Opinion Magazine
Number of visits: 9696375
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અઠંગ પુસ્તકપ્રેમીની વિદાય

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2014

વંશપરંપરાની દૃષ્ટિએ એમની ઓળખાણ આપવી હોય તો તેઓ હતા ઝવેરચંદ મેઘાણીના પુત્ર. અભ્યાસની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો હતા સાયન્સના ગ્રેજ્યુએટ. વ્યવસાયની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો તેઓ હતા પુસ્તક વિક્રેતા. પણ વૃત્તિની દૃષ્ટિએ – અને સાચી દૃષ્ટિએ – તેમની ઓળખાણ આપવી હોય તો કહેવું જોઈએ કે તેઓ હતા એક અઠંગ પુસ્તકપ્રેમી. નામ હતું નાનક મેઘાણી. પુસ્તક વેચાય એના કરતાં વધુ આનંદ એમને કોઈ સાચા પુસ્તકપ્રેમી સાથે પોતાનો અને પુસ્તકનો મેળાપ થાય તેમાં આવતો. ૮૨ વર્ષના આયુષ્યમાંથી પાંચ દાયકા જેટલો લાંબો સમય તેઓ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૬૧માં રાજકોટમાં ‘સાહિત્ય-મિલાપ’ની સ્થાપના કરી અને ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ શરૂ કર્યું. ઉત્તમ પુસ્તકો વાચકો સુધી, અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમને માટે આજીવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. પછીથી ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં ‘ગ્રંથાગાર’ ખસેડાયેલું. પણ બે-એક વર્ષ પહેલાં નબળી તબિયતને કારણે તેમ જ નબળા પ્રતિસાદને કારણે નાનકભાઈએ સ્વેચ્છાએ તેને સમેટી લીધું હતું. મોટા ભાઈ અને પુસ્તક-મહર્ષિ મહેન્દ્ર મેઘાણી સાથે મળીને નાનકભાઈએ ‘કોન-ટિકિ’ અને ‘તળાવડીને આરે’ જેવાં પુસ્તકોના અનુવાદ પણ આપ્યા હતા. મહેન્દ્રભાઈ, નાનકભાઈ અને જયંતભાઈ મેઘાણી જેવી પુસ્તકપ્રેમી ત્રિમૂર્તિ આપણી ભાષામાં જ નહિ, દેશની બીજી ભાષાઓમાં પણ વિરલ હશે.

સૌજન્ય : િટૃબ્યૂટ, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014

Loading

ગુજરાતનું પહેલવહેલું છાપખાનું શરૂ થયેલું સુરતમાં

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2014

હાલના ગુજરાત રાજયમાં આવેલા વિસ્તારોમાં પહેલવહેલું ગુજરાતી છાપખાનું સુરતમાં શરૂ થયું. એ શરૂ કરનાર  હતા લંડન મિશનરી સોસાયટીના બે પાદરી રેવરન્ડ જેમ્સ સ્કીનર અને રેવરન્ડ વિલિયમ ફાઇવી. ૧૮૧૫માં ઇંગ્લન્ડથી સુરત આવ્યા પછી તેમણે પહેલું કામ ગુજરાતી ભાષા શીખવાનું કર્યું. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પુસ્તિકાઓ (ટ્રેક્ટસ) ગુજરાતીમાં લખીને મુંબઈમાં છપાવી. તે પછી તેમણે બાઇબલનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ શરૂ કર્યું. બાઇબલ જેવા મોટા ગ્રંથનો અનુવાદ સુરતમાં રહીને મુંબઈમાં છપાવવો એ કામ મુશ્કેલ હતું. એટલે તેમણે સુરતમાં જ છાપખાનું શરૂ કર્યું, ૧૮૨૦માં. મુંબઈનાં છાપખાનાંની જેમ આ છાપખાનું પણ મુવેબલ ટાઈપ વાપરતું હતું, તે શિલાછાપ (લિથોગ્રાફ) પધ્ધતિનું નહોતું. આ માટેના ગુજરાતી ટાઈપ તેમણે કયાંયથી મેળવ્યા કે પોતે બનાવ્યા તે જાણી શકાયું નથી.

બાઇબલના નવા કરારનો અનુવાદ સુરતના આ પ્રેસમાં છપાઈને ૧૮૨૧ના જુલાઈ મહિનામાં બહાર પડયો. ગુજરાતમાં છપાયેલું આ પહેલું ગુજરાતી પુસ્તક. ત્યાર બાદ ૧૮૨૪માં જૂના કરારનો અનુવાદ પ્રગટ થયો. અલબત્ત, સુરતમાં છપાયેલો બાઇબલનો આ અનુવાદ પહેલો ગુજરાતી અનુવાદ નહોતો. તે અગાઉ સિરામપોરથી ૧૮૨૦માં વિલિયમ કેરીએ બાઇબલનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરેલો. આર. બિકાનેરી અને એમ. અવધી નામના બે પંડિતોએ આ અનુવાદ તૈયાર કરેલો. પણ એક તો ગુજરાતી આ બે પંડિતોની માતૃભાષા નહીં એટલે તેમની ભાષા અણઘડ અને હિંદીની છાંટવાળી હતી. બીજું, એ વખતે સિરામપોરના પ્રેસ પાસે ગુજરાતી ટાઈપ નહોતા એટલે એ અનુવાદ દેવનાગરી લિપિમાં છાપેલો. એટલે એ અનુવાદ ગુજરાતમાં ઝાઝો ચાલ્યો નહીં. કવિ નર્મદના નર્મકોશનું છાપકામ ભાવનગરના પ્રેસમાં થતું હતું તે ત્યાંના દીવાન ગૌરીશંકર ઓઝાએ અધવચ્ચે અટકાવ્યું તે પછી તેનો બાકીનો ભાગ આ સુરત મિશન પ્રેસમાં છપાયો હતો. ૧૯૫૯માં બંધ થયું ત્યાં સુધી આ પ્રેસ ગુજરાતી મુદ્રણ અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે સતત કામ કરતું રહ્યું.

મુંબઇમાં ફરદુનજીના છાપખાના પછી ૧૮૩૦ સુધી બીજું કોઈ ગુજરાતી છાપખાનું શરૂ થયાની માહિતી મળતી નથી. ફરદુનજી પાસે જ પત્રકારત્વની તાલીમ પામેલા નવરોજજી દોરાબજી ચાનદારૂ ઉર્ફે હલકારુએ મુંબઈ સમાચારની હરીફાઈમાં ૧૮૩૦ના સપ્ટેમ્બરની પહેલી તારીખથી ‘મુમબઇના ચાબુક’ નામનું અખબાર શરૂ કર્યું તે પહેલાં તેમણે પોતાનું છાપખાનું શરૂ કરેલું. ૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે “મુંબઈ સમાચાર”ની હરીફાઈમાં બીજું અખબાર શરૂ થયું તે “જામે જમશેદ”. શરૂઆતમાં તે શિલાછાપ પધ્ધતિથી છપાતું પણ ૧૮૩૮થી મુવેબલ ટાઇપ વાપરીને છપાવા લાગ્યું. ભલે અઠવાડિક રૂપે અને મર્યાદિત ફેલાવા સાથે પણ “જામે જમશેદ” આજ સુધી પ્રગટ થતું રહ્યું છે. “મુંબઈ સમાચાર” છાપખાનાની જેમ આ બે અખબારોનાં છાપખાનાંમાં સાથોસાથ ગુજરાતી પુસ્તકો પણ છપાતાં. બીજી નોંધપાત્ર વાત એ છે કે આ ત્રણે છાપખાનાં અને અખબાર શરૂ કરવાનું માન પારસી સાહસિકોને ફાળે જાય છે.

(વધુ હવે પછી, ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014

Loading

િશક્ષણ ક્ષેત્રે વિચારધારાકીય આક્રમણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 July 2014

– શિક્ષણ ક્ષેત્રે વિચારધારાકીય આક્રમણ

– 'ધોરાજી’ ૨૦૧૪; દીનાનાથ બત્રાનાં પુસ્તકો રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓમાં પરબારાં દાખલ કરવામાં આવ્યાં …

સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે : બમ્બૈયા હિંદી ફિલ્મના સુપર સ્ટારના મોંમાં મુકાયેલું આ ગીત બરાબર બેસતે શ્રાવણે જ સાંભરી આવવાનું નિમિત્ત અલબત્ત એ 'અચ્છે દિન’ બુલેટિન છે કે ગુજરાતની ૪૨,૦૦૦ શાળાઓના પાઠયક્રમમાં પૂરક સામગ્રી તરીકે દીનાનાથ બત્રાનાં નવ પુસ્તકોનો સેટ ધરાર ઠઠાડવામાં આવ્યો છે. સંઘપ્રેરિત વિદ્યાભારતીની લીલી ઝંડી એની પાછળ છે એ જોતાં આખો પ્રયાસ શિક્ષણક્ષેત્રનો મલાજો જાળવવાને બદલે નિ:શંક જેને વિચારધારાકીય આક્રમણ કહી શકાય એનો અને એવો છે.

એક બાજુ સેલ્ફ-ફાઈનાન્સ નામે ધરાર ધંધાદારી રવૈયો અને બીજી બાજુ પાઠયક્રમ પરત્વે આમ મનમાની, રાજ્ય જો આ રાહે ચાલે તો શું કહેવું, સિવાય કે સાવને પેટાવેલ અગન. આ કિસ્સો જો કે બત્રાનાં પુસ્તકો દાખલ કર્યાનો છે પણ બત્રાની આબરૂ (અગર ધાક અને છાક) પુસ્તકો પ્રતિબંધિત કરાવનાર જણ તરીકેની છે. હિંદુ ધર્મ (વસ્તુત : સંઘ માન્ય હિંદુત્વ) પરત્વે એમને કોઈ પણ અભ્યાસ-સંશોધન ટીકાપાત્ર લાગે એટલે એમણે હિ‌લચાલહોબાળો હાથ ધર્યો જ માનો. અભ્યાસક્ષેત્રે આલોચનાવિવેક કેળવવાનો ખયાલ એમને ચોક્કસ સંજોગોમાં રાષ્ટ્રવિરોધી લાગે છે.

જ્ઞાનવિજ્ઞાનક્ષેત્રે પ‌શ્ચિ‌મી લાભ છતાં એક સંસ્થાનવાદી વણછો હતો તો આ એક વળતી સંસ્થાનવાદી ચેષ્ટા છે. અને હવે નવી દિલ્હીમાં ભા.જ.પ. સુવાંગ સત્તારૂઢ થયા પછી 'સૈંયા ભયે કોતવાલ’ સંજોગોમાં વિચારધારાકીય સાંસ્થાનિક પ્રક્ષેપણ સારુ સગવડ જ સગવડ છે. કારણ, અંગ્રેજ અમલ અને કોંગ્રેસ શાસનમાં પાઠયક્રમ ક્ષેત્રે 'કૂડા (ડર્ટ), કરકટ (ફિલ્ધ) અને બકવાસ (રબિશ)’ ઘણુંબધું હતું. કેટલુંક ખરેખર, પણ ઘણું સંઘસર.

જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, મુદ્દાની વાત એ છે કે પાઠયક્રમ અને પૂરક સામગ્રી જેવો મોટો નિર્ણય આપણે હર્ષદ શાહ, ઋતા પરમાર અને રેખા ચુડાસમા જેવી સંઘમાન્ય પ્રતિભાઓ માત્ર પર છોડી શકીએ નહીં. મૂલ્યાંકનની પ્રક્રિયાની છાંટ આ નિર્ણય પર હોઈ શકે છે. પણ શિક્ષણક્ષેત્રે પ્રયોગમૃધ્ધ ગુજરાતનાં વિદ્યાવર્તુળોમાં આવે પ્રસંગે મુક્ત અને પુખ્ત બહસ જરૂરી છે. કારણ, પ્રસ્તુત નિર્ણય વિદ્યાકીય ઓછો અને વિચારધારાકીય વધુ છે. વસ્તુત : સંઘમાન્ય પ્રતિનિધિઓની સામેલગીરીપૂર્વક વ્યાપક વિદ્યાવર્તુળમાં પૂરા કદની ચર્ચા વગરનું આ પગલું વેળાસર નહીં રોકાય તો બત્રા સ્કૂલ અને કોઇ મુદ્દે સત્યાંશ હોય તો પણ આખી પ્રક્રિયા અંગૂંઠેથી સરકારી કલિપ્રવેશ સરખી બની રહેશે.

આ પ્રશ્ન જો શાસનવિવેકનો છે, સંઘવિવેકનો છે તો એથી સહેજ પણ ઓછો ગુજરાતના શિક્ષણકારો અને કેળવણી ચળવળમાં પડેલાઓનો નથી. જો આધુનિક યુદ્ધ કેવળ સેનાપતિભરોસે રેઢું મૂકી શકાતું નથી તો શિક્ષણને ય કેવળ સરકારી રાહે રેઢું મૂકી શકાતું નથી. ગુજરાતના કેળવણીકારોએ (આ દુર્લભ પ્રજાતિના જે પણ નમૂનાઓ બચ્યા હોય તેમણે) સળેસળ છૂટા પાડીને ચર્ચા ચલાવવી જોઈએ, હિંમતે ને વિગતે જેમને ધન્ય આંખકાનની મૂઠ ન વાગી હોય એવા સર્વ શિક્ષણસેવીઓએ સરકારની હર ધોરાજી ચેષ્ટા પરત્વે સાવધાનીનો સૂર ઉચ્ચારવો જોઈએ.

તર્કતથ્યમંડિત ધોરણે વજૂદ છે કે નહીં, એવી નિરંતર પરીક્ષણ પ્રક્રિયામાં ન તો જૂનું આપવાદ હોઈ શકે, ન તો નવું. ઉમાશંકર અને દર્શક જેવા વિદ્યાપુરુષો હજી હમણાં લગી ગુજરાતના જાહેર જીવનમાં હાજરાહજૂર હતા. કોંગ્રેસ વર્ષોમાં પાઠયપુસ્તક મંડળ વાટે સરકારીકરણની બૂ બાબતે ગુજરાતનાં વિદ્યાવર્તુળો ચૂપ રહ્યાં નહોતાં. આગળ ચાલતાં પાઠયપુસ્તક મંડળ રચાયું ત્યારે વિધાયક સહયોગ પૂર્વક પણ એને ઠમઠોરતાં ગુજરાતના વિદ્યાસમાજે સંકોચ નહોતો કર્યો. તો પછી, આજે કેમ સૌ ઠરી ગયા છે?

ગુજરાતે ગાંધી પ્રતાપે અને નાનાભાઈ – ગિજુભાઈની કુળ પરંપરામાં શિક્ષણક્ષેત્રે એવું કાંક નવું નરવુંનક્કુર કરેલું છે જેને રાષ્ટ્રીય અર્પણ તરીકે ખુશીથી મૂલવી શકીએ. ગુજરાતના ધરાર ધુરીણોને આ વાતની કોઈ કદર તો શું ખબર પણ છે કે કેમ તે આપણે જાણતા નથી. રાજ્યના હાલના શિક્ષણસુબાઓને વખત છે ને તમ્મર આવી જાય એવું જોખમ ખેડીને પણ મારે એક બાતમી આપવી જોઈએ કે નાનાભાઈ ભટ્ટનું નિધન થયું ત્યારે 'ઈન્ડિયન એક્સપ્રેસ’ના ફ્રેન્ક મોરાઈસે પ્રથમ અગ્રલેખ એમને વિશે મૂકવો મુનાસીબ માન્યું હતું.

ગુજરાતના શિક્ષણ, સમાજશિક્ષણ અને જાહેર જીવનનો ખરો કોયડો નજર સામે છતાં ખોવાયેલા વિમર્શનો છે. મળતાં મળે એવા ગાંધી છતાં આપણે આટલા મૂઢમતિ? રે, સરકારગ્રસ્ત અકાદમી હસ્તક દર્શક દેકારા વચ્ચે કોઈકે સરકારને અને સવિશેષ તો આ લખનાર સહિ‌તના સમગ્ર શિક્ષણસાહિ‌ત્યસંસ્થાજગતને દર્શક કૃત 'દીપનિર્વાણ’નાં એ અમર વચનોની યાદ આપવી ઘટે છે જે તક્ષશિલાના (ત્યારે બિહારમાં નહીં એવા તક્ષશિલાના) પ્રવેશદ્વારે મૂકાયા હતા : 'હે ચક્રવર્તી આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવીમદ મર્દનની અહંભાવ અહીં મૂકીને જ આ અંતર્વેદીમાં પગ મૂકજે.’

છોડો, સરકારને શું ધૂળ અહેસાસ કરાવી શકવાના હતા અમે સૌ કલમઘસીટુ ? આ તો, બત્રા નિમિત્તે બે શબ્દો બોલ્યાથી જે અંતરાત્માનો ઉત્સર્ગ થયો તે સાચો

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28.07.2014

Loading

...102030...3,9703,9713,9723,973...3,9803,9904,000...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved