વાર્તા એક :
દાનવ
એણે ચણ ચણી લીધું . . ચાચમાં દાણા ભર્યા. સર સર સર પવન કાપતો પછી એ ચકલો ઉડ્યો. ઘર નજીક આવતું જતું હતું. થોડી જ વારમાં ઘરનું આંગણ ઝાડ દેખાયું, ઝડપ વઘી.
'ભૂખ્યા થયાં હશે ને બાળકો', એને થયું. પણ …. અરે …..
'મારો માળો ક્યાં ? મારાં બચ્ચાં ક્યાં ?'
'….. ચીં ચીં ચીં ચીં …' ભોંય પરથી કણસવાનો અવાજ આવતો હતો.
'અરે, અા શું થયું ? … કોણ આવ્યું હતું અહીં, વાયરો ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'મેહુલો .. ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'ચોપગું .. ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'.. કોઈ દાનવ … ?'
'….. ચીં ચીં ચીં ચીં …'
'.. નક્કી, પેલો બે પગો .. ?'
'………………………..'
બચ્ચાં શાંત થઈ ગયા હતાં …
ચકલો ગમગીન હતો.
પછી …
'પારંગત છે એ તો તોડવામાં … ઘરમાં ફોટો ગાંધીનો અને કામ ગોડ્શેના, સફેદ લિબાશધારી ..' એમ બબડતો ચકલો ફરી ઊડ્યો તણખલાં લેવા.
પણ પહેલાં એણે ચાંચમાંના દાણા ભોંયે ફેંક્યા, થુ થુ થુ થુ ….
•
વાર્તા બે :
કાંચીડો
'આજે દાળ કેમ આટલી બધી પાતળી બનાવી ?' પંચમના ઊંચા સૂરમાં પુત્રે વૃદ્ધ માને ત્રાડ જ નાખી.
'શિલ્પાવહુએ બનાવી છે, આજે …' વૃદ્ધાના અવાજમાં કંપન સાથે ડર પણ ડોકાયો.
'…. જો કે બની છે ખૂબ જ સ્વાદિષ્ટ' પુત્રનો સૂર છેક સરગમના નીચલા 'સા' પર પછડાયો હતો.
તત્કાળ પૂરતો વૃદ્ધાએ નિરાંતનો દમ લીધો, અને મનોમન બબડી 'કાંચીડો ..'
e.mail : gunvantvaidya@hotmail.com
![]()


આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ …. સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.