Opinion Magazine
Number of visits: 9696816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંચશીલના છ દાયકા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 June 2014

જવાહરલાલ નહેરુની દીર્ઘદૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના પંચશીલ કરારને કાલે એટલે કે ૨૮મી જૂન, ૨૦૧૪ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૬૦ વર્ષમાં બન્ને દેશોના સંબંધોમાં ખટમીઠા અનુભવો છતાં નહેરુના વિચારો અને વ્યવહાર આદર્શ ઠરે છે. ભારત-ચીને નહેરુ-નીતિ અપનાવવી જ રહી

મહાત્મા ગાંધીએ એક વાર કહેલું, "હું એ દિવસની આકાંક્ષા કરું છું જ્યારે એક આઝાદ ચીન અને એક આઝાદ ભારત એશિયાની ભલાઈ તેમ જ વિશ્વની ભલાઈ માટે સહયોગ અને મૈત્રી સાથે હળીમળીને કામ કરશે." ભારતને આઝાદી મળી અને બીજી તરફ ચીન પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં ફેરવાયું ત્યાર બાદ ગાંધીજીના આશાવાદને સાચો ઠેરવવા માટે તેમના રાજકીય વારસ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઘણી મથામણ કરેલી. નહેરુ એક સ્વપ્નશીલ અને આદર્શવાદી સ્ટેટ્સમેન (રાજપુરુષ) હતા. નહેરુએ વૈશ્વિક દૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે 'પંચશીલ' નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી.

૧૯૫૪માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. યાત્રાના અંતે ૨૮ જૂન, ૧૯૫૪ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને પાંચ સિદ્ધાંતોનું (જે પંચશીલ તરીકે વિખ્યાત થયા) પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પંચશીલ શબ્દ મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ભારત અને ચીનને જોડતી એક મજબૂત કડી હોય તો એ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં પાંચ સિદ્ધાંતો છે – હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને મદ્યપાન ન કરવું. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ તરીકે જાણીતા છે. નહેરુએ આ પાંચ બૌદ્ધ સિદ્ધાંતોના આધારે જ બે દેશો વચ્ચે શાંતિ અને સહયોગ ટકાવી રાખવા માટે જરૂરી પાંચ સિદ્ધાંતો તારવ્યા હતા અને તેનું નામ પણ પંચશીલ આપ્યું હતું. નહેરુ અને ચાઉ એન લાઇ વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થયેલા પંચશીલ કરારના એ પાંચ સિદ્ધાંતો જોઈએ ઃ

૧, એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.

૨, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી. 

૩, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.

૪, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું અને

૫, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો.

વિશ્વશાંતિ માટે મથનારા નહેરુ માનતા હતા કે આ પાંચ સિદ્ધાંતો વિશ્વશાંતિ અને સહયોગની આધારશિલા બની શકે છે. બે બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકેલા દુનિયાના દેશોને પંચશીલમાં આસ્થા બેઠી હતી. પંચશીલને કારણે વિશ્વ રાજકારણમાં એક નવા અધ્યાયનાં મંડાણ થયાં હતાં. દુનિયાના અનેક દેશોએ પંચશીલના પાંચ સિદ્ધાંતોને પોતાની વિદેશનીતિમાં અપનાવ્યા હતા.

ચીન સાથેના પંચશીલ કરાર પછી ભારતની વિદેશનીતિમાં પંચશીલ સિદ્ધાંતો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા હતા. સોવિયત રશિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, લંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, તુર્કી વગેરે દેશો સાથેના સંબંધોનો આધાર પંચશીલ સિદ્ધાંતો રહ્યા છે. અરે, લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાન સાથે કરેલા તાશ્કંદ કરાર પણ પંચશીલના સિદ્ધાંતો પર જ આધારિત છે.

ભારત-ચીન પંચશીલના બંધને બંધાયા પછી 'હિંદી-ચીની ભાઈ ભાઈ'નો નારો ગુંજવા માંડયો હતો. જો કે, નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પોકળ પુરવાર થઈ શકે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને ૧૯૬૨માં ચીન આપણી સામે યુદ્ધે ચડયું ત્યારે થયું હતું. ચીને ભારતનો વિશ્વાસઘાત કર્યો હતો. પંચશીલ મામલે નહેરુ પર આજ દિન સુધી માછલાં ધોવાતાં રહ્યાં છે, પ્રતિદલીલોમાં તથ્યાંશ હશે, છતાં ચીન સાથે આજે જે કંઈ સંબંધો છે, તેના પાયામાં નહેરુની પંચશીલ નીતિ જ રહેલી છે, તે વાસ્તવિકતા છે.

પંચશીલને ઘોળીને પી જનારું ચીન પોતે આજે પંચશીલના છ દાયકાની ઉજવણી કરી રહ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એ ઉજવણી માટે ખાસ નિમંત્ર્યા છે, ત્યારે તેમાં શું નહેરુની નીતિનો વિજય નથી?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામક સાપ્તાહિક કટાર, “સંદેશ”, June 29, 2014

Loading

મેઝરિંગ મોદી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|29 June 2014

નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આ એક મહિનામાં એણે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો ને આપેલા સંકેતો ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે

કોઈ ચિત્રકાર ચિત્ર દોરવાનો આરંભ કરે ત્યારે કૅન્વાસ પર જે બિંદુઓ માંડે કે રેખાઓ દોરે એને આધારે કહેવું મુશ્કેલ હોય છે કે અંતે ચિત્ર કેવું બનશે. બીજી બાજુ જ્યારે ચિત્ર પૂરું થાય છે ત્યારે એ ચિત્રમાં પહેલા દિવસે માંડેલાં બિન્દુઓનો અને રેખાંકનોનો ફાળો હોય છે. ચિત્ર દોરવાની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન માંડેલાં બિન્દુઓ, રેખાંકનો અને વાપરેલા રંગોનો સરવાળો એટલે એ ચિત્ર હોય છે. આ વાત દેશમાં નવા શરૂ થયેલા શાસનપવર્‍ને પણ લાગુ પડે છે. નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આમ છતાંય ચિત્રકારે માંડેલાં બિન્દુઓ અને દોરેલી રેખાઓની માફક આ એક મહિનામાં મોદીસરકારે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો અને આપેલા સંકેતો કુલ ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે. પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં કળાય છે એવી કહેવત ધ્યાનમાં રાખવા જેવી છે.



મારા PCમાં મેઝરિંગ મોદી નામની એક ફાઇલ છે જેમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ ત્યારથી સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને વડા પ્રધાન કે સિનિયર પ્રધાનો દ્વારા કરવામાં આવેલાં મહત્વનાં નિવેદનોની એમાં નોધ છે. નોંધના બે વિભાગ છે; પૉઝિટિવ અને નેગેટિવ. જે કામ, નિવેદન કે સંકેતમાં મને દેશનું હિત દેખાય છે એને હું પૉઝિટિવ કૉલમમાં નોંધું છું અને જેમાં મને દેશહિત નજરે નથી પડતું એને હું નેગેટિવ કૉલમમાં ખતવું છું. આગળ કહ્યું એમ સરકારના મૂલ્યાંકનનો આ સમય નથી, પણ ચિત્રકારના ચિત્રની જેમ સરકારની દિશા વિશે આછો સંકેત તો મળે છે. અહીં એ નોંધ કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણ વિના વિગતે આપી છ., જોઈ જુઓ તમારા મનમાં કેવી છાપ પડે છે. 



૧.    સંસદનાં બન્ને ગૃહોમાં આપેલા મંગળ પ્રવચનમાં કોઈ પણ પ્રકારની સંકુચિત વાત કરવામાં નહોતી આવી.



૨.    સંસદમાં નરેન્દ્ર મોદીએ આપેલું તેમનું પહેલું ભાષણ જવાહરલાલ નેહરુની યાદ અપાવે એવું ઉદાર હતું. 



૩.    વડા પ્રધાનપદની સોગંદવિધિમાં SAARC દેશોના નેતાઓને બોલાવ્યા અને દરેક સાથે અંગત મંત્રણા કરી.



૪.    નાના પ્રધાનમંડળની રચના.



૫.    નિર્ણયપ્રક્રિયામાં વિલંબ કરનારી ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવાનો રિવાજ પડતો મૂક્યો. 



૬.    અમલદારો સાથે લાંબી બઠક કરી. તેમને ઝડપી નિર્ણયો લેવાની સલાહ આપી, નિર્ણયની જવાબદારી સરકારની રહેશે એવો સધિયારો આપ્યો. કયા નકામા કાલબાહ્ય કાયદાઓ રદ કરવા જેવા છે એની વિગતો માગી અને ગમે ત્યારે વડા પ્રધાનનો સંપર્ક કરી શકાય એ માટે અંગત મોબાઇલ નંબર અને ઈ-મેઇલ ID આપ્યાં.



૭.    સરકારી ખર્ચે અંગત મદદનીશ તરીકે સગાઓની નિમણૂક નહીં કરવાનો પ્રધાનોને આદેશ આપ્યો.



૮.    રિઝર્વ બૅન્કના ગવર્નરને તેમના હોદ્દા પર ચાલુ રાખ્યા.



૯.    ઝડપી નિર્ણયો લેવા એવી એપોઇન્ટમેન્ટ કમિટી બનાવવામાં આવી છે જેમાં બે જ વ્યક્તિનો સમાવેશ થાય છે; વડા પ્રધાન અને ગૃહપ્રધાન.



૧૦.    ગોવાના પ્રધાનોને ફૂટબૉલની મૅચ જોવા વિદેશ જતા રોક્યા.



૧૧.    ભુતાનની સફળ યાત્રા.



મારી દૃષ્ટિએ નેગેટિવ સાઇડ પર આટલી બાબતો છે :



૧.    એકંદરે નબળું પ્રધાનમંડળ અને સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન પ્રધાન બનાવ્યાં.



૨.    નાણાપ્રધાન અરુણ જેટલી અર્થશાસ્ત્રની જાણકારી નથી ધરાવતા.



૩.    આર્ટિકલ ૩૭૦નો વિવાદ.



૪.    આગલી સરકારના પ્રધાનોના અંગત મદદનીશોને મદદનીશ તરીકે ચાલુ નહીં રાખવાનો પ્રધાનોને આદેશ.



૫.    કૉન્ગ્રેસના લોકસભા પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ન આપવામાં આવ્યો.



૬.    UPA સરકાર દ્વારા નિયુક્ત ગવર્નરોને રાજીનામાં આપવાનું આપવામાં આવેલું સૂચન.



૭.    પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવા વટહુકમ બહાર પડાવ્યો.



૮.    NGO વિકાસમાં અવરોધ પેદા કરે છે એવો ગુપ્ત રિપોર્ટ IB પાસે તૈયાર કરાવ્યો.



૯.    જનરલ વી. કે. સિંહે નવા લશ્કરી વડા પર આરોપ કરીને તેમના જાણીતા દ્વેષ અને દોઢડહાપણનું પ્રદર્શન.



૧૦.    રેલવેમાં વિચાર્યા વિનાનો ભાડાવધારો અને એ પણ પાછલે બારણેથી, જ્યારે લોકસભામાં રેગ્યુલર બજેટ દસ દિવસ પછી પેશ થવાનું હતું. 



૧૧.    જાણીતા ધારાશાસ્ત્રી ગોપાલ સુબ્રમણ્યમને સુપ્રીમ કોર્ટના જજ થતા અટકાવ્યા, કારણ કે તેમને કારણે ગુજરાત સરકાર અને અમિત શાહ મુશ્કેલીમાં મુકાયા હતા.



૧૨.    દિલ્હી યુનિવર્સિટીના શૈક્ષણિક સુધારાઓને એક વર્ષ પછી અટકાવવામાં આવી રહ્યા છે જેને વર્ષ પહેલાં UGCએ માન્યતા આપી હતી. 



૧૩.    ભુતાનમાં ત્યાંની સંસદને સંબોધતાં ત્રણ વખત ભુતાનની જગ્યાએ બીજા દેશોનો ભૂલમાં ઉલ્લેખ કરીને ભાંગરો વાટ્યો. વિદેશી બાબતોમાં દરેક નેતા હંમેશાં લેખિત ભાષણ કે નિવેદન વાંચે છે, પછી ભલે ગમે એવો મોટો વક્તા હોય. 



૧૪.    મુંબઈમાં CBIની અદાલતમાં હાજર નહીં રહેવા માટે જજ જે. ટી. ઉત્પલે અમિત શાહની ટીકા કરી એના બીજા દિવસે જ જજ ઉત્પલની બદલી કરવામાં આવી.



૧૫.    આજ સુધી પૉલિસી સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું નથી, જે વાત વડા પ્રધાને કરી છે એ  વિશલિસ્ટ છે. 

તો આ છે મહિનાની કામગીરી. વિચારી જુઓ કોઈ ચિત્રનો આછો અંદાજ મળે છે?

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2014

Loading

પહેલા ત્રીસ દિવસ… થોભો અને રાહ જુઓ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 June 2014

– પહેલા ત્રીસ દિવસ … થોભો અને રાહ જુઓ

– પ્રજાકીય સંકલ્પ : 'સુશાસન વાટે બંધારણીય સંસ્થાઓને મજબૂત કરીએ તો આવા 'કાળા દિવસ’ જોવા વેળ ન આવે’

સૌજન્ય : "ધ હિન્દુ" 28 જૂન 2014

૧૯૭પમાં દાખલ કરાયેલી કટોકટીનાં ૩૯ વરસ, અને નવી સરકારના ત્રીસ દિવસ : આ જોગાનુજોગના સંદર્ભમાં ત્યારના નવા સવા સંઘ પ્રચારક અને અત્યારના એવા જ નવા સવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું વિચારતા હશે એ જાણવાનું કૌતુક સ્વાભાવિક જ હતું. આ કૌતુકને તીવ્રતાનો વળ અને આમળો હમણેના દિવસોમાં એ કારણે પણ ચઢતો રહ્યો છે કે મનમોહનસિંહને હટાવ્યા પછી પણ નવી દિલ્હીમાં મૌનીબાબા બેઠા છે કે કેમ એવુંયે વિસ્મય થતું રહ્યું છે.

જો કે ૨૬મી જૂનના ઉપલક્ષ્યમાં મૌનભંગ તો નથી થયો પણ નમોના બ્લોગબોલ જરૂર સંભળાયા છે. એક વેળાના ભૂગર્ભ કાર્યકરથી માંડી ભાવિના ગર્ભમાં રહેલ વડાપ્રધાનપદ લગીની એમની યાત્રાન્તે જો કોઈ મંથનનવનીત જન સાધારણ જોગ સુલભ થયું હોય તો તે આ છે : લોકોએ દેશમાં સારા શાસન વાટે મજબૂત બંધારણીય સંસ્થાઓ સરજવાનો સંકલ્પ કરવો જોઈએ જેથી ફરીને આવા 'કાળા દિવસો’ જોવાવારો ન આવે.

કાળા દિવસો, બંધારણીય સંસ્થાઓ અને સુશાસન એ જે ત્રણ વાનાં અહીં લોક જોગ અધોરેખિત કરીને મુકાયાં છે એને જો અત્યારના દિવસોના સંદર્ભમાં મૂકીને જોઈએ તો?

નરેન્દ્ર મોદીને તહેદિલથી ફરિયાદ છે કે સામાન્ય રીતે કોઈ પણ સરકારને અપાય છે એવો 'હનીમુન’નો રાહતકાળ અમને નથી મળ્યો. અલબત્ત, એ નહીં મળવાના મૂળમાં એમણે બેબાક પ્રચારમારાથી જગવેલી અતિરેકી અપેક્ષાઓ પણ છે. પરંતુ, અત્યારે એમાં નહીં જતાં માત્ર એટલું જ નોંધીશું કે બંધારણીય સંસ્થાઓ અને સુશાસનના મુદ્દે આ ક્ષણે તો એમની બ્લોગકારી ખાલી ખાલી ખખડે છે.ઈન્દિરા ગાંધીએ ન્યાયતંત્ર પરત્વે એક આપ મુખત્યારી રવૈયો દાખવ્યો હતો એ જાણીતી વાત છે.

મોરારજી દેસાઈના નેતૃત્વમાં સત્તારૂઢ થયેલી જનતા સરકાર હસ્તક પાર પડેલું એક મોટું કામ લોકશાહી સંસ્થાઓના પુન:સંસ્થાપનનું હતું, અને મર્યાદાઓ છતાં ન્યાયતંત્રના દૃઢીકરણનું- કમ સે કમ, એનું ધોવાણ અટકાવવાનું – હતું. ન્યાયધીશોની નિમણૂકમાં સરકારી વહાલાંદવલાંવાદ યથાસંભવ ટાળી શકાય તે માટેની કોશિશ આ ગાળામાં ઓછેવત્તે અંશે રહી પણ છે. તે વિશે ફરિયાદ નથી, અને હજુ સુધારાવધારાને અવકાશ નથી એવું અલબત્ત નથી.

ગમે તેમ પણ, આ દિવસોમાં એક કાળના સોલીસીટર જનરલ ગોપાલ સુબ્રમણ્યમને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ‌યદે નહીં પહોંચવા દેવાનો સરકારી બેત જો કોઈ એક વાત સૂચવતો હોય તો તે એ છે કે સરકારને પોતાની શેહમાં ન આવી શકે એવી સ્વતંત્ર પ્રતિભાનો ખપ નથી. સુબ્રમણ્યમ બાબતે બીજા ગમે તે અને ગમે તેટલા મુદ્દા ઉછાળાય, જે એક ઘૂંટડો હાલની સરકાર કેમે કરીને ગળે ઉતારી નથી શકી તે એ છે કે ગુજરાત મોડલના બહુ ગાજેલા સોરાબુદ્દીન પ્રકરણમાં રાજ્ય સરકારની સંદિગ્ધ ભૂમિકા અને મંત્રી અમિત શાહની સંડોવણીને કાનૂની તપાસના દાયરામાં લાવવામાં એમનો નિર્ણાયક ફાળો હતો.

દેખીતી રીતે જ, જેમ તમે અને હું તેમ સુબ્રમણ્યમ પણ એક માત્ર માણસ છે. પણ એ મરી મરીને જીવનાર જણ નથી અને એણે સોરાબુદ્દીન ઉર્ફે ગુજરાત મોડલ પ્રકરણમાં પોતાની હયાતીનો પુરાવો આપ્યો છે. એમનું આ જમા પાસું એમને હાલના રાજકીય આકાઓની નજરમાં ગેરલાયક ઠરાવવા માટે પૂરતું છે. ગુજરાતમાં જસ્ટિસ આર.એ. મહેતાને લોકાયુકત પ્રકરણમાં 'ચલ ઉડ જા રે પંછી કે યહ દેસ હુઆ બેગાના’ જેવો વિષાદ અને વિરકિતનો ભાવ જગવ્યો હતો તે હજી તાજો ઇતિહાસ એટલે કે દૂઝતો જખમ છે.

હવે સી.બી.આઈ. / આઈ.બી. આદિ મારફતે પ્રેરિત પ્રચાર ચેષ્ટાઓ એવો જ એક માહોલ સરજે છે જ્યારે સ્વમાની સુબ્રમણ્યમ પોતે જ ન્યાયમૂર્તિ‌પદ માટેની પ્રક્રિયામાંથી હટી જવું પસંદ કરે. વસ્તુત: ન્યાયતંત્ર સાથે ઇન્દિરાઈ જે રીતે પણ પેશ આવી હતી એની વિગતો તેમ જ કટોકટીરાજ લગીની આખી પ્રક્રિયા જાણવાસમજવા જોગ છે. ઇન્દિરા ગાંધીના પુનરાગમ સાથે રફેદફે કરાયેલ શાહ તપાસ પંચના હેવાલ પછીની પેઢી, અને એ પરંપરામાં આવેલાં મોટી ઉંમરનાં બાળકો, તે દિવસો વિશે સુમાહિ‌તગાર નથી.

ગમે તેમ પણ એ 'કાળા દિવસો’ હતા અને અમે એકમાત્ર 'રૂપેરી કોર’ હતા એવો એક કેસ ઊભો થઈ રહ્યો છે. ઇતિહાસ જેમ 'કાળા દિવસો’ની નોંધ લેશે તેમ આ એકમાત્ર 'રૂપેરી કોર’ને પણ માપમાં મૂકી આપશે. જો કે, ન્યાય ખાતર કહેવું જોઈએ કે ઊગતા સૂરજને પૂજવાની ધાટીએ આપણાં માધ્યમો પશ્ચાદ્વર્તી ધોરણે મહિ‌મામંડન કરવામાં શૂરાંપૂરાં છે. ઇતિહાસ એમનો પણ ન્યાય કરશે. દરમિયાન, આપણે આ સૌ કટોકટી વિરોધના દાવેદારોની હાલની નીતિરીતિ તે મૂલ્યોની કસોટીએ તપાસવાનો નાગરિક ધર્મ બજાવતા રહેવું જોઈશે.

આ રીતે જોઈએ તો દેશનો વડો સત્તાપક્ષ, નાગપુરની દેખીતી સહમતિ સહ, પ્રમુખપદે જે નામ લગભગ ફાઈનલ કરી ચૂક્યાના હેવાલો છે એમાંથી સોડાતાં શીલ અને શૈલી 'હેબિયસ ર્કોપસ’ની એસી કી તેસીની તરજ પર ચાલતા કટોકટીવાદથી કઈ રીતે જુદાં છે તે કાબિલે તપાસ છે. ખરું જોતાં, જો કે, ૧૯૭પના જનતા મોરચા જનાદેશ અને ૧૯૭૭ના જનતા જનાદેશથી એના લાભાર્થી એવા ભાજપ અને બીજા પક્ષો કઈ હદે ભટકી ગયા છે એવી સમગ્ર તપાસ વગર આપણી વિકલ્પખોજને વિરામ નથી. દરમિયાન, હમણાં તો, બંધારણીય સંસ્થાઓને મજબૂત કરવા વાસ્તે નાગરિક છેડેથી શાસનસંભાળ લઈએ તો પણ ઘણું … વકટલેંડનો વૈભવ તો આપણો તે આપણો જ !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28 જૂન 2014

Loading

...102030...3,9853,9863,9873,988...4,0004,0104,020...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved