Opinion Magazine
Number of visits: 9664643
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન ગણ મન અધિનાયક….ભારતીય ગણતંત્રના પંચોતેર વર્ષે 

નેહા શાહ|Opinion - Opinion|24 January 2025

નેહા શાહ

થોડા સમય પહેલા એક વીડિયો જોયો હતો, જેમાં એક પત્રકાર કોલેજના વિદ્યાર્થી યુવક – યુવતીઓને ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ વચ્ચેનો ફરક પૂછી રહ્યા હતા. ખૂબ આશ્ચર્ય વચ્ચે મોટા ભાગનાણ યુવાનોને આ અંગે કોઈ સ્પષ્ટતા ના હતી! એમને બે તારીખ ખબર હતી જ્યારે એમને રજા મળે છે પણ બંનેનું આગવું મહત્ત્વ શું છે એ સમજવાની જરૂર એમને કદાચ ન લાગી. ભારત આઝાદ થયો એ વાત સમજવી સરળ છે પણ ભારતે પોતાનું આગવું બંધારણ અપનાવી લોકતાંત્રિક ગણતંત્ર જાહેર કર્યું એનો મતલબ ઘણાને નથી સમજાતો.  લોકતંત્ર અને ગણતંત્ર બંને શબ્દો એકબીજાના પર્યાય લાગે પણ બંનેની વિભાવનામાં થોડો ફરક છે. બંને પદ્ધતિમાં પ્રતિનિધિને ચૂંટવાની રાજકીય સત્તા લોકોના હાથમાં હોય, પણ બંનેમાં પ્રતિનિધિઓના નિર્ણય લેવા માટે જરૂરી દાયરાની સમજ અલગ છે. ગ્રીક પરંપરામાંથી આવેલ ‘લોકતંત્ર’માં ચૂંટાયેલા પ્રતિનિધિ બહુમતી અભિપ્રાય પ્રમાણે નિર્ણય લે, જ્યારે રોમન પરંપરામાંથી જન્મેલી ગણતંત્ર પ્રથામાં પ્રતિનિધિ આડકતરી રીતે ચૂંટાયેલા હોઈ શકે જે દેશના બંધારણને આધીન નિર્ણય લે. ભારતના બંધારણ પ્રમાણે આપણે લોકતાંત્રિક ગણતંત્ર હોવાનું સ્વીકાર્યું છે.  

આ ૨૬ જાન્યુઆરીએ જ્યારે સ્વતંત્ર ભારતને ગણતંત્ર જાહેર કર્યાં ને પંચોતેર વર્ષ પૂરાં થઇ રહ્યાં છે, ત્યારે, પ્રસંગે, આપણું લોકતંત્ર – ગણતંત્ર ક્યાં પહોંચ્યું એનું સરવૈયું કરવું પ્રાસંગિક છે. લોકોના, લોકો દ્વારા અને લોકો માટે ગોઠવાયેલ રાજતંત્ર સાચા અર્થમાં કેટલા અને કયા લોકો માટે લોકતાંત્રિક બન્યો છે એ સવાલ પૂછવો જરૂરી છે. ૧૯૪૭માં ૨૦૦ વર્ષની ગુલામી પછી સ્વતંત્ર થયેલા, 30 લાખ ચોરસ કીલોમીટરથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતા, ૩૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા, દેશ માટે લોકતંત્ર અપનાવવું અઘરું હતું. આપણે એ પડકાર ઉપાડ્યો અને ૭૫ વર્ષ સુધી લોકતંત્ર ફૂલ્યું ફાલ્યું. તેમ છતાં બંધારણમાં જે ગણતંત્રની જે વિભાવના છે તેના હાર્દ સુધી પહોંચવાથી આપણે જોજનો દૂર છીએ. એક રીતે જોઈએ તો ભારતમાં નાગરિકની  ભૂમિકા ચૂંટણીમાં મત આપવા પૂરતી મર્યાદિત રહી ગઈ છે. કહેવા માટે તો ભારતનાં નાગરિકો ચૂંટણીમાં મત આપી પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. વાસ્તવિકતા એ છે કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી લોક પ્રતિનિધિઓના અભિગમમાં આસમાન જમીનનો ફરક હોય છે. ધન અને બળનું જોર ચૂંટણીનાં પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય ત્યારે ચૂંટાયેલ નેતા લોક હિતમાં નિર્ણય લેશે કે કેમ એ વિષે શંકા જ રહે. જો લોકોના હિતમાં બંધારણ આધારિત નિર્ણય લેવાતા હોત તો આર્થિક અસમાનતા આટલી વધી ના હોત. કુદરતી સંસાધનો પર લોકોનું નિયંત્રણ રહ્યું હોત. શિક્ષણના અધિકારને માન્યતા આપતી વખતે સૌને ગુણવત્તા સભર સમાન શિક્ષણ મળે એ વાત પર ભાર મુકાયો હોત, જેથી શિક્ષણની પ્રક્રિયા અસમાનતામાં વધારો ના કરે. આજે સામાન્ય લોકોને ખાતરી છે કે દેશના વિકાસનાં ફળ એમના સુધી પહોંચતા તો પેઢીઓની પેઢી નીકળી જશે, ત્યારે ચૂંટણી ટાણે રોકડ રકમ સ્વીકારી મત આપવામાં ખચકાતા નથી. કારણ કે લોકતાંત્રિક પ્રક્રિયાનો એટલો જ ફાયદો એમના સુધી પહોંચ્યો છે. આ વાત દરેક રાજકીય પક્ષ પણ સારી રીતે સમજી ગયા છે, એટલે જેમ હરિયાણા, મહારાષ્ટ્ર કે પછી આવનાર દિલ્હીની ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે એમ દરેક  પક્ષ વચ્ચે મતદાતાને રીઝવવા બેથી ત્રણ હજાર રૂપિયા આપવાની જાણે હોડ લાગી છે! જેની અસર ચૂંટણીનાં પરિણામ પર દેખાતી હોવાનું વિશ્લેષકો માને છે. આ વાસ્તવિકતાને કારણે સવાલ થાય છે કે દરેક ચૂંટણીમાં ભારતીય નાગરિક મત તો આપે છે એટલે આપણે લોકતંત્ર તો છીએ. પણ શું લોકોના હાથમાં સાચી સત્તા છે? અને શું આ લોકતંત્ર બંધારણનાં આદર્શ એવા સમાનતા સિદ્ધાંત આધારે ચાલી રહ્યું છે?

ગણતંત્રનાં પંચોતેર વર્ષે એ પણ હકીકત છે કે મહિલાઓ માટે સલામતી ઊભી થઇ શકી નથી, જે કોઈ પણ વ્યક્તિના નાગરિકી અધિકારનો પાયો ગણાય. બળાત્કાર અને હત્યાની અવારનવાર બનતી ઘટનાથી આપણે એટલા તો ટેવાઈ ગયા છીએ કે કલકત્તાનો તાલીમી ડોકટરના બળાત્કારનો કેસ જજને રેરેસ્ટ ઓફ ધ રેર ન લાગ્યો. અહી મૃત્યુદંડની યોગ્યતા /અયોગ્યતા પર દલીલ કરવાનો ઈરાદો નથી. એ ચર્ચા અલગથી થઇ શકે. પણ, પોતાનું કામ કરી રહેલી તાલીમી ડોક્ટરને હોસ્પિટલ જેવી જગ્યાએ મળવી જોઈતી યોગ્ય સુરક્ષિત સુવિધા ઊભી કરવા જેવી જરૂરિયાતનો અહેસાસ કરવા માટે જઘન્ય બળાત્કારની રાહ જોવી પડે એ મહિલાઓના નાગરિક તરીકેના દરજ્જા માટેની સરકાર અને સમાજની ગંભીરતા પર પ્રશ્ન ઊભા કરે છે.  

સરકારનો વિરોધ કરવાના અધિકારનો ઉપયોગ લોકો કરી શકે છે એટલું લોકતંત્ર – ગણતંત્ર ધબકતું છે. ખેડૂતોનું આંદોલન, સી.એ.એ. – એન.આર.સીના વિરોધમાં થયેલું આંદોલન, કોલકતામાં થયેલી બળાત્કારની ઘટના બાદ સડકો પર આવી ગયેલા લોકો એટલું આશ્વાસન આપે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ અભિપ્રાય રજૂ કરવાની સાંકડી બારી હજુ ખુલ્લી છે. અલબત્ત, સરકાર તમને દેશદ્રોહી જાહેર કરે, વર્ષો સુધી કેસ ચલાવ્યા વિના તમને જેલમાં પૂરી રાખી શકે, પોલીસ તમારી વાત સાંભળવાને બદલે લાઠી મારી શકે કે પછી ગોળીબાર પણ કરી શકે, એ જોખમ જરૂર છે. તમારી સામાજિક ઓળખાણ પ્રમાણે આ જોખમમાં વધારો ઘટાડો થઇ શકે. 

ટૂંકમાં, આપણે સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે બનીશું જ્યારે સરકાર કોઈ પણ અપવાદ વિના દરેક નાગરિકના હકનો આદર કરતી હશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાપુનાં દર્શન 

મનુબહેન ગાંધી|Gandhiana|24 January 2025

તા. 4-4-1947

દિલ્હી 

4 થી 7 વચ્ચેનો ગાળો અહીં ખૂબ જ રળિયામણો લાગે છે. અનેક લોકો પ્રાર્થના માટે આવે અને જાય. અનેક નવા નવા માણસોને મળવાનું થાય છે. અને જેમ કોઈક તહેવારના પ્રસંગોએ આપણા ગામમાં અમુક જગ્યાએ મેળા ભરાય, તેવું વાતાવરણ અહીં થઈ જાય છે. બાપુજી તો વાઈસરોય સાહેબ પાસે ગયા હોય એટલે ભાવુક લોકો બિચારા એમના બેઠકના ઓરડાને જોઈને પાવન થાય છે. એટલુ જ નહીં પણ મારા જેવું કોઈક ત્યાં દરવાજે ઊભું હોય તો એમ પણ ઇચ્છે કે, ગાદીતકિયાને અડી પ્રણામ કરી ચાલ્યા જાય. પણ એવી રજા આપવામાં જોખમ રહે છે. કારણ કે બાપુજીની બેઠકની આસપાસ અનેક ઉપયોગી કાગળો અને અનેક જાતનું બીજું સાહિત્ય પડેલું હોય છે. લોકોને ના પાડતાં મન પણ દુભાય છે. ઘડીભર એમ પણ થાય છે કે, જેઓને ચોવીસ કલાકનો સતત સમાગમ બાપુજીનો મળે છે તેઓને હસવું આવે કે ગાદીતકિયાને અડીને શું ચાળા કરતા હશે? પણ “ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” એના જેવી હાલત મારા જેવીની છે.

બાપુ સાથે મનુબહેન

હમણાં જ થોડી વાર પહેલાં પંજાબની બે ઘરડી બહેનો અને બાળકો આવ્યાં. આ બાળકોમાં એકનો એક પૌત્ર અને પૌત્રી હતાં. દીકરા વહુનો પત્તો નથી. હુલ્લડ થયું અને આ બે ડોસીઓ ભાગી. બે ડોસીઓમાં પણ એક હિંદુ પંજાબણ છે, અને એક મુસલમાન છે. વર્ષોનાં પડોશીઓ હતાં માઉન્ટગોમરીમાં (ગુજરાનવાલા જિલ્લાના). એ કહેતા હતાં કે, “જ્યારથી અમે પરણ્યાં છીએ ત્યારથી અમે સાથે જ છીએ.” 

એ બંને ડોસીઓના સસરાઓને સગા ભાઈઓ જેવો વ્યવહાર હતો એટલે ડોશીઓએ દેરાણી જેઠાણીનું સગપણું બાંધેલું, ૫ણ વ્યવહારમાં સગી બહેનો જેવી છે. આ બંને ડોશીઓના પતિ ઘણા ઘણા વખતથી ગુજરી ગયા. પેલી મુસલમાન ડોશીને તો કંઈ જ બાળક ન હતું. આ હિંદુ ડોશીને એક જ દીકરો, અને તેની એક દીકરીને દીકરો; એમ બે બાળકો. આ લોકો નિરાશ્રિત કેમ્પમાંથી બાપુજીના દર્શને આવ્યાં. કોઈકે એમને કહ્યું કે, હું મહાત્માજીની પૌત્રી છું અને એમની સેવામાં છું. ‘દેવ કરતા પૂજારીનું માતમ વધે’ એ કહેવત મુજબ બિચારી બંને ડોશીમાએ મને પ્રેમથી ચાંપી અને બધી વાત કરી. પેલી મુસલમાન ડોશી હિંદુના કેમ્પમાં જ રહે છે. પોતાનાં ઘરબાર છોડ્યાં, દીકરા-વહુનો પત્તો નહીં. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. હીબકાં ભરતાં પોતાની દુઃખી કહાણી સંભળાવી અને કહ્યું કે, કોઈક પાપ આડું આવ્યું કે જેથી અમારી ઉપર આ આપત્તિ પડી. હવે બસ બાપુજીના દર્શન કરી પાવન થવું છે, બીજી કોઈ ઇચ્છા નથી.

હું તો આ વાત સાંભળી ચકિત થઈ ગઈ. વાહ બાપુના ભક્તો!! મેં કહ્યું, ‘માજી ! બાપુજી પ્રાર્થનામાં આવશે ત્યારે તમે જોઈ શકશો.’

માજી – ‘એમ નહીં, બેટા!! અમારે તેમના ચરણસ્પર્શ કરવા છે અને મારી આ દીકરી તથા દીકરા પર હાથ ફેરવે એટલે એમનો બેડો પાર. પણ ગાંધીજી ક્યાં બિરાજે છે?’

મેં પડદો ઉઘાડીને કહ્યું,  ‘સામો ગાદી તકિયો છે ને, ત્યાં બેસે છે. ‘

‘એમ નહીં; અમને ત્યાં જવા દે અને ત્યાં પગે લાગી આવીશું. ‘ 

મેં કહ્યું “માજી, તમને જવા દઉં તો મારાથી બીજા કોને ના પડાય ??’

એટલું કહ્યું અને બંને ડોશીમાની આંખો વળી ભરાઈ ગઈ. મારાથી આ દશ્ય ન જોવાયું એટલે અંદર જવા દીધાં. એટલી બધી ભક્તિ કે ખોળો પાથરીને પ્રણામ કરી પાવનતા અનુભવી તુરત જ તે લોકો બહાર નીકળ્યાં; અને મને અનેક આશીર્વાદ આપ્યા અને પ્રેમથી નવડાવી. મેં કહ્યું, “માજી, મેં તો કશું જ કર્યું નથી.” પણ જટાયુને જ્યારે રાવણે માર્યો ત્યારે પ્રભુનાં દર્શન માટે જ એ રામનામને જપતો જપતો પડ્યો. ભગવાન સીતાજીની શોધ માટે ત્યાં આગળથી નીકળ્યા અને જેમ જટાયુના મનની વેદના ટળી ગઈ, તેમ આ બંને ભક્ત ડોશીઓ ગાદીને પ્રણામ કરીને આનંદિત થઈ ગઈ.

બાપુજી વાઈસરોય હાઉસથી પાછા ફર્યા. અડધી ડાયરી તો બપોરના લખી હતી. બાકીનો આ ભાગ રાતે બાપુજી સૂઈ ગયા પછી ૧૧ વાગ્યે લખું છું.

જે બે ડોશીમા આવ્યાં હતાં તેની વાત બાપુજીને સંભળાવી; અને પ્રાર્થનામાં જવા હાથ મોં ધોઈને બાપુજી બહાર નીકળ્યા ત્યારે તે બંને જણીને મળ્યા. માથે હાથ મૂક્યો અને ડોશીમાએ બાપુજીનો હાથ પકડી પોતાનાં બાળકો ઉપર વારંવાર ફેરવાવ્યો. છોકરો સાત વર્ષનો હતો, છોકરી પાંચ વર્ષની. શી ભક્તિ હતી !

રામાયણનો દોહરો બરાબર આજે નજરે નિહાળ્યો કે: –

कर सरोज शिरू परसे, कृपासिंधु रघुवीर; 

निरखी राम छवि धाम मुख, विगत भयी सब पीर ।

અને ડોશીમાનાં આશીર્વાદ મને તો એવા ફળ્યા કે, આજે ચાર દહાડે  પ્રાર્થના થઈ શકી.

[મનુબહેન ગાંધીકૃત ‘બિહારની કોમી આગમાં’]
23 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 220

Loading

માણસ આજે (૨૭)

સુમન શાહ|Opinion - Opinion|24 January 2025

પાબ્લો નેરૂદા

કંઈક હળવું લખવાની ઇચ્છા થયેલી, કેમ કે, ગમ્ભીર ગમ્ભીરથી થોડોક કંટાળો આવતો’તો. મને થયું, પ્રેમકાવ્યો પાસે જઉં. 

વિચારતાં વિચારતાં પાબ્લો નેરુદા પાસે ગયો. એમનાં કેટલાંક કાવ્યોના ભાવાનુવાદ મેં પહેલાં કરેલાં, ‘ખેવના’-માં પ્રકાશિત છે, એ યાદ આવ્યા; જોયું તો લાગ્યું કે આવા અનુવાદ તો ન જ ચાલે, એ કક્ષાના છે. એટલે, મેં એ નવેસર કરવા માંડ્યા છે. 

પણ એક ભાવાનુવાદ હસ્તપ્રતમાં મળ્યો, અપ્રકાશિત, જે પ્રેમકાવ્ય નથી. બલકે ગ્લોબિઝેશન ઉદારમતવાદ બજારવાદ અને મલ્ટિનેશનલ્સની જે વાતો લઈને હું આજકાલ બેઠો છું એને જ સ્પર્શતું એ એક જલદ કાવ્ય છે. 

એટલે સમજો, એ-ની-એ જ ગમ્ભીર સૃષ્ટિ! પણ આશ્વાસન એ કે એ સૃષ્ટિ કાવ્યશીલ છે. 

નેરુદાની The United Fruit Company —

એ ભાવાનુવાદ નવેસર કર્યો, આ પ્રમાણે :  

The United Fruit Company  —  ધ યુનાઇટેડ ફ્રુટ કમ્પની  

ટ્રમ્પેટ બજી એટલે ધરતીવાસી સૌ સજ્જ થઈ ગયાં, 

દેવ યહોવાહે 

દુનિયા

Coca-Cola, Anaconda, Ford Motors અને 

બીજાં Corporationsને અર્પણ કરી.

પણ

મારી દુનિયાનો દરિયાકિનારો 

દક્ષિણ અમેરિકાની કમનીય કટિ 

અતિ રસદાયી ટુકડો 

The United Fruit Companyએ 

પોતા માટે રાખી લીધો.

એણે એ બધી કમ્પનીઓનું 

Banana Republics

એવું નવું સહિયારું નામ પાડ્યું. 

અને એણે

સૂતેલા મૃતકો 

વિજયી નાયકો પર

વાવટાઓ ને ધજાપતાકાઓ પર 

સ્વાતન્ત્ર્ય અને ગૌરવ પર

જાપતો બેસાડીને 

opera buffa કહો કે 

હાસ્યાસ્પદ ફારસ શરૂ કરી દીધું —

મુક્ત ઇચ્છાનો નાશ કર્યો

સૌને સમ્રાટશાહી મુગુટ પ્હૅરાવ્યા

ઇર્ષા ભડકાવી

અને 

કામણ કરીને

નિમન્ત્રણ આપ્યાં 

સરમુખત્યારશાહી મક્ષિકાઓને —

Trujillo મક્ષિકાઓ Tachos મક્ષિકાઓ

Carias મક્ષિકાઓ Martinez મક્ષિકાઓ

Ubico મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

દમિતોનાં રક્ત અને માર્માલેડ જેવા 

છૂંદામાં લદબદ મક્ષિકાઓ 

લોકોની કબરો પર બણબણતી નશીલી મક્ષિકાઓ 

જુલમમાં નિપુણ સરકસી મક્ષિકાઓ

લોહીતરસી મક્ષિકાઓ 

Fruit Company પર 

આવી પ્હૉંચી

સાગરતટે લાંગર્યાં  

કૉફી અને ફળથી ભર્યાં વહાણ 

ઉજ્જડ અમારા પ્રદેશના ખજાનાથી

ઠસોઠસ ભરેલી જાણે તાસકો!

દરમ્યાન 

દેશીઓએ બંદરનાં સાકર-મીઠાં પાણીમાં ઝંપલાવ્યું

અને સવારના ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગયા

ગબડી રહેલું એક શબ …

એક નિર્નામ વસ્તુ …

કો’કનો એકલો નમ્બ ર… 

સડેલાં ફળની એક લૂમ

ઉકરડા પર …

= = =

જરૂરી નૉંધ :

The United Fruit Company નામની એક મોટી અમેરિકન કમ્પની હતી, ૧૮૯૯-માં સ્થપાયેલી. વિકાસશીલ રાષ્ટ્રો, દક્ષિણ અમેરિકા અને આફ્રિકા, Third world plantations ગણાતાં, એશિયા પણ ખરું. કેમ કે, એ દેશોમાં ટ્રૉપિકલ ફ્રૂટ્સનો પાક ખૂબ થાય. દક્ષિણ અમેરિકાથી આ કમ્પની ટ્રૉપિકલ ફ્રૂટ્સ, ખાસ તો કેળાં અને અનેનાસ, યુ.ઍસ.એ. અને યુરપમાં વેચે, મોટો નફાકારક વેપાર કરે. ઓછું મહેનતાણું, કામ કરવાની કંગાળ જગ્યાઓ, શ્રમિકોના મર્યાદિત હક્કો, વગેરે કારણસમવાય હતો; તેથી, શોષણ ઘણું થતું. 

૧૯૭૦ સુધી આ કમ્પની ચાલેલી. એથી એણે ૨૦મી સદીના ઘણા દાયકાઓ લગી કેળાંના વેપારમાં પોતાનો ઇજારો ઊભો કરેલો. સૅન્ટ્રલ અમેરિકાના, ઉપરાન્ત, વેસ્ટ ઇન્ડીઝ તેમ જ કોલમ્બિયાના કૅરેબીયન દરિયાકિનારાના, વિશાળ પ્રદેશોના ટ્રાન્સપોર્ટેશન્સ પર પણ એણે કબજો જમાવેલો. એટલે કેળાંના આન્તરરાષ્ટ્રીય વેપારમાં આ કમ્પની ‘ખેલાડી’ કહેવાય છે. દક્ષિણ અમેરિકાના દેશોમાં આર્થિક અને રાજકીય વિકાસ પર એનો ખાસ્સા સમય લગી પ્રભાવ રહેલો. 

સમીક્ષકોએ એવાં કારણોથી આ કમ્પનીને exploitative neocolonialism-નું દૃષ્ટાન્ત કહી છે અને જણાવ્યું છે કે ‘banana republics’-માં ‘રીપબ્લિક’ જેવું કશું નથી, બલકે એમાં મલ્ટિનેશનલ કમ્પનીઓના અંદરોઅંદરના રાજકારણની ભારે અસરો છે; કમ્પની એવી અસરોનો મૂળ નમૂનો છે.

નેરુદાના આ કાવ્યનું વસ્તુ જોઈને મને માર્ક્વેઝની નવલકથા “One Hundred Years of Solitude’-ના બનાના પ્લાન્ટેશનની યાદ આવી ગઈ. માકોન્ડો ગામમાં એની સ્થાપક પણ અમેરિકન કમ્પની જ છે. એમાં પણ કમ્પનીના અંકુશ હેઠળ શ્રમિકોના શોષણ તેમ જ તેમની યાતનાઓની જ કથા છે. ૧૯૨૮-ના Banana Massacre in Colombia-ની ઐતિહાસિક દુર્ઘટનાવલીનો એ કથાભાગ પર પ્રભાવ છે. 

મને એ વિચાર આવ્યો કે આપણા સમયની મલ્ટિનેશનલ્સથી પ્રેરાઈને કાવ્ય લખાય કે વાર્તા, તો એમાં વીડિયો ગેમ્સ અને સાયન્સ ફિક્શનનું સર્રીયાલિઝમ ઘણું હશે. 

એ વાત બીજી કોઈ વાર, તક મળશે ત્યારે …

(ક્રમશ:)
(23JanUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

 

Loading

...102030...411412413414...420430440...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved