Opinion Magazine
Number of visits: 9772466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ભાષાની એક મહાન નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|13 October 2014

“રોહિણી, સત્યકામ, હેમંત, બેરિસ્ટર, ગોપાળબાપા, અચ્યુત, રેખા, એ છે મારું આવતી કાલનું ગુજરાત. તેને સાવ ભૂંસી નાખવાં શક્ય નથી.”

હા, આત્મશ્રદ્ધા અને આત્મશ્લાઘા વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના આ શબ્દોમાં એક સાચા સર્જકની આત્મશ્રદ્ધા ભરી પડી છે, તેમાં આત્મશ્લાઘાનો અંશ પણ નથી. આ, અને બીજાં અનેક પાત્રોને સજીવ કરીને વાચકના મનમાં કાયમી સ્થાન મેળવનાર નવલકથા ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ની ગણના આપણી ભાષાની થોડી ઉત્તમોત્તમ નવલકથાઓમાં કરવી પડે.

ત્રણ ભાગમાં વિસ્તરેલી આ નવલકથા માત્ર સુદીર્ઘ જ નથી, તેના કથાપટમાં જેટલી વિશાળતા છે તેટલી જ ગહનતા પણ છે. તેનો પહેલો ભાગ બહાર પડ્યો ૧૯૫૨માં. દેશમાં આઝાદી આવી હતી, પણ દેશના ભાગલા અને ગાંધીજીની હત્યાને કારણે એનો આનંદ ઝાઝો નહોતો. બીજો ભાગ પ્રગટ થયો ૧૯૫૮માં. આઝાદ ભારતના તંતુઓ વિદેશો સાથે, ત્યાંની ઘટનાઓ સાથે જોડાતા થયા હતા અને વિશ્વના દેશોની સભામાં પોતાનું સ્થાન મેળવવા ભારત મથી રહ્યું હતું. પણ તે પછી વર્ષો વીતતાં ગયાં. ત્રીજા ભાગ માટેની આતુરતા ધીમે ધીમે સંદેહમાં બદલાવા લાગી. દર્શક પાસેથી ત્રીજો ભાગ મળશે? નહિ મળે? મળશે તો ક્યારે?

અને છેવટે ૧૯૮૫માં ત્રીજો અને છેલ્લો ભાગ પ્રગટ થયો. હા, એવા વાચકો અને વિવેચકો ત્યારે પણ હતા અને આજે પણ છે જે ત્રીજા ભાગ કરતાં બીજા ભાગ વિષે અને બીજા ભાગ કરતાં પહેલા ભાગ વિષે વધુ ઉમળકાથી વાત કરતા હોય. રોહિણી અને સત્યકામ વચ્ચેનો પ્રેમ એ આ કથાનું સળંગસૂત્ર છે એ સાચું. પણ દર્શકને માત્ર પ્રણયની વાત કરવામાં જેમ ‘દીપનિર્વાણ’માં રસ નહોતો તેમ આ નવલકથામાં પણ નહોતો. તેમની નેમ કથાને ઘણા વ્યાપક ફલક પર મૂકી આપવાની રહી છે. રઘુવીર ચૌધરીએ કહ્યું છે તેમ ‘ગુજરાતી વાચકને વૈશ્વિક અનુભવોમાં ભાગીદાર બનાવવામાં એમનો ફાળો બીજા કોઈ ગુજરાતી લેખક કરતાં વધારે છે.’

વખત પહેલાં એક કન્નડ લેખક વિષે લખતાં આપણા એક આવા વિવેચકે લખ્યું કે “એના નાયકે ‘મોટા’ અને ‘ઐતિહાસિક’ બનવા દર્શકના સત્યકામ જેમ યુદ્ધ કાળના જર્મનીમાં કે કશે જવું પડતું નથી.” અરે ભઇલા, દુનિયાની કેટલીયે ઉત્તમોત્તમ નવલકથાનાં પાત્રોને તેના લેખકોએ ઠેર ઠેર ફેરવ્યાં છે. નામ ગણાવવા બેસીએ તો પાર ન આવે. દર્શક ખોટા, એ બધા ખોટા, સાચા એક પેલા કન્નડ લેખક જ? આવા વિવેચકોને જવાબ આપવા માટે જ કદાચ વર્ષો પહેલાં દર્શકે લખ્યું હતું : “સર્જન કોઈને માટે થતું નથી; કોઈને ઉપયોગી અવશ્ય થાય છે. વિવેચક ને વાચકે કરેલી કદર સહાયભૂત થાય છે. પણ સર્જનનાં ફૂલો તો ચડે છે અંતરદેવતાને.”

આ નવલકથા અંગેની એક સાચી વાત યશવંત શુક્લે કહે હતી : “ઝેર તો પીધાં છે જાણી જાણી ગુજરાતી ભાષા સાહિત્યક્ષેત્રની એક અપૂર્વ ઘટના છે. આ પૂર્વે વિશાળકાય નવલકથાઓ આપણને મળી છે. સરસ્વતીચંદ્રના ચાર ખંડોને તો ભૂલાય જ કેમ? કથાત્રયીઓ પણ ગુજરાતીમાં દર્શાવી શકાશે. પણ તુલનાની તરખડમાં પડ્યા વિના ઝેર તો પીધાં છે જાણી જાણીને હું અપૂર્વ ઘટના એટલા માટે કહું છું કે ગુજરાતના જ નહિ, ભારતના સીમાડા સુધ્ધાં ઓળંગીને, આ બૃહદ નવલકથાએ જાગતિક સંદર્ભ પ્રયોજ્યો છે. ગુજરાતી ભાષામાં અવતરેલી વૈશ્વભાવ નિરૂપતી આ એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કથા છે.” આ નવલકથાનું નાટ્ય રૂપાંતર ૧૯૬૨-૬૩માં અત્યંત સફળતાથી ભજવાયું હતું. તેનો સૌથી પહેલો પ્રયોગ સુરતના રંગ ઉપવનમાં ૧૯૬૨ના ઓક્ટોબરની બાવીસમી તારીખે રજૂ થયો હતો. રોહિણીની ભૂમિકામાં વર્ષા આચાર્ય (જે પછીથી વર્ષા અડાલજા બન્યાં), સત્યકામની ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અને ગોપાળબાપાની ભૂમિકામાં વિષ્ણુકુમાર વ્યાસને રજૂ કરતું આ નાટક ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્ન બની રહ્યું.

આપણી ભાષામાં નવલકથાઓને બે ખાનાંમાં વહેંચી નાખવાનો ચાલ છે. નવલકથા આજની વાત કરે છે? તો નાખો એને સામાજિક નવલકથાના ખાનામાં. નવલકથા ગઈ કાલની વાત કરે છે? તો નાખો એને ઐતિહાસિક નવલકથાના ખાનામાં. ચણે તો ચકલું, નહિતર મોર, એ ન્યાયે. અને વળી ઐતિહાસિક નવલકથાના લેખકને માથે એક બિન-સાહિત્યિક જવાબદારી નાખવામાં આવે છે : ‘ઇતિહાસ’ને વફાદાર રહેવાની. કોઈ પાત્ર, કોઈ પ્રસંગ, જરા આઘું પાછું થયું કે બૂમ પડે, ઇતિહાસના દ્રોહની. આપણા કેટલાક વિવેચકોએ આવાં કારણો આગળ કરીને કનૈયાલાલ મુનશીને માથે માછલાં ધોયાં હતાં. પણ એ વિવેચકોનાં આજે નામ પણ ભૂલાઈ ગયાં છે, જ્યારે જય સોમનાથ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ હજી આજે ય વંચાતી રહી છે. આપણી પહેલી નવલકથા કરણઘેલો લખનાર નંદશંકર મહેતા ઇતિહાસ પ્રત્યેની અને અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારી સાચવી શક્યા તેટલી નવલકથા પ્રત્યેની વફાદારી સાચવી ન શક્યા. દર્શક નવલકથાકાર તરીકે નંદશંકરના નહિ, મુનશીના અનુગામી છે. આથી જ તેમણે કહ્યું છે : “ઝેર તો પીધાં છે જાણી જાણી વર્તમાન કાળની ઐતિહાસિક કથા છે. તેમાં કેટલાંક પાત્રો યથાવત છે, કેટલાંક ઐતિહાસિક કલ્પનામાંથી પ્રગટ્યાં છે, પણ ઇતિહાસના સારને લાગેવળગે છે ત્યાં સુધી તે ઐતિહાસિક ગણાય. અહીં ઇતિહાસ એટલે ઇતિહાસનું પાઠ્યપુસ્તક લક્ષમાં નથી. ઝેર તો પીધાં છે જાણી જાણી તેમ જ મારી બીજી નવલકથાઓમાં ઇતિહાસને તેના પ્રદીપ રૂપે પ્રગટ કરવા મેં કોશિશ કરી છે, કારણ કે ઇતિહાસનું પ્રત્યક્ષીકરણ જ લોકસ્ય ચક્ષુઃ છે.”

કથાના આરંભે મહારાજા સયાજીરાવ દૂર દેખાતી ટેકરીઓ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરોમાંથી આવેલો એક ખેડુ માણસ પ્રણામ કરીને શ્રીમંત સયાજીરાવને ફળ ભેટ ધરે છે. હાથમાંનું દૂરબીન બાજુએ મૂકીને મહારાજ પૂછે છે, ‘શું છે?’ ‘બોર.’ કાગદી લીંબુ જેવડાં બોરને જોઈને રાજવીએ પૂછ્યું. ‘બોર! આવડાં મોટાં? ક્યાંથી લાવ્યા?’ ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’ આપણા કેટલાક વિવેચકો પણ સતત દૂરબીન માંડીને દૂરની ટેકરીઓ જોતા રહે છે. દર્શક જેવો કોઈ લેખક ઝેર તો પીધાં છે જાણી જાણી જેવી નવલકથા લઈને આવે ત્યારે પૂછે છે : ‘આ શું છે?’ કારણ તેઓ તો દૂર દેશની ટેકરીઓ પરની નાનકડી ચણોઠીને દૂરબીનથી જોઈને શ્રીફળમાં ખપાવતા હોય છે. એટલે સત્તાવાહી સ્વરે પૂછે : ‘ક્યાંથી લાવ્યા?’ ગોપાળબાપા મહારાજને જે જવાબ આપે છે તે જ જવાબ આવા વિવેચકોને દર્શક પણ કદાચ આપે : ‘અહીંની મારી બોરડી પરથી. મેં એ જાતે ઉછેરી છે.’

લગભગ ૬૦૦ પાનાંમાં વિસ્તરેલી આ નવલકથાનો સાર થોડા શબ્દોમાં આપવાનું શક્ય નથી. પણ સપાટી પરથી જોતાં આ રોહિણી અને સત્યકામ વચ્ચેના યોગ, વિયોગ, અને સંયોગની કથા છે. યશવંતભાઈ દોશી આપણા એક અત્યંત સ્વસ્થ, તટસ્થ, અને સમતોલ સમીક્ષક હતા. તેમણે આ નવલકથા વિષે લખ્યું છે : “ગુજરાતીમાં રસપ્રદ અને કલામય નવલકથાઓ ઘણી છે, પણ મહાન નવલકથાઓના વર્ગમાં મૂકી શકાય એવી કૃતિઓ ત્રણ નજરે ચડે છે : સરસ્વતીચંદ્ર, માનવીની ભવાઈ, અને ઝેર તો પીધાં છે જાણી જાણી. આ નવલકથાના લેખકની વિશેષતા એ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્યસભર કલાસૃષ્ટિ સર્જી આપી છે, તેમ કોઈ એક મર્યાદિત દેશ-પરદેશના જ નહિ, પણ જગત ભરના માનવસમાજની એક મહાસમસ્યાનું ગુજરાતીમાં તો અનન્ય એવું દર્શન કરાવ્યું છે. વિશ્વ સાહિત્યમાં મહાન લેખકોએ જ આવી કૃતિઓનું નિર્માણ કર્યું છે.”

XXX XXX XXX

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 12 ઓક્ટોબર 2014

Loading

નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ

નંદિતા ઠાકોર|Opinion - Opinion|13 October 2014

મારી હથેળીમાં સમાય એવડો નાનકડો હતો એ, ને તો ય અને અડતાં, ઊંચકતા મને ફાવતું નહીં. સહેજ ડર પણ લાગતો. અણગમો નહિ, પણ ગમો ય નહીં. બસ એક નિર્વિકાર ભાવ.
પણ દૂરથી હું એને જોતી. મારી દીકરી એને રમાડતી તે ય જોતી. ત્યાં મને અચાનક ખ્યાલ આવ્યો કે એના નાનકડા પિંજરામાંથી એ પણ મને જુએ છે. મોટી મોટી આંખોમાં ક્યારેક વિસ્મય, ક્યારેક હું ના સમજી શકું એવું કૈક,ને ક્યારેક ખુશી, આનંદ જેવું ય કૈંક. કોઈવાર મને થતું કે આ ભાવવૈવિધ્ય ખરે જ છે કે પછી એ મારા જ મનનાં સંચલનો છે? પણ ધીરે ધીરે એક પરિચય કેળવાતો ગયો. હું એને કોઈવાર બોલાવતી, એની નોંધ લેતી અને એ એની રીતે, એની ભાષામાં આ નોંધ લેવાયાનો પડઘો પાડતો.

વ્યોમા હવે ક્યારેક એને બહાર કાઢીને છૂટો મૂકતી અને એ ઘર આખામાં રખડીને કોક મનપસંદ ખૂણો શોધી બેસી જતો. એક દિવસ બહાર કાઢ્યા પછી એ સીધો રસોડામાં આવ્યો અને હું ઊભી રહીને કામ કરતી હતી ત્યાં મારા પગ પાસે ગોઠવાઈને બેસી ગયો! એણે આ પહેલ કરી પછી પણ મને એને આવકારતાં સહેજ વાર લાગતી પણ મારો એની સાથેનો વાર્તાલાપ વધ્યો, એની આદતો, જરૂરતો સમજાવા લાગ્યા.
હવે તો હું જ્યાં હોઉં ત્યાં મારા ચરણોમાં જ સ્થાન ગ્રહણ કરી લેવું એવું એણે નક્કી જ કરી લીધું! થોડા દિવસમાં તો મારી બાજુમાં બેસવું, કે હું સંગીત શીખવતી હોઉં ત્યારે એકધ્યાન થઈ શાંતિથી સાંભળવું એ શરૂ થયું. મારો એના તરફનો ગમો વધવા લાગ્યો. વ્યોમાએ પાડેલું 'બબા' નામ મને ગમતું નહીં એટલે હું એને જાતજાતના નામે બોલાવતી અને 'ચિમચિમ' નામ પડ્યા પછી ય આખરે ચીમન કહેતી થઈ તે ય એણે સ્વીકાર્યું..

અને પછી એક વાર ગુડનાઈટ કહેવા આવેલી દીકરીના હાથમાંથી ધરાર કૂદકો મારી એ બેસી ગયો મારા ખોળામાં અને મારી સામું જોઈ રહ્યો – જાણે કહેતો હોય, 'તું એકલી નાનુને જ વ્હાલ કેમ કરે છે? મને પણ કર! ' મેં એના માથા પર, શરીર પર હળવેથી હાથ ફેરવ્યો અને એ તો આંખ બંધ કરી, શરીર રીલેક્સ કરી ગોઠવાઈ ગયો! પછી તો આ રૂટીન થતું ગયું. મારો પગરવ ઓળખીને હું નજીક આવું તો એની ભાષામાં મને બોલાવવી, પાણી કે ખાવાનું ખલાસ થયું હોય તો અવાજ ઊંચો કરી ફરિયાદ કરવી, અને રાત્રે એના માથે હાથ ફેરવી બે વાત ન કરું ત્યાં સુધી જવું જ નહિ એ પ્રથા એણે શરૂ કરી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે એના રૂટીનમાં ગોઠવાઈ ગઈ! એની હાજરી, અવાજ, આદતો, જરૂરતો, તકલીફો એ બધામાં હું ક્યારે ભળી ગઈ એ જ સમજાયું નહિ! એકવાર મુંબઈથી દીકરીઓ સાથે skype પર વાત કરતાં મને જોઈ, સાંભળી એણે લેપટોપના સ્ક્રીન પર કૂદકો માર્યો, મારી પાસે આવવા, અને મારા રહ્યા સહ્યા બંધ પણ છૂટી ગયા .. સહજ મમતાની આડે હવે કશું ય રહ્યું નહીં!

આઠમી ઓક્ટોબરે સવારે એણે સાડા પાંચ વર્ષ અમારી પાસે રહી કાયમી વિદાય લીધી – એની આગલી સાંજે પણ એની નાદુરસ્ત તબિયતે મારા ખોળામાં જ એ શાંતિથી થોડું ઊંઘ્યો હતો. 
એને વિદાય આપવાનું વ્યોમા માટે તો આકરું થયું જ,પણ મારા માટે પણ – કારણ કે એણે જ તો પોતાને સાવ સહજતાથી મને સમર્પી દઈ મને નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ કરતાં શીખવાડ્યું!

https://www.facebook.com/profile.php?id=1474836073&fref=nf

Loading

સફાઈમાં ખુદાઈ જોનારા લોકસેવક બબલભાઈ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|13 October 2014

શારીરિક શ્રમથી કસાયેલું શરીર, બીજાને માટે ઘસાઈ છૂટવાની વૃત્તિવાળું મન અને અટપટા પ્રશ્નનો તોડ કાઢી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિ – આ મારી કલ્પનાના સેવકની લાયકાત છે. ગ્રામસેવક આખરે તો પ્રજાનો સેવક છે. પ્રજા એની શેઠ છે. જે સેવકની જરૂરિયાત શેઠ કરતાં વધારે એની સેવા શેઠ કઈ રીતે લઈ શકે? સેવક તો એ કે જે વધારેમાં વધારે આપે અને ઓછામાં ઓછું લે."

રવિશંકર મહારાજે બબલભાઈ મહેતાના પુસ્તક 'મારું ગામડું'ની પ્રસ્તાવનામાં લોકસેવકની આવી વ્યાખ્યા આપી છે, પણ ખરું જોતાં તો આ બબલભાઈના વ્યક્તિત્વનો જ ચિતાર લાગે છે. બબલભાઈ ગુજરાતના એવા ઉચ્ચ કોટિના લોકસેવક હતા, જેમનું વ્યક્તિત્વ અને જીવન લોકસેવા કરવા તત્પર લોકો માટે એક આદર્શ પૂરો પાડે છે. ઉપદેશ નહીં પણ આચરણ થકી પ્રેરણામાં માનતા બબલભાઈનો ગંદકી સામેનો આજીવન સંઘર્ષ આજે સ્વચ્છ ભારત અભિયાનના દિવસોમાં યાદ આવ્યા વિના રહેતો નથી.

'સફાઈમાં જ ખુદાઈ'નો મંત્ર તેમણે માત્ર આપ્યો નહોતો, પરંતુ જીવી બતાવ્યો હતો. બબલભાઈ જેવો સ્વચ્છતા માટે સમર્પિત સેવક ગુજરાતમાં તો ઠીક આખા દેશમાં મળવો મુશ્કેલ છે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે બબલભાઈએ જીભ કરતાં પોતાના હાથનો ઉપયોગ વધારે કર્યો હતો. કહેવાય છે કે બબલભાઈ પોતાની સાથે કાયમ એક ઝાડું રાખતા અને જ્યાં ક્યાં ય પણ કચરો કે ગંદકી જુએ ત્યાં જાતે જ સફાઈકામ કરવા મચી પડતા. ગાંધીસંસ્કારના આદર્શ લોકસેવક એવા બબલભાઈનાં પગલાં જ્યાં જ્યાં પડયાં ત્યાં ત્યાં સ્વચ્છતાનો ઉજાસ ફેલાયો હતો.

બબલભાઈ મહેતાનું નામ નવી પેઢીના લોકો માટે અજાણ્યું છે, એ આપણા સમાજની નબળાઈ અને નગુણાઈ જ કહેવાય. જીવનના અંતિમ શ્વાસ સુધી લોકસેવામાં વ્યસ્ત રહેનારા બબલભાઈ ન કોઈ સંસ્થાના સભ્ય બન્યા કે ન કદી કોઈ સંસ્થા કે તંત્રનું પદ સંભાળ્યું. આવા અકિંચન લોકનેતાને યાદ રાખવા અને યાદ કરતા રહેવામાં આપણા સમાજનો જ સ્વાર્થ છે. ૧૦મી ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ સાયલા ખાતે જન્મેલા બબલભાઈનું બાળપણ તેમના વતન હળવદમાં વીત્યું હતું. માત્ર એક વર્ષની નાની ઉંમરે પિતા પ્રાણજીવનદાસના અવસાન પછી તેમનું લાલનપાલન માતા દિવાળીબાએ જ કરેલું. બબલભાઈના વ્યક્તિત્વ પર દિવાળીબાનો વિશેષ પ્રભાવ હતો, ખાસ કરીને તેમની સ્વચ્છતા અને કરકસરની બાબતમાં. પોતાની આત્મકથા 'મારી જીવનયાત્રા'માં તેમણે નોંધ્યું છે, "અમારું ઘર નાનું હતું, પણ બા રોજ રસોડાની દીવાલને સફેદ ખડીથી પોતું મારી લેતી ને જમીન ઉપર લીંપણ કરી લેતી એટલે ઘર નવું નવું થઈ જતું. મને એ બહુ ગમતું. અમારા ઘરમાં વાસણ થોડાં હતાં પણ બા એ ઊટકીને ચકચકિત રાખતી … મારા ઘડતરમાં મારી બાનો બહુ મોટો ફાળો છે." બાના સુઘડતા-સ્વચ્છતાના ગુણોથી આકર્ષાયેલા-પોષાયેલા બબલભાઈને કદાચ એટલે ગાંધીજીનો ગ્રામસફાઈનો વિચાર વધારે સ્પર્શી ગયેલો. બબલભાઈ માસરા કે થામણામાં રહેતા હોય કે અન્ય ગમે તે ગામ કે શહેરમાં ગયા હોય, સવારના એકાદ-બે કલાક તો તેઓ ગ્રામસફાઈમાં જ ગાળતા હતા.

બબલભાઈએ 'મારું ગામડું' નામના પુસ્તકમાં 'ગ્રામસફાઈ'ના પ્રકરણમાં આપણા દેશનાં ગામડાંઓમાં ગંદકી કેવડી મોટી સમસ્યા છે, એ વિશે લખ્યું છે, "શું ગામડાંના લોકોની ગરીબાઈનો સવાલ નાનોસૂનો છે? એમની દેવાદાર સ્થિતિનો પ્રશ્ન ઓછો વિકટ છે? કે બધા એવી મહત્ત્વની વાતો છોડીને સફાઈ સફાઈ કરી રહ્યા છે! – ગામડાનો અનુભવ ન હોય એવો માણસ સહેજે આવું બોલી ઊઠે. પણ ગામડામાં જે ગયો છે અને ત્યાં જઈને રહ્યો છે એને પાકો અનુભવ થયો છે કે, ગામડાની ગરીબાઈ, દેવાદાર સ્થિતિ અને એ ઉપરાંત હાડમારીઓનો કાંઈ પાર નથી, પણ એ બધાથીયે આગળ વધી જાય એવો – આપણી આંખ ફાડીને અંદર પેસી જાય એવો – પ્રશ્ન ત્યાંની ગંદકીનો છે."

આજીવન ગંદકી સામે જંગ ચલાવનારા બબલભાઈના જીવન-કાર્યમાંથી ત્રણ સ્પષ્ટ સંદેશા મળે છે, જે સ્વચ્છ ભારતના અભિયાનને સફળ જ નહીં સાર્થક કરવું હોય તો ગાંઠે બાંધી રાખવા જેવા છે. એક, લોકોને ઠાલો ઉપદેશ આપી દેવાથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવી જવાનું નથી, ગંદકીની જાતે સફાઈ કરીને જ તેમને સફાઈ માટે સભાન-સક્રિય બનાવી શકાશે. બીજો, ગંદકી પ્રત્યે લોકોમાં સૂગ ઉત્પન્ન કરવી પડશે અને તો જ માણસ ગંદકી કરતાં શરમાશે, ગંદકી કરતો અટકશે અને જ્યાં ગંદકી હોય ત્યાં સ્વચ્છતા માટે પ્રયાસ કરશે. ત્રીજો, ગંદકી સાફ કરવી એ કોઈ નીચલી ગણાતી જાતિના લોકોનું કામ નથી, એ આપણું સૌનું કામ છે. સફાઈના કામમાં શરમ પણ ન હોવી જોઈએ અને એ કામ કરનાર પ્રત્યે સૂગ કે હીન ભાવ તો ન જ હોવો જોઈએ.

એ પણ યાદ રહે કે બબલભાઈએ માત્ર સડક-મહોલ્લા નહીં લોકોનાં દિલોદિમાગ પણ સ્વચ્છ અને સ્વસ્થ કર્યાં હતાં. બબલભાઈ જેમ દેશનો દરેક નાગરિક સફાઈમાં ખુદાઈ જોતો થશે ત્યારે જ ગંદકીના દૈત્યને નાથી શકાશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “સંદેશ”, 12 અૉક્ટોબર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2997557

Loading

...102030...3,9483,9493,9503,951...3,9603,9703,980...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved