Opinion Magazine
Number of visits: 9663022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંતાગમન …

હિતેશ એસ. રાઠોડ|Poetry|3 February 2026

હેમંતના પૂંછડિયા દિવસોની
ઉઘડતી પ્રભાતે
કવિતા પાંખે વિહરતા
કવિવરને
ગરમાળાની રૂક્ષ શાખ પર
કોળાઈ રહેલ બારીક કૂંપળે
બારીમાંથી અંદર ડોકાઈ હળવેકથી
પૂછ્યું:
‘અંદર આવું કે???’
કવિવરે કેલેન્ડર પર ચશ્માં ઠેરવ્યાં,
કવિતાનો વિષય સૂઝ્યો
ને સ્વગત બબડ્યા:
“ભલે પધારી તું વસંત
તારા વ્હેલેરા વધામણાં !!!”

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

મૂન આઈલેન્ડ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|2 February 2026

પ્રખ્યાત જાસૂસ અમીષ ગુપ્તા તેની ઑફિસમાં પેપર વાંચી રહ્યા હતા. અચાનક તેનું ધ્યાન એક પ્રવાસની જાહેરખબર પર ગઈ.

જાહેરખબરમાં લખ્યું હતું, ધનવાનો માટે ડિસ્કાઉન્ટ રેટમાં એક ખૂબસુરત આઈલેન્ડનો પાંચ દિવસના પ્રવાસમાં ફક્ત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ આપવાનો, અદ્યતન હોટલમાં રહેવાનું ફ્રી, બધી જ સર્વિસ ફ્રી, ફક્ત પચીસ વ્યક્તિ માટેનો આ પ્રવાસ છે. બુકીંગ વહેલો તે પહેલાંના ધોરણે કરવામાં આવશે. બુકીંગ માટે રૂબરૂ આવવું પડશે અને ઓળખ માટેના બધાં જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.

જાહેરખબરમાં બીજી કોઈ વિશિષ્ટતા નહોતી પણ ત્રણ બાબતે ગુપ્તાજીનું ધ્યાન ગયું. એક તો ફક્ત ધનવાનો માટેનો પ્રવાસ હતો. બીજું ટ્રાન્સપોર્ટેશન સિવાય કોઈ ચાર્જ નહોતો આપવાનો, બધું જ ફ્રી હતું. અને ત્રીજી બાબત એ હતી કે ઓળખ માટેના બધાં જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ આપવાના હતાં.

ગુપ્તાજીએ તેના આસિસ્ટન્ટ અજય અને મિતુલને બોલાવ્યા, જાહેરખબર વિશે વાત કરી રૂબરૂ જઈને માહિતી એકઠી કરવાનું કહ્યું.

અજય અને મિતુલ જે માહિતી લાવ્યા એ વિચારવાલાયક હતી. જેવી કે.

`આઈલેન્ડનું નામ સરપ્રાઈઝ માટે જણાવવામાં નહોતું આવ્યું.`

`જેની મિલ્કત પચીસ કરોડથી વધારે હતી તે વ્યક્તિને પ્રાથમિકતા આપતાં હતાં.`

`ટુરનું સંચાલન વિદેશની કંપની કરવાની હતી તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.`

`પાંચ દિવસની ટુરમાં ગ્રાહક જે માંગે તે બધી જ સુવિધા મળવાની  હતી.`

`ફક્ત સ્ત્રી અને પુરુષ માટેની જ ટુર હતી. તેમાં બાળકોનો સમાવેશ નહોતો.`

`અત્યાર સુધીમાં વીસ વ્યક્તિની નોંધણી થઈ ગઈ હતી.`

ગુપ્તાજીએ કહ્યું,`અજય, માહિતી ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો, આપણે ત્રણેય ટુરમાં જોડાઈ જઈએ.`

`બોસ અમારી પાસે ક્યાં એટલી મિલ્કત છે. તમે જોડાઈ જાવ, અહીયાનું અમે સંભાળી લઈશું.`

`તમે પ્રવાસની તૈયારી ચાલુ કરી દો. જાસૂસીનાં બધાં જ સાધનો એકઠા કરી લો. આપણે ત્રણેયે જવાનું છે. બુકીંગ માટે હું રસ્તો કાઢી લઈશ. મને કંઈક અઘટિત ઘટના ઘટવાનો આભાસ થાય છે.`

`તમારા બધાંનો આપણી અજ્ઞાત આઈલેન્ડ પરની ટુરમાં જોડાવા માટે હું આભાર માનું છું. હું છું રમણ, અને આ ચાર મારા સાથીઓ છે. આપણે કુલ ત્રીસ વ્યક્તિ છીએ, પચીસ તમે ટુરિસ્ટ અને પાંચ અમે.`

`આપણે ક્યાં અજ્ઞાત આઈલેન્ડ પર જઈએ છીએ?`

`તેના વિશે અમારા બોસ તમને થોડા સમય પછી જાણકારી આપશે.`

`અમારી ઓળખ વિધિ પૂરી થઈ ગઈ હોય તો અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પાછા આપો.`…. કોઈ જવાબ નહીં.

`મિત્રો, તમારું મારા ટચુકડા પ્રાઇવેટ પ્લેન ઉપર સ્વાગત છે. આપણે ચાઈના સીમાં આવેલ “મૂન આઈલેન્ડ” પર જઈ રહ્યાં છીએ. તમારા ડોક્યુમેન્ટ્સ ટુર પૂરી થયા પછી પાછા આપવામાં આવશે.`

`તમે કોણ છો? ક્યાંથી બોલો છો? અમારી સમક્ષ આવીને વાત કરો. અમારે ટુરમાં નથી જોડાવું. અમારે પાછા જવું છે.`

`હું કોણ છું, એની ઓળખાણ પછી થશે. હું તો દૂરથી વાત કરું છું. તમારી સમક્ષ આવવાની મારે કોઈ જરૂર નથી. તમે સ્વેચ્છાએ ટુરમાં જોડાયા છો. ટુર તો  પૂરી હું કરું ત્યારે જ થશે.`

વીસ ટુરિસ્ટ ચિંતામાં પડી ગયા કે હવે શું થશે. ગુપ્તાજી, અજય અને મિતુલની આંખો મળી; જાણે કહેતી હોય કે આપણે યોગ્ય મિશન ઉપર છીએ.

ગુપ્તાજીએ બીજી બે વ્યક્તિને આંખોથી મંદ સ્મિત આપ્યું કે ટુરમાં જોડાવા માટે આભાર.

`દરેક ટુરિસ્ટને એક જરૂરી સૂચના આપવામાં આવે છે કે .. ટૂંક સમયમાં તમારું પ્લેન મૂન આઈલેન્ડ ઉપર ઉતરશે. તમારે સંદેશા વ્યવહાર માટે મૂન આઈલેન્ડની સંદેશા વ્યવહારની સિસ્ટમનો ઉપયોગ કરવાનો છે. ત્યાં તમારા ગેજેટ્સ નહીં ચાલે. બીજું ત્યાં કોઈને કંઈપણ તમારે પૂછવાનું નથી કે વાત કરવાની નથી. તમને દરેકને વ્યક્તિગત રૂમ આપવામાં આવશે. જરૂરી સૂચનાઓ પણ તમને રૂમમાં મળી જશે. તમારે કેટલો સમય મૂન આઈલેન્ડ પર રોકાવું પડશે એ તમારા વ્યવહાર અને મારી સૂચનાના અમલ ઉપર આધારિત છે.`

મૂન આઈલેન્ડ પર એક સી આકારનું બિલ્ડીંગ હતું. સી આકારમાં પચીસ રૂમો હતી. નસીબ જોગે ગુપ્તાજી, અજય અને મિતુલ તેમ જ બીજા બે ટુરિસ્ટની રૂમો વચ્ચેના ભાગમાં આવી જ્યાંથી આખી ય બિલ્ડીંગનું નિરીક્ષણ થઈ શકતું હતું. 

`અજય, મિતુલ કંઈ રમત સમજમાં આવે છે? કોઈક ઊંડી ગેઈમનું પ્લાનિંગ કરાતું હોય એમ લાગે છે. આપણે તો આપણા જાસૂસી સાધનોથી એક બીજાના સંપર્કમાં રહીએ છીએ પણ બીજા બાવીસ ટુરિસ્ટનું શું થતું હશે?`

`બોસ, મને આપણી રૂમની લાઈનમાં જે બે ટુરિસ્ટ છે એ બીજા વીસ ટુરિસ્ટ કરતાં અલગ લાગે છે.`

ગુપ્તાજીએ કોઈ જવાબ ન આપ્યો. `અજય મને લાગે છે કે આપણે જાહેર થયાં વગર આ બધાંને એક સંદેશ આપીએ કે કોઈપણ બાબતમાં સહમત ન થતાં. કારણ કે હજી સુધી આપણને ફરવાં લઈ આવ્યા છે એવું જ લાગે છે. આપણે ત્રણ દિવસથી આઈલેન્ડ પર ફરીએ છીએ, મજા કરીએ છીએ અને દરેકને પસંદગીનું ભોજન, માંગણી પ્રમાણેની બધી જ માંગણી સંતોષવામાં આવે છે.`

`બોસ, પણ આપણે સંદેશો આપશું  કેવી રીતે? આપણને તો અંદરોઅંદર વાતો કરવાની મનાઈ છે.`

`દરેક રૂમનાં બારણા સેન્સરથી ખોલ-બંધ થાય છે એટલે બારણાની બંધ થતી નીચેની જગ્યામાં કાગળની ચબરખી જાય એટલી તો જગ્યા હશે જ. તેનો ઉપયોગ કરીશું.`

`સરસ આઈડિયા છે બોસ, તો બનાવી દો સંદેશો. હું અને મિતુલ બધી ચબરખી પહોંચાડી દઈશું….`

બાવીસ વ્યક્તિને નાનકડી ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું.`આપણે અહીં ફરવાં આવ્યા છીએ એવો માહોલ છે. પણ કોઈ અજ્ઞાત વ્યક્તિ તેનું સંચાલન કરતી હોય એવું લાગે છે. કોઈપણ દબાણને વશ ન થતાં. આપણે સાથે મળી લડી લઈશું. ચિઠ્ઠીનો નાશ કરી નાખજો.`

ચિઠ્ઠી વાંચીને વીસ વ્યક્તિ અંસમજમાં પડી ગઈ કે વાત તો સાચી છે. આપણામાંથી આ સૂચના આપનાર કોણ હશે. બાકીની બે વ્યક્તિ જે ગુપ્તાજીની બાજુની રૂમમાં હતા એ નિષ્પૃહી રહ્યાં.

ત્રણ દિવસ પછી વ્યક્તિગત બધાંને એક રૂમમાં બોલાવી બોસે ફોનથી ચર્ચા કરી કે ઘરે સમાચાર આપી દો કે હજી તો અમે ક્ષેમકુશળ છીએ અને ક્ષેમકુશળ જોવા હોય તો અમે કહીએ એમ કરો. બાકીની સૂચના કાલે આપીશ કે તમારા ઘરનાએ શું કરવાનું છે.

ગુપ્તાજી, અજય અને મિતુલ સમજી ગયા કે જે સૂચના તેમને આપી એ જ સૂચના બાકીનાને આપી હશે. હવે એકશન લેવાનો સમય આવી ગયો હતો.

ગુપ્તાજી, અજય અને મિતુલે એક પ્લાન બનાવ્યો. પ્લેનની મુસાફરી દરમ્યાન ગુપ્તાજીએ બાકીના બીજા ટુરિસ્ટ પાસેથી તેના ઘરના ફોન નંબર અને સંપર્ક વ્યક્તિનું નામ, સરનામું વગેરે વિગત લઈ લીધી હતી.  દરેક ટુરિસ્ટના ઘરે એક ગુપ્ત સંદેશો મોકલી દેવામાં આવ્યો કે અમારા સંપર્કમાં અને લોકલ પોલીસ ઓથોરિટીના સંપર્કમાં રહેજો. અમે લોકો કોઈની સાઝિશનો શિકાર બની ગયા છીએ પણ જલદી તેમાંથી બહાર આવી જઈશું.

બધાને ફરીથી ચિઠ્ઠી દ્વારા સંદેશો આપ્યો હતો કે `હવે ફોન ઉપર વાત કરવાં બોલાવે તો કહેવાનું કે અમારે તમારી સાથે અહીયાં રૂબરૂમાં વાત કરવી છે ફોન પર નહીં; એમ કહીને ગમે તે થાય વાત કરવાં નહીં જવાનું.`

નક્કી થયા પ્રમાણે બધાં જ અજ્ઞાત વ્યક્તિ સાથે વાત કરવાં ન ગયાં અને જે કોઈ હોય તેને અહીયાં રૂબરૂ  બોલાવવોનો આગ્રહ ચાલુ રાખ્યો.

`બોસનો સંદેશો છે તમે વ્યક્તિગત વાત ન કરવાં માંગતાં હો, તો બોસ તમારી સાથે રૂબરૂ નહીં પણ ફોનથી કોન્ફરન્સ રૂમમાં વાત કરશે.`

ગુપ્તાજી, અજય, મિતુલ અને બીજા બે જણાની આંખો મળી, ચાલો પ્રથમ પગથિયું સર થઈ ગયું….

`હલ્લો તમે મને સાંભળો છો? જો સાંભળતા હો તો પછી મારી સાથે વ્યક્તિગત વાત કરવાની સૂચના કેમ ન માની? આ તમે લોકોએ બહુ ખોટું કર્યું છે જેની સજા તમારે બધાએ ભોગવવી પડશે….`

`હલ્લો મિસ્ટર અજ્ઞાત, હવે તું પણ સાંભળી લે, તારી જે ઇચ્છા હોય તે; અમે તારી એક પણ સૂચના માનવાના નથી. તું, હિંમત હોય તો ફોન પર નહીં રૂબરૂ સામે આવીને વાત કર.`

`તમે કોણ છો મને ધમકી આપનારા? તમે મને હજી ઓળખ્યો નથી.`

`તો સાંભળ હું એસ.પી. ગાયકવાડ છું. મારી સાથે મારા ડી.વાય.એસ.પી. દ્વિવેદી છે અને હજી આગળ સાંભળ જે નામથી તું પરિચિત છો એ પ્રખ્યાત જાસૂસ ગુપ્તાજી તેના બે આસિસ્ટન્ટ અજય અને મિતુલ સાથે અહીંયા હાજર છે. બોલ હવે તારે શું વધારે માહિતી જોઈએ છે. અને તું કોણ છો એ પણ મને ખબર છે.`

`તમે લોકોએ સામે ચાલીને સિંહની બોડમાં હાથ નાખ્યો છે તમે કોઈ અહીંયાથી જીવતા પાછા નહીં જાવ.`

`અહીયાંના તારા બધાં જ માણસોને અમે બંધક બનાવી દીધા છે. તારે આકાશી હુમલો અમારી ઉપર કરવો હોય તો તેનો પણ અખતરો કરી જો.` આટલું કહી ગાયકવાડ સાહેબે સૂચના આપી કે ટાપુ ઉપર હુમલો કરવાં આવતાં બધાં જ પ્લેન, હેલિકોપ્ટરને ફૂંકી મારો … થોડા સમય પછી આકાશમાં ધણધણાટી બોલી ગઈ, બાકીના બધાં જ પ્લેન, હેલિકોપ્ટર પાછા ફરી ગયાં.

 `તું તારી જાતને બહુ હોશિયાર માને છે. તને એમ કે ચાઈના સીના મૂન આઈલેન્ડ પર આ ઘનવાનોને બંદી બનાવી તું ધારે એટલી ખંડણી માંગી શકીશ; તો “મિસ્ટર ગોમ્સ યાને આંતરરાષ્ટ્રીય અપહરણકર્તા” તારી પાછળ જરા નજર નાખ તને ગિરફ્તાર કરવા ઇન્ટરપોલના અધિકારીઓ ઊભા છે. તારું લોકેશન તો તે પહેલી વખત મારી સાથે ફોન પર વાત કરી ત્યારે જ મને મળી ગયું હતું. બીજું તે જાહેરાત આપવામાં મોટી ભૂલ કરી અને એ જાહેરાતની માહિતીએ તને પકડાવી દીધો.`

`મિસ્ટર ગાયકવાડસાહેબ હું ઇન્ટરપોલનો અધિકારી સ્મિથ બોલું છું ગોમ્સને ગિરફતાર કરવામાં મદદ કરવા માટે આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર.`

ગાયકવાડસાહેબે કહ્યું, `મિત્રો, તમે તો ધનવાન છો. ગમે તેટલા પૈસા ખર્ચ કરી શકો તેમ છો તો પછી આ ફ્રી ટુરમાં શું કામ જોડાયાં? એ પણ અજાણ્યા નામ વગરના આઈલેન્ડ પર જવા માટે . મારી પાસે ગુપ્તાજી આ જાહેરાત લઈને ન આવ્યા હોત તો વિચારો તમારી શું દશા થાત. આખું ય પ્લાનિંગ કરીને તમને બચાવવા માટે જ અમે આ ટુરમાં જોડાયા હતા. અમને જે શંકા હતી એ સાચી પડી. અમે એ પણ જાણતા હતા કે આખા ય ષડયંત્ર પાછળ ગોમ્સ છે. પણ એ બહારથી સંચાલન કરતો હતો. અહીયાં બોલાવી પકડવો મુશ્કેલ હતો એટલે તેને પકડવા માટે ઇન્ટરપોલની મદદ માંગી અને ગોમ્સ પકડાઈ ગયો.

એસ.પી. સાહેબ, અમે ખરેખર વગર વિચાર્યું પગલું ભર્યું હતું, એમ માનીને કે અજાણ્યા આઈલેન્ડ પર ફ્રીમાં બધી જ જાતની મજા કરીશું. અમે તમારો, દ્વિવેદી સાહેબનો, ગુપ્તાજીનો, અજય અને મિતુલનો આભાર માનીએ છીએ ….

હસતાં, હસતાં સૌ ‘એર ઇન્ડિયા’ના ચાર્ટર પ્લેનમાં અજાણ્યા મૂન આઈલેન્ડની ટુર પૂરી કરી પરત ફર્યા….

(ભાવનગર-ગુજરાત)
e.mail : Nkt7848gmail.com 

Loading

બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 February 2026

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે પગારદારો/પેન્શનરો બજેટની ચિંતા કરતા હોય છે. એટલી બીજા ભાગ્યે જ કરતા હશે. મધ્યમવર્ગને મુખ્યત્વે ઇન્કમટેક્સમાં કેટલી અને કેવી રાહત મળે છે, તેમાં રસ હોય છે, કદાચ એમાં જ રસ હોય છે. આ વખતે સતત નવમું રેકોર્ડબ્રેક યુનિયન બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારામને રજૂ કર્યું. ગયે વર્ષે તેમણે 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે એવી જાહેરાત કરીને મધ્યમવર્ગને ઘણી રાહત આપી, પણ આ વખતે નાણા મંત્રીએ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ ન કરીને જૂનો સ્લેબ જ ચાલુ રાખ્યો છે. એનો અર્થ તો એવો થાય કે એક વર્ષમાં બીજું બધું પણ ગયા વર્ષ જેટલું ને જેવું જ રહ્યું છે. વર્ષમાં મોંઘવારી વધી નથી ને આવક તો વધી જ છે, તો કોઈ સ્લેબ વધ્યો ન હોય છતાં જેમની આવક ગયે વર્ષે 12.75 લાખ હોય ને આ વખતે પગાર વધતા 12.75 લાખથી થોડી પણ વધી હોય તો ટેક્સ લાગે એ શક્ય છે. ઇન્કમટેક્સ માળખામાં તો કોઈ બદલાવ થયો નથી, પણ રિવાઇઝડ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31 ડિસેમ્બરથી લંબાઈને 31 માર્ચ પર આવી છે.

મધ્યમવર્ગ બચત અને લગ્ન જેવા પ્રસંગોએ સોનાચાંદીની ખરીદી કરતો હોય છે. છેલ્લાં 5 વર્ષમાં સોનાનો ભાવ ત્રણ ગણો વધ્યો છે. એવું જ ચાંદીમાં થયું છે. જી.એસ.ટી. કલેકશનમાં પણ અનેક ગણો વધારો થયો છે. એ ઉપરાંત રોજ બ રોજ ઉપયોગમાં આવતી ખાવાપીવાની, કપડાંલત્તાની, ભણવાગણવાની ચીજ વસ્તુઓના ભાવ આકાશે પહોંચ્યા છે, એની સામે ઇન્કમટેક્સ 12.75 લાખ સુધી ન લાગે, એ આવકાર્ય બાબત હોય તો પણ, તેનાથી ખરેખર કેટલી મદદ થાય છે તે વિચારવાનું રહે. ટૂંકમાં, વધતી મોંઘવારીને પહોંચી વળવા સરકાર ઇન્કમટેક્સની લિમિટ હજી વધારે અથવા મોંઘવારી ઘટાડે તે તીવ્રપણે અપેક્ષિત હતું, પણ તેમાં નિરાશા સાંપડી છે.

મધ્યમવર્ગ સરકારનો સમર્થક રહ્યો છે, એટલે ઇન્કમટેક્સમાં રાહત અને મોંઘવારીમાં ઘટાડો ઇચ્છે તે સમજી શકાય એવું છે ને સરકારને ઘણો ટેક્સ મધ્યમવર્ગનાઓ તરફથી મળે છે, તો એ એવી વ્યવસ્થા ને યુક્તિ કરી શકે કે ઇન્ક્મટેક્સ ઘટે ને બીજા ટેક્સ વધે. ઇન્કમટેક્સ એકટ પહેલી એપ્રિલથી લાગુ થવાની વાત છે, ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો હજી કેન્દ્ર સરકારે પાળ્યો નથી, તેને બદલે નાળિયેર પ્રોત્સાહન યોજનામાં ત્રણેક કરોડ લોકોને જોડવાની વાત છે. મત્સ્યપાલનને 500 તળાવો અને અમૃત સરોવરોના વિકાસ દ્વારા પ્રોત્સાહિત કરવાની દરખાસ્ત છે. ભારતીય ચંદન ઉદ્યોગ તંત્રને ફરી સ્થાપિત કરવાની વાત પણ છે. એ ખરેખર ક્યારે થશે તે તો નથી ખબર, પણ 2030 સુધીમાં કાજુ-કોકોને ઓળખ આપવાની વાત છે. સરકાર તટસ્થ થઇ હોય એમ લાગે છે, કારણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણીઓ આવતી હોવા છતાં, તેને સીધી અસર કરતી કોઈ જાહેરાતો થઈ નથી.

દેશનું સંરક્ષણ બજેટ 6.81 લાખ કરોડથી વધીને રેકોર્ડ 7.85 લાખ કરોડ થયું છે. સંરક્ષણ બજેટની ખાસ વાત એ છે કે હથિયારોની ખરીદી અને આધુનિકરણની તુલનામાં ગયા વર્ષના 1.80 લાખ કરોડની સામે આ વખતે 2.19 લાખ કરોડ ફાળવાયા છે. એ ઉપરાંત મુંબઈ-પુણે, દિલ્હી-વારાણસી જેવી 7 હાઈસ્પીડ રેલ કોરીડોરની જાહેરાત થઈ છે. કેન્સરની દવા દર વર્ષે સસ્તી થાય છે, તો પણ વર્ષ દરમિયાન મોંઘી થઈને જ રહે છે. ૩ આયુર્વેદ AIIMS ખોલવાની જાહેરાત છે. આયુર્વેદિક દવાઓના ટેસ્ટિંગ માટે નેશનલ લેબ્સ પણ બનશે. 15 હાજર સેકન્ડરી સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ બનાવવાની પ્રપોઝલ છે. 800 જિલ્લાઓમાં છોકરીઓ માટે હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત પણ છે. લખપતિ દીદીની જેમ મહિલા સ્વયમ સહાય જૂથની ઉદ્યોગ સાહસી મહિલાઓ માટે SHE-માર્ટ પણ બનશે. હેન્ડલૂમ કારીગરોની મદદ માટે મેગા ટેક્સ્ટાઇલ પાર્ક બનાવવામાં આવશે. ટૂરિઝમ, વિદેશ અભ્યાસને લગતી જોગવાઈઓ પણ બજેટમાં છે. દેશનું કુલ દેવું 2030-’31 સુધીમાં જી.ડી.પી.ના 50% બરાબર લાવવાની વાત છે. 2025-‘26માં દેવું 56.1 ટકા હતું તે 2026-’27માં ઘટીને 55.6 ટકા રહેવાનો અંદાજ છે.

આ બજેટ સંદર્ભે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, કાઁગ્રેસના પ્રિયંકા ગાંધી, પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ જેવા વિપક્ષી નેતાઓની ટિપ્પણીમાં અસંતોષ અને નિરાશાના સૂર સંભળાયા છે, તો વડા પ્રધાને બજેટને વિકસિત ભારત માટે ઐતિહાસિક અને અન્ય ભા.જ.પી. નેતાઓએ બજેટને વિકસિત અને આત્મનિર્ભર ગણાવ્યું છે. યોગી આદિત્યનાથે બજેટને આશાઓનું ને સુધારાઓનું બજેટ ગણાવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ સંદર્ભે સ્પષ્ટ કહ્યું છે કે પ્રસ્તુત બજેટ વાસ્તવિક કટોકટીને સંબોધવાને બદલે તેને નજરઅંદાજ કરે છે. બંગાળના મમતા બેનર્જીએ બંગાળની અવગણના કરતાં બજેટને હમ્પ્ટી ડમ્પ્ટી ગણાવ્યું છે.

કેન્સરની દવાઓ સસ્તી થઇ છે, તો માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત અપાઈ છે. ઇલેક્ટ્રિક ગાડીઓ, સોલાર પેનલ, દરિયાઈ ઉત્પાદન, કપડાંનાં એક્સપોર્ટને પ્રોત્સાહન જેવી ઘણી જાહેરાતો થઈ છે. પણ સવાલ એ છે કે જે સસ્તું હાય છે, તે બજેટના બીજા દિવસથી સસ્તું થઈ જાય છે? ના. જૂનો સ્ટોક સસ્તા ભાવે નથી કઢાતો. ભાવની અસર નવા સ્ટોક પર જ થાય છે. દર વખતની જેમ જ આ વખતે પણ બજેટ માટે મિશ્ર પ્રતિભાવો આવ્યા છે, પણ આ વખતનું બજેટ પહેલી વાર રવિવારે રજૂ થયું છે ને સાધારણ રીતે રવિવારે શેર બજારમાં ઉથલપાથલ જોવા નથી મળતી, પણ આ રવિવારે હજારોમાં વધતાં સોનાચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે. ચાંદી કિલોએ 73,00૦ ગગડી ગઈ, તો સોનું 10 ગ્રામે 31,00૦ ગગડી ગયું. સેન્સેક્સ પણ 1,000 ઘટીને 80 હજાર સુધી ઊતરી આવ્યો છે. બજારમાં લાખો કરોડનું ધોવાણ થયું છે. બજેટ પહેલાં જ ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘાં થયાં છે. ફાસ્ટ ટેગના નિયમો પણ બદલાયા છે. આ બજેટમાં કેટલીક ભુલાયેલી યોજનાઓ પણ પાછી લાવવામાં આવી છે, જેમ કે, 20 કરોડની સી-પ્લેન યોજના નિષ્ફળ ગયેલી તે ફરી લાવવાની વાત છે.

બજેટ દર વર્ષે આવે છે ને દર વર્ષે, થોડું કંઇ સસ્તું અથવા મોંઘુ થાય છે. આ વખતે સોનાચાંદી અને શેરબજારમાં પહેલીવાર રવિવારે મોટી હાનિ સર્જાઈ છે. બજેટની સૌથી વધુ પરવા મધ્યમવર્ગ કરે છે, તે ઇન્કમટેક્સમાં રાહત સંદર્ભે, પણ આ વખતે રવિવાર શુષ્ક રહ્યો છે. ભલભલી યોજનાઓની જાહેરાત થતી રહે છે, પણ કેટલીક યોજનાઓ શરૂ થાય છે, પછી એ આગળ ચાલે છે કે કેમ એની ખબર પડતી નથી, તો કટલીક યોજનાઓ તો શરૂ જ નથી થતી, તો કેટલીક અભરાઈ પરથી નીચે ઉતારી ફરી અમલમાં મુકાય છે. પણ આમાં સામાન્ય માણસો સુધી કેટલું પહોંચે છે, એ પણ જોવાનું રહે. વિકાસની હરણફાળ તો ભરાય છે, પણ હરણને પડતી ફાળનો વિચાર ખાસ થતો નથી. નોકરિયાતોને મોંઘવારી સામે મોંઘવારી ભથ્થું મળે છે, પણ જેટલી ઝડપે મોંઘવારી વધે છે એટલી ઝડપે મોંઘવારી ભથ્થું વધતું નથી. મોંઘવારીની સામે મોંઘવારી ભથ્થું હંમેશ ઓછું જ હોય છે ને જેમને પગાર જ નથી એવા બેકારોને તો મોંઘવારી ભથ્થું પણ મળતું નથી, એમની શી હાલત થતી હશે તેની તો કલ્પના જ કરવાની રહે છે. બજેટ જાણવામાં આવે છે તો એવી વસ્તુઓ સસ્તી થાય છે જે રોજિંદા વપરાશમાં ભાગ્યે જ આવે છે, તો રોજિંદા વપરાશમાં આવતાં અનાજપાણી અંગે જે તે વર્ગે જ માથાં ફોડવાનાં આવે છે. બજેટ ગરીબો નહીં જ સાંભળતાં હોય, કારણ તેને તો બધું જ મોંઘુ છે, ત્યાં સરકાર સસ્તું કરે કે મોંઘું, શો ફરક પડે છે?

બજેટ ગરીબ અને સામાન્ય વર્ગ સુધી ઓછું જ પહોંચતું હશે. એવી સ્થિતિ આવે કે ગરીબ પણ બજેટ જાણવા ઇચ્છે, તો બજેટ આખા ભારતનું હોય એમ લાગે. ગરીબને કશું ફાળવાતું નથી, કારણ તે પોતે જ ફાળવાયેલો રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ફેબ્રુઆરી 2026

Loading

...3456...102030...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved