Opinion Magazine
Number of visits: 9557111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છેને કમાલ-શિક્ષકોને હાજર થવા દેતા નથી ને કુલપતિ હાજર થતા નથી …!

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 October 2024

રવીન્દ્ર પારેખ

ગયે વર્ષે સરકારે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરી ને તેને બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકની ભરતી કરવાનું ઠરાવ્યું. 11 મહિને કોઈ જ્ઞાન સહાયક નિષ્ફળ જણાય તો તેનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવો એવી તાકીદ પણ કરવામાં આવી. આ નિષ્ફળતા મેનેજમેન્ટ સામેની હોય કે વિદ્યાર્થીઓ સામેની, તે અંગે સરકારે કશી સ્પષ્ટતા કરી ન હતી. શિક્ષક ભણાવવામાં નિષ્ફળ ન હોય, પણ મેનેજમેન્ટ સાથે તેને વાંકું પડે કે મેનેજમેન્ટને તેની સામે વાંકું પડે એ શક્ય છે. શિક્ષણકાર્યમાં નિષ્ફળ જવાની તકો ઓછી છે, તે એટલે કે દ્વિસ્તરીય TAT પાસ કરીને મેરિટમાં આવેલાની જ્ઞાન સહાયક તરીકે ફરી નિમણૂક આપવાની હોય તો તે શિક્ષણમાં સાવ નિષ્ફળ જાય એવું ઓછું બને, છતાં શાળા સંચાલકોની એ ફરિયાદ હતી કે જ્ઞાન સહાયક, શાળા અને વિદ્યાર્થીઓને અનુરૂપ નથી, એટલું જ નહીં, શિક્ષણ કાર્યમાં પણ તેઓ નિષ્ફળ ગયા છે. એવા નબળા જ્ઞાન સહાયક ન ચાલે ને ન જ ચલાવવા જોઈએ, પણ આપણી સારાની શોધ પ્રમાણિક હોય તે અનિવાર્ય છે.

એ પ્રમાણિકતા સરકાર પક્ષે જણાતી નથી. તે એટલે કે પૂરતું બજેટ હોવા છતાં સરકાર 2017થી 42,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી ને તેને વિકલ્પે પ્રવાસી શિક્ષકની કે જ્ઞાન સહાયકની યોજનાઓ લાવીને એટલું ચૂંથણું કર્યું છે કે એટલામાં તો કાયમી શિક્ષકોની ભરતી થઈ જાય, પણ સરકારની દાનત ખોરી છે, તે એ રીતે કે કાયમી ભરતીની જાહેરાત તે કરશે, વાયદાઓ કરશે, પણ ભરતી કરશે નહીં. સરકારે એ આંકડાઓ જાહેર કરવા જોઈએ કે દર વર્ષે કેટલા કાયમી શિક્ષકોની ભરતી ખરેખર થઈ છે?

લાગે છે તો એવું કે અંગ્રેજોને કારકૂનો જોઈતા હતા તેમ હાલની સરકારને મશીનો કે ટેકનોસેવી જ જોઈએ છે. એટલું કામ કરનાર રોબોટ્સ હોય કે માણસો, સરકારને કોઈ ફરક પડતો નથી. સરકારમાં ને પક્ષોમાં જે પ્રકારનો વાણી વિલાસ ચાલે છે તે પરથી તો લાગે છે કે વિચારશીલ માણસો સરકારને ખપે એમ જ નથી. વિચારશીલ હોય તે ભક્તો, ખુશામતખોરો કે જી-હજૂરીયા ન જ હોય. એટલે વિચારશીલો જ ન રહે એવી કોઈ ગણતરી સરકારે માંડી હોય એમ બને. આ તો જ શક્ય છે, જો ભણતર ખોરવાય. ભણતર તો જ ખોરવાય જો શિક્ષકોનો દુકાળ ઊભો થાય, સ્કૂલો જર્જરિત રહે ને શિક્ષણના તમામ સ્તરે ધર્મને નામે ધાર્મિકતાનો વિસ્ફોટ થાય. એના રસ્તા શોધી કઢાયા. પ્રવાસી શિક્ષક, જ્ઞાન સહાયક જેવાથી કામ ચલાવાયું. સ્કૂલો, રૂમની બહાર કે ખુલ્લામાં જીવવા લાચાર થઈ અને નવી નવી કોલેજો ઉત્સવ પ્રિય બનાવાઈ. યુનિવર્સિટીઓમાં ધાર્મિક જ્વર લાગુ પડ્યો. પ્રવેશોત્સવ અને ગુણોત્સવમાં રાજકીય દખલો વધી. હતા તે શિક્ષકો કે આચાર્યો પરિપત્રોના જવાબ આપનાર કે ડેટા ઠૂંસનારા કારકૂનો થઈને રહી ગયા. ટૂંકમાં, સ્કૂલમાં હતા તે શિક્ષકોને, વિદ્યાર્થીઓએ, વર્ગમાં ભણાવવા, તેડવા જવું પડે એ સ્થિતિ આવી. આમ થતાં સ્કૂલો, કોલેજોમાં ભણતરનું અવમૂલ્યન થયું ને એનું મૂલ્યાંકન ગુણવત્તા ગણાવા માંડી. આવું ન હોય ને આ ચિત્ર ખોટું સાબિત થાય તો એનો આનંદ જ થાય, પણ કાયમી શિક્ષકોની નિમણૂકમાં સરકાર અખાડા કરી રહી છે તે હકીકત છે.

એટલે જ તો શાળા સંચાલકોએ કાયમી શિક્ષકોની નિમણૂકનું નાહી નાખીને જ્ઞાન સહાયકની માંગ કરી. એમાં દા’ડો ન વળતા હવે પ્રવાસી શિક્ષકોની ભીખ માંગવાનું શરૂ કર્યું છે. એમને કોણ સમજાવે કે એ અમીર કંજૂસ પાસે માંગી રહ્યા છે જે આપવાનું જાણતા જ નથી. સંચાલકો એમ પણ કહે છે કે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની સત્તા તેમને આપવામાં આવે. એટલે કે તેમણે સ્વીકારી લીધું છે, કાયમીનો એકડો નીકળી ગયો છે, તેવું ન હોત તો તેમણે પ્રવાસી શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની માંગ કરી હોત.

જ્ઞાન સહાયકો મળતા નથી, મળે છે તો ચાલે એવા નથી, તો પ્રવાસી શિક્ષકો ચાલશે એવું કઈ રીતે સંચાલકોને લાગે છે? જ્ઞાન સહાયકો ન મળે તે સમજી શકાય એવું છે. TATની પરીક્ષા મેરિટમાં પાસ કરવાનું કારણ કાયમી ભરતીનું હતું. તે પરીક્ષાનો ઉદ્દેશ જ કાયમી ભરતીનો હતો, તેને બદલે સરકાર ફરી ગઈ ને કાયમીને બદલે ઉમેદવારોને જ્ઞાન સહાયકની ઓફર આપી, જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારની હતી. આટલી મહેનત પછી નિમણૂક, કામચલાઉ જ રહેવાની હોય ને તે કદી કાયમી ન થવાની હોય તો કયો અક્કલવાળો આવી ઓફર સ્વીકારશે? વધારામાં અગિયાર મહિનામાં જ સંચાલકોને જ્ઞાન સહાયકો, સ્કૂલ અને વિદ્યાર્થીઓને અનુરૂપ ન લાગ્યા હોય તો નવા જ્ઞાન સહાયકોની વ્યવસ્થા થવી જોઈએ, પણ એ મામલે પણ સરકાર ઉત્સાહી નથી, એટલે સંચાલકો પ્રવાસી શિક્ષકોથી ચલાવવા તૈયાર થયા છે, તેમાં સંચાલકોની માનસિકતા પણ છતી થાય છે, તે એ રીતે કે પ્રવાસી શિક્ષકો 1 મહિનાથી 11 મહિના માટે કાયમી શિક્ષકોની જગ્યાએ રાખી શકાય. જતે દિવસે સરકાર કલાક પર શિક્ષકો રાખે તો નવાઈ નહીં ! એને તો રોજ પર મજૂર રાખવો કે માસ્તર, સરખું જ છે.

સંચાલક મંડળે પ્રવાસી શિક્ષકોની માંગ સાથે, તેની નિમણૂકનો અધિકાર પણ સંચાલકો પાસે રહે એવી માંગણી કરતો પત્ર લખ્યો છે. ખરેખર તો જ્ઞાન સહાયકોની યોજના દાખલ થઈ ત્યારે જ એ સ્પષ્ટતા સરકારે કરી હતી કે આ યોજના સાથે પ્રવાસી શિક્ષકોની યોજના રદ્દ કરવામાં આવી છે. હવે સંચાલક મંડળ એની જ માંગ કરે છે, તો સવાલ એ થાય કે સરકાર ફરી પ્રવાસી શિક્ષકની યોજના લાવશે? લાવશે તો જ્ઞાન સહાયકની યોજના ચાલુ રહેશે કે રદ્દ થશે? ટૂંકમાં, શિક્ષકોની નિમણૂકનું ગાડું ઘોંચમાં પડેલું છે ને તેનો ઉકેલ નજીકમા જણાતો નથી.

એક તરફ શિક્ષકો કાયમી ભરતી માટે ઉત્સુક છે, તેમને સરકાર રાખવા રાજી નથી ને બીજી તરફ કુલપતિ રાખવા સરકાર તૈયાર છે, પણ કુલપતિ છે કે હાજર થવા ઉત્સુક નથી. સરકાર દ્વારા ટીચર્સ યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે NIOSના ચેરમેન સરોજ શર્માની નિયુક્તિ કરવામાં આવી, પણ નિયુક્તિને મહિનો થવા છતાં કુલપતિએ ચાર્જ લીધો નથી. અગાઉ જે કુલપતિ હતા, તેમની નિમણૂક વિદ્યાપીઠમાં થતાં જગ્યા ખાલી પડી તો નવા કુલપતિ સરોજ શર્માને, દિલ્હીથી 5 સપ્ટેમ્બરે ગુજરાતમાં  મૂકવામાં આવ્યા. હાજર ન થવાનું કારણ આપતાં શર્માએ કહ્યું કે હાલ NIOSની જવાબદારી વધુ છે એટલે એમાંથી પરવારીને પછી ચાર્જ લેશે. ત્યાં સુધી અહીં શું તેનો જવાબ કોઈ પાસે નથી. વારુ, કોઈ પણ નિયુક્તિ પહેલાં સરકારે એ જોઈ લેવું જોઈએ કે નિયુક્તિ પામનાર વ્યક્તિ જે તે યુનિવર્સિટીમાં હાજર થઈ શકે એમ છે કે કેમ? કે ધૂન ચડે તેમ જ ગમે તેને ગમે ત્યાં ગોઠવી દેવાય છે? એ પણ છે કે અહીંના દાવેદારોને અવગણીને છેક દિલ્હીથી કુલપતિ આયાત કરવાનો ઉપક્રમ ઘરનાં ઘંટી ચાટે…ની જ યાદ અપાવે છે.

અગાઉ એપ્રિલ, 2024માં ભાવનગર યુનિવર્સિટીમાં પણ એવું થયેલું કે એલ.એમ. ફાર્મસી કોલેજના ડો. મહેશ છાબરિયાની નિમણૂક સરકાર દ્વારા થયેલી ને તેઓ લાંબા સમય સુધી હાજર થયા ન હતા ને પછી કુલપતિ તરીકે ચાર્જ સ્વીકારવા તૈયાર નથી એવો પત્ર સરકારને મોકલી આપેલો. નિમણૂક અને નોટિફિકેશન બાદ નવ નિયુક્ત કુલપતિએ ઘસીને ના પાડી હોય એવી રાજ્યમાં આ પહેલી ઘટના હતી. બબ્બે વર્ષને અંતે સર્ચ કમિટી ત્રણ નામો સૂચવે ને એકની નિમણૂક થાય ને એ વ્યક્તિ લાંબી રાહ જોવડાવીને પારિવારિક કારણો બતાવીને નિમણૂક નકારે એ ઠીક નથી. હવે ફરી સર્ચ કમિટીનું ચક્કર ચાલશે કે ઇન્ચાર્જ કુલપતિથી જ કામ ચલાવાશે એ સ્પષ્ટ નથી, પણ કાયમી કુલપતિની નિમણૂકના અભાવમાં નવી શિક્ષણ નીતિ સંબંધિત ઘણી પ્રક્રિયાઓ ખોરંભે પડવાની શક્યતાઓ છે, બીજું, ડીનની નિમણૂક, ગ્રાન્ટનો ઉપયોગ, એકેડેમિક કાઉન્સિલ જેવી ઘણી બાબતોના ઉકેલ કુલપતિ વગર ઘોંચમાં પડે છે એ ભૂલવા જેવું નથી.

એક ઑક્ટોબરને રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ગિરીશ ભીમાણીએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ડો. ભીમાણી 13 ડિસેમ્બર, 1993 ને રોજ અધ્યાપક તરીકે જોડાયા તે પછી 7 ફેબ્રુઆરી, 2022થી ઓકટોબર, 2023 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહ્યા ને હવે એકાએક સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત થતાં 31/12/2024 ને રોજ નિવૃત્ત થશે. એ પછી જે કુલપતિ આવશે તેને કેટલો સમય લાગશે તે અનિશ્ચિત છે. આ અનિશ્ચિતતા જ ગુજરાતી શિક્ષણનું વ્યાવર્તક લક્ષણ છે.

તો, આ સ્થિતિ છે. એક તરફ શિક્ષકોને હાજર થવા દેતા નથી અને બીજી તરફ કુલપતિ કક્ષાની વ્યક્તિઓની નિમણૂક પછી પણ, તેઓ હાજર થતા નથી. સરવાળે ખોટ તો શિક્ષણ જગતને જ છે. છતે શિક્ષકે, શિક્ષકોને હાજર ન કરીને સરકાર શિક્ષકોનું અપમાન કરે છે અને નિમણૂક પછી હાજર ન રહીને કે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને કહેવાતા કુલપતિઓ સરકારનું અપમાન કરે છે ને દુ:ખદ બંને છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑક્ટોબર 2024

Loading

સ્વપ્ન કઈ રીતે જોવું તે ન જાણો ત્યાં સુધી કશું ય બનતું નથી : મહાશ્વેતાદેવી

સોનલ પરીખ|Opinion - Opinion|8 October 2024

સભ્ય સમાજે જેનું શોષણ કરવામાં બાકી નથી રાખ્યું; વાપરી, ચૂસી, ફેંકી દીધું છે, છતાં જે હાર્યું નથી એ અદ્દભુત, ઉમદા, પીડિત મનુષ્યત્વ જ મારા લેખનનો અખૂટ સ્રોત છે : મહાશ્વેતાદેવી

‘મારાં જીવન અને સાહિત્યમાં માનવ હોવું એટલે એકબીજાના હક્કો-અધિકારોનો ગૌરવ અને આદરપૂર્વક સ્વીકાર કરવો. આ મારી લડાઈ છે, આ મારું સ્વપ્ન છે … મારે મરવું નથી. હું જીવવા માગું છું. હજી ઘણું કરવાનું બાકી છે, ઘણું લખવાનું બાકી છે. પણ જો હું મરી જાઉં તો મને બાળશો નહીં, માટીમાં દાટી દેજો અને મારી કબર પર મહુઆનું ઝાડ રોપજો.’ આજથી આઠ વર્ષ પહેલાંની 28 જુલાઈએ આપણા સૌનાં શ્રદ્ધેય મહાશ્વેતાદેવી આ નશ્વર જગત છોડી શાશ્વત પંથનાં યાત્રી બન્યાં હતાં. જેમનાં જીવન અને કાર્યનું સ્મરણ પણ એક ઓજસ્વી પ્રેરણાથી ભરી દેનારું છે એ મહાશ્વેતાદેવીની પ્રસિદ્ધ ઉક્તિ ઘણાને યાદ હશે, ‘સ્વપ્નો જોવાં એ માનવીનો પહેલો મૂળભૂત અધિકાર હોવો જોઈએ.’

એ દિવસે શોક વ્યક્ત કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા હતા. એક ગમ્મત પણ થઈ હતી – સુષમા સ્વરાજે શ્રદ્ધાંજલિ આપતાં ‘પ્રથમ પ્રતિશ્રુતિ’ અને ‘બકુલકથા’ એ બે કૃતિઓનો ઉલ્લેખ કર્યો; જે મહાશ્વેતાદેવીની નહીં, આશાપૂર્ણાદેવીની છે. ગુસ્સે થયેલા એક યુઝરે ટ્વિટ કર્યું, ‘ઇગ્નોરન્સ ઈઝ નોટ ઑલ્વેઝ બ્લેસિંગ’.

બંગાળી સાહિત્યના સર્જકો-વાચકોની બેથી વધુ પેઢીઓ પાંચ દાયકાઓથી અવિરત ચાલેલી મહાશ્વેતાદેવીની કલમથી અત્યંત પ્રભાવિત રહી છે. મહાશ્વેતાદેવીનાં પુસ્તકોના ભારતની ઘણી ભાષાઓમાં અને અંગ્રેજીમાં અનુવાદ થયા છે અને દુનિયાભરમાં વંચાય છે. ગુજરાતી વાચકો પણ એમની કૃતિઓથી પરિચિત છે. પણ મહાશ્વેતાદેવી ફક્ત લેખિકા કદી ન હતાં. તેમનો બીજો એક ચહેરો રાજકીય-સામાજિક કર્મશીલનો છે. હાંસિયામાં ધકેલાઇ ગયેલા આદિવાસીઓ, જનજાતિઓ, સ્ત્રીઓ, દલિતો, મજૂરો, વેશ્યાઓ અને ફના થવા નીકળેલા યુવાન આદર્શવાદીઓના અધિકારો માટે તેમણે વર્ષો સુધી સરકાર સામે બાથ ભીડી. લાંબી કાનૂની લડાઇઓ લડતાં કદી ન થાક્યાં. ‘બોર્તિકા’ નામનું સામયિક તેઓ ચલાવતાં જેમાં વંચિતો-શોષિતોની વ્યથા તેમના જ શબ્દોમાં મુકાતી. લેખન અને વંચિતોનું સશક્તીકરણ આ બંને ક્ષેત્રે તેમણે એવાં ઉચ્ચ શિખરો સર કર્યાં કે તેમણે સાહિત્ય માટેનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ ઍવોર્ડ મળ્યો અને સેવકાર્યો માટેનો શ્રેષ્ઠ મેગ્સેસે ઍવોર્ડ પણ મળ્યો. આ બંને સન્માન એક જ વ્યક્તિને મળે એવું ભાગ્યે જ બને. પણ એ બનેલું. ઉપરાંત પદ્મવિભૂષણ, સાહિત્ય અકાદમી ઍવોર્ડ અને અન્ય પ્રતિષ્ઠિત સન્માનો. મહાશ્વેતાદેવી આ વિરાટ સન્માનોમાં પુરાણ ન સામે એટલાં વિરાટ હતાં.

ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનનો એક સમયે ભારે દબદબો હતો. બંગળનાં ખૂબ જાણીતાં લેખિકા મૈત્રેયીદેવી ટાગોરનાં શિષ્યા હતાં. નૉબેલપ્રાઇઝ વિજેતા અમર્ત્ય સેનના પિતા ક્ષિતિકુમાર સેન શાંતિનિકેતનમાં ભણ્યા હતા. અમર્ત્ય સેન પણ ત્યાં રહ્યા હતા. બલરાજ સહાની લાહોર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા બાદ શાંતિનિકેતનમાં ભણાવતા હતા. જેના સ્પર્શે વ્યક્તિત્વ પર જાદુઇ છડી ફરી જતી એ શાંતિનિકેતનમાં મહાશ્વેતાદેવી સ્નાતક થયેલાં. મહાશ્વેતાદેવી જાણીતા કવિ-નવલકથાકાર મનીષ ઘટક અને સમજસેવિકા-લેખિકા ધરિત્રીદેવીનાં પુત્રી, પ્રશિષ્ટ ફિલ્મસર્જક ઋત્વિક ઘટકનાં ભત્રીજી, ડાબેરી નાટ્યકાર અને ‘ઈપટા’ સ્થાપક સભ્યોમાંના એક બિજોન ભટ્ટાચાર્યનાં પત્ની અને અંગ્રેજી સાહિત્યનાં અધ્યાપિકા. લખવું તેમને માટે સહજસ્વાભાવિક હતું. અઘરું તો હતું શોષણયુક્ત વ્યવસ્થાના મૂળમાં જવાનું. એ પ્રક્રિયાએ અખૂટ લેખનસામગ્રી તો પૂરી પાડી પણ સાથે એમના ચિત્તને ખળભળાવી પણ મૂક્યું. મુખ્ય પ્રવાહમાંથી હડસેલાઈ ગયેલા લોકો જેઓ સંગઠિત નથી, સશક્ત નથી, સજ્જ નથી, શોષણની લુચ્ચી  શૃંખલાને સમજતા નથી તેમનો અવાજ બનીને સમાજની સૂતેલી ચેતનાને ઢંઢોળીને જગાડવાનું કામ સહેલું ન હતું, પણ કલમની તાકાતથી તેમણે સામૂહિક ચૈતન્યને ઢંઢોળ્યું જ નહીં, ઝંઝેડી નાખ્યું.

‘હું હંમેશાં માનું છું કે સાચો ઇતિહાસ સામાન્ય લોકો રચે છે. આ ઇતિહાસ લોકગીતો, લોકકથાઓ, લોકનૃત્યોના માધ્યમથી પેઢી-દર-પેઢી ઊતરી આવે છે. સભ્ય સમાજે આ વારસો સાચવનારાઓનું શોષણ કરવામાં બાકી નથી રાખ્યું; તેમને વાપરી ચૂસી ફેંકી દીધા છે – છતાં તેઓ હાર્યા નથી. આ અદ્દભુત, ઉમદા, પીડિત મનુષ્યત્વ જ મારા લેખનનો અખૂટ સ્રોત છે.’ 2006માં ફ્રેન્કફર્ટ બુક ફેરનું ઉદ્દઘાટન કરતાં, રાજકપૂરના ગીતને ટાંકીને તેમણે કહેલું, ‘આ યુગ જાપાની જૂતાં, ઇંગ્લિસ્તાની પાટલૂન અને રૂસી ટોપીનો છે, પણ દિલ – દિલ હંમેશાં હિન્દુસ્તાની રહ્યું છે. મારો પ્રિય દેશ – ફાટ્યોતૂટ્યો, જીર્ણ, ગર્વિષ્ઠ, સુંદર, ગરમ, ભેજવાળો, ઠંડો, રેતાળ, સૂર્યપ્રકાશિત …’

મહાશ્વેતા દેવી

મધ્યમવર્ગની, બધું દબાવી દેવામાં માનનારી પાખંડી નૈતિકતાના તેઓ ભારે વિરોધી હતાં અને સૌંદર્ય, પ્રેમ, રવીન્દ્રસંગીતનાં પ્રેમી. જેટલાં પ્રતિબદ્ધ તેટલાં જ સર્જનાત્મક. ભરપૂર રમૂજવૃત્તિ અને અનંત વિસ્મયથી ભરેલી મજાની બાળવાર્તાઓ પણ તેમણે લખી છે. તેમની કૃતિઓ પરથી ‘સંઘર્ષ’, ‘રુદાલી’, ‘હજાર ચૌરાસી કી માં’, ‘માતી માય’, ‘ગંગોર’ જેવી વિશિષ્ટ કલાપૂર્ણ ફિલ્મો બની છે. તેમની લડત વર્ગ, જ્ઞાતિ, ધર્મ, લિંગના ભેદભાવની દીવાલોથી મુક્ત વધુ માનવીય સમાજના નિર્માણ માટે પણ ખરી. એટલે આર્જેન્ટિનામાં એક સ્ત્રી જાહેરમાં બાળકને સ્તનપાન કરાવી વિરોધનું પ્રદર્શન કરતી હોય ત્યારે આપણને મહાશ્વેતાદેવીની ‘ગંગોર’ વાર્તા યાદ આવે જેમાં એક આદિવાસી સ્ત્રી બાળકને સ્તનપાન કરવી રહી હતી તેની કોઈએ લીધેલી ને જાહેર કરેલી તસવીર જોઈને પોલીસ એ સ્ત્રીને અમાનુષી ત્રાસ આપે છે. ઓરિસ્સાના ડોંગિરા કોંડ જાતિની એક મલ્ટિનેશનલ કંપની સામેની ઐતિહાસિક જીત જોઈને તેમની ‘શિશુ’ વાર્તા યાદ આવે જેમાં ખાણો ખોદવા માટે જંગલમાંથી હાંકી કઢાયેલા આદિવાસીઓની મજબૂરી ગુનાખોરીના રસ્તે જાય છે. બળવાખોર પ્રદેશોમાં લશ્કરને અપાયેલ વિશેષધિકારનો દુરુપયોગનો વિવાદ ચાલતો હોય ત્યારે તેમની ‘દ્રૌપદી’ વાર્તા યાદ આવે, જેમાં આદિવાસી યુવતી દોપડી પીવાના પાણી માટે જમીનદારની સામે થવાના ગુના બદલ ભયાનક ત્રાસ અને સામૂહિક બળાત્કારનો ભોગ બન્યા પછી લોહીનીતરતા શરીરે સેનાનાયક સામે વિરોધની ગર્જના કરે છે. ‘માતી માય’માં મૃત શિશુઓને દાટવાનું કામ કરતી દલિત યુવતીની વાત છે. કોલકાતાની શેરીઓને ધમરોળતા અને સમાજને બદલવાની ધગશવાળા યુવાનોનો ભોગ લેતા નક્સલવાદના સમાચાર વાંચીને જેનો યુવાન દીકરો નક્સલવાદી બની પોલીસના હાથે મરાઈ મૃતદેહનો એક આંકડો બની ગયો છે એ ‘હજાર ચૌરાસી કી માં’ની સુજાતા નજર સામે આવે અને સ્વાર્થ અને લાલસામાં આંધળાભીત બનેલા માનવીઓને જોઈ ‘સ્તન્યદાયિની’ યશોદા યાદ આવી જાય. મહાશ્વેતાદેવી ક્યાં ય ગયાં નથી, તેઓ આપણી વચ્ચે જ છે. મહુઆનું ઝાડ નહીં હોય તો પણ. ભૂમિના કણકણ સાથે, માટીના શ્વાસનિ:શ્વાસ સાથે તેઓ ભળી ગયાં છે.

મહાશ્વેતાદેવી તેમની આગવી રીતે નારીવાદી હતાં. સ્ત્રીને સ્ત્રી હોવાને કારણે એક વધારાનું શોષણ સહન કરવું પડે છે તેનાથી સભાન હતા. ‘રુદાલી’ અને ‘હજાર ચૌરાસી કી માં’માં પત્ની અને માતા તરીકેની વિવશતાનું આલેખન છે તો ‘દ્રૌપદી’ અને ‘બ્રેસ્ટ સ્ટોરીઝ’માં સ્ત્રીશરીર હોવાને લીધે જ થતા શોષણની વાત છે. આ પાત્રો તેમણે વાસ્તવિક જીવનમાંથી જ મળ્યાં છે. એટલે જ એમની નારીલક્ષી રચનાઓ અભ્યાસનો વિષય બની શકે તેવી સબળ અને નક્કર છે.

મહાશ્વેતાદેવી નેવું વર્ષનું ભરપૂર સર્જનાત્મક અને પ્રેરણાદાયક જીવન જીવ્યાં. 1926માં તેમનો જન્મ. 1956માં પહેલું પુસ્તક ‘ઝાંસીર રાની’ પ્રગટ થયું. 1959માં તેમણે પતિ સાથેના સંબંધનો અંત આણ્યો. 100 નવલકથાઓ અને 20 વાર્તાસંગ્રહો આપનાર મહાશ્વેતાદેવી આદિવાસીઓ સાથે સર્જક તરીકે અને કર્મશીલ તરીકે બેવડો અનુબંધ ધરાવતા હતા અને અનેક સંસ્થાઓ સાથે સતત સક્રિયપણે જોડાયેલાં હતાં. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના આદિવાસીઓનાં મા ગણાતાં. તેઓ વંચિતો વિષે લખનારાં લેખકોમાં પોતાની પારદર્શક અને આઘાતજનક પ્રામાણિકતા અને ઉગ્ર ભાષાથી જુદાં પડે છે. તેમનાં પાત્રો શોષણનો ભોગ બને છે, પણ દયામણાં નથી – બહાદુર અને ધ્યાન ખેંચનારાં છે. બેધડક, કઠણ, સંક્ષિપ્ત શૈલી અને જ્વલંત કાર્યો વડે તેમણે એક એવો ચીલો પાડ્યો છે કે આવનારી પેઢીઓ માટે તેમણે ભૂલવાનું સરળ નહીં હોય.

અરે, પણ ભૂલવું શા માટે જોઈએ?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જુલાઈ  2024

Loading

શિક્ષણ જ મુક્તિ અપાવી શકે !

રમેશ સવાણી|Opinion - Opinion|7 October 2024

શૈલેજા પાઈક

શૈલજા પાઈક પુણેના યરવડાનાં વતની છે. યરવડાની ઝૂંપડપટ્ટીમાં નાનકડા ઘરમાં ત્રણ બહેનો સાથે તેમનો ઉછેર થયો હતો. શૈલજા, પ્રતિષ્ઠિત મૅકઆર્થર ફૅલોશિપ મેળવનાર પ્રથમ દલિત મહિલા બન્યાં છે. આ ફૅલોશિપ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે તબક્કા વાર આઠ લાખ ડૉલર (અંદાજે 6.71 કરોડ રૂપિયા) આપવામાં આવે છે.

જૉન ડી. અને કેથરિન ટી. મૅકઆર્થર ફાઉન્ડેશન તરફથી મૅકઆર્થર ફૅલોશિપ પ્રોગ્રામ માટે ‘જીનિયસ ગ્રાન્ટ’ ફૅલોશિપ દર વર્ષે વિવિધ ક્ષેત્રોના સર્જનાત્મક વિદ્વાનોને આપવામાં આવે છે. આ વર્ષે ઇતિહાસના વિદ્વાન તરીકે શૈલજા પાઈકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફૅલોશિપ દર વર્ષે 22 લોકોને આપવામાં આવે છે. મૅકઆર્થર ફૅલોશિપનો મૂળભૂત માપદંડ ‘ક્રીએટિવિટી’ છે. આ ફૅલોશિપનો હેતુ નવા વિચારો સાથે ઊભરતા સંશોધકોને પ્રોત્સાહન આપવાનો અને તેમના કામનું સમર્થન કરવાનો છે. આ ફૅલોશિપ પાછળનો મૂળ વિચાર એવા લોકોને પ્રકાશમાં લાવવાનો છે, જેઓ જોખમ લે છે અને સમાજની જટિલ સમસ્યાઓનો સામનો કરે છે, જેઓ બધા કરતાં અલગ વિચારે છે અને સુંદર, સર્જનાત્મક તેમ જ પ્રેરણાદાયી સર્જન કરે છે. ફૅલોશિપ મેળવનારા લોકો ભવિષ્યમાં સારું કામ કરશે એવી અપેક્ષા સાથે તેમની ક્ષમતામાં વિશ્વાસ દાખવનારી આ ફૅલોશિપ છે તે વધારે મહત્ત્વની વાત છે. આ ફૅલોશિપ માટે કોઈ અરજી કરવાની હોતી નથી કે કોઈ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ નથી. આ ફૅલોશિપ માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા વિદ્વાન અને આશાસ્પદ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે છે.

શૈલજા કહે છે : “આ ફૅલોશિપ મેળવીને હું ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે હું વાદળો પર ચાલી રહી છું. હું કચરા અને ગંદકીથી ઘેરાયેલા વિસ્તારમાં ઉછરી છું. ત્યાં ભૂંડ રખડતાં હતાં. અમારી પાસે નિયમિત પાણીની સુવિધા ન હતી કે શૌચાલય પણ ન હતું. જાહેર શૌચાલયોની સ્મૃતિ તો આજે પણ શૂળ બનીને પીડે છે. રસોઈ અથવા સફાઈ જેવાં નિયમિત કામો માટેનું પાણી વસાહતમાંના એકમાત્ર જાહેર નળમાંથી લાવવું પડતું હતું. પાણી મેળવવા માટે લાંબી કતારમાં ઊભા રહેવું પડતું હતું. તેની સામાજિક, શૈક્ષણિક, ભાવનાત્મક અને માનસિક એમ તમામ સ્તરે ઊંડી અસર પડે છે. અમારી પાસે પૂરતી સુવિધા અને સવલત ન હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે તે મારાં માતા-પિતા સમજ્યાં અને એ માટે મને પ્રોત્સાહિત કરી. તેથી જ હું મારી જાતને અભ્યાસ માટે સમર્પિત કરી શકી. હું સાંજના સમયે મારી જાતને ગોદડીમાં લપેટી અને ઘરના લોકોને શાંત સ્વરમાં વાત કરવાનું કહીને અભ્યાસ માટે શક્ય તેટલું અનુકૂળ વાતાવરણ બનાવતી હતી. હકીકતમાં એવા વાતાવરણમાં અભ્યાસ કરવો પડકારજનક હતું. હું સાંજે સાડા સાત વાગ્યે ઊંઘી જતી હતી અને મધરાતે બે-ત્રણ વાગ્યે જાગી જતી હતી. ત્યારથી સવારના છ-સાત વાગ્યા સુધી હું અભ્યાસ કરતી હતી અને પછી સ્કૂલે જતી હતી.”

“એક દલિત હોવાને કારણે ભેદભાવના અનેક કિસ્સાનો સામનો કરવો પડે છે. મેં પણ આવી ઘટનાઓનો અનુભવ કર્યો છે. દાખલા તરીકે, મને ફોર્ડ ફાઉન્ડેશન ફૅલોશિપ મળી ત્યારે મારી આસપાસના કેટલાક લોકોને વિશ્વાસ ન હતો. તેઓ મને વારંવાર પૂછતા હતા કે તને આ ફૅલોશિપ કેવી રીતે મળી? મને મારા કામ માટે ફૅલોશિપ મળી હતી, પરંતુ એક દલિત મહિલાને ફૅલોશિપ મળવાથી તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત હતા.”

“ભારતમાં કુલ વસ્તીના 17 ટકા લોકો દલિતો છે. મેં નોંધ્યું છે કે દલિત મહિલાઓની શિક્ષણ પર વધુ કામ થયું નથી. આંકડા છે, પરંતુ ચોક્કસ પરિસ્થિતિ વિશે કોઈ ગુણાત્મક સંશોધન થયું નથી. કોઈએ આ દલિત મહિલાઓનો ઇતિહાસ લખ્યો નથી. એટલે મેં નક્કી કર્યું હતું કે આ કામ હું કરીશ. ઐતિહાસિક રીતે આટલી મોટી વસ્તીને કોઈ પણ પ્રકારનું શિક્ષણ, સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક જળાશયો કે કૂવા ઉપલબ્ધ ન હતાં. પરવડે એમ હોય તો પણ ચપ્પલ અથવા નવાં કપડાં પહેરવાની છૂટ ન હતી. તેમાં પણ દલિત મહિલાઓ નિઃશંકપણે સૌથી વધુ વંચિત છે. જેન્ડર અને રાજકારણના દૃષ્ટિકોણથી વિચાર કરીએ તો દલિત મહિલાની સ્થિતિ દલિતોમાં પણ દલિત જેવી છે. હું આ જ સમાજમાંથી આવી છું. તેથી છેલ્લાં 25 વર્ષથી તે મારા અભ્યાસ, સંશોધન અને લેખનનો વિષય છે.”

શૈલજા પાઈકે દલિત મહિલાઓના યોગદાન અને તેમની આત્મચેતના જાગૃતિનો ઇતિહાસ લખ્યો છે. તેમણે બે પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.  ‘Dalit Women’s Education in Modern India : Double Discrimination’ (2014) પુસ્તકમાં તેમણે મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં દલિત મહિલાઓના શિક્ષણ માટેના સંઘર્ષને બ્રિટિશકાલીન પરિસ્થિતિ સાથે સરખાવ્યો છે. તેમના બીજા પુસ્તકનું નામ ‘The Vulgarity of Caste : Dalits, Sexuality, and Humanity in Modern India’ છે. શૈલજાએ ઇતિહાસમાં એમ.એ. સુધીનો અભ્યાસ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં 1994-1996 દરમિયાન કર્યો હતો. તેમને એમ.ફીલ. માટે બ્રિટન જવા ભારતીય સામાજિક વિજ્ઞાન સંશોધન પરિષદ તરફથી 2000માં ફૅલોશિપ મળી હતી. તેમણે બ્રિટનની યુનિવર્સિટી ઓફ વૉરિકમાંથી 2007માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 2010થી અમેરિકાની યુનિવર્સિટી ઑફ સિનસિનાટી સાથે જોડાયેલાં છે. ત્યાં તેઓ વીમેન, જેન્ડર ઍન્ડ સેક્યુઆલિટી સ્ટડીઝ ઍન્ડ એશિયન સ્ટડીઝનાં રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત છે. ટૂંકમાં, શિક્ષણ જ ગરીબી / શોષણ / અજ્ઞાનમાંથી મુક્તિ અપાવી શકે !

[સૌજન્ય : વિનાયક હોગાડે, બીબીસી સંવાદદાતા, 4 ઑક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...489490491492...500510520...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved