા કરે છે. હવે, તમે જ બોલો, અમે શું કરીએ?”
રૂમમાંથી ઉમાબહેનનો અવાજ આવ્યો, “મહેશભાઈ, જલ્દી આવો તો, તમારા બનેવીને પાછો તાવ ચડ્યો લાગે છે.”
કિશોરભાઈ કંઈ જ બોલ્યા વગર સજળ આંખે ત્યાંથી નીકળી ….
e.mail : nkt7848@gmail.com