Opinion Magazine
Number of visits: 9529403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બદલાતી સંસ્કૃિતઓ

મૂળજી ગડા|Opinion - Opinion|28 September 2013

આપણે જ્યારે ભારતીય સંસ્કૃિતની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક આદર્શ સમાજ વ્યવસ્થાનો ખ્યાલ હોય છે. આપણે જે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, એને સ્વાભાવિકપણે સ્વીકારી લીધું છે. વાસ્તવમાં એ અર્ધસત્ય છે.

આપણી પ્રાચીન સંસ્કૃિત ખરેખર કેવી હતી એ કહેવું લગભગ અશક્ય છે. ગણ્યાંગાંઠ્યાં મહાકાવ્યો કે ગ્રન્થો પરથી એનો સાચો ખ્યાલ ન આવે. એમાં થોડી અતિશયોક્તિ અને ઘણી બધી કવિ–કલ્પના (વિશફુલ થિંકીંગ) પણ હોઈ શકે છે. સદીઓ પછી પણ એ અકબંધ જળવાઈ રહી છે, એમ માનવું ભૂલભરેલું છે.

આપણને વર્તમાનમાં જે નજર સામે દેખાય છે તે આપણી સદીઓની  સંસ્કૃિતનો નીચોડ છે. આપણી સંસ્કૃિતનું જમા પાસું છે : આપણી કુટુમ્બભાવના, વડીલો પ્રત્યેની માનમર્યાદા, પડોશીઓ સાથેનો સમ્બન્ધ, સહિષ્ણુતા વગેરે. સાથેસાથે, આપણી દેખાદેખી, દમ્ભ, ભ્રષ્ટાચાર,  બહાનાંબાજી, અન્ધશ્રદ્ધા, જાતિભેદ, વર્ણભેદ, અસ્પૃશ્યતા, પરિવર્તનનો વિરોધ, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે બધું જ આપણી સંસ્કૃિતનું ઉધાર પાસું છે. આમાંથી ઘણું પહેલેથી ચાલ્યું આવે છે.

ભારતીય સંસ્કૃિત ઘણી જૂની છે. પાંચ પ્રાચીન સંસ્કૃિતઓમાંની તે એક છે. આ બધી સંસ્કૃિતઓનો ત્યારે પણ એકબીજા સાથે સમ્પર્ક હતો અને પરસ્પર વિચારોની આપલે થતી હતી. જો એમાં ઊંડા ઊતરીએ તો પ્રાચીન સંસ્કૃિતઓ વચ્ચે ઘણી સમાનતા દેખાઈ આવે છે. સાથે સાથે બધી સંસ્કૃિતઓમાં પોતાની સ્થળ આધારિત વિશિષ્ટતા પણ હતી.

સંસ્કૃિતઓ આદિકાળથી અસ્તિત્વમાં છે, અને સમયાન્તરે બદલાતી રહી છે. એને બદલે છે ધર્મ, માનવીય સ્થળાન્તર, રાજકારણ, ઇિતહાસ, ઔદ્યોગિકીકરણ,  વૈશ્વીકીકરણ વગેરે.

ધર્મ અને સંસ્કૃિત બે ભિન્ન બાબતો છે. ધર્મ એ મનુષ્ય જીવનનું એક અગત્યનું અંગ છે, જ્યારે સંસ્કૃિત તો આપણી દરેક પ્રવૃત્તિ, વિચારો, માન્યતાઓ વગેરે બધાનો સરવાળો છે. એને જીવનવ્યવસ્થા કે સમાજ–વ્યવસ્થા પણ કહી શકાય. એ આપણા વહેવાર, તહેવાર, રીતરિવાજ, રહેણીકરણી, સાહિત્ય, સંગીત, કળા, ફિલ્મ વગેરે દ્વારા છતી થાય છે.

સંસ્કૃિત અને ધર્મ અલગ હોવા છતાં એકબીજાના પૂરક છે. આજના સ્વરૂપમાં જે જુદા જુદા ધર્મો અસ્તિત્વમાં છે, તે પ્રાચીન સમયમાં મોજૂદ નહોતા. સ્થાનિક સંસ્કૃિતની તત્કાલીન જરૂરિયાત તેમ જ તેમાં રહેલી કેટલીક અતિરેકતાના પર્યાયરૂપે જુદા જુદા ધર્મોનો ઉદય થયો અને તે પ્રમાણે ધર્મોના સિદ્ધાન્ત રચાયા. (ખ્રિસ્તી, મુસ્લિમ વગેરે ધર્મોનો ઉદય આ માન્યતાની પુષ્ટિ કરે છે. હિન્દુ અને જૈન ધર્મના અનુયાયીઓ એમનો ધર્મ આદિકાળથી હોવાનો દાવો કરે છે. એની ચર્ચામાં અત્યારે નહીં ઊતરીએ) ધર્મના ફેલાવા સાથે એમાં રહેલ વિચારભેદને કારણે સંસ્કૃિતઓ વચ્ચેનું અન્તર વધવા લાગ્યું. એકબીજાની પૂરક બનવાને બદલે સ્પર્ધક બની ગઈ.

સમાજશાસ્ત્ર એ બધી જ શાળાઓમાં ભણાવવામાં આવતો વિષય છે. વ્યવસાયમાં એનું મહત્ત્વ ન હોવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા એ અવગણાયેલો વિષય રહ્યો છે. છતાંયે એ ફરજિયાત ભણાવાય છે; કારણ કે એ આપણા જીવન સાથે વણાયેલો છે.

સમાજશાસ્ત્રનો એક ભાગ છે ઇતિહાસ. ઇતિહાસ એ રાજાઓનાં નામો અને લડાઈની તારીખો ઉપરાન્ત ઘણું વધારે છે. ઐતિહાસિક ઘટનાઓ પાછળનાં કારણો અને તેમની અસર ઇતિહાસનું હાર્દ હોય છે. દરેક મહત્ત્વની ઘટના અને વહેણ (ટ્રેન્ડ) એની અસર અચૂક મૂકતી જાય છે.

સંસ્કૃિત, ધર્મ અને ઇતિહાસ ગાઢપણે સંકળાઈને એકબીજાને ઘડે છે. ધાર્મિક ભેદભાવોએ યુદ્ધો સર્જ્યાં છે. યુદ્ધોએ રાજકીય નકશા બદલી સંસ્કૃિતને મઠારી છે. એમાંથી નવા ધર્મોનો ઉદય થયો છે અથવા તો પ્રસ્થાપિત અને પ્રચલિત ધર્મમાં ફાંટા પડ્યા છે. આ ચક્ર ચાલતું રહે છે.

સંસ્કૃિતઓને સ્પષ્ટપણે બદલતી છેલ્લી સદીની થોડીક ઘટનાઓ અને વહેણ છે : યુરોપીય સંસ્થાનવાદનો અન્ત, લોકશાહીનો તેમ જ શિક્ષણનો ફેલાવો, સામ્યવાદનો ઉદય અને પીછેહઠ, બે વિશ્વયુદ્ધો, ઔદ્યોગિકીકરણ અને વૈશ્વીકીકરણ વગેરે ..

ભારતના સન્દર્ભમાં જોઇએ તો ઇિતહાસમાં પ્રથમવાર ભારત એક દેશ તરીકે ઉદ્દભવ્યો છે. એ પહેલા ભારત ઉપખંડ સેંકડો નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલો હતો. પડોશી રાજ્યો સાથેનાં ઘર્ષણ સામાન્ય ઘટના હતી. એની અસર આજે પણ આપણી સંસ્કૃિત પર અને રાજકારણમાં દેખાય છે. આપણી વફાદારી પોતાના સમાજ, જ્ઞાતિ, ધર્મ કે પ્રાંત પ્રત્યે વધુ છે અને રાષ્ટ્ર પ્રત્યે ઓછી છે. મોગલ શાસન તેમ જ અંગ્રેજી શાસનની અસર પણ આપણી સંસ્કૃિતમાં વણાઈ ગઈ છે. તે છતાંયે પરિવર્તનના સ્વીકારને બદલે વિરોધની વૃત્ત્તિ અકબંધ છે.

આશરે પાંચસો વર્ષ પૂર્વે યુરોપમાં વૈજ્ઞાનિક વિચારસરણી સાથે આવેલી ઔદ્યોગિક ક્રાંતિએ ત્યાંની સંસ્કૃિત મહદ્દ અંશે બદલી નાંખી. આપણી સામાજિક તેમ જ અન્ય સમસ્યાઓ માટે પશ્ચિમી સંસ્કૃિતને દોષ દેવાનું આપણને ફાવી ગયું છે. આપણે એમનાથી જુદા છીએ એમ કહેવા કરતાં એમની પાછળ છીએ એમ કહેવું વધુ ઉચિત છે. આપણે જેને પશ્ચિમી સંસ્કૃિત કહીએ છીએ તે હવે પશ્ચિમના દેશો પૂરતી જ મર્યાદિત નથી રહી. જ્યાં પણ વૈજ્ઞાનિક વિચારસરણી અને ઔદ્યોગિકીકરણ પહોંચ્યા છે ત્યાંની મૂળ સંસ્કૃિત પર એની અસર અચૂક થઈ છે. અહીં સારા – નરસાની સરખામણી નથી. દુનિયાની બધી જ સંસ્કૃિતઓનો પ્રવાહ કઈ બાજુએ વહી રહ્યો છે એની ચર્ચા છે.

સાંસ્કૃિતક રીતે  ભારતનાં મોટાં શહેરોમાંનો અમુક વર્ગ એકવીસમી સદીમાં જીવે છે, ગામડાંના લોકો ઓગણીસમી સદીમાં જીવે છે અને આદિવાસીઓ કદાચ સત્તરમી સદીમાં જીવે છે. દુનિયાના બધા જ વિકાસશીલ દેશોમાં વત્તે ઓછે અંશે આવી જ વ્યવસ્થા દેખાય છે. માહિતી પ્રસારણમાં જે જબરદસ્ત ક્રાન્તિ આવી છે એના લીધે કાળેક્રમે આ ભેદ ઓછો થશે. પરમ્પરાગત માન્યતાઓની પકડ ઢીલી પડશે અને દુનિયાની બધી જ સંસ્કૃિતઓ ફરી પાછી એકબીજાની વધુ નજીક આવે એવી શક્યતા દેખાય છે.

ભારતીય, પશ્ચિમી કે બીજી કોઈ સંસ્કૃિતને બદલે, લોકો કઈ સદીમાં જીવે છે, એ શબ્દપ્રયોગ વધુ યોગ્ય લાગે છે. દરેક દેશમાં બધી જ વિચારધારાઓ અનુસરતા લોકો હવે મળે છે. પશ્ચિમનો અમુક વર્ગ આપણી પાસેથી યોગ અને ધ્યાન શીખે છે તો આપણે પૂર્વ એશિયાના દેશો પાસેથી કરાટે શીખીએ છીએ. દુનિયા આખી પશ્ચિમ પાસેથી વૈજ્ઞાનિક વિચારસરણી શીખે છે. દુનિયાનાં બધાં જ મોટાં શહેરોમાં બધા દેશોની ખાવાની વસ્તુઓ મળે છે. ફક્ત વ્યાપાર ક્ષેત્રે નહીં; પણ સાંસ્કૃિતક સ્તરે વૈશ્વીકીકરણ થઈ રહ્યું છે. એનો આંધળો વિરોધ કરવાને બદલે એમાંથી સારાં તત્ત્વોને અપનાવવું આપણા હિતમાં છે.

વર્તમાન સમાજ વ્યવસ્થા ચાલુ રહે એમાં ચોક્કસ વર્ગનું હિત સમાયેલું હોય છે. તેઓ પરિવર્તનનો વિરોધ કરે એ સ્વાભાવિક છે. એના માટે તેઓ ‘મહાન સંસ્કૃતિ, શ્રેષ્ઠ પરમ્પરા’ વગેરે દલીલોનો ઉપયોગ કરે છે. આજ સુધી તેઓ સફળ થતા આવ્યા છે; પણ હવે એમનો સમય પૂરો થયો છે. સમાજ અને દેશ ધીરે ધીરે જાગી રહ્યો છે. આંધળા વિરોધનો જ વિરોધ કરવાનો સમય હવે આવ્યો છે. આવનારો સમય પોતે એનો ઉત્તર આપશે.

સમાજશાસ્ત્રનો બીજો ભાગ છે ભૂગોળ. ભૌગોલિક રીતે છૂટા પડેલા પ્રદેશો પર સંસ્કૃિતના ફેરફારની અસર મોડી પડતી હતી. હવે એ ભેદ પણ ભુંસાઈ રહ્યો છે.

ભૂગોળે બીજો એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એમાં સમાયેલી બાબતો નક્કર હકીકત હોવાથી એણે ઘણી પરમ્પરાગત ગેરસમજો દૂર કરી છે. કમનસીબે કેટલીક  રૂઢિગત ગેરસમજો હજી પણ આપણી વચ્ચે પ્રચલિત છે તેમ જ તેનો ફેલાવો કરવામાં આવે છે.

જે બાબતો નિ:શંક રીતે સાબિત કરી દુનિયાએ સ્વીકારેલ છે અને બધી જ શાળા કૉલેજમાં ભણાવવામાં આવે છે; છતાં જેની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવે છે એ તો ધાર્મિક જડતાની પરાકાષ્ઠા છે. આવા અપપ્રચારના કેટલાક અંશ છે: ‘પૃથ્વી ગોળ નહીં; પણ સપાટ છે, પાણી પર તરે છે, ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ નથી, ચંદ્ર પર માનવી ગયો જ નથી અને જઈ શકે પણ નહીં, ભૂતકાળમાં લોકોનું આયુષ્ય લાખો વરસનું હતું’ વગેરે વગેરે ..

બધા જ ધર્મોના મૂળભૂત સિદ્ધાન્તોમાં સત્યનું આગવું સ્થાન છે. સત્યપાલન એટલે સાચું બોલવા અને આચરવા ઉપરાન્ત સત્યનો સ્વીકાર પણ છે. જે બાબતો નિ:શંકપણે પૂરવાર થયેલી છે એની સાથે પરમ્પરાને નામે અવિરત લડવા કરતાં સ્વીકારી લેવામાં વધારે ધાર્મિકતા છે. ભૂતકાળમાં કોઈએ કંઈ કહ્યું હોય એટલા માટે એને વળગી રહેવામાં અન્ધશ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી.

આવી બાબતો વિશે આપણે જે પણ માનીએ એનાથી આપણા રોજીન્દા જીવનમાં કંઈ ફરક પડતો નથી. છતાંયે એ આપણી વિચારસરણીનો પડઘો જરૂર પાડે છે. ખોટી હઠ રાખવાથી બદલાતી દુનિયા સાથેનું તાદાત્મ્ય અઘરું બને છે, સત્યપાલનથી દૂર રાખે છે. એકવીસમી સદીમાં જીવવું હોય, પ્રગતિ કરવી હોય તો પન્દરમી સદીની માન્યતાઓને છોડવી પડશે.

……………..

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દિર’ માસિકના 2008ના એપ્રિલ માસના અંકમાં પ્રકાશિત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર …

સૌજન્ય : ‘અભીવ્યક્તી’ : http://govindmaru.wordpress.com/2013/09/13/murji-gada-30/

Loading

‘मरीचिका’ − ચાર કાવ્યો

રાજેન્દ્ર નાણાવટી|Poetry|27 September 2013

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની માસિકી બેઠકમાં, શનિવાર, 07 સપ્ટેમ્બર 2013ના, કવિ રાજેન્દ્ર નાણાવટી પ્રસ્તુત ચારે ય કવિતાઅો :
 

(१)

तव स्मृतेरनन्ता: कणा:               • राजेन्द्र नाणावटी

अक्ष्णो: सम्मुखमद्य
प्रसृता नि:सीमा मरुभूमि:।
मरुभूमौ उड्डयन्ते
तव स्मृते: अनन्ता: कणा:।
प्रचण्डवेगे वायौ
उत्तिष्ठति वालुकाडमरी
पूरयन्ती नेत्रे
दहन्ती
प्रदग्धसूचिका इव
विध्यन्ती रोमरोम
मध्येस्थितस्य मम,
चक्रगत्या
ऊर्ध्वमारुह्य
परित उत्तिष्ठन्ती
रचयन्ती
प्रज्वालयन्तीं सिकतास्तम्भिकाम्।
धग्धगन्तीमेतां स्तम्भिकां स्फोटयित्वा
नि:सरतु साम्प्रतं झटिति
कोडपि नरपशु:।

कामं तत: स:
निजैस्तीक्ष्णैर्नखरै –
र्नान्यस्य कस्यचिद्यदि
स्वस्यैवोदरं विदार्य
अन्त्राणि निष्कर्षतु।।

(राजेन्द्रो नाणावटीकृत -‘मरीचिका’, पृ. 45-46)

 

ખુદ કવિએ દીધો ગુજરાતી અનુવાદ



અાંખોની સામે હવે
ફેલાય છે અફાટ રણ.
રણમાં ઊડે છે
તારી સ્મૃિતઅોના અનંત કણો.
પ્રચંડ વેગે વાતા વાયુમાં
ઊઠે છે રેતની ડમરી
ભરી દેતી અાંખોને
બાળતી
ધગધગતા સોયા જેવી
વીંધી રહેતી રોમેરોમને
વચ્ચે ઊભેલા મારાં,
ચકરાતી
ઊંચી ઊઠતી
મને ઘેરી વળતી
રચી દેતી
દઝાડતી રેતની થાંભલીને.

ધગધગતી અા થાંભલી ફાડીને
બહાર નીકળો હવે ઝટ
કોઈક નરપશુ.
     ભલે પછી તે
     − બીજા કોઈનું નહીં તો −
     પોતાનું જ પેટ ફાડીને
     અાંતરડી ખેંચી કાઢે.

(२)

पुरूरवसो न्वेषणम् ।                 • राजेन्द्र नाणावटी

क्षुब्ध: प्रक्षुब्धोऽद्य
इन्द्रलोक: ।
निस्तेजास्सझ्जाता वर्णा:
इन्द्रधनुष:
मानससरसि प्रतिबिम्बितस्य ।

अवतरति पृथिवीमद्य
ऊर्वशी
अन्वेष्टुं पुरूरवसम् ।

 

मनोहराणाम्
ऊर्वश्या लास्यमुद्राणां रेखाणाम्
संग्रहस्थानं केवलं भविष्यति
नाकपृष्ठमधुना ।

ऊर्वशी तु लप्स्यत अायुषम्
अायुष: परितृप्तिसमम् ।
तस्य मुखे
रेखा: व्यक्तीभवन्ती: द्रक्ष्यति सा
पुरूरवसो मुखस्य ।

किन्तु
ऊर्वश्यन्वेषणोन्मत्तेन
मेघराजिसंचारिणा
सहस्राक्षेण नन्दनवनविहारिणा
व्याहृतानामृचां पदेषु
रेखा  अ िऽ्कतास्स्यु:
अप्सरसोऽभावस्य ॥

(राजेन्द्रो नाणावटीकृत ‘मरीचिका’, पृ. 34-35)

 

કવિ દીધો ગુજરાતી તરજુમો :

પુરૂરવાની શોધમાં          • રાજેન્દ્ર નાણાવટી

ખળભળી ઊઠ્યો છે અાજે
ઈન્દ્રલોક.
નિસ્તેજ થઈ ગયા છે વર્ણો (ઝાંખા થઈ ગયા છે રંગો)
ઈન્દ્રધનુષના
માનસસરમાં પ્રતિબિમ્બાતા.

ઊતરી રહી છે પૃથ્વી પર
ઊર્વશી
પુરૂરવાને શોધવા.

ઊર્વશીની
મનોહર લાસ્યમુદ્રાઅોની રેખાઅોનું
સંગ્રહસ્થાન જ કેવળ બની રહેવાનું
સ્વર્ગ તો હવે.

ઊર્વશીને તો મળશે અાયુષ
અાયુષ્યની પરિતૃપ્તિ સમો.
તેના મુખ પર
રેખાઅો પ્રગટતી જોઈ શકશે તે
પુરૂરવાના મુખની.

પરંતુ
ઊર્વશીની ખોજમાં ઉન્મત્ત બનેલા
મેઘરાજિમાં સંચરતા
નન્દનવનમાં વિહરતા
સહસ્રાક્ષે
ઉચ્ચારેલી ઋચાઅોનાં પદો પર તો
રેખાઅો અંકાઈ હશે
અપ્સરાના અભાવની.

(३)

बुद्बुद:                     • राजेन्द्रो नाणावटी

उपरि नि:सृत्य
तटतरून् प्रतिबिम्बितानावहन्
इन्द्रधनुषो वर्णान् विरचयन्
तरतु यावत्
वहतु किश्चित्
तत्पूर्वमेव
स्फुटित
बुद्बुद: ।

प्रवाहस्तु
तस्य शवस्य
विराऽरूपम् ॥

(राजेन्द्रो नाणावटीकृत ‘मरीचिका’ पृ. 58)

 

કવિએ દીધો ગુજરાતી તરજુમો :

પરપોટો              • રાજેન્દ્ર નાણાવટી

ઉપર સરકીને
કાંઠે ઊભેલાં વૃક્ષોનાં પ્રતિબિંબોને ધારણ કરતો
ઇન્દ્રધનુષના રંગો રચતો
સહેજ તરે
જરીક વહે
તે પહેલાં જ
ફૂટી ગયો
પરપોટો

પ્રવાહ તો હવે
એના શવનું
વિરાટ રૂપ.

 

(४)


पश्य प्रिये !                     • राजेन्द्रो नाणावटी

पश्य प्रिये !
मण्डलगाने
मध्ये निहितस्य गर्भदीपस्य
दीपस्तु निर्वापित:।

मण्डलाकारेण गच्छन्त्य: स्त्रिय:
अधुना केवलं
रेखा रचयताम्
रेखा रचयताम्
कस्यचिद् अ-सत्-केन्द्रस्य
त्रिज्यामवलगताम्
बिन्दूनां निरर्थका गति:
− शून्यं द्रढयन्ती॥

(राजेन्द्रो नाणावटीकृत मरीचिका’, पृ. 31)

 

કવિએ દીધો ગુજરાતી તરજુમો :

જો પ્રિયે !  (ગરબો)               • રાજેન્દ્ર નાણાવટી

જો પ્રિયે !

ગરબામાં
વચ્ચે મૂકેલા ગરબામાંનો
દીવો તો હોલવાઈ ગયો !

ગરબો ઘૂમતી સ્ત્રીઅો તો
હવે કેવળ
રેખાઅો રચતા
રેખાઅો રચતા
કોઈક અ-સત્ કેન્દ્રની
ત્રિજ્યાએ વળગતાં
બિન્દુઅોની
નિરર્થક ગતિ
શૂન્યને દૃઢાવતી.

Loading

અાખેટ

નંદિતા મુનિ|Poetry|25 September 2013

વર્ષાવનમાં

અભાન વિચરતી

તરુણી

માદા જગુઆરને

અચાનક પકડી

એનેકોન્ડા 

સાંગોપાંગ ગળે

એમ

ગ્રસિત છું હું

પ્રેમથી.

http://thismysparklinglife.blogspot.in

Loading

...102030...4,0064,0074,0084,009...4,0204,0304,040...

Search by

Opinion

  • લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે!
  • લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
  • કરસનદાસ મુલજીએ જોયેલું તે કેવું હતું ૧૮૬૩નું ઇંગ્લન્ડ?  
  • આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved