Opinion Magazine
Number of visits: 9697582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

”પડઘાતા હતાં ટહુકા જેનાં અહીં, આજ મોંઘેરા એ મહેમાન આવ્યા અમ આંગણે”

ધ્વનિ ભટ્ટ|Diaspora - Features|23 June 2013

દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયેલા આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ (મે 2013) નો અહેવાલ.

૫ મે ૨૦૧૩ એટલે આંતરરષ્ટ્રીય ગુજરાતી દિવસ. લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા એની ઉજવણી ૫ મે ૨૦૧૩નાં રોજ ઇકનમ વિલેજ હૉલમાં રાખવામાં આવી. અતિથિ વિશેષ તરીકે અમેરિકાથી પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધી પધાર્યા હતાં. દીપ પ્રાગટ્યની વિધિથી કાર્યક્રમની શરૂઆત થઈ.

અકાદમી પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ એમની આગવી છટામાં કાર્યક્રમનાં સંચાલનનું સૂકાન સંભાળ્યું. સમયાંતરે તે કાર્યક્રમનો દોરી સંચાર કરતા રહ્યા, વાત કરતા રહ્યા એ ગુજરાતની – ગુજરાતીની ગરિમાની, આપણી ઓળખની. આવાં જ એક વ્યક્તિત્વની – ભોળાભાઈ પટેલની – યાદ તાજી કરાવવા એમણે અનિલભાઈ વ્યાસને મંચ ઉપર નિમંત્ર્યા.

અનિલભાઈએ, બ-ખૂબીથી, ભોળાભાઈને વર્ણવ્યા. એમના ગુજરાતી સાહિત્યમાંના યોગદાનની ઝાંખી કરાવી. એમનાં અમુક લખાણો, નિબંધોને પણ ઉલ્લેખ્યાં. ભોળાભાઈના પ્રવાસ નિબંધની એ ખાસિયાત કે કર્તા એક જ કૃતિમાં, થોડાક જ શબ્દોમાં, વર્તમાનથી ઇતિહાસની સફર કરાવી દે તથા તેમના નિબંધોના વિષયો ચર્ચવાનું પણ ન ચુક્યા. ખરેખર, અનિલભાઈએ જે વિષયમાં મુઠ્ઠી ઊંચેરાની વાત હતી, એ વિષયને પણ મુઠ્ઠી ઊંચેરો કરી આપ્યો.

વાત જ્યાં ગુજરાતી સાહિત્યની થતી હોય, ત્યાં સુરેશ દલાલનો ઉલ્લેખ ન આવે, એ ભલા શક્ય છે ખરું ? આપણે સહુ સુરેશ દલાલને એક કવિ તરીકે જાણીએ, પણ ‘સુરેશ દલાલ – એક જલસાનો માણસ’ એમ તો પન્ના નાયક જ વર્ણવી શકે. પન્નાબહેન કહે છે કે એ અને સુરેશ દલાલ ગાઢ મિત્રો. સંબંધ આત્મિયતાનો એટલે એક-બીજાને ‘તું’ કહેવા સિવાયનાં બીજા કોઈ ભારેખમ વિષેષણો એ વાપરી શકતાં નહીં. સુરેશ દલાલ હાજર નથી એ હજુ ય પન્નાબહેન માની શકતાં નથી, સ્વીકારી શકતાં નથી, અને એટલે જ એમણે સુરેશ દલાલની બધી ય વાત વર્તમાનમાં જ કરી, જાણે એ હજી ય હયાત ન હોય ! એમની વાત કરતાં કરતાં પન્નાબહેન થોડાં ભાવુક થઈ ગયાં હતાં, એ એમનાં અવાજ પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. પન્નાબહેને એમની અને સુરેશભાઈની મિત્રતાની ડાયરીનાં ઘણાં પાનાં ખોલ્યા હતાં. એ સ્વદેશ આવતાં, ત્યારે અને સુરેશભાઈ પરદેશ – અમેરિકા જતાં, ત્યારની પણ ઘણી વાતો કરી. પન્નાબહેનના શબ્દોમાં તેઓ ‘એક-બીજાનાં અવગણોને ઓળંગી જનારાં મિત્રો’ હતાં. સુરેશ દલાલ વિષે વધુ જણાવતાં તેઓ કહે છે કે ‘સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. સુરેશ દલાલ એટલે ગુજરાતીઓને ગુજરાતી પુસ્તકો વાંચતા કરનાર જાદુગર. પાંચ આંગળીઓએ પુણ્ય કર્યા હોય એને સુરેશ જેવા મિત્ર મળે.’ પન્નાબહેને પોતાના પુસ્તકોનાં પ્રકાશનોનું શ્રેય પણ સુરેશ દલાલને આપ્યું. એ કહે છે કે સુરેશ દલાલનું મૃત્યુ પણ એક લેખકને છાજે તેવું હતું. અંતમાં એમણે સુરેશ દલાલે પોતે જ પોતાનાં મૃત્યુ વિષે લખેલી કવિતાની રજૂઆત પણ કરી.

કાર્યક્રમમાં આગળ વધતા, ગુજરાતની અસ્મિતાની ઓળખ જેમણે અમેરિકામાં કરાવી એવા નટવરભાઈ ગાંધીએ વિપુલભાઈનાં કામને અને આટલાં વરસોથી “ઓપિનિયન” પત્રિકા ચલાવવા બદલ બિરદાવ્યા. નટવરભાઈએ ગુજરાતી સાહિત્યની સાથે સાથે અમેરિકી સાહિત્ય અને સાહિત્યકારોની પણ ઘણી રસપ્રદ વાતો કહી. એમણે ગાંધીજીની વિચારધારા અને ઈમરસનની વિચારધાર, રહેણી-કરણીની આબેહૂબ તુલના કરી. એમના ઉપર ગુજરાતી સાહિત્યની સાથે અમેરિકી સાહિત્ય અને વિભૂતિઓનો પણ પ્રભાવ નજરે પડ્યો.

આ કાર્યક્રમમાં કનૈયાલાલ મુનશી કે જેમની ૧૨૫મી જન્મતિથિનું આ વરસ છે, એમની ઝાલર નિરંજનાબહેન દેસાઈએ વગાડી. એ કહેતા હતાં કે કનૈયાલાલ મુનશી એક સફળ કારકિર્દી ધરાવતા લેખક, સફળ ધારાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક અને સાહિત્યકાર હતા. એમણે સાહિત્યના જુદા જુદા વિષયોમાં ખેડાણ કર્યું, એની ય વાત કરી. એમણે મુનશીનાં નાટકનાં પાત્રોને શેક્સપિયરનાં નાટકોનાં પાત્રો સાથે સરખાવ્યાં તથા ધૂમકેતુ અને મેધાણી જેવા માંધાતા સાહિત્યકારોને પણ મુનશીનાં સર્જનોમાંથી પ્રેરણા મળતી તથા સ્વરાજની લડત તેમ જ, એ પછી પણ, મુનશીનો દેશ – સમાજ માટે શું ફાળો રહ્યો એ ટાંકવાનું પણ નિરંજનાબહેન ન ચુક્યાં.

ત્યારબાદ, કુસુમબહેન પોપટે એમનાં પુત્રનાં સ્મર્ણ અર્થે અકાદમીને ૧૦૦૦ પાઉન્ડનો ચેક દાનરૂપે અર્પણ કર્યો. જે ભદ્રાબહેન અને લાલજીભાઈએ સપ્રેમ સ્વીકાર્યો હતો. ત્યારબાદ મધ્યાંતરે પડાવ નાખ્યો.

મધ્યાંતર બાદ, ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટનું વિધિવત્ વિમોચન – મંગલાચરણ ભદ્રાબહેન વડગામા, વિજ્યાબહેન ભંડેરી તથા લાલજીભાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું. એ માટે સમય અને શ્રમ ફાળવવા બદલ પંચમભાઈ શુક્લ તથા નીરજભાઈ શાહને તાળીઓથી વધાવવામાં આવ્યા. પંચમભાઈ અને નીરજભાઈએ વળી વેબસાઈટ વિષેની ટૂંકી માહિતી આપી હતી.

ત્યારબાદ, ગુજરાતી સાહિત્યનું ગૌરવ અને ખુદ જાણે ડાયસ્પોરિક કવિતા એવાં પન્નાબહેન નાયકનો ટૂંકો પરિચય આપવાનું અને એમનાં સર્જનોની થોડીઘણી ઝાંખી કરાવવાનું બીડું નીરજભાઈ શાહ અને ભદ્રાબહેન વડગામાએ ઉપાડ્યું. એમનો પરિચય આપતા નીરજભાઈ કહે છે કે આ તો સૂરજને દીવો બતાવવા જેવી વાત. એમનાં જન્મ અને કારકિર્દીની સફર તથા ચાર દાયકા લાંબી એમની સાહિત્યયાત્રાનાં જુદાં જુદાં પાસાઓ, એમનાં સાહિત્યિક ખેડાણો અને તેમનાં કાવ્યમય મિજાજને નીરજભાઈએ બ-ખૂબી વર્ણવ્યો. ભદ્રાબહેને પન્નાબહેનનાં ખુમારી અને નારી સંવેદનને પ્રગટ કરતાં કાવ્યોની રજૂઆત કરી. સાથે સાથે એમણે અન્ય લેખકોનાં આ વિષયો ઉપર લખાયેલાં અનુરૂપ થોડાં કાવ્યો, ઘટનાઓ પણ ટાંક્યાં.

અને પછી, કવયિત્રી પન્નાબહેન પોતે જ એમનાં અમુક કાવ્યોનો રસાસ્વાદ કરાવ્યો. અમુક કાવ્યો એમણે ક્યારે, કયા સંજોગોમાં અને કઈ પ્રેરણાથી લખ્યાં તથા એમની કાવ્યો લખવાની શરૂઆત અને એ માટે કઈ પ્રેરણા અને પરિબળ જવાબદાર હતાં એની રસપ્રદ વાતો કરી. હકીકતે, આ અવસર એમની ૮૦મી જન્મદિનની ઉજવણીનો અવસર બની રહ્યો.

પંચમભાઈએ નટવરભાઈ ગાંધીનો ટૂંકો પરિચય, કારકિર્દીનો પરિચય આપ્યો : ‘કામ નાણાંનું, અભિરુચિ કવિતાની’. એમનાં કાવ્યસંગ્રહો, એમની કવિતાઓ, એનું ઉંડાણ અને લાગણીઓ, કટાક્ષ અને એ કવિતાઓ -કાવ્યસંગ્રહોનાં જુદા વિષયો અને અમુક કાવ્યોનાં રસાસ્વાદ કરાવ્યા. ત્યાર બાદ નટવરભાઈએ ખૂબ જ ટૂંકમાં પણ સરસ વાત કરી. ગાંધીજી વિશે એમણે લખેલા અનેક સોનેટોમાંથી એક સોનેટની, સાબરમતી આશ્રમની તથા દાંડીકૂચના એક નાનકડા પ્રસંગની ચર્ચા કરી તથા પન્નાબહેન રચિત એક સોનેટ રજૂ કર્યું.

કાર્યક્રમનાં અંતિમ દોરમાં, વિજ્યાબહેન ભંડેરીએ મુખ્ય મહેમાનો પન્નાબહેન અને નટવરભાઈનો, કાર્યક્રમનું સંચાલન કર્તા વિપુલભાઈ કલ્યાણીનો, ગોઠવણી માટે ભદ્રાબહેન વડગામાનો, માઈક ઇ.ની સેવાઓ આપાનાર શાંતિભાઈ મારુનો, સર્વે વક્તાઓનો, તેમ જ નટુભાઈ કાપડિયાનો અલ્પાહાર માટે તથા કાર્ય સમિતિ અને હાજર રહેનાર તમામ સહિત્ય રસિકોનો આભાર માન્યો.

http://glauk.org/photo-gallery/gujarati-divas-2013/

Photos courtesy :  Sharad Raval

Loading

ન્યાયી સમાજની સંકલ્પના ચીખી ચીખીને પૂછે છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|23 June 2013

વૈકલ્પિક વિચારપડકાર & નવા યુવા મધ્યમવર્ગને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેર દેખાય છે



કહેવાય કે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય, રવિવારે નમો પઠાણકોટ પંથકમાં માધોપુર મુકામે હશે અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મરણ સાથે ૨૦૧૪ને અનુલક્ષીને ટંકાર કરશે. એનડીએના કન્વીનરપદેથી શરદ યાદવ ખસ્યા તે સાથે એમના સંભવિત વિકલ્પરૂપે અકાલી દળના પ્રકાશસિંહ બાદલને સંયોજવાની યે ગણતરી આ કાર્યક્રમમાં બાદલને એમની ઇંગ્લંડની મુલાકાત ટૂંકાવીને ખાસ બરકવા પાછળ હોવાનું સમજાય છે. ગમે તેમ પણ, બિહારમાં જુવારાની વાંસોવાંસ ઓબીસી ઓળખ આગળ કરવાની ચેષ્ટાથી માંડીને માધોપુરના સૂચિત એલાને જંગ સહિતનો તાજેતરના દિવસોનો ઘટનાક્રમ જોતાં જણાઈ આવે છે કે ‘અૉલ હિઝ કન્સન્ર્સ વુડ બી પ્રોપરલી એડ્રેસ્ડ’ – ‘એવણની (અડવાણીની) સઘળી ફિકરચિંતા અગર નિસબતોની વાજબી કાળજી લેવાશે’ એવી હૈયાધારણ વસ્તુત : ઉપરછલ્લી જ છે.


વિવેક કે વાસ્તે કહી શકાય એવો આ ઉપક્રમ ગુરુવારે નવી દિલ્હીના સંઘ સંકુલમાં સરસંઘચાલક ભાગવત સાથેની અડવાણીની રૂબરૂ મુલાકાતમાં પણ જેમનો તેમ જણાઈ આવે છે. મનમોહન વૈદ્યની સત્તાવાર યાદીમાં ‘મળતા રહીએ, વાત કરતા રહીએ’થી ઝાઝી કોઈ ભોં ભાંગી જણાતી નથી. અડવાણીની કથિત સત્તાકાંક્ષા (છેવટે છમાસી વડાપ્રધાનપદની યે વાત) બાજુએ રાખીએ તો પણ એટલું કહેવું જોઇશે કે એમની કોઈ સમાધાનકારી ફોમ્યુંલા સંઘશ્રેષ્ઠીઓને ગ્રાહ્ય નથી. પણ જે ‘નિસબત’ના મુદ્દાઓ છે એનું શું. અહીં નિસબતની તપસીલમાં નહીં જતાં મારતી કલમે એટલું જ કહેવું બસ થશે કે હિંદુત્વરાજનીતિવશ એકાંગી જમાવટને અડવાણીએ એક પરાકાષ્ઠાએ પહોંચાડ્યા પછી, વ્યાપક સ્વીકૃતિની શોધમાં વાજપેયીના નેતૃત્વમાં એનડીએ લગીનું અંતર કાપવાની નોબત આવી હતી.



આ અંતર, જેપી આંદોલન અને જનસંઘના જનતા અવતારના સંસ્કારોના મૂલ્યાત્મક નહીં તો પણ વ્યૂહાત્મક વિનિયોગથી કાપી શકાયું હતું. વાજપેયીની કળા અને અડવાણીની કારીગરી વગર આ શક્ય નહોતું. એમાં રહેલી ગુણાત્મક સંભાવનાઓ એટલે પેલી નિસબતો. પણ ૧૯૯૮-૨૦૦૪નાં છ વરસના શાસનકાળ પછી બબ્બે ચૂંટણીઓ ખોઈ બચેલા પક્ષમાં હવે નામને ખાતર પણ પેલી નિસબતોના કોઈ ખરીદાર બચ્યા નથી.



જેપી આંદોલન – જનતા અવતારમાં વાજપેયી અને અડવાણી જે લોકશાહીપ્રેમી યુવા મધ્યવર્ગને સંબોધતા હતા તેણે વીસમી સદીનાં છેક પાછલાં અને એકવીસમી સદીના શરૂનાં વર્ષોમાં કામ આપ્યું તે આપ્યું. હવે વૈશ્વિકીકરણના માહોલમાં જે નવો એસ્પિરેશનલ યુવા મધ્યમવર્ગ આવ્યો છે એને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેરચોફેર દેખાય છે. સૃષ્ટિના કેન્દ્રમાં એ પોતે અને પોતે જ છે. કદાચ, અભિપ્સુ નહીં એટલો એ ખુદગર્જ છે. આવા વર્ગને એક સિંકદરની ફિરાક હોય છે જે કહી શકે કે હું જ તમારું મુકદ્દર છું. આ સંજોગોમાં અડવાણી વચગાળાના કારીગરી-અને-હુન્નર-સંસ્કારવશ કોઈ વાઈડર કન્સન્ર્સની વાત કરે તો એનું સંઘપરિવારમાં કોઈ ખરીદાર નથી.



ડામણાં, ડાબલા અને ગાજર ત્રણેઉ કોર્પોરેટ, કોર્પોરેટ અને કોર્પોરેટ હોય એવા વર્ગને વિકાસની નરવી પરિભાષા કહેવાનું સાહસ અને સમજ કોની પાસે હોય. દરમિયાન, એનડીએની તૂટ સાથે નવગઠન, પુનર્ગઠનનો દોર ચાલી શકે. યદુરપ્પા જેવાઓ પક્ષમાં પાછા ફરી શકે. ફેડરલ ફ્રન્ટનો પણ પ્રયાસ થઈ શકે. બધું સાચું; પણ આ બધી તૂટતીબનતી રચનાઓના સંદર્ભમાં નીરમ, નીરક્ષીર અને નેજો બનીને કામ આપી શકે એવું વિશ્વદર્શન ક્યાં છે.
નીતીશકુમારે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પરના સવિસ્તર વકતવ્યમાં અને તે પછી લાંબી ટીવી મુલાકાતમાં એક વાત ચોક્કસ સારી કહી છે કે નાતજાતકોમમાં વહેંચાયેલ બેસુમાર અર્થનીતિ અને રાજનીતિ જરૂરી છે. પણ સામી ચૂંટણી આવી બધી પાયાની ધીરજ કોની કને હોઈ શકવાની છે.



નાગરિક છેડે કદાચ નમો અને ઈતર પરબિળોની દિલખુલાસ બહસ તેમજ વૈકલ્પિક વિચારપડકાર એ જ મુખ્ય વાત બની રહેશે. આ સંદર્ભમાં ગોવાના ભાજપી મુખ્યમંત્રી મનોહર પરિકરે હજુ હમણે જ એક્સપ્રેસ અડ્ડામાં વ્યક્ત કરેલા કેટલાક ખયાલો તરત લક્ષમાં આવે છે. એમણે કહ્યું છે કે ૨૦૦૨માં જે થયું તે ખોટું થયું હતું, પણ એમાં નરેન્દ્રભાઈનો વાંક એટલો જ હતો કે એ વહીવટમાં બિનઅનુભવી હતા. પણ તે પછી એમનો ગવર્નન્સનો હિસાબ અચ્છો છે. ભાઈ, ૨૦૦૨ની ચર્ચા તમે ધારો કે ઈરાદાને બદલે મર્યાદાના ઈલાકામાં લઈ જાઓ, પણ તે વખતના સઘળા હિંસક કાંડોની તપાસમાં સરકાર તરફથી આવતા અવરોધોને કેવી રીતે સમજાવશો, કહો જોઉં. અને આ પૂચ્છા તો સુવાંગ ગવર્નન્સ અને ગવર્નન્સના જ ઈલાકામાં આવે છે.



તે ઉપરાંતનું યે એક વાનું છેલ્લે સંભારી લઈએ. અડવાણીએ એમના તરતના બ્લોગમાં બ્રિટને જૂના જુલમો માટે કેન્યાની માફી માગ્યાની ખાસ જિકર કરી છે. અડવાણીને પક્ષે બેહદ મોડી પડેલી આ સલાહમાં નમો સહિત કોઈ પણ શાસક જોગ રહેલો સંદેશ વાંચી શકાય છે. ગોવા કલાકોમાં અડવાણીએ બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહને સંભાર્યા હતા. ટાઢો ડામ દેવાની વૃત્તિથી નહીં પણ સમજવાની દ્રષ્ટિએ કોઈકે તો અડવાણીને યાદ આપવું જોઇશે કે બાણશય્યા સુધી પહોંચતા પિતામહ ‘અર્થસ્ય પુરુષો દાસ:’ જેવી જાતસમજમાંથી પણ ગુજર્યા હતા.
… સંક્રાન્તિકાળે, આ બેત્રણ કાચાંપાકાં ટીકાટિપ્પણી !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 22 જૂન 2013

Loading

ફાધર વિલિયમ

ગુજરાતી ભાવાનુવાદ : પ્રવીણ પટેલ ‘શશી’|Poetry|22 June 2013

ફાધર વિલિયમ

ગુજરાતી ભાવાનુવાદ 

‘ફાધર વિલિયમ, તમે બુઢ્ઢા છો,’ યુવાને ટકોર કરી,
‘અને તમારા વાળ પણ ધોળાફક્ક છે;
છતાં, ઊંધા માથે, ઊંચા પગે, શીર્ષાસને, આપ ઊભા રહો છો –
આ ઉંમરે, આવું કરવું, શું તમે સહી માનો છો ?’

‘મારી જુવાનીમાં’, ફાધર વિલિયમે યુવા અનુજને જવાબ આપ્યો,
‘મને બીક લાગેલી કે ભેજાંને હાનિ પહોંચશે;
પરંતુ, હવે મને સંપૂર્ણ ખાતરી છે કે એવું કશું થયું નથી,
માટે, વારંવાર હું તેવું કરું છું.’

‘પહેલાં જેમ કહ્યું તેમ તમે વૃદ્ધ છો’, યુવા પુનઃ વદ્યો.
‘અને, પાછા ગોળમટોળા અસાધારણ સ્થૂળ છો;
છતાં, ગુલાંટ લગાવી પલટી મારી તમે દ્વારપ્રવેશ કરો છો –
આનું શું કારણ, બતાવશો જરા મને ?’

‘મારી જુવાનીમાં’, રાખ શી જટાલટો ઝટકતા પાદરીશ્રી બોલ્યા,
‘આ મલમ ઘસી – ડબ્બીનો શિલિંગ એક,
મેં મારા અંગો ચૂસ્ત અને અતિ લવચીક રાખ્યા છે –
મારે ડબ્બીઓ વેચવી છે, કેટલી આપું તને ?’

‘તમે ઘરડા થયા છો’, જુવાને પોતાનો કક્કો ઘૂંટ્યો.
‘અને, તમારાં જડબાં કશું પણ ખાવાચાવવા ક્ષીણ થયાં છે;
છતાં, તમે મુર્ગ સફા કરી દો, અને તે પણ ચાંચ ને હડ્ડી સાથે !
ભા, બતાવો તો ખરા, આ શક્ય જ ક્યાંથી ?

‘મારી જુવાનીમાં,’ પાદરીજી સસ્મિત બોલ્યા,
‘હું કાયદાકાનૂન ભણેલો, અને પત્ની સાથે હર મુકદમા ચર્ચતો;
દલીલ અને બાજી, આ કારણે, પેઢાંજડબાં સાબૂત બન્યાં,
અને, આજ પર્યંત હજી જેવાંને તેવાં છે.’

‘તમે ઘરડાડોસા છો’, દાંત દાબી યુવાએ લગભગ બૂમ પાડી,
‘કોઇ પણ માને કે તમારી દૃષ્ટિ હવે પહેલાં જેવી યથાવત નથી;
છતાં, નાકના ટેરવે તમે માછલી સમતલ રાખો છો –
ફાધર, મને કહો તો ખરા, આ ચપળતા ક્યાંથી આવી ?’

‘મેં તારા ત્રણ પ્રશ્રોના ઉત્તરો આપ્યા છે,’ ઉવાચ પાદરી,
‘અને, તે કાફી પૂરતા છે. અરે ! જરા તું શ્વાસ ખાઇશ કે નહીં ?
રખે માનતો કે તારો બકવાસ હું આખો દી સાંભળતો રહીશ,
હાલતો થા, નહીં તો લાત મારી તને હું તગેડી મૂકીશ.’

(ફાધર ડે : જૂન ૧૬, ૨૦૧૩)

(નોંધ : ખ્રિસ્તી દેવળમાં FATHER એટલે પાદરી જે સર્વને SON કહી સંબોધે છે. ભાવાનુવાદ માટે મેં ફાધર શબ્દ જારી રાખ્યો છે. અનુજ કે અનુયાયી સંદર્ભે ‘SON’નું મેં  અર્થઘટન કરેલું છે.)

 

You Are Old, Father William

"You are old, Father William," the young man said,
"And your hair has become very white;
And yet you incessantly stand on your head—
Do you think, at your age, it is right?"

"In my youth," Father William replied to his son,
"I feared it might injure the brain;
But now that I'm perfectly sure I have none,
Why, I do it again and again."

"You are old," said the youth, "As I mentioned before,
And have grown most uncommonly fat;
Yet you turned a back-somersault in at the door—
Pray, what is the reason of that?"

"In my youth," said the sage, as he shook his grey locks,
"I kept all my limbs very supple
By the use of this ointment—one shilling the box—
Allow me to sell you a couple?"

"You are old," said the youth, "And your jaws are too weak
For anything tougher than suet;
Yet you finished the goose, with the bones and the beak—
Pray, how did you manage to do it?"

"In my youth," said his father, "I took to the law,
And argued each case with my wife;
And the muscular strength which it gave to my jaw,
Has lasted the rest of my life."

"You are old," said the youth, "one would hardly suppose
That your eye was as steady as ever;
Yet you balanced an eel on the end of your nose—
What made you so awfully clever?"

"I have answered three questions, and that is enough,"
Said his father; "don't give yourself airs!
Do you think I can listen all day to such stuff?
Be off, or I'll kick you down stairs!"

As per the Wikepedia,

"You Are Old, Father William" is a poem by Lewis Carroll that appears in his book Alice's Adventures in Wonderland (1865). It is recited by Alice in Chapter 5, "Advice from a Caterpillar" (Chapter 3 in the original manuscript, Alice's Adventures Under Ground). Alice informs the caterpillar that she has previously tried to repeat "How Doth the Little Busy Bee" and has had it all come wrong as "How Doth the Little Crocodile". The caterpillar asks her to repeat "You are old, Father William", and she recites.

Charles Lutwidge Dodgson (27 January 1832 – 14 January 1898), better known by the pen name Lewis Carroll, was an English writer, mathematician, logician, Anglican deacon and photographer. His most famous writings are Alice's Adventures in Wonderland and its sequel Through the Looking-Glass, as well as the poems "The Hunting of the Snark" and "Jabberwocky", all examples of the genre of literary nonsense. He is noted for his facility at word play, logic, and fantasy, and there are societies in many parts of the world (including the United Kingdom, Japan, the United States, and New Zealand dedicated to the enjoyment and promotion of his works and the investigation of his life.

Loading

...102030...4,1244,1254,1264,127...4,1304,1404,150...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved