Opinion Magazine
Number of visits: 9557144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેલ્ફાઈટિસ અને નાર્સિસિઝમ વચ્ચે સીધો સંબંધ છે …

સોનલ પરીખ|Opinion - Opinion|4 December 2024

સેલ્ફીમાં વધુપડતા રચેલાપચેલા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધાયાને પણ એક દાયકો થઈ ગયો છે. સંશોધનો કહે છે કે સેલ્ફીના અતિરેક અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિનું પોતાની જ મહાનતાના પ્રેમમાં હોવું તે, પણ આ મહાનતાની પાછળ છુપાઈ હોય છે અસલામત અને નિર્બળ આત્મગૌરવની વાસ્તવિકતા

સોનલ પરીખ

દસ વર્ષ પહેલા એક વાઇરલ સ્ટોરી ફરતી હતી કે અમેરિકન સાયક્યાટ્રિસ્ટ એસોસિયેશને જે લોકો સેલ્ફીમાં વધુપડતા રચ્યાપચ્યા રહેતા હોય તેમને માટે ‘સેલ્ફાઈટિસ’ નામનો નવો ડિસઓર્ડર શોધ્યો છે. વાત ત્યારે તો અફવા નીકળી પણ ત્યાર પછી સેલ્ફીના વળગણ વિષે વધુ સંશોધન થવા લાગ્યું. પાંચ વર્ષ પછી સેલ્ફાઈટિસ અફવા મટી વાસ્તવિકતા બની ગયો હતો.

મોબાઇલનો વપરાશ વિશ્વમાં 1975 આસપાસ અને ભારતમાં 1995 આસપાસ શરૂ થયો. આજે ભારત બીજા નંબરનું સૌથી મોટું મોબાઇલ ઉત્પાદક રાષ્ટ્ર છે. સ્માર્ટફોન પર સૌથી વધારે સમય વીતાવવામાં ભારતીયો પહેલા ક્રમે છે. સોશ્યલ મીડિયા સર્વિસિસ સાથે શરૂ થયેલા સેલ્ફી ટ્રેન્ડના પગલે વૉટ્સઅપથી માંડીને ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, થ્રેડસ, સ્નેપચેટ પર સેલ્ફીઓનું મહાપૂર આવ્યું છે. સેલ્ફીનું ગાંડપણ આખી દુનિયાને વળગ્યું છે. ઈન્ટરનેટ પર સેલ્ફી એક્સપર્ટ મોબાઈલનાં લિસ્ટ મળે છે. સેલ્ફી વધુ સારી રીતે લેવાય તેવી ટિપ્સ અને તેવાં ઉપકરણોનું બજાર ધમધમે છે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર સેલ્ફી સાથે મૂકવા માટે સેલ્ફી કેપ્શન્સ અને સેલ્ફી સ્ટેટસનાં સજેશન્સની ખૂબ ડિમાન્ડ છે. હિમાલયનો ખોળો ખૂંદવા જનાર પોતાના સામાનમાં સેલ્ફી-સ્ટિક જરૂર મૂકે છે. ખરું જોતાં એડવેન્ચર ટુરિસ્ટો સેલ્ફીની કલાને ‘ડેન્જરસ સેલ્ફી’ના અંતિમ છેડે લઈ ગયા છે. ભારતમાં પણ ડેન્જરસ સેલ્ફીનો ભારે મહિમા છે. આવી સેલ્ફી લેવા જતાં થતાં મૃત્યુની સંખ્યામાં ભારત મોખરે છે.

સેલ્ફી લેવાની એક મજા છે. તેને સોશ્યલ મીડિયા પર મૂકીએ અને લાઇક્સ મળે ત્યારે આવી જતા આત્મવિશ્વાસનો પણ એક આનંદ છે, પણ સતત સેલફીઓ પાડવી, તેને સોશ્યલ મીડિયા પર મૂક્યા કરવી અને લાઇક્સને માટે ટેન્શન લીધા કરવું એ માનસિક રોગ છે. સેલ્ફી લેવા લાંબા થયા કરતા હાથ કે કોણી દુ:ખી જાય તો ટેનિસ એલ્બોની જેમ સેલ્ફી એલ્બો થયો ન કહેવાય? મોબાઈલ નહીં મળે એવાં કાલ્પનિક ભયને નોમોફોબિયા કહે છે.

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે સેલ્ફી સંદર્ભે સોશ્યલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડરને સીધો સંબંધ છે. નાર્સિસિઝમ એટલે વ્યક્તિને પોતાની જ સુંદરતાનું વળગણ હોવું તે. ઓછાવત્તા અંશે નાર્સિસિઝમ આપણા બધામાં હોય છે પણ નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર તદ્દન જુદી વાત છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે સ્વકેન્દ્રીપણાનો ઘાતક બની જતો અતિરેક. મનોચિકિત્સકો નાર્સિસિઝમને સ્પેક્ટ્રમ કહે છે. સ્પેક્ટ્રમ એટલે ત્રિપાર્શ્વ કાચ, જેમાં પ્રવેશીને પ્રકાશનું સીધું કિરણ વક્ર બને અને તેના વક્રતાઅંશ મુજબ જુદા જુદા રંગ છૂટા પડે તેમ જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રમાણમાં નાર્સિસિઝમ હોય છે. નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા લોકોમાં નાર્સિસિઝમનાં મૂળ અત્યંત ઊંડાં હોય છે. આવા લોકોનું આત્મગૌરવ અત્યંત નિર્બળ હોય છે. તેના ઉપર સુપિરિયારિટીનો અંચળો હોય છે. બ્રેઇન મેટર ઓછું હોવાથી આવું થાય છે એમ કહેવાય છે.

નાર્સિસસ ગ્રીક પુરાણકથાનું પાત્ર છે. નદી-દેવતા સિફિસસ અને અપ્સરા લિરિઓપના (કે પછી ચંદ્રની દેવી સેલીની અને તેના માનવપ્રેમી એન્ડિમિયનના) સંયોગથી જન્મેલો નાર્સિસસ અત્યંત દેખાવડો હતો. કથા કહે છે કે પાણીમાં પડતા પોતાના જ પ્રતિબિંબથી તે એટલો આકર્ષાયો કે તેને જોવામાં ભૂખતરસ ભૂલી ગયો. પર્વતપ્રદેશની અપ્સરા ઇકો તેને ચાહતી હતી, પણ નાર્સિસસને તેને જોવાની ફુરસદ ન હતી. પોતાના પ્રતિબિંબમાં જ મગ્ન રહી તે મૃત્યુ પામ્યો. એ જગ્યા પર જે ફૂલો ખીલ્યાં તેને નાર્સિસસ ફ્લાવર કહે છે. આપણે તેને નરગિસપુષ્પ તરીકે ઓળખી છીએ. ચીનમાં ડેફોડિલ્સ ફૂલોને નાર્સિસસ કહે છે. નાર્સિસસની કથા સાથે દેવ ઝિયુસની પત્ની હેરાની વાત પણ સંકળાયેલી છે. આ બધાં પાત્રો પ્રતીકો જેવાં છે. જાત સાથે પ્રેમ અને મૈત્રી એક વાત છે, પણ જાત પ્રત્યેનાં  આત્યંતિક મોહ અને આસક્તિ તો પોતાના અને અન્યના સર્વનાશને જ નોતરે છે તેવો ચોખ્ખો સંદેશ સદીઓ પહેલાંની આ પુરાણકથામાં છે જે આજે પણ એટલો જ સાચો છે.

આપણી આસપાસ આવા નાર્સિસિસ્ટો ફરતા હોઈ શકે. આપણામાં પણ આપણી જાણબહાર એકાદ નાર્સિસિસ્ટ વસતો હોઈ શકે. દર સો વ્યક્તિએ એક નાર્સિસિસ્ટ અને દર સો નાર્સિસિસ્ટે એક નાર્સિસિઝમ પર્સનાલિટી ડિસઓર્ડર એવી એક ગણતરી મુકાઇ છે.

કેવી રીતે ઓળખીશું આવા નાર્સિસિસ્ટોને?

નાર્સિસિસ્ટોની પ્રશંસાની ભૂખ જબરી હોય છે. લોકોના સમર્થન માટે તેઓ અત્યંત આતુર અને પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય છે. માનસન્માન મેળવવા ગમે તે કરવા તૈયાર હોય છે. પોતાને અનોખા સમજવા અને બીજાને ફાલતુ તે તેમની પ્રકૃતિ હોય છે. પોતાના મહત્ત્વ અને સ્વ-આસક્તિમાં તેઓ એટલા રત હોય છે કે તેમને અન્ય લોકોની લાગણીઓ અને જરૂરિયાત સમજાતાં નથી. બીજાઓ તેમની સેવા માટે જ જન્મ્યા છે તેવો તેમનો ભાવ હોય છે.

આવા લોકોમાં એક આકર્ષણ હોય છે. તેઓ સંબંધો બાંધવામાં કુશળ હોય છે, પણ તેમના સંબંધો ઊંડાણભર્યા કે દીર્ઘજીવી ઓછા હોય છે. નાર્સિસિસ્ટો મોટેભાગે ‘ટેમ્પરામેન્ટલ’ હોય છે અને ‘ફ્લક્ચ્યૂએટિંગ મૂડ’ ધરાવતા હોય છે. તેઓ વધુ પડતા સંવેદનશીલ હોય છે. તેમનું વર્તન અકળ હોય છે. ક્યારેક ખૂબ ઉષ્માપૂર્ણ હોય તો ક્યારેક સાવ ઠંડા. ક્યારેક માયાળુ તો ક્યારેક તોછડા. અણધાર્યું વર્તન કરનારા. તેઓ ક્યારે કેવી રીતે વર્તશે તે ચોક્કસ કહી શકાતું હોતું નથી.

નાર્સિસિસ્ટો પોતાના વિષે વધારેપડતો ઊંચો ખ્યાલ ધરાવે છે પણ બીજાના આત્મગૌરવને સમજતા નથી. પોતાનો કક્કો ખરો કરવા માટે સાચી વાતનો ધરાર ઈનકાર કરવામાં અને ખોટા આરોપ મૂકી દેવામાં તેમને અચકાટ થતો નથી. પોતાના વિષે વધારે પડતો ઊંચો ખ્યાલ હોવાથી નિયમો કે શિસ્ત પોતાના માટે નથી એવું તેઓ માને છે અને નિયમો તોડવામાં કે હદ ઓળંગવામાં તેમને આનંદ આવે છે. તેમનામાં આડંબર અને પ્રદર્શનવૃત્તિ પુષ્કળ હોય છે. પોતાના અહંકાર માટે બીજાને ઉતારી પાડતા કે શોષણ કરી લેતા તેઓ ખચકાતા નથી.

સમાજનાં બંધનો તો સામાન્ય માણસો માટે હોય તેવું તેઓ માને છે. પોતે પણ એ પાળવા જોઈએ તેવું તેમને લાગતું નથી. ક્યારેક અસામાજિક પણ થઈ જાય છે. તેમનામાં એક જાતની આક્રમકતા હોય છે અને તેમની હાજરી નકારાત્મક વલયો ઊભાં કરનારી હોય છે. તેઓ કોઈ સાથે નિકટની મૈત્રી કેળવી શકતા નથી અને અન્ય કોઈ પણ તેમના અહમના વર્તુળમાં પ્રવેશી શકતું નથી. પોતે અન્યથી ઊંચા છે એવી સભાનતાને લીધે તેઓ લોકો સાથે હળતામળતા નથી અથવા તો ઉપકારભાવે હળેમળે છે.

આવા લોકો સાથે પનારો પાડે તો અકળાવું નહીં. શાંતિથી તેમને તેમની હદ સમજાવી દેવી અને પોતાની હકારાત્મકતા ન છોડવી એવી મનોવિજ્ઞાનીઓની સલાહ છે.

તાજેતરનાં સંશોધનો કહે છે કે સેલ્ફીનો અતિરેક નાર્સિસિઝમને વધારશે. દિવસની આઠથી વધારે સેલ્ફી પાડવી એ મોનોરોગની નિશાની છે. મોબાઈલનો ત્રણ કલાકથી વધારે ઉપયોગ હાનિકારક છે. દરેક પ્રકારનો અતિરેક ઝેર સમાન છે. પણ આપણને અતિરેકો ફાવી ગયા છે. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બ્રેઇન ટ્યુમરમાં 74 ટકાનો, નપુંસક્તમાં 37 ટકાનો, હૃદયરોગમાં 45 ટકાનો, ગર્ભમાંના બાળક પર થતી અસરમાં 21 ટકાનો, શ્રવણક્ષમતાના ઘટાડામાં 80 ટકાનો, અલ્ઝાઇમર્સમાં 11 ટકાનો અને પાર્કિન્સનમાં 3 ટકાનો વધારો થાય છે એવાં આંકડા આપણે ઠંડાં કલેજે વાંચી છીએ અને ચેતવણીઓને ઘોળીને પી જઈએ છીએ. સેલ્ફી સિન્ડ્રોમનું પણ એવું જ થયું છે.

એવું પણ કહેવાય છે કે સેલ્ફી અ ડે કીપ્સ અ ફ્રેન્ડ અવે – સેલ્ફી લો ને મિત્ર ગુમાવો.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 નવેમ્બર  2024

Loading

ગેટવે ઓફ ઇન્ડિયા: જે દરવાજેથી અંગ્રેજો આવ્યા એ જ દરવાજેથી ગયા 

દીપક મહેતા|Opinion - Opinion|4 December 2024

તારીખ: ગુરુવાર, ચોથી ડિસેમ્બર, ૧૯૨૪  

આજે આખું મુંબઈ શહેર અરબી સમુદ્રની જેમ હિલ્લોળે ચડ્યું છે. વહેલી સવારથી શહેરમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. હિન્દુસ્તાનના વાઇસરોય માર્ક્વેસ ઓફ રીડિંગની પધરામણી મુંબઈમાં થઈ ચૂકી છે. સાંજે જે ભવ્ય સમારંભ થવાનો છે તેની તૈયારી પર ગવર્નર લેસ્લી વિલ્સન જાતે નજર રાખી રહ્યા છે. કારણ આજનો સમારંભ માત્ર બોમ્બે પ્રેસીડન્સી માટે જ નહિ, આખા હિન્દુસ્તાન માટે અનોખો છે. લાલ જાજમો પથરાઈ ગઈ છે. તેના પર સોફા-ખુરસી ગોઠવાઈ ગયાં છે. સેંકડો પોલીસ તહેનાતમાં ખડા છે. લશ્કરનું બેન્ડ કેટલા ય દિવસોથી પ્રેક્ટીસ કરતું હતું. આજે તે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. લોકોનાં ટોળેટોળાં રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યાં છે. અને એ બધાં એક જ દિશામાં જઈ રહ્યાં છે. પણ કેમ? કારણ આજે અહી એક ભવ્ય ઈમારતનું ઉદ્ઘાટન થવાનું છે, વાઈસરોય સાહેબને હાથે. પણ એ ઈમારત વિષે વાત કરતાં પહેલાં આપણે કાળની કેડીએ ભૂતકાળની સફર કરવી પડશે.     

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાનું પાલવા બંદર

લોકોનાં ટોળાં જે દિશામાં જઈ રહ્યાં હતાં એ દિશા તે કઈ? પાલવા બંદર, કહેતાં એપોલો બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. પણ અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. એટલે કે હકીકતમાં એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી.

જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. પાલવા બંદરનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર. 

પૂંઠાના ગેટવે આગળ રાજા–રાણીનું સન્માન

એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી પાછાં આવ્યાં ત્યારે આ એપોલો બંદર પર જ સ્ટીમ લોન્ચમાંથી ઊતર્યાં હતાં. ત્યારે તાજ મહાલ હોટેલની ઈમારત ઊભી હતી, પણ બીજી ઈમારતનું અસ્તિત્વ જ નહોતું. આ બીજી ઈમારત તે ગેટવે ઓફ ઇન્ડિયા. 

હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧મા પાંચમા કિંગ જ્યોર્જ અને ક્વીન મેરી દિલ્હી દરબાર જવા માટે હિન્દુસ્તાન આવવાનાં હતાં અને દરિયાઈ માર્ગે આવીને મુંબઈના એપોલો બંદરે ઉતરવાનાં હતાં. તેમના માનમાં અને તેમની યાદગીરીમાં એપોલો બંદર પર એક ભવ્ય દરવાજો બાંધવાનું સરકારે નક્કી કર્યું. પણ પથ્થર અને કોન્ક્રિટનો દરવાજો કાંઈ રાતોરાત બંધાય? છતાં મુંબઈના ગવર્નર લોર્ડ સિડનહામને હાથે ભૂમિપૂજન તો કરાવવામાં આવ્યું. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે રાજા-રાણી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. અને તેની આગળ એક સ્ટેજ બાંધીને શાહી દંપતીનું સ્વાગત કરવામાં આવેલું. 

ગેટવે બંધાતો હતો ત્યારે

રાજા-રાણી તો આવીને ગયાં પણ ખરાં. સરકારી તંત્ર – શું આજનું, કે શું એ વખતનું, ગોકળગાયની જેમ જ ચાલે. એટલે આ ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાની દરખાસ્તને મંજૂરી મળી છેક ૧૯૧૪માં. પણ આ દરવાજો બાંધી શકાય એટલી જમીન તો ત્યાં હતી નહિ. એટલે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું. પણ ૧૯૧૪માં જ પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. તાજ મહાલ હોટેલનો સરકારે કબજો લઈ લીધો અને તેનો ઉપયોગ લશ્કર માટે કર્યો. આવા સંજોગોમાં જમીન મેળવવાનું કામ છેક ૧૯૧૯માં પૂરું થયું.

બ્રિટિશ ઇન્ડિયાની ટપાલ ટિકિટ

જનરલ પોસ્ટ ઓફિસનું મકાન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમનું મકાન અને ગેટ વે ઓફ ઇન્ડિયા – આ ત્રણે ઇમારતો બારીક નજરે જોતાં તેમાં ક્યાંક ને ક્યાંક થોડું સરખાપણું લાગશે. કારણ? કારણ આ ત્રણે ઈમારતોની ડિઝાઈન એક જ સ્થપતિએ બનાવેલી. એનું નામ જ્યોર્જ વિટેટ. તેના પ્લાન પ્રમાણે બંધાયેલી ઇમારતોમાં પશ્ચિમની સ્થાપત્ય શૈલી સાથે હિન્દુસ્તાની – જેમાં હિંદુ અને મુસ્લિમ બન્ને શૈલીનો સમાવેશ થાય છે – તેનો સુમેળ જોવા મળે છે. ગેટવે ઓફ ઇન્ડિયાની ઊંચાઈ છે ૮૫ ફૂટની. અને એનો મુખ્ય ઘુમ્મટ ૫૦ ફૂટ પહોળો છે. આખા ગેટનું બાંધકામ પીળા પથ્થર અને સિમેન્ટ કોન્ક્રીટ વડે થયું છે. ઘણી મુસ્લિમ ઈમારતોની જેમ અહીં બારીક કોતરણીવાળી જાળીઓનો ઉપયોગ થયો છે. મુખ્ય ઘુમ્મટની ચાર બાજુ ચાર નાના ઘુમ્મટ આવેલા છે. 

ગેટવે ઓફ ઇન્ડિયાના સ્થપતિ જ્યોર્જ વિટેટ

આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રાજમાર્ગ  બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું. ભલે રાજમાર્ગ ન બંધાયો, પણ તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું. 

કહે છે ને કે 

સમય સમય બલવાન હૈ, 

નહિ પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટિયો,

વહી  ધનુષ વહી બાણ.

ગેટવે ઓફ ઇન્ડિયાની બાબતમાં પણ કૈંક આવું જ થયું. જેના સામ્રાજ્યમાં સૂરજ ક્યારે ય આથમતો નથી એમ કહેવાતું એ બ્રિટિશ રાજ્યનો સૂરજ બીજા વિશ્વયુદ્ધ પછી આથમવા લાગ્યો. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું. ૧૯૪૮ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખ. ગેટવે ઓફ ઇન્ડિયા પર લશ્કરના બેન્ડના સૂરો ફરી એક વાર રેલાયા. પણ બ્રિટિશ લશ્કરના બેન્ડના નહિ, આઝાદ હિન્દુસ્તાનના લશ્કરના બેન્ડના સૂરો. એ સૂરો વિદાય આપતા હતા અંગ્રેજ લશ્કરની છેલ્લી ટુકડી સમરસેટ લાઈટ ઇન્ફનટ્રીની પહેલી બટાલિયનને. આઝાદ ભારતના લશ્કરે વિદાયની ભેટ તરીકે એ ટુકડીને ગેટવે ઓફ ઇન્ડિયાની ચાંદીની બનેલી નાનકડી પ્રતિકૃતિ ભેટ આપી. એ સાંજે પૂંઠાની પ્રતિકૃતિથી શરૂ થયેલી ચાંદીની પ્રતિકૃતિ સુધીની ગેટવે ઓફ ઇન્ડિયાની સફર પૂરી થઈ. અને એ સાથે જ ભારતના આકાશમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો. 

XXX XXX XXX

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ડિસેમ્બર 2024 
E.mail : deepakbmehta@gmail.com

Loading

મૂલ્ય પ્રસિદ્ધિનું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|4 December 2024

દીપક હોસ્પિટલમાં બેડમાં પડ્યો, પડ્યો લાઇવ ટી.વી. ટેલિકાસ્ટ જોઈ રહ્યો હતો. તેને આ ભવ્ય સમારંભમાં બેસ્ટ ચિત્રકારનો એવોર્ડ આપવામાં આવવાનો હતો. પણ પોતે તો સખત બીમાર હતો. એવોર્ડ લેવા જઈ શકે તેમ નહોતો, એટલે એવોર્ડ તેના વતી તેનો ભાઈ પ્રભાત સ્વીકારવાનો હતો. સમારંભમાં સેંકડો માણસ ભેગા થયા હતા. તેની પાસે તો ફક્ત તેનાં માતા-પિતા હતાં. દીપક વિચારતો હતો કે ‘પ્રસિદ્ધિ પણ પરપોટા જેવી છે.’ પિતાજીની વાત સાચી હતી. મારાં ચિત્રોનું પ્રદર્શન થતું ત્યારે સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સનો મારો બોલતો હતો. હજારો લાઇક્સ મળતી હતી. એટલા જ ફોન કૉલ્સ આવતા હતા. પ્રશંસકો ટોળે વળીને ઘેરી લેતા હતા. જ્યારે આજે, સમારંભમાં સેંકડો લોકો હતાં ને મારી પાસે માતા-પિતા. મેં પ્રસિદ્ધિ માટે બહુ મોટું મૂલ્ય ચૂકવ્યું હતું. દીપક સામે વિતી ગયેલી જિંદગી એક ફિલ્મની જેમ દોડી રહી હતી.

દીપકના પિતાજી પણ સારા ચિત્રકાર હતા. દિપકે ત્રણ વર્ષની ઉંમરે કાગળ ઉપર પેન્સિલથી મોર દોરીને પિતાજીને બતાવ્યો, ત્યારે એ ખુશીથી પાગલ થઈ ગયા હતા. તેણે દીપકમાં છુપાયેલી ચિત્રકળાની ખૂબીને પારખી લીધી હતી. પોતાના જ્ઞાન સાથે દીપકને સારી સંસ્થામાં મૂકીને ચિત્રકળાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. દીપક આગળ વધતો ગયો, તેમ તેમ પ્રશંસા અને ભાવકોમાં ડૂબતો ગયો. તેને મનમાં એક નિશ્ચય કર્યો, ‘મારે એવી ઊંચાઈએ પહોંચી જવું છે, જ્યાં બીજાને પહોંચવું મુશ્કેલ થઈ જાય.’ એક વખત દીપકને તેના પિતાજીએ કહ્યું હતું,

“બેટા સંતાન ખૂબ આગળ વધે એ દરેક માતા-પિતાની ઇરછા હોય, પણ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બેટા, તું એ બાબતને અવગણી રહ્યો છે. હવે આ ભાગદોડ બંધ કર. તે ખૂબ નામના કમાઈ લીધી છે. હવે ધીમે ધીમે આગળ વધે તો સારું. કારણ કે, પ્રસિદ્ધિ એક પાણીના પરપોટા જેવી છે. જેમ પરપોટો મોટો થાય, તેમ, તેની ફૂટી જવાની શક્યતા વધતી જાય છે. તેવું જ કોઈપણ કાર્યક્ષેત્રમાં બની શકે છે. વળી તે મૂડ જાળવવા માટે સિગારેટ પણ પીવાની શરૂ કરી છે. એ તારા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ વ્યસન વહેલી તકે છોડી દેજે. એમાં જ આપણા સૌની ભલાઈ છે.”

દીપકે ત્યારે પ્રસિદ્ધિના નશામાં પિતાજીની કોઈ વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. ધીમેધીમે દીપક ચેઇન સ્મોકર બની ગયો. સતત કામ અને ભાગદોડથી સ્વાસ્થ્ય ઉપર અસર થવાની શરૂઆત થઈ ગઈ હતી.

ડૉક્ટર સાહેબના મતે દીપક ટી.બી.ના ફર્સ્ટ સ્ટેજમાં હતો. ડૉક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે કામ ના કરો. તબિયત ઉપર ધ્યાન નહીં આપો તો જીવન ઉપર જોખમ ઊભું થશે.” પણ દીપકે પ્રશંસકોના આગ્રહને વશ થઈ ડૉક્ટર સાહેબની સૂચનાને સતત અવગણી હતી. જેના પરિણામે આજે એવોર્ડ સમારંભમાં હાજર હોવાના બદલે હોસ્પિટલમાં હતો.

દીપકને સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ આંખમાં આંસુ આવી ગયાં. તેનાં માતા-પિતા, આંખમાં આવેલાં ઝળઝળિયાંને પરાણે રોકીને બેઠાં હતાં.

“પિતાજી ,તમારી વાત સાચી હતી. જીવનમાં પ્રસિદ્ધિ જ સર્વોત્તમ નથી. સાથે સાથે જીવનનું મૂલ્ય પણ સમજવું એટલું જ જરૂરી છે. નહીંતર મળેલ પ્રસિદ્ધિ બહુ મોંઘી પડે છે અને ત્યારે ચૂકવાઈ ગયેલ મૂલ્ય, કોઈપણ કિંમતે પાછું મળતું નથી.”

“હા બેટા! પણ જ્યારે આપણે પ્રસિદ્ધિના દરિયામાં તરતા હોઈએ છીએ, ત્યારે સ્વાસ્થ્યની અવગણનાની ઊંડાઈના માપની આપણને ખબર નથી હોતી કે આપણે તે તરફ કેટલા બેદરકાર હોઈએ છીએ.”

પ્રભાત, એવોર્ડ ટ્રોફી લઈને રૂમમાં દાખલ થયો. દીપક મુક્ત મને રડી પડ્યો. આજે તેને ટ્રોફીનું મૂલ્ય સમજાઈ ગયું હતું.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...425426427428...440450460...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved