Opinion Magazine
Number of visits: 9695812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંચોતેર વર્ષે પણ પ્યારું બગ્સ બની

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 July 2014

કાર્ટૂન કેરેક્ટર કદી વૃદ્ધ થતાં નથી. પંચોતેરમા વર્ષમાં પ્રવેશતાં નટખટ સસલા બગ્સ બનીને સમય જેવો સમય પણ કશું કરી શક્યો નથી. બગ્સ બની આજેય બાળકોનું એટલું જ પ્યારું છે

વર્ષ ૨૦૧૩ની સુપરહિટ હિન્દી ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'માં રણબીર કપૂરના પાત્રનું નામ તમને યાદ છે? તમારામાંના મોટાભાગનાનો જવાબ હશે – બની. જવાબ સાચો જ છે, પણ સાવ સાચો જવાબ છે – કબીર થાપર. જોકે, રણબીરના મિત્રો આખી ફિલ્મમાં તેને 'બની' જ કહેતા હોય છે. 'બની' મૂળે તો એક નટખટ અને ચતુર સસલાના કાર્ટૂન કેરેક્ટરનું નામ છે. આજે બગ્સ બનીને યાદ કર્યા વિના ચાલે તેમ નથી, કારણ કે આજે બનીનો બર્થ-ડે છે. બાળકોનું પ્યારું બગ્સ બની આજે પંચોતેરમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ૨૭ જુલાઈ, ૧૯૪૦ના રોજ ટેક્સ અવેરીની એનિમેટેડ ફિલ્મ 'અ વાઇલ્ડ હેર' રિલીઝ થઈ અને એ સાથે જ દુનિયાને એક સુપરહિટ અને સદાબહાર કાર્ટૂન કેરેક્ટર મળ્યું બગ્સ બની. હાથમાં ગાજર પકડીને 'વોટ્સ અપ, ડોક?' બોલતું છેલછબીલું, નટખટ સસલું સૌને એટલું બધું ગમી ગયું હતું. એમાંય આ ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થયા પછી તો તેની ખ્યાતિ વિશ્વભરમાં રાતોરાત પ્રસરી ગઈ હતી.

ભલભલા ફિલ્મસ્ટારને પણ કાર્ટૂન કેરેક્ટરની ઈર્ષ્યા થવી સ્વાભાવિક છે, કારણ કે કાર્ટૂન કેરેક્ટર કદી વૃદ્ધ થતાં નથી. બગ્સ બની આજે પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, પણ સમય જેવો સમય પણ તેને કશું કરી શક્યો નથી. ૧૯૪૦માં બગ્સ બનીની પહેલી ફિલ્મ આવી, એ પહેલાં સસલાનું કાર્ટૂન કેરેક્ટર બે-ત્રણ ફિલ્મોમાં આવ્યું હતું, પરંતુ બગ્સ બનીના આવતાંની સાથે જ તેનો ઇજારો સ્થાપિત થઈ ગયો. મૂળે તો વોર્નર બ્રધર્સના એનિમેટર બેન હાર્ડવે, જેઓ 'બગ્સ'ના નામે ઓળખાતા હતા, તેમણે સસલાનો સ્કેચ બનાવેલો, એટલે આ કેરેક્ટરનું નામ પડયું બગ્સ બની. અલબત્ત, બેન હાર્ડવેના કાર્ટૂનમાં અનેક સુધારા-વધારા કરવામાં આવેલા. છેલ્લે ફ્રિઝ ફ્રેલેન્ગ, ટેક્સ અવેરી ('અ વાઇલ્ડ હેર'ના ડિરેક્ટર) અને ચક જોન્સ દ્વારા બગ્સ બનીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મેલ બ્લાન્ક નામના મહાન વોઇસ આર્િટસ્ટે બગ્સ બની માટે ૧૯૪૦થી સળંગ ૧૯૮૩ સુધી અવાજ આપ્યો હતો. બગ્સ બનીના કેરેક્ટરની ડિઝાઇન કરનાર હતા – બોબ ગિવન્સ. બોબ ગિવન્સે એક એવા સસલાનું પાત્ર ઉપસાવ્યું, જે ડરપોક નહીં પણ બેફિકર હતું. બગ્સ બનીને ગાજર વિના સહેજેય ચાલતું નથી. બગ્સ બની નટખટ, તોફાની અને થોડું માથાભારે પણ છે. તે કાયમ દુશ્મનને માત આપે છે.

'લૂની ટયૂન્સ' અને 'મેરી મેલોડીઝ' જેવી સિરીઝોમાં મુખ્ય પાત્ર તરીકે જમાવટ કરનાર આ ચાલાક, બિન્ધાસ્ત અને મશ્કરીખોર સસલું સૌને એટલું બધું ગમી ગયું કે આજે વિશ્વનું ટોચનું લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર છે. ટૂંકી ફિલ્મો ઉપરાંત ફીચર ફિલ્મો, ટીવી શ્રેણી, કોમિક બુક્સ, વીડિયો ગેઇમ્સથી માંડીને અમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સ સુધી તેનો દબદબો આજેય કાયમ છે. અમેરિકાએ ૧૯૯૭માં બગ્સ બનીની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ટપાલ ટિકિટ પર સ્થાન મેળવનાર તે સૌપ્રથમ કાર્ટૂન કેરેક્ટર બન્યું હતું. બગ્સ બનીની સ્ટેમ આજે દસ મોસ્ટ કલેક્ટેડ સ્ટેમ્પ્સમાં સાતમા ક્રમે છે. કોઈ પણ કાર્ટૂન કેરેક્ટર કરતાં વધારે ફિલ્મો આપવાનો રેકોર્ડ ધરાવનાર બગ્સ બની વિશ્વની નવમા ક્રમની મોસ્ટ પોટ્રેય્ડ પર્સનાલિટી છે. હોલિવૂડના વોક ઓફ ફેમમાં મિકી માઉસ પછી જો કોઈ કાર્ટૂન કેરેક્ટરે સ્થાન હાંસલ કર્યું હોય તો તે બગ્સ બની છે. વોર્નર બ્રધર્સનું આ કેરેક્ટર એટલું લોકપ્રિય બન્યું હતું કે વોર્નર બ્રધર્સે તેને કોર્પોરેટ માસ્કોટ બનાવેલો. અરે, બીજા વિશ્વ યુદ્ધના સમયમાં યુએસ મરીન કોરે પણ બગ્સ બનીને પોતાનો માસ્કોટ બનાવેલું.

બગ્સ બની થોડું ઉદ્ધત અને માથાભારે જરૃર છે, પણ 'બકેરુ બગ્સ' નામના કાર્ટૂનના એક માત્ર અપવાદને બાદ કરતાં તેણે કદી વિલનની ભૂમિકા ભજવી નથી. કદાચ એટલે જ તેની લોકપ્રિયતામાં કદી ઓટ આવી નથી. ૨૦૦૨માં અમેરિકાના ટીવી સાપ્તાહિક 'ટીવી ગાઇડ' દ્વારા પોતાનાં ૫૦ વર્ષ નિમિત્તે તૈયાર કરાયેલા વિશેષાંકમાં સર્વકાલીન પચાસ કાર્ટૂન કેરેક્ટર્સમાં બગ્સ બની પહેલા નંબરે આવ્યું હતું. કાયમ નંબર વન રહો એવી શુભેચ્છા સાથે, હેપી બર્થ-ડે બગ્સ બની! 

સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામે કટાર, “સંદેશ”, 27 જુલાઈ 2014

Loading

દીકરી નહીં, વેવાઈની પુત્રવધૂ !

મેહુલ મંગુબહેન|Opinion - Opinion|30 July 2014

નજર લાગવામાં તો આ લખનાર માનતો નથી, પણ આજકાલ જે માહોલ બન્યો છે એના માટે 'શી ખબર કોની નજર લાગી ગઈ છે!' એવું પ્રચલિત ગુજરાતી વાક્ય જ નજરે ચડે છે. એક તરફ ગાઝા-ઇરાયેલની બબાલો, ફુગ્ગા ફૂટી જતા હોય એમ તૂટી પડતાં વિમાનો, વિધાનસભાઓમાં મારામારીઓ, સંસદમાં હંગામાઓ, કરુણ અકસ્માતો, બળાત્કારો-હત્યાઓ, હિટ એન્ડ રનના કેસ, મહારાષ્ટ્ર ભવનમાં રોટીઠૂસો કાંડ અને પાકિસ્તાની બહૂ સાનિયા મિર્ઝા સામે ફરી મંડાયેલો મોરચો. સાલુ, વરસાદ સિવાય એકેય સમાચાર આજકાલ જીવને ટાઢક આપે એવા આવતા જ નથી. અલબત્ત, કેટલાક સમાચારો નવા નથી પણ આગે સે ચલી આતી હૈ જેવા છે, જેમાં મોટે ભાગે એક જ પ્રકારની માનસિકતાને ઉન્નત શિખર લગી પહોંચાડવાનો મૂર્ખ પ્રયાસ કેટલાક લોકો કરે છે. આવા સમાચારમાં હાલ પૂરતું ટોચનું સ્થાન સાનિયાની ભારતીયતાનો વિવાદ ભોગવે છે.

સાનિયા મિર્ઝાના કેસમાંથી તે લઘુમતી સમુદાયની છે તે વાત સાવ કાઢી જ નાખીએ તો પણ તે અનેક એવા સવાલો ઊભા કરે છે જેનાં મૂળ દેશની પિતૃસત્તાક માનસિકતામાં છે. આપણે સાનિયા મિર્ઝા તેલંગણાની એમ્બેસેડર તરીકે યોગ્ય છે કે નહીં તેની વાતમાં પડયા વગર આખા વિવાદમાંથી નીપજતી સ્ત્રીવિરોધી માનસિકતા પર જ ફોકસ કરીએ. સાનિયા મિર્ઝા શરૂઆથી જ વિવાદોમાં રહી છે અથવા તો એમ કહો કે તેને વિવાદોમાં ઢસડવામાં આવી છે. પહેલાં કેટલાક મુસ્લિમ મૌલવીઓએ ટેનિસ રમતી વખતે પહેરાતાં તેનાં ટૂંકા કપડાં વિશે વાંધો ઉઠાવ્યો. આ વાતને ધર્મથી બહાર કાઢી 'છોકરીએ શું પહેરવું કે ન પહેરવું' તે નક્કી કરનારી પુરુષ માનસિકતા સાથે સીધી લેવાદેવા છે. ઇસ્લામની બુરખાપ્રથા હોય કે હિન્દુ ધર્મની પડદાપ્રથા છેવટે બેઉની કોશિશ તો એક જ છે. સાનિયા મિર્ઝાનું સ્કર્ટ તો જવા જ દો, આજે પણ દેશમાં એવી અગણિત છોકરીઓ-મહિલાઓ છે જેમને પોતે શું પહેરવું તે નક્કી કરવાનો અધિકાર જ નથી. જેમને ફરિજયાત લાજ કાઢવી પડે છે અને સાડી પહેરવી પડે છે. કેટલાક વીરબહાદુરો તો વળી, શિક્ષિકાઓ વગેરે માટે સાડી કે ફલાણાં-ઢીંકણાં પ્રકારનાં કપડાં ફરજિયાત એવા નિયમો પણ ઘડે છે. ઉફફફ!

સાનિયાના કેસનો લેટેસ્ટ વિવાદ પાકિસ્તાનની પુત્રવધૂવાળો છે. આ વિવાદ પણ જૂનો જ છે. તે ક્રિકેટર શોએબ સાથે પરણી તે વખતનો. હવે તેલંગણાએ તેને એમ્બેસેડર બનાવતાં અનેક મુદ્દા ઊભા કરી વિવાદને ફરી ચગાવવામાં આવ્યો છે. સાનિયાને લગતા સમાચારોમાં મુખ્ય સમાચાર ઉપરાંતના મુખ્ય સમાચાર તરીકે લોકોની કોમેન્ટ્સ ગણવી પડે. ઇન્ટરનેટ પર જોવા મળતી આ અનેક કોમેન્ટ્સ સામાજિક ચિંતાનો વિષય બને છે, કેમ કે એ ફરીફરીને પિતૃસત્તાક સમાજવ્યસ્થાને પોષે છે, મજબૂત કરે છે. લોકોની મૂર્ખ કોમેન્ટ્સ લખવા બેસીએ તો પાનાં ભરાઈ જાય. મૂળ દલીલ એ છે કે, "એણે પાકિસ્તાનીને શું કામ પરણવું જોઈતું હતું? ભારતમાં તેને કોઈ લાયક ન મળ્યું?" આ દલીલ સાવ જ વાહિયાત છે.

એક ઘડીક માટે સાનિયા મિર્ઝાને ભૂલી જઈએ. જરા આપણી આસપાસના ઘરપરિવારો પર નજર કરીએ. શહેરોમાં આવીને સ્થાયી થયેલા અને વૈચારિક રીતે આધુનિક એવા અપવાદોરૂપ પરિવારો સિવાય કોઈ છોકરીને પોતે કોને પરણવું કે ન પરણવું તે નક્કી કરવાનો અધિકાર છે? અલબત્ત, દેશનું બંધારણ તો તેને આવો અધિકાર આપે છે, પણ સમાજની માનસિકતા તેને આવો હક આપતી નથી અને તેમ કરતાં રોકે છે. "તારે એને જ શું કામ પરણવું છે, આપણી નાતમાં સારા છોકરાઓની કમી છે કાંઈ?" આવો ડાયલોગ ફિલ્મી લાગે તો પણ તે કોઈ પણ ધર્મના હોય એવા ભારતીય પરિવારો માટે અજાણ્યો નથી. છોકરીની મરજી હોય કે ન હોય તેના પર પસંદગી ઠોકી દેવામાં આવતી હોય છે. નાતમાં પરિવારોની સંખ્યા ઓછી હોય, સારા છોકરા ન મળતા હોય અને પસંદગીને અવકાશ ન હોય તો પણ લોકો એને જ વળગી રહે છે. દીકરીને પારકી થાપણની જેમ ઉછેરનારો અને માનનારો વર્ગ એટલો મોટો છે કે સાનિયા પાકિસ્તાની ક્રિકેટરને પરણે એમાં ય તેને લાગી આવે.

જો કે, વાત તે પરણી તેથી પણ આગળ જતી રહી છે. પહેલાં આપણે પિયર ઇટલી હોવાને લીધે સોનિયા ગાંધીને ગાળો આપતા હતા, હવે આપણે એ જ લાઇન પર સાસરું પાકિસ્તાન હોવાને લીધે સાનિયાને વગોવીએ છીએ. આપણે ખરેખર માનીએ છીએ શું? મહારાષ્ટ્ર કે પછી હૈદરાબાદમાં જન્મેલી સાનિયા 'દીકરી નહીં પણ વેવાઈની પુત્રવધૂ' એમ માનીએ છીએ? ના, બહુમતી સમાજ પિતૃસત્તાક સમાજ હોવા છતાં તે આવું માનતો નથી, પણ કેટલાક મૂર્ખ લોકોને લીધે સમાજ બદનામ થાય છે. આવા લોકોની થિયરી ખરેખર તો રાજકીય લાભ ખાટવાની જ હોય છે. સમાજમાં લોકો વચ્ચે 'તે આપણા કરતાં અલગ છે' એવી માનસિકતાનાં બીજ સતત રોપવામાં આવી રહ્યાં છે. આ જ માનસિકતાવાળા લોકો ગઈ કાલ લગી સોનિયાના કેસમાં 'તે અમારી પુત્રવધૂ નહીં પણ (ઇટલીની) વેવાઈની દીકરી' એવું ગીત ગાતાં હતા.

મામલો સાનિયા કે સોનિયાનો કે ઇસ્લામ-ક્રિશ્ચિનિટીનો નહીં પણ વારે વારે પલટી મારતી સામાજિકતાનો છે. 'બેટી કી ડોલી ઘર સે નિકલતી હૈ, અર્થી સસુરાલ સે' એવી આપણી સામાજિકતાને લીધે હજારો દીકરીઓ મુસીબતમાં પિયરની વાટ પકડવાને બદલે મોતને વ્હાલું કરતી હોય છે.

સાનિયાના કેસના વિવાદની આસપાસ બી.બી.સી.એ કરેલી એક ન્યૂઝ સ્ટોરી ધ્યાન ખેંચનારી છે. એક મહારાષ્ટ્રીયન હિન્દુ મહિલા ઇન્ટરનેટ થકી પાકિસ્તાની મુસ્લિમના પ્રેમમાં પડી. માંડ વિઝા મેળવી પરણી પણ ખરી. એક દીકરાની માતા બની. જો કે, થોડા જ વખતમાં તેનો પતિ હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. તેના સાસરીવાળાઓએ અદ્દલ આપણી સામાજિક માન્યતાની જેમ જ તેનાં પગલાંને અપશુકનિયાળ ગણાવી કાઢી મૂકી. પરદેશમાં તે નોંધારી બની ગઈ. એક મસ્જિદના ઇમામને આની જાણ થઈ. તેમણે તેને આશરો આપ્યો. અમુક વરિષ્ઠ પાકિસ્તાની પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. તેના માટે પૈસા ભેગા કર્યા અને તેને સલામત રીતે વતન મોકલી આપી. ચારે તરફ મચેલી રાજકીય સામાજિક અફરાતફરી વચ્ચે સત્ય તારવવું અને સમજવું અઘરું બની રહ્યું છે ત્યારે આવા અનેક કિસ્સાઓ આશા આપનારા છે અને આવા કિસ્સાઓ જ સમાજની ખરી વાત કરે છે. બાકી તો દેશપ્રેમ કે કુટુંબપ્રેમ કે સંસ્કૃિતપ્રેમ સાબિત કરવો કઈ રીતે? મહારાષ્ટ્ર સદનમાં બનેલી ઘટના પણ પોતાની વાત ઠોકી બેસાડવાની માનસિકતાનો જ પડઘો છે. સભ્યતાની એકે ય હદમાં નહીં માનનારા લોકોને એ નહીં સમજાય કે અશરફ નામના પેલા કર્મચારીએ ઉપવાસ કે રોજા ન રાખ્યા હોય તો પણ તેને બળજબરીથી કંઈ પણ ખવડાવવાની કોશિશ કરવી એ એક પ્રકારની હિંસા જ ગણાય.

e.mail : mmehul.sandesh@gmail.com

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 30 જુલાઈ 2014

Loading

એક અઠંગ પુસ્તકપ્રેમીની વિદાય

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2014

વંશપરંપરાની દૃષ્ટિએ એમની ઓળખાણ આપવી હોય તો તેઓ હતા ઝવેરચંદ મેઘાણીના પુત્ર. અભ્યાસની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો હતા સાયન્સના ગ્રેજ્યુએટ. વ્યવસાયની દૃષ્ટિએ ઓળખાણ આપવી હોય તો તેઓ હતા પુસ્તક વિક્રેતા. પણ વૃત્તિની દૃષ્ટિએ – અને સાચી દૃષ્ટિએ – તેમની ઓળખાણ આપવી હોય તો કહેવું જોઈએ કે તેઓ હતા એક અઠંગ પુસ્તકપ્રેમી. નામ હતું નાનક મેઘાણી. પુસ્તક વેચાય એના કરતાં વધુ આનંદ એમને કોઈ સાચા પુસ્તકપ્રેમી સાથે પોતાનો અને પુસ્તકનો મેળાપ થાય તેમાં આવતો. ૮૨ વર્ષના આયુષ્યમાંથી પાંચ દાયકા જેટલો લાંબો સમય તેઓ પુસ્તક વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૬૧માં રાજકોટમાં ‘સાહિત્ય-મિલાપ’ની સ્થાપના કરી અને ૧૯૭૭માં અમદાવાદ ખાતે ‘ગ્રંથાગાર’ શરૂ કર્યું. ઉત્તમ પુસ્તકો વાચકો સુધી, અને ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચે તે માટે તેઓ આજીવન કાર્યશીલ રહ્યા હતા. પુસ્તકો તેમને માટે આજીવિકાનું સાધન નહિ પણ તેમનું જીવન હતુ. પછીથી ગુજરાતી સાહિત્ય પરિષદના મકાનમાં ‘ગ્રંથાગાર’ ખસેડાયેલું. પણ બે-એક વર્ષ પહેલાં નબળી તબિયતને કારણે તેમ જ નબળા પ્રતિસાદને કારણે નાનકભાઈએ સ્વેચ્છાએ તેને સમેટી લીધું હતું. મોટા ભાઈ અને પુસ્તક-મહર્ષિ મહેન્દ્ર મેઘાણી સાથે મળીને નાનકભાઈએ ‘કોન-ટિકિ’ અને ‘તળાવડીને આરે’ જેવાં પુસ્તકોના અનુવાદ પણ આપ્યા હતા. મહેન્દ્રભાઈ, નાનકભાઈ અને જયંતભાઈ મેઘાણી જેવી પુસ્તકપ્રેમી ત્રિમૂર્તિ આપણી ભાષામાં જ નહિ, દેશની બીજી ભાષાઓમાં પણ વિરલ હશે.

સૌજન્ય : િટૃબ્યૂટ, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2014

Loading

...102030...3,9693,9703,9713,972...3,9803,9904,000...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved