૨૧ એપ્રિલ, ૨૦૧૧.
પપ્પાના ઓપરેશન આડે ગણતરીના દિવસો બાકી હતા. આ બાબુભાઈ રાણપરા સાંજના સમયે અમારા ઘરે આવેલા. ચારેક વાગ્યાના અરસામાં. થોડી આડીઅવળી વાતો..ખાતર બરદાશ્ત પછી બાબુભાઈએ પપ્પા સાથેની એમની મુલાકાત વિષે જણાવ્યું, ‘કોઈ ખાસ ઓળખતું નહોતું ત્યારે, બેનબા, તમારા બાપુજીએ મારો હાથ પકડેલો.’
બસ આટલી જ વાત પછી એમની આંખ અને અવાજ બંને ભરાઈ ગયેલા. થોડીવાર પછી સ્વસ્થ થયા અને પોતે હનુમાન ચાલીસાનો પાઠ કરવા ઈચ્છે છે એમ કહ્યું. પપ્પાએ હા પાડી, પછી જે બુલંદ અવાજે એમણે હનુમાન ચાલીસા લલકાર્યા. અવાજની એ બુલંદી ને અક્ષરદેહ આપવા કદાચ કોઈ કલમ સમર્થ નહિ હોય. ઘરમાં વાતાવરણ એકદમ ભક્તિ સંગીતમય બની ગયું.
અમારો પરિવાર મૂળે આર્યસમાજિસ્ટ, એટલે ઘરમાં ક્યાં ય મંદિર કે દેવદેવીના ફોટા કશું મળે નહિ, પણ બાબુભાઈનો અવાજ એ કશાનો મોહતાજ ક્યાં હતો !!!!
હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થયો પછી, લિટરલી ઘરમાં સોપો પડી ગયો. બધા જ ભાવાવેશમાં ….પાંચેક મિનિટ પછી વાતાવરણ પૂર્વવત્ થયું ને ફરીથી વાતો – અખૂટ વાતો શરૂ થઈ. જેમાંથી એક વાત હજુયે યાદ રહી ગઈ છે, :
‘એક દિવસ શ્રાવણ મહિનામાં આ બધા મેડલોનો કોથળો લઈને ભોગાવો નદીમાં મારા દીકરા સાથે ઊભો રહ્યો. નદીમાં પાણી ઊંચા આવતા જતા હતા ને હું ઊભો હતો. થોડીવાર પછી, હાથમાંનો મેડલોવાળો કોથળો ડૂબી ગયો. એ જ ક્ષણે મને સ્ફૂર્યું કે જે મેડલ પોતે જ નથી બચી શક્યા એ મને શું તારવાના ? …. ને બધા મેડલ વહી જવા દીધા … હું જોતો રહ્યો … ”
કેટલી નિસ્પૃહતા !!!!
બાબુભાઈ રાણપુરાને વર્ષ 2006માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને રાજ્ય સરકારના લોકસંગીત માટેનો ગૌરવ પુરસ્કાર, રામાયણી મોરારિદાસ હરિયાણી પ્રેરિત કાગ અૅવાર્ડ તથા ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમી દ્વારા લોકસાહિત્યના સંવર્ધન માટે લોકસંગીત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત કરાયા હતા.
સ્વ. બાબુભાઈ રાણપુરાના આત્માને પરમાત્મા અસીમ શાંતિ બક્ષે એવી જ અભ્યર્થના .. હરિ : ઓમ
સૌજન્ય : https://www.facebook.com/desai.shilpa.7?fref=nf
![]()


મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.