Opinion Magazine
Number of visits: 9456999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (11)

દીપક મહેતા|Opinion - Opinion|17 July 2024

૧૧

ગુજરાત બહાર ફાર્બસ ઓળખાય છે તે મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના લેખક તરીકે. ૧૮૫૬માં લંડનની રિચર્ડસન બ્રધર્સ નામની પુસ્તક પ્રકાશક કંપનીએ આ પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું હતું, અલબત્ત, તેના લેખક ફાર્બસને ખર્ચે. પુસ્તકમાં ફાર્બસે દોરેલાં ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં. તેમાંનાં કેટલાંક બ્લેક એન્ડ વ્હાઈટ હતાં, તો થોડાં બહુરંગી પણ હતાં. આ પુસ્તકનો વાચક વર્ગ મર્યાદિત જ રહેવાનો એ હકીકતથી ફાર્બસ પૂરેપૂરા સભાન છે. તેમ જ પોતાની મર્યાદાઓ પણ તેઓ સારી રીતે જાણે છે. આથી જ તેઓ પ્રસ્તાવનામાં કહે છે :

“આ પુસ્તકનો વિષય હિન્દુસ્તાન છે, બલ્કે તેના ય એક ચોક્કસ વિસ્તાર પૂરતો મર્યાદિત છે. એટલે સામાન્ય વાચકને તેમાં ભાગ્યે જ રસ પડે તેમ છે એ અંગે હું પૂરેપૂરો સભાન છું. એ વિષયનું નિરૂપણ કરવા માટે મારામાં જે ઉણપો રહેલી છે તેનાથી પણ હું સભાન છું. પણ ગુજરાતમાં કરેલો આઠ વર્ષનો વસવાટ, તાપીથી બનાસ વચ્ચેના ત્યાંના લોકો સાથેનો જાહેર તેમ જ અંગત સંબંધ, કદાચ મારે માટે થોડો લાભદાયક નીવડ્યો હોય એમ બને.”૨૪

ફાર્બસે દોરેલું ચિત્ર, રાસમાળા, આવૃત્તિ ૧, ૧૮૫૬ (પુસ્તકમાં બહુરંગી છાપ્યું છે.)

પ્રસ્તાવનામાં ફાર્બસે નિખાલસતાથી દલપતરામનો ઋણસ્વીકાર પણ કર્યો છે. કહે છે :

“મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું. ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.”૨૫

પહેલા ભાગની પહેલી આવૃત્તિનું મુખપૃષ્ઠ

હિન્દુસ્તાનનો, અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રનો ઇતિહાસ લખનારા બીજા લેખકો કરતાં ફાર્બસ એક મહત્ત્વની બાબતમાં જૂદા પડે છે. બીજા ઇતિહાસ લેખકોએ મોટે ભાગે મુસ્લિમ લખાણો, દસ્તાવેજો, વગેરેને આધારે ઇતિહાસ લખ્યો છે. જ્યારે ફાર્બસે મુખ્ય આધાર હિંદુ લેખકોનાં લખાણોનો તથા સ્થાનિક શીલા લેખો, દંતકથાઓ, વહીવંચાના ચોપડા, લોકકથાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેનો લીધો છે. આ અંગે ઝવેરચંદ મેઘાણીએ યોગ્ય રીતે જ ફાર્બસની વિશિષ્ટતા બતાવતાં કહ્યું છે : “ગુજરાતની ઇતિહાસદૃષ્ટિને નવું જીવન શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસસાહેબે જ આપ્યું. ‘રાસમાળા’ના એ ચિરસ્મરણીય અંગ્રેજ કર્તાએ ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરવા બેસતાં ઇતિહાસના બે ઉપેક્ષિત રક્ષકોને લક્ષ્યમાં લીધા : એક તો વહીવંચાઓને કે ચારણોને, અને બીજા જૂના જૈન પ્રબંધ લેખકોને. સાંપ્રદાયિક દ્વેષ અને વિદ્વત્તાનો ઘમંડ, એ બે જાતના આંખે પાટા બાંધીને બેસનાર દેશીઓ જે ન કરી શક્યા તે એક વિદેશી અમલદારે કર્યું, કેમ કે આ બેઉ અવગુણોથી તે મુક્ત હતો … તામ્રલેખો, શીલાલેખો તેમાં જ રીતસરની તવારીખ-નોંધોનો જ્યાં અભાવ વર્તે છે, ત્યાં આવા લોકકવિઓના રાસો અને પ્રબંધો ઇતિહાસના અન્વેષણ સારુ ઘણા માર્ગદર્શક થઇ પડે છે. ફાર્બસસાહેબે આવી સામગ્રીને આધારે ‘રાસમાળા’ રચી ગુજરાતના ઇતિહાસનું સ્પેડ વર્ક – પ્રાથમિક ખોદાણકામ તો કર્યું જ છે.” (પરિભ્રમણ, નવ સંસ્કરણ, ખંડ ૧, પા. ૫૩૨. લે. ઝવેરચંદ મેઘાણી; સંપાદકો જયંત મેઘાણી, અશોક મેઘાણી. ૨૦૦૯)

ફાર્બસના સંગ્રહમાની ‘જગદેવ પરમારની વાત’ની હસ્તપ્રત

અલબત્ત, ફાર્બસે બધો આધાર આ પ્રકારનાં સાધનો પર રાખ્યો નહોતો. તેમણે જ કહ્યું છે :

“મેં માત્ર લિખિત સાધનો પર જ બધો મદાર બાંધ્યો નથી. પણ હિન્દુઓના રીત રિવાજો, રૂઢિઓ વગેરેનાં અવલોકન અને અભ્યાસ કર્યાં છે અને મંદિરો, કૂવા-વાવ, ખાંભીઓ, પરનાં લખાણોની નકલો મેળવી છે અને શક્ય હોય તેટલા હિંદુ સ્થાપત્યોની મુલાકાત લઇ તેનો અભ્યાસ કર્યો છે.”૨૬  

ફાર્બસના સંગ્રહમાની ‘પૃથુરાજ રાસો’ની હસ્તપ્રતનું એક પાનું 

આ માટે જરૂર પડી ત્યાં સ્થાનિક લોકોની મદદ પણ તેમણે લીધી હતી. આવી મદદ કરનારાઓનો આભાર માનતાં તેમણે પ્રેમચંદ સલાટ તથા ત્રિભુવનદાસ અને ભૂધર દયારામ નામના બે સુતારોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. હું તો મોટો સાહેબ છું અને મને તો બધી વાતની ખબર છે એવા આડંબર સાથે ફાર્બસે આ પુસ્તક લખવાનું કામ હાથમાં લીધું નહોતું. અંગ્રેજી ભાષા ન જાણતા હોય તેવા કારીગરો અને જાણકારોની મદદ લેતાં પણ તેઓ અચકાયા નહોતા. આ ઉપરાંત દલપતરામના બે નિબંધો – ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ – નો પણ તેમણે આધાર લીધો હતો અને તેનો પણ ઋણ સ્વીકાર પ્રસ્તાવનામાં કર્યો છે. હકીકતમાં પુસ્તકના ચોથા ખંડનાં પહેલાં ત્રણ પ્રકરણો જ્ઞાતિ નિબંધને આધારે તથા પ્રકરણ ૯ અને ૧૦ ભૂત નિબંધને આધારે લખાયાં છે.

આપણે અગાઉ જોયું તેમ રાસમાળા લખવા માટે જ નોકરીમાંથી ખાસ રજા લઈને ફાર્બસ બ્રિટન પાછા ગયા હતા. પણ આનો બીજો એક ફાયદો તેમને થયો. જે એ વખતે હિન્દુસ્તાનમાં રહીને લખનારા બીજા કોઈ ઇતિહાસ લેખકને થયો નહોતો. ઇન્ડિયા હાઉસમાંના દસ્તાવેજો જોવાની પરવાનગી તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી મેળવી હતી જેને પરિણામે તેમનું લખાણ વધુ શ્રદ્ધેય બન્યું હતું. ફાર્બસ કહે છે : “ભલે મર્યાદિત સમય માટે, પણ હું ઇંગ્લન્ડ પાછો આવ્યો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માનનીય ડિરેક્ટરોએ કંપનીના દસ્તાવેજો જોવાની મંજૂરી આપી તેથી મારા પરિશ્રમના ફળને હું વધુ વ્યાપક રૂપ આપી શક્યો છું.”૨૭

આ બધા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘રાસમાળા’ લખવા માટે માત્ર દલપતરામે એકઠી કરી આપેલી સામગ્રી પર જ ફાર્બસે બધો મદાર નહોતો બાંધ્યો.

કવિ નાનાલાલે દલપતરામનું જે વિસ્તૃત જીવન ચરિત્ર લખ્યું છે તેમાં તો એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે કે દલપતરામે પહેલાં ગુજરાતીમાં ‘રાસમાળા’ પુસ્તક લખ્યું અને ફાર્બસે તો કેવળ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. ફાર્બસની સૂચના પ્રમાણે ગુજરાતી તેમ જ ડિંગલમાં લખાયેલી કૃતિઓની નકલ દલપતરામ ચોપડાઓમાં કરતા હતા અથવા કરાવી લેતા હતા. નાનાલાલે આ જીવન ચરિત્ર લખ્યું ત્યારે તેમને આ ચોપડાઓ હાથવગા હશે. આ ચોપડાઓમાં લખેલાં કેટલાંક લખાણો સાથે તેઓ ફાર્બસની અંગ્રેજી રાસમાળાના લખાણની સરખામણી કરે છે અને એવા નિષ્કર્ષ પર આવે છે કે રાસમાળા લખવાનું ખરું શ્રેય તો દલપતરામને ફાળે જવું જોઈએ. એ પુસ્તકના બીજા ભાગમાં દલપતરામ અને ફાર્બસ વચ્ચેના છેલ્લા મેળાપનું વર્ણન નાનાલાલ કરે છે. “છેલ્લે દિવસે રાસમાળાના અસલ દલપત લખ્યા ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફારબસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ. એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફારબસ રાસમાળા લખાઈ ને છપાઈ.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ, પા. ૧૧૨-૧૧૩)

પણ આ તો એક પિતૃભક્ત કવિની અહોભાવ પ્રેરિત કલ્પના છે, તેને હકીકત સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ફાર્બસે જે બે ચોપડા દલપતરામને પાછા આપ્યા હતા તે ફાર્બસના અવસાન પછી થોડા વખતે દલપતરામે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના સેક્રેટરી ટી.બી. કર્ટિસને સોંપ્યા હતા. સોસાયટી તેને પુસ્તક રૂપે પ્રગટ કરે એવી દલપતરામની ઈચ્છા હતી. દલપતરામે આ પુસ્તકની પ્રસ્તાવના પણ લખી રાખી હતી જેમાં તેમણે તેને ‘ગુજરાતી રાસમાળા’  તરીકે ઓળખાવ્યું હતું. પણ સોસાયટીએ તે પ્રગટ કરવાને બદલે ૧૮૬૮માં એ બે ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલી આપ્યા. ૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે ૭૮ વર્ષની વયે દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ એ ચોપડા પુસ્તક રૂપે છપાવ્યા નહિ. તેનું એક કારણ સંસ્થાની નાજુક આર્થિક પરિસ્થિતિ હતું. પણ બીજું કારણ એ પણ હોવાનો સંભવ છે કે ‘ગુજરાતી રાસમાળા’ તરીકે આ સામગ્રી પ્રગટ કરી શકાય એમ નથી એવું સંસ્થાના જાણકાર સંચાલકોને લાગ્યું હોય. તો બીજી બાજુ સંસ્થાએ અંગ્રેજી રાસમાળાનો ગુજરાતી અનુવાદ રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવી ૧૮૬૯માં બે ભાગમાં પ્રગટ કર્યો હતો.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

गोली की बोली 

कुमार प्रशांत|Opinion - Opinion|17 July 2024

कुमार प्रशांत

अमरीका में फिर बंदूक गरजी ! जो भी सुनेगा, पलट कर पूछेगा कि कब; क्योंकि वहां अकारण, असमय व सबसे अप्रत्याशित जगहों पर गोली बरसा कर दो-पांच-दस लोगों-बच्चों-महिलाओं को मार गिराना आम खबर की तरह होता है. यह अमरीकी समाज है जहां पागलपन सामान्य-सा बन गया है. लेकिन इस बार जो हुआ उसके निशाने पर पूर्व अमरीकी राष्ट्रपति डोनाल्ड ट्रंप थे. छटांक भर की दूरी से मौत उन्हें छू कर निकल गई – उनका कान मौत के रास्ते में आ गया तो वह बेचारा थोड़ा घायल हो गया. घटना को देखने व जाननेवाले और गोली खाने से बच जाने वाले ट्रंप बता रहे हैं कि यह ईश्वर ही था कि जो उन्हें बचा ले गया. कैसा विद्रूप है कि जब हमारी जान बच जाती है तब हमें ईश्वर की साक्षात उपस्थिति महसूस होती है, जब हम दूसरों की जान लेते हैं तब कहां का ईश्वर और कहां की उसकी साक्षात उपस्थिति ! दुख में सुमरन सब करैं / सुख में करे ना कोई / जो सुख में सुमरन करैं/ तो दुख काहे को होई ! इसलिए ट्रंप पर चली गोली के समर्थन या विरोध का सवाल नहीं है. सवाल गोली की इस बोली को समझने व समझाने का है.

अपने-अपने देश में गोली की बोली से बात करने में जो सभी सत्ताधीश हैं, वे सभी अमरीका में गोली की बोली की इस घटना से सदमे में हैं — कम-से-कम ऐसा दिखा तो रहे ही हैं !! हमारे प्रधानमंत्री मोदीजी को सदमा लगा है कि ‘मेरे मित्र ट्रंप’ के साथ ऐसा हादसा हुआ ! मोदीजी, अगर ट्रंप आपके मित्र नहीं होते तो ? फिर भी सदमा होता ? इतना होता कि आप बयान दे कर अपना सदमा जगजाहिर करते ? सोचिएगा ! आपने कहा कि राजनीति में हिंसा की कोई जगह नहीं है. अगर यह सच है तो हिंसा, घृणा, द्वेष, झूठ, हिंसक भाषा व हिंसक मुद्रा की छौंक से चलने वाली आपकी अब तक की राजनीति क्या है ? हिंसा के पनपने व फूटने की जमीन जितनी तरह से तैयार हो सकती है, उतनी तरह से पिछले 10 सालों में आपकी तरफ से तैयार की गई है.

दुनिया के दूसरे कुछ हुक्मरानों ने भी गोली की बोली पर ऐतराज उठाया है. इनमें इसराइल के बेंजामिन नेतन्याहू भी हैं और फ्रांस के मैक्रां भी. ये भी और दूसरे सारे भी कह रहे हैं कि हमारे सभ्य समाज में ऐसी हिंसा की कोई जगह नहीं है. किसी ने यह भी कहा कि लोकतंत्र में हिंसा नहीं चल सकती. ये सच में ऐसा मानते हैं, इसलिए कह रहे हैं; या कह रहे हैं कि हम सच में ऐसा मान लें कि ये सच में ऐसा मानते हैं ? मामला बहुत जटिल है, क्योंकि झूठ को सच बनाना और फिर उसे सच मानना बहुत-बहुत बड़ा झूठ है.

हिंसा घटना नहीं है. हिंसा मनोवृत्ति है. जब आप हिंसा को एक परिणामकारी रास्ता मानते हैं तब किसी गांधी की हत्या की लंबी साजिश रचते हैं और प्रार्थना के लिए जाते 80 साल के वृद्ध को, प्रार्थना-स्थल पर पहुंचने से पहले ही भगवान के पास पहुंचा देते हैं. हाथ भी नहीं कांपता है आपका, और इतने लंबे वर्षों में कभी प्रायश्चित का भाव भी नहीं उभरा आपमें ! हम कायर इतने होते हैं कि उस हत्या के 76 साल बाद भी, एक दशक से ज्यादा समय से सत्ता की चादर ओढ़े रखने के बाद भी, कायरता की धुंध इतनी घनी है कि हर संभव मौकों पर वे सब गांधी की विरुदावलि गाते हैं लेकिन यह कह नहीं पाते हैं कि यह हत्या हमने की है ! जो हिंसक होते हैं वे कायर ही होते हैं; याकि ऐसे कहें कि जो कायर होते हैं, वे ही हिंसक भी होते हैं.

मैं मणिपुर की हिंसा की बात न भी करूं तो भी यह तो कहना ही होगा न कि  मोदीजी की भारत सरकार न यूक्रेन की हिंसा के बारे में कभी कुछ बोली, न गजा की हिंसा के बारे में बोली. मित्रों की हिंसा हिंसा नहीं होती है, मित्रों पर हिंसा ही हिंसा होती है, नैतिकता की ऐसी परिभाषा कितनी हिंसक है, इसका हिसाब कोई गांधी ही लगा सकते हैं. भारत की यह चुप्पी और अब यह मुखरता राष्ट्रीय शर्म का सबब है. बेंजामिन नेतन्याहू को भी ट्रंप पर चली गोली से एतराज है, जब कि गजा में दनादन चलती अपनी अमानवीय गोलियों पर उन्हें कभी एतराज नहीं हुआ. फ्रांस में पिछले दिनों हुए विरोध प्रदर्शन को गोली की बोली से ही मैक्रां ने चुप कराया था. और जिस अमरीका में यह गोली चली, उस अमरीका में राष्ट्रपति बाइडन ने उन बच्चों के साथ क्या किया था जो फलस्तीनियों के लिए न्याय की आवाज लगाते हुए वहां के अधिकांश विश्वविद्यालयों में जमा हुए थे ?

डोनाल्ड ट्रंप खुद हिंसा भड़काने व नागरिकों को भीड़ में बदल कर, हिंसा के लिए उकसाने के सबसे बड़े अपराधी हैं. अमरीकी अखबार उनके बारे में लिखते रहे हैं कि वे बला के झूठे, सड़कछाप आदमी हैं जो संयोगवश राष्ट्रपति बन गया था. उन पर अमरीकी अदालतों में मुकदमे भी चल रहे हैं जिसे पूर्व राष्ट्रपति को मिले विशेषाधिकार की आड़ में ट्रंप धता बताने में लगे हैं. पिछली बार राष्ट्रपति का चुनाव हारने के बाद भी वे जिस तरह गद्दी छोड़ने को तैयार नहीं हुए उसने, और जिस तरह उन्होंने अपने समर्थकों को कैपिटल हिल्स में घुस जाने तथा हिंसा, लूटपाट मचाने के लिए ललकारा तथा उस सारे हंगामे को चालना दी उसने, अमरीकी लोकतंत्र का चेहरा खासा धुंधला कर दिया है. ट्रंप जब तक राष्ट्रपति रहे, व्हाइट हाऊस से सफेद चमड़ी का अहंकार, सत्ता की बदबू तथा दौलतमंदों का कुसंस्कार ही अमरीका की पहचान बना रहा. चुनाव जीतना व देश के सर्वोच्च पदों पर जा कर बैठ जाना जैसे भारत में किसी नैतिक श्रेष्ठता का प्रमाण नहीं है – बल्कि उल्टा ही है ! – वैसे ही अमरीका में भी है. मैं तो कहूंगा कि भारत और अमरीका नहीं, सारी दुनिया के लिए यही सच है.

आज अधिकांश अमरीकी नहीं चाहते हैं, न बाइडन की पार्टी ही चाहती है कि बाइडन फिर से राष्ट्रपति बनने की कोशिश करें. उनकी दूसरी योग्यताओं की बात न भी करें हम तो भी यह तो सभी जान व देख रहे हैं कि बाइडन शारीरिक रूप से राष्ट्रपति बनने लायक नहीं हैं. लेकिन बाइडन खुद को खुद ही सर्टिफिकेट देते जाते हैं कि मैं हर तरह से राष्ट्रपति बनने लायक हूं : “या तो मैं या भगवान ही इस बारे कोई दूसरा फैसला कर सकते हैं !” इसे लोकतांत्रिक हिंसा कहते हैं भाई !

असहिष्णुता, घृणा, अंधी स्पर्धा, झूठ, हिंसा आदि कुछ अलग-अलग वृत्तियां नहीं हैं. ये सब एक-दूसरे की संतानें हैं. समाज में अाप जैसी वृत्तियों को चालना देते हैं वैसी ही लहरें उसमें उठती हैं. अमरीका में चुनावी बुखार चढ़ता जा रहा है जिसे उन्माद में बदलने की कोशिश में डोनाल्ड ट्रंप लगे हैं. वे जानते हैं कि अमरीकी समाज के दूसरे कई घटकों के खिलाफ उन्माद व असहिष्णुता फैला कर ही वे व्हाइट हाउस में दोबारा प्रवेश पा सकते हैं. वे अपने मित्र से सीखते हों शायद कि यदि यही सब कर के तीसरी बार सत्ता पाई जा सकती है, तो दूसरी बार क्यों नहीं ?

सत्ता सबसे बड़ा सच है, तो हिंसा सबसे बड़ा हथियार है. इसलिए सारे सत्तावान इस सबसे बड़े हथियार पर अपना एकाधिकार चाहते हैं.

(16.07.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

અરુંધતી રોયને કેમ હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયું

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 July 2024

પ્રકાશ ન. શાહ

વાત આમ તો અનિરુધ્ધા અરુંધતી વિશે ને મિશે કરવાનો ખયાલ છે. અરુંધતી રોય 1997માં ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્ઝ’ લઈને આવ્યાં અને આ નવલકથાને બુકર પારિતોષિક સાથે વિશ્વપોંખાયાં. એ ગાળામાં એમને વિશે રમણલાલ જોશીના ‘ઉદ્દેશ’માં મનુભાઈ રાવળે જે લેખ લખ્યો એના શીર્ષકમાં એમણે અરુંધતીને અનિરુધ્ધા કહી હતી.

આ મનુભાઈ પણ હતા તો મળવા જેવા માણસ. એક કાળના કાઁગ્રેસપ્રમુખ ઢેબરભાઈના મંત્રી, અને પછીથી તો એમના ચરિત્રકાર પણ. એમને અરુંધતીમાં રસ પડવો તે એક સાથે એમની અને અરુંધતી બંનેની વિશેષતા સૂચવે છે.

પણ તેજછાયામાં અહીંતહીં ઝાઝો ફંટાઉં તે પહેલાં અરુંધતી પ્રકરણમાં આવી જાઉં. અરુંધતી રોય હમણાં એકદમ ચિત્રમાં આવ્યાં તે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ (એમના નામ પર તો વારી વારી જાઉં) તેર-ચૌદ વરસ પરનો કેસ સહસા ઉખેળ્યો એ કારણે, પણ બહુ ઝડપથી આખી ચર્ચાને એક નવો વળાંક મલે એવા સંજોગો પણ આવી મળ્યા : અરુંધતી રોયને ચાલુ વરસનું હેરોલ્ડ પિન્ટર સન્માન અપાયાની જાહેરાત થઈ. વિશ્વઘટના પર મટકુંયે માર્યા વિના નજર રાખનાર તરીકે એમણે અરુંધતીને જોયાં છે. હર કોઈ સત્તા-પ્રતિષ્ઠાનના એકે નાઝનખરા આ લેખિકા નથી ચૂકતાં એ તો સાચું સ્તો! 2019માં એમનો બેબાક લેખસંચય આવ્યો, એનું શીર્ષક હતું ‘માઈ સિડિશસ હાર્ટ’ (‘મારું રાજદ્રોહી હૈયું’).

અહીં નાટ્યકાર પિન્ટરનીયે એક, ખરી દૂંટીની વાત સંભારી લઉં. પિન્ટરને 2005નું નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એમણે જે સ્વીકાર અભિભાષણ કર્યું (મારી પાસેથી એની નકલ વાંચવા લઈ ગયા પછી પાછી આપતાં બકુલ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ ભાષણના વાંચને અને એથી હું વલોવાયો એણે મને આગામી પરિષદ પ્રમુખના ભાષણની તૈયારીમાં બે દિવસ પાછળ પાડી દીધો છે.), એમાં પિન્ટરે ઊઘડતાં જ પોતાનાં 1958નાં વચનો સંભાર્યાં હતાં કે કોઈ બાબત અનિવાર્યપણે સાચી કે જૂઠી નથી, એ સાચી અને જૂઠી બંને હોઈ શકે. પછી, 2005ના ભાષણમાં એમણે ઉમેર્યું હતું : ‘આજેય સાહિત્યકાર લેખે હું એને વળગી રહું છું, પણ નાગરિક તરીકે નહીં. નાગરિક તરીકે મારે પૂછવું પડે : સાચું શું? જૂઠું શું.’ અરુંધતીનું કાળજું રાજદ્રોહી છે તે આ અર્થમાં, નાગરિક અર્થમાં.

અરુંધતી રોય

અરુંધતી વિશે ને મિશે મન ખાસાં મંથન-મનોરથમાંથી પસાર થતું હશે ને સ્ટેન સ્વામીનો સ્મૃતિ દિવસ આવ્યો, પાંચમી જુલાઈએ એ બરાબર આજથી ત્રણ વરસ પર ગયા. 2018ના કુખ્યાત ભીમા કોરેગાંવ કેસના સંદર્ભમાં 2020માં એમને પકડવામાં આવ્યા હતા. સ્ટેન સ્વામીનું મોટું કામ આદિવાસી સમુદાયને બંધારણના પાંચમા શિડ્યુલ મુજબની સઘળી સોઈ મળે એ માટેની લડતનું હતું. બિરસા મુંડાને પશ્ચાદવર્તી ધોરણે અંગીકારતા સત્તા-પ્રતિષ્ઠાનને નજર સામેનો આદિવાસી હામી સોરવાય શાનો? ભીમા કોરેગાંવ કેસ જે ફળદ્રુપ ભેજાએ ઊપજાવી કાઢ્યો એમાં પકડાયેલા 16 કર્મશીલ બૌદ્ધિકો દેશના મોટા હાકેમની સૂચિત હત્યામાં દેશદ્રોહી-રાજદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એમને આતંક વિરોધી યુ.એ.પી.એ. અંતર્ગત પકડવામાં આવ્યા હતા. આ કાયદા અંતર્ગત જામીન મળવા અસંભવવત્ છે. પાર્કિન્સન પીડિત સ્ટેન સ્વામીને હાથમાં પવાલું ઝાલવાનીયે શક્તિ ન હોઈ સિપર સ્ટ્રો સારુયે જેલમાં લાંબી લડત આપવી પડી હતી. તબિયત ખાસી કથળેલી, પણ સારવાર સારુ બેલ મળે શાની? કોરટમાં તે માટેની કોશિશ ચાલતી રહી, ને એ પ્રભુને પ્યારા થઈ ગયા. એમનો સ્પિરિટ જોકે કાબિલે દાદ હતો. એ કહેતા કે ‘ભલે પિંજરે પુરાયું પણ પંખી ગાઈ તો શકે છે ને!’

આ કેસના એક પછી એક આરોપી હવે જામીન પર માંડ છૂટે છે, કેમ કે દેશની ટોપ એજન્સી આટલે વરસે પણ ચાર્જ ફ્રેમ કરી શકી નથી. સુધા ભારદ્વાજ, આનંદ તેલતુંબડે, ગૌતમ નવલખા અકેકી દાસ્તાં યુ.એ.પી.ના ખુદના આતંકી સ્વરૂપની ગવાહી પૂરે છે – અને હવે સક્સેના વિનયપૂર્વક અરુંધતી રોયને યુ.એ.પી.એ. થકી આભૂષિત કરવાના મનોરથી છે.

આવે વખતે સાહિત્યકારે નાગરિક તરીકે કેમ વર્તવું-પ્રવર્તવું રહે? ફરી યાદ કરું પિન્ટરના નોબેલ વક્તવ્યને : ‘જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે લાગે છે કે પ્રતિબિંબ અદ્દલ છે. પણ એક દોરાવાર ખસો એટલે બિંબ બદલાય. આપણે વસ્તુત: પ્રતિબિંબોની નિરંતર હારમાળા જોઈએ છીએ, પણ ક્યારેક સર્જકે અરીસો ફોડવો પડે છે – કેમ કે, આપણી સામે તાકતું સત્ય અરીસાની બીજી બાજુએ હોય છે.’

દરમ્યાન, હિમાંશી શેલતની તરોતાજા નવલકથા ‘ભૂમિસૂક્ત’ (જૂન 2024) જોઈ તમે? અહીં તરોતાજા કહ્યું છે તે આ પ્રકાશન માંડ મહિના પહેલાંનું છે એટલા સારુ નહીં પણ એના વિષયવસ્તુની પસંદગીની રીતે. નવલકથાના લેખકીયમાં, કેવો સમર્પક પ્રયોગ કર્યો છે – ‘સ્વગત’માં, પહેલા જ વાક્યમાં હિમાંશીબહેને અરીસાનું ઓઠું જરી જુદી રીતે લીધું છે : ‘ચોમેર અરીસા છે જાતને જોવા માટે. જો દાનત હોય તો. જો કે, એમાં આંખ ઉઘાડી રાખવી પડે.’

તો, મુદ્દો ઉઘાડી આંખનો છે. પિન્ટર નિર્ણાયકોએ પણ અરુંધતીનો જે વિશેષ વર્ણવ્યો છે તે પણ ‘અનફ્લિન્ચિંગ ગેઝ’નો જ છે ને.

નવલકથાની વિશેષ ચર્ચામાં જવાનો અહીં મુદ્દલ ખયાલ નથી. પણ આપણે પૂર્વાર્ધમાં જે બધી ચર્ચા કરી એમાં સર્જક પક્ષે નાગરિક તરીકે સત્યાસત્ય વિવેકની અપેક્ષા અને કર્મશીલો પરત્વે સત્તા-પ્રતિષ્ઠાનની બેરહમીનો – એમને આંદોલનજીવી અને ‘વોક’માં ખપાવવાની તુચ્છ વૃત્તિનો ખયાલ આવે છે. ‘ભૂમિસૂક્ત’ કર્મશીલો અને કર્મશીલતાને, એમની પૂંઠે રહેલ ઋતને એક સર્જકની નાગરિક સિસૃક્ષાપૂર્વક હૃદયપ્રત્યક્ષ કરી આપે છે.

ગુજરાતી સર્જકતા અને નાગરિકતા વિશેનું મહેણું આમ ભાંગે એથી રૂડું શું.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

...102030...498499500501...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved