Opinion Magazine
Number of visits: 9664922
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૨૬)

સુમન શાહ|Opinion - Opinion|18 January 2025

સુમન શાહ

હરારી પોતાની વાતમાં કોઈક વાર હળવાશથી બોલતા હોય છે. જેમ કે, એમણે કહ્યું કે માયથોલૉજિ અને બ્યુરોક્રસીનાં ‘લગ્ન’ થયાં એમાંથી સભ્યતાઓ ‘જનમી’ છે. એમને કહેવું તો એ હતું કે કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક નવા પ્રકારની બ્યુરોક્રસી છે અને માનવ-આધારિત કોઈપણ બ્યુરોક્રસીથી વધારે શક્તિશાળી છે. શક્ય છે કે એથી અતિ સંકુલ ઇન્ટર-કમ્પ્યુટર માયથોલૉજિ સરજાય, અને માનવ-સરજિત દેવો કરતાં અનેકશ: પરગ્રહવાસી – alien – ભાસે.

ગઇ કાલે રાતે, આટલાથી આગળ લખતાં હું અટકી ગયેલો. 

આજે સવારે ચા-પાણી દરમ્યાન ટી.વી. પર સમાચાર જોયા કે — ધ યુ.ઍસ. સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદા અનુસાર TikTok પ્લૅટફૉર્મને જો ByteDance, 19 જાન્યુઆરી 2025 સુધીમાં વેચશે નહીં, તો TikTok-ને ban કરવામાં આવશે. 

સુવિદિત છે કે TikTok ચીની કમ્પની ByteDance-નું સન્તાન છે. એ એક short-form video-sharing app છે. કહેવાય છે કે ૩ સૅકન્ડથી માંડીને ૬૦ મિનિટ સુધીના વીડિયોઝ શૅઅર થતા હોય છે. ૨૦૧૬-માં સ્થપાયેલી આ app ૧૫૪ દેશોમાં અને ૩૯ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દર મહિને 1.04 billion વપરાશકારો સક્રિય હોય છે. અમેરિકામાં એ ખૂબ લોકપ્રિય છે, દર મહિને 170 million અમેરિકન વપરાશકારો સક્રિય હોય છે.

મને આ ઘટનાવલીમાં ઉપર્યુક્ત હરારી-કથિત કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક અને કમ્પ્યુટર-બેઝ્ડ માયથોલૉજિ દેખાવા લાગી. નાનપણમાં અમે દોસ્તો જાદુ અને જાદુથી કેવા લોભાઇ જતા એ યાદ આવી ગયું.  

ચા-પાણી દરમ્યાન મારી સાથે દીકરો પૂર્વરાગ હતો. અમારી વચ્ચે આ સંદર્ભે કંઈક આ પ્રમાણે વાતો થઈ : 

અમેરિકામાં TikTok-થી national security કૉયડો સરજાયો છે કેમ કે આટલા બધા અમેરિકન વપરાશકારોનો અંગત ડેટા ચીની સરકાર પાસે આવી જાય અને તે પર તે પોતાનો લાભકારક કન્ટ્રોલ જમાવે! એટલે, સંવેદનશીલ માહિતીના દુરુપયોગનો ડર ઊભો થયો છે.

એથી, શક્ય છે કે બન્ને પક્ષનાં હિત – stakes – જોખમાય. કોઈ અમેરિકન કમ્પનીને TikTok વેચવામાં આવે તો ByteDance સંખ્યાબંધ વપરાશકારો ગુમાવે અને એનો ગ્લોબલ પ્રભાવ ઑસરી જાય, રૅવન્યુ પણ ઘણું ઘટી જાય. બીજી તરફ, અમેરિકન સરકાર ડેટા પ્રાયવસી સાચવી શકે નહીં તો એની પ્રજાકીય છબિ ખરડાય. 

રાષ્ટ્રીય સલામતીની તરફેણમાં ૨૦૨૦-માં તત્કાલીન પ્રમુખ ટ્રમ્પે ban માટે ઍક્ઝિક્યુટિવ ઑર્ડર કરેલો. પણ ઑર્ડરને કૉર્ટેમાં પડકારવામાં આવેલો અને વાતને બ્લૉક કરવામાં આવેલી. સત્તામાં પુન:પ્રવેશ પછી હવે ૨૦૨૫-માં ટ્રમ્પ શું કરે છે એ જોવાશે. આટલા બધા વપરાશકારોને નારાજ કરવાનું પોસાશે? – એ સવાલ રાજકારણના ખાં ટ્રમ્પ માટે કસોટીકર નીવડશે. 

આ પ્રકરણમાં વેપારપરક અર્થકારણ અને વપરાશકારોની સલામતીનો પ્રશ્ન સામસામે આવી ગયાં છે. એમ પણ કહેવાય કે ટૅક્નોલૉજિ અને રાજકારણ પણ એકમેકની સામે, ક્રૉસરોડ પર, આવી ગયાં છે. 

પરિણામે, પ્રત્યક્ષ-પરોક્ષ બ્યુરોક્રસીની એક web સરજાઈ, જેણે એક deadlock સરજ્યો; એ રૂપમાં કે ByteDance શું કરશે? યુ.ઍસ.-સરકાર શું કરશે? ‘શું કરશે’ એટલા માટે કહું છું કે એઓને ખુદને પણ ખબર નથી કે શું કરવું જોઈશે. 

app -ના ગરાડી વપરાશકારો તો પહેલેથી ‘નિર્દોષ’ હતા, TikTok અમેરિકન કમ્પનીને વેચાય તો એથી એમને કશો ફર્ક નથી પડવાનો, ban મુકાય તો એમની માનસિકતા એમને એવું આશ્વાસન આપે છે કે કોઈક બીજા ‘પીઠે’ તો જવાશે જ ને! 

ખાસ તો, સામાન્ય જન બાજુ પર રહી ગયો છે, એને તો કશી જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે. મને એના એ cutoff -થી એ ચિન્તા જાગી છે કે એ દૂર ને દૂર તો નહીં ફૅંકાઇ જાય ને …

(ક્રમશ:)

= = = 

(17Jan25USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સલામ છે આવા થોડાં નોખા જીવને !

રમેશ સવાણી|Opinion - Opinion|18 January 2025

ધંધુકા તાલુકાના રોજિદ ગામના વાડીલાલ ડગલી અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’માં અનુસ્નાતક થઈ, 1951માં PTI – પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા હતા. 1957માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ના તંત્રીપદે રહ્યા. સામાન્ય જનકેળવણી માટે ‘પરિચય પુસ્તિકા’ઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. આ પરિચય પુસ્તિકાઓ UPSC / GPSCની પરીક્ષા માટે જડીબુટ્ટી ! પત્રકાર, કવિ, નિબંધકાર. દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે ‘શિયાળાની સવારનો તડકો’ (1975) / ‘થોડા નોખા જીવ’ (1985) વગેરે પુસ્તકો લખ્યાં છે, જે વાંચવાં જેવાં છે. થોડા નોખા જીવ’માં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ.એમ. પટેલ, ચર્ચિલ, થોમસ માન, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન, ફ્રેન્ક મોરાઈસ, ટીટો વગેરેના ચરિત્રનિબંધો છે. 

આપણી વચ્ચે પણ ‘થોડા નોખા જીવ’ હોય છે !

સુરતમાં નવા વરસના દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિર / દિનેશભાઈ કાનાણી / હિતેશ જાસોલિયા / જનક બાબરિયા અને સંજય ઈઝાવાને મળવાનું થયું. સરકાર ધારે તો અમને નક્સલવાદી ઠરાવીને જેલમાં પૂરી શકે. કોઈ પણ સત્તાને; જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયના ભેદભાવ વિના વંચિતો / ગરીબો / દલિતો / આદિવાસીઓ / લઘુમતીઓ / મધ્યમ વર્ગની ચિંતા કરનારા લોકો હંમેશાં નક્સલવાદી-દેશદ્રોહી લાગતાં હોય છે ! કેટલાંક મિત્રો અને પરિવારજનો પણ મને કહે છે કે રાજકીય સત્તા / ધાર્મિક સત્તા / સામાજિક સત્તા સામે ન લખો, લોકો કંઈ સુધરવાના નથી, તમને હેરાન પરેશાન કરશે ! હું માનું છું કે ચૂપ રહેવા કરતાં બોલવું જોઈએ, નાગરિક સભાનતા કેળવ્યા વિના વિકાસ વ્યક્તિનો કે દેશનો શક્ય નથી. 

જ્યોત્સ્ના આહિર : એક ઘા અને બે કટકા. હોય તેવું ચોખ્ખેચોખ્યું કહે. ઘર્મના ઢોંગ / પાખંડની બરાબર પોલ ખોલે; જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયની રીમાન્ડ લે. માનવમૂલ્યોની રખેવાળ. બંધુત્વ, સમાનતા, સ્વતંત્રતા, માનવ ગૌરવ, સામાજિક ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ. ધર્મવાદ અને રાષ્ટ્રવાદની આલોચના કરે; એટલે ભક્તોનાં ઝૂંડ તેમની વોલ પર ડોકાયા કરે, તેમને પણ બરાબર જવાબ આપે. નાગરિક સભાનતા કેળવવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપે છે. તેમના ક્રાંતિકારી વિચારોના કારણે નોકરી પણ ગુમાવી છે. બીજા પણ જોબ આપવામાં ડર અનુભવે છે. જાતે ઘસાઈને પણ જગાડવાનું કામ કરે છે. 

દિનેશભાઈ કાનાણી : અમેરિકાના Marrylandમાં રહે છે અને વ્યવસાય કરે છે. અમેરિકામાં વસતા લગભગ 90% ગુજરાતીઓ ગોડસેવાદીઓ છે. ધર્મવાદ અને રાષ્ટ્રવાદના અફીણી નશામાં હોય છે. WhatsAppમાં રજૂ થતાં વિચારોને અંતિમ સત્ય માને છે. એટલે મોદીજીના ભક્ત હોય છે. પણ દિનેશભાઈ અલગ છે. તેઓ રેશનલ છે, જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયમાં બિલકુલ માનતા નથી. અમેરિકાના Suwanee રહેતાં સુનિતા પટેલ અને દિનેશ પટેલ પણ જબરજસ્ત એક્ટિવિસ્ટ છે. તેઓ ઝૂંબેશ ચલાવે છે કે ‘ભારતમાં લોકશાહી સ્થાપો !’ અમેરિકામાં આવા ગુજરાતી ભાગ્યે જ જોવા મળે. 

હિતેશ જાસોલિયા : તંત્રનાં અન્યાય / શોષણ સામે સોશિયલ મીડિયામાં તથા વાસ્તવમાં અવાજ ઉઠાવનાર યૂટ્યૂબર. RTI એક્ટિવિસ્ટ. ‘લોકો કદર કરે કે ન કરે, એ વિશે બહુ લાંબો વિચાર ન કરતા આપણે યથાશક્તિ જાહેર કામ કરવું જોઈએ’ એ મંત્ર સાથે સક્રિય છે. સંજય ઈઝાવાના સાથીદાર. 

જનક બાબરિયા : સંઘર્ષશીલ પણ હસમુખા રેશનાલિસ્ટ છે. ડાયમન્ડ પોલિશિંગનો વ્યવસાય કરે છે. સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તેને કારણે થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવે છે. ધર્મગુરુઓ / બાબાઓ / કોર્પોરેટ કથાકારો વિશે ફેસબૂક પર ઝૂંબેશ ચલાવે છે અને વિચારગોષ્ઠીનું આયોજન કરે છે. નર્મદ અને કરશનદાસ મૂળજી જેવો જુસ્સો ધરાવે છે. 

સંજય ઈઝાવા : એક આદર્શ RTI એક્ટિવિસ્ટ કેવા હોવા જોઈએ તે જાણવા સંજયને મળવું પડે. અંગત કોઈ સ્વાર્થ નહીં, જે કંઈ RTI હેઠળ માહિતી માંગે તે સાર્વજનિક હિત માટે જ હોય. તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા સતત સંઘર્ષ કરે છે. મુદ્દા આધારિત ઝૂંબેશ ચલાવે. એમની ઝુંબેશના કારણે સુરતને નાગરિક સુવિધાઓ મળી છે. બંધારણીય મૂલ્યો / માનવ મૂલ્યોને પ્રતિબદ્ધ. એટલે જ ગોડસેવાદીઓ અને હિન્દુત્વવાદીઓ તેમની ફેસબૂક વોલ પર આવી ગાળાગાળી કરે, અપમાનજનક ટિપ્પણીઓ કરે. તેમણે આવા વિકૃત ટ્રોલ્સ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. હજાર વિઘ્નો ભલે આવે પણ સંજય ઝૂકે તેમ નથી.

સલામ છે આવા થોડા નોખા જીવને !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેટલા કલાક કામ કરશો

નેહા શાહ|Opinion - Opinion|18 January 2025

નેહા શાહ

એલ. એન્ડ ટી.ના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન્‌ના વિધાને સોશ્યલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ ચર્ચા મહત્ત્વની છે એટલે એ માત્ર નેટીઝન પૂરતી મર્યાદિત ના રહેવી જોઈએ. કારણ કે કોર્પોરેટ જગતના દિગ્ગજોનું સમાજમાં આગવું સ્થાન છે. તેમની સફળતા અનેક લોકોને પ્રેરણા આપે છે. એમના બોલાયેલા શબ્દોની સમાજ પર, ખાસ કરીને યુવા પેઢી પર ઊંડી અસર પડતી હોય છે. એટલે એમના શબ્દો, એનો ભાવાર્થ અને એની પાછળની વિચારધારા સમજવા પડે.  સુબ્રમણ્યને કંપનીના કર્મચારીઓ સાથેની એક ઓનલાઈન મિટિંગમાં કહ્યું કે એમને ખેદ છે કે તેઓ રવિવારે સૌને કામ પર બોલાવી નથી શકતા. બધાએ અઠવાડિયાના નેવું કલાક કામ કરવું જોઈએ. ઘરે બેસીને પત્નીને ક્યાં સુધી તાક્યા કરશો! 

સુબ્રમણ્યને કહેલી વાતનાં ત્રણ મહત્ત્વનાં પાસાં છે – એક, પરિશ્રમનું મહત્ત્વ, બે, પરિશ્રમની સંકલ્પના અને ત્રણ, પરિશ્રમની સંકલ્પના પાછળ રહેલી જાતીય (જેન્ડર) સમજ. જ્યાં સુધી પરિશ્રમના મહિમાની વાત છે તો મહેનતનો કોઈ વિકલ્પ નથી, એ વાતમાં કોઈ બે મત હોઈ ના શકે. કશુંક પામવા માટે મહેનત કરવી જ પડે એ એક સાર્વત્રિક નિયમ છે. સફળતાની ટોચે પહોંચેલી વ્યક્તિ હોય કે મર્યાદિત સાધનો વડે જીવન સુધારવા માંગતી વ્યક્તિ હોય, મહેનત તો બધાએ કરવી જ પડે. થોડાં વર્ષ પહેલા ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિએ યુવાનોને અઠવાડિયાના સિત્તેર કલાક કામ કરવા કહ્યું હતું. બંને મહાનુભવો યુવા પેઢીને મહેનત કરવાની સલાહ સર-આંખો પર. તેમણે પોતાના જીવનમાં ખૂબ મહેનત કરી ને ખૂબ ઊંચા આદર્શના દૃષ્ટાંત આપ્યા છે. 

પણ જ્યારે સફળતા માટે થતી મહેનતને માપવા માટે માત્ર કામના કલાકને ગણતરીમાં લેવામાં આવે ત્યારે ઘણાં પ્રશ્નો ઊભા થાય છે. અઠવાડિયાના સિત્તેરથી નેવું કલાક એટલે દિવસના લગભગ દસથી સાડા બાર કલાક, તે પણ રવિવારની રજા વગર. શું માત્ર કામના કલાક વધારવાથી ઉત્પાદન વધી શકે? શું મહેનતનાં મીઠાં ફળમાં સૌને સાથે રાખી હિસ્સો મળે છે? શું આટલું કામ માનસિક તંદુરસ્તી માટે યોગ્ય છે? શું જિંદગી માત્ર કામ અને આરામ એ બે પ્રવૃત્તિમાં જ સમેટાઈ જઈ શકે? માનવ સમાજનો વિકાસ થાય એમ કળા, સાહિત્ય અને રમત ગમત માટે પણ સમય મળે એ માટેની જોગવાઈ થવી જોઈએ, જેથી સ્વસ્થ માનસિક તંદુરસ્તી વાળી વ્યક્તિ વધુ સર્જનાત્મકતાથી કામ કરી શકે, જે ઓછા કલાકમાં વધુ ઉત્પાદન આપી શકે. ઘણી ટોચની આઈ.ટી. કંપની પોતાના કર્મચારી વધુ સમય પોતાના કુટુંબ સાથે ગાળી શકે એ પ્રકારની નીતિ ઘડે છે કારણ કે ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે કુટુંબ સાથે વધુ સમય વિતાવતી વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહેતી હોય છે જે એની ઉત્પાદકતા પણ વધારે છે. એટલે માણસને ઉત્પાદનનું સાધન ગણતી કોર્પોરેટ માટે પણ કર્મચારીઓ પાસેથી લાંબા કલાકો સુધી કામ કરાવવું એ યોગ્ય નીતિ નથી. સમગ્ર ચર્ચામાં એ ના ભુલાવું જોઈએ કે માણસ માત્ર ઉત્પાદનનું સાધન નથી, એના સર્વાંગી કલ્યાણનો વિચાર  કોઈ પણ ઉત્પાદન ક્ષેત્રમાં વણાયેલો હોવો જોઈએ. 

કામના બજારમાં અનેક પ્રકારની અસમાનતા રહેલી છે. દરેકને કામ મળતું નથી, મળે છે તો પોતાની યોગ્યતા મુજબ કામ મળતું નથી, યોગ્યતા પ્રમાણે મળે છે તો એ માટે યોગ્ય વળતર મળતું નથી. ગુગલ પર મળતી માહિતીને માનીએ તો સુબ્રમણ્યન્‌નું નામ દેશમાં મહત્તમ વળતર મેળવતા ટોચના દસ સી.ઈ.ઓ.ની યાદીમાં સામેલ છે. તેમનું ૨૦૨૩-૨૪માં  વાર્ષિક મહેનતાણું ૫૧ કરોડ રૂપિયા હતું જે એલ. એન્ડ ટી.માં કામ કરતા કર્મચારીના સરેરાશ પગાર કરતાં ૫૩૫ ગણું વધારે છે. સ્વાભાવિક છે કે સી. ઇ.ઓ. અને સામાન્ય કર્મચારીના વધુ કલાકો કામ કરવા માટેના પ્રોત્સાહક બળમાં ફરક હોવાનો. વળી, જ્યારે માણસ પોતાનાં સપનાંને સાકાર કરવા કામ કરે ત્યારે કામના કલાકો વધવાથી આનંદ મળે પણ જ્યારે બીજા માટે નોકરી કરે તો એનો ભાર લાગે કારણ કે બંનેમાં વ્યક્તિના વિકાસની શક્યતામાં આસમાન જમીનનો ફરક છે. 

સુબ્રમણ્યન્‌ની વાતમાં ત્રીજો મુદ્દો જેન્ડર દૃષ્ટિકોણનો પણ છે. ઘરે વિતાવેલ સમયમાં ઘર અને બાળકો સંભાળવાની જવાબદારી પતિ – પત્ની બંને જોડે મળીને ઉપાડતાં હોય છે. શહેરી દંપતીમાં આ જવાબદારી માત્ર સ્ત્રીની જ રહી નથી. એટલે જ્યારે સુબ્રમણ્યન્‌ એમ કહેતા હોય કે ઘરે બેસીને તમે કેટલી વાર પત્નીને તાક્યા કરશો, ત્યારે તેમની વાતમાં આધુનિક જીવનમાં રહેલા સમાનતાના આદર્શનો અભાવ દેખાય છે.  

કામના કલાક વધારવાથી સફળતા આપોઆપ નથી આવતી. એવું હોત તો મજૂરી કરીને જીવતા શ્રમજીવીની આવક ઘણી ઊંચી હોવી જોઈતી હતી. દિવસની બે પાળીમાં કામ કરી આવક વધારવા મથતા લોકોનું જીવન ધોરણ ઘણું સારું હોવું જોઈતું હતું. દિવસ-રાત જોયા વિના ઘરનાં કામ કરતી દરેક મહિલાની મહેનત તો એમને કયે સ્તરે પહોંચાડી શકી હોત. પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. ટૂંકમાં મહેનતના નામે કામના કલાક વધારવાની સલાહ શોષણનો એક નવો પ્રકાર ના બની જાય.

સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...418419420421...430440450...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved