Opinion Magazine
Number of visits: 9456803
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રતન ટાટાઃ  વૈશ્વિક પ્રગતિના ધ્યેય સાથે બિઝનેસ થાય, જિંદગી કરુણા અને સેવા થકી જીવાય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|13 October 2024

રતન ટાટા એક એવા ઉદ્યોગપતિ હતા જેમને માટે નફો એક માત્ર ધ્યેય નહોતું, સામાજિક કલ્યાણ અને દેશની ઓળખ પણ તેમની વ્યવસાયી વિચારના અગત્યનાં પાસાં હતાં

ભારતના સૌથી શક્તિશાળી અને જેને અઢળક પ્રશંસા મળી હોય એવા ઉદ્યોગપતિ, એક એવી વ્યક્તિ જેણે ફેમિલી બિઝનેસને એક વિશાળ બિઝનેસ જૂથમાં ફેરવી નાખ્યો, પોતાના પ્રાણી પ્રેમના દૃષ્ટાંતો કોઇ પણ દેખાડા વિના આપનારા રતન ટાટા હવે નથી. તેમની સૌમ્ય પારસી પ્રતિભાએ લોકોના મનમાં ઘેરી છાપ છોડી છે.

ચિરંતના ભટ્ટ

ભારતમાં ઉદ્યોગની પૃષ્ઠભૂમિ પર ટાટા જૂથે દોઢસોથી વધુ વર્ષ પહેલાં પોતાનો પગદંડો જમાવ્યો હતો. અંગ્રેજો માટે અફીણના વ્યાપારથી માંડીને ટાટા જૂથની પહોંચ વિશે આજે ગણતરી કરવા બેસીએ તો રસોડાથી માંડીને આકાશની ઊંચાઇઓમાં ટાટા જૂથની પકડ અને પહોંચ છે. રતન ટાટાએ જ્યારે પોતાના ઉદ્યોગોમાં પ્રવૃત્ત થવાની શરૂઆત કરી, ત્યારે ભારત પણ પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યું હતું. ઉદારમતવાદી અર્થંતંત્રના વખતમાં ભારતના બિઝનેસ ગ્રૂપને ધીમા અને મક્કમ પગલે વૈશ્વિક ફલક પર મૂકી તેનો વિસ્તાર કરવો અને ઘર આંગણે દેશની ઓળખ બને એ રીતે કામ કરવું રતન ટાટાના વિશાળ વિઝનનું એક મહત્ત્વનું પાસું હતું. ભારતના ચોકઠામાં ગોઠવાય તેવા ભારતીયોની માગ અનુસાર બંધબેસે એવા વિદેશી બિઝનેસિઝને હસ્તગત કરીને વ્યવસાય અને વૈશ્વિક ઓળખ બન્નેનો વિસ્તાર કરતા રહેવામાં રતન ટાટાએ પાછા વળીને ન જોયું. ભારતીય અર્થતંત્રના વિકાસ સાથે ટાટાની સફળતાની ગાથા કદમથી કદમ મિલાવીને આગળ વધી અને માટે જ ભારતના અર્થતંત્ર પર તેનો ઘેરો પ્રભાવ રહ્યો.  ટાટાએ હસ્તગત કરેલા બિઝનેસીઝની યાદી લાંબી છે પણ તેમાંનાં કેટલાંક નામો એટલે ટેટલી, કોરસ, જાગુઆર લેન્ડ રોવર, બ્રુનર મોન્ડ, જનરલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોડક્ટ્સ, દેવુ, સ્ટારબક્સ વગેરે, આ યાદી લાંબી છે અને તેમાંથી કેટલાક જોડાણોની સફર બહુ લાંબી નહોતી.

રતન ટાટા તેમની બિઝનેસની સૂઝ, મજબૂત નૈતિક મૂલ્યો અને કોઇપણ બહુ મોટા વિવાદો વગરની કામગીરીને કારણે એક અલગ આભા ખડી કરી શક્યા. રતન ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ હોય એટલે સ્વાભાવિક છે તેમની પી.આર. ટીમ પણ હોય પણ તેમનું પી.આર. મેનેજમેન્ટ કરવામાં કે તેમની પબ્લિક ઇમેજ જાળવવામાં ક્યાં ય પણ વધુ પડતા દેખાડા, હોબાળા, પૈસાની રેલમછેલ હોય એવા કાર્યક્રમો ક્યારે ય ગણતરીમાં નહોતા લેવાયા. રતન ટાટાની છબી એક સૌમ્ય, મળતાવડા અને પ્રાણી પ્રેમી બિઝનેસ ટાયકૂનની જ હતી અને એમ જ રહી.

આજની પેઢી, જેન ઝી – જેને વારે તહેવારે ટ્રોમા થઇ જાય છે તેમણે રતન ટાટા પાસેથી ઘણું શીખવા જેવું છે. પોતે દસ વર્ષના હતા ત્યારે માતા-પિતા એકબીજાથી છૂટા પડ્યા અને દાદીએ તેમને ઉછેર્યા. કદાચ આ કારણે જ પારવારિક મૂલ્યો તેમને માટે અગત્યનાં રહ્યા, તેમણે પોતે તો પરિવાર ન વિસ્તાર્યો પણ જે તેમની સાથે જોડાયું તે તેમનો પરિવારનો હિસ્સો બન્યો. રતન ટાટા આર્થિક રીતે સદ્ધર ઘરમાં જ જન્મ્યા હતા. તેમણે એક તવંગર પરિવારના દીકરાને મળે એવું સરસ ભણતર પણ મેળવ્યુ હતું. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને હાર્વર્ડમાંથી મેનેજમેન્ટની અભ્ચાસ કર્યો હતો. આઇ.બી.એમ. જેવી કંપનીમાં નોકરી મળતી હોવા છતાં તેમણે મુંબઈ આવી ટેલ્કો(આજે ટાટા મોટર્સ)માં કામ કરવાનું શરૂ કર્યું. લાઇમ સ્ટોનને પાવડાથી ઊંચકવાથી માંડીને બ્લાસ્ટ ફર્નેસિઝની ટીમમાં પણ કામ કર્યું. ટાટા ગ્રૂપની જ અલગ અલગ કંપનીઓમાં કામ કરીને નવ વર્ષ સુધી તેમણે એમ્પ્રન્ટિસની માફક તાલીમ લીધી. ઘરનો બિઝનેસ હોય તો તમને ટોચ પર બેસતાં કોઇ રોકી નથી શકવાનું પણ એમ ન કરતાં તેમણે નીચેથી શરૂઆત કરી અને કામ કરતાં કરતાં પ્રગતિના પગથિયાં સર કર્યા. ડાયરેક્ટરના પદે પહોંચેલા રતન ટાટાએ 1991માં જે.આર.ડી. ટાટા પાસેથી ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ધૂરા પોતાના હાથમાં લીધી. રતન ટાટાએ જે રીતે બિઝનેસ વિસ્તાર્યો અને નવા બિઝનેસ પર ટાટા બ્રાન્ડની માલિકીનો સિક્કો માર્યો તેને કારણે સો દેશોમા ટાટાનું નામ પહોંચ્યું. આની સીધી અસર ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પણ થઇ અને તેને એક નવી તાકાત મળી, વિદેશી ધરતીમાં ઓળખ ખડી કરવાની તાકાત. રતન ટાટાને લીધે એક ભારત કેન્દ્રિય કંપન વૈશ્વિક બિઝનેસમાં ફેરવાઇ ગઇ.

રતન ટાટાના નેતૃત્વ હેઠળ કંપનીને એ રીતે વિસ્તારાઇ કે તમે રસ્તે ચાલતા હો અને ક્યાં ય પણ નજર પડે તો કોઇ એક ચીજ-વસ્તુ, સ્ટોર, વાહન કે અન્ય કોઇ બ્રાન્ડ – એમાં તેમને ટાટા તો નજરે ચઢી જ જાય. લોકો સાથે જોડાવાનો આનાથી વધારે મોટો કીમિયો તો શું હોઇ શકે? વર્ષોથી ટાટા નમક આપણા રસોડાની શાન રહ્યું છે તો હવે તો મસાલા અને પ્રિ-મિક્સ ખીરાં જેવું ઘણું બધું ટાટા સંપન્ન બ્રાન્ડ હેઠળ મળે છે. દુનિયાની સૌથી સસ્તી કાર નેનો – તેનો પ્લાન્ટ ગુજરાતમાં અને પછી ટાટા ઇન્ડિકા જેવી કાર જે ભારતના માહોલ સાથે મેળ ખાય – એ પણ ટાટા જૂથે જ આપણને આપી હતી. એક બિઝનેસ માટે તેના ધંધામાં સૌથી અગત્યનો હોય છે નફો – પ્રોફિટ પણ રતન ટાટા માટે બેલેન્સશીટમાં માત્ર નફો જ અગત્યનો નહોતો. તે પોતાના સામાજિક જવાબદારીમાંથી ક્યારે ય ન ચૂક્યા. ફિલાન્થ્રોફી એટલે કે પરોપકાર કરવામાં ટાટાએ પોતાની નાણાંની કોથળી છૂટી જ મૂકી દીધી હતી. વળી દાનની કે પરોપકારની વાત આવે ત્યારે ડાબો હાથ કરે તો જમણા હાથને પણ ન ખબર પડે વાળો નિયમ રતન ટાટાએ એટલી શાલીનતાથી નિભાવ્યો કે ન પૂછો વાત. ટાટા ટ્રસ્ટના નેજા હેઠળ વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપતા ટેક્નોલૉજી સેન્ટર્સ બન્યાં છે તો સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સસ્ટેનેબલ રહેઠાણોના પ્રોજેક્ટ માટે પણ ટ્રસ્ટે સારું એવું ભંડોળ આપ્યું છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જ્યાં એ ભણ્યાં ત્યાં પણ રતન ટાટાએ એક્ઝિક્યૂટિવ સેન્ટર બનાવવા માટે 50 મિલિયન ડૉલર્સનું દાન આપ્યું હતું તો ભારતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને આઇ.આઇ.એમ. જેવી સંસ્થાઓમાં ટાટા ટ્રસ્ટે નાણાંકીય સહાય કરી છે.

ટાટા ગ્રૂપ માટે સૌથી મોટો આઘાત 26/11ના આતંકવાદી હુમલો ગણાવી શકાય પણ એ હુમલામાંથી કળ વળી એ પછી હુમલાનો ભોગ બનેલાઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે રતન ટાટાએ તાજ પબ્લિક સર્વિસ વેલફેર ટ્રસ્ટ ખડું કર્યું. રતન ટાટાએ બદલાતા સમય સાથે બદલાવામાં કોઇ કચાશ ન છોડી અને માટે જ તેમણે સ્ટાર્ટ-અપ્સનો ટ્રેન્ડ આવ્યો ત્યારે લેન્સકાર્ટ, પેટીએમ, ઓનલાઇન સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલીટી જેવા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કર્યા. આવા લગભગ પચાસેક સ્ટાર્ટ-અપ્સને ટાટા જૂથનો ટેકો મળ્યો છે.

રતન ટાટાનું નામ ચર્ચામાં આવ્યું જ્યારે નીરા  રાડિયા ટેપ્સ અને વૈષ્ણવી એજન્સીના સમાચાર ઉછળ્યા એ પછી સાયરસ મિસ્ત્રીનું ટાટા ગ્રૂપમાં જોડાવું અને છૂટા પડવું એ પણ ચર્ચાનો વિષય બની રહ્યો. મિસ્ત્રીએ મતભેદો વિશે વાત કરી હતી જો કે જે ફેરફારો થયા તેની ઝાળ ભડકો બનીને ગણતરીના દિવસોમાં બુઝાઇ ગઇ અને ટાટા જૂથની કામગીરી ક્યાં ય અટકી નહીં. રતન ટાટાએ એક બાબતે બહુ ચિવટ રાખી, તેમણે ભ્રષ્ટાચારને ક્યારે ય પોતાના બિઝનેસ નજીક ફરકવાન દીધો. જરૂર પડી ત્યારે તેમણે પોતાના એક સમયના ખાસ ગણાતા, તેમની પાસે તાલીમ પામેલા દિલીપ પેંડસે સામે ક્રિમિનલ ચાર્જીઝ કર્યા હતા કારણ કે તેમણે ટાટા ફાઇનાન્સમાં ગોટાળા કર્યા હતા. આ ફરિયાદને પગલે દિલીપ પેંડસેને જેલ ભેગા થવું પડ્યું હતું. રતન ટાટાની સૌમ્યતામાં કડક નિર્ણય શક્તિ પણ હતી જો કે માણસ પારખવામાં તેમણે થાપ ખાધી હશે એવું નીરા રાડિયા કેસ અંગે કહી શકાય બાકી રતન ટાટા વિશે કહેવાય છે કે તે પોતાના ફોન પણ જાતે ઉપાડતા, તેમના સુધી પહોંચવું અશક્ય નહોતું અને તેમની સલુકાઇના કિસ્સાઓ સદીઓ સુધી લોકોની વાતચીતનો હિસ્સો બની રહેશે.

આ એ જ રતન ટાટા હતા જે 2021માં પોતાની કંપનીના કર્મચારીની બે વર્ષથી બિમાર હોવાની જાણ થતાં તે પોતે ખબર-અંતર કાઢવા પૂના પહોંચ્યા હતા. રતન ટાટાની વિદાયનો એક ઘેરો શોક છવાયો છે અને લોકો એક કિંવદંતીની માફક તેમને હંમેશાં વાગોળશે, યાદ કરશે અને તેમનાં મૂલ્યોમાંથી શીખવાનો પ્રયાસ કરશે. રતન ટાટાની આભાએ બહુ લોકો પર પ્રભાવ પાડ્યો અને તે એક એવી મશાલ સાબિત થયા જે અંતે સૂર્ય બનીને લાખો લોકોની જિંદગીને ઉજાળતા રહ્યા. રતન ટાટાએ પોતાની પદવી અને પ્રતિભાનો બોજ ન તો પોતાના પર આવવા દીધો ન અન્યો પર. તેમના વિશે કહેવા માટે ઘણું બધું છે પણ તેમને વિશે કહેવા કરતાં તેમની રીતે જીવી શકવાનો વિચાર કરવો, તેમના જીવન પરથી કંઇક શીખવાનો પ્રયાસ કરવો વધારે યોગ્ય શ્રધ્ધાંજલિ બની રહે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

ટાટા સન્સના ગ્લોબલ હેડક્વાર્ટર બોમ્બે હાઉસમાં આરામ કરતા શેરીનાં કૂતરાંઓ સચવાશે કારણ કે રતન ટાટાએ એક એવો વારસો છોડ્યો છે જેમાં કાળજી સૌથી ટોચ પર આવે છે. તેમની સાથે જોડાયેલાઓમાં શિસ્ત અને મૃદુતા આપ મેળે આવી જ જતી હોય છે એવું સતત સાંભળવા મળે છે. એક એવું રતન જેનો ઉજાસ આવનારાં વર્ષોમાં પણ લોકોને માટે માર્ગદર્શક બની જશે. રતન ટાટાને વારસામાં જે મળ્યું તે તેમણે વિસ્તાર્યું, તેમનાં મૂલ્યો અલગ હતાં અને તેને તે વળગી રહ્યાં પણ તે એક પાક્કા બિઝનેસમેન હતા, ભલમનસાઇમાં ભૂલો કરીને હાથમાંથી વસ્તુઓ જવા દેવાની ભૂલ તેમણે નહોતી કરી. હા ખોટાં બિઝનેસ ડિસીઝન ક્યારેક લેવાઇ શકે પણ તેનો અર્થ એમ નથી એ મૃદુ વ્યક્તિત્વમાં લોખંડી તત્ત્વ નહોતું, માત્ર તેનો ઉપયોગ અને પ્રદર્શન કરવાની પદ્ધતિ અલગ હતી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2024

Loading

કુનેહ અને માણસાઈનો સમન્વય એટલે રતન ટાટા

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2024

જહાંગીર રતનજી દોરાબજી ટાટા

રતન ટાટાના પુરોગામી જે.આર.ડી. (જહાંગીર રતનજી દોરાબજી) ટાટા વધારે નહીં તો, રતન ટાટા જેટલા જ વિલક્ષણ પ્રતિભાપુરુષ હતા, જેટલા રતન ટાટા હતા, પરંતુ તેઓ ગુજરી ગયા ત્યારે તેમનો એટલો મહિમા નહોતો કરવામાં નહોતો આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો છે. એવી ભવ્ય અંજલિઓ આપવામાં નહોતી આપવામાં આવી અને એટલી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી છે. મારી દૃષ્ટિએ તો જે.આર.ડી. પોતાનાં યુગ કરતાં ઘણાં આગળ હતા. તેમણે ટાટા જૂથને નવી ઊંચાઈ આપી હતી, ભારતીય ઉદ્યોગનું સંચાલન પરિવારો દ્વારા થતું હતું અને આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પેઢીગ્રસ્ત હતી ત્યારે જે.આર.ડી.એ ઉદ્યોગસંચાલનમાં પ્રોફેશનાલિઝમ દાખલ કર્યું હતું અને મેરીટ તેમ જ ટેલેન્ટની કદર કરતાં શીખવાડ્યું હતું. આ સિવાય તેઓ મુખર હતા. અનેક સામાજિક પ્રશ્નો વિષે ગભરાયા વિના શાસકોને કે સ્થાપિત હિતોને ન ફાવે એવી ભૂમિકા લેતા.

પણ જે.આર.ડી.નો એટલો મહિમા નહોતો કરવામાં આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો અને એવી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી. આનું કારણ સમકાલીન સમયના સંદર્ભો છે. આપણે ચીતરી ચડે અને ઉબકો આવે એવી શ્રીમંતાઈના યુગમાં જીવીએ છીએ. કયા શબ્દોમાં આજની શ્રીમંતાઈને ઓળખાવવી? ભદ્દી, અશ્લીલ, બેજવાબદાર, નીંભર, અસંસ્કારી એમ જે શબ્દ કે શબ્દ સમૂહ વાપરો એ ઓછા પડે છે. હજુ મહિના પહેલા જ આપણે આવી શ્રીમંતાઇનાં દર્શન કર્યા. રાજ્ય, ધર્મ અને મહાજન (સમાજનાં જે તે ક્ષેત્રમાં કોઈ સ્થાન ધરાવનારાઓ, આજની પ્રચલિત ભાષામાં સેલેબ્રિટીઝ) એમ એ ત્રણેય સંસ્થાના લોકો શેઠજીનાં ચરણોમાં બેઠા હતાં. છોકરાના વિવાહ પાછળ અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો અને એમાં હમણાં કહ્યા એવા ત્રણેય સંસ્થાના લોકો માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલતા હતા.

કાવ્યશાસ્ત્રમાં જુગુપ્સાને પણ રસ કહ્યો છે. શેઠજીને, શેઠજીના વૈભવનાં પ્રદર્શનોને અને માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલનારા કહેવાતા મોટા લોકોને જોઇને લોકો જુપ્સાનો અનુભવ કરતા હતા. ભાવક(લોકો)ને જ્યારે એક રસાનુભવ થતો હોય ત્યારે તેના મનમાં જે રસનો અભાવ છે એ રસની આપોઆપ નિષ્પત્તિ થતી હોય છે. બાય ધ વે, અહીં એક વાત જણાવી દઉં કે ઈરાનમાં ૧૯૭૯માં ઇસ્લામિક ક્રાંતિ થઈ એનું એક કારણ ઈરાનના રાજાનાં વૈભવનું અભદ્ર પ્રદર્શન હતું. એ શેઠજી નહોતા, રાજા હતા અને રાજાએ જ્યારે પુત્રનાં વિવાહ કર્યા અને જે રીતે ખર્ચો કર્યો તેણે લોકોને ક્ષુબ્ધ કર્યા. બાકી મુલ્લાઓ તો પહેલાં પણ ઇસ્લામની અને સાચા મુસલમાનનાં લક્ષણોની વાત કરતા હતા.

રતન ટાટા

રતન ટાટાને જે.આર.ડી. કરતાં પણ વધુ મહાન અંજલિઓ અને સામાન્ય લોકોની ઉપસ્થિતિવાળી ભવ્ય વિદાય મળી એનું કારણ હજુ મહિના પહેલા જુગુપ્સા રસે પેદા કરેલો સાત્વિક રસ હતો. એવો પણ આપણી વચ્ચે એક શ્રીમત હતો જે લગભગ આપણી જેમ જીવતો હતો. એવો પણ એક શ્રીમંત હતો જે ક્યારે ય પેટ ન ભરાય એવો ભૂખાળવો નહોતો, પણ ખાતાં પહેલાં કોઈને ખવડાવતો હતો. આપણી વચ્ચે કોઈ એક એવો શ્રીમંત હતો જે આપણી જેમ અનાજ ખાતો, પૈસાની નોટ નહોતો ખાતો. આપણી વચ્ચે એવો પણ એક શ્રીમંત હતો જે માનવીય મર્યાદાઓ જાળવવામાં માનતો હતો. દરેકનું મૂલ પૈસાથી નહોતો કરતો. આપણી વચ્ચે એક એવો શ્રીમંત હતો જે શાસકો, ધર્મગુરુઓ અને ઐશ્વર્યવાનોને માથે પેટ્રોમેક્સ મૂકીને પોતે તેમનાં કરતાં પણ વધારે શક્તિશાળી છે એવા નાશામાં નહોતો જીવતો. આપણી વચ્ચ એવો એક શ્રીમંત હતો જે પાળેલાં પ્રાણી અને અંગત સેવા કરનારા નોકરો સાથે પિતાની સમાન વહેવાર કરતો હતો. અને આપણી વચ્ચે એવો એક શ્રીમંત હતો જે સમાજ પાસેથી મળેલું સમાજને પાછું આપવામાં માનતો હતો.

જે રીતે રતન ટાટા જીવ્યા એ ટાટા પરિવાર માટે કોઈ નવી વાત નથી. ટાટા પરિવારની આ ખાનદાની જીવનશૈલી છે. સર રતન ટાટાએ ૧૯૦૯-૧૦ની સાલમાં ૨૫ હજાર રૂપિયા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા. એ જમાનામાં એ ઘણી મોટી રકમ હતી. ટાટાઓની પ્રજાકલ્યાણની સાર્થક સખાવતનો કોઈ જોટો નથી. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સ્ટડીઝ, ટાટા કેન્સર રિસર્ચ અને હોસ્પિટલ વગેરે સખાવતોનો દેશ પર મોટો ઉપકાર છે. ટાટાઓએ રાષ્ટ્રઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. માત્ર પૈસા કમાયા નથી, ખર્ચ્યા પણ છે. અને ઉપરથી અંગત જીવનમાં સાદગી. આ બધું જ રતન ટાટાના પુરોગામીઓ કરતા આવ્યા છે. લોકોએ રતન ટાટાને ભવ્ય અંજલિ આપીને વલ્ગર કેપિટાલીઝમના યુગમાં સંયમ, સાદગી અને સરોકારનો મહિમા કર્યો છે.

આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે રતન ટાટાએ એ સમયે ટાટાજૂથનું સુકાન સંભાળ્યું હતું જ્યારે ભારતમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. દેશે મિશ્ર અર્થતંત્ર આધારિત સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. એ પછી પ્રમાણમાં નિયંત્રિત મૂડીવાદનો માર્ગ અપનાવ્યો અને ગઈ સદીના છેલ્લા દશકમાં મુક્ત અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. હવે એક બાજુએ સરકારી અંકુશથી મુક્તિ મળવાની હતી તો વિદેશી ધનપતિઓની પ્રચંડ મૂડી સામે સરકારી રક્ષા પણ મળવાની નહોતી. તમારી તાકાતે તમે તમારી જગ્યા બચાવો અને બનાવો. રતન ટાટાએ જગ્યા બચાવી તો ખરી જ પણ હતી તેના કરતાં વધારે મોટી જગ્યા બનાવી. સ્થૂળ સ્વરૂપમાં મૂલ્યો સાથે સમાધાનો કર્યા વિના. શાસકોને ખરીદ્યા વિના અને શાસકોના આંગળિયાત બન્યા વિના. ક્રોની કેપિટાલીસ્ટની યાદીમાં ટાટાનું નામ નથી લેવામાં આવતું. રતન ટાટાએ ટાટાજૂથને બહુરાષ્ટ્રીય કંપની બનાવી.

તેમણે જ્યારે ટાટાજૂથની અને તેની કંપનીઓની પુન: રચના કરી એ એ સમયે તેમના માટે મોટો પડકાર હતો. રૂસી મોદી, દરબારી સેઠ, એસ. મૂળગાંવકર, અજીત કેલકર જેવા ઉંમરમાં મોટા અને ટાટાજૂથની પોતાનાં સંચાલન હેઠળની કંપનીને નવી ઊંચાઈ અપાવનારા જાયન્ટ હતા. પણ એ હતા વીતી રહેલા યુગના અને યુગ બદલાઈ રહ્યો હતો. રતન ટાટાએ એ બધા જાયન્ટોને આદરપૂર્વક પણ તેમની નારાજગી વ્હોરીને નિવૃત્ત કર્યા. ઇતિહાસ અને વારસાનાં નામે લાગણીશીલ થયા વિના એમ્પ્રેસ મિલ જેવી કંપનીઓને સંકેલી લીધી. મેનજમેન્ટમાં હજુ વધુ પ્રમાણમાં પ્રોફેશનલોને દાખલ કર્યા.

ટૂંકમાં કુનેહ અને માણસાઈ એમ બન્ને ચીજનો તેમનામાં સમન્વય હતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી — 268

દીપક મહેતા|Opinion - Opinion|12 October 2024

ગાંધીજી અને મુંબઈના જીવનનો એક યાદગાર દિવસ

૧૯૧૫ના જાન્યુઆરી મહિનાની નવમી તારીખ. શનિવાર. શિયાળો હજી ગયો નહોતો, અને ઉનાળાને આવવાને વાર હતી. જો કે તે દિવસે ભાગ્યે જ કોઈને એવો ખ્યાલ હતો, પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં આ દિવસ ખૂબ મહત્ત્વનો બની રહેવાનો હતો. તે દિવસે સવારે લગભગ સાડા સાત વાગે એસ.એસ. અરેબિયા નામનું જહાજ મુંબઈના બારામાં નાંગર્યું. બે ભૂંગળાંવાળું અને વરાળથી ચાલતું આ જહાજ ૧૮૯૮માં બંધાયું હતું અને તે પી. એન્ડ ઓ. નામની કંપનીની માલિકીનું હતું. કલાકના ૧૮ દરિયાઈ માઈલની ઝડપે ચાલતું આ જહાજ એ વખતે ખૂબ ઝડપી ગણાતું હતું. એ દિવસે એ જહાજ પર એક ખાસ મુસાફર અને તેમનાં પત્ની પણ હતાં. અગાઉથી સરકારની મંજૂરી લઈને એ બે મુસાફરો બીજા મુસાફરોની જેમ ગોદી પર નહિ, પણ એપોલો બંદર પર ઊતરે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાધારણ રીતે વાઈસરોય અને રાજામહારાજાઓ જ આ રીતે એપોલો બંદર પર ઉતરી શકતા. એવું અસાધારણ માન મેળવનાર એ બે મુસાફરો તે મોહનદાસ કરમચંદ ગાંધી અને તેમનાં પત્ની કસ્તૂરબા. 

જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા ઊતર્યાં એ ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાંનું એપોલો બંદર

ગાંધીજીને આવકારવા માટે એક ખાસ સ્ટીમ લોન્ચમાં મુંબઈના કેટલાક મહાનુભાવો એસ.એસ. અરેબિયા ઉપર ગયા હતા. તેમાં શેઠ નરોત્તમ મોરારજી, જમશેદજી બી. પીતીત, સર ભાલચંદ્ર કૃષ્ણ, બી.જી. હોર્નીમેન, બહાદુરજી વગેરેનો સમાવેશ થતો હતો. તો બીજી એક સ્ટીમ લોન્ચમાં નારણદાસ ગાંધી અને રેવાશંકર જગજીવન ઝવેરી ગાંધીજીને આવકારવા ગયા હતા. ગાંધીજી અને કસ્તૂરબા જ્યારે એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે તેમને આવકારવા ત્યાં સેંકડો લોકો એકઠા થયા હતા. મૂળ યોજના તો એપોલો બંદર પર ગાંધીજીનો જાહેર સત્કાર કરવાની અને પછી સરઘસ આકારે તેમને શહેરમાં લઇ જવાની હતી. પણ સરકારે તે માટે મંજૂરી આપી નહોતી. એટલે એ વાત પડતી મૂકવી પડી હતી.

મુંબઈમાં આવતાંવેંત સભાઓ, મુલાકાતો, મિજબાનીઓ માટેની માગણીઓનો તો જાણે વરસાદ વરસ્યો હતો. ગાંધીજી મુંબઈ આવ્યા તે જ દિવસે ‘બોમ્બે ક્રોનિકલ’ નામના અખબારને તેમણે મુલાકાત આપી હતી. ૧૦મી તારીખે ગાંધીજી કેટલાક કુટુંબીજનોને મળવા બજારગેટ સ્ટ્રીટ ગયા હતા. ત્યાં તેઓ પહેલી વાર સ્વામી આનંદને મળ્યા હતા. પછીનાં વર્ષોમાં સ્વામી ગાંધીજીના નિકટના સાથી બન્યા હતા. તે જ દિવસે કોટ વિસ્તારમાં બે સત્કાર સમારંભ યોજાયા હતા. કોટ વિસ્તારના રહેવાસીઓ તરફથી પ્રભુદાસ જીવણજી કોઠારીની વાડીમાં, અને મોઢ વણિક જ્ઞાતિ તરફથી જીવણદાસ પીતાંબરદાસના બંગલે. એ વખતે ૧૭ વર્ષની ઉંમરના રઘુનાથ બ્રહ્મભટ્ટનું નાટક ‘બુદ્ધદેવ’ મુંબઈના એમ્પાયર થિયેટરમાં આશારામ મૂળજીની નાટક કંપની ભજવી રહી હતી. તેમણે પણ ગાંધીજી માટે સમારંભ યોજ્યો હતો. આ નાટકનું એક ગીત ‘સાર આ સંસારમાં ન જોયો’ આજ સુધી નાટકપ્રેમીઓની જીભ પર રમતું રહ્યું છે. 

જે. બી. પીતિતના બંગલે પાર્ટીમાં ગાંધીજી અને કસ્તૂરબા

૧૧મી જાન્યુઆરીએ ઘાટકોપર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. રાવબહાદુર વસનજી ખીમજી પ્રમુખસ્થાને હતા. ચાંદીના કાસ્કેટમાં તેમને માનપત્ર અપાયું ત્યારે ગાંધીજીએ ભાષણમાં કહ્યું કે જેને માથે છાપરું નથી અને જેના ઘરને બારણાં નથી તેવા માણસને તમે સોના-ચાંદી આપો તે શા ખપનું? ૧૨મી જાન્યુઆરીએ ગાંધીજી અને કસ્તૂરબાના માનમાં એક શાનદાર સમારંભ પેડર રોડ પર આવેલા જે.બી. પીતિતના ‘માઉન્ટ પીતિત’ નામના બંગલે યોજાયો હતો. ત્યારે ૬૦૦ જેટલા ‘દેશી’ તેમ જ અંગ્રેજ મહેમાનો હાજર હતા. પ્રમુખસ્થાને હતા સર ફિરોઝશાહ મહેતા. એ સમારંભના ઠાઠ અને રૂઆબથી ગાંધીજી અકળાઈ ગયા હતા. કિંમતી ભેટો માટેનો અણગમો આ સમારંભમાં પણ તેમણે વ્યક્ત કર્યો હતો. 

૧૩મી જાન્યારીએ હીરાબાગ ખાતે બોમ્બે નેશનલ યુનિયન તરફથી સભા યોજાઈ હતી. તે માટેનું આમંત્રણ ન હોવા છતાં બાળ ગંગાધર ટીળક તેમાં હાજર રહ્યા હતા એટલું જ નહિ, ભાષણ પણ કર્યું હતું. ૧૪મી તારીખે ગુજરાત સભા તરફથી ગિરગામના મંગળદાસ હાઉસ ખાતે ‘ગાર્ડન પાર્ટી’ યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો. બંનેએ ગાંધીજીના મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો. ૧૪મી તારીખે જ ગાંધીજીએ મુંબઈના ગવર્નર લોર્ડ વિલિન્ગડનની મુલાકાત પણ લીધી હતી. ૧૫મી તારીખે સાંજે મુંબઈની સ્ત્રીઓ તરફથી કસ્તૂરબાને માનપત્ર આપવામાં આવ્યું હતું. માધવ બાગમાં યોજાયેલા સમારંભમાં લેડી ફિરોઝશાહ મહેતા પ્રમુખસ્થાને હતાં. તે જ દિવસે ગોપાળ કૃષ્ણ ગોખલે મુંબઈ આવતાં ગાંધીજી તેમને મળવા ગયા હતા. તે જ દિવસે રાત્રે ગાંધીજી અને કસ્તૂરબા પોરબંદર, રાજકોટ, વગેરે કાઠિયાવાડનાં શહેરોમાં જવા માટે ટ્રેનમાં નીકળ્યાં. બંનેએ થર્ડ ક્લાસમાં મુસાફરી કરી હતી. એ વખતે કાઠિયાવાડ જવા માટે વિરમગામ સ્ટેશને ટ્રેન બદલવી પડતી. એ સ્ટેશને બ્રિટિશ રાજ્યની હદ પૂરી થતી અને દેશી રાજ્યોની હદ શરૂ થતી. એટલે વિરમગામ સ્ટેશને બધા મુસાફરોનો સામાન ખોલાવીને તપાસતા અને જકાત વસૂલતા. અને જરૂર લાગે તો મુસાફરની દાક્તરી તપાસ પણ કરતા. એ વખતે પ્લેગનો રોગચાળો ફેલાયો હતો અને મુસાફરીને દિવસે ગાંધીજીને થોડો તાવ હતો. એટલે એમની દાક્તરી તપાસ થઇ હતી પણ તેમને રોકવામાં આવ્યા નહોતા.  

૧૯૧૫મા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યાં ત્યારે ગાંધીજી અને કસ્તૂરબા

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિન્દુસ્તાન પાછા આવ્યા તે પછી પચાસ વર્ષે, ૧૯૬૫માં, કનૈયાલાલ મુનશીએ લખ્યું હતું : “સૌ પ્રથમ તો ગાંધીજીએ અહિંસક આંદોલન દ્વારા રામરાજ્ય સ્થાપવાની વાત કરી ત્યારે એ કાળના નેતાઓએ એને સ્વપ્નદૃષ્ટાની તરંગલીલા કહી; ઘણાએ એમની વાતને હસી કાઢી; તેઓને લાગ્યું કે અવ્યવહારુ ધર્માત્માનું આ આંધળું સાહસ છે. પરંતુ ગાંધીજીની આ નવી પદ્ધતિ એ પછી તેમની પ્રેરણામાંથી જાગેલા આંદોલનમાં અજમાવાઇ, અને તેનું સામર્થ્ય સૌને સમજાયું. ગાંધીજીનો અહિંસાનો આગ્રહ નિર્બળતામાંથી નહોતો પ્રગટ્યો. એ શક્તિમાંથી આવ્યો હતો.” મુનશીના આ શબ્દો વાંચતાં સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીને અંજલિ આપતાં કવિ કરસનદાસ માણેકે લખેલા લાંબા કાવ્ય ‘કલ્યાણયાત્રી’ની બે પંક્તિ યાદ આવે છે :

સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે,

ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે.

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 ઓક્ટોબર 2024
E.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...393394395396...400410420...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved