Opinion Magazine
Number of visits: 9664890
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણ મંત્રાલય જ શિક્ષણની મંતરે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 January 2025

રવીન્દ્ર પારેખ

RTE એક્ટ 2009ની કલમ-16 મુજબ કોઈ પણ બાળકને ધોરણ 1થી 8 સુધીનાં ધોરણમાં રોકી શકાય નહીં, મતલબ કે ધોરણ 1થી 8નાં કોઈ પણ ધોરણમાં નાપાસ કરી શકાય નહીં એવું ઠરાવવામાં આવ્યું. આવું એટલે કરવામાં આવ્યું કે નાપાસ થવાથી વિદ્યાર્થી શાળા છોડી ન જાય કે વાલી પણ ભણવામાં નબળો છે એમ માનીને શાળામાંથી ઉઠાડી ન લે. એથી થયું એવું કે વિદ્યાર્થીઓ ભણ્યા વગર કે ભણીને વર્ષોવર્ષ પાસ થતા રહ્યા ને આઠમાં સુધી પહોંચતા રહ્યા. આઠમાં સુધી બાળક પહોંચ્યું તો ખરું, પણ તેને સરળ ગુજરાતી વાંચવામાં પણ મુશ્કેલી પડતી હતી ને સાદા સરવાળા-બાદબાકીના દાખલા પણ આવડતા ન હતા. બાળક 8 વર્ષ ઘરમાં રહે કે સ્કૂલે જાય એમાં બહુ ફરક રહ્યો નહીં. વારુ, ડ્રોપ આઉટ રેશિયોનાં કારણો જુદાં હતાં, એટલે એમાં તો બહુ ફેર ન પડ્યો, પણ શિક્ષણનો સ્તર ઘટ્યો. એની અસરો  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પણ વર્તાઈ. 

શિક્ષણ મંત્રાલયો આમ પણ અખતરાઓ કરવામાં નામચીન હોય છે, એટલે પાસ કરવાની ફૉર્મ્યુલાને નાપાસ કરીને, નાપાસ કરવાની ફોર્મ્યુલાને પાસ કરાઈ ને શિક્ષણનો સ્તર સુધારવાની જૂની પોલિસી ગયા ડિસેમ્બર, 2024માં ફરી લાગુ કરવામાં આવી. એ ફોર્મ્યુલા પ્રમાણે હવે ધોરણ 5 અને 8માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ચડાવવામાં નહીં આવે. એમ કરવાથી ડ્રોપ આઉટ રેશિયોમાં બહુ ફેર નહીં પડે, કારણ ઉપલા વર્ગમાં ચડાવવાની નીતિ અમલમાં હતી એ દરમિયાન પણ વિદ્યાર્થીઓનું શાળા છોડવાનું પ્રમાણ તો વધ્યું જ હતું. એ અત્યંત દુ:ખદ છે કે પરીક્ષાના આટલા અખતરાઓની સામે સરખું ભણાવવાની કોઈ એક સ્પષ્ટ નીતિ સરકાર અમલમાં મૂકતી નથી. વર્ગ શિક્ષણ યોગ્ય રીતે થાય તે જોવાને બદલે પરીક્ષામાં ફેરફારોને જ સરકાર શિક્ષણ માની બેઠી છે. પાસ-નાપાસનું ચાલ્યા કરે ને ભણતર ખાસ થાય જ નહીં તો વાલી પણ બાળકને શાળા છોડાવે એમ બને. શિક્ષણ વિભાગે જ એવી તરકીબો શોધી છે કે ઓછી મહેનતે વિદ્યાર્થી ભણી જાય. પરીક્ષા ન લેવાય, લેવાય તો નાપાસ ન કરાય જેવી વ્યવસ્થાની સામે ભણાવવાનું પણ ઓછામાં પતે ને પ્રાથમિકથી જ વિદ્યાર્થીને ઓછી આવડતે આગળ જવાની ટેવ પડે. એવી રમતોથી શિક્ષણનો દા’ડો વળતો નથી ને પછી ઉચ્ચતર માધ્યમિક સુધીમાં પરીક્ષાઓનો બોજ વધે છે તો તે જીરવાતો નથી ને એ સહન ન થતાં વિદ્યાર્થી આપઘાત સુધી પહોંચે છે અથવા તો ભણવાનું છોડી દે છે.

આખા દેશનું ચિત્ર એવું સામે આવ્યું છે કે 2023-24માં લગભગ 37 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે, જેમાં 16 લાખ છોકરીઓ અને 21 લાખ છોકરાઓ છે. આ આંકડા શિક્ષણ મંત્રાલયના ઇન્ટિગ્રેટેડ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઇન્ફોર્મેશન સિસ્ટમ(UDISE)ના રિપોર્ટમાં જાહેર થયા છે. 2021-‘22માં 26.52 કરોડ વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા હતા, જ્યારે 2022-23માં એ આંકડો 25.17 કરોડ પર આવી ગયો  હતો ને 2023-24માં તે ઑર ઘટીને 24.80 કરોડ પર ઊતરી આવ્યો હતો. ટૂંકમાં, સ્કૂલે જતાં બાળકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ આવે છે ને એ ઘટાડો પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સુધીના 37.45 લાખ વિદ્યાર્થીઓ સુધી નોંધાયો છે. એમાં 26.9 ટકા સામાન્ય વર્ગના, 18 ટકા અનુસૂચિત જાતિના, 9.9 ટકા અનુસૂચિત જનજાતિના અને 45.2 ટકા અન્ય પછાત જાતિના છે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને લાગ્યું કે બધાંને પાસ કરવાની ફોર્મ્યુલા નિષ્ફળ જતાં હવે નાપાસને આગળ ન વધવા દેવાની ફોર્મ્યુલા અમલમાં મૂકીએ. બને કે કાલે કોઈ જુદો જ તુક્કો આ તઘલખોને સૂઝે. આમ તો 2010-‘11થી નાપાસ નહીં કરવાની ફોર્મ્યુલા લાગુ હતી. બીજા શબ્દોમાં કહીએ તો નાપાસ થવા છતાં વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં ચડાવાતો હતો. એની અસર બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં પણ પડી, એટલે જુલાઈ 2018માં લોકસભામાં શિક્ષણના અધિકારમાં સુધારો કરવા ‘નો ડિટેન્શન પોલિસી’ રદ્દ કરવા બિલ રજૂ કરવામાં આવ્યું. એમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓની નિયમિત પરીક્ષા લેવાની અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની બે મહિના પછી ફરી પરીક્ષા લેવાની વાત હતી. 2019માં રાજ્યસભામાં એ બિલ પાસ થયું, પણ ધોરણ 5 અને 8માં નાપાસ થયેલ વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં ચડાવવો કે એ ને એ જ વર્ગમાં રાખવો એ નક્કી કરવાનો અધિકાર જે તે રાજ્ય માટે અબાધિત રખાયો. ગુજરાતમાં પણ ધોરણ 5 અને 8માં નાપાસ વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં ન ચડાવવાની ફોર્મ્યુલા લાગુ કરાઈ છે. એ ખરું કે વિદ્યાર્થીને બે મહિને ફરી પરીક્ષા આપવાની તક રહેશે. 

સરકાર પરીક્ષાઓને મામલે છાશવારે ફેરફારો કરતી રહે છે. વર્ગમાં શિક્ષણ વ્યવસ્થિત ન થાય કે   વર્ગશિક્ષક ભણાવી ન દે એની ભારે કાળજી શિક્ષણ વિભાગ રાખે છે. નવી શિક્ષણ પદ્ધતિ લાગુ તો કરી દેવાઈ છે, પણ સ્કૂલો, શિક્ષકો, વર્ગોની બાબતે સરકાર ગુનાહિત બેદરકારી દાખવતી જણાઈ છે. એની વિગતો પાછી સરકાર જ જાહેર કરે છે ને કશા સંકોચ વગર જાહેર કરે છે, એટલે એવી શંકાને ય કોઈ અવકાશ રહેતો નથી કે આ આંકડાઓ સાચા નથી. વિદ્યાર્થી નાપાસ થાય તો બે મહિનામાં ફરી પરીક્ષા લેવાની વ્યવસ્થા છે, પણ તેને ભણાવવા અંગેનું દારિદ્રય અકબંધ રહ્યું છે. એ અત્યંત દુ:ખદ છે કે શિક્ષણ મંત્રાલય શિક્ષણની કચાશ તો પૂરતા સંકોચ વગર જાહેર કરે છે, પણ તેના ઉપાય શોધવા બાબતે ભયંકર રીતે ઉદાસીન છે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય જ તેના રિપોર્ટમાં કહે છે કે એક જ શિક્ષક હોય તેવી દેશમાં એક બે નહીં, 1.11 લાખ શાળાઓ છે. ગુજરાતની વાત કરીએ તો 53,626 શાળાઓમાં કુલ 1.15 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. એ શાળાઓમાં 3.94 લાખ શિક્ષકો છે. એમાં 2.21 લાખ એટલે કે 56 ટકા મહિલા શિક્ષકો છે ને એ પણ છે કે આ શિક્ષકોમાં 70 ટકા એવા છે જેમની પાસે પ્રોફેશનલ લાયકાત નથી. આ હકીકત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ દ્વારા જાહેર કરાયેલ ‘સ્ટેટ ઓફ ટીચર્સ ટીચિંગ એન્ડ ટીચર્સ એજ્યુકેશન રિપોર્ટ 2023’ મુજબ છે. ગુજરાતમાં જ એવી 2,462 શાળાઓ છે જેમાં એક એક જ શિક્ષક છે. એક શિક્ષકવાળી આવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 87,000 છે. એક તરફ શિક્ષકોની ઘટનો પ્રશ્ન 2017થી ચર્ચામાં છે, ત્યારે 274 એવી સ્કૂલો છે જેમાં એક પણ વિદ્યાર્થી નથી, છતાં આવી શાળાઓમાં 382 શિક્ષકો નોકરી કરે છે. નોકરીમાં તેઓ શું કરતાં હશે તે સમજી શકાય એવું છે. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ, પણ ગુજરાતમાં 29 વિદ્યાર્થીએ એક છે. 25:1ના શિક્ષક પ્રમાણમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ, પણ 3,94,053 શિક્ષકોથી જ કામ ચાલે છે, મતલબ કે 65,814 શિક્ષકોની ઘટ બોલે છે. દેશમાં અને ગુજરાતમાં શાળા દીઠ શિક્ષકોની સરેરાશ 7ની છે. શિક્ષકોની ઘટ દેશમાં ને ગુજરાતમાં વર્ષોથી છે ને ઓછા શિક્ષકોને કારણે બાળકોનો અભ્યાસ બગડે છે, પણ 2017થી એ સરકારની ચિંતાનો વિષય નથી. કેટલા શિક્ષકો હોવા જોઈએ એ બધું નક્કી સરકારમાં જ થાય છે, પણ તે પ્રમાણે ખરેખર છે કે કેમ એ વર્ષોથી જોવાતું નથી. ગુજરાતમાં કાયમી શિક્ષકોને બદલે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકો રાખીને સરકાર કામ કાઢે છે, પણ કાયમી શિક્ષક તરીકે નિમણૂકની રાહ જોઈ રહેલા એવા શિક્ષકો હાજર જ થતા નથી. વિદ્યાર્થીઓનાં શિક્ષણને ભોગે આવા અખતરાઓ સરકાર કરતી રહે છે. સરકાર પોતે જ જો કાયમી શિક્ષકોની ઘટ જાહેર કરતી હોય તો તેની ભરતી કરવાને બદલે તે કામચલાઉ શિક્ષકોનો વેપલો શું કામ કરતી હશે તે સમજાતું નથી. 

સરકારને એ કેવી રીતે લાગે છે કે શિક્ષકો વગર, શાળાઓ વગર, વિદ્યાર્થીઓ વગર, વર્ગો વગર, શિક્ષણ વગર નવી શિક્ષણ નીતિનો અસરકારક અમલ થઈ શકશે? કેન્દ્રીય મંત્રાલય પોતે જ મોટે ઉપાડે શિક્ષક અને શિક્ષણની ઘટના આંકડાઓ બહાર પાડે છે, પણ એ ઘટને સરભર કરવા તે ખાસ કૈં કરતું નથી, તો એવા આંકડા બહાર પાડવાથી કયો અર્થ સરે છે તે સરકારે જાહેર કરવું જોઈએ. પોતાની ઊણપને વ્યક્ત કરવાનું ગૌરવ લેતી હોય તેમ સરકાર વર્તે છે ને એનો ભોગ બનનારાઓને તો આટલાં યુનિયનો છતાં, કૈં કહેવાનું જ ન હોય તેમ નિર્જીવની જેમ બધું વેઠે છે. તેમનું તો કદાચ કૈં ઘટતું નથી, પણ ઘટે છે તે પેલાં નિર્દોષ અબૂધ બાળકોનું જે ‘શિક્ષણનો અધિકાર’ છતાં કૈં પામતાં નથી. 

સરકાર અને શિક્ષકો એવા વિદ્યાર્થીઓના ગુનેગાર છે …  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2025

Loading

લોકોનો દુશ્મન

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|6 January 2025

હેનરિક ઇબ્સન

નોર્વેના એક મહાન નાટકકાર હેનરિક ઇબ્સન (૧૮૨૮-૧૯૦૬). તેમનું ૧૮૮૨માં પ્રકાશિત થયેલું એક નાટક : ‘An Enemy of the People’ એટલે કે ‘લોકોનો દુશ્મન’. 

નાટકમાં એક પાત્ર ડોક્ટરનું છે. એનું નામ છે ડો. થોમસ સ્ટોકમેન. ડોક્ટરને ખબર પડે છે કે નગરમાં જે સ્નાનગૃહો છે તે ગંદાં છે અને લોકોના આરોગ્ય માટે ખતરનાક રીતે જોખમી છે, એમના ઉપયોગથી લોકોમાં ભયાનક રોગ ફેલાઈ શકે છે. 

ડોક્ટર પછીથી આ સ્નાનગૃહો વિશે નગરજનોને માહિતી આપે છે. તે એમ સમજે છે કે લોકોને સત્ય જણાવવું એ તેની નૈતિક ફરજ છે. તેને એમ છે કે લોકો એ જાણશે તો પછી તેમનું જરૂરી સમારકામ થશે. 

જો કે, તેમનો તરત જ ભારે વિરોધ થાય છે. ડોક્ટરનો ભાઈ પિટર જ નગરનો મેયર છે. તે તો તેનો વિરોધ કરે જ છે પણ તેની સાથે નગરના પ્રભાવશાળી રાજકીય લોકો અને ધનવાનો પણ તેના વિરોધમાં જોડાય છે. 

ડોક્ટરનો વિરોધ કરનારા લોકો એવી દલીલ કરે છે કે જો સત્ય બહાર આવશે તો નગરની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે, નગરપાલિકાની આવક પણ ઘટી જશે અને એ રીતે નગરની આર્થિક સ્થિરતા જોખમાશે. 

આ રીતે સત્ય કહેવાની ડોક્ટરની તાલાવેલી સ્થાપિત રાજકીય અને આર્થિક હિતો સાથે ટકરાય છે. સત્તાનશીન લોકો સત્યને કેવી રીતે ઢાંકે છે અને વિકૃત કરે છે તે આ નાટકમાં દર્શાવાયું છે. 

સત્તા સાથે અસંમત થતો અવાજ દાબી દેવાનું બહુમતીનું વલણ કેવું છે તે પણ આ નાટક દર્શાવે છે. લોકોનો ખરો દુશ્મન કોણ : સત્ય કહેનાર ડોક્ટર કે સત્તાને ટેકો આપનારી મૂરખ બહુમતી?

આ નાટકના કેટલાક ધારદાર સંવાદો આ મુજબ છે :

(૧) બહુમતી કદી સાચી હોતી નથી. કદી નહિ, હું તમને કહું છું! સમાજનું આ એક જુઠ્ઠાણું છે. તેની સામે કોઈ સ્વતંત્ર અને બુદ્ધિશાળી માણસ બળવો કર્યા વિના રહે જ નહિ. લોકોમાં વધારે પ્રમાણ કોનું છે, બુદ્ધિશાળીઓનું કે મૂરખાઓનું? 

(૨) આપણી વચ્ચે સત્ય અને સ્વતંત્રતાનો સૌથી ખતરનાક દુશ્મન જડ બહુમતી છે. 

(૩) જગતનો સૌથી મજબૂત માણસ એ છે કે જે એકલો પણ ઊભો રહે છે. 

(૪) બહુમતી હંમેશાં સાચી હોય છે એવા યુગો જૂના જુઠ્ઠાણા સામે હું બળવો પોકારું છું.

(૫) સત્તાની મૂર્તિનો આ નગરમાં ભાંગીને ભુક્કો કરવો જ જોઈએ.

(૬) હા, મને ખબર છે, તમે બૂમો પાડીને મને ચૂપ કરી શકો છો, પણ મને જવાબ નહિ આપી શકો. બહુમતી પાસે તાકાત છે, પણ કમનસીબે તેની પાસે સચ્ચાઈ નથી. 

તા.૦૫-૦૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંકટમોચન ડૉ. મનમોહન સિંહની કદર ઇતિહાસ જરૂરથી કરશે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 January 2025

રાજ ગોસ્વામી

ગયા શનિવારે, અંગ્રેજી ભાષાના લેખક, ઉદારવાદી વિચારક અને વ્યવસાયિક ગુરુચરણ દાસનો એક ઇન્ટરવ્યૂ સાંભળવા મળ્યો હતો. તેમાં તેમણે, તેઓ જ્યારે રિચર્ડસન હિન્દુસ્તાન લિમિટેડના વડા હતા, ત્યારનો એક કિસ્સો કહ્યો હતો. આ કંપની છે જેણે ભારતમાં ઘરે ઘરે વિકસ વેપોરબનું નામ મશહૂર કર્યું છે.

તેઓ એવા સમયે કંપનીના વડા બન્યા હતા, જ્યારે કંપની નફો કરી શકતી નહોતી, કારણ કે સરકારની સમાજવાદી નીતિઓના કારણે કિંમતો નિર્ધારિત કરવા પર નિયંત્રણ હતું. દાસે એક રસ્તો શોધી કાઢ્યો. વેપોરબ બનાવાની સામગ્રી પ્રાકૃતિક હતી અને તે આયુર્વેદિક ગણાતી હતી, જેના પર કિંમતનું નિર્ધારણ નહોતું.

ગુરુચરણ દાસે વિક્સને આયુર્વેદિક પ્રોડક્ટ તરીકે વેચવાનું નક્કી કર્યું, અને છ મહિનામાં જ તેનું વેચાણ વધી ગયું. અગાઉ, માત્ર 60,000 ફાર્મસીઓ વિક્સ વેચતી હતી, પણ હવે વિક્સ વેપોરબ  7,50, 000 જનરલ સ્ટોર્સમાં ઉપલબ્ધ હતું.

એક વર્ષે, દેશમાં ઝેરી તાવનો વાવળ આવ્યો. તે વખતે વિક્સ વેપોરબની માંગ વધી ગઈ. સ્વાભાવિક રીતે જ, કંપનીની ફેક્ટરીમાં તેનું ઉત્પાદન પણ ધમધમવા લાગ્યું. વર્ષના અંતે, દાસ પર સરકાર તરફથી સમન્સ આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની કંપનીએ કાયદાનો ભંગ કર્યો છેઃ તેમને જે લાયસન્સ મળ્યું હતું, તેના કરતાં વિક્સનું ઉત્પાદન વધી ગયું હતું. તે એક ફોજદારી ગુનો હતો, એવું તેમને કહેવામાં આવ્યું.

દાસ બે વકીલો સાથે મંત્રાલયમાં સચિવને મળવા ગયા, અને તેને સમજાવ્યું કે દેશમાં રોગચાળો હતો એટલે માંગ વધી ગઈ હતી અને અમે તો જનતાના હિતમાં કામ કર્યું છે. બાબુને ખુલાસામાં રસ નહોતો. તેણે કહ્યું, તમે કાયદાનો ભંગ કર્યો છે.

નિરાશ થઈએ દાસ જવા માટે ઊભા થયા અને બોલ્યા, “જરા વિચાર કરજો કે અખબારોમાં કેવા સમાચાર આવશે કે સરકારે લાખો લોકોની દુર્દશા દૂર કરવા માટે કોઈને સજા કરી છે! અને આ તો આંતરરાષ્ટ્રીય કંપની છે એટલે વિદેશમાં પણ આવું જ છપાશે. દેશની કેવી બદનામી થશે!”

નસીબજોગે, સરકારમાં કોઈકની વિવેક બુદ્ધિના કારણે આ કેસ પડતો મુકવામાં આવ્યો અને દાસ સામે પગલાં ન લેવાયાં. આ એ સમયની વાત હતી, જ્યારે દેશમાં કઈ કંપની ચીજવસ્તુઓનું કેટલું ઉત્પાદન કરશે અને તેની કિંમત શું હશે તે સરકાર નક્કી કરતી હતી. તેને લાયસન્સ રાજ કહે છે. 

જે દિવસે ગુરુચરણ દાસનો આ ઇન્ટરવ્યૂ સાંભળ્યો, એ જ રાત્રે સમાચાર આવ્યા કે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. નહેરુ પછી લગાતાર બેવાર વડા પ્રધાન રહેલા ડો. સિંહને લોકો અલગ અલગ રીતે યાદ રાખશે, પણ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે તેમણે લાયસન્સ રાજ નાબૂદ કર્યું હતું અને દેશમાં આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો હતો.

1947ની આઝાદી પછી, દેશમાં આર્થિક ઉદારીકરણ જેવી ક્રાંતિ કોઈ સરકાર કરી શકી નથી. 1991નું વર્ષ, આધુનિક ભારતનું પહેલું સોનેરી પ્રકરણ છે. રાધર, એવું કહેવાય કે ભારતને 1947માં રાજકીય આઝાદી મળી હતી, અને 1991માં આર્થિક આઝાદી મળી હતી. આજે આપણે જે વિદેશી મોબાઇલ વાપરીએ છીએ, ડિઝાઈનર કપડાં પહેરીએ છીએ, 36 ઇંચનાં સ્માર્ટ ટી.વી. જોઈએ છીએ, નેટફ્લિક્સ પર ફિલ્મો જોઈએ છીએ, હોટેલોમાં કોન્ટીનેન્ટલ ફૂડ ખાઈએ છીએ અને વિમાનોમાં ઉડાઉડ કરીએ છીએ તે ડો. મનમોહન સિંહનાં કારણે છે.

સોવિયત પ્રેરિત સમાજવાદી નીતિઓના કારણે 40 વર્ષ સુધી ભારતનાં બજારો દુનિયા માટે સુધી બંધ હતાં. દેશમાં ત્યારે એક સ્થાનિક એરલાઇન ઇન્ડિયન એરલાઇન્સ, બે ફોન સર્વિસ કંપનીઓ બી.એસ.એન.એલ. અને એમ.ટી.એન.એલ., એમ્બેસેડર, ફિયાટ અને મારુતિ જેવી ત્રણ કાર હતી. તે સમયે લેન્ડલાઇન ફોન, ગેસ કનેક્શન, સ્કૂટર વગેરે માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ રહેતું હતું, કારણ કે તેના ઉત્પાદન પર સરકારનો અંકૂશ હતો. તે સમયે વિદેશી ચલણ મેળવવું સૌથી મુશ્કેલ હતું. વિદેશમાં અભ્યાસ કરવા જવું એ લોઢાના ચણા ચાવવા જેવું હતું.

આજે દુનિયાના દેશોની નજર ભારતીય બજાર પર છે. દરેક વિકસિત દેશ ભારતના ખુલ્લા બજારમાં રોકાણ કરવા આતુર છે. ભારતનું બજાર ખોલવાનું આ પહેલું પગલું નાણાં મંત્રીની રુએ મનમોહન સિંહે તેમના પ્રથમ  બજેટમાં લીધું હતું.

૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે બજેટ પેશ કરતી વખતે, ડો. સિંહે, ફ્રેંચ કવિ વિકટર હ્યુગોનું ઇતિહાસ પ્રસિદ્ધ વિધાન દોહરાવ્યું હતું; નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ એન આઈડિયા હુઝ ટાઈમ હેઝ કમ- દુનિયાની કોઈ તાકાત એ વિચારને રોકી નથી શકતી, જેનો સમય આવી ગયો છે. એ શબ્દો સાથે ‘નવા ભારત’નો જન્મ થયો હતો. 

આપણે ઘણીવાર વર્તમાન રાજનીતિમાં ચાલતા પ્રોપેગેન્ડા, નેરેટિવ્સ અને ફેક ન્યૂઝમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણા નજીકના ભૂતકાળમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓની, કદર તો ઠીક, સમજ પણ રાખતા નથી. 

આજે ભલે આપણે ડો. મનમોહન સિંહની હાંસી ઉડાવીએ, પણ તેમણે એક એવા કપરા સમયે અર્થતંત્રની કમાન સાંભળી હતી, જેમાં ભારત ડૂબી જવાની તૈયારીમાં હતું. ભારતનું વિદેશી હૂંડિયામણ ૨,૫૦૦ કરોડ સુધી આવી ગયું હતું જેનાથી બહુ બહુ તો ત્રણ મહિના સુધીની આયાત થઇ શકશે. નાણાં મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વૉલ્ટમાં પડેલું સોનું ગીરવે મુકવાનું નક્કી કર્યું હતું.

તેના વૈકલ્પિક ઉપાય તરીકે, વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 20 મહિના માટે 2.3 મિલિયન ડોલરની લોન આપવા તૈયારી બતાવી હતી. બદલામાં ફંડે અમુક લેખિત અને અમુક મૌખિક શરતો મૂકી છે. આ એ જ ‘શરતો’ હતી, જેમાં ભારતીય અર્થતંત્રને આંતરરાષ્ટ્રીય બજારો અને બિઝનેસ માટે ખોલવાની વાત હતી. એ સાહસ, તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમણે પસંદ કરેલા નાણાં મંત્રી ડો. સિંહે કર્યું હતું.

વર્ષો પછી,  ડો. મનમોહન સિંહ તે દિવસોને યાદ કરીને કહેવાના હતા, “આગળનો રસ્તો કઠિન હતો, પરંતુ એ સમય દુનિયાને ખોંખારીને એ કહેવાનો હતો કે ભારત જાગી ગયું છે. બીજી બધી વાતોનો ઇતિહાસ તો તમારી સામે જ છે. પાછળ નજર કરીને જોઈએ તો નરસિંહ રાવને વાસ્તવમાં ભારતમાં આર્થિક સુધારાઓના જનક કહી શકાય કારણ કે તેમની પાસે સુધારની દૃષ્ટિ અને સાહસ બંને હતાં.” 

ડો. મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં વિરોધ પક્ષોએ, અને વિશેષ તો મીડિયાએ, અનુચિત રીતે તેમના અનાપસનાપ આરોપો કર્યાં હતા, ત્યારે પત્રકારોને જેલમાં પૂરી દેવા કે તેમનું મોઢું બંધ કરી દેવાના બદલે, નિરાશ મને તેમણે તેમની પીડા વ્યકત કરતાં કહ્યું હતું, “સાચું કહું તો, હું એવી આશા રાખું છું કે આજના મીડિયા કે સંસદમાં વિપક્ષી દળોની તુલનામાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર હશે.”

2012માં, તેમની પરના આરોપો અંગે, સંસદ બહાર ડો. સિંહે પત્રકારો સમક્ષ શાલીનતાથી કહ્યું હતું; “હજારો જવાબો સે અચ્છી મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખ લેતી હૈ.”

ડો. મનમોહન સિંહને ઇતિહાસ ભારતના સંકટમોચન તરીકે જરૂર યાદ રાખશે. પણ આપણે જીવતેજીવ તેમને અન્યાય કર્યો હતો તે વાત પણ એટલી જ સાચી છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...433434435436...440450460...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved