Opinion Magazine
Number of visits: 9695811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરાહનીય ‘યજ્ઞ’ કાર્ય

ડંકેશ ઓઝા|Opinion - Opinion|9 November 2014

તા. ૧૨-૧૦-’૧૪ને રવિવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ‘અહિંસા શોધ ભવન’માં યજ્ઞ પ્રકાશનના ઉપક્રમે તાજેતરનાં બાર પ્રકાશનોનો લોકાર્પણ કાર્યક્રમ અને બપોરના ભાગમાં પખવાડિક ‘ભૂમિપુત્ર’ના વાચકોના મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રોતાઓની સંખ્યા પ્રમાણમાં બંને કાર્યક્રમોમાં સારી રહી. આજના સમયમાં આ પ્રવૃત્તિનુ જે મહત્ત્વ છે તે દૃઢીભૂત થયું.

૧૯૫૩થી ‘ભૂમિપુત્ર’ સામયિક પ્રગટ થાય છે. શરૂઆતમાં તે દસવારિક હતું. ભૂદાન આંદોલનના એ દિવસોમાં સામયિક શરૂ કરવાનાં બીજ સાબરમતી આશ્રમમાં મળેલી ચારેક મિત્રોની મંડળીમાં રોપાયેલાં, જેમાં પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સૂર્યકાંત પરીખ હતા, સાથે ભાઈદાસ પરીખ વગેરે પણ ખરા. ચુનીકાકાએ સંસ્મરણો વાગોળતાં પ્રબોધ ચોકસીને આ મિત્રમંડળીમાં ખરા ‘જિનિયસ’ ગણાવ્યા! આખી પ્રવૃત્તિનો ઘણો બધો યશ તેમને જાય છે એમ પણ કહ્યું. સમયાન્તરે સૂર્યકાન્ત પરીખ સિવાયના આ ત્રણ મિત્રો ઉપરાંત ભીખુ વ્યાસ, મહેન્દ્ર ભટ્ટ, કાંતિ શાહ વગેરે તંત્રીપદે કામ કરતા રહ્યા અને અત્યારે રજનીભાઈ દવે, સ્વાતિ અને પારુલ દાંડીકરની નવી ટીમ આ સંપાદન-પ્રકાશન કાર્યમાં સક્રિય છે.

૧૯૭૫ના કટોકટીકાળમાં ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ સરકારે નાગરિકોની અભિવ્યક્તિને ગળે ટૂંપો દેવાનું પાપકાર્ય કર્યું ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલની રાજ્ય સરકારને કારણે ગુજરાત લોકશાહીનો એક ટાપુ બની રહેલું. તે સમયે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’, આ બે સામયિકોએ પ્રેસની આઝાદીનો ઝંડો ફરકતો રાખેલો. આજે ગુજરાતનાં ત્રણ વિચારપત્રો ગણાય છે : નિરીક્ષક, નયામાર્ગ અને ભૂમિપૂત્ર. બૌદ્ધિક અને શિક્ષિત સમાજમાં તેનાં ગૌરવપૂર્વક ઉલ્લેખ થાય છે. તેમાં ‘ભૂમિપુત્ર’નું ઘણું મોટું યોગદાન રહેલું છે.

સર્વોદય-ભૂદાન-વિનોબાના વિચારને સમર્પિત આ સામયિક વ્યાપક લોકહિતની બાબતોને પણ નિશ્ચિત રીતે ઉજાગર કરતું રહ્યું છે પછી તે આઝાદીની વાત હોય, ખાદી કે બુનિયાદી શિક્ષણની વાત હોય, અણુશક્તિ અને તેનાં દુષ્પરિણામોની વાત હોય, જળ-જમીન-જંગલ કે સમગ્ર પર્યાવરણની વાત હોય કે રાજ્યનાં ગૌચરો અદૃશ્ય થઈ રહ્યાં હોય તેની વાત હોય – આ બધી વખતે ‘ભૂમિપુત્ર’એ આખા સમાજનું ધ્યાન આ પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે અભ્યાસપૂર્ણ લેખો લખીને કે નાની-મોટી ચળવળોના અહેવાલો આપીને દોરતાં રહેવાનું પુણ્યકાર્ય સાતત્યપૂર્ણ રીતે કર્યું છે. આ જ વિષય પરનાં પ્રકાશન પણ તેણે કર્યાં છે.

સમગ્ર કાર્યક્રમની નોંધનીય બાબત એ હતી કે પ્રકાશનોના લેખકોએ અને કવચિત ઈન્દુકુમાર જાની અને પ્રકાશ ન. શાહ જેવા સમીક્ષકો, જે આ પૈકી કોઈ પુસ્તક સાથે પ્રસ્તાવના મારફતે જોડાયા હોય તેમને પણ પુસ્તકના લોકાર્પણ અને તેના પરિચયમાં સામેલ કરવામાં આવ્યા હતા. ‘ભૂમિપુત્ર’નાં પૂર્વ સંપાદકો ઉપરાંત ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ના તંત્રીઓનું તથા સામયિક તેમ જ પુસ્તકોના છાપકામ સાથે સંકળાયેલા પ્રેસના મનીષભાઈનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શુક્લ અને સાગર રબારીનાં પુસ્તકો સાંપ્રત સમસ્યાઓ વિશે એક રીતે આંખ ઉઘાડનારાં અને બીજી રીતે માર્ગદર્શક બની રહે એવાં છે. છેલ્લાં પાનાની વાર્તા અને તે પણ પ્રાદેશિકભાષાની વાર્તા ‘ભૂમિપુત્ર’નું ઘરેણું મનાયું છે. અગાઉ હરિશ્ચંદ્ર બહેનો લાંબા સમય સુધી આ કામ સંભાળતી હતી. તે પછી આશા વીરેન્દ્ર સારી રીતે તે કરે છે એવી વાર્તાઓનો ‘તર્પણ-૨’ નામે બીજો સંગ્રહ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો.

ચિંતાનો વિષય એ છે કે દેશની સમસ્યાઓ બાબતે આપણે નવી પેઢીને સામેલ કરવામાં ઊણા ઉતર્યા છીએ. શ્રોતાજનોમાં ભાગ્યે જ નવીપેઢીના પ્રતિનિધિઓ દેખાતા હતા. પ્રાધ્યાપક સંજય શ્રીપાદ ભાવે, ચંદુ મહેરિયા (દલિત અધિકાર), ભદ્રાબહેન સવાઈ અને આ લખનાર વગેરેએ વાચકો તરફથી ‘ભૂમિપુત્ર’ના સંપાદનની શક્તિઓ-નબળાઈઓ વિશે નુક્તેચીની કરી હતી.

છએક લાખના રૂપિયાના વાર્ષિક વેચાણ સાથે યજ્ઞ પ્રકાશન પોતાની પ્રવૃત્તિ સમાજના હિતમાં હાથ ધરી રહ્યું છે. ત્રણેક હજાર નકલો સાથે ‘ભૂમિપૂત્ર’ સામયિક સમાજની સમસ્યાઓ બાબતે વાચકોને જાગ્રતિ અને અભ્યાસનું ભાથું પૂરું પાડે છે. યજ્ઞ પ્રકાશનમાં પુસ્તકો સુઘડ રીતે અને પડતર કિંમતે મૂકાતાં હોય તેવું આપણે જોતાં આવ્યાં છીએ. દિગજ્જ સંપાદકોના ગયા પછી પણ આ યજ્ઞકાર્ય બરાબર ગતિએ ચાલતું રહ્યું છે તે આનંદદાયક અને સંતોષજનક બાબત છે, જે માટે ગુજરાત ગૌરવ અનુભવી શકે. આવો રૂડો અવસર યોજવાનું ‘નવી ટીમ’ને સૂઝી આવ્યું તે બદલ સંબંધિત સર્વને અભિનંદન.

આ પ્રસંગે પ્રકાશિત પુસ્તકોની યાદી …

૧. જીવનની વાતો – વિનોબા ભાવે

૨. નિંદ્રા સમાધિ સ્થિતિ – વિનોબા ભાવે

૩. આધુનિક યુગના આંતરપ્રવાહ – ગોવર્ધન દવે

૪. ખુદાઈ ખિદમતગાર – અનુ. સં. અમૃત મોદી

૫. ચિંતનનો ચંદરવો – રોહિત શુક્લ

૬. મોતનાં વાવેતર – સં. સ્વાતિ દેસાઈ

૭. ખેડૂત : ટકી રહેવાની મથામણ – સાગર રબારી

૮. ગુજરાત સરકારના કાયદા અને ગામડાં – સાગર રબારી.

૯. નર્મદા કિનારો : યાત્રાધામ કે પ્રવાસ ? – લખનભાઈ

૧૦. આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો – મોહન દાંડીકર

૧૧. તર્પણ – ૨ (વાર્તાસંગ્રહ) – આશા વીરેન્દ્ર

૧૨. આવો, નવી દુનિયા બનાવીએ – સં. રજની દવે

સ્વાગત સિટી, અડાલજ, ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 09

Loading

બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 November 2014

બુનિયાદી સવાલ શિક્ષણની તરાહનો ?

ગૂજરાત વિદ્યાપીઠ : વર્ણ અને વર્ગને ઓળાંડી જવાની શૈક્ષણિક મથામણના નવ દાયકે,

‘યુજીસી ગાઈડલાઈન્સ’ની પેલી મેર …

કોઈકે, કદાચ ધીરુભાઈ ઠાકરે એ મતલબનો પેરેલલ અંકિત કર્યો છે કે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ અને દીવાબત્તી એક સાથે આવ્યાં! અહીં અભિમત બાબત અલબત્ત સ્થૂલ સાલવારીની નથી. એ તો થોડી આઘીપાછી પણ વખત છે ને હોઈ શકે. પણ મુદ્દાની વાત એ છે કે આપણા વિશ્વકોશકારને ગાંધીજીનું શૈક્ષણિક પ્રસ્થાન, એકદમ જ જાણે કે ‘ભોમંડળમાં અજવાળું’ થયા જેવું લાગ્યું હતું. નવેમ્બર 2014માં આ પેરેલલ સાંભરી આવ્યો તે માટેનો ધક્કો અલબત્ત વિદ્યાપીઠના કુલનાયક (વાઈસ ચાન્સેલર) સંબંધે અને વિદ્યાપીઠ આસપાસ તાજેતરના દિવસોમાં જે બધો ઊહાપોહ ચાલ્યો તેને કારણે છે. સુદર્શન આયંગારનું સ્થાન હવે યથાસમય અનામિક શાહ લેશે. જો કે સર્ચ કમિટીની નિમણૂકને (અને તેથી કુલનાયકની વરણીને) કોઈક વર્તુળો પડકારવા ઈચ્છે છે એવા હેવાલો છે. પણ આ આખા ઘટનાક્રમને નકરી ટેકિનકાલિટીમાં ખતવી નાખવાથી વિદ્યાપીઠ નામે ઘટનાનો મરમ અને માયનો સમજવાથી વંચિત રહીએ એવું યે બને.

ભોમંડળમાં અજવાળા જેવો એક અનુભવ, એમ તો, 1857માં પણ ક્યાં નહોતો થયો? જેવો કહો તેવો પણ એક વિપ્લવ ત્યારે થયો હતો જેણે કંપની બહાદૂરના અંગ્રેજી રાજને પડકારવાપણું જોયું હતું. પણ આ જ 1857નું વરસ પાછું મુંબઈ યુનિવર્સિટીની સ્થાપનાનું પણ વરસ છે ! સાંસ્થાનિક રાજ સામે સામંતી તો સામંતી પણ એ જો એક સ્વરાજ ઉછાળો હતો તો જેની ખરે જ ખાસી જરૂર હતી એવા નવા જ્ઞાન અને નવી કેળવણી વાસ્તે યુનિવર્સિટીના આરંભનો પણ એ હરખ ઉછાળો હતો.બીજી પાસ, ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતન જેવા પ્રયાસો છતી નવી યુનિવર્સિટીઓએ ભારતીય છેડેથી કાંક જુદું જે જરૂરી જણાયું એમાંથી આવ્યા હતા. હકીકતે, 1915માં ગાંધીજી આફ્રિકાનો વસવાટ સંકેલી ભારત પાછા ફર્યા તે આગમચ એમણે ત્યાંના આશ્રમસાથીઓને  દેશમાં મોકલી ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં  રહેવા પણ સૂચવ્યું હતું. ગાંધીજી દેશ પરત ફર્યા પછી આ સાથીઓની સંભાળ લેવા શાંતિનિકેતન ગયા ત્યાં જ એમની કાલેલકર અને કૃપાલાની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી, જે બંને આગળ ચાલતાં ગૂજરાત વિદ્યાપીઠ મારફતે નવગુજરાતનું ઘડતર કરવામાં અગ્રભૂમિકા ભજવવાના હતા.

પાછલા ઇતિહાસમાં જરી લાંબે ગયો છું, પણ ઉતાવળે એક વિગત કરી લઉં કે શાંતિનિકેતન અને કાંગડી તરેહનો નહીં પણ બ્રિટિશ ધાટીએ યુનિવર્સિટી પરંપરાનો કહી શકાય એવો એક મહદ્દ પ્રયાસ મદનમોહન માલવીયે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય(બનારસ હિંદુ યુનિવર્સિટી)રૂપે કર્યો હતો. એમાં પ્રાચીન ભારતીય ખેંચાણ અને પરદેશી સરકારની માન્યતા બેઉની અજબ જેવી મિલાવટ હતી. એલિટિસ્ટ ટાપુલોક, પ્રાચીનમતિ, વ્યાપક બહુજનસમાજથી વિખૂટા એક નવા બાબુવર્ગનો ઉદય આપણી યુનિવર્સિટી પ્રથામાં એને કારણે થઈ રહ્યો હતો. ગાંધીને આ યુનિવર્સિટીઓથી શક્ય જ્ઞાન પ્રાપ્તિ બાબતે કદર નહોતી એવું નથી, પણ અંગ્રેજી રાજ વેળાની જ યથાસ્થિતિ (સ્ટેટસ કો) સ્વરાજમાં પરબારી સંક્રાન્ત થવાની હોય એટલે કે ભદ્રલોક, બાબુલોગ એક પા અને લોક બીજી પા એવાં જુવારાં રહેવાનાં હોય તો એ સ્વરાજ અને નવી દુનિયા વિશેની એમની સમજના મેળમાં નહોતું. તેથી એમણે જેમાં જાતમહેનત અંગભૂત હોય એવી નવી કેળવણીની કોશિશ કરી અને વિદ્યાપીઠ મારફતે જો એક વૈશ્ય થકી શક્ય હોય તો બ્રાહ્મણનો ધર્મ બજાવવાનું ઋષિકાર્ય કર્યું. વર્ણ અને વર્ગ બંનેને ઓળાંડી જતી અને જન જનના જુવારાં ભાંગવા મથતી એ નવી કેળવણીની કોશિશ હતી : આ અર્થમાં વિદ્યાપીઠ ને દીવાબત્તી બેઉ સાથે આવ્યાં એ પેરેલલને જોવા જેવો છે.

સ્વરાજની ચળવળ વખતે તો જાણે સમજ્યા કે બનારસ હિંદુ યુનિવર્સિટીથી વિપરીત ગૂજરાત વિદ્યાપીઠ સરકારથી નિરપેક્ષપણે ચાલવાનો આગ્રહ સેવે … પરંતુ, સ્વરાજમાં પણ એવું શા માટે? આ મથામણમાંથી આગળ ચાલતાં મોરારજી દેસાઈ અને રામલાલ પરીખે એક સમયે એવી પરિપાટી વિકસાવી જેમાં યુ.જી.સી. સાથે સંબંધ છતાં વિદ્યાપીઠનું સ્વતંત્ર વ્યક્તિત્વ યથાસંભવ બની રહે. આપણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે સરકાર એટલે સરકાર, પછી તે અંગ્રેજ નહીં પણ સ્વરાજ હોય તો તે પણ; અને પક્ષ “અ’ નહીં ને પક્ષ “બ’ હોય તો પણ.

તેથી કથિત યુ.જી.સી. ગાઈડલાઈન્સ અને વિદ્યાપીઠની ભૂમિકા ટકરાયાના અખબારી હેવાલોની પેલી મેર જોવાની જરૂર છે : તમારું શિક્ષણ સરકારી (અને સવિશેષ તો કોર્પોરેટ) રાહે ચાલશે, કે પછી પ્રજાકીય રાહે? જો તે અખબારી હેવાલો કે અદાલતી ઊંચકનીચક, કશામાં આ મુદ્દો પકડાતો નથી એ આપણી સમજ કેવી દેકારાની દશા પામી હશે એની દ્યોતક બીના છે. 2020માં ગૂજરાત વિદ્યાપીઠ એક સૈકો પૂરો કરશે. કદાચ, એ સમય પાકી ગયો છે જ્યારે ગુજરાતનો નાગરિક સમાજ ચાલુ યુનિવર્સિટી પ્રથાથી કંઈક જુદા હોઈ શકતા આ પ્રયાસને ભલે તુલનાત્મક પણ સહૃદય ધોરણે તપાસે. જતીઆવતી સરકારો જેને પોતાના થાણા તરીકે નહીં પણ નવ્ય નાગરિકતા નીરક્ષીરવિવેકના ઠેકાણા તરીકે જુએ એવી સંસ્થાઓ વિકસાવ્યા વગર આપણો જયવારો હોવાનો નથી.

હજુ ઘણા મુદ્દા છૂટી જતા લાગે; પણ આ એકબે બુનિયાદી વાતો, પરિપ્રેક્ષ્ય રૂપે.

(લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)

સૌજન્ય :”દિવ્ય ભાસ્કર”, 08 નવેમ્બર 2014

Loading

… અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો છે.

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|7 November 2014

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો મહારાષ્ટ્રના રાજકારણ માટે ધરતીકંપ સમાન છે. લોકસભાની ચૂટણીમાં જેમ કોંગ્રેસને જેમ તેના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો મળી છે એમ મહારાષ્ટ્રમાં આ વખતે બન્યું છે. કોંગ્રેસ આમ તો અનેક રાજ્યોમાં અનેકવાર હારી છે, પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો પરાજય ઐતિહાસિક ઘટના છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસનો ગઢ હતો. ૧૯૬૭માં પહેલીવાર કોંગ્રેસના કેટલાંક રાજ્યોમાં અને કંઈક અંશે કેન્દ્રમાં વળતાં પાણી થયાં ત્યારે પણ મહારાષ્ટ્રમાં એની કોઈ અસર જોવા નહોતી મળી. જમણેરી મૂડીવાદી પક્ષ સ્વતંત્ર પક્ષનો ઉદય થયો અને એણે ગુજરાત અને રાજસ્થાનમાં રાજકીય જગ્યા બનાવી ત્યારે એને પણ મહારાષ્ટ્રમાં સફળતા નહોતી મળી. સ્વતંત્ર પક્ષે એટલું ગજું કાઢ્યું હતું કે ચોથી લોકસભામાં એ મુખ્ય વિરોધ પક્ષ હતો. દેશની આર્થિક રાજધાની ગણાતાં અને જ્યાં દેશનો સૌથી બહોળો મધ્યમવર્ગ હતો એ મુંબઈ શહેરમાં પણ સ્વતંત્ર પક્ષને સફળતા નહોતી મળી. ૧૯૬૯માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ નેતાઓ, અપવાદ વિના ઇન્દિરા ગાંધીની સાથે ગયા હતા. સદોબા પાટીલના કારણે મુંબઈ પ્રદેશ કોંગ્રેસ એ સમયની સંસ્થા કોંગ્રેસનું એકમ હતી, પણ એનું આયુષ ટૂંકું નીવડ્યું હતું. તરત જ મુંબઈ મહાનગરપાલિકા ઇન્દિરા ગાંધીની કોંગ્રેસના કબજામાં આવી હતી.

૧૯૬૨માં ઉત્તર મુંબઈમાં લોકસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આચાર્ય કૃપાલાણી અને વી. કે. કૃષ્ણ મેનન જેવા જાયન્ટ ઉમેદવાર હતા. કૃપાલાણી વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવાર હતા જેમને ઉદ્યોગપતિઓનો ટેકો હતો અને ધનપતિઓએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. ડાબેરી વિચાર ધરાવનારા મેનન કોંગ્રેસના ઉમેદવાર હતા. એ ચૂંટણી વખતે જમણેરી વલણ ધરાવનારા કોંગ્રેસીઓએ પણ પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ પડદા પાછળ રહીને કૃપાલાણીને ટેકો આપ્યો હતો. એક બાજુ મેનન વિરુદ્ધ સાગમટી તાકાત અને બીજી બાજુ હિન્દી નહીં બોલી શકનારા દક્ષિણ ભારતીય મેનન, જેમની પાસે એક જ મૂડી હતી; કોંગ્રેસનું બેનર. અત્યાર સુધીની પેટા ચૂંટણીઓમાં એ પેટા ચૂંટણી ઐતિહાસિક ગણાય છે અને એ ઐતિહાસિક પેટા ચૂટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. મુંબઈના મતદાતાઓએ ગાંધીવાદી કૃપાલાણીને નકાર્યા હતા અને સામ્યવાદી ગણાતા મેનનને કોંગ્રેસના ઉમેદવાર હોવાના કારણે આવકાર્યા હતા. આશ્ચર્ય એ વાતનું છે કે હજુ થોડા મહિના પહેલાં જ મેનન દેશના સંરક્ષણ પ્રધાન હતા અને ભારતનો ચીન સામે પરાજય થયો હતો. એ સમયે મેનન વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં ઉપયોગમાં લેવાતું સૂત્ર પણ મઝેદાર હતું : ચીની હમલા હોતા હૈ, મેનનસાબ સોતા હૈ. સોતા હૈ તો સોને દો, કૃપાલાની કો આને દો. જે માણસને દેશના પરાજય માટે કારણભૂત સમજવામાં આવે છે એનો પરાજય પછી થોડાક જ મહિનામાં મહારાષ્ટ્રમાં વિજય થયો હતો.

૧૯૭૭માં ઈમરજન્સી પછી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ એમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો, પણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ખાસ ઈજા નહોતી પહોંચી. ૧૯૭૮માં કોંગ્રેસનું વિભાજન થયું હતું જેમાં મહારાષ્ટ્રના કોંગ્રેસના શીર્ષસ્થ નેતા યશવંતરાવ ચવાણે ઇન્દિરા ગાંધીનો સાથ છોડ્યો હતો અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ અલગ કોંગ્રેસની સ્થાપના કરી હતી. જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસના શાસનવાળી રાજ્ય સરકારોને બરતરફ કરીને વિધાનસભાની ચૂંટણી યોજી હતી જેમાં એક રાજ્ય મહારાષ્ટ્ર પણ હતું. એ ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદાતાઓએ યશવંતરાવ ચવાણની ઉપેક્ષા કરીને કોંગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે વિજય અપાવ્યો હતો. એ પછી યશવંતરાવ ચવાણની રાજકીય કારકિર્દી રોળાઈ ગઈ હતી. જેમને મહારાષ્ટ્રના ઘડવૈયા તરીકે ઓળખાવવામાં આવે છે એ યશવંતરાવ ચવાણને ઇન્દિરા ગાંધીએ અપમાનીત કર્યા હતા. તેમને કોંગ્રેસમાં પ્રવેશ નહોતા આપતાં અને આપ્યા પછી તેમની ઉપેક્ષા કરતાં હતાં. યશવંતરાવ ચવાણ જેવા દિગ્ગજ નેતાનું અપમાન થવા છતાં મહારાષ્ટ્રના મતદાતાઓએ કોંગ્રેસનો સાથ નહોતો છોડ્યો.

દેશમાં કોંગ્રેસવિરોધી ગમે એવાં વાવાઝોડાં ફૂંકાય મહારાષ્ટ્રે ક્યારે ય કોંગ્રેસનો સાથ નહોતો છોડ્યો. ખાસ કરીને મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે ગાંધીવિરોધી ધ્રુવની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. ગાંધીનો અસ્વીકાર (ડિનાઈંગ ગાંધી) કરનારી વિચારધારા અને પ્રવૃત્તિમાં મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે. વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનારા ડૉ. હેડગેવાર મરાઠી હતા. સાવરકરે હિન્દુત્વવાદી વિચારધારા વિકસાવી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગાંધીવિરોધી પ્રવૃત્તિ શરૂ કરી હતી. સંઘનું નેતૃત્વ એની સ્થાપનાના ૮૯ વર્ષ પછી હજુ આજે પણ મરાઠી બ્રાહ્મણોના હાથમાં છે. સંઘની વિચારધારાનો દેશભરમાં પ્રચાર કરનારા મોટાભાગના પ્રચારકો હજુ આજે પણ મરાઠી બ્રાહ્મણો છે. દેશમાં સંઘનું સંગઠન ફેલાવનારા પૂરા સમયના સંગઠકો મરાઠી બ્રાહ્મણો છે. આમ મહારાષ્ટ્ર ગાંધીવિરોધ માટે અને હિન્દુત્વવાદી વિચારધારા માટે વિચારકો અને કાર્યકરો પેદા કરનારી ફળદ્રુપ ભૂમિ છે. ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસે મરાઠી હિન્દુત્વવાદી હતો. ગાંધીજીની હત્યાનું કાવતરું કરનારાઓ સાવરકર સહિત બધા જ મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી હતા. ગાંધીજીની હત્યા કરાઈ એ પહેલાં ગાંધીજીની હત્યા કરવાના પાંચમાંથી ચાર પ્રયાસ મહારાષ્ટ્રમાં થયા હતા.

મહારાષ્ટ્રની ફળદ્રુપ ભૂમિ મોટી સંખ્યામાં ગાંધીવિરોધી વિચારકો અને નેતાઓ આપે, તેઓ દેશમાં પ્રચંડ કદનું સંગઠન સ્થાપે, તેમને દેશમાં અન્યત્ર સફળતા પણ મળે, પણ મહારાષ્ટ્રમાં સફળતા ન મળે એનું કારણ શું? ગાંધીનાં ક્ષર દેહને અને અક્ષરદેહ(ગાંધીવિચાર)ને ખતમ કરવાના પ્રયાસ કરનારાઓ બધા જ મરાઠીઓ હોય એ પહેલું આશ્ચર્ય છે અને સામાન્ય મરાઠી પ્રજા તેમને ઘાસ ન નાખે અને ગાંધી અને ગાંધીની કોંગ્રેસની પડખે ઊભી રહે એ એનાથી પણ મોટું આશ્ચર્ય છે. એવું શું છે મહારાષ્ટ્રમાં જેણે ગાંધીવિરોધીઓને મોટી સંખ્યામાં પેદા કર્યા છે અને એવું શું છે મહારાષ્ટ્રની સામાન્ય જનતામાં જેણે આજ સુધી તેમને ફાવવા નહોતા દીધા?

મહારાષ્ટ્રની ભૂમિ ગાંધીવિરોધ માટે ફળદ્રુપ બની એનાં ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે ૧૮૧૮માં અંગ્રેજોએ પેશ્વાઓ પાસેથી સત્તા આંચકી લીધી અને એ સાથે મરાઠી બ્રાહ્મણોના શાસનનો અંત આવ્યો. પેશ્વાઓનું શાસન એટલું આતતાઈ હતું કે જયારે પૂનાના શનિવારવાડા પર અંગ્રેજોનો યુનિયન જેક ફરક્યો ત્યારે પૂનાના બહુજન સમાજે બ્રાહ્મણશાહી અત્યાચારોથી છુટકારો મેળવવા માટે રીતસર દિવાળી જેવી ઉજવણી કરી હતી. સત્તા ગુમાવવાની અસૂયા મરાઠી બ્રાહ્મણો ધરાવતા હતા અને મ્લેચ્છ સંસ્કૃિત સામે હિંદુ સંસ્કૃિતની સર્વોપરિતા શોધતા હતા. બીજું કારણ એ કે ગાંધીજી ભારતમાં આવ્યા અને લોકમાન્ય તિલકનું અવસાન થયું એ પછી દેશની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહારાષ્ટ્રના બ્રાહ્મણોના હાથમાંથી સરકી ગયું હતું જેણે અસુયામાં વધારો કર્યો હતો. આમાં પાછા ગાંધીજી ઉદારમતવાદીઓમાં પણ ઉદાર હતા. જેમ ભારતના મુસલમાનો અંગ્રેજો સામે સત્તા ગુમાવવાનો ઘાવ રૂઝાવા દેતા નહોતા એમ મહારાષ્ટ્રના બ્રાહ્મણો સત્તા અને વર્ચસ ગુમાવવાનો ઘાવ ભૂલવા માગતા નહોતા. ત્રીજું કારણ એ છે કે મહાત્મા ફૂલેએ બ્રાહ્મણશાહીની માનસિકતા અને બ્રાહ્મણોના અત્યાચારો વિરુદ્ધ આંદોલન શરુ કર્યું હતું. પેશ્વાઈની યાદ હજુ ભૂલાઈ નહોતી. તેમણે મહારાષ્ટ્રના બહુજન સમાજને જાગૃત કર્યો હતો જેણે આગળ જતા પ્રચંડ આંદોલનનું સ્વરૂપ પકડ્યું હતું. એ આંદોલન બ્રાહ્મણવિરોધી કે બ્રાહ્મણેતર આંદોલન તરીકે ઓળખાય છે.

બ્રાહ્મણવિરોધી આંદોલન ચલાવનારા બહુજન સમાજના નેતાઓ ગાંધીજીના આગમન પહેલા કોંગ્રેસનો વિરોધ કરતા હતા કારણ કે કોંગ્રેસનું નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું. ગાંધીજીના આગમન પછી સ્થિતિ પલટાઈ ગઈ હતી. ગાંધીજી પરવડે નહીં એટલી હદે ઉદાર છે એની ખાતરી થતાં સંકુચિત મરાઠી બ્રાહ્મણોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને તેઓ ગાંધીવિરોધી થઈ ગયા હતા. બીજી બાજુ ગાંધીજી પરવડે એવા પૂરતા પ્રમાણમાં ઉદાર છે એની ખાતરી થતાં બહુજન સમાજના નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગાંધીની કોંગ્રેસને મહારાષ્ટ્રના બહુજન સમાજે અપનાવી લીધી હતી. દેશમાં સર્વત્ર ગાંધીજીને બહુજન સમાજનો ટેકો સાંપડ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં બહુજન સમાજનો ટેકો ઝનુનપૂર્વકનો હતો કારણ કે એનાં મૂળમાં બ્રાહ્મણવિરોધ હતો. તમને આજે પણ ગાંધી ટોપી સૌથી વધુ મહારાષ્ટ્રમાં પહેરાતી જોવા મળશે. બ્રાહ્મણશાહીને નકારવાનું અને ગાંધીવિરોધી બ્રાહ્મણોને કોંગ્રેસવટો આપવાનું એક ઝનુન હતું. વિધિનો ખેલ જુઓ; મહારાષ્ટ્રના બહુજન સમાજને કોંગ્રેસની નજીક લઈ જવામાં યશવંતરાવ ચવાણનો મોટો ફાળો હતો. એ જ ચવાણે જયારે કોંગ્રેસમાંથી રુખસદ લીધી ત્યારે મહારાષ્ટ્રના બહુજન સમાજે તેમને સાથ નહોતો આપ્યો અને ચવાણે એકલા રઝળપાટ ભોગવવો પડ્યો હતો. કોંગ્રેસ છોડનારા નેતાને પણ છોડી શકે એવું ઝનુન મહારાષ્ટ્રનો બહુજન સમાજ ધરાવતો હતો.

ગાંધીજીની હત્યા પછી બ્રાહ્મણો સામે હુલ્લડો થયાં હોય એવું માત્ર મહારાષ્ટ્રમાં બન્યું હતું, કારણ કે ગાંધીજીનો હત્યારો મહારાષ્ટ્રનો બ્રાહ્મણ હતો. જાનહાનિ તો ખાસ નહોતી થઈ, પરંતુ ઠેકઠેકાણે બ્રાહ્મણોનાં ઘર બાળવામાં આવ્યા હતા. આજે જેમ ગામડામાં રહેતો અસુરક્ષિત મુસલમાન શહેરમાં સ્થળાંતર કરે છે એમ ત્યારે મોટા પ્રમાણમાં મરાઠી બ્રાહ્મણોએ ગામડાં છોડીને શહેરોમાં સ્થળાંતર કર્યું હતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરનું આવું બહોળું અને તીવ્ર વિભાજન મહારાષ્ટ્ર અને તામિલનાડુ સિવાય ભારતમાં બીજે ક્યાં ય નહોતું થયું. આમાં તમિલનાડુમાં બ્રાહ્મણો કોંગ્રેસ સાથે રહ્યા હતા એટલે ત્યાંનો બહુજન સમાજ કોંગ્રેસવિરોધી થઈ ગયો હતો જેને પરિણામે સાડા ચાર દાયકાથી DMK અને AIADMK તમિલનાડુમાં રાજ કરે છે. મહારાષ્ટ્રના સંકુચિત બ્રાહ્મણોએ ગાંધીવિરોધથી પ્રેરાઈને કોંગ્રેસનો સાથ છોડ્યો એટલે બહુજન સમાજે ઝનુનપૂર્વક કોંગ્રેસને સાથ આપ્યો હતો.

પણ હવે? હવે સમય બદલાઈ ગયો છે. હવે એ કોંગ્રેસ પણ નથી રહી અને હવે એ બહુજન સમાજ પણ નથી રહ્યો. મહારાષ્ટ્રમાં દાયકાઓથી સત્તા બહુજન સમાજના નેતાઓના હાથમાં છે અને તેમણે અંગત સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું છે. જેમ કોંગ્રેસના નેતાઓએ ગાંધીજી સાથે દગો કર્યો છે એમ બહુજન સમાજના નેતાઓએ મહાત્મા ફૂલે સાથે દગો કર્યો છે. મહારાષ્ટ્રના બહુજન સમાજે દાયકાઓ સુધી જેમને ઝનુનપૂર્વક સત્તાથી દૂર રાખ્યા હતા તેમને હવે સત્તાની નજીક લઈ ગયા છે અને કોંગ્રેસે તેનો ગઢ ગુમાવ્યો છે.

(‘નો-નોનસેન્સ’ કટાર)

e.mail : ozaramesh@gmail.com

Loading

...102030...3,9033,9043,9053,906...3,9103,9203,930...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved