Opinion Magazine
Number of visits: 9527731
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વરસાદ – મારો, તમારો, આપણા સૌનો

દીપક મહેતા|Opinion - Opinion|30 July 2013

ભારત જેવી કૃષિપ્રધાન અને દેવમાત્રુક ભૂમિ માટે અને તેના લોકો માટે વર્ષા ઋતુનું મહત્ત્વ અનન્ય છે. ભારતના જનજીવન માટે વર્ષા ઋતુ એ જીવાદોરીનો આધાર જ નહિ, પર્યાય છે. આથી જ વેદોમાંનાં પર્જન્ય સૂક્તોનાં ગાયકોથી માંડીને છેક આજનો કવિ કે લેખક પણ વર્ષા ઋતુને વધાવતાં થાકતો નથી. પરંપરાગત જીવનપદ્ધતિમાં વર્ષા ઋતુ એ વિખૂટાં પડેલાં પ્રેમીઓ-દંપતીઓને, કુટુંબીઓને, ગામવાસીઓને એકઠાં કરનારી ઋતુ પણ હતી. વેપારીઓ અને વણજારાઓ, ખલાસીઓ અને સૈનિકો, વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં રહેવા ગયેલા વિદ્યાર્થીઓ, પરાયે ઘરે પરાણે વેઠ કરતા શૂદ્રો, સૌ ચોમાસાના ચાર મહિના શરૂ થાય તે પહેલાં પોતપોતાને ઘરે પાછાં ફરતાં. અરે, સતત પરિભ્રમણ કરનારા સાધુઓ પણ આ ચાર મહિના કોઈ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા. એટલે ભારતવાસી માટે વર્ષા એ વરદાયિની ઋતુ છે. વારિના વરદાન વડે તે વસુધાને વિકસાવે છે એટલે જ નહિ, પણ પ્રેમના પ્રસાદ વડે પ્રાણને પ્રફુલ્લિત કરે છે તેથી પણ. આથી જ વર્ષાગાન વગરની ભારતીય કવિતાને, અને વર્ષાગાથા વગરના ભારતીય ગદ્ય સાહિત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી ભાષાના કવિઓએ અને ગદ્યકારોએ મેઘના જે અનેકવિધ રૂપો આલેખ્યાં છે તેમાંથી થોડા અમી છાંટણા આ નાનકડા ખોબામાં ઝીલવાનો અહીં પ્રયત્ન કર્યો છે. 

***

જળ વરસ્યું ને …

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયમ્ બની ખુશબુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
મેઘધનુંમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.

− ભગવતીકુમાર શર્મા

(‘સીધો સાક્ષાત્કાર’ કાવ્યના સંકલિત અંશો)

***

વિજોગ

ઘન આષાઢી ગાજિયો, સબકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચાવે ધૂન મલ્હાર, કંઠ ત્રિભંગે મોરલા,
સબકે અંતર માંય સાજન! લખ લખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
નહિ જોવા દિન-રાત, નહિ આઘું-ઓરું કશું,
શું ભીતર કે બ્હાર, સાજન! તુહીં તુહીં એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગ કેમ રે!
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?

− મનસુખલાલ ઝવેરી

(‘વિજોગ’ કાવ્યના સંકલિત અંશો)

***

જય હો!
જય હો અષાઢ!
શંખ બજે ગગને ગગને,
શ્યામલ ઘન વાદળ દળ ઘેરાય પ્રગાઢ,
જય હો અષાઢ!
વનમાં નાચત મયુરપિચ્છના કલાપનું ટહુકાવું,
નયન મલક મલકાવું.
નરનારીનાં વૃંદ હિલોળે,
ગાય મલાર મહાડ,
જય હો અષાઢ!

− રાજેન્દ્ર શાહ

(‘જય હો અષાઢ’ કાવ્યના સંકલિત અંશો)

***

આષાઢી બાદલ

બરસ બરસ આષાઢી બાદલ,
શ્યામલ સઘન સજલ અંબરતલ,
રુક્ષ ધરા કરી દો રે છલ છલ … બરસ …
આ મધ્યાહ્ન ધખે સહરાના,
પ્રચંડ રણની જ્વાલા,
એને શીતલ સભર ભરી દો,
મેઘે બાર હિમાળા.
રણમાં રિક્ત પૂરણ લહરાવો
નવ અંકુર હરિયાળા
સ્પરશે મત્ત પવનને પાગલ … બરસ …
તલસી તલસી આથડતી તૃષ્ણા,
પલ પલ ઘેલી અકેલી,
એ મરુવન મૃગજળની માયા
વ્યર્થ લિયો સંકેલી.
મેઘધનુષના રંગ-મિલનની
સ્વપ્ન મધુરતા રેલી
પ્રગટ પરમ તૃપ્તિ જલ નિર્મલ … બરસ …


− પિનાકિન ઠાકોર  

***

વરસી ગયા

વરસી ગયા રે વાદળમાં વનમાળી.
કહીં હવે પણ ઉરને,
નભને ભરતી સૂરત કાળી?
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
જેઠ લગી તો જલી રહી ‘તી
કશુંય ન્હોતું કહેણ,
અચિંત આવ્યા, નવ નીરખ્યા મેં,
ભરી ભરીને નેણ,
રોમ રોમ પર વરસી-પરસી
બિંદુ બિંદુએ બાળી!
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
તપ્ત ધરામાં જે શોષાયું
જહીં સરોવર-કૂપ,
જલધારામાં વહી ગયું એ
ઉરને ગમતું રૂપ.
શૂન્ય હતું ને શૂન્ય રહ્યું એ
નભને રહી હું ન્યાળી,
વરસી ગયા રે વાદળમાં વનમાળી.

− પ્રિયકાંત મણિયાર

***

વરસાદમાં

ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
‘ઊઘડી જઈએ: અવસર જેવું લાગે છે.’
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે.

− ઉદયન ઠક્કર

***********************

વરસાદ પોતપોતાનો

અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મિકી અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ જોડાયેલા છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે, અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમ પદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે, વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.

− ભોળાભાઈ પટેલ
(‘બોલે ઝીણા મોર’માંથી)

કોઈ પણ જાતના ઠાલા દેશાભિમાન વગર એક વાત નોંધવાની લાલચ નથી રોકી શકતો. ઘણા દેશોમાં વરસાદમાં પલળવાનું બન્યું છે. લંડનમાં તો એકાદ ઝાપટું આવે અને તમે માંડ પલળી રહો ત્યાં તો ઝાપટું ગાયબ! સાચું છે કે વરસાદને રાષ્ટ્રીય વાડાઓ સાથે સાંકળવાનું યોગ્ય નથી. છતાંય કહેવું પડશે કે અષાઢને પ્રથમ દિવસે આકાશમાંથી વરસાદી સુગંધ વરસી પડે અને આપણા મનને ભીંજવી દે એવો અનુભવ કોણ જાણે કેમ બીજા દેશોમાં નથી થતો. વરસાદ આપણને પલાળી મૂકે એ પૂરતું નથી. એ તો આપણી અંતર-ક્યારીને ભીંજવીને તરબતર કરી મૂકે ત્યારે જ તો વરસાદ કહેવાય. ચોમાસાની માતૃભાષા છે ‘ડ્રાઉં, ડ્રાઉં’

− ગુણવંત શાહ
(‘ઋતુસંહાર’ લેખના સંકલિત અંશો)

ન આવે.  કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહિ. અમારી આંખોમાં લોહી ઉતરી આવે. પછી લોકો કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે કે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડો મોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો. તપ્ત રેતીમાં ફફ્ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સૂકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી, અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેરા જુદા છે અને તે આંખો જૂદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે.

− વીનેશ અંતાણી
(‘પોતપોતાનો વરસાદ’ના સંકલિત અંશો)

વર્ષાનાં અનેક રૂપ જોવાં ગમે છે. દૂરની આમલીની ઘેરી ઘટાની આસપાસ વૃષ્ટિની ધારા જે અવેષ્ટન રચે છે તે હું મુગ્ધ બનીને જોઈ રહું છે. વડની જટામાંથી નીતરતી ધારા પણ જોવી ગમે છે. ખુલ્લા મેદાનમાં યુદ્ધક્ષેત્રમાં ભારે વેગથી ધસી જતી અક્ષૌહિણી સેના જેવી વૃષ્ટિધારા પણ મેં જોઈ છે. દૂરની ક્ષિતિજે મેદુરતાને ઘૂંટતી વર્ષાધારા કશાક અપરિચિત જોડે આપણું સંધાન કરી આપતી હોય છે. જળભીના મુખ પરથી કપોલના ઢોળાવ પરથી સરીને ચિબુકને છેડેથી ટપકતું જળબિંદુ જોઈ રહેવું એ કેવું આહ્લાદક હોય છે!

− સુરેશ જોશી
(‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’માંથી સંકલિત અંશો

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014

Loading

રાજા-રૈયતની માનસિકતા : લોકશાહીનો મહિમા ને માહોલ છતાં રાજ-ઘેલછા કેમ ઘટતી નથી?

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|28 July 2013

રોયલ બેબીના આગમને વધુ એક વાર સાબિત કર્યું છે કે રાજા પ્રત્યેની સામાન્ય લોકોની માનસિકતામાં આજે પણ કોઈ ફરક પડયો નથી. લાગે છે, 'બિચારા' લોકો આજે પણ 'સ્વરાજ'નો અર્થ કે આસ્વાદ પામી શક્યા નથી!

ગયા સપ્તાહના પ્રારંભે જ આખી દુનિયાને એક 'ગૂડ' ન્યૂઝ મળ્યા, સોળ-સોળ દેશનાં મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના દીકરાના દીકરાના ઘરે પુત્રરત્નનો જન્મ થયો! રાણી'શાસિત' સોળ દેશોમાં હરખની હેલી સર્જાય તે તો સમજાય, પણ નવા પ્રિન્સના સમાચારે આખી દુનિયાને ઘેલી કરી. આમ તો પ્રિન્સ વિલિયમ્સની અર્ધાંગિની કેટ મિડલટન પ્રેગ્નન્ટ થવાના સમાચાર મળ્યા ત્યારથી માંડીને તેને લેબર પેઇન ઊપડયું ત્યાં સુધીના વિગતવાર સમાચારો મીડિયામાં હોટ કેક ગણાતા હતા અને છાશવારે ટીવી-અખબારો અને અન્ય માધ્યમોમાં છવાતા હતા, પરંતુ બેબી બોયના જન્મના ખબર આપવા માટે મીડિયામાં રીતસર હોડ જ જામી ગઈ હતી. આ અંગે ઈઝરાયેલના એક અખબારે કટાક્ષમાં લખ્યું હતું, ‘આજે રોયલ પરિવારનો એક નવો હીરો પેદા થયો છે ત્યારે કેમેરોન, હોલાંડે, નસરલ્લા કે ઓબામાને કોણ પૂછે છે? શું (બ્રિટિશ) સામ્રાજ્યનો અસ્ત થયો છે? સામ્રાજ્ય અમર રહો!’ આપણે જાણીએ છીએ કે કેમરોન, હોલાન્ડે કે ઓબામા લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓ છે, છતાં એક નવજાત શિશુ આગળ ઝાંખા પડી જાય છે, શા માટે? આવું થવા પાછળનું સૌથી મોટું કારણ છે – લોકોની માનસિકતા. લોકો આજે પણ રાજાઓ, સમ્રાટો, નવાબો, ઠાકોરસાહેબો કે ગામધણીઓ પ્રત્યે અહોભાવની ભાવના ધરાવે છે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું એક જાણીતું વાક્ય છે, નવા બાળકનું અવતરણ એ બાબતની સાબિતી છે કે ઈશ્વરે માનવજાત પ્રત્યે હજુ શ્રદ્ધા ગુમાવી નથી! બાળક કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે જન્મે કે પ્રિન્સ વિલિયમ્સના ઘરે, બાળજન્મની ઘટના તો આવકારદાયક અને આનંદદાયક જ હોય, પણ રોયલ બેબીના આગમનની ઘટનાને વિશ્વભરનાં માધ્યમો દ્વારા જે રીતે ચગાવવામાં આવી અને સામે વિશ્વભરના લોકોમાં જે હરખના હુમલા જોવા મળ્યા, તેણે આપણી રાજા-રૈયતવાળી જીર્ણ માનસિકતાને વધુ એક વાર પ્રકાશમાં આણી છે. એકવીસમી સદીમાં જ્યારે લોકશાહી તત્ત્વો અને તંત્રો સ્થિર, સ્થાયી અને મજબૂત બન્યાં છે ત્યારે પણ લોકોની રાજ-ઘેલછા, કુળ-ઘેલછા કેટલાક પ્રશ્નો જગાવી જાય છે.

રાજાશાહીની વાત કરીએ તો એકવીસમી સદીમાં આ શાસન પદ્ધતિ આઉટ ઓફ ડેટ છે. વિશ્વના ૨૦૦થી વધારે દેશોમાંથી માત્ર ગણીને સાત દેશોમાં જ પૂર્ણ રાજાશાહી અસ્તિત્વમાં છે. વળી, આ દેશો બહુ જ નાના છે. આ ઉપરાંત ૨૧ દેશોમાં રાજાઓનું અસ્તિત્વ છે ખરું પરંતુ ત્યાં શાસન તો લોકો દ્વારા ચૂંટાયેલી સરકારો દ્વારા જ ચાલે છે. પ્રિન્સ વિલિયમ્સ જેના વારસ છે એ બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત ૧૬ દેશોનો સમાવેશ થાય છે, છતાં આ બધા ય દેશોમાં પણ ચૂંટાયેલી લોકશાહી સરકારો જ શાસન કરી રહી છે.

દુનિયાના ૨૦૦માંથી ૯૭ ટકા દેશોમાં લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર કાર્યરત હોવા છતાં લોકશાહી મૂલ્યો અને સંસ્કારોની મોટી કમી વર્તાઈ રહી છે. રાજા-રજવાડાં પ્રત્યેના અહોભાવના મૂળમાં છે – ભવ્યતા પ્રત્યેનો મોહ. લોકો ભવ્યતાથી અંજાય છે. સદીઓ સુધી રાજાઓ નીચે કચડાયેલા લોકો હવે લોકશાહીના યુગમાં સ્વરાજ પામ્યા છે, છતાં માનસિકતા બદલાઈ નથી. ચૂંટાયેલો પ્રતિનિધિ પણ સીધો-સાદો હોય તો આપણને તેના માટે કદાચ માન થાય પણ અહોભાવ તો ફેશનેબલ અને રાજા જેવા તોર ધરાવતા નેતા પ્રત્યે જ જાગતો હોય છે. આપણા રાજકારણમાં યુવરાજો ઉભરાઈ રહ્યા છે, તેના મૂળમાં પણ લોકોની આ માનસિકતા જ જવાબદાર છે. આપણી માનસિકતા ન બદલાયાનું બીજું કારણ એ છે કે લોકોને આજે પણ 'સ્વરાજ'નો અહેસાસ થતો નથી. વળી, લોકશાહીમાં સૌ સમાનનો સંસ્કાર હજુ આપણામાં કેળવાયો જ નથી, કારણ કે સામાજિક-આર્થિક-રાજકીય અસમાનતાઓ આજેય પ્રવર્તમાન છે. નાત-જાત-કોમ-કુળને ભૂલીને 'સૌને સમાન તક' હજુ દૂરની વાત માલૂમ પડે છે. કોઈ ને કોઈ રીતે ઉચ્ચ કે નીચનો અહેસાસ માનવીને થતો રહે છે. આ સ્થિતિ અને મનોદશા ક્યારે બદલાશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

(સૌજન્યઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, July 27, 2013)

Loading

પાયાનો સત્યનો પ્રસાર

સુરેશ જાની|Opinion - User Feedback|27 July 2013

અાશાબહેન બૂચના ‘મંગલ ધ્વનિ’ લેખની વાત બહુ જ ગમી – ધિક્કાર  અને ઝનૂનથી ભરેલી દુનિયામાં આ પાયાના સત્યનો પ્રસાર બહુ જરૂરી લાગે છે. 

‘સર જોહન ટાવનરનો પ્રેમ અને કરુણાનો સંદેશ એકથી વધુ ધર્મ અને ભાષા દ્વારા આપવાનો પ્રયાસ હતો કેમ કે તેઓ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સરખા છે એમ માને છે અને પ્રથમ વખત રજૂ કરાયેલી આ રચના માટે તેમણે Sacred Sound Choir (મંગલ ધ્વનિ) પસંદ કરી એ માન્ચેસ્ટરની વિવિધ સભ્યતા અને સંસ્કૃિતના પ્રતિનિધિઓ માટે ગૌરવનો વિષય બની રહ્યો. ૧૪મી જુલાઈના દિવસે માન્ચેસ્ટરની પ્રજાને અમે છ ધર્મોના પંદર ગીતો-મંત્રો પાંચ જુદી જુદી ભાષામાં ગાઈને મંત્ર મુગ્ધ કરી દીધા.’

e.mail : sbjani2006@gmail.com

Loading

...102030...4,0304,0314,0324,033...4,0404,0504,060...

Search by

Opinion

  • આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • સાર્ધ શતાબ્દીનો કળશ : ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ અને રાજકારણ
  • નવી મમ્મી
  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved