Opinion Magazine
Number of visits: 9456927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત ગંધાઈ ઊઠ્યું છે !

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|11 October 2024

રવીન્દ્ર પારેખ

દેશના ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે તેણે ગુજરાતનું માથું શરમથી ઝુકાવી દીધું છે. ગુજરાત ધંધાઉદ્યોગમાં, ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગને મામલે, ડ્રગ્સને મામલે, શિક્ષણને મામલે, બળાત્કાર, છેડતીને મામલે સડી ગયું છે ને સરકાર જેવું કૈં હોય જ નહીં તેમ અસામાજિક અને આસુરી તત્ત્વો રાજ્યને અનેક સ્તરે ફોલી રહ્યાં છે. સુરતમાં હીરા ઉદ્યોગને માટે જે તોતિંગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી તે ફળદાયી નીવડી હોય એવું લાગતું નથી. હીરાના કેટલાક કારીગરો પૂરતું વેતન ન મળતાં આત્મહત્યા તરફ વળ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો ફેલાવા માટે જ હોય તેમ અબજો રૂપિયાનું ડ્રગ્સ ખડકાયા કરે છે ને એ ધીમે ધીમે શહેરની ગલીઓમાં પહોંચ્યું છે. એનો શિકાર યુવા વર્ગ થઈ રહ્યો છે, પણ ડ્રગ્સ પકડાયાની જાહેરાતો કરીને સરકાર પોરસાઈ રહી છે. એ તો ઠીક, પણ ઉમરગામમાં તો મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી જ ઝડપાઈ છે. સુરતનાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 24 લાખના દારૂની 14 હજાર બોટલો પર રોલર ફેરવવું પડે એટલો દારૂ તો શહેરમાં આવ્યો જ ! એ દારૂબંધીવાળા ગુજરાત માટે શરમજનક છે. શિક્ષણ વિભાગ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં કામચલાઉ શિક્ષકોનો ઉપયોગ કરીને, રાજકારણીઓનો પ્રવેશોત્સવ કરાવીને ફતવા અને ડેટામાં વ્યસ્ત છે.

આટલું ઓછું હોય તેમ કોઈ રોગચાળાની જેમ બળાત્કાર અને છેડતી રાજ્યમાં ફાટી નીકળ્યાં છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી

કોલકાતાની રેપ અને મર્ડરની ઘટના પછી એવી ઘટનાઓમાં ઓટ આવવી જોઈતી હતી, તેને બદલે ભરતી ચડી છે. ગુજરાતના ગૃહ મંત્રીએ નવરાત્રિના ઉત્સવમાં સવારના પાંચ વાગ્યા સુધી ગરબે રમવાની છૂટ આપીને ઘણી વિકૃતિને પણ મોકળાશ કરી આપી છે. ગરબા પર સવારના પાંચનો આંકડો પાડીને ગૃહ મંત્રીનો ઇરાદો બળાત્કારને ઉત્તેજન આપવાનો ન જ હોય, પણ પ્રજા તો સારા નબળા બધા જ અર્થો કરી લેતી હોય છે. એમાં ગૃહ મંત્રી પોતે જ, ગુજરાતીઓ ગરબા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન જઈને રમવાના હતા – જેવું વિધાન કરે તો એ વાંદરાને નીસરણી આપવા જેવું જ થાય. હેતુ ગમે એટલો ઉમદા હોય તો પણ નવરાત્રિ ગુજરાતને ફળી નથી તે સ્વીકારવું પડે. ગરબાને નામે જે ચાલ્યું છે એમાં ભક્તિ ઓછી ને ‘શક્તિ’ પ્રદર્શન વધુ છે. રાતના 12 પછી માઈકનો ઉપયોગ પ્રતિબંધિત છે, છતાં ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો ઊઠી છે.

આટલી છૂટ અને આટલા પોલીસ બંદોબસ્ત છતાં નવરાત્રિ દરમિયાન એકથી વધુ ગેંગ રેપની ઘટના બની એ બધી રીતે શરમજનક છે. પોલીસ કૈં કરતી નથી એવું નથી, તે ગુનેગારોને પકડે છે, પણ અદ્યતન સગવડો છતાં વધતા જતા ગુનાઓ પર કાબૂ મેળવી શકતી નથી તે હકીકત છે. પ્રજા પણ તામસી અને વિકૃતિનો પરિચય આપતી વધુને વધુ ગુનાખોરી તરફ વળી છે તે ચિંત્ય છે. ગૃહ મંત્રી ભલે તલવાર તાણીને ગુનેગારોને ફાંસીની સજાની ભલામણ કરે, પણ તેમનાં રાજ્યમાં નહોતી બનવી જોઈતી એવી એકથી વધુ ઘટનાઓ સામૂહિક દુષ્કર્મની બની છે તેનો સંકોચ તેમને થવો જોઈએ.

નવરાત્રિ દરમિયાન ગેંગ રેપની પહેલી ઘટના 5 ઓક્ટોબરે વડોદરાના ભાયલીની એક તરૂણી સાથે બની. એક તરફ વડોદરા નવરાત્રિની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે ભાયલી વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે ગેંગરેપની ઘટનાએ સનસનાટી મચાવી દીધી. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી ને સનસિટી સોસાયટી વિસ્તારમાં વાતો કરી રહી હતી, ત્યાં બારના સુમારે બે બાઇક પર પાંચ જણા આવ્યા ને અભદ્ર શબ્દોમાં વાતો કરવા લાગ્યા, જેનો મિત્રે વિરોધ કર્યો તો બે લોકો ત્યાંથી નીકળી ગયા, પણ બાકીના ત્રણમાંથી એકે મિત્રને ગોંધી રાખ્યો અને બે જણાંએ પીડિતા પર દુષ્કર્મ કર્યું. ફરિયાદ થતાં પોલીસે જણાવ્યું કે સગીરા પર દુષ્કર્મ થયું છે, તો આરોપીઓ પર પોકસો લાગશે. પોલીસે તપાસ કરીને પાંચ વિધર્મીઓને પકડી પણ પાડ્યા છે.

આ ઘટનાની કળ વળે ત્યાં તો ભાયલી જેવી જ ગેંગ રેપની ઘટના મંગળવારે સગીરા સાથે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરામાં રાત્રે અગિયારેકના સુમારે શેરડીના ખેતરમાં બની. પોલીસે બે આરોપીને તો પકડી પાડ્યા છે, પણ ત્રીજો આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું, તો ય તે ભાગવામાં સફળ રહ્યો. ત્રણે આરોપીઓ રીઢા ગુનેગારો છે ને અગાઉ પણ હત્યા, લૂંટમાં પકડાયેલા છે. સગીરા તેના મિત્ર સાથે ફરવા નીકળી હતી ત્યાં મોટર સાયકલ પર આવેલ ત્રણ શખ્સોએ તે બંનેને આંતર્યાં. મિત્રને ભગાડી મુકાયો ને તેણે ગામ લોકને ભેગું કર્યું. દરમિયાન ત્રણે નરાધમો સગીરા પર દુષ્કર્મ કરીને ભાગી છૂટ્યા. ગામ લોકોએ પીડિતાને સારવાર માટે મોકલી આપી ને ફરિયાદ થતાં પોલીસ આરોપીઓને પકડવામાં જોતરાઈ. ત્રણ આરોપીમાંનો એક, શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરત સિવિલમાં વેન્ટિલેટર પર હતો. તે મૃત્યુ પામ્યો છે.

આની સમાંતરે કચ્છમાં ગરબા જોઈને આવતી એક યુવતી પણ દુષ્કર્મનો ભોગ બની હતી. સુરતમાં જ માંગરોળ બાદ માંડવીમાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. ચૌદ વર્ષની સગીરા પર 8 મહિના સુધી વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી. પીડિતાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તેને કસુવાવડ થઈ ગઈ. પોલીસે પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એમ કહેવાય છે કે ગુજરાતમાં દુષ્કર્મના રોજ છ બનાવો બને છે. બોરસરની ઘટના પછી ઘણી યુવતીઓ ડરી ગઈ છે ને રાત્રે જતાં-આવતાં સંકોચાય છે. ડરનો આ સ્વભાવ ગુજરાતનો નથી જ ! રાત મધરાત મહિલાઓ બિલકુલ નિર્ભયતાથી હરીફરી શકતી હતી, એ સ્થિતિ હવે રહી નથી. નવરાત્રિ પર્વમાં દુષ્કર્મ અને ગેંગ રેપ જેવી ઘટનાઓ સરકાર રોકી ન શકતી હોય તો તેણે થોડો વખત વિકાસ અને પ્રોજેકટો પર બ્રેક મારીને, હવસથી પીડાતાં ગુજરાતમાં તળિયાઝાટક સફાઈનું કામ કરવા જેવું છે. છેલ્લા પંદર દિવસમાં દુષ્કર્મની 10થી વધુ ઘટનાઓ જુદાં જુદાં શહેરોમાં બની છે. ભાયલી પહેલાં દાહોદમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને એક આચાર્યે હવસનો ભોગ બનાવી તેની હત્યા કરી. સુરેન્દ્રનગરમાં એક નશાખોરે પાંચ વર્ષની બાળકીને પીંખી નાખી. મહેસાણામાં એક સગીરા પર દુષ્કર્મ આચરાયું તો, ઉત્તર ગુજરાતમાં એક ભૂવો પણ દુષ્કર્મ આચરવા માટે જવાબદાર ઠર્યો. ધ્રાંગધ્રામાં ચાળીસ વર્ષના આધેડે એક બાળકીને હવસનો શિકાર બનાવી. બોરસદના કંચોડાપુરાના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ કર્યું ને પછી મારી નાખવાની ધમકી આપી. રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી પર કૌટુમ્બિક ભાઈએ જ દુષ્કર્મ કર્યાના સમાચાર છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેનને ગર્ભવતી કરી. મિરજાપરમાં એક દુકાનદારે 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી. અમદાવાદની એક પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મનો ભોગ બનાવી.

આટલું ઓછું હોય તેમ સુરતના માંડવીની આશ્રમશાળાના 52 વર્ષના એક આચાર્ય 12થી 15 વર્ષની 37 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરવાને મામલે ચર્ચામાં છે. પોલીસે 6થી 8 ધોરણની 37 વિદ્યાર્થિનીઓની તબીબી તપાસ કરાવી છે અને હવે સી.આર.પી.સી.ની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે. આશ્રમશાળામાં અભ્યાસ કરતી 80 વિદ્યાર્થિનીઓની જવાબદારી 2013થી આ આચાર્ય પર હતી, પણ છેડતી કરીને તેમણે ગુરુપદને લાંછન લગાડ્યું છે. એ તો ઠીક, પણ આચાર્ય કક્ષાના માણસો જવાબદારીને બદલે ખૂની કે લંપટ થવા સુધી પહોંચે તો ગુજરાતમાં શૈક્ષણિક મૂલ્યોનું ધોવાણ કઈ હદનું હશે તેની કલ્પના જ કરવાની રહે.

અહીં દુષ્કર્મની જે ઘટનાઓ મૂકી છે એ વાતને ચગાવવા નથી, પણ છેલ્લા થોડા સમયમાં ગુજરાતનો જે વિકૃત ચહેરો સામે આવ્યો છે તે અનેક રીતે ચિંતા ઉપજાવનારો છે. ઘણા કિસ્સાઓમાં સગીરા દુષ્કર્મનો શિકાર થઈ છે. 14થી 17વર્ષની સગીરા દુષ્કર્મથી અજાણ નથી, તો કોઈ એવી પણ છે કે ગર્ભવતી થવા છતાં કસુવાવડ થઈ જાય ત્યાં સુધી તેને ખ્યાલ જ નથી આવતો. એનું પણ આશ્ચર્ય જ છે કે વારંવાર દુષ્કર્મનો ભોગ બને છે, પણ કોઈ સહાય માટે પીડિતા પ્રયત્ન કરતી નથી. નોકરીમાં બઢતીની લાલચે ઉપરી અધિકારીનો શિકાર બનતી મહિલાઓ પણ ઓછી જવાબદાર નથી. ખરેખર તો એ દુષ્કૃત્ય ગણાય કે કેમ એ પણ પ્રશ્ન છે. વધારે દુ:ખદ તો એ છે કે દુષ્કર્મ આચરનાર ક્યારેક તો ભાઈ કે પિતા હોય છે. એટલે સગાંથી પણ સ્ત્રી સુરક્ષિત નથી. એમાં પણ આરોપી ને પીડિતા, બંને ભાઈ બહેન હોય ને બંને સગીર હોય ત્યારે તો અવધિ જ આવી જાય છે. ડિંડોલીની ઘટનામાં 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેનને ગર્ભવતી કરી, ત્યારે પ્રશ્ન થાય કે એ અજ્ઞાનનું પરિણામ છે કે જાતીય કુતૂહલ સંતોષવાનો અખતરો માત્ર છે? એ પણ વિચારવાનું રહે કે જાતીય જ્ઞાને, સમય પહેલાં મળવાથી લાભ કરાવ્યો છે કે હાનિ? માહિતીના વિસ્ફોટે સગીરોને વહેલાં પરિપક્વ કર્યાં છે, તો જે નથી જાણતા તે પાછળ પણ પડ્યા છે, પણ સરવાળે લાભ બહુ હાથમાં આવ્યો નથી તે ખરું. અત્યારે તો વાસનાથી આખું ગુજરાત નરાધમોથી ખદખદી ઊઠ્યું હોય તેમ લાગે છે. કમ સે કમ આ ગંદકી તો સરકારે દૂર કરવી જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑક્ટોબર 2024

Loading

હા કહો.

જેમ્સ ક્રૂઝ [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|10 October 2024

જે ફરીથી અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘ Say Yes’નો મારો અનુવાદ; આજે માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે ખાસ. 

અનુવાદની મંજૂરી આપવા માટે James Crewsની આભારી છું. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. 

•

હા કહો.

ઘરની બહાર જવા માટે તમે પહેરો છો એ ચામડાના સેન્ડલને સ્વીકારો.

હાથ પર પડતા તડકાને વધાવી લો.

અરે, મચ્છરના ડંખથી ઊપસી આવીને તમને બોલાવતી ગુલાબી ફોલ્લીને હા બોલો.

હા કહો, ઘર પાછળના કાયમી અંધારિયા ખૂણે 

ભૂલાઈ ગયેલા, ચિરાયેલા ભૂરા પ્લાસ્ટિક વચ્ચેથી

ઊગી નીકળેલા જંગલી ફૂલછોડના ઝુંડને.

જે અંધકારમાં તમે વધુ ને વધુ

ખૂંપતા જાઓ છો

એ જ અંધકારમાં ચમકી રહેલાં ઝીણાં ગુલાબી પુષ્પોને હા કહો, 

જેથી એમણે આપેલું વચન તમને મળી શકે :

હા, એ કહે છે – હા, તમને પણ

પ્રકાશ દુર્લભ હોય એવી જગ્યાઓમાં

ખીલવાના રસ્તા મળી રહેશે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાણવંતા પૂર્વજ નર્મદ અને પ્રાણપ્રિય ભાષા ગુજરાતી

સોનલ પરીખ|Opinion - Opinion|10 October 2024

ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી કે તેમણે પ્રેમ ન કરવો એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

‘સની, ડાર્લિંગ, હવે વેક અપ થઈ જા. બટાટાપૌંઆ કોલ્ડ થાય છે.’ ચાલીસેક વર્ષની ગૃહિણી દસબાર વર્ષનાં સંતાનો સાથે આવી ભાષામાં વાત કરે અને પચીસેકની કેરિયારિસ્ટ માતાઓ એમનાં બેત્રણ વર્ષનાં ભૂલકાઓ સાથે અંગ્રેજીમાં જ વાત કરે એવાં દૃશ્યો ઘરઘરમાં ભજવાઈ રહ્યાં છે. આ સ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ. વિશ્વપ્રવાસે જઈએ ત્યારે ટ્રાવેલ એજન્સી આપણને અમેરિકામાં ઊંધિયું, પૉલેન્ડમાં પાતરાં ને રશિયામાં રસપૂરી ખવડાવશે કે નહીં તેની જેટલી ચિંતા કરીએ છીએ તેટલી પણ ચિંતા ઘરઆંગણે ગુજરાતી ભાષાથી વિમુખ થતાં જતાં બાળકોની અને ગુજરાતી વાંચનથી દૂર થઈ ગયેલા તરુણોની કરતાં નથી – ભાસા જીવવાની હસે તો જીવસે. ભાસા ભાસા કરસું તો ભૂખ્યા મરસું. ઇંગ્લિસ ભણસું, કમાસું તો ઊંચા આવસું …

ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની અને ભારતમાં છઠ્ઠા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. સંસ્કૃત શબ્દ ગુર્જરત્રા પરથી ગુજરાત અને તેના પરથી ગુજરાતી શબ્દ બન્યો છે. દુનિયાના 50 કરતાં વધારે દેશોમાં રહેતા કુલ 6 કરોડ જેટલા લોકો ગુજરાતી બોલી લે છે ખરા, પણ ગુજરાતી વાંચતા-લખતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે ગુજરાતી ભાષા મરી જશે એવું તો નહીં બને, પણ તેના અસ્તિત્વ પર લાગેલો પ્રશ્નાર્થ ચિંતા કરાવતો રહેશે એ નક્કી.

24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી દિવસ છે – મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો છે, સુંદરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહે છે, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશીએ જેનાં કાવ્યોને ‘નવા યુગના નાંદી’ તરીકે ઓળખાવ્યાં છે તે નર્મદાશંકર લાલશંકર દવે – નર્મદનો જન્મદિન. નર્મદને નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ અને સુધારાનો સેનાની કહેવામાં આવે છે. આ બધા બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ અને એમની જિંદગી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્ય આમ તો દલપતરામથી શરૂ થયું ગણાય, પણ નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂરા અર્થમાં પ્રગટી છે તેથી તેને અર્વાચીનોમાં આદ્ય ગણવામાં આવે છે.

નર્મદ 1833માં જન્મ્યા. મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ અને પંડિત નહેરુ કરતાં 55 વર્ષ વહેલા. જન્મ સુરતમાં, ભણતર મુંબઈ અને સુરતમાં. ‘ભટનું ભોપાળું’ના સર્જક-વિવેચક (જેમણે પાછળથી નર્મદનું જીવનચરિત્ર ‘કવિજીવન’ પણ લખ્યું) નવલરામ અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર તેમના સમકાલીનો. સહાધ્યાયીઓ પણ હોઈ શકે.

ધીરા ભગતની કાફીઓએ નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા આપી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈના અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી બનાવવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ એમણે છપાવીને પ્રગટ કર્યું અને ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.

1852માં નર્મદે રાંદેરની શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સર્જનસાધના ચાલુ જ હતી. એક વાર એક કડિયાને છંદોબદ્ધ કાવ્ય ગાતો સાંભળી નર્મદે પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ કડિયો કહે, ‘મારી પાસે એક છંદરત્નાવલી નામનું પુસ્તક છે, એમાંથી.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું કોઈને એ આપતો નથી. પણ તમે મારે ઘેર આવીને જોઈ શકો, નોંધવું-લખવું હોય તો એ પણ કરી શકો.’ નર્મદે તેમ કર્યું. જે લખે તેના પર વિચાર કરે. શબ્દો વિષે, અર્થો વિષે, પર્યાયો વિષે વિચારે. આ પરથી ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર થયો.

23માં વર્ષે કાવ્યરચનાની શરૂઆત કરી. કાવ્યોને ઉત્કૃષ્ટ બનાવવાની લગની એમને પ્રતિષ્ઠા અપાવતી ગઈ. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહૂકાહૂ થાય’ એવી નોકરી નર્મદે 1858માં કોઈને જણાવ્યા વગર છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ સમાજસુધારાની પણ નવી પ્રેરણાઓ મળતી ગઈ. ‘કન્યાકેળવણી’ એ ગાળાનો એક ગ્રંથ છે. હિન્દુ ધર્મના કુરિવાજો અને અંધશ્રદ્ધા જોઈને લખાયેલો ‘હિન્દુઓની પડતી’ ગ્રંથ તો સુધારાનું બાઇબલ ગણાય છે. નર્મદમાં ટેક અને મક્કમતા ભરપૂર હતી – ‘ડગલું ભર્યું કે ના હઠવું’.

1856માં તેમણે તત્ત્વશોધક સભાની સ્થાપના કરી. વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું એટલું જ નહીં, એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં. સુધારાના વિચારો રજૂ કરવા ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. તેનો પહેલો અંક 1 સપ્ટેમ્બર 1864માં પ્રગટ થયો હતો. આ અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકેલી હતી : ‘અમાશ નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમા વસ્તી દિપકની ને બહાર ડાંડિયો હોય’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયો’ના લેખોએ નર્મદને સુધારાના સેનાનીનું બિરુદ અપાવ્યું.

‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો. ‘વીરસિંહ’ને નર્મદે મહાકાવ્ય તરીકે રચવા ધાર્યું હતું. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પાડો ફત્તેહ છે આગે’ આ જ છંદમાં છે. જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું એમનું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ મન મોહી લે છે. નર્મદ એમના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની એ નર્મદે એનાથી વર્ષો પહેલા સેવી હતી.

નર્મદે મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી કાવ્યનાં અનેક સ્વરૂપો લોકો સમક્ષ ઊઘાડ્યા. ગુજરાતી ગદ્યને ઘડવામાં પણ તેમનો સિંહફાળો છે. ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘નર્મદવ્યાકરણ’ જેવા કાવ્યશાસ્ત્રીય ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’નું નિખાલસ આત્મપૃથક્કરણ અને નિર્ભીક સત્યકથન નર્મદને ગાંધીજીના સમર્થ પુરોગામી બનાવે છે. ગુજરાતી ભાષાના ગૌરવ અંગે નર્મદ ઘણા જાગૃત હતા અને ગજગ્રાહમાં પણ ઊતરતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા તેઓ દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા હતા અને આ સ્પર્ધા અંગત માનસન્માનનો વિષય ન બને તે માટે સજાગ રહ્યા હતા. પોતાના ઘરનું નામ એમણે ‘સરસ્વતીમંદિર’ રાખ્યું હતું.

પશ્ચિમનાં કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. એમનો ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા નવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતા હતાં. તેઓ ખૂબ પ્રવાસો કરતા. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઇને નર્મદે બ્રહ્મગિરિ નામનું સુંદર કાવ્ય લખ્યું છે : ‘ચોપાસ સંધુ સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જોઉં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.

પણ આર્થિક મુશ્કેલીઓ ઓછી ન હતી. 1882માં પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાલદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી અને કાઠિયાવાડ ગૅઝેટિયરના ભાષાંતરનું કામ સ્વીકારતી વખતે નર્મદની આંખમાં આંસું હતાં. પ્રતિજ્ઞા તોડવી પડી એના આઘાતમાં તેઓ ત્યાર પછી બહુ લાંબુ જીવ્યા નહીં. 1886ના ફેબ્રુઆરીમાં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયે તેઓ સુધારાની પ્રવૃત્તિઓ છોડી ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા.

‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના મૃત્યુ પછી શોક ન કરવાનો એમાં સંદેશ છે : ‘નવ કરશો કોઈ શોક, રસિકડા … યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ પોતાના વીરત્વ, સત્ય, રસિક્તા અને ટેક વિષે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો એમનો જન્મદિન વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવાય છે.

ન ભૂલીએ કે ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની, ગુજરાતી જીવનશૈલીની અને ગુજરાતની ઊર્જાની સુગંધ છે. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ઑગસ્ટ  2024

Loading

...102030...396397398399...410420430...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved